priytam - 3 books and stories free download online pdf in Gujarati

પ્રિયતમ - 3

' પ્રિયતમ ' પાર્ટ - 3

🌺🌹🌺🌹🌺

નાનકડા ઓરડાની અંદર નવુ જ પરણેલુ જોડુ..... સાવ બાજુમાં સુતા હોવા છતાં બંનેની દિશા અલગ હતી .
મધુ મનથી જાણતી હતી કે પોતે પોતાના ધણીને પત્નીનું સુખ આપી શકે એમ નથી . એના હૃદયમાં તો હજુ કોઈ બીજું જ હતું જે વારંવાર ટહુકા કરી રહ્યું હતું . મધુ એને ભૂલવાની કોશિશ કરી રહી હતી .
પોતાની નિજી જિંદગીમાં વ્યસ્ત થઈ જશે પછી ધીરે-ધીરે ભુલાય જશે . એવું વિચારતી મધુ પુરા દિવસના થાકને લીધે પથારીમાં પડતા જ સુઈ ગઈ .

બારીમાંથી ચન્દ્રનું અજવાળું સીધુ મધુના ચહેરા પર પડી રહ્યું હતું . મધુ દેખાવમાં પણ રૂપાળી અને એમાં ચન્દ્રના અજવાળુ પડવાથી એનો ચહેરો ઔર ચમકી રહ્યો હતો .

રામજી સૂતો સૂતો મધુના ચહેરાને નિરખતો રહ્યો ....દૂર રેડિયો પર વાગી રહેલા ગીતના શબ્દો રામજીના કાનમાં પડ્યા ....

' फिर कही कोई फूल खिला ,
चाहत ना कहो उसको.......

પોતાના માટે તો આ શબ્દો સાચા જ હતા . ચાહત હતી ... પણ એકતરફી , અને એને પ્રેમ કઈ રીતે કહી શકાય !!! '
કાંચની પૂતળી સમુ રૂપ હતું એનું ,
એ કંઈ મારા પ્રેમમાં થોડી પડવાની ? ... એવું તો વિચારવું જ બેકાર છે .
વિચારોમાં ને વિચારોમાં રામજીને નીંદર આવી ગઈ ... ક્યારે સવાર પડી ગઈ ખબર જ ના પડી ...

સવારની ગરમાગરમ ચા ની ચુસ્કીઓ લેતા મધુએ ધીરે રહીને રામજીને પૂછ્યું ' આપણા ઘરની રોજીરોટી માટે દરમહિને આ લોકો આવી જ રીતે આપણને રકમ આપશે ?

' હું પણ એ જ વિચારતો હતો. કાયમ એ લોકોની આગળ હાથ લાંબો કરવો પડશે એ તો મને પણ નહીં ગમે . બાપુ આગળ આ વાત મુકવી જ પડશે . '

' એમાં હવે બાપુને શુ પૂછવાનું ? ' ,
હવે તો આપણે જ આપણા ધણી.. ,

લગન પેલા બાપુને માઁ ને કહેતા સાંભળ્યા હતા . , એ લોકો દરમહિને આપણને પૈસા આપતા રહેશે , અને એમાંથી આપણે ચલાવવાનું ...,

' હા ...પણ કાયમ એમની આગળ હાથ લંબાવવો ... , આપણે આપણી રીતે કોઈ કામ ગોતી લઈએ તો ?

' ના ના બાપુને ખબર પડશે તો .. ',

' અરે ખબર પડે તો એમાં શું ' ,?

' અરે તમને નથી ખબર એમનો સ્વભાવ...'
એ વખતે ઠીક છે કહી મધુએ વાત પડતી મૂકી ...

પોતાના પિયરથી લાવેલા પટારા તરફ ગઈ . એમાંથી એણે પોતાના હાથે ભરતકામ કરેલા કપડાં કાઢ્યા . ટેબલ કવર , ઓછાડ , તોરણ , પડદા ....

આ બધું કાઢીને પૂરો ઓરડો શણગારી દીધો . પોતાના ગામના ઘરની બાજુમાં રહેતા માસીથી એ બધું શીખી ગઈ હતી . ભરતકામ , સિલાઈકામ બધું આવડતું હતું .

રામજીએ જોયું ઓરડાની રોનક વધી ગઈ હતી . પરદા , ઓછાડ... બધુ જ ખરેખર આબેહૂબ હતું . જોતા જોતા એણે મધુની સામે નજર કરી અને બોલ્યો ' તમારું કામ તો આ શહેરની મોટી મોટી દુકાનોને લાયક છે .
કલરની પરખ , વસ્તુની પરખ ..
તમારા હાથમાં તો જાદુ છે જાદુ ...

' અરે વાહહહ... જો તમને ગમ્યુ હોય અને આટલું સુંદર હોયતો મને એક વિચાર આવ્યો છે . મને ક્યાંકથી સારી ને સસ્તી સિલાઇમશીન લાવી દો . હું આ બધું બનાવીને વેચવાનું શરૂ કરી દઉં...

' પણ બાપુને ખબર પડશે તો ' ?

' અરે..ફરી બાપુ ...કહેતા મધુ થોડું જોરથી બોલી...બોલતા બોલતા એનું ધ્યાન રામજી તરફ જતા જ જોરથી હસી પડી ... અને હસ્તા હસ્તા બોલી ' અરે તમે પણ શુ ડરી ગયા ? ,

મધુને આટલા જોરથી હસતા જોઈ પોતે પણ જોરજોરથી હસવા લાગ્યો ...

મધુ બોલી ' તમે મારાથી કેમ ડરી ગયા ... , ?

' શુ કરું મારી પુરી જિંદગી બસ ડરવામાં જ ગઈ છે .... ' ,

' હવે હું આવી ગઈ છું ને , તમારો બધો ડર કાઢી નાખીશ જુવો તમે ' ,

' એક વાત પૂછું ? '

' મધુએ આંખના ઇશારાથી પૂછ્યું બોલો ...' ,

' આપણે પતિ-પત્ની નહીં તો મિત્રો તો
બની જ શકીએ ને ... ' ,

હા સાચું કહું તો હુ તમારી આગળ આ વાત કરવાની જ હતી . કેમ કે મારી ઈચ્છા વગર બાપુએ મારુ નક્કી તો કરી લીધું . પણ હું કદાચ તમને પત્નીનું સુખ આપી ન શકું....કારણકે મારી ઈચ્છા ક્યાંક બીજે હતી . તમે ખરાબ ન લગાડતા . પરંતુ હવે એ વ્યક્તિ ફરીથી મારા જીવનમાં નહીં આવે .,

' હા એમ પણ મારે પગ ના હિસાબે ...,

મધુ એમની વાતને વચ્ચેથી જ કાપી નાખતા બોલી .... ' અરે ના...ના.. એ તમે શું બોલ્યા . પગની તકલીફને લીધે કંઈ હોય ...
તમારા જેવા સાફ હૃદયના માણસને મિત્ર બનાવું એને તો મારું અહોભાગ્ય સમજુ છું .
અને હા...આપણે આપણી મહેનતથી આપણી રીતે કમાઈશું .

🌺🌹🌺🌹🌺

થોડા દિવસ જતા રામજીએ સિલાઇમશીનની વ્યવસ્થા કરી લીધી . અને મધુ સાથે જઈને એની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ભેગી કરી લીધી .

મધુ વ્હેલી ઉઠી ઘરનું બધુ કામ ફટાફટ પતાવી સિલાઈના કામમાં બેસી જતી . રામજી એના દરેક કામમાં મદદ કરતો .
એકસરખા પરદા , ટેબલકલોથ , ભરતકામ વાળી પલંગની ચાદરો ..

રામજીએ એકસરખા બધા સેટ ગોઠવી દીધા . એ પછી સરસ મજાના કપડામાં બાંધીને રીક્ષા કરી નીકળી પડ્યો . થોડો ઘણો વેચાય અને થોડોઘણો પાછો આવે...
રોજનો ક્રમ થઈ ગયો . બંને જણા મહેનત કરવામાં પાછળ પડે એવા ન્હોતા . એમની મહેનત રંગ લાવી . ધીરે ધીરે માંગ વધતી ગઈ ...કમાણી પણ સારી એવી થવા લાગી .

એકદિવસ રામજી મધુને કહેતા બોલ્યો ' હું વિચારું છું આપણે એક બીજું સિલાઈમશીન લઈ લઈએ અને આ કામમાં તમારી મદદ કરી શકે એવું કોઈ ગોતી લઈએ . કેમ કે કામ વધતું જાય છે અને એકસાથે બધુ કામ તમારા શરીર પર અસર કરશે .

તમારી વાત સાચી છે . કોઈ મદદ કરવા વાળુ મળી જાય તો આપણે કામ પણ ડબલ કરી શકીએ અને લોકો સુધી ફટાફટ પહોંચાડી શકાય .
પણ , હા દરવખતે આટલું વજન ઊંચકી ઊંચકી ને તમને પણ થાક લાગતો હશે .

આ કામ માટે એક બહેન મળી ગયા જેમનું ઘર દસ ડગલાની દુરી પર જ હતું . એમના કહેવા મુજબ એમનું છોકરું નાનું હોવાથી એ બપોરના સમયે બે/ચાર કલાક આવી શકશે .એવું નક્કી થઈ ગયું .

રામજી અને મધુ બંને એકબીજાની પરવાહ કરતા હતા . બંનેને એકબીજાની ચિંતા હતી . એકબીજાના કરેલા કામનું સમ્માન કરતા હતા .

મધુ જ્યારે એના કામમાં ડૂબેલી હોય ત્યારે રામજી એની સામે ચૂપચાપ નજર કરી લેતો . એની કામ કરવાની આવડત ખૂબ કાળજી ભરી હતી . નાની નાની એકપણ વસ્તુ બરબાદ ન થાય એવી રીતે કુશળતાપૂર્વક કામ કરતી .

ધીરે ધીરે રામજી પણ અપ ટુ ડેટ રહેવા લાગ્યો . એના કપડાં પહેરવાનો રંગ-ઢંગ બધુ જ બદલાવા લાગ્યું . તકલીફ બસ એક પગની જ હતી . બાકી ચહેરા પર તો હવે શાનદાર રોનક આવી ગઈ હતી . હીરો લાગતો હતો હીરો ...

રામજીના બદલાતા લિબાસને મધુ જોતી રહેતી . ધીરે ધીરે એના હૃદયમાં કોઈ ટકોર કરવા લાગ્યું . કામ કરતા કરતા કોઈ રીતે રામજીને સ્પર્શ થઈ જાય તો શરીરમાં એક ધ્રુજારી વ્યાપી જતી . ધીરે ધીરે બંને વચ્ચે મીઠી નજરની આપ-લે થવા લાગી .
દૂરથી કોઈ મીઠો અણસાર સાદ કરી રહ્યો હતો . કોઈપણ જાતના ઉચાટ વગર કામ કરવાની રામજીની આ આવડત મધુને ખૂબ ગમી ગઈ હતી .
નાનપણથી મનમાં રહેલો રામજીના મનનો ડર હવે ક્યાંય ગાયબ થઈ ગયો હતો .

લગ્ન પછી ઘણા ઓછા સમયમાં બને જણાએ પોતાની સમજણ શક્તિથી એક મુકામ બનાવ્યો હતો . અત્યાર સુધી રામજી નામના વ્યક્તિને કોઈ ઓળખતું ન્હોતું . એ નામ હવે જાણીતું થઈ ગયું હતું .

માર્કેટમાં એમનું નામ થવા લાગ્યું . બંનેના કામ સાથે એમનું નામ પણ આદરપૂર્વક લેવાતું હતું . ધીરે ધીરે એમની ખ્યાતિ રામજીના ઘર સુધી પહોંચી .
રામજીના માઁ-બાપુ અને ભાઈઓને તો વિશ્વાસ બેસતો જ ન્હોતો . એ બધા માટે એક આશ્ચર્યજનક કિન્તુ સત્ય સામે આવી રહ્યું હતું . જેને બેકાર સિક્કો ગણીને ફેંકી દેવામાં આવ્યો હતો . એ જ સિક્કો હવે ઉછળી રહ્યો હતો . આજ સુધી કોઈ રામજીની ખબર લીધી જ ન્હોતી . એટલે હવે એવો કોઈ રસ્તો નહોતો કે જેના દ્વારા રામજીના ઘર સુધી પહોંચી શકાય .
🌺🌹🌺🌹🌺
એકદિવસ સામાનની લેવડદેવડ માટે ગયેલા રામજીને એક યુવકનો ભેટો થઈ ગયો .

રામજીને સહર્ષ પૂછી બેઠો ' સાહેબ આનું કામકાજ તો ખૂબ સરસ છે . તમારું પોતાનું છે . ? '

હા , અમારું ... એટલે કે મારા પત્ની બનાવે છે . અને હું માર્કેટ સુધી પહોંચાડું છું .

' મને પણ આ બધુ ખૂબ ગમ્યું , જો તમને વાંધો ન હોયતો હું જોવા માટે ઘેર આવી શકું ? '

' અરે હા હા... ' કેમ નહિ ...જરૂર આવો... ' બીજી થોડીઘણી વાતો કરી બીજા દિવસનો ટાઈમ નક્કી કરી બંને છુટ્ટા પડ્યા .

ઘેર આવીને રાતના વાળુ ટાણે રામજીએ કહ્યું ' આજે માર્કેટમાં એક ભાઈ મળી ગયા હતા . એમને પરદા અને ઓછાડ બંને ખરીદવા હતા . અને એના માટે કાલે એ આપણા ઘેર આવશે . કદાચ તમારા ગામનો જ હતો . બોલતા બોલતા જ રામજીને અંતરાસ ગયો . એટલે બાજુમાં બેઠેલી મધુ હળવે હાથે પીઠમાં હાથ ફેરવવા લાગી . હોઠ અને મોઢા પર ઉડેલું પાણી પોતાના સાડલાના છેડાથી સાફ કરવા લાગી ...
બરોબર એ જ સમયે બંનેની નજર એક થઈ . રામજીના હોઠ આગળ પાલવની અંદર છુપાયેલી આંગળી બે ક્ષણ માટે રોકાય ગઈ ...

' વાતવાતમાં પોતાના ગામનું નામ સાંભળતા જ ચમકી ...અને હાથ હટી ગયો ...ને બોલી ... ઓ..હોહો કોણ હતું .? કંઈ નામ ઠામ પૂછ્યું ? ' ,

' એ જ ભુલાય ગયું ... ,

' કાલે આવશે જ , તું વાત કરી લે જે ને... '

બીજા દિવસની સવાર થતા જ રોજનું રુટીન ચાલ્યું . રામજીએ પેલા ભાઈની રાહ જોઈ પણ સમય કરતાં મોડું થયું હતું . એટલે મધુને કહેવા લાગ્યા ' પેલા ભાઈ આવે તો એમને જે જોઈતું હોય એ દેખાડી દેશો . ? તો હું મારા કામે નીકળી જાવ .. એમની રાહ જોવામાં મારે પણ મોડું થઈ ગયું છે .

' હા..હા..તમતમારે નીકળો ... '

રામજી નીકળી ગયો ત્યાં ખ્યાલ આવ્યો એક મોટું પાર્સલ તો રહી જ ગયું ...એટલે દોડાદોડ ફરી ઘેર આવ્યો .
એણે થોડે જ દૂરથી જોયું પેલા ભાઈ ઘેર પહોંચ્યા જ હોય એવું લાગ્યું .

એ ભાઈને જોતાજ મધુ ચોંકી ઉઠી , બરોબર એ જ વખતે રૂમની એ નાનકડી બારીમાંથી રામજીની નજર પડી . એ યુવક અને મધુની ચાર આંખો મળતા જ ઓરડાની અંદર મૌન છવાય ગયું હતું . મધુની આંખોને જોતા જ એ યુવક કોણ હશે એ રામજીને સમજાઈ ગયું....
પોતે બારી આગળથી એકદમથી હટી ગયો . અને સાંજના આંટામાં એ પાર્સલ આપી આવીશ . એવું વિચારી નીકળી પડ્યો ...

રામજીના શરીરની તાકાત જાણે કોઈએ હણી લીધી હતી . કામ કરવાનો પૂરો આનંદ લૂંટાઈ ગયો હતો . છતાં પોતાની જાતને સ્વસ્થ કરતો રહ્યો . મધુના જીવનમાં એનો ભૂતકાળ ફરીથી ડગલાં ભરશે કે શું ? , એ વિચાર માત્રથી મન ગભરાય ગયું .

પોતાનું કામ પતાવી રામજી બપોરે ઘેર આવી ગયો . પોતાની મૂંડી નીચી રાખી જમતા જમતા પૂછ્યું ' પેલા ભાઈ આવ્યા હતા કે નહિ ? '

' હા આવ્યા હતા ને એમને જે જોઈતું હતું એ લઈ ગયા . '

' કંઈ ઓળખાણ નીકળી કે નહીં ? તમારા ગામના જ હતા ને ... '

' હા...એ તો ઓળખી જ જાવ એ મહે... નામ બોલતા બોલતા અટકી ગઈ ...અને પાણી પીવા લાગી . વચ્ચેથી વાતને ફેરવી નાખી અને બોલી ' આજે તમે એક પાર્સલ ભૂલી જ ગયા તા... ' ,

' પેલા ભાઈનું નામ શું કહ્યું ? '

' હા પણ નામ તો ભૂલી જ ગઈ ' ,
જવા દો ને ...તમે શાંતિથી જમી લ્યો ,

આજે રામજી અને મધુ બંનેને એકબીજાની વાતોમાં રસ ઓછો હતો . રાત પડતા જ પોતાની પથારીમાં લંબાવ્યું . રામજીએ જોયું રોજ તો મધુ પથારીમાં પડતા જ સુઈ જાય છે અને આજે ખુલ્લી આંખે જાગતી સૂતી છે .
એના હોઠો પર વારંવાર એક સ્મિત આવી રહ્યું હતું . એ જોઈને રામજી મનમાં ને મનમાં અકળાઈ ઉઠ્યો .
પોતાના મનને મનાવતો સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો .

' डूबा सूरज फिर से निकले
रहता नही है अंधेरा ,
मेरा सूरज ऐसा रूठा
देखा न मैने सवेरा
उजालों ने साथ मेरा छोड़ा
अमानुष बना के छोड़ा....

રામજી સાચે જ હતાશ થઈ ચૂક્યો હતો . મારુ નસીબ મને ક્યાં સુધી સાથ આપશે કોને ખબર ?

બીજા દિવસે ફરી એ જ રુટીન ચાલુ હતું ત્યાં મધુ બોલી ' તમે આજે થોડા મોડા જજો , આજે ફરીથી એ ભાઈ આવવાના છે .

' કેમ આજે ફરીથી ? '
હજુ કંઈ લેવાનું બાકી રહી ગયું છે શું ?

' લેવાનું તો ઠીક પણ હું વિચારું છું કે આ ભાઈની સાથે બાપુને થોડા પૈસા મોકલાવી દવ..તમને વાંધો ન હોયતો '

' અરે એમાં વાંધો શુ હોય , મોકલી જ દયો , પણ તમે આ ભાઈને ઓળખો છો ? નામ , ઠામ ખબર છે ? '

' હા મહેશ નામ છે એનું '

' ઓહઃહઃ એટલે તું ઓળખે છે ? '

' હા બસ... પણ ...એવું.ખાસ નહિ , બાપુ આગળ આવતા-જતા એટલે ખ્યાલ છે . '

' તું ઓળખે છે તો પછી મારી જરૂર શેની ? ' તારી રીતે વાત કરી લે જે ,

અઠવાડિયું નીકળી ગયું અને મહેશની અવરજવર ચાલુ જ હશે એવુ લાગ્યું . કેમ કે બાપુને કેટલા પૈસા મોકલ્યા એ વાત મધુ મને કરે તો ખરી જ .
મધુએ ધીરે રહીને કહી પણ દીધું એ ભાઈનું હજુ રોકાયેલા છે . જતા પહેલા જરૂર આવશે .

' ઠીક છે કોઈ વાંધો નહિ , કહી રામજીએ વાતને ટૂંકાવી દીધી .

રામજી અને મધુ વચ્ચેનો વાતો કરવાનો ક્રમ ઓછો થતો જતો હતો .
એકદિવસ બપોરના જમવા સમયે મધુ પૂછી જ બેઠી ' આજકલ તમે મુડમાં નથી રહેતા , કોઈ વાત છે તો મને કહો ,

' ના રે ના એવું કંઈ છે જ નહીં , બસ થાકી જાવ છુ ,

મધુ મનમાં ને મનમાં વિચારતી રહી બાપુને પૈસા મોકલવાની વાત કરી એ કદાચ નહિ ગમ્યું હોય...શુ કારણ હશે ? '

ધીરે ધીરે રામજીએ બપોરે જમવા આવવાનું પણ ટાળ્યું , સવારે કહીને જ નીકળતો હું ત્યાં બજારમાં જ કંઈક ખાઈ લઈશ .

રામજીના આવા નિર્ણયથી એને એવું લાગ્યું ક્યાંક એના બાપુના ઘરના
હેરાન તો નહીં કરતા હોય , હમણાં હમણાં તો બહુ ચિંતામાં રહે છે .

પંદર દિવસ નીકળી ગયા રામજીને ખબર હતી કે હજુ સુધી મહેશ પોતાના ગામ પાછો ગયો જ નથી .

એકદિવસ બપોરના સમયે અચાનક રામજી આવી ચડ્યો , બહાર દરવાજે જોયું તો કોઈના ચપ્પલ પડ્યા હતા .
દરવાજો ખુલ્લો હતો . ત્યાં અંદરથી મધુ અને મહેશ વચ્ચે ચાલી રહેલી વાતો રામજીના કાનમાં પડી .

મધુ એ દિવસ પછી સીધો આજે આવ્યો છું . તારે તારા બાપુને પૈસા મોકલવા હતા ને એ લેવા આવ્યો છું .
અહીંની હોસ્પિટલમાં મારી માઁ નો ઈલાજ બહુ લાંબો ચાલ્યો . એટલે રોકાય જવું પડ્યું .

' બાકી બોલ તારો સંસાર કેમ ચાલે છે ? ' ,

ખૂબ સરસ લગ્નના શરૂઆતના દિવસોમાં હું એમને સ્વીકારી શકી ન્હોતી . પણ હવે તો...

' હવે તો શું...? '

' હવે હું એમને દિલ દઈ બેઠી છું , સાચું કહું તો રામજીની સાથે જીવવામાં મજા આવે છે . જાણે સાક્ષાત ઈશ્વરનો અવતાર હોય એવું લાગે . અટલો સાફ દિલનો માણસ છે મારો રામજી . પૂજા કરવા લાયક...

બહાર ઉભેલા રામજીનું હૈયું ભીનું ભીનું થઈ ગયું . મધુ ઉપર નાહક વહેમ કરી બેઠો .

મધુ એને બહાર સુધી મુકવા આવી એ દરમ્યાન રામજી ઘરની પાછળ દીવાલ આગળ સંતાય ગયો .

જીપનો નીકળતો ધુમાડો અને ઉડેલી ધૂળમાં બંનેનો ભૂતકાળ પણ ખુલ્લા ગગનમાં વિલિન થઈ ગયો હતો .

એ દરમ્યાન બાજુ વાળાની ઉભેલી કાર નાં કાંચમાંથી મધુએ જોયું .
ઘરના દરવાજાની બાજુએ આવેલ દીવાલ અડીને કોઈ ઉભું હતું .
અરીસામાંથી નજર કરતા જોયું તો રામજી ઉભો હતો . રામજીને અચાનક જોતા જ મધુ શરમાય ગઈ . કાર ના અરીસમાંથી બંને એકબીજાને નિહાળતા રહ્યા .

રામજીની આંખોનો નશો આજે કૈક અલગ જ હતો ...એણે આંખોના ઇશારાથી પૂછ્યું ... શુ થયું ? '

સાડલાના છેડાને દાંત વચ્ચે દબાવી શરમાતી મધુ એકદમથી ઓરડામાં દોડી ગઈ .

રામજીએ ધીરે રહીને મધુની પાછળ આવી બે હાથ વચ્ચે જકડી લીધી ' અને કાનમાં ધીરે રહીને બોલ્યો ....
' તું કહે તો આજે સાંજે ફૂલોની ટોકરી લઈને આવી જાવ ..
પૂરો ઓરડો સુગંધી ફૂલોથી સજાવીશું અને....કહીને વાક્ય અધૂરું છોડી દીધું

મધુ મનમાં ને મનમાં ગીત ગણગણવા લાગી... 💞💞🎶🎶.....
' तुम्हे चाहेंगे , तुम्हे पूजेंगे ,
तुम्हे अपना खुदा बनाएंगे ,
बेताब दिलकी तमन्ना ...

બહાર કારનું હોર્ન વાગતા જ બંનેના કાન ચમક્યા , રામજીએ બારીમાંથી નજર કરતા જોયું ' અરે આ તો બાપુની કાર છે .

' અત્યારે ? અચાનક ?.... ,

બંને જણા બહાર ગયા . કારમાંથી એક પછી એક બધા ઉતર્યા , માઁ-બાપુ , બંને ભાઈઓ , ભાભીઓ .... ઉતરીને રામજી આગળ આવી હાથ જોડીને માફી માંગતા બોલ્યા
' અમને માફ કરી દે જે દીકરા , અમે તને સમજી જ ના શક્યા... આજે અમે તમને બંનેને લેવા આવ્યા છીએ , આપણું ઘર તમારા બંનેની રાહ જોવે છે ...

રામજી ધીરેથી હસ્તા બોલ્યો ' માફ કરવા વાળો હું કોણ ? , એ તો ઉપર વાળાનું કામ , એનો હિસાબ એ જાણે.

બાકી હવે એ ઘરમાં પાછા ફરવાનું તો હું વિચારી પણ ના શકું ...
મારા જીવનમાં મધુના આગમનથી મને નવો જન્મ મળ્યો છે . મારુ બાળપણ ભલે એળે ગયું . પરંતુ મારી બાકીની જિંદગીને એણે ખુલ્લા દિલથી સજાવી છે . એના સાથ-સહકારથી મારી અંદરના ડરને હંમેશા માટે હું સ્વાહા કરી શક્યો છું . અમારા આ નાનકડા ઓરડાને એણે હવેલીથી પણ ભવ્ય શણગાર્યો છે .
એટલે અમે બંનેમાંથી કોઈ આ હવેલી છોડીને આવશું એવું તમે માનતા હો તો એ તમારી ભૂલ છે . હા બસ કોઈ કોઈવાર મળવા જરૂર આવતા રહેશું ...

રામજીના બાપુ પરિવાર સહિત નિરાશ ચહેરે પોતાની કારમાં પાછા ફરી ગયા .

રામજીની માઁ કાર ના કાંચમાંથી રામજી અને મધુને એકબીજાના ખભે હાથ નાખી જતા જોઈ રહી...

આજની રાત ' પ્રિયતમ ' અને
' પ્રિયતમા ' બંને પ્રેમના રંગમાં રંગાઈ ચુક્યા હતા .

💞💞💞💞💞💞💞

:-મનિષા હાથી

★આ સાથે વાર્તાને વિરામ આપું છું .
★ વાચકમિત્રો આપના પ્રતિભાવ જરૂર મોકલશો .
🙏🙏🙏🙏