vaatrad kanthani rasdhar books and stories free download online pdf in Gujarati

વાત્રક કાંઠાની રસધાર

વાત્રક કાંઠાની રસધાર



પ્રયાગ આગળ ગંગા અને જમના નદીનો સંગમ થાય છે.તેમ માઝુમ અને વાત્રક નદીનો સંગમ પાવઠી ગામની સીમ આગળ થાય છે.

આ બે નદીઓના સંગમની આજુબાજુના વિસ્તારમાં ચોમાસામાં ક્યારેક ભયંકર પૂર આવવાથી નદીઓ માજા મૂકે છે.અહીંની જમીન રેતાળ અને ખાંડા ટેકરાવાળી વાંઘા કોતરોવાળી છે. જ્યારે ચોમાસામાં દરમિયાન પાણીના ઝરણાં વહ્યા કરે છે.આ ધરતીને કાયમ ઘાંસ ચારાથી લીલી રાખી છે.અને તેથી માલધારી ઓ માટે આશીર્વાદરૂપ હોવાથી ઘેટાં બકરાં લઈ ને અહીં આવે.ઘે઼ંટાબકરા લીલી ઘાંસીયા પ્રદેશમાં ચરીને તાજાં માંજા રહે છે.

વાત્રક માઝુમ નદીનો સંગમ કાંઠે મોરના ઈંડા જેવડું ગામ આવેલું છે.પચાસ ખોરડાં નું ગામડું કે નાનો અમથો કબીલો એનો મોવડી મેરાદાદા ભરવાડ છે.એનો કરપ આમ તો આખાએ પંથક ઉપર મજબૂત છે.પણ આ અહીં ના ખોરડાં ને હાકલે રાખતો.એનું વેણ કોઈથી ઉથાપાય નહીં એવી એની છાપ છે.

સારા માઠાં પ્રસંગે આખાય ગામના માનવીઓ એની સલાહ લેતા.પોતે પલાંઠી વાળીને બેસતો અને પ્રસંગે સાંગોપાંગ ઉતારી દેતો.એ બેસતો ત્યારે ગમે તેવી ભીડમાં ખોરડું હોય તો પણ ઘરધણીને હૈયે હામ આવી જતી.એક જાતનો જુસ્સો પ્રગટતો.ટાણું આવ્યે જેમ મેરાદાદો મોવડી થઈને બેસતો તેમ કાંડે ઘા પણ ઝીલતો. કોઈને મૂંઝવણ વખતે કાળી રાતે જવાબ દેતો અને ભીડ ભાંગતો. તેથી જ તો કેટલાક એને મેરાદાદા કહેવાને બદલે ભગતબાપા કહેતા.કારણ કે સેવાભાવી તો ખરાં જ સાથે સાથે મહાદેવજી ના પરમભક્ત હતા.

આ વાત આશરે ૧૦૦ વર્ષ પહેલાંની વાત છે.જામનગર જિલ્લાના અંબારૂ ગામના વતની ભરવાડ મેરાભાઈ જેઠાભાઈ વાત્રક કાંઠે આવેલા પૌરાણિક પાંડવ કાલીન કેદારેશ્વર મહાદેવ ના પરમભક્ત શ્રાવણ માસમાં અચૂક અહી મહાદેવજી ના દર્શને આવતા. આ લીલો પ્રદેશ તેમને ખુબ જ પસંદ પડ્યો હતો.તેમાય વાત્રક કાંઠાના લીલા ઘાસના મેદાનો જોઈને તેઓ રાજીના રેડ થઈ જતાં દરવર્ષે અચૂક અહી આવતા.પછીતો અહીં જ રહેવાનો વિચાર કરીને પોતાના કુટુંબ કબીલા સાથે આને માલ લઈ ને પાવઠી ગામ પાસે વાત્રક અને માઝુમ નદીના સંગમ પાસે નદીના કાંઠે ઉચાળા નાખી પડાવ નાખ્યો.દર વર્ષે ઉચાળા લઈને આવે ને એકાદ મહિનો કાંઈ સામાજિક પ્રસંગે દેશમાં આંટો મારી આવતા.બાકીના મહિના અહીં જ રહે.

વગડામાં નાની ઢોયણી ઉપર ગોઠવેલ ઉચાળો નાની સરખી છાપરી બનાવીને રહે.બાજુમા નાનો એવો વાડો કાંટાળી વાડ કરીને માલ પૂરતાં (ઘેટાં બકરાં) છાપરાં માં ગોઠવેલી ઘરવખરી ને સાધન સામગ્રી આ એમનું જાણે નાનું સરખું રજવાડું ન હોય ? મહેમાનગતિ તો મેરાદાદા ને ત્યાં આવેલ કોઈ માણસ કદી ભૂખ્યો જતો નહિ. મેરાદાદાનો રોટલો પહોળો હતો અને આજુબાજુના વિસ્તારના પચીસ પચાસ ગામમાં તેમની બોલબાલા હતી.કયારે કોઈ પૈસા ઉછીના લેવા પણ આવતા.કારણ કે તેઓની જાહોજલાલી ખુબ હતી.

કુદરતે મેરાદાદા ને શરીર સૌષ્ઠવ પણ અદભૂત બક્ષ્યું હતું.સાડા છ ફુટ ઉંચા,માથે મોટી આટીંયાળી પાઘડી ઉપર રંગીન પાટો,બે ખભાપર માથાનાં ઝુલતા લાંબા ઝુલફા, મોંઢે વળ દેવાયેલા મોટી મૂછો ને થોભિયા શરિરે કસોવાળું ઘેરદાર કેડિયું ને પગે ચપોચપ ચૂસ્ત અને ઉપરથી ખૂલતો ચોરણો અને તેની પર કસીને બાંધેલી ભેટ,ખભે લાલ, પીળો ફુંમતાં ગૂંથેલ ઉનનો અડધો મણનો ધાબળો, પગમાં ઓખાઈ જોડાને હાથમાં દહેગામની કળિયાળી ડાંગ એમના અડીખમ શરીર પરના આ પોષાકથી મેરાદાદા શોભી ઉઠતાં. ઉંમર આધેડ પચાસ પંચાવન વર્ષની હશે.છતા કળાવી મુશ્કેલ એવા કદાવર.

આઝાદી પહેલાંની આ વાત છે આ આખોય વિસ્તાર જુદા જુદા રાજા રજવાડાઓ માં વહેંચાયેલો હતો.એક બાજુ મહિકાંઠા સાબરકાંઠા એજન્સી,તો બીજી બાજુ ગાયકવાડ સરકાર તો ત્રીજી બાજુ બ્રિટિશ સરકારની હદ એક બાજુ લાલના માંડવા દરબાર ની આણ પ્રવર્તતી હતી તો બીજી તરફ ડાભા દરબાર ની આણ પ્રવર્તતી હતી.નાના મોટાં રજવાડા અને એજન્સી ની હદો અહી ભેગી થતી હતી.એક રાજ્યમાંથી ચોરી કરી બિજા રાજ્યની હદમાં ચોર ડાકુ પેસી જતા તે આસાનીથી છટકી જતા અને તેથી જ આ વિસ્તારના વાત્રક કાંઠા ના વાંઘા કોતરોમાં ચોર ડાકુ ટોળકીઓ નો કાયમી રહેઠાણ બની ગયું હતું.તેથી તેઓ પણ ઘણી વખત મેરાદાદા નો આશરો લેતા ભૂખ્યા તરસ્યા અહીં આવીને રોટલા ખાઈને નિરાંત અનુભવતા હતા.

આષાઢી બીજની રાત હતી.મેરાદાદા કેદારેશ્વર મહાદેવ દર્શન કરી આવીને પોતાના કુટુંબ કબીલા સાથે ખીરને અને રોટલી ખાઈ આખોય પરિવાર નિરાંતે સુતો હતો.ત્યાં એક કોતરવામાં આછાં અંધારામાં ચારેક લૂંટારાની ટોળકી આષાઢી બીજે લૂંટના શુકન ક્યાં કરવાં તેનો વિચાર કરી રહી હતી.લાંબી ચર્ચાને અંતે એક જણએ પ્રસ્તાવ મૂક્યો.આ વખતે તો મેરાદાદાના વાડા માંથી માલ ઉઠાવીએ…! આ સાંભળી બિજો બોલ્યો ના...ના...એના બને દાદા તો આપણા બેલી છે.ભીડ પડ્યે એ ના આશરે પડ્યા રહીએ છીએ. એ તો ઠીક છે પણ એમનો માલ મોટો છે એક બે બકરાં ઉઠાવીશું તો શું ઓછું થવાનું હતું.બિજો બોલ્યો આપડે એના રોટલા ખાધ્યા છે.લૂણ હરામી થઈશું ? અરે રેવા દેને નિમક હલાલી નો મોટો દિકરો થયાં વિના. આ વાત ખીલે બંધાઈ ગઈ.મેરાદાદાના વાડામાં પડવાનું નક્કી થયું.શાહુકાર થોડા છીએ એમ કહી લૂંટારા મેરાદાદાના વાડામાં પડ્યા.મધરાત નો સમય ભારે ખોરાક ખાધેલ સૌ નિરાંતે નીંદર ખેંચતા હતા.ત્યાં કુતરો જોરથી ભસતો ભસતો નદીના કોતરો તરફ દોડતો દોડતો જતો રહ્યો.

જોડેના વાડાના ઘેટાં બકરાંમા અચાનક સંચાર થયો. એકદમ ઊભા થઈ જઈ ભર...ર... ભટ્ટ કરતાક દોડતા આંટી મારી વાડામાં જ ઊભા રહી ગયા.

મેરાદાદા ચમક્યા એકદમ ઉભાં થઇ જઈ હાથમાં ડાંગ લેતાક વાડામાં પહોંચ્યા ને જોયું તો એક જણો વાડમાંથી વળીને બકરું ઉપાડતો દેખાયો.

હતારીના ! બિજુ કોઈ ન મળ્યું નમકહરામ કહેતાક ડાંગ તોળી રાત્રિના આછાં અજવાડે પણ એક જ ડાંગ ને વોય માં... એટલો જ અવાજ આવ્યો ને તે જમને ઘેર પોંહચી ગ્યો. આ જોતાં બિજા ચોરે બંદુક ઉપાડી ને મેરાદાદા એના પર જ ત્રાટક્યા માથાં પર સીધી જ કડિયાળી બે હાથમાં ઘાલી ને ફટકારી ને પેલાની બંદુક ક્યાંય દુર જઈ પડી ને માથાંના બે કાચલા જુદા થઈ ગયા.મેરાદાદા આંખ ફાંટી એ દરમિયાન ત્રીજા ચોરે બરાબર નિશાન લઈને બંદુકનો ઘોડો દાબ્યો. ગોળી મેરાદાદાની છાતી વીંધી ધ્રોપટ (સોંસરી) નીકળી ગઈને મેરાદાદા ભોંય પર પડ્યા.એ સાથે બાકીના બેય લૂંટારા નદીના કોતરોમાં નાસી છૂટ્યાં ને બેની લાશ અહીં જ પડી રહેલી જે મેરાદાદા ના દિકરાએ ત્યાં જ રાતોરાત કોતરોમાં જ દાટી દીધી હતી.

સવાર થતાં થતાં ધિંગાણાની ને મેરાદાદા ની મર્દાનગીની વાત આખાય પંથકમાં પવનવેગે પ્રસરી ગઈ.મેરાદાદાની અંતિમ ક્રિયા ભારે દબદબાથી કરવામાં આવી.આજુબાજુ ના ગામોના ટોળેટોળાં ઉમટી પડ્યા તેમની અંતીમ યાત્રામાં જે જગ્યાએ તેમને સમાધિ આપી.એ જ જગ્યાએ પાળિયો ઊભો કર્યો. તેઓની એક દેરડી ચણાવી જે મેરાદાદા ની દેરીને નામે આજે પણ ઓળખાય છે.નાનકડા પાવઠી ગામે પાદર ઉભેલી પેલી દેરડીને લિધે ' દેરડી પાવઠી' ને નામે ગામ ઓળખાય છે. અહીં માલધારીઓ દાદાના વારસો અને બિજા ગ્રામજનો પણ આ દેરીએ બાંધા રાખે, પુંજા, ધૂપદીપ, કરે છે.કોટી કોટી વંદન… શુરવીર મેરાદાદા ને

આ લોકવાર્તા ને અનુરૂપ દેવાયત ભમ્મર નું કાવ્ય યાદ આવે છે.


"પાળિયો"


પથ્થર નહીં હું પાળિયો છું.

ગાયો વાળતો ગોવાળિયો છું.


ક્યાંક વધેરાયો વટને ખાતર.

ક્યાંક જાનુનો વળાવીયો છું.


ધ્રરીબ્રાંગ ધ્રરીબ્રાંગ બુંગીયોને,

તલવાર તણી હું તાળીયો છું.


એક વડ પાદરનો કુંકુવરણો,

ને ડૂસકાં ભરતી ડાળીયો છું.


બે ઘડી 'દેવ' થંભી જજો,

સિંદુરી શાળાનો નિશાળિયો છું.


દેવાયત ભમ્મર:-