Nine emails that i have sent - 5 books and stories free download online pdf in Gujarati

ના મોકલેલા નવ ઇમેઇલ્સ ( એક પ્રેમીની શરત ) - 5

મારી લાગણીઓના પત્રોની વાત એટલે કે આ નોવેલ ના મોકલેલા નવ ઇમેઇલ્સ, બે કિરદારો શિવમ અને શ્રુતિના પ્રેમ સફરની વાત છે કે જેમાં શિવમ તેની લાગણીઓને શ્રુતિને કહેવા ઇમેઇલ્સ નો સહારો લે છે. જેમાં અમુક કારણો કે જેનો ઉલ્લેખ આ વાર્તામાં છે તે ઇમેઇલ્સ મોકલતો નથી. જેમાં આ ચોથા ઇમેઇલ માં તે બંને એકબીજાની સાથે તો આવી જાય છે બંનેની મુલાકાતો હદ વટાવી જાય છે છતાંય શિવમ શ્રુતિને એના દિલની વાત કહે છે કે નહિ એના પર છે!

" પાંચમો ઇમેઇલ "

લખનાર : શિવમ
તારીખ : ૧૦ માર્ચ ૨૦૧૪

પ્રિય શ્રુતિ,

વિષય: પ્રપોઝ ડે


ગઈકાલે રાત્રે મારા રૂમ મેટ કિશન સાથે ઘણા દિવસો પછી વાતો કરતા કરતા સવારના ૫ વાગી ગયેલા અને પછી અમે અમારા પીજીથી થોડેક દૂર આવેલી કીટલીએ ચા પીવા ગયેલા તે છેક સવારે છ વાગે રૂમે આવીને સુતેલા. હમણાં પપ્પાનો ફોન આવ્યો એટલે હું ઉઠ્યો છું. કિશન રૂમમાં નથી એટલે કદાચ કાલે કહેતો હતો એમ તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયો હશે. ખેર, મેં હાલ ફોન ચેક કર્યો ને જોયું કે તારા બે મિસ-કોલ્સ છે પણ એક મહિના પહેલા જે થયું એ પછી મારી હિંમત જ નથી થતી કે હું તારી સાથે કંઈ વાત શકું એટલે જ ઇમેઇલ થકી મારી વાત લખી રહ્યો છું કેમકે તેં જે પ્રોમિસ કરાવી હતી મારી પાસે કે શિવમ તું ક્યારેય તારા મનની વાત મનમાં ના રાખતો એને હું નિભાવવા માંગુ છું! હું મારા મનની એ બધી જ વાતો ઠાલવી શકું એટલે જ આ ઇમેઇલ લખું છું.

મન તો મારુ હજી તારા જન્મદિવસની યાદોમાંથી માંડ સ્વસ્થ થયેલું ને પછી તેં એવો ઝાટકો આપ્યો હતો કે વાત હજીય મારા ગળેથી નીચે ઉતરતી નથી. હું ફોન પણ મારો સાઇલેન્ટ રાખું છું કેમ કે આજકાલ કોઈની સાથે વાત કરવી ય મને ગમતી નથી. મને ઈચ્છા તો ઘણી થાય છે કે હું તારી સાથે તો વાત કરી લઉં પણ મારા મનમાં જે ડરે ઘર કરેલું છે જેથી હું ફોન હાથમાં લઉં છું છતાંય તારા નંબર પાસે પહોંચીને આંગળીઓ મારી અટકી જાય છે...એ વાત લખવાની શરૂઆત હું કરું એ પહેલા મેં કરેલા એ મહત્વના નિર્ણય પર મારે થોડી વાત કરવી છે. તને યાદ છે, તારા જન્મદિવસના બીજા દિવસે જયારે તને તારા પપ્પા બસ સ્ટેન્ડે મુકવા આવેલા અને હું ત્યાં વહેલો પહોંચી ગયેલો પછી કેટલુંય મથતા આપણને એક બસ મળેલી જેમાં શરૂઆતમાં તો જગ્યા નહતી પણ થોડીવાર ઉભા રહીને જેમ જેમ જગ્યા થતી ગઈ એમ પહેલા તું બેસી હતી અને પછી હું તારી બાજુમાં બેઠો હતો. મેં તારી ઘડિયાળમાં જોયું હતું 20km બાકી હશે આપણી કોલેજ આવવામાં અને એ વખતે બસમાં લગભગ પાંચેક જણ હશે. જો કે તને યાદ નહિ હોય કેમ કે આથમતા સૂરજના એ ધૂંધળા પ્રકાશના કિરણો સાથે બારીમાંથી આવતા એ ઠંડીના ધ્રુજવતાં મોજાને ઝીલતા ઝીલતા તું ઊંઘું જાગું થઇ રહી હતી અને એની સાથે તારા વાળ એ મારી બાજુ આવીને જાણે મને કંઈક કહી જતા હોય તેમ ઉડતા હતા. મને યાદ છે તેની તને જાણ હોવા છતાં તારા વાળને એ પરવાનગી તે આપી રાખી હતી. હું ય એ ક્ષણોના ધોધમાં જ મારુ જીવન જીવી લેવા માંગતો હોય તેમ આપણા બંનેના કાનમાં રહેલા એક એક earphones ને મેં એમ જ રહેવા દીધેલા અને વળી કુદરત પણ આ ક્ષણમાં આપણને વધુ નજીકમાં લાવવા માંગતા હોય તેમ અચાનક આવેલા એ ઝોંકામાં તું મારી બાજુ સહેજ ઢળી પડેલી અને છેક આપણી કોલેજ આગળ પહોંચ્યા ત્યાં સુધી હું એમ જ બેસી રહેલો.

કોલેજ આગળ ઉતર્યા પછી આપણે તારી હોસ્ટેલ બાજુ ચાલવા લાગ્યા હતા. જો કે તું એક શબ્દ નહતી બોલી એ રસ્તા પર ચાલતા ચાલતા યાદ છે તને? જો કે મારા દિલની વાત કંઈક જ અલગ હતી. મારુ દિલ તો એ ક્ષણોમાં તારો હાથ પકડીને તને ભેટીને મારી લાગણીઓ અનુભવાવા ઉતાવળું હતું પણ મારા મને મારા એ બધા જ વિચારો પર તાત્કાલિક બંધ બાંધ્યો હતો! વિચારો ને ક્યાં કોઈ રોકી શક્યું છે? એટલે જ મારાથી પછી અચાનક બોલી જવાયેલું, " શ્રુતિ I like you " પણ તું જાણે આ પ્રેમની ભાષાથી બિલકુલ અજાણ હોય તેમ તરત જ બોલી ગયેલી " Me too " અને આખરેય આ કડવા વાક્યને પચાવીને મારે જાણે ગળ્યું ખાધું હોય તેવો દેખાવ એ વખતે કરવો પડેલો! ખેર, તને મૂકીને ગયા પછી કદાચ તું તો સુઈ ગઈ હોઈશ પણ મને એ રાતે મોડા સુંધી ઊંઘ નહતી આવી...બીજે દિવસે આપણે મળવાનું વિચારેલું પણ તું મારે લખવાનું છે એમ કરીને આવી નહતી અને આવી જયારે તો તારી બહેનપણીઓ સાથે હતી એટલે કઈ વાતચીત ના થઇ! સોમવારે, આપણે બધા કોલેજમાં મળેલા પણ તું કોઈ ઉતાવળમાં હતી તે મને રાત્રે વાત કરીએ એવો મેસેજ કરેલો એટલે હું ય રાતની વાટ જોઈને જાગેલો પણ તારો ફોન લાગતો નહતો અને પછી હું એમ જ રાહ જોતા જોતા જ ફોન હાથમાં રાખીને જ સુઈ ગયેલો! એક અઠવાડિયા સુધી ચાલ્યું અને મને પ્રશ્નો પણ થવા લાગ્યા કે તું કેમ આવું વર્તન કરે છે?

એ આખાય અઠવાડિયામાં મેં નોંધેલી એક વાત એ હતી કે તું અને તારી બહેનપણીઓ તારા ક્લાસના એક છોકરા સાથે આજકાલ ફરતા વધારે જોવા મળતા હતા જેની મને ઈર્ષ્યા પણ એ વખતે થતી હતી. કદાચ એ સહજ છે કેમકે, હું પણ જયારે મારી ક્લાસની છોકરીઓ સાથે હોઈશ ત્યારે તું ય આમ જ વિચારતી હોઈશ એમ હું માનતો છું! અને આમ સમયને ધ્યાનમાં રાખીને મેં મારા મહત્વના નિર્ણયને અંજામ આપવાનું થોડા દિવસોમાં આવતા એ પ્રપોઝ ડે પર નક્કી કરેલું. હું પછી તો એ દિવસની તૈયારીઓમાં લાગી પડેલો અને એક બે દિવસના પ્લાનિંગમાં મેં એમ નક્કી કરેલું કે, એ દિવસે સવારે તો કોલેજમાં બહુ જ ચહલપહલ હશે એટલે હું સાંજે તને તારી હોસ્ટેલથી લઇ જઈશ બાઈક પર અને આપણે ત્યાંથી તારા ફેવરેટ પિઝા ખાવા માટે જઈશું. છેલ્લા ગાર્ડનમાં આપણી ફેવરેટ જગ્યા આગળ બેસીને હું તારી સામે મારા ઇમેઇલ વાંચીશ અને પછી તને પ્રપોઝ કરીશ...આ પ્લાનિંગ ને હું એ વખતે નવરો થાઉં એટલી વાર વાગોળ્યા કરતો અને તારા જવાબના અનુમાનમાં કેટલીય વાર સુધી ખોવાઈ જતો. જો કે તને યાદ છે, એ દિવસોમાં જયારે તું મને ફોન કરતી હતી ત્યારે હું જાતે કરીને જ ઉપાડતો નહિ! એનું કારણ બસ એટલું હતું કે હું એમ ધારતો હતો કે તું થોડી મારા પર ખીજાય! અને જયારે હું તને પ્રપોઝ કરું એટલે તું બહુ જ ખુશ થઇ જાય એમ હું surprise આપવા માંગતો હતો. તને યાદ છે, પ્રપોઝ ડે ના બે દિવસ પહેલા જયારે તે મને કહેલું કે, શિવમ ક્યાં છે આપણે મળીએ ત્યારે ય મારી ઈચ્છા તો ઘણી જ હતી પણ મેં જાતે જ મારે કામ છે હાલ નહિ મળાય એમ દિલ પર પત્થર મૂકીને કહેલું... કેમ કે મને ક્યાં કઈ અણસાર હતો કે આપણા સંજોગ આટલો મોટો વળાંક લેશે!

ચુકાદાના એ દિવસની આગલી રાતે કાલે શું થશે એ વાતના પતંગિયા ઉડતા રહ્યાને ઊંઘતા મારે જરા મોડું થઇ ગયેલું પણ મારુ મુખ્ય કામ તો બપોર પછીનું છે એમ વિચારીને હું સવારે કોલેજ નીકળતા રસ્તામાં આવતા હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયેલો અને એક રસપ્રદ સ્મિત પહેરીને મેં કોલેજ તરફ પ્રયાણ કરેલું. કોલેજ બેગમાં જ પેલા પ્રિન્ટ કરાવેલા બધા ઇમેઇલ્સ હતા અને એ દિવસે મેં મારુ ગમતું શર્ટ પહેરેલું. પહેલા તો મેં પેલા મિત્રને ફોન લગાવેલો કે જેના બાઈક પર હું તને લઇ જવાનો હતો. વાત કરતા નક્કી થયું કે ૧ કલાકમાં હું હોસ્ટેલમાં જઈને બાઈક લઇ આવું...હવે ત્યાં સુધી મેં સમય પસાર કરવા કોલેજની સામે આવેલા નાસ્તાની લારીઓમાંની પૌંઆની લારી આગળ નાસ્તો કરવાનું નક્કી કરેલું. મેં એવું પણ વિચાર્યું કે શ્રુતિને એકવાર ફોન કરી દઉં કે,"અહીં બહાર આવ નાસ્તો કરવો હોય તો!" અને એના માટે મેં ફોન લગાવ્યો પણ એણે ફોન ઊંચક્યો નહિ એટલે મેં કોઈ ચિંતા વગર હમણાં મળીશું જ ને એમ વિચારીને ફોન રાખી દીધેલો. પૌંઆ ખાતા ખાતા હું સાંજ વિશે વિચારતો હતો અને એટલામાં જ ચાર છોકરીઓનું ટોળું ત્યાં આવી પહોંચ્યું જોકે એ એમની મસ્તીમાં હતા ને હું મારી મસ્તીમાં...એ લોકો મારી નજીક જ બેઠેલા અને હસતા હસતા વાતો કરતા હતા. હું ખાતા ખાતા એમની વાતો સાંભળતો હતો અને સાથે ચાની ચુસ્કી ભરતો હતો. હવે આજના દિવસનો જાદુ કોલેજ સમયગાળામાં કેટલો જોરદાર હોય એવું કોઈ કોલેજ કરેલાને ના કહેવું પડે. એ ટોળામાંની એક છોકરીને કોઈએ પ્રપોઝ કર્યું હશે તે બાકીના એને ખીજવતા હતા અને આ સાંભળતા જ મને મારા મિત્રો મને કાલથી ખિજાવશે એ વાત વિચારીને મારુ મન હરખાતું હતું...આગળ એ બોલી કે યાર, આપણા જ ડિપાર્ટમેન્ટમાં કોઈ સિનિયર એ તો એક છોકરીને કેમ્પસ એન્ટ્રન્સ પાસે જ બધાની સામે પ્રપોઝ કર્યું છે તને ખબર છે?...આટલું સાંભળ્યું એટલામાં જ પેલા મિત્રનો ફોન આવ્યો કે ભાઈ તું બાઈક લઇ જા એટલે હું ફટાફટ પૈસા ચૂકવીને સીધો હોસ્ટેલ તરફ જવા ત્યાંથી નીકળ્યો. રસ્તામાં જતા મારા સ્કૂલવાળા મિત્રો મળ્યા એટલે એમને મને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો પણ મારે ઉતાવળ છે એમ જતાઈને હું ત્યાંથી જલ્દી રવાના થયો.

હું જેવો હોસ્ટેલ પહોંચ્યો કે મારા ફોનની રિંગ વાગી જોયું તો શ્રુતિની એક ખાસ મિત્ર કિંજલ કે જે મને પણ બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી એનો ફોન આવેલો. મને એમ કે કદાચ હાલ બોલાવશે અને મારાથી સાંજ વાળી surprise નું કંઈ બોલી ના જવાય એટલે મેં ફોન કટ કર્યો પણ એનો તરત જ બીજો ફોન આવ્યો એટલે કચવાતે મને મેં ફોન ઉપાડ્યો હતો. "હાલ જ સ્ટેશનરી પાસે આવ" એવું મને એણે ફોનમાં કીધું. મેં સાંભળ્યું ના સાંભળ્યું કર્યું હોય તેમ હા કહીને ફોન મુક્યો. જયારે બાઈક લઈને હું ગેટની બહાર નીકળતો હતો ત્યાં જ મેં કિંજલને ઉભેલી જોયી, જો ચાલતો હોત તો છટકી જાત પણ બાઇકના અવાજે એને વધુ સજાગ કરેલી તે એ દૂરથી મારી સામે જ જોઈ રહેલી હતી! હું જેવો એની નજીક પહોંચ્યો એટલે પરાણે મેં બ્રેક મારી અને સાથે મારા સંજોગે પણ એ વખતે બ્રેક મારેલી એવું આજે હું સમજુ છું અને આવનારી થોડી ક્ષણોમાં એવું જ કંઈક બનવા જઈ રહ્યું છે એવી રેખાઓ મેં કિંજલના ચહેરા પર જોઈ. હું જેવો એની પાસે ઉભો રહ્યો તો એણે કીધું, "શ્રુતિને મળ્યો તું?" મેં કીધું "ના હવે મળીશ!", "કેમ શું થયું?" મેં પૂછ્યું, એણે કીધું કે, "સ્મિતે શ્રુતિને પ્રપોઝ કર્યો અને શ્રુતિએ હા પાડી છે!...અચાનક આવેલા આ ભુકંપથી મારું મગજ જાણે હોશ ખોઈ બેઠું હોય તેમ મારા હાથમાંથી બાઈકનું સ્ટેરીંગ છટકી ગયું અને બાઈક એવી રીતે પડ્યું કે જોડે હું ય પડી ગયો! જેમ તેમ કશું જ ના થયું હોય એવો નિષ્ફ્ળ દેખાવ કરતા કરતા હું બાઈક લઈને ત્યાંથી નીકળી ગયો. જે રસ્તે બાઈક મેં વાળ્યું એ રસ્તે કેટલાય કિલોમીટરો સુધી મેં એ દિવસે ગુસ્સામાં બાઈક ચલાવેલું અને એક જગ્યાએ ઉભા રહીને હું ચુપચાપ બેસેલો. આજે મને યાદ આવે છે કે હું છે કે ૧૦ વાગ્યા આસપાસ ઘરે આવેલો એટલે દૂર સુધી મેં એ દિવસે બાઈક ચલાવેલું.

એ વાતને એક મહિના ઉપર થવા આવ્યું છે પણ મેં હજી સુધી તને જોઈ નથી અને અત્યાર સુધી તારા ૪૨ મિસ-કોલ્સ છે પણ હું ફોન ઉપાડતો નથી! મારા ગુસ્સાને લીધે હું ફોન નથી ઉપાડતો કે મારી જીદમાં એ મને ખબર નથી...તને આપેલી એ પ્રોમિસને નિભાવવા હું આ ઇમેઇલ લખી રહ્યો છું. આજે એક મહિના પછી મને થોડી ખુશી થાય છે કેમકે લખ્યા પછી જાણે મેં આ એક મહિનો ઉભરાતો રહેલા ઉભરાને ઠાલવ્યો હોય એમ હું હાલ અનુભવું છું...હું એમ તો નહિ જ કહી શકું કે અંતે કે તને મોકલાવી શકું એવી આશા સહ પણ તું મને, "કેમ?" નો જવાબ જલ્દી આપી શકે એવી આશા સહ.


તારો ચાહક,
શિવમ


ક્રમશ...