Palak - aek rahasymay chokri - 10 books and stories free download online pdf in Gujarati

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 10)

સામાન્ય રીતે તો એજ સાંભળવા મળે છે કે છોકરી હોઈ એટલે શોપિંગ, અને ફરવાનું પહેલા જોઈએ. પરંતુ પલક એક એવી છોકરી છે કે જે આ બધી બાબતોમાં ઓછું મહત્વ આપતી. અને પ્રેમની પરિભાષા જાણે ખૂબ જ સારી રીતે જાણતી. પલક અને રુદ્રમાં એક ખાસ વાત એ હતી કે બંનેને પ્રેમમાં દેખાડો પસંદ નહોતો. બંનેની દુનિયા જ જાણે અલગ હતી. બંનેને એકબીજા સાથે રહેવું ગમતું હતું, એકબીજાની કેર કરવી ગમતી હતી, લાગણીઓ શેર કરવી ગમતી હતી, સુખની કે દુઃખની બધી જ વાતો એકબીજાને કહેવી ગમતી હતી.

આખરે રુહીની કોલેજની છેલ્લી પરીક્ષા પણ આવી ગઈ અને જેની સાથે જ પલક તૈયારી કરીને પરીક્ષા આપવા જતી. દરરોજ ખૂબ જ મહેનત કરીને બંને પરીક્ષા આપવા લાગી હતી અને અંતે પરીક્ષા પૂર્ણ પણ થઈ, પલકને હવે બસ એક જ રાહ હતી, પરિણામની. પરીક્ષાનું પરિણામ નહિ પરંતુ તેના પ્રેમનું પરિણામ. પરીક્ષા હવે પુરી થઈ ગઈ હતી, જેની અને પલકને હવે હોસ્ટેલની યાદો સાથે પોતપોતાના ઘરે જવાનું હતું. પલકને હવે રુદ્ર સાથે મળવાનો મોકો પણ નહોતો મળવાનો કેમ કે રુદ્ર અહીં પલકની હોસ્ટેક નજીક રહેતો હતો અને પલક ખૂબ જ દૂર રહેતી હતી.

હજુ બેત્રણ દિવસ પલક અને જેની હોસ્ટેલ જ હતી. માટે પલક રુદ્રને એકદિવસ ત્યાં જ પાર્કમાં મળવા બોલાવે છે. રુદ્ર પણ મળવા માટે ઘણા દિવસથી રાહ જોતો હતો, આખરે ઘણા દિવસો બાદ બંને ફરી મળવાના હતા. સવારના સમયે બંને પાર્ક પહોંચ્યા અને જેની હોસ્ટેલ રૂમમાં જ હતી.

પલક અને રુદ્ર બેઠા હતા. રુદ્ર માત્ર પલકને જ જોઈ રહ્યો હતો.

" રુદ્ર, મારે હવે ઘરે જવાનું છે, મને તારી આદત પડી ગઈ છે, આટલા દિવસ પરીક્ષામાં તને નહોતો જોયો એટલે મન તારામાં જ લાગેલું હતું, તને જોઈને મારા દિલને શાંતિ મળે છે.. પણ હવે શું થશે." પલક રુદ્ર તરફ જોઈને બોલી.

" ઓહ.. મારી આદત... તું એ જ પલક છે ને જે મને ઇગ્નોર કરતી હતી." રુદ્ર હસતા હસતા બોલી ઉઠ્યો.

દરવખતની જેમ આ વખતે પણ પલક રુદ્રના ગાલમાં પડતા ખાડા જોઈને ચૂપ થઈને માત્ર તેને જ જોતી રહી અને બીજી તરફ રુદ્ર પણ હસી જ રહ્યો હતો. થોડી વાર થઈ અને પલક અચાનક જ રુદ્રને ભેટી પડી. રુદ્રના હૃદય સુધી પહોંચતું પલકનું માથું બંનેના ધબકારા વધારી રહ્યું હતું. રુદ્ર ચૂપ હતો. થોડી વાર બાદ પલક ફરી બેસી ગઈ. બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા.

કોલેજ પુરી થઈ ગઈ હતી, હવે પલક ઘરે રહીને જ સારી નોકરી કરવા માંગતી હતી. બીજી તરફ મનમાં માત્ર રુદ્ર જ ચાલી રહ્યો હતો.

" આટલું બધું શું વિચારે છે તું ?" રુદ્રએ પલકનો હાથ પકડીને કહ્યું.

" તારાથી દૂર કેમ રહી શકીશ હું." પલક મો નીચું કરીને બોલી.

" હવે બહુ લાંબો સમય દૂર નથી રહેવાનું, નિખિલભાઈને હું વાત કરી લઈશ કે મને પલક પસંદ છે અને પલકને પણ હું ગમું છું, અને રહી વાત તારા પરિવારની તો નિખિલભાઈ તો છે જ.. અને મારા ઘરે તો મેં પહેલેથી જ મારી વહુનું નામ દરેકને કહી રાખ્યું છે." રુદ્ર થોડું હસતા હસતા બોલ્યો.

પલક સાંભળતા જ હસવા લાગી અને હવે બપોર થવા આવી હતી માટે રુદ્ર પલકને હોસ્ટેલરૂમ સુધી મૂકીને તેના ઘરે પહોંચ્યો. જેની રૂમમાં બધું પેક કરી રહી હતી, પલક પહોંચતા જ જેનીની મદદ કરવા લાગી. બીજા જ દિવસે હવે પલકને તેના પપ્પા લેવા આવવાના હતા અને જેનીને પણ હવે તેના ઘરે જવાનું હતું. દિવસ ઉગ્યો અને સવારના સાડા નવ વાગ્યા બાજુ પંકજભાઈ પલકને લેવા આવી ગયા. જેનીના પપ્પા આવે ત્યાં સુધી તેમણે ત્યાં રાહ જોઈ. થોડીવાર બાદ તેઓ પણ આવ્યા અને પલક અને જેની તેમના ઘરે જવા નીકળી. બંનેની આંખોમાં આંસુ હતા છતાંય એકબીજાને સ્માઈલ આપી બંને અલગ થઈ.

જેમ જીવનમાં પ્રેમ શબ્દ સમજવો જરૂરી છે તેવી જ રીતે મિત્રતા શબ્દ પણ ઘણો સમજવા જેવો છે, જીવનમાં એક ઇષ્ટમિત્ર હોવો પણ જરૂરી છે, જેની સાથે તમે ખુલ્લા દિલથી રહી શકો, જેના ખભા પર માથું રાખીને આંખના આંસુઓને હળવા કરી શકો, જેની સાથે મસ્તી તોફાનો કરી શકો. આમ પલક અને જેનીની મિત્રતા અનોખી હતી.

પલક ઘરે પહોંચી, રસ્તામાં જ પંકજભાઈએ તેના માટે એક સરપ્રાઈઝ છે એમ કહ્યું હતું એટલે પલકને ઘરે પહોંચવાની ખૂબ ઉતાવળ હતી. આખરે બંને ઘરે પહોંચ્યા અને હજુ ઘરમાં દરવાજા પાસે પહોંચ્યા ત્યાં જ પલક કહેવા લાગી, " પપ્પા હવે ઘર આવી ગયું, સરપ્રાઈઝ શું છે એતો કહો."

પંકજભાઈ હસતા હસતા બોક્યા, " પહેલા ફ્રેશ થઈ જા, જમી લે પછી કહીશ."

પલક રૂમમાં ગઈ અને ફ્રેશ થઈને જમવા બેસી ગઈ. જમીને ફરી પંકજભાઈ પાસે પહોંચી ગઈ તેનું સરપ્રાઈઝ જાણવા માટે.

" પપ્પા મારુ સરપ્રાઈઝ?" પલક બોલી.

" સાંભળ પલક, મેં તારા માટે એક ખૂબ જ ખાનદાની અને મારી ઓફિસની બાજુની જ ઓફિસવાળાનો નાનો દીકરો તારા માટે પસંદ કર્યો છે, ઘણો મહેનતુ છે અને મને તારા માટે એ કમલ જ પસંદ પડ્યો છે. પંકજભાઈ બોલ્યા.

" આ હતું સરપ્રાઈઝ, મારે હજુ નોકરી કરવી છે તેનું શું ?." પલક તેના ચહેરાના બદલાતા હાવભાવ સાથે બોલી.

" ના.. આ ખાલી માહિતી હતી , અને સરપ્રાઈઝ તો એ છે કે આજે તારે કમલને મળવા જવાનું છે, મને ખબર છે તને આ ઘરે આવવાનું બધું પસંદ નથી એટલે જ મેં ખાસ તારા માટે કાફેમાં બુકીંગ કરાવી આપ્યું છે , મને વિશ્વાસ હતો તારા પર કે તું ના નહીં જ કહે અને આજે તારે ખાલી મળવાનું છે, લગ્ન થોડા નક્કી કરી લેવાના છે. નોકરીની ના નથી તને..." પંકજભાઈ મો પર હાસ્ય સાથે બોલ્યા.

હવે પલકને શું બોલવું.. તે મનમાં જ વિચારવા લાગી, " હવે શું થશે મારુ, નિખિલભાઈએ પપ્પાને રુદ્રની વાત હજુ કરી નથી."

થોડી વાર થઈ અને પલક તેના પપ્પાની રજા લઈ રૂમમાં પહોંચી. તરત જ નિખિલભાઈને આ વાતની જાણ કરી, નિખિલભાઈએ પલકને કહ્યું કે, " પપ્પાની આ વાત માનવી જ પડશે, તું ખાલી છોકરો જોઈ આવ, પછી આપણે બંને પપ્પાને રુદ્રની વાત કરી દઈશું. પલકે વાતથી સહમત થઈને ફોન રાખ્યો.

પલક ગભરાતી હતી, અજાણ્યા છોકરાને તે મળવાની હતી. સાંજ થઈ અને પલક તૈયાર થઈ કાફે પહોંચી,પલકે કમલની તસ્વીર જોઈ હતી માટે તે બેઠો હતો ત્યાં તેની સામે જઈને પલક બેસી ગઈ. પલકના ધબકારા વધી રહ્યા હતા. પલકને ખ્યાલ જ નહોતો કે હવે તેનું શું થવાનું છે. કાફે ફૂલ ભરેલું હતું. પલકની સામે કમલ બેઠો હતો. પલકને કમલ બહુ અજીબ લાગતો હતો. તેના શર્ટનું પહેલું બટન બંધ હતું, ઘણો સમય ગયો પણ તેના મોં પર એક પણ સ્માઈલ નહોતી. ખૂબ જ ગંભીર કમલને જોઈને તોફાની પલક પણ શાંત બેઠી રહી.

પલક સામે બેઠી હતી, અને તેણે એકવખત પણ પલક સામે નહોતું જોયું, એટલો બધો ગંભીર છોકરો જોઈને પલકનું દિમાગ ફરવા લાગ્યું હતું. તે પલકથી આંખ પણ નહોતો મિલાવી શકતો. આખરે થોડું બોલ્યો. કોઈ ગંભીર દર્દી ઘણા દિવસ બાદ ધીમે ધીમે બોલે તેવી રીતે તે બોલ્યો.

પલકને સંભળાયું નહિ તેથી પૂછી લીધું, શું કહ્યું?

ફરી કમલ એ જ ધીમા અવાજમાં બોલ્યો, "તમારું નામ શું છે?"

"પલક. " પલકે જવાબ આપ્યો. આમ ઘણા સવાલો પૂછતો હોઈ તેવું પલકને લાગ્યું પણ સંભળાયું કાઈ જ નહિ એટલે પલક પણ કમલની જેમ જ આંખો થોડી નીચી કરીને બેસી ગઈ. પલક માટે આ બધું ઘણું અજીબ લાગતું હતું. આ મિટિંગ જલ્દી પુરી થાય તેની રાહ જોતી પલક વાત પુરી થતા જ જલ્દી ઘરે પહોંચી.

ઘરે પહોંચીને ઊંડો શ્વાસ લીધો અને બેઠી ત્યાં જ કુસુમભાભી તેની પાસે આવ્યા અને પૂછવા લાગ્યો, " કેવો લાગ્યો છોકરો ?"

" અરે ભાભી તમે કાંઈ જ ન પૂછતાં મને એ છોકરા વિશે. આટલો અજીબ છોકરો મેં આજસુધી નથી જોયો." પલક માથા પર હાથ પછાંડીને બોલી.

" કેમ શું થયું, તસ્વીરમાં તો સારો અને માસૂમ જ દેખાય છે" કુસુમભાભી ફરી બોલ્યા.

" તસ્વીરમાં ગમે તેવો હોઈ રૂબરૂમાં તમે મળી લીધું હોત તો તમે હેરાન થઈ જાત, કપડાંની સ્ટાઇલ.. કેટલી અજીબ .. અને અવાજ તો એટલો બધો સુરીલો હતો કે મારા કાન સુધી પહોંચતો જ નહોતો, અને ગંભીર તો એટલો હતો કે, ત્યાં પહોંચતાથી લઈને ઘરે નીકળી ત્યાં સુધીમાં એક સ્માઈલ નહિ.. પપ્પાને આ છોકરો કેમ ગમ્યો હશે... ભાભી... બહુ અઘરી મિટિંગ હતી." પલક થોડું હસતા હસતા બોલી.

આગળ શું થશે ? કમલ કે રુદ્ર ? પલક તેના પપ્પાને સમજાવી શકશે ? વધુ રસપ્રદ કહાની વાંચો આગળના ભાગમાં..