Antim Vadaank - 24 books and stories free download online pdf in Gujarati

અંતિમ વળાંક - 24

અંતિમ વળાંક

પ્રકરણ ૨૪

ઈશાને સ્મૃતિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકતાં તો મૂકી દીધો પણ પછી તેને લાગ્યું કે થોડી ઉતાવળ થઇ ગઈ. સ્મૃતિની સ્પષ્ટ ના સાંભળીને ઇશાન અપસેટ થઇ ગયો હતો. સ્મૃતિ ક્યા કારણસર ના પાડે છે તે જાણવું ઇશાન માટે જરૂરી બની ગયું હતું. આજે ચાલીસ વર્ષની ઉમરે પણ ઇશાન માંડ પાંત્રીસ જેવો દેખાતો હતો. હેન્ડસમ તો હતો જ ઉપરાંત ફિઝીકલી પણ એકદમ ફીટ હતો.. ચૂસ્ત હતો. “સ્મૃતિ, મને લાગે છે કે આપણે બંને એક બીજાની પીડાને બરોબર સમજી શક્યા છીએ. બે પાત્રો જયારે પરસ્પરની વેદનાને સમજીને એક થાય ત્યારે તેમનું લગ્નજીવન હિમાલયની ટોચને આંબતું હોય છે”

“ઇશાન, એ વાત સાચી પણ તમારો પ્રસ્તાવ ન સ્વીકારવાના મારી પાસે એક નહી પણ ત્રણ કારણ છે”.

“ક્યા ક્યા?” ઇશાન હવે એ કારણો જાણવા માટે મરણીયો થયો હતો.

“ઇશાન , પહેલું કારણ તો એ કે હું એક ભવમાં બે ભવ કરવા નથી માંગતી... જો લગ્ન જીવનનું સુખ મારા નસીબમાં હોત તો રાજુ પાસેથી જ તે ન મળી ગયું હોત?. ”

“સ્મૃતિ,ખોટું ના લગાડતી પણ એક ભણેલી ગણેલી છોકરીના મોઢે આવી વાત સાંભળીને દુઃખ થાય છે. કઈ સદીમાં જીવે છે? હવે તો વિધવાઓ પણ પુનર્લગ્ન કરે છે... ” ઇશાને અકળાઈને કહ્યું.

સ્મૃતિ થોડી પીગળી. ઇશાન જે રીતે હક્કથી તેની સામે દલીલ કરી રહ્યો હતો તે વાત પણ સ્મૃતિના ધ્યાન બહાર નહોતી.

“ઇશાન, તમારું વ્યક્તિત્વ જોતાં ભાગ્યે જ કોઈ યુવતી તમારી ઓફર નકારી શકે. પણ મારી “ના” પાછળનું બીજું કારણ એ છે કે ભવિષ્યમાં પણ તમે તમારી પત્ની ઉર્વશીને કાયમ મારા શરીરમાં જ શોધતા રહો તે મને મંજુર નથી”.

“સ્મૃતિ, જો હું પ્રોમિસ આપું કે તેમ નહિ થવા દઉં તો ?”ઈશાને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. જોકે ઇશાનથી સ્મૃતિને પામવા માટે જ આવું બોલાઈ ગયું હતું. હકીકતમાં ઉર્વશીને ભૂલવાનું ઇશાન માટે શક્ય જ નહોતું. કદાચ સ્મૃતિ સાથે પહેલીવાર ઇશાન દંભ કરી રહ્યો હતો.

“તો પણ મારી ના જ છે, કારણકે આ આશ્રમને જ મારું શેષ જીવન સમર્પિત કરવાનો મારો વર્ષો પહેલાંનો નિર્ધાર છે”.

ઇશાન ચૂપ થઇ ગયો. તેને સમજાઈ ગયું કે સ્મૃતિ તેની સાથે લગ્ન કરવા માંગતી જ નથી. “ઓકે સ્મૃતિ, ગુડ નાઈટ’. ઈશાને ઉભા થઇને તેના રૂમ તરફ ચાલવાનું શરુ કર્યું. સ્મૃતિ તેને જતો જોઈ રહી. ઇશાન નિરાશ થઇને તેની સાથે જ ધીમી ગતિએ ચાલી રહેલાં પોતાના પડછાયાને નિરખતો રૂમ પર પહોંચી ગયો. ઈશાનને વર્ષો પહેલાં મૌલિકે કહેલી વાત યાદ આવી ગઈ.. મૌલિક ખુદની એકલતા બાબતે બોલ્યો હતો.. ” ઇશાન માણસ જયારે એકલતાનું આકાશ ઓઢી લે છે ત્યારે તેની સાથે માત્ર તેનો પડછાયો જ હોય છે... અન્ય કોઈ નહિ”.

બીજે દિવસે સવારે ઈશાને ડ્રાયવરને ફોન કરીને ટેક્ષી બોલાવી લીધી. બપોરે નીકળતી વખતે ઇશાન હાથમાં બેગ સાથે કાર્યાલયમાં ગયો. સ્મૃતિ કાર્યરત હતી. “ઓકે , સ્મૃતીજી, હું નીકળું છું... આપની રજા લેવા જ આવ્યો છું”. “ભલે ઇશાન, તમારી મરજી”. માત્ર બે દિવસમાં જ નિકટ આવી ચૂકેલાં ઇશાન અને સ્મૃતિ વચ્ચે જાણે કે એકાએક એક ચીનની દીવાલ ઉભી થઇ ગઈ હતી!

ઈશાને ખાસ્સી મોટી રકમ ટેબલ પર મૂકી દીધી... ”આ આશ્રમને ડોનેશન છે... ઇશાન ચોકસી તરફથી” સ્મૃતિએ પણ અન્ય દાતાઓ સાથે જેમ વર્તન કરતી હતી તેમ ઇશાનનો આભાર માનીને રસીદ બનાવી દીધી. રસીદ ખિસ્સામાં મૂકીને ઇશાન સ્મૃતિ તરફ નજર કર્યા વગર જ ઝડપથી દરવાજાની બહાર ઉભેલી ટેક્ષી જવા તરફ રવાના થઇ ગયો.

ટેક્ષી હરિદ્વાર તરફ દોડી રહી હતી. ટેક્ષીની ગતિ કરતાં પણ તેજ ઇશાનના વિચારોની ગતિ હતી. ઇશાનનું મનોમંથન ચાલુ જ હતું. અચાનક સ્મૃતિને મળવું અને તેનાથી વિખૂટા પડવું તે પણ જીવનમાં આવેલો એક વળાંક જ હતો ને?

ટેક્ષી હોટેલ પર છોડીને ઇશાન સાંજ સુધી રૂમમાં જ ભરાઈ રહ્યો. રાત્રે જમીને તે હરિદ્વારની ગલીઓમાં લટાર મારવા નીકળ્યો. પાછા ફરતી વખતે પરમાનંદનો આશ્રમ રસ્તામાં આવ્યો. પરમાનંદનો શિષ્ય આશ્રમનો મુખ્ય દરવાજો બંધ જ કરી રહ્યો હતો. બંનેની નજર એક થઇ એટલે શિષ્યએ સસ્મિત ચહેરે ઇશાનને આવકાર આપ્યો. પરમાનંદને અત્યારે મળવા જવાનો ઈશાનનો કોઈ પ્લાન જ નહોતો પણ અનાયાસે જ તે અંદર પહોંચી ગયો. પરમાનંદ આશ્રમના પ્રાંગણમાં જ બેઠા હતા.

“વત્સ, આવી ગયો ?” ‘જી.. સ્વામીજી”. શિષ્યની હાજરી ઇશાનના ધ્યાન બહાર નહોતી. પરમાનંદ ઇશાનને તેમના ખંડમાં લઇ ગયા. ઈશાને બાલઆશ્રમમાં ગાળેલી તમામ ક્ષણો તથા છેલ્લે છેલ્લે સ્મૃતિ સાથે થયેલા સમગ્ર વાર્તાલાપની પણ પરમાનંદને જાણ કરી.

આજે પરમાનંદ ઉત્તમ શ્રોતા બની ગયા હતા. ઇશાને ફલેશબેકમાં સરી પડીને ઉર્વશી સાથે ગાળેલાં તેના જીવનના શ્રેષ્ઠ વર્ષોની તથા દત્તક લીધેલા મિતની પણ વિગતે વાત કરી.

ઈશાનની વાત પૂરી થઇ એટલે પાંચેક મિનીટ સુધી પરમાનંદ આંખ બંધ કરીને બેસી રહ્યા. પરમાનંદે એક જ સવાલ કર્યો “ ઇશાન, આ તમામ બાબતથી તેં સ્મૃતિને માહિતગાર કરી છે ?”

“ મેં સ્મૃતિથી એક પણ વાત છૂપાવી નથી. અમારાં વચ્ચે વિશ્વાસનો માહોલ પણ ઉભો થઇ ગયો હતો. મેં સ્મૃતિને ત્યાં સુધી કહ્યું હતું કે મારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે અને સાચું કહું તો એ વિશ્વાસનો સેતુ બે દિવસમાં જ એટલી હદે રચાઈ ગયો કે સ્મૃતિએ પણ તેની અંગત જિંદગીના પાના મારી સમક્ષ ખોલી દીધા હતા.. કદાચ એ કારણસર જ હું તેને પ્રપોઝ કરી બેઠો. ” ઇશાનના અવાજમાં દર્દ ભળ્યું હતું. પરમાનંદ ઇશાનનું દુઃખ સમજી ચૂક્યા હતા.

“ઇશાન, ધારી લે કે કદાચ સ્મૃતિએ તારા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હોત તો એ તારી પત્ની ઉર્વશીનો પર્યાય બની શકે ખરી ?”

“ના. એ ઉર્વશીનો પર્યાય તો ન બની શકે પણ પડછાયો જરૂર બની શકે.. જો સ્મૃતિ મારા જીવનમાં આવી હોત તો મને જીવન જીવવાનું બળ ચોક્કસ મળી જાત અને બીજું કે મારા નાનકડા મિતને પણ માનો પ્રેમ મળી જાત”. ઈશાને નિસાસા સાથે કહ્યું.

ઇશાન ઉભો થઈને ધીમા પગલે આશ્રમની બહાર નીકળી ગયો.

ઇશાનનો મૂળ પ્લાન હરિધ્વારના પવિત્ર માહોલમાં હજૂ છ દિવસ રોકાવાનો હતો. ઉર્વશીના અસ્થિવિસર્જનની વિડીયોગ્રાફી કર્યા બાદ તેના મનમાં ધરબાઈ ગયેલો ફોટોગ્રાફર ફરીથી સજીવન થયો હતો. આજુબાજુના સ્થળોએ જઈને ફોટોગ્રાફી કરવાનો પણ ઈશાનના મનમાં પ્લાન હતો પરંતુ છેલ્લા બે દિવસમાં બનેલી ઘટનાઓને કારણે તેનું મન અહીંથી ઉઠી ગયું હતું. ઈશાને બીજે દિવસે સાંજની દિલ્હીથી અમદાવાદની ફ્લાઈટનું ઓનલાઈન બુકિંગ કરાવી લીધું . સવારે હોટેલમાંથી નીકળતાં પહેલાં ઈશાને મૌલિક અને મિત સાથે વાત કરીને તેમના સમાચાર પૂછી લીધા હતા. સાંજે દિલ્હીથી પ્લેનમાં બેસતા પહેલાં ઈશાને આદિત્યભાઈને ફોન લગાવ્યો.. ”હેલ્લો મોટા ભાઈ, દિલ્હી એરપોર્ટથી બોલું છું. કલાક પછી ઉપડતી ફ્લાઈટમાં જ અમદાવાદ આવું છું”.

“હા.. હા.. અમે ઘરે જ છીએ”. લેન્ડ લાઈન ફોનનું રીસીવર ક્રેડલ પર મૂકતાં આદિત્યભાઈ વિચારમાં પડી ગયા... ઇશાન કેમ એકદમ એક વિક વહેલો અમદાવાદ પરત આવી રહ્યો હશે? અહીંથી ગયો ત્યારે તો દસ દિવસનું કહીને ગયો હતો.

બાજુના રૂમમાંથી ડ્રોઈંગ રૂમમાં આવી પહોંચેલા લક્ષ્મીભાભીએ પૂછયું “કોણ આવે છે ?”

“તને કેવી રીતે ખબર પડી?” “કેમ તમે જ તો ફોનમાં કહી રહ્યા હતા કે અમે ઘરે જ છીએ”. “લક્ષ્મી, ઇશાનનો ફોન હતો. તે અત્યારે દિલ્હીથી નીકળી રહ્યો છે. આમ અચાનક તેણે તેના પ્લાન કરતા એક વિક વહેલું અમદાવાદ આવવાનું કેમ પસંદ કર્યું હશે?” ઇશાનની તબિયત તો સારી હશે ને ? મોટાભાઈના ચહેરા પર ચિંતાના ભાવ ઉતરી આવ્યા હતા.

ક્રમશઃ