Priytam - 1 books and stories free download online pdf in Gujarati

પ્રિયતમ - 1

' પ્રિયતમ '
🌺🌹🌺🌹🌺


નાનકડા એવા ગામડા ગામમાંથી બળદગાડામાં બેસીને રામજી પોતાના બાપુના જુના અને જાણીતા મિત્રની દીકરીને પરણી એને નવવધૂ બનાવી પોતાના ઘરભણી પાછો ફરી રહ્યો હતો .
રામજીનો બાપુ ઘણો જૂનો શાહુકાર હતો . દાદા - પડદાદાની જમીન અને ત્રણ ફેક્ટરીઓનો માલિક હતો . લક્ષ્મીદેવીનો તો જાણે એના ઘરમાં ભંડાર હતો . એવું કહીએ તો ચાલે .

રામજીનો બાપુ વર્ષોથી ગામડેથી શહેર તરફ રહેવા આવી ગયો હતો . ગામડામાં રહેતા એના એક મિત્રએ ધંધા માટે લાખો રૂપિયા ઉછીના લીધા હતા . પરંતુ ધંધો ચાલ્યો નહિ એટલે ઋણ ચૂકવી ન શક્યો .

રામજીનો બાપુ વસૂલી માટે એક દિવસ અચાનક એના ગામ જઈ ચડ્યો . ત્યાં એની દીકરી મધુને જોતા જ ક્ષણભરમાં નિર્ણય કરી બેઠો . રૂપરૂપનો અંબાર અને ગુણવાન દેખાય રહી હતી . પોતાના દીકરા સાથે કદાચ મેળ પડી જાય . દીકરાનો એક પગ વાંકો ચાલતો હતો . એટલે એને દીકરી આપવા કોઈ તૈયાર ન્હોતું . બાકી પૈસો તો અઢળક હતો .

રામજીના બાપુએ પોતાના મિત્રની આગળ આ તકનો લાભ ઉપાડવા વાત છેડી જ દીધી . ' તારું બધુ ઋણ માફ કરી દવ , પણ.. કહી થોડીવાર રોકાય ગયો ...

' હા , હા બોલને ભાઈ ' તારો પડ્યો બોલ જિલવા તૈયાર છું '
' તને વાંધો ન હોયતો તારી દીકરીને મારા દીકરા વેરે... ? ' કહીને ફરી અટકી ગયો ..

' અરે પણ તું તો મોટો શેઠ છે ' તારા આંગણે મારી દીકરી ? '

' તે મારા દીકરાને જોયો છે? '

ના બસ , નાનો હતો ત્યારે જોયો હતો . બાકીતો હવે કુટુંબકબીલા સાથે મળવાનું ક્યાં થાય છે ...

અમારી બંને ફેકટરી તો એ જ સંભાળે છે . બસ એક તકલીફ છે . એનો પગ થોડો લંગડાઈ છે .

' અરે પણ એમાં શું ? '
મારી મધુને તો હું જાણું છું એ બધુ સંભાળી લે એવી છે .

' તો તો પછી કોઈને પૂછવું જ શુ કામ ? ' સાવ સાદાઈથી લગ્ન કરીને બધું હેમખેમ પૂરું કરીયે , શુ કહેવું છે તારું ? મારો દીકરો એકલો આવશે અને તારી દીકરીને પરણીને લઈ આવશે બોલ...શુ કહેવું છે ? ...

' અરે હા અમને તો કોઈ વાંધો છે જ નહીં ' તું જે નક્કી કર ઇ મારા માટે શિરોમાન્ય ...

બારણાંની આડમાં ઉભી ઉભી મધુ આ વાર્તાલાપ સાંભળી રહી હતી . પગથી લઈ માથા સુધી પૂરેપૂરી ધ્રુજી ઉઠી .....આ વાત બાપુ માની પણ ગયા ...!!! ' પૈસા ચુકવવાની જગ્યાએ મારો સોદો ? '.....
મા ના દેહાંત પછી બાપુએ ઘણા લાડથી ઉછેરી હતી . પિતાની આર્થિક સ્થિતિ એના માટે ક્યાં અજાણી હતી . પુરી જિંદગી બાપુને ઢસરડા કરતા જોયા છે . જો બાપુનું બધુંય ઋણ માફ થઈ જતું હોયતો જિંદગીનું સુખ જે હશે , જેવું હશે , જોયું જશે .
મનમાં રહેલી પોતાની ઈચ્છાઓને સંકેલીને હૃદયના એક ખૂણે મૂકી દીધી .
🌺🌺🌺🌺

દુલ્હનના વેશમાં શણગારેલી મધુ લાલકલરના ઓઢણાંમાં ઘૂંઘટ ઓઢીને બેઠી હતી . ઓઢણાંની આરપાર પોતાના ગામડાનું દ્રશ્ય નજરે આવી રહ્યું હતું . મંદિરનો ઓટલો , ખળખળ વ્હેતી નદીનો કિનારો , નાનકડો એવો બગીચો ... આ બધુ મધુ માટે ક્યાં અજાણ્યું હતું .? ...આ તો પોતાના જ ગામનું ....અને એમાં પણ આ બધી જગ્યા જાણે એની પોતાની જ હતી . જ્યાં રોજ કોઈ એનું પોતાનું એને મળતું હતું . જ્યાં કલાકો સુધી પ્રેમાલાપ ચાલતો રહેતો ... એક એવું કોઈ જે મધુના હૃદયમાં રાજ કરતું હતું . એ હતો મહેશ.....પણ હવે ?
પોતાના લગ્નના વાતની ગંધ મહેશ સુધી ના પહોંચે એની ઘણી કાળજી લીધી હતી .
ખબર પડશે તો શું હાલ થશે મહેશના ... મધુને ખૂબ પ્રેમ કરતો હતો .
પરંતુ મધુ માટે તો હવે એને ભૂલી જવું જ રહ્યું ને ...

ગામડાના અમુક અંતર સુધી ગાડામાં જ બેસીને જવાય એમ હતું .
એમ પણ રામજીને ગામડું ખૂબ ગમતું . ગાડામાં બેઠા બેઠા ગામડાના સૌંદર્યને નિહાળી રહ્યો હતો . થોડી થોડીવારે એની નજર મધુ તરફ જતી હતી .
પોતાના લાલ ઓઢણાંની આરપાર રહેલા સૌંદર્યને જોવા વ્યાકુળ થયો હતો . એણે ધીરે રહીને મધુને કહ્યું હવે અહીં કોઈ નથી , ઘૂંઘટ હટાવી લેશો તો ચાલશે .

મધુએ ધીરે રહી પોતાનો ઘૂંઘટ હટાવી નીચી નજરે બેઠી રહી .
રામજીએ જોયું મધુનો ચહેરા પર કોઈ આનંદ ન્હોતો . કદાચ પોતાનું પિયર અને બાપુને છોડયાનું દુઃખ હશે .

રામજી મધુને કહેતા બોલ્યો ' મારા બાપુએ જે કર્યું ઇ ખોટું કર્યું છે , પોતાની રકમનો સોદો નક્કી કરવા એમણે તમારું જીવન બરબાદ કર્યું .
હું તો તમારા ગામમાં આવ્યો પછી મને ખબર પડી કે આ તો સોદો થયો છે . તમારે તમારા બાપુની આબરૂ સાચવવા ભોગ આપવો પડ્યો એટલે મને માફ કરજો . મારા તરફથી તો તમને પિયર તરફ પાછા ફરવું હોયતો પણ છૂટ છે .

મધુ ચૂપચાપ રામજીની વાત સાંભળી રહી હતી . એને મનથી એટલો તો સંતોષ થયો કે જેને પરણીને જઈ રહી છે . ઇ માણસ દિલનો સારો છે . રામજીના ચહેરા પર ભોળપણ વર્તાય રહ્યું હતું . ખેર એની વાત મુજબ કંઈ પાછા ફરવાનો તો કોઈ વિચાર હતો જ નહીં ...લલાટે લખાયેલું કાંઈ ઓછું-વધુ થવાનું નથી ...

મધુનો ખાસ મુડ ન હોવાથી રામજીને વધારે વાત કરવાનું ઠીક ન લાગ્યું .
એ પણ વિચારતો હતો હજુ તો શહેર પહોંચ્યા પછી માઁ-બાપુ કેવી રીતે સ્વાગત કરે છે શું ખબર ?

માઁ-બાપુનો પોતાના પ્રત્યેનો વ્યવહાર અને વર્તન યાદ આવતા જ રામજી ધ્રુજી ઉઠ્યો . નાનો હતો ત્યારથી એની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યુ હતું . જન્મથી જ પગની તકલીફ હોવાથી કોઈપણ કામ દોડી દોડીને કરવું એના માટે મુશ્કેલ રૂપ હતું . ઘરના એક ખૂણે બેઠા બેઠા જ જિંદગી કાઢી હતી એવું કહીએ તો ચાલે ...એમાં પણ પોતાના બાપુ હળાહળ ખોટું બોલ્યા હતા કે ... બંને ફેક્ટરીઓનો કારોબાર હું જ સંભાળું છું . પણ ખરા અર્થમાં તો ફેક્ટરીમાં શુ બને છે ? એની ગંધ સુધ્ધાં નહોતી .
જેમ જેમ શહેરની નજીક આવતા ગયા એમ એમ રામજીના ચહેરા પર ચિંતા વધતી ગઈ....

To be continue....
ફરી મળીશું આવતા અંકમાં...

રામજી અને મધુને...