social media books and stories free download online pdf in Gujarati

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

" બધો વાંક તારો જ છે... તારા પપ્પાને ક્યારેય આ બધું પસંદ નહોતું છતાંય તારી ખુશી માટે તારા પપ્પા સાથે લડીને તને આ ફેસબુક ને ઇન્સ્ટા વાપરવાની છૂટ અપાવેલી... હવે ... હવે.. આ તારા આવા ફોટા તારા પપ્પા જોશે ત્યારે તારી ને મારી શી વલે કરશે એ તો હવે એજ જાણે... છોકરી તે તો જતી જિંદગીએ મારુ જીવતર ધૂળ કરી નાખ્યું... "
" મમ્મી ... મમ્મી તું શું બોલે છે.. ?? તને મારા પર વિશ્વાસ નથી... ??.. હા.. મમ્મી મારા કોલેજના મિત્રો આવી એપ્સ વાપરે છે તેથી એ લોકો સાથે મને પણ રહેવું ગમે છે ને ઇન્ટરનેટ નો ઉપયોગ પણ... પણ મમ્મી હું સાચું કહું છું... તું મારો તો વિશ્વાસ કર..!!.."
" મારા વિશ્વાસ કરે શુ વળવાનું..??.. આ ફોટા જ્યારે બીજા કોઈ સામે આવશે તો કોણ વિશ્વાસ કરશે... ??.. બીજા તો ઠીક તારો બાપોય તને મારી નાખશે... આ જોઈને.. એજ તારો વિશ્વાસ નહિ કરે તો બીજા કોને- કોને સમજાવીશ... ને આપણો સમાજ..??.."
" મમ્મી તું મારો સાથ આપ હું મારી જાતને નિર્દોષ સાબિત કરી દઈશ.. તું મારી હિંમત બન હું સૌને સમજાવી લઈશ.. "
" તું સમજતી કેમ નથી મનુ.. તને સમાજ જીવવા પણ નહીં દે સુખેથી.. ત્યાં તું લડીશ કઈ રીતે .. એ નજરો , એ કટાક્ષો .. તું સહન નહિ કરી શકે ... જો તારા પપ્પાનો આવવાનો સમય થઈ ગયો છે.. તું તારા રૂમમાં જતી રહે જા.."

( મનુ એટલે માનસી.. કોલેજના બીજા વર્ષમાં ભણતી.. ભોળી , સુંદર , થોડી ડરપોક , થોડી શરમાળ ને ખૂબ હોશિયાર છોકરી... પિતા પોલીસ કોન્સ્ટેબલ ને મા ગૃહિણી... સાદા - વિચાર ને સાદો પરિવાર પિતા મોહનભાઇ એ માત્ર ભણવું હોય તોજ ખર્ચા કરવાની શરતે કોલેજમાં એડમિશન અપાવેલું.. ને એક દિવસ થોડું મોડું થતા કોલેજે પહોંચી ગયેલા.. ને તે દિવસેજ માનસીને મોબાઈલ પણ અપાવેલો.. પણ સાથે કોઈ પણ સોશિયલ સાઈડનો ઉપયોગ ન કરવાની તાકીદ પણ કરેલી.. પણ.. મુગ્ધાવસ્થા.. યુવાનીનો તરવરાટ .. ને યુવા સખીઓ સાથે આગળ રહેવાની હોડ.. માનસીએ મમ્મીને માનવી લીધી ને ફેસબુક ને ઇન્સ્ટા જેવી એપ્સ ડાઉનલોડ કરી બહુ ખુશ હતી એ... એને લાગતું હતું કે તે હવે સમયની સાથે ચાલી રહી છે.. ત્યાં આજે કોલેજથી આવ્યા પછી જ્યારે એ આરામ કરી ઉઠી ત્યાં મોબાઈલ પર નોટિફિકેશન્સ જોયા ને મોબાઈલ સ્ક્રીન પર અજાણ્યા નંબર પરથી એના કોઈ છોકરા સાથે અર્ધનગ્ન ફોટાઓ જોયા.. ને એ છળી પડી... એની આ દશા જોઈ મમ્મી ત્યાં પહોંચી ગયા ને એતો રીતસર ભાંગી જ પડ્યા... એ બંને નો સંવાદ પૂરો થાય તે પહેલાજ મોહનભાઇના આવવાનો સમય થતાં વિવાદ મોકૂક રખાયો.. )
"મનુ... એ મનુ.."
" એ પોતાના રૂમમાં છે.. હું પાણી લાવું તમારા માટે..??.."
" ના.. પાણી નથી પીવું.. મનુને બોલાવ.."
" કેમ ... ! કંઈ... કંઈ કામ છે એનું..??.."
" લે કામ શું હોય.. આ તો દરરોજ દરવાજો એ ખોલે ને આજે તું આવી એટલે કહું છું.."
( ત્યાં માનસી હાથમાં ચાકુ સાથે આવી.. )
" મનુ... આ .. કેમ ચાકુ લઈને... શું થયું..??.. "
" પપ્પા તમે મને મારી નાખો.. અથવા મારો સાથ આપો.. "
" કોઈ લફરું... છે.. !!.. કે શું.. ??.."
" ના પપ્પા .. તમે ના પડ્યા છતાં મેં સોશિયલ એપ્સનો ઉપયોગ કર્યો.. ને આ જુઓ.. ને આ.. આ.. પણ પપ્પા આ હું નથી... પપ્પા તમારા વિશ્વાસ ને તોડવું એ મારાથી આ જન્મે બનશેજ નહીં.. પણ જો તમને મારા પર વિશ્વાસ હોય તોજ મને જીવતી રાખજો તમારી નજરમાં પડી જઈ ને મારે જીવન નથી જોઈતું.. "
( મોહનભાઇ થોડીવાર અવાચક જેવા બની ગયા... થોડીવારે કળ વળતાં બોલ્યા.. )
" મનુ હું ... પોલીસ સ્ટેશનમાં દિવસના આવા કેટલાય કેસ જોવું છું... છોકરીઓ નિર્દોષ હોય તોય એ નિર્દોષ સાબિત થાય ત્યાં સુધી લોકોની નજરો... હું તને એટલેજ આ બધું ના પાડતો હતો.. હું જાણું છું સોશિયલ મીડિયા સમયની સાથે ચાલવામાં મદદરૂપ છે... તમને વિશ્વ સાથે જોડે છે.. પણ.. આ બીજા અંધારા પાસાનું શું..??.. આ ચાકુ મૂકી દે બેટા મારુ કડક વલણ એ તારી સુરક્ષા માટે જ હતું... લે ચાલ હું છું તારી સાથે... "
" પપ્પા... મને માફ કરી દો.. "
" ચાલ.. છોડ એ બધું.. ચાલ મારી સાથે... "
( બંને પોલીસ સ્ટેશને જાય છે.. )
" સાહેબ આ મારી દીકરી.. "
" હા.. ઓળખું જ ને માનસી દીકરીને.. 12માં માં રાજ્યમાં અવ્વલ આવેલી ત્યારે મળેલો યાદ છે બેટા..??..મોહનભાઇ બધું બરાબર છે ને..??.."
" સાહેબ સાયબર ક્રાઈમના ભોગ બન્યા છીએ.. "
( મોહનભાઇ શક્તિસિંહ ને મોબાઈલ આપે છે )
" સમજી ગયો .. બેટા.. શાંતિથી મારી વાત સાંભળી વિચારીને સાચો જવાબ આપજે.. "
" જી.. કાકા.. "
" કોઈ છોકરો કોલેજમાં તારી પાછળ પડ્યો હોય કે તારી છેડતી કરી હોય.. "
" કાકા.. અઠવાડિયા પહેલા એક છોકરાએ મને ફેસબુક પર પ્રપોઝ કરેલું.. "
( ને ઇન્સ્પેક્ટર શક્તિસિંહે રાહુલને પકડી લઈ પૂછપરછ શરૂ કરી.. પણ પુરવાઓનો અભાવ હતો.. એ દુવિધા માં હતા ત્યાં મનુની એક સખી આવી ને રાહુલનું ઉપરાણું લેવા લાગી.. એની બોલવાની ઢબ પર વહેમ પડતા શક્તિસિંહે એને પણ બેસાડી લીધી.. )
" અંકલ આતો મારી ફેસબુક ફ્રેન્ડ છે... એ બધુજ જાણે છે.. અત્યાર સુધી એ હંમેશા મને મદદ કરતી રહી છે.. "
" બેટા.. તું શાંતિ રાખ મને મારુ કામ કરવા દે.. "
( મોહનભાઇ એ માનસીને ચૂપ રહેવા ઈશારો કર્યો.. ને શક્તિસિંહે રાહુલ પર થોડું દબાણ વધારતા જ માનસીની આવેલી ફ્રેન્ડ તન્વી રડવા લાગી ને પોતાનો ગુનો કબૂલી લીધો.. )
" તનુ... તે મારી સાથે આવું કર્યું.. "
" હું રાહુલને પસંદ કરતી હતી.. ને એ તને.. "
" તો.. "
" એટલે મેં એની નજર માંથી નીચી પાડવા મેંજ આ પગલું ભરેલું.. "
" તન્વી... એકવાર મને વાત તો કરવી જોઈએ ને.. "
" મને માફ કરીદે મનુ.. ભૂલ થઈ ગઈ મારી.. "
( શક્તિસિંહ ને મોહનભાઇ આ નવી પેઢીના સોશિયલ સંબંધો ને તેના આવનારા પરિણામો વિશે વિચારી રહ્યા ને આ લોકોને જોઈ રહ્યા.. )

હેતલબા વાઘેલા 'આકાંક્ષા'