sundari chapter 9 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૯

નવ

કૃણાલને વરુણે ધરપત તો આપી દીધી કે પોતે સુંદરીથી એટલો બધો આકર્ષિત નથી થયો, પરંતુ એ પોતાની જાતને આ અંગે ધરપત આપી શક્યો નહીં. ઘરે આવીને વરુણ સરખું જમ્યો પણ નહીં. ખબર નહીં પણ કેમ આજે તેને અજબ પ્રકારની બેચેની થઇ રહી હતી. આજે તો રાગીણીબેનના એક રોટલી વધુ ખાવાના આગ્રહને પણ એ માની શક્યો નહીં. સાંજે ઈશાનીએ અલગ અલગ બાબતે વરુણની મજાક ઉડાવી તો એનો વળતો જવાબ પણ તેણે ન આપ્યો. અરે! આજે આખા દિવસમાં તેણે ઇશાનીને એક વખત પણ કાગડી કહીને ન બોલાવી!

મોડી સાંજે હર્ષદભાઈએ પણ આદત અનુસાર વરુણની ટાંગ ખેંચવાના અસંખ્ય પ્રયાસ કર્યા પણ દર વખતે વરુણે જવાબમાં તેમને ફિક્કું સ્મિત જ આપ્યું.

વાત એમ હતી કે વરુણ ખુદ એ નક્કી નહોતો કરી શકતો કે તેને શું થયું છે એને આ બેચેની કેમ થઇ રહી છે? આ પાછળનું કારણ એ હતું કે તે હજી એ સ્વીકારી નહોતો રહ્યો કે તેને થઇ રહેલી આ બેચેની સુંદરીના અઢળક સૌંદર્યના થયેલા આકર્ષણને લીધે જ થઇ રહી છે. જે અન્ય કોઈ છોકરીઓને જોતા તેણે આકર્ષણની જે લાગણી અનુભવી હતી એના કરતા સાવ અલગ લાગણી તેને આજે થઇ રહી હતી પરંતુ આ કોઈ અલગ પ્રકારની લાગણી કેમ થઇ રહી છે તે વરુણ હજી સુધી નક્કી નહોતો કરી રહ્યો તેનું આ પરિણામ હતું.

કૃણાલની સમજાવટથી અને પ્રેમાળ ઠપકાથી આજે વરુણે મનમાં એક વાત પરાણે ઘુસાડી દીધી હતી કે તેને સુંદરી પ્રત્યે કોઈ આકર્ષણ થયું ન હતું. કારણકે એક તો એ ઉંમરમાં તેનાથી ઘણી મોટી છે અને બીજું એ તેની શિક્ષક છે એટલે આ બે કારણોસર તેણે પોતાના હ્રદયમાં સુંદરી વિષે કોઈજ ‘ખોટી’ લાગણી ઉભી કરવાની નથી.

પરંતુ એ રાત્રે વરુણ સરખું ઊંઘી શક્યો નહીં. આમતેમ માત્ર પડખાં ફરતો રહ્યો. છેવટે રાત્રે સાડા અગિયારે તેણે કૃણાલને વોટ્સ એપ પર મેસેજ કરી દીધો કે આવતીકાલે તે કોલેજ નહીં આવે એને કોઈ ખાસ કૌટુંબિક કામ છે. આવીને આવી બેચેનીમાં કૃણાલને મેસેજ કર્યા બાદ વરુણને ક્યારે ઊંઘ આવી ગઈ તેની તેને ખબર પણ ન પડી.

==::==

સવારે રોજના સમય અનુસાર એલાર્મ તો વાગ્યો પરંતુ વરુણે એને શાંત કરીને ફરીથી આંખો બંધ કરી દીધી. દસ મિનીટ બાદ રાગીણીબેન વરુણના રૂમમાં આવ્યા.

“બેટા ઉઠ ચલ કોલેજનો ટાઈમ થશે. કાલે રવિવાર છે એટલે આરામથી ઊઠજે.” વરુણની ચાદર ખેંચતા રાગીણીબેન બોલ્યા.

“ના મમ્મી આજે બે જ લેક્ચર્સ છે એટલે હું નથી જતો, સાડા નવે તો ફ્રી થઇ જઈશ. દોઢ કલાક માટે કોણ જાય?” આટલું કહી ઊંઘરેટી આંખે રાગીણીબેન સામે જોઇને વરુણ બોલ્યો અને ફરીથી ચાદર પોતાનું અસત્ય બોલી રહેલા ચહેરાને છુપાવવા માટે તેના પર ઢાંકી દીધી.

“જેવી તારી મરજી, પણ કાલે રાત્રે સુતા પહેલા જ કહી દીધું હોત તો હું પણ થોડી મોડી ઉઠતને? સુઈ જા પણ આઠ ન વગાડતો ભૈસાબ, પછી મારે ઘણા કામ પડ્યા છે.” રાગીણીબેન વરુણનો રૂમ છોડતા બોલ્યા.

વરુણની ઊંઘ તો એલાર્મ વાગવાની સાથે જ ઉડી ગઈ હતી પરંતુ ગઈકાલની બેચેનીએ હજી તેનો પીછો છોડ્યો ન હતો. પણ આ બેચેનીને તે એના પ્રેમાળ માતાપિતા અને ચકોર બહેન તેમજ કડક મિત્ર સામે લાવવા માંગતો ન હતો અને એટલે એ પથારીમાં જ પડી રહ્યો.

અચાનક જ વરુણને યાદ આવ્યું કે ગઈ રાત્રે એણે કૃણાલને પોતે કોલેજ નથી આવવાનો એવો મેસેજ કર્યો હતો તો કૃણાલે તેનો જવાબ આપ્યો છે કે નહીં એ એણે હજી સુધી જોયું જ નથી. વરુણે તરત જ પોતાની બાજુમાં પડેલા મોબાઈલને ઉઠાવ્યો અને વોટ્સ એપ ખોલ્યું અને દસ પંદર અનરીડ મેસેજીસમાંથી પાંચમો મેસેજ કૃણાલનો હતો એના પર એણે ટેપ કર્યું.

“ઠીક છે જેવી તારી મરજી, હું તો જવાનો.” વરુણના ગઈ રાત્રીના મેસેજના જવાબમાં કૃણાલે આ મુજબનો મેસેજ આજે સવારે લગભગ સવા પાંચે મૂક્યો હતો.

વરુણ અને કૃણાલ બાળપણના મિત્રો હતા એટલે વરુણને કૃણાલનો મેસેજ ભલે લખેલો હતો પરંતુ તેની પાછળનો કૃણાલનો ‘ટોન’ એને સમજાઈ ગયો કે કૃણાલતેનો ગઈ રાતનો મેસેજ વાંચીને જરૂર ગુસ્સે થયો હશે અને આ ગુસ્સો તેને એટલે જ આવ્યો હશે કારણકે તેને પોતાના આજે કોલેજ ન જવા પાછળનું કારણ પોતાની ગઈકાલની તેની સામેની વર્તણુંક જ છે એની ખબર પડી ગઈ હશે, આખરે કૃણાલ પણ તેને બાળપણથી જ ઓળખે છે ને?!

વરુણે કૃણાલનો મેસેજ વાંચ્યા બાદ તરતજ પોતાનો સેલફોન લોક કરી દીધો અને વિચારવા લાગ્યો કે હવે આજનો આખો દિવસ અને આવતીકાલનો રવિવાર એ શું કરશે? આવતીકાલે તો પપ્પા, ઇશાની અને બાજુમાં રહેતો એનો ખાસ મિત્ર કૃણાલ પણ ઘરે જ હશે! હવે જો એ પોતાની બેચેનીમાંથી આજે વહેલી તકે બહાર નહીં આવે તો તેણે તેની ચિંતા કરનારા અસંખ્ય લોકોના અણગમતા પ્રશ્નોનો જવાબ આવનારા બે-બે દિવસ સુધી આપવો પડશે.

એક સેકન્ડ વરુણે વિચાર્યું કે તે આજનો આખો દિવસ અને આવતીકાલનો આખો દિવસ લાઈબ્રેરીમાં અથવાતો એક-બે ફિલ્મો જોઇને વિતાવે આથી એણે પોતાના પ્રેમાળ પરિવારજનો અને મિત્રનો સામનો ન કરવો પડે અને સોમવારે તો કોલેજ ફરીથી શરુ થઇ જશે એટલે વળી લાઈફ પાછી ટ્રેક પર આવી જશે....

“...પણ એક મિનીટ! સોમવારે કોલેજમાં પણ આવું જ રહ્યું તો? આવું ક્યાં સુધી ચાલશે? આવું અચાનક જ મને કેમ થયું છે? મને કોઈની પણ મસ્તી કરવાનું મન નથી થતું, કોઈ છોકરીની યાદ નથી આવતી, ફ્લર્ટ તો સુજતું જ નથી.... કૃણાલને બધી વાત કરવી પડશે! ના...ના...વળી એ પાછો એકસાથે દસ લેક્ચર્સ ઝાડશે. એનામાં ક્યાં કોઈ ફીલિંગ જ છે? તો પપ્પાને? ના...ના... એ બહુ મોટા પડે! મમ્મીને તો કહેવાનો સવાલ જ નથી એ વળી ચિંતા કરવા લાગશે. ઈશાની? ના એ બહુ નાની પડે, થોડી મોટી હોત તો એને જ કહેત. તો...? હા...અરે હા! એજ...એજ... એની સામે જ મારું મન ખોલું. મેચ્યોર છે અને ફિમેલ પણ છે. એ મને સમજી જશે અને સાચી અડવાઈઝ પણ આપશે... હા એમ જ કરું!” અચાનક જ વરુણને પોતાની સમસ્યાના ઉકેલ માટે એક નામ સુઝ્યું અને એણે પોતાનો મોબાઈલ ઉપાડ્યો.

“સિસ્! આજે છેલ્લું લેક્ચર સ્કિપ કરીને મને રોઝ ગાર્ડનમાં મળી શકો? તમારું ખાસ કામ છે. કૃણાલને આની ખબર ન પડે એનું ખાસ ધ્યાન રાખજો પ્લીઝ!” વરુણે સોનલબાને વોટ્સ એપ પર મેસેજ કર્યો.

કારણકે તેને ખબર હતી કે અત્યારે એમનું લેક્ચર ચાલતું હશે અને કોલેજમાં અમસ્તું પણ ચાલુ લેક્ચરે મોબાઈલ જોવા પર પ્રતિબંધ છે. એટલે, એણે સોનલબાને મેસેજ કરીને થોડી રાહ જોવાનું નક્કી કર્યું. સોનલબા સાથે પોતે વાત કરશે એવું એણે જેવું જાતેજ નક્કી કર્યું અને તેના મન પરનો અડધો ભાર તો ત્યાંજ ઉતરી ગયો.

મન પરનો ભાર હળવો થતા વરુણને હવે બાકી રહેલા પ્રાતઃકર્મો સુઝ્યા એટલે એ તરતજ બાથરૂમમાં તેને પતાવવા માટે જતો રહ્યો.

સવારના મહત્ત્વના કાર્યો પતાવીને વરુણ બહાર આવ્યો અને બહારના જ કપડાં એણે પહેરી લીધા ભલે હજી સોનલબા તેનો મેસેજ વાંચે અને એનો જવાબ આપી શકે અને તેને છેલ્લા લેક્ચરના સમયમાં મળવા બોલાવે તેને હજી ઘણી વાર હતી.

કપડાં બદલીને વરુણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો તો એના આશ્ચર્ય સાથે વોટ્સ એપ પર સોનલબાનો જવાબ આવી ગયો હતો.

“કેમ નહીં, મારે તો આજે ચોથું લેક્ચર પણ ફ્રી છે તો જો વાંધો ન હોય તો સવા નવે જ આવી જા. જે ટાઈમ કન્ફર્મ હોય એ મને મેસેજ કર.” સોનલબાના મેસેજમાં લખેલું હતું.

“સાડા નવ પાક્કું, તમે વહેલા પહોંચો તો તમે અંદર બેસી જજો અને હું વહેલો પહોંચીશ તો હું.” વરુણે ટૂંકો મેસેજ છોડ્યો.

વરુણનો મેસેજ ડિલીવર થવાની સાથેજ એના પર બે બ્લ્યુ ટીક્સ આવી ગઈ એટલે વરુણ સમજી ગયો કે સોનલબાએ તેનો મેસેજ વાંચી લીધો છે.

હવે જ્યારે સાડા નવનો સમય નક્કી થઈ જ ગયો છે ત્યારે પોતે થોડી ઉતાવળ કરવી પડશે એમ વરુણે વિચાર્યું. બે ઘડી એણે પોતાનું નવું બાઈક લઇ લેવાનું નક્કી કર્યું જે હર્ષદભાઈએ તેને બારમું ધોરણ પાસ કરવાની ખુશાલીમાં આપ્યું હતું, પણ પછી એને વિચાર આવ્યો કે ન કરે ને નારાયણ રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટ બસ સ્ટેન્ડની વિરુદ્ધ દિશામાં હોવા છતાં કૃણાલ છૂટીને કોઈ કારણસર ત્યાંથી પસાર થાય અને રેસ્ટોરન્ટની બહાર એનું બાઈક પાર્ક કરેલું જોઇને અંદર આવી જાય તો?

એકાદી બસ ચુકાઈ જાય તો સોનલબાને રાહ જોવી પડે, એટલે છેવટે વરુણે કેબ બુક કરીને ઘરેથી સીધું જ રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટ પહોંચવાનો નિર્ણય કર્યો. વરુણે પોતાના મોબાઈલમાં રહેલી એપમાંથી કેબ બુક કરી અને રાગીણીબેનને પોતે સ્કુલના કેટલાક મિત્રોને મળવા જાય છે એમ કહીને ઘરેથી નીકળી ગયો.

કેબ સીધી જ રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટ આવીને ઉભી રહી. ડ્રાઈવરને પૈસા ચૂકવીને વરુણ રેસ્ટોરન્ટમાં ઘુસી ગયો. હજી સોનલબા આવ્યા ન હતા એટલે દરવાજાથી દૂર એક ટેબલ પર વરુણ બેસી ગયો અને સોનલબા સામે એ પોતાની બેચેનીને કેવી રીતે રજુ કરશે એનો પ્લાન વિચારવા લાગ્યો.

==:: પ્રકરણ ૯ સમાપ્ત ::==