Adhuri varta - 5 books and stories free download online pdf in Gujarati

અધૂરી વાર્તા - 5

5.
શોર્વરી ખંડેર જેવા મંદિરે પહોંચી હતી ત્યારે સાંજ ઢળવા આવી હતી. આછો આછો અંધકાર ઉતરી રહ્યો હતો. મંદિરના પથ્થરો જેમ તેમ ગોઠવાયેલા હતા. તે ખંડેર પાસે આવીને ઊભી રહી. ખંડેરને તાકતી રહી... બસ આ જ ખંડેર. પાછલા થોડા સમયમાં વારંવાર સપનામાં આવ્યા કર્યું છે. તે સરખાવતી રહી... સપનાના ખંડેર સાથે. પછી પાછળની બાજુ ગઈ. પાછળ એક વિશાળ તળાવ હતું. આખું તળાવ કમળના ફૂલોથી છવાયેલું હતું. તે કિનારે આવી. આવું અજાયબ દ્રશ્ય તેણે પહેલા ક્યારેય જોયું ન હતું.

તે નીચે બેઠી. એક કમળનું ફૂલ તોડી લીધું. વાળમાં ભરાવ્યું. ઊભી થઇ. ફૂલોને જોઈ રહી. પાછળથી કોઈએ હાથ મૂક્યું અને તે ડરી ગઈ. પાછળ જોયું. લંગોટી અને ઉપવસ્ત્રધારી કોઈ સંત હતા. શોર્વરીને ડરી જતાં જોઈ તેઓ હસવા લાગ્યા.

‘મનુષ્ય માત્રનું એવું છે. જે જોયું જ નથી તેનો ડર છે.’ સંતે કહ્યું.

‘તમે કોણ છો ?’ શોર્વરીએ પૂછ્યું.

‘જે તું છે તે.’ કહી ફરી પાછા સંત ખડખડાટ હસી પડ્યા. ‘તારામાં જે તત્વો છે તે મારામાં પણ છે. એ ન્યાયે આપણે એક થયા.’

સંતની વાણી શોર્વરીને થોડી રહસ્યમય લાગી.

‘મતલબ કે અહીં જે કંઈ છે તે બધામાં છે ?’

‘હા, અત્ર, તત્ર અને સર્વત્ર...’

‘તો શું સારું – ખરાબ બધામાં એક સમાન હોય ?’

‘એક સમાન તો નહીં. માત્રામાં વધ ઘટ હોઈ શકે. બાકી છે બધામાં. તારામાં મારામાં...’ કહી સંત ફરી હસવા લાગ્યા. પછી કહ્યું: ‘તું આ સમયે અહીં ?’

‘કંઈ ખાસ નહીં બાબા... મંદિર જોયું તો ચાલી આવી.’

‘કંઈ જ અકારણ નથી હોતું.’ સંત વચ્ચે જ બોલ્યા. ‘બધું જ સકારણ છે. અહીં હું છું એનું પણ કારણ છે અને તું છે તેનું પણ કારણ છે.’ કહી સંત મંદિરમાં ચાલ્યા ગયા.

શોર્વરીને લાગ્યું આ સંત જ્ઞાની લાગે છે. તેમને કહેવું જોઈએ મારે કે, હું અહીં શા માટે આવી છું. અને હવે મારે શું કરવું જોઈએ તેના વિશે પણ પૂછી લેવું જોઈએ. કદાચ મારા બધા સવાલોના જવાબ તેમની પાસેથી મળી રહે.
તે પાછળ પાછળ મંદિરમાં આવી. તેણે આવીને કહ્યું: ‘બાબા, મારે કશુંક પૂછવું છે.’

સંતે દીવો પ્રગટાવીને સામે મુક્યો. આખું ખંડેર પ્રકાશી ઉઠ્યું. સંતે કહ્યું: ‘તારા દરેક સવાલનો જવાબ આ છે.’ કહી તેઓ ચાલતા થયા.

‘બાબા.’ તેણે પાછળથી સાદ કર્યો.
‘કોઈ રસ્તો તો બતાવો.’

‘તું પગ માંડ રસ્તા આપોઆપ ઉઘડશે.’

ગાડી ચલાવતી ચલાવતી તે વિચારતી રહી. કદાચ પહેલા દિવસે હવેલીમાં બનેલી ઘટના મારો ભ્રમ હોઈ શકે ! હું જ્યાં જઈ રહી છું તે માત્ર છલના હોય ! તો પણ મારે જવું છે. ત્યાં બધાને જોઈ શકીશ. ભલે પછી તે માત્ર મૃગજળ હોય. પણ મારે એમની સાથે જીવવું છે. જેટલું જીવી શકાય એટલું. અને મારે જાણવું છે એ ઘટના પાછળનું રહસ્ય...

તે હવેલીનો મુખ્ય દરવાજો ખોલી આંગણમાં આવી. મધરાત ઉતરી આવી હતી. તમરાના અવાજો સિવાય બધું જ શાંત હતું. માત્ર વચ્ચે ઉભેલા પીપળાના પાનનો સર સર અવાજ આવી રહ્યો છે. અમાસની અંધારી રાત છે. અંધકારમાં કંઈ જ દેખાતું નથી. તે ધ્રુજતી ધ્રુજતી આગળ વધવા લાગી. કપાળ પર પરસેવો ફૂટી આવ્યો. શ્વાસો શ્વાસની ક્રિયા વધવા લાગી. ધીમે ધીમે તે દાદરા સુધી આવી. તેણે પાછળ ફરીને જોયું. અંધારામાં હવેલીનો મુખ્ય દરવાજો જોઈ શકાયો નહીં.

તે ધીમે ધીમે દાદરા ચડવા લાગી. અંદર જે કંઈ ભયાનક હોય એના માટે તે પોતાની જાતને તૈયાર કરી રહી હતી.

ત્યાં જ ‘ચરરર’ કરતોને હવેલીનો દરવાજો ખુલી ગયો. તેણે હળવેકથી હવેલીમાં પગ મુક્યો. આખી હવેલી શાંત હતી. માત્ર દાદીના કમરામાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો. અંધકારમાં કંઈ દેખાતું ન હતું. તે અવાજની દિશામાં વળી. હૃદય જાણે હમણાં બહાર આવી જશે એવું લાગતું હતું. પગરવ ન થાય એ રીતે તે પગ માંડતી રહી...

‘રાજકુમારી ખંડેર જેવા કિલ્લામાં ભટકતી હતી. તેના આખા પરિવારને ખવીસે કેદ કરી રાખ્યો હતો. પરિવારને છોડાવવા તે ગમે તે કરવા તૈયાર હતી. શોર્વરી તું કંઈ નહીં કરે તારા પરિવારને બચાવવા ?’

દરવાજે ઊભી ઊભી સાંભળી રહેલી શોર્વરી ચમકી ગઈ.તેનું ગળું સુકાવા લાગ્યું. તે કંઈક બોલવા ગઈ પણ શબ્દો ગળામાં જ અટકી ગયા.

‘શોર્વરી તું નહીં બચાવે તારા પરિવારને ?’ દાદીના કમરામાંથી ફરી એ ઘોઘરો અવાજ પડઘાયો. તેને લાગ્યું દાદી પાસે જવું જોઈએ. પણ પોતે ચહેરા વગરના દાદીને કઈ રીતે જોઈ શકશે ? તેના પગ જડાઈ ગયા હતા. થોડીવારે તે એમ જ ઊભી રહી. ધ્રુજતા હાથે તેણે પરસેવો લૂછ્યો.
દાદી જાણતી હોવી જોઈએ કે આ બધું શું થઇ રહ્યું છે. દાદીને જઈને પૂછવું જોઈએ. પણ દાદી બિલાડીની જેમ પોતાને પણ... તેને ઉબકા આવવા જેવું થયું.

તેને મા યાદ આવી. તેની આંખો ટપકવા લાગી. તે હોલ તરફ દોડી. અચાનક ચારે બાજુ પ્રકાશ પથરાઈ ગયું. તેણે જોયું તો માની લાશ એમ જ પડી છે. સફેદ કપડું હટાવવા તે આગળ આવી.

માને બાથ ભરી તે રડવા લાગી. એ જ ચહેરો જરાય ઝાંખો પડ્યો ન હતો. અચાનક કંઈક સળવળ્યું હોય એવું તેને લાગ્યું. તેણે જોયું તો મા જીવિત હતી. તે ડરતી ડરતી ઊભી થઇ ગઈ. પોતે માથામાં ખોસેલો કમળનો ફૂલ માના ચહેરા પર પડ્યો હતો. પોતે માને બાથ ભરવા નીચે નમી ત્યારે પડી ગયું હશે...

પોતે કઈ કરે કઈ સમજે તે પહેલા તો મા ઉઠીને સામેના કમરમાં જતી રહી. ધડામ કરતોને દરવાજો બંધ થઇ ગયો. તેણે હળવેકથી સામે પડ્યા ફૂલને હાથમાં લીધો. તેની સ્મૃતિ તેજ થઇ અને આંખો પહોળી થઇ...

આવું તો વાર્તામાં... રાજકુમારી પોતાની માને બચાવવા માટે કમળનો ફૂલ લેવા ગઈ હતી. તો શું મા પણ કમળના ફૂલના સ્પર્શથી સાજી થઇ ?! તો શું દાદી વાર્તા કહી રહ્યા છે તે મારી છે ?

તે દોડી દાદીના કમરા તરફ... અંધકાર... અંધકાર...
(ક્રમશઃ)