History of Indigenization books and stories free download online pdf in Gujarati

સ્વદેશીકરણનો ઇતિહાસ

ભારતે ચીન સામે એક અમોગ શસ્ત્ર ઉગામ્યું છે; અને તે છે સ્વદેશીકરણ. આ શસ્ત્ર આપણા માટે કાંઈ નવું નથી. આઝાદીની લડાઈમાં પણ આ શસ્ત્રના બળે અડધા વિશ્વ પર રાજ કરનારા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતાં. લોર્ડ કર્જને જ્યારે વર્ષ 1905 માં દેશમાં સૌથી જાગૃત બંગાળી લોકોની એકતા તોડવા માટે અને હિન્દુ મુસ્લિમ ફૂટ પડાવવા માટે બંગાળના ભાગલા પડ્યા હતા ત્યારે સુરેન્દ્રનાથ બેનરજીના નેજા હેઠળ ‘ સ્વદેશી અપનાવો ’ નું આંદોલન પુર જોશમાં ચાલ્યું અને બ્રિટિશ અર્થતંત્રને ખુબ મોટો ફટકો પડતા વર્ષ 1911 માં બંગાળના ભાગલા રદ કરવા માટે બ્રિટિશ સરકાર મજબૂર બની ગઈ હતી. દેશમાં પહેલી વાર સામાન્ય નાગરિકોની અંગ્રેજો સામે આ સૌથી મોટી જીત હતી.

ત્યારબાદ 1920માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલન વખતે પણ સ્વદેશી અપનાવોની હવા પૂરજોશમાં ચાલી હતી.મહાત્મા ગાંધી માનતા હતા કે, આ દેશમાં અંગ્રેજી શાસન તેની મશીનગનના જોરે નહિ પરંતુ તેમનો આપણા પર રહેલા એક ખાસ મોહના કારણે ટકેલું છે. એ મોહ ત્રણ પ્રકારનો હતો. ૧). ધારાસભાનો મોહ, ૨). અંગ્રેજી કેળવણીનો મોહ, ૩).આર્થિક સત્તાનો મોહ. અને આ ત્રણેય મોહની રક્ષા અંગ્રેજ સરકાર મશીનગન, સેના અને પોલીસ તંત્રથી કરે છે. હવે સામાન્ય ગરીબ નાગરિકો તો તેમના મશીનગન સામે ટકી શકે નહિ અને અંગ્રેજો સામે લડવું હોય તો અહિંસા શ્રેષ્ઠ રસ્તો છે અને તેમાં આપણા કરતાં વધુ નુકસાન અંગ્રેજોને થશે એમ ગાંધીજી માનતા. અસહકાર આંદોલનમાં ગાંધીજીના આહવાન પર લોકોએ સરકારી નોકરીઓ છોડી દીધી એટલે અંગ્રેજી તંત્રમાં અવ્યવસ્થા સર્જાઈ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ શાળા, કોલેજો છોડી દીધી એટલે અંગ્રેજી કેળવણી પર સંકટ છવાયું. પરંતુ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને બીજા પણ અનેક સ્થળોએ સ્વદેશી શાળાઓની સ્થાપના થઈ જેમાં વિદ્યાર્થીઓને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવતા અને ભણતરની સાથે ગણતર પણ થતું. ત્યારબાદ લોકોએ કર ભરવાનું બંધ કરી દીધું.અંગ્રજી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો અને ' સ્વદેશી અપનાવો ' તેમજ ‘ વિદેશી માલનો બહિષ્કાર ‘ જેવા સૂત્રો અપનાવ્યા. વિદેશી વસ્ત્રોની હોળી કરી.તેના પરિણામે દેશમાં ઠેર ઠેર સ્વદેશી મિલો અને સ્વદેશી ઉદ્યોગો સ્થપાયા અને તેમનો વિકાસ થયો. દેશનો ગરીબ વર્ગ જે અંગ્રેજો પર નિર્ભર હતો તેમને ચરખો આપ્યો અને ચરખાની મદદથી દેશના સેંકડો લોકો આત્મનિર્ભર બન્યા અને ખાદીના વસ્ત્રોનું વેચાણ કરતાં થયાં.આમ જે ગૃહ ઉદ્યોગો અંગ્રેજોએ ભાંગી નાખ્યા હતા તે ગૃહ ઉદ્યોગો ફરીથી ધમધમવા લાગ્યા.” જ્યાં સુધી દેશના દરેક વ્યક્તિના શરીર ઉપર કપડું ના આવે ત્યાં સુધી હું પણ વસ્ત્રો નહિ પહેરું ” તેવી પ્રતિજ્ઞા કરનાર ગાંધી આજીવન અર્ધનગ્ન રહ્યા અને ચરખાની મદદ વડે ખાદીના વસ્ત્રો બનાવી બનાવીને ગરીબોના તન ઢાંક્યા.ગરીબ સ્ત્રી પુરુષોના તન ઉપર વસ્ત્રો આવ્યા અને તેઓ આત્મસન્માનની સાથે આત્મનિર્ભર બની જીવતા શીખ્યા.આ બધા આંદોલનોથી અંગ્રેજી સામ્રાજ્ય હચમચી ગયું અને આઝાદીની આગ આખા દેશમાં ફેલાઈ ગઈ.આ જ આંદોલને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાસચંદ્ર બોઝ જેવા વીર પુરુષોને દેશની આઝાદી માટે લડવા; એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને તેમના જેવા અનેક યુવાનો આગળ આવ્યા.આ ચળવળની રસપ્રદ બાબત એ હતી કે, દરેક દિવાલ, ટપાલ ટિકિટો,પોસ્ટ કાર્ડ પર ‘ સ્વદેશી અપનાવો ‘ ના સુત્રો જોવા મળતાં. આ ટપાલો જ્યાં જ્યાં ફરતી ફરતી જાય ત્યાં ત્યાં સ્વદેશી અપનાવોના સુત્રો વંચાતા જાય અને ગાંધી વિચારોનો પ્રચાર થતો જાય. દરેક પોસ્ટ ઓફિસની બહાર રોજ સવારે ટપાલોનો ઢગલો થઇ જતો અને તેમાં સુત્રો લખેલી ટપાલો અલગ પાડવા માટે માણસો રાખવા પડતાં.સુત્રો લખેલી ટપાલો પાછી મોકલવામાં આવે પણ એ ટપાલો તેના મુળ મુકામે પરત જાય તો ફરીથી લોકોના હાથમાં વંચાતી વંચાતી જતી. આ બધાથી હેરાન થયેલી અંગ્રેજ સરકારે ' વિદેશી માલનો બહિષ્કાર કરો ' જેવા સૂત્રો લખેલી ટપાલોને અલગ કરવા માટે એક આખું અલાયદું વ્યવસ્થાતંત્ર ઉભુ કરવાની ફરજ પડી હતી.તેના માટે અંગ્રેજ સરકારે મુંબઈમાં ' ડેડ લેટર ચેક ઓફિસ ( DLO ) ' ઊભી કરવાની ફરજ પડી હતી.આમ માત્ર ' સ્વદેશી અપનાવો ' જેવા સૂત્રોનો પ્રચાર અટકાવવામાં પણ અંગ્રેજ સરકારને નાકે દમ આવી ગયો હતો.

1930 માં જ્યારે અંગ્રેજ સરકારે મીઠા પર અસહ્ય કર નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા કાઢી. એ સમયે અંગ્રેજ સરકારે 10 પાઈના મીઠા પર 200 પાઈ જેટલો કર નાખ્યો હતો જે ખરેખર અન્યાયી હતો. મીઠું ગરીબ, તવંગર દરેકને સ્પર્શતું હતું અને દરેકની જરૂરિયાત હતી. 7516 કિમી જેટલો વિશાળ દરિયાકિનારો ધરાવતા દેશમાં એ સમયે મીઠું ઇંગ્લેન્ડથી આવતું હતું અને તે જ મીઠું વાપરવાનું ફરજિયાત હતું. ઇંગ્લેન્ડથી મોટી મોટી સ્ટીમરોમાં મીઠું આવતું અને અહી મોંઘા ભાવે વેચાતું. ગુજરાત 1600 કિમી જેટલો વિશાળ દરિયા કિનારો ધરાવે છે એટલે ગાંધીજી એ ગુજરાતના દરિયા કિનારે મીઠું પકવી અને તેને ગરીબોમાં વહેચવાનું તથા મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. ગાંધીજી જ્યારે પણ કોઈ આંદોલન કરતાં તો અંગ્રેજોને જાણ કરી દેતા અને કહેતા કે ' થાય એ કરી લેજો ' . યાત્રા કાઢતા પહેલા વાઇસરોયને પત્ર લખીને જાણ કરી દીધી કે અમારી માંગ પૂરી કરો નહીંતર હું આ યાત્રા કાઢીશ.અત્યારે જેમ આપણને લાગે છે કે મીઠું પકવવાથી શું થવાનું એમ તે વખતની સરકારને પણ લાગ્યું અને કોઈએ ધ્યાન ન આપ્યું. છેવટે દાંડી યાત્રા સફળ થઈ અને ગાંધીજીએ એ સમયે વૃદ્ધાવસ્થામાં 384 કિમી ની પદયાત્રા કરીને મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો અને દરિયાકિનારે જ મીઠું પકવીને લોકોમાં વહેચ્યું. આ યાત્રાનું એ પરિણામ આવ્યું કે લોકોમાં અંગ્રેજી શાસન પ્રત્યે જે ભય હતો એ નીકળી ગયો અને ઠેર ઠેર સ્વદેશી મીઠાનું ઉત્પાદન થવા લાગ્યું.આ મીઠાના સત્યાગ્રહથી લોકોમાં જાગૃતિ આવી અને ક્રાંતિની એવી જ્વાળા પ્રગટી હતી કે તેના પડઘા છેક ઇંગ્લેન્ડ તથા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. સુભાષચંદ્ર બોઝે આ દાંડીમાર્ચને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી હતી.

હાલની સ્થિતિ

હાલમાં ભારતે પણ ચીનની દાદાગીરી સામે સ્વદેશી અપનાવોનું શસ્ત્ર ઉગામ્યું છે. તેના ભાગરૂપે ભારત સરકારે 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. માત્ર ટિક ટોક પરના પ્રતિબંધના કારણે જ ચીનને દૈનિક 3.5 કરોડનું નુક્સાન થાય છે. સરકારે મોટાભાગના ચાઈનીઝ કોન્ટ્રાક્ટ પર પણ રોક લગાવી દીધી છે તેનાથી ચીનને કરોડોનું નુકસાન થવાની સંભાવના છે. ચીનથી થતી આયાત પર પ્રતિબંધ મૂકવાથી માંગમાં વધારો થવાનો જ છે અને વધતી માંગ એ ભરપૂર ઉત્પાદન તરફ ખેચી જાય છે. માત્ર ચાઈનીઝ એપ્લિકેશન્સ પરના પ્રતિબંધથી લોકો તેની અવેજીના ભાગરૂપે ભારતીય એપ્લિકેશન્સ તરફ વળ્યા છે.પરંતુ એક સાથે દરેક વસ્તુ પરનો પ્રતિબંધ આપણને જ નુકસાન કરે એમ છે. આજે પણ આપણે મોટાભાગના કેપિટલ ગુડસ્‍ માટે ચીન પર નિર્ભર છીએ. કેપિટલ ગુડસ્ એટલે એવો સમાન કે જે સીધી રીતે ઉપયોગમાં લેવાતો ન હોય પણ તેનો ઉપયોગ કરીને અન્ય ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હોય.2014 થી 2018 વચ્ચે ભારતે 40 ટકા કેપિટલ ગુડસ્‍ની આયાત ચીનથી કરી હતી.જો ચીન તેના પર પ્રતિબંધ મૂકી દે તો આપણા પણ વેપાર ઉદ્યોગો ઠપ થઈ જાય તેમ છે.આજે પણ 70 ટકા ઇલેક્ટ્રોનિક્સ , 27 ટકા ઓટો પાર્ટસ, 40 ટકા ચામડાની પ્રોડક્ટ્સ તેમજ સૌથી ઉપયોગી 70 ટકા દવાઓમાં વપરાતાં કેમિકલ્સ ચીનથી આવે છે.જો ચીન માત્ર દવાઓમાં વપરાતાં કેમિકલ્સ પર પ્રતિબંધ મુકી દે તો આપણી સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઈ જશે અને એ પણ આ કોરોના જેવા કપરા કાળમાં..! ચીન આ હકીકત જાણે છે એટલે જ આપણને વારંવાર હેરાન કર્યા કરે છે. આપણે આજે પણ કઈ હદ સુધી ચીન પર નિર્ભર છીએ એ આપણે અહી આપેલા આંકડાઓ પરથી જોઈ શકીએ છીએ. ગલવાન ઘાટી માંથી ભલે ચીને પીછેહટ કરી હોય પણ તેના ઇતિહાસને જોતા તેના પર ભરોસો મૂકવો એ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવી સાબિત થશે. આપણે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતને સાર્થક કરવું હોય તો આપણે ચીન પરની આ નિર્ભરતા દૂર કરીને સ્વદેશમાં જ તે બધી વસ્તુઓના ઉત્પાદન માટેના ઉદ્યોગો સ્થાપવા પડે અને તે માટે સરકારે તે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડે. ઇતિહાસમાં આપણે જોયું કે મહાત્મા ગાંધીએ વિદેશી કાપડની હોળી કરી તો તેની સામે સ્વદેશી વસ્ત્રો માટે લોકોને ચરખો પણ આપ્યો અને સ્વદેશી કાપડની મિલોને પ્રોત્સાહન આપ્યું તેમજ અંગ્રેજી શિક્ષણ સામે સ્વદેશી શિક્ષા આપતી વિદ્યાપીઠોની પણ સ્થાપના કરી હતી...એટલે કે લોકોને વિકલ્પ તો આપવો જ રહ્યો. તે માટે દેશના ઉધોગપતિઓ, ઉદ્યોગસાહસિકો તેમજ સરકારે આગળ આવવું પડશે અને તેમને પ્રોત્સાહન આપવું પડશે.ભારતને આત્મનિર્ભર બનતા સમય જરૂર લાગશે અને આ કંઈ એક રાતમાં નથી થવાનું પણ મજબૂત ઈરાદાઓ સાથે શરૂ કરેલું કામ હવે પૂરું કરીને જ છૂટકો. ચીનને પાઠ ભણાવવો હોય તો ભારત પાસે હવે આત્મનિર્ભર થવા સિવાય કોઈ જ વિકલ્પ નથી.


પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )