Antim Vadaank - 22 books and stories free download online pdf in Gujarati

અંતિમ વળાંક - 22

અંતિમ વળાંક

પ્રકરણ ૨૨

સ્મૃતિએ જયારે સ્પષ્ટતા કરી કે તે કુંવારી નથી ત્યારે ઇશાન અપસેટ થઇ ગયો હતો. રાત્રે મોડું થયું હોવાથી ઇશાન અને સ્મૃતિ છૂટા પડીને પોતપોતાના રૂમમાં પહોંચી ગયા હતા. રૂમ પર જઈને ઈશાને નાઈટ ડ્રેસ પહેરીને લોખંડના પલંગ પર લંબાવ્યું હતું. સીલીંગ ફેન પણ અવાજ કરતો હતો. સ્મૃતિની વાત સાવ સાચી હતી .. અહીં આશ્રમમાં હોટેલ જેવી ફેસીલીટી નહી મળે. સ્મૃતિ પરણિત છે તે જાણીને ઇશાનની આંખમાંથી ઉંઘ ગાયબ થઇ ગઈ હતી. સ્મૃતિ પરણિત છે તેવું તો પરમાનંદે પણ ક્યાં કહ્યું હતું? જોકે ભૂલ પોતાની જ હતી. તેણે અહીં આવતા પહેલાં પરમાનંદ પાસે સ્મૃતિની જે કાઇ માહિતી હોય તે મેળવીને પછી જ અહીં આવવા જેવું હતું... પરમાનંદે જયારે કહ્યું કે સ્મૃતિ બિલકુલ ઉર્વશી જેવી જ લાગે છે તે સાંભળીને ઇશાનની આગળ વિચારવાની શક્તિ જ હણાઈ ગઈ હતી. અહીં આવ્યા બાદ સ્મૃતિને જોઇને જયારે ખ્યાલ આવ્યો કે આ તો આબેહૂબ ઉર્વશીની જ પ્રતિકૃતિ છે ત્યારે પહેલી નજરે તેને સ્મૃતિમાં ઉર્વશીનાં જ દર્શન થયા હતા ને ? જો સ્મૃતિ ઉર્વશીની હમશકલ ના હોત તો ઇશાન તેના પ્રત્યે આકર્ષાયો જ ન હોત.. અરે સ્મૃતિ તો શું દુનિયાની કોઈ પણ સ્ત્રી પ્રત્યે ઇશાનને આકર્ષણ થવાનો સવાલ જ ક્યાં પેદા થવાનો હતો? ઇશાનની દુનિયા તો માત્ર અને માત્ર ઉર્વશી જ હતી... ઉર્વશીના જવાથી જ ઇશાનની દુનિયા લૂંટાઈ ગઈ હતી... સ્મૃતિને જોયા બાદ ઇશાનના વેરાન જીવનમાં આશાનું એક કિરણ પ્રગટયું હતું તે પણ થોડા કલાકો માટે જ ... અત્યારે સ્મૃતિ પરિણીત છે તે જાણ્યા બાદ ઈશાનની સપનાની ઈમારત એક જ ઝાટકે જમીનદોસ્ત થઇ ગઈ હતી. ઇશાન મનોમન પસ્તાતો હતો કે કાશ સ્મૃતિને મેળવવાની ઝંખના આટલી હદે પ્રબળ ન થઇ હોત! એ ઉર્વશીની હમશકલ છે, ઉર્વશી તો નથી જ ને ? સ્મૃતિનું પણ અલગ અસ્તિત્વ છે.. વ્યક્તિત્વ છે.. તેને ઉર્વશી સાથે શું લાગે વળગે? ઇશાન વહેલી સવાર સુધી પથારીમાં પડખાં ફેરવતો રહ્યો.

પોતાના રૂમમાં ગયા બાદ સ્મૃતિની ઉંઘ પણ હરામ થઇ ગઈ હતી. ઇશાનના જીવનના ચડાવ ઉતાર અને વળાંકોની વાત ખરેખર રોચક હતી. ઇશાન અને ઉર્વશીના આદર્શ દાંપત્યજીવનથી તે પ્રભાવિત થઇ ચૂકી હતી. ઉર્વશીના અવસાન બાદ તેના વિરહમાં ઝૂરતો ઈશાન સ્મૃતિની નજરમાં આદર્શ પતિ સાબિત થઇ ચૂક્યો થયો હતો. પૃથ્વી પર આવા પતિ પણ હોઈ શકે છે તેનો ખ્યાલ સ્મૃતિને ઇશાનની કથની સાંભળ્યા પછી જ આવ્યો હતો.

વહેલી સવારે આશ્રમના નૈસર્ગિક વાતાવરણમાં પક્ષીઓના કલરવને કારણે ઇશાનની આંખ ખુલી ગઈ. તે બ્રશ કરીને મોર્નીગ વોક માટે બહાર નીકળી પડયો. હજૂ સૂર્યોદયને ખાસ્સી વાર હતી. આશ્રમના દરવાજા પાસે જ એક મોર કળા કરી રહ્યો હતો. વોચમેન તેની ઓરડીમાં જઈને ઉંઘી ગયો હતો. મેદાનના ચબુતરામાં ભોલુ ચણ નાખી રહ્યો હતો. ઇશાન મેદાનમાં બે ત્રણ આંટા મારીને ચબુતરા પાસે આવીને ઉભો રહ્યો. ભોલુ સાથે નજર એક થતાં ભોલુએ ઇશાનને નમસ્કાર કર્યા. ઈશાને આજુબાજુમાં જોયું. આશ્રમના દરેક રૂમ બંધ હતા. કદાચ હજૂ કોઈ ઉઠયું જ નહોતું. ઈશાને ભોલુની પાસે જઈને ધીમેથી પૂછયું. “ભોલુ, તું યહાં કબસે હૈ ?”

“સાબ, જબસે હોશ સંભાલા તબસે”. ઇશાન વિચારી રહ્યો અઢારેક વર્ષનો દેખાતો ભોલુ મોટો જ અહીં થયો છે. ઈશાને ધીમેથી પૂછયું “ભોલુ, યે મેડમ કબસે યહાં પર હૈ?”

“સાબ, મૈને તો બચપનસે ઉનકો ભી યહી પર દેખા હૈ. યે આશ્રમ ઉનકે મામાજી હી ચલાતે થે મેડમ ઉનકી મદદ કરને કે લિયે ગુજરાતસે યહાં આઈ થી ઔર યહીં રૂક ગઈ”.

“ભોલુ, મેડમકે મામાજી કો મૈને કહી દેખા નહિ”. ભોલુ હસવા લાગ્યો. ”સાબ ઉનકા તો તીન સાલ પહેલે હી દેહાંત હો ગયા હૈ. અબ મેડમ અકેલી સબ કામ સંભાલતી હૈ”.

ભોલુની વાત પરથી ઇશાનને એટલો તો તાળો મળી ગયો કે ઓછામાં ઓછા પંદર સત્તર વર્ષ પહેલા સ્મૃતિ અહીં આવી હતી. મામાજીના આવસાન બાદ આશ્રમનું સંચાલન તેના ખભે આવી પડયું છે. ઇશાન પોતાના રૂમમાં જઈને શેવિંગ તથા સ્નાનવિધિમાં લાગી ગયો.

સાત વાગે પ્રાર્થનાનો બેલ વાગતાં જ બાળકો હોલમાં એકત્રિત થઇ ગયા હતા. ઇશાન પણ દોડતો આવીને બાળકો સાથે ઉભો રહી ગયો. એકાએક ઇશાનનું ધ્યાન સામેની હરોળમાં પડયું. સફેદ સાડીમાં સાદગીને લપેટીને બંને હાથ જોડીને ઉભી રહેલી સ્મૃતિ સાક્ષાત સરસ્વતી જેવી જ પવિત્ર દેખાતી હતી. ઇશાન મનોમન વિચારી રહ્યો.. શું સ્મૃતિ વિધવા હશે ? બાળકો અને પરિવાર વાળી સ્ત્રી તો તેનું જીવન આવા અનાથ આશ્રમને સમર્પિત ન જ કરે. સ્મૃતિના અંગત જીવન વિષે જાણવાની ઇશાનને પહેલીવાર તાલાવેલી થઇ હતી. હોલમાં પીનડ્રોપ સાયલેન્સ પથરાઈ ગયું હતું.

અચાનક હોલમાં મધુર અવાજ રેલાઈ રહ્યો... ઈશાને જોયું કે તે અવાજ સ્મૃતિનો જ હતો.. ”ઇતની શક્તિ હમે દેના દાતા.. મન કા વિશ્વાસ કમજોર હો ના. ”. અન્ય બાળકોની સાથે ઈશાને પણ દરેક અંતરો દિલથી ઝીલી લીધો. પ્રાર્થના પૂરી થયા બાદ હળવો નાસ્તો અને દૂધની વ્યવસ્થા હતી. તમામ બાળકોની શિસ્ત ઉડીને આંખે વળગે તેવી હતી. સ્મૃતિ હોલ પરથી સીધી કાર્યાલયમાં જઈને કામમાં પરોવાઈ ગઈ હતી. ઇશાન પણ રૂમમાં જઈને તેનો સેલફોન ચેક કરવામાં મશગુલ થઇ ગયો હતો. થોડી વાર બાદ મૌલિક અને મિત સાથે પણ ઈશાને વાત કરીને ત્યાંના ખબર અંતર પૂછી લીધા. ઈશાને જાણી જોઇને મૌલિક સમક્ષ આશ્રમનો કે સ્મૃતિનો ઉલ્લેખ કર્યો નહી. સામાન્ય રીતે ઇશાન કોઈ પણ વાત સૌથી પહેલાં મૌલિકને જ કરતો પણ અત્યારે તેને સ્મૃતિનો ઉલ્લેખ કરવાનું મન ન થયું.

બપોરે જમવા માટે બધા હોલમાં ભેગા થયા ત્યારે પણ સ્મૃતિ સાથે ઔપચારિક વાતો જ થઇ હતી. ગઈકાલે એકદમ અંગત લાગતી સ્મૃતિ આજે જાણી જોઇને ઇશાનથી અંતર રાખી રહી હોય તેવું ઇશાનને લાગતું હતું. ઈશાને પણ સ્મૃતિને ઉર્વશી તરીકે નહિ પણ સ્મૃતિ તરીકે જ જોવાનું નક્કી કરી લીધું હતું. ગઈકાલે રાત્રે અનાયાસે સ્મૃતિનો પકડાઈ ગયેલો હાથ ખરેખર તો ઉર્વશીના ખ્યાલમાં જ પકડાઈ ગયો હતો તે પણ હકીકત હતી. બપોરે થોડો આરામ કર્યા બાદ સાંજે પાંચ વાગે બાળકો સાથે ઈશાને પણ ક્રિકેટ રમીને સમય પસાર કરી લીધો. સાંજે સાડા સાત વાગે વાળુ માટે બેલ વાગ્યો. ઇશાન દસેક મિનીટ બાદ હોલમાં પહોંચી ગયો. તેણે જોયું કે બાળકો જમવા બેસી ગયા હતા. સ્મૃતિ તેની રાહ જોઈ રહી હતી. બંનેએ સાથે જ ડીશ લઈને અલગ પાથરણા પર બેસીને જમવાનું શરુ કર્યું. જમી લીધા બાદ તમામ બાળકો પોતપોતાના રૂમમાં જઈને ઉંઘવાની તૈયારીમાં લાગી ગયા. સિક્યોરીટી ગાર્ડે ગઈકાલની જેમ જ આશ્રમનો ઝાંપો અંદરથી બંધ કરી દીધો. તે દરવાજા પાસેની તેની ઓરડીના ઝાંપે જ ખુરશી નાખીને બેઠો.

“સ્મૃતીજી, આજે બાંકડે બેસવાનું છે?”

“કેમ હજૂ કોઈ વાત કહેવાની રહી ગઈ છે ?”

“સ્મૃતીજી,મારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે”.

“ઇશાન, કાશ દરેકનું જીવન તમારી જેમ ખુલ્લી કિતાબ જેવું હોય તો કેવું સારું?”

“હું સમજ્યો નહી” ઈશાને બાંકડા પર બેસતાં કહ્યું. સ્મૃતિ ઇશાનના સામેના બાંકડા પર ગઈકાલની જગ્યાએ જ બેઠી.

“ઇશાન, માણસના જીવનમાં અનેક પાત્રો આવતાં હોય છે અને જતાં હોય છે.. સબંધો બંધાતા હોય છે અને તૂટતા હોય છે”

“સ્મૃતી, હું સમજ્યો નહી”. ઈશાનથી અનાયાસે જ “સ્મૃતિજી” ને બદલે પહેલી જ વાર “સ્મૃતિ” બોલાઈ ગયું હતું. સ્મૃતિના ચહેરાના હાવભાવ પરથી ઈશાનને લાગ્યું કે સ્મૃતિને તે વધારે સારું લાગ્યું છે.

“ઇશાન, કેટલાક સબંધો તો તૂટવા માટે જ સર્જાતા હોય છે”. સ્મૃતિના અવાજમાં દર્દ ભળ્યું હતું.

ક્રમશઃ