Palak - aek rahasymay chokri - 8 books and stories free download online pdf in Gujarati

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 8)

અઠવાડિયું પૂરું થવા આવ્યું હતું, પલકને હવે હોસ્ટેલ જવાનું હતું માટે સામાન પેક કર્યો અને બીજા દિવસે તેના પપ્પા સાથે હોસ્ટેલ પહોંચી ગઇ. જેની પણ પહોંચી જ ગઈ હતી. બંને ફરી સાથે રહેવા લાગી હતી. હોસ્ટેલ પહોંચ્યાની રાતે જ પલક પર રુદ્રનો મેસેજ આવ્યો, " હાઈ પલક.. મારે તને મળવું છે , શું આપણે કાલે મળી શકીએ ?"

થોડીવાર માટે તો પલક ચૂપ જ થઈ ગઈ, તેને મેસેજનો જવાબ પણ ન આપ્યો અને ઘણું બધું વિચારવા લાગી, જેની તેની પાસે જ બેઠી હતી. થોડી વાર પછી પલકે ફરી એ જ મેસેજ વાંચ્યો અને જવાબ ન આપ્યો. તરત જ રુદ્રનો કોલ આવ્યો, પલકને આમ અચાનક વાત કરવી યોગ્ય નહોતી લાગતી છતાં તેણે ફોન પર રુદ્ર સાથે વાત કરી.

રુદ્ર ઘણું બધું બોલતો હતો અને પલક માત્ર હા.. ઓકે.. હમ્મ.. સારું.. કહીને જ જવાબ આપતી રહી. આખરે બીજા દિવસે પલક અને રુદ્ર ફરી મળવાના હતા.

દિવસ ઉગ્યો પલક અને જેની કોલેજ પહોંચી, અને કોલેજ પત્યા બાદ નજીકના કેન્ટીનમાં બંને પહોંચી , કેમ કે આજે ત્યાં પલકને મળવા રુદ્ર આવવાનો હતો. બંને ટેબલ પર બેઠી હતી અને રુદ્ર આવતા જ જેની થોડી વાર માટે બહાર જતી રહી. રુદ્ર પલકની સામે બેસી ગયો અને તે માત્ર પલકને જ જોતો રહ્યો. પલક નીચું જોઈને બેઠી હતી અને તેના ધબકાર રાજધાની એક્સપ્રેસની જેમ દોડવા લાગ્યા તે રુદ્રની સામે જોઈ જ નહોતી શકતી. થોડી વાર બંને આમ જ બેસી રહ્યા, પછી રુદ્ર તેના નેણ પલકની સામે ઉંચા કરીને બોલ્યો, " કોફી ?"

પલકનું મોં નીચું જ હતું, અને બોલી, " ના મને ચા પસંદ છે."

રુદ્રએ ચા મંગાવી થોડી વાર થઇ પછી ચા આવી. પલક હજુ એમ જ બેઠી હતી, પલકને જોઈને રુદ્ર ખૂબ હસવા લાગ્યો અને ત્યારે પલકે પહેલી વખત રુદ્ર સામે જોયું, તેને હસતો જોઈને થોડીવાર માટે પલક બસ તેને જ જોતી રહી, બાકીનું બધું જ ભૂલીને તે માત્ર રુદ્રને જોઈ રહી હતી અને રુદ્ર... હજુ પણ હસી જ રહ્યો હતો.

" બસ કર, આટલું બધું કેમ હસે છે.." પલક બોલી.

" બે હસું નઈ તો શું કરું હું, મેતો સાંભળ્યું હતું કે હવેની છોકરીઓ બહુ શરમાળ ન હોઈ, પણ તું તો.." રુદ્ર આટલું બોલી ફરી હસવા લાગ્યો.

" હા તો હું શરમાળ નથી, તું હસવાનું બંધ કર અને મારી વાત સાંભળ.." પલક થોડી ગંભીર થઈને બોલી.

"હા બોલ." રુદ્ર પણ હસતો બંધ થઈને બોલ્યો.

" તું કેમ મને આટલી બધી સાચવે છે, એટલે મારી ચિંતા કેમ કરે છે, મારાથી આ જિંદગી જ નથી જીવાતી, રોજે મરી મરીને જીવું છું, જો બની શકે તો હવેથી દૂર રેજે પ્લીઝ, હું તને ક્યારેય ખુશ નહિ રાખી શકું અને મને ખુશ કરવાના ચક્કરમાં તું હેરાન થઈશ." પલક મોં નીચું કરીને બોલી.

" કેમ, મારી મરજી.. મારે જેને ખુશ કરવા હોઈ તેને કરીશ. તને ડર લાગે છે કે, મારી સાથે પ્રેમ થઈ જશે તો.. આટલું કહી રુદ્ર ફરી હસવા લાગ્યો અને ફરી પલક સામે જોઈને બોલ્યો, તને પ્રેમ થશે કે નહીં એ નથી જાણતો પણ આ રુદ્રના દિલમાં હવે તું વસી ગઈ છે, મને ગમે છે તું, પણ આ તારી ખામોશી અને જિંદગી ન ગમવાની વાત મને નથી ગમતી.. તું કંઈ જ ના વિચાર, માત્ર મને મિત્ર તો બનાવી જ શકશે ને..?"

" હા.. સારું હવે ઘણું મોડું થયું છે, ઘરે જઈએ હવે." પલક આટલું બોલીને ઉભી થઈ ગઈ.

રુદ્ર પણ ઉભો થયો અને પલક જેની સાથે હોસ્ટેલ પહોંચી અને રુદ્ર તેના કામ પર જતો રહ્યો. હવે રોજે પલક અને રુદ્રની વાતો થવા લાગી હતી , ક્યારેક પવનની વાત આવતી તો પલક તેને હવે ઇગ્નોર કરવા લાગી હતી, તેની જિંદગી રુદ્રના લીધે ફરી જીવવા લાગી હતી, તેના તોફાનો, મસ્તી બધું જ જાણે ફરી જીવતું થયું હતું અને રોજે ખામોશ અને ચૂપ રહેતી પલક હવે ફરી બોલકી છોકરી બની ગઈ હતી. જેનીને પણ પલક ખુશ હોઈ તે બહુ ગમતું.

આજના સમયમાં કોઈ ના નિભાવી શકે તેવી મિત્રતા આજે જેની નિભાવી રહી હતી, પલકની ખુશીમાં જ તેની ખુશી માનીને તેની સાથે રહેતી, પલકને ક્યારેય ઘરની કમી મહેસુસ નહોતી થવા દીધી. જેની માટે તો પલક સાથેની મિત્રતા જ તેની જિંદગી હતી. બંને સાથે જ રહેતી અને હોસ્ટેલના હવે છેલ્લા દિવસો જ ચાલી રહ્યા હતા.

પલક રુદ્ર સાથે ખુશ તો હતી પણ ક્યારેક પવનના વિચારો આવતા તે ફરી ચિંતા કરવા લાગતી, પણ રુદ્ર દૂર હતો છતાં કાઈ પણ કરીને પલકને ખુશ કરી દેતો. નિખિલભાઈ પલકના જવાબની રાહ જોતા હતા. અને રુદ્ર પણ પલકના જ જવાબની રાહ જોતો હતો, રુદ્રએ પલકની સાથે જીવવાના સપના પણ જોઈ રાખ્યા હતા, પલકને પણ સાથે રહીને રુદ્ર ગમવા લાગ્યો હતો. આખરે પલકે પણ રુદ્ર સાથે જ બાકીનું તેનું જીવન જીવવાનું નક્કી કરી લીધુ હતું.

પલકની જિંદગી આટલી સરળ રહેશે ? વધુ રસપ્રદ ભાગ વાંચો આગળના ભાગમાં.