I am Narmada books and stories free download online pdf in Gujarati

હું નર્મદા છું

નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર

હા, હું એ જ નર્મદા છું,

જે પોતાના ફક્ત દર્શન માત્રથી આનંદ આપે છે.હું રેવા અને મૈકલ કન્યા જેવા નામોથી પણ ઓળખાવું છું..


હા, હું એજ નર્મદા છું,

જેનો મહિમા ચારો વેદોએ પણ મુક્ત મને ગાયો છે. મહર્ષિ વેદવ્યાસ પણ સ્કંદપુરણના રેવા ખંડમાં મારો મહિમા અને ગુણોનું વર્ણન કરતાં થાકતાં નથી.મારો આ પાવન કિનારો સ્વયં દેવતાઓ અને ઋષિ મુનિઓએ પોતાના તપ દ્વારા પાવન કર્યો છે; અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાજી પણ મારા આ પાવન તટ પર તપસ્યા કરીને મારી પવિત્રતામાં વધારો કરી ચૂક્યા છે.


હા હું એ જ નર્મદા છું,

જેને સ્વયં મહાદેવ નું વરદાન પ્રાપ્ત છે કે, મારા પેટાળ માંથી મળતા પાષાણ ની કોઈ પણ જાત ની પ્રાણપ્રતિષ્ઠા વગર જ શિવલિંગ સ્વરૂપે સ્થાપિત કરીને પૂજા થઈ શકશે.મારું જળ તો ઠીક પણ પત્થર પણ પૂજનીય છે.તેની પ્રતિ સ્વરૂપ દક્ષિણ ભારતમાં તમિલનાડુના પ્રખ્યાત બૃહદેશ્વર મંદિરમાં સ્થાપિત શિવલિંગ છે જે મારા જ પેટાળમાંથી મળેલા પાષાણમાંથી નિર્મિત છે.


હા, હું એ જ નર્મદા છું,

જેના ગુણ ગાતા આદિ શંકરાચાર્યે નર્મદા અષ્ટકમ ની રચના કરી હતી. જેના શબ્દો હતા,


" सबिंदु सिन्धु सुस्खल तरंग भंग रंजितम

द्विषत्सु पाप जात जात कारि वारि संयुतम

कृतान्त दूत काल भुत भीति हारि वर्मदे

त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे "


હા, હું એજ નર્મદા છું,

જે વિંધ્ય પર્વતમાળાના અમરકંટકના ડુંગરમાંથી નીકળી અસંખ્ય પશુ પક્ષીઓની તરસને તૃપ્ત કરતી કરતી આગળ વધી, વિંધ્ય અને સાતપુડા વચ્ચેની ભ્રંસઘાટીમાંથી પસાર થઈને ૧૩૧૨ કિલોમીટરનો પ્રવાસ ખેડીને વિશાળ સમુદ્રમાં એકરૂપ થાઉં છું.મારા પાણીથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન પણ સિંચિત થાય છે. મારા આ નિર્મળ જળ દ્વારા હું લાખો ખેડૂતોની જમીનો સિંચીને તેમના પાકને જીવતદાન આપુ છું.હું ગુજરાત ની જીવાદોરી કહેવાઉ છું.


હા, હું એ જ નર્મદા છું,

જેનો કિનારો પુરાણોમાં વર્ણિત રાવણ અને સહસ્ત્રાર્જુન વચ્ચેના ભીષણ યુદ્ધનો સાક્ષી છે...અને આજ કિનારો પ્રાચીન કાળમાં સમ્રાટ હર્ષ વર્ધન અને ચાલુક્ય રાજા પુલકેશી વચ્ચેના મહાયુદ્ધનો પણ સાક્ષી છે...



હા, હું એ જ નર્મદા છું,

જેના પ્રવાહ પર કપિલધારા અને સુરપાણ જેવા રમણીય ધોધ આવેલા છે, જે નિહાળનારનું મન મોહી લેવા સક્ષમ છે.જ્યારે હું ભેડાઘાટની સંગેમરમરની કોતરોમાંથી પસાર થાઉં છું ત્યારે મારું અતુલનીય રૂપ અને અપ્રતિમ સુંદરતા ભલભલાના મન મોહી લે છે. મારો કિનારો સુરપણેશ્વર, હરસિધ્ધિ મંદિર, નીલકંઠ ધામ, અને શુક્લતીર્થ જેવા અનેક રમણીય સ્થળોથી શોભે છે. દક્ષિણનું કાશી ગણાતું તથા પિતૃતર્પણ માટે પ્રસિદ્ધ ચાંદોદ પણ મારા જ તટ પર શોભાયમાન છે. મારા કિનારાની બંને તરફ આવેલા અસંખ્ય તીર્થ સ્થળો મારા ગળામાં હીરા અને મોતીઓના હારની જેમ શોભે છે.જે મારા સૌંદર્ય માં વધારો કરે છે. સરદાર સરોવર ડેમ અને દેશની એકતાના પ્રતીક એવા સરદાર સાહેબના ' સ્ટેચ્યુ ઑફ યુનિટી ' એ મને વિશ્વભરમાં નામના આપવી છે. આ જ ડેમની મદદથી ૧૪૫૦ મેગાવોટ ( ૨૫૭૬ કરોડ યુનિટ) જેટલી વીજળી ઉત્પન્ન થાય છે.મારા જ પ્રવાહમાં ખલવાણી ખાતે યુવાનો ' વોટર રાફટિંગ ' નો આનંદ માણીને રોમાંચકારી અનુભવ કરે છે.


પણ બદલામાં તમે મને શું આપ્યું?


ગંદકીના ઢગ, કચરો અને ફેકટરીઓ નું ઝેરી રસાયણ અને ઝેરી કચરો. જે મારા અંદર વિચારતા અસંખ્ય જીવો માટે ઝેર બની ગયો છે..જેની પ્રદક્ષિણા થતી હોય એવી વિશ્વની એકમાત્ર નદી હોવાનું બહુમાન મને મળ્યું તો બીજી તરફ મારા જ નિર્મળ જળને મલિન બનવાના પ્રયાસો થઈ રહ્યા છે.આ ફક્ત મારી જ નહિ, પરંતુ વિશ્વની તમામ નદીઓની વેદના છે. એક તરફ મારું મંદિર બનાવી ને પૂજા કરવામાં આવે છે તો બીજી તરફ મારા જ શરીર પર કચરા અને ગંદકી ના ઢગ ખડકવામાં આવે છે.મારું વારંવાર કહેવું કે ," હા,એ હું જ છું; હા,એ હું જ છું", એ મારું અભિમાન નથી, પરંતુ મારા અસ્તિત્વની અભિવ્યક્તિ છે, જેને તમે ભૂલી ગયા છો.હાલમાં શરૂ થયેલા લોકડાઉનના કારણે મારા પર થતો અત્યાચાર થોડો ઓછો થયો છે...હું ફરીથી સજીવન થયાની લાગણી અનુભવું છું.હું પોતાની જાતને ફરીથી તરોતાજા અનુભવું છું.પણ હું જાણું છું કે મારો આ આનંદ વધારે સમય સુધી નથી રેહવાનો.જેવું લોકડાઉન પૂરું થશે કે મારી પરના અત્યાચારો ફરીથી વધવા લાગશે.


"गंगे च यमुने चैव गोदावरी सरस्वती।

नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु।।"


તમારા પાપ તો તમે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, સિંધુ, કાવેરી અને મારા ( નર્મદા) જેવી નદીઓમાં સ્નાન કરીને ધોઈ નાખો છો; પણ અમારા જેવી નદીઓના પવિત્ર જળને દૂષિત કરવાનું જે પાપ તમે કર્યું છે તે ક્યાં જઈને ધોશો?

પાર્થ પ્રજાપતિ
(વિચારોનું વિશ્લેષણ)






Share

NEW REALESED