Nine emails that i have never sent - 4 books and stories free download online pdf in Gujarati

ના મોકલેલા નવ ઇમેઇલ ( એક પ્રેમીની શરત ) - 4

મારા લખેલા પત્રોની વાત એટલે કે આ નોવેલ (ના મોકલેલા નવ ઇમેઇલ) ની શરૂઆત કરું એ પહેલા તેના માટેની કેટલીક વાતો સ્પષ્ટ કરી દઉં. મારી આ વાર્તા ને મેં નવ ઇમેઇલ્સમાં કંડારેલી છે અને હું દરેક ઇમેઇલ અલગ પાર્ટમાં આગળથી અપલોડ કરીશ. જો તમને વાંચીને મજા આવે, ગમે તો અચૂકથી તમારો પ્રતિભાવ આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.

" ચોથો ઇમેઇલ "

લખનાર : શિવમ

તારીખ : ૨૫ જાન્યુઆરી ૨૦૧૪

પ્રિય શ્રુતિ,

વિષય: જન્મદિવસ

આજે સવારે જ તને બે વખત ફોન લગાવ્યો હતો અને ગઈકાલે રાત્રે પણ તને ફોન ટ્રાય કરેલો... કદાચ તું કહેતી હતી એમ તારા ગામડે હોઈશ! ખેર, જો તું આજે અહીં હોત તો કોઈ પણ સંજોગે તને વિશ કરવા હું આવત એ વાત મેં નક્કી કરેલી અને મેં તો પહેલેથી જ ઘરે બહાના પણ બનાવી લીધા હતા. તારો ફોન આવી જાય તો હું કોઈ પણ મુશ્કેલી વગર આવી શકું એવો મારો ઉદેશ્ય હતો પણ હાલ તો તારા વિશે વિચાર્યા અથવા લખવા સિવાય મારા પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને એટલે જ મેં આ ચોથો ઇમેઇલ લખવાનું નક્કી કર્યું છે. હા, ખબર છે મને કે મારી ના કહેલી લાગણીઓના આ ઇમેઇલ્સ ડ્રાફ્ટ થતા જાય છે અને હું તને કઈ કહેતો નથી પણ એવું સહેજેય નથી હું તો તને હંમેશથી કહેવા માંગુ છું પણ આ પ્રેમ રમતની વાત જ કઈ અલગ છે. લોકોના મોઢે સાંભળેલી આ રમતની વાતો અને તેની અનિશ્ચિતતાઓ વિશે પણ આજે અનુભવું છું એટલે સમજાય છે. મારુ ભોળું મન તારા સાથેના હાલના સંબંધ (મૈત્રી) થી એટલું ખુશ છે કે હું સાચું કહીને એને આ કાચા સ્વપ્નમાંથી ઉઠાડવા માંગતો નથી! એટલે જ મારા મન અને હૃદયના આ દ્વંદ્ધને હું અવિરત ચાલવા દઉં છું.

એકવાર તો મારે તને કહેવું જ છે અને એ પણ નજીકના ભવિષ્યમાં કે, 'હું તને કેટલો ચાહું છું' અને એવો સંકલ્પ પણ મેં હાલ લીધો છે. આજે હું તારા જન્મદિવસે તને કહેવાના શબ્દોના લિસ્ટ રૂપી આ ઇમેઇલ લખું છું! તને કદાચ ખબર નહિ હોય એવું મારુ માનવું છે કે હું તારા વિશે કેવું અનુભવું છું. સ્કૂલ સમયથી લઈને છેક આજે બીજા સિમેસ્ટર સુધીના સમયગાળામાં જાણે કોઈ ખેડૂત ઉનાળા પછી વરસાદની જે આતુરતાથી રાહ જોવે એમ મેં તારી રાહ અત્યાર સુધી જોઈ છે...એ તો જયારે આપણી કોલેજમાં ભણતા આપણી સ્કૂલના લોકોનું whatsapp ગ્રુપ બન્યું હતું જેના થકી મને તારો મોબાઈલ નંબર મળેલો અને એમાંય મેં પહેલીવાર તને મેસેજ કરેલો એ દિવસ મને હજીય યાદ છે. કોલેજથી આવ્યા પછી હું મારા પીજીમાં બેઠો હતો અને મારા રૂમ પાર્ટનરએ મને કીધેલું કે આજે ટિફિનમાં મજા નહિ હોય તો આપણે બહાર જમવા જઈશું અને મેં હા પણ કહી દીધેલું છતાંય તારા મેસેજની રાહમાં હું એવો ખોવાઈ ગયેલો કે મને એ વખતે સમયનું ભાન નહતું રહ્યું. હું મારા પીજી અને આપણી કોલેજ વચ્ચે આવેલી એક ચાની કીટલી પાસે બેસી રહેલો અને એ વાતનો અહેસાસ મને ત્યારે થયેલો જયારે મારા પપ્પાનો ફોન આવેલો નિત્યક્રમ પ્રમાણે! મેં ફોન ઉપાડેલો અને રોજ પ્રમાણે જવાબ આપી દીધેલો કે હા, મેં જમી લીધું છે. દુનિયાના તમે કોઈ એક ખૂણે હોવ અને તમારા માં-બાપ બીજા કોઈ ખૂણે, છતાંય પણ એ તમારી પાસે જ એવું અનુભવાવાની આવડત કદાચ ઈશ્વરે એમને જ આપી છે. ખરેખર એ વાતે ક્ષણિક મારા અસ્તિત્વને ભુલાડીને એમનો પેલો ૨.૫ વર્ષનો શિવુ બનાવી દીધેલો કે જે સ્ટુડીઓમાં ફોટો પડાવતી વખતે ખુબ રડેલો અને જેનો ઉલ્લેખ મારી મમ્મી અવાર-નવાર કરતી જ હોય છે.

જયારે ફોન મુક્યા પછી હું સ્વસ્થ થયો ત્યારે તારો મેસેજ આવેલો શ્રુતિ અને એ દિવસે મારી લાંબી તપસ્યા પછી હું જે કહેવા માંગતો હતો પણ ક્યારે કહી નહતો શક્યો કે તું તારું ધ્યાન રાખજે, એ મેં પહેલી વાર આપણી વાતના અંતે Take care લખીને કહેલું અને એનો નિત્યક્રમ આજદિન સુધી ચાલુ છે! મારી ભૂખ તો તારી સાથે વાત કરતા કરતા જ મટી ગઈ હતી પણ તોય એ વાતની ઉજાણીમાં મેં એ દિવસે નાસ્તો કરીને જ ચલાવી લીધેલું. મારી ઈચ્છા તો થઇ ગયેલી કે હું આપણી કોલેજ પાસે આવેલી ગર્લ્સ હોસ્ટેલ આગળ આવી જાઉં પણ મારુ મન તારી સાથેની મેસેજવાળી વાતચીતમાં સંતોષ અનુભવતું હતું એટલે મેં આવવાનો વિચાર માંડી વાળેલો...તને ખબર છે મને એ વાત ની જાણ ક્યારે થઇ? કે તું કોલેજ પાસે આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. યાદ છે તને, પહેલા સિમેસ્ટરની શરૂઆતમાં તું એકવાર હાલ હું જ્યાં રહું છું ને એ બાજુ એકલી ચાલતી ચાલતી આવતી હતી? એ વખતે મેં તારો પીછો કરેલો માત્ર એટલું જાણવા કે તું ક્યાં રહે છે પણ બીજીવાર જયારે આપણે મળ્યા કોલેજની Canteen માં તું તારી બહેનપણીઓ સાથે અને હું મારા મિત્રો સાથે ત્યારે ખબર પડી કે એ દિવસે તું તારી બહેનપણીના પીજીમાં કે જે મારા પીજીની આસપાસ છે ત્યાં આવી હોઈશ. એ દિવસ પછી મેં ક્યારેય તારો પીછો કર્યો નથી કેમકે મને અંદરથી થોડું ખોટું લાગેલું કે મારે એમ ના કરવું જોઈએ. પછી તો એ આપણો નિત્યક્રમ થઇ ગયેલો કોલેજથી છુટીને canteen માં સાથે બેસવાનું પછી હું ક્રિકેટ રમવા કોલેજની પાછળના મેદાને જાઉં અને એમ આપણે રોજ છુટા પડતા.

આપણી એ પહેલી વાતને આજે ત્રણ મહિના ઉપર થવા આવ્યા છે અને સાથે સાથે આપણો મૈત્રી સંબંધ પણ એના પગલાં મોટા ભરી રહ્યું છે અને એ વાતનો શ્રેય જાય છે આપણી શરૂઆતી નાનકડી મુલાકાતોને કે જે આજકાલ મોટી થઇ રહી છે. કેમકે જે મુલાકાતો ના સ્વપ્નો હું જોયા કરતો એ પાછલા કેટલાક મહિનાઓથી મારા માટે સહજ છે પણ બધા દિવસોમાં હજીય મને પેલો દિવસ બરોબર યાદ છે કે જે દિવસે આપણે કોલેજમાં જવાનું ટાળેલું અને ફિલ્મ જોવા જવાનું નક્કી કરેલું. હું થોડો ગાંડો હતો કે તેં ના પાડી હતી છતાંય મારા ભાઇબંધનું બાઈક લઇ આવેલો. પછી તો જતી વખતે પોલીસ વાળાએ આપણને પકડેલા અને મારી પાસે લાઇસન્સ હોવા છતાં હેલ્મેટ નહતું કે જેના લીધે આપણી ફિલ્મ ટિકિટના બધા પૈસા એને આપી દેવા પડેલા! મારા આખા પ્લાન પર એ પ્રસંગે પાણી ફેરવી નાખેલું. જોકે તારા સુઝાવ હેઠળ આપણે ગાર્ડનમાં ગયા અને જે વાતચીતો થઇ હતી જેના લીધે જ આપણે એકબીજાને અને ખાસ હું તને આજકાલ વધુ જાણું છું. આમ તારા આ પહેલા સુઝાવે મારા તારા પ્રત્યેયના નજરિયાને એક નવો દ્રષ્ટિકોણ આપેલો. એવું નથી કે તેં મને ખાલી બસ વાતચીતોમાં જ કે મારી અમુક મુશ્કેલીઓમાં જ મદદ કરેલી, તારા પહેલા સિમેસ્ટરની અમુક નોટ્સ મને મારા બીજા સિમેસ્ટરના સબ્જેક્ટ્સમાં મદદરૂપ બન્યા છે. મતલબ કે તું મારા માટે બધીય રીતે મદદરૂપ બની છે અને એ દિવસની વાતચીત માંની ભણવાની વાત ઉપર ય મેં ખાસ ધ્યાન આપેલું જ છે. અંતે પણ હું એટલું કહીશ કે હા, હવે તું મારે મન એટલી ખાસ તો છે કે મારી દરેક ખુશીઓ અને મુશ્કેલીઓની પ્રથમ ચર્ચા હું તારી સાથે કરું છું. જોકે હજીય મારા હ્ર્દય સાગરમાં તળિયે રહેલી એક વાત તને કહેવાની બાકી છે. જો કે મને હવે અનુભવાય છે કે બહુ જ જલ્દી હું તને એ પણ કહી જ દઈશ. આમ તો મેં ગયા અઠવાડિયે જ નક્કી કરેલું કે હું તને આ વાત તારા જન્મદિવસે જ કહીશ પણ ગઈ કાલે સાથે ઘરે આવતા તેં મને કીધેલું કે સાંજે તું તારા ગામડે જવાની છે એટલે મેં મારા એ નિર્ણયને બદલી નાખેલો!

આજે સાંજે જયારે તારો ફોન આવેલો ત્યારે તને ખબર નથી પણ હું મારા આ આગળના ઇમેઇલ્સ અને આ અધૂરા ઇમેઇલ ને લઈને આવેલો અને એ પણ કાગળમાં પ્રિન્ટ કરાવીને અને મારા પ્લાન પ્રમાણે હું તારી સામે એ વાંચી સાંભળવાનો હતો પણ તું એટલી ખુશ હતી કે જેટલી મેં તને ક્યારેય જોઈ ન હતી એટલે મારાથી ખિસ્સામાં હાથ ગયો જ નહિ! કદાચ તારી ફેવરેટ પેસ્ટ્રી હું લાવ્યો હતો એના લીધે કે, તારું ગમતું કીચેઈન અને વોચ મેં આપી હતી એટલે, કે પછી મારી કંપની ના લીધે કે પછી કોઈ બીજા કારણે તું એટલી ખુશ હતી મને ખબર ના પડી! પણ હવે કાલે સાંજે પાછા આપણી મૈત્રીના શહેરમાં સાથે જઈએ ત્યારે વાત કરતા ખબર પડશે. જો તું ત્યારે પણ આટલી જ ખુશ હોય તો મારે આ પ્રિન્ટ કરાવેલા ઇમેઇલ્સ નું શું કરું એવા વિચારોની મથામણમાં હાલ હું છું. જોકે અંતિમ નિર્ણયમાં મેં પહેલા આ અધૂરા ઇમેઇલ ને પૂરો કરવાનું વિચાર્યું છે અને પછી બધા ઇમેઇલ્સ ને મારી કોલેજ બેગમાં સંતાડવાનું નક્કી કરેલ છે. દિલ મારુ પણ સહેજ મુંજવાયુ છે આજે કે, શું હું ઉતાવળ તો નથી કરી રહ્યોને તને આપણા સંબંધ વિશે કહેવામાં? કે પછી તું ય મારી જેમ અનુભવે તો છે પણ કહેતી નથી! મને તો હજીય એ વાત પચતી નથી કે, તેં કેમ ફોનમાં મને કીધું કે તું આવ ખાલી કોઈ બીજાને કહીશ નહિ!

હવે કાલે તું મળે પછી જ મને કઈ સુઝશે કે મારા ઇમેઇલ્સ વિશે તને કેમનો કહીશ યાર! તને ખબર છે પણ, આજે તને આટલી ખુશ જોઈને જાણે મારા પર કોઈ જવાબદારી આવી ગઈ હોય એવું હું હાલ તો અનુભવું છું અને એટલે જ મારી લાગણીઓને હાલ પૂરતી લખી લઈને આ ઇમેઇલના ડબ્બામાં સંતાડી રાખું છું. કાલે તું મળે ત્યાં સુધી એટલું જ કહી શકું કે હું તને ખરેખર ચાહવા લાગ્યો છું શ્રુતિ અને આ વાત તને કાલે કહી શકું એવી આશા સહ.

તારો ચાહક,

શિવમ

ક્રમશ..