Yog-Viyog - 26 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 26

યોગ-વિયોગ - 26

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૬

સંજીવ એક કલાકથી અનુપમા સાથે માથાં ઝીંકી રહ્યો હતો. અનુપમાએ આખા મહિનાની બધી ડેટ કેન્સલ કરી હતી અને સળંગ અલયને તારીખો આપવાનું કહી રહી હતી.

‘‘પણ મેડમ, એની ફિલમના હજુ ઠેકાણા નથી.’’

‘‘પડશે, પડશે, એનું ઠેકાણું પડી જશે, મેં શૈલેષ સાવલિયા સાથે વાત કરી છે. એક સારા માણસે બીજા સારા માણસ સાથે ધંધો કરવો જોઈએ... શૈલેષ સાવલિયાએ બે હિટ પિક્ચર આપ્યાં છે. આ ત્રીજું પણ...’’

‘‘મેડમ, તમે એને ઓળખો છો ? ફ્રોડ હશે તો ?’’

‘‘નહીં હોય.’’

‘‘પણ મેડમ, રાજીવ ગુપ્તા, મહેશ અચરેકર અને મકસુદ મુસ્તાક... મેડમ, આ બધાને આપણે તારીખો આપી છે. સન્ની, અક્ષય... આ બધાની પણ કોમ્બિનેશન ડેટ લીધેલી છે. તમારે નેક્સ્ટ વીક સોન્ગ પિક્ચરાઈઝેશન માટે યુરોપ જવાનું છે...’’

‘‘જે હોય તે, અલય મહેતાની તારીખો એડજસ્ટ કરો, એની શૈલેષ સાવલિયા સાથે મિટિંગ કરાવો, જોઈએ તો મારી ડેટ્‌સ ડબલ શિફ્ટમાં કરી નાખો.’’

‘‘મેડમ ?? તમે ડબલ શિફ્ટમાં કામ કરશો ??’’

‘‘જરૂર પડશે તો કરીશ, આપણે કોઈનું નુકસાન નથી કરવું. બટ યસ, મેં પ્રોમિસ કર્યું છે અલયને, આવતા વર્ષે એની ફિલ્મ મેટ્રોમાં પ્રીમિયર કરશે...’’

‘‘મેડમ તમે પણ...’’

‘‘સંજીવ, ડુ એઝ આઈ સે...’’ એણે પોતાનો મોબાઇલ ઉપાડ્યો અને નંબર ડાયલ કર્યો, ‘‘શૈલેષભાઈ, નમસ્કાર... અનુપમા વાત કરું છું...’’

‘‘મેડમ... મેડમ... કેટલા ફોન કર્યા મેં.’’

‘‘એટલે જ મેં આજે સામેથી ફોન કર્યો છે. સંજીવને આપું છું, એક નવો છોકરો છે, વેરી ટેલેન્ટેડ... હું પિક્ચર કરું છું, તમારે પ્રોડ્યૂસ કરવું છે ?’’

અને પછી સંજીવના હાથમાં ફોન પકડાવીને એ અંદર ચાલી ગઈ.

નીરવ અને અલય લોખંડવાલાના બરિસ્તા કોફી શોપમાં બેઠા હતા.

અલયના ચહેરા ઉપર અકળામણ સ્પષ્ટ દેખાતી હતી.

‘‘મને તો એ જ નથી સમજ પડતી કે તારી જિંદગીમાં જ્યારે બધું સારું થઈ રહ્યું છે ત્યારે એ માણસની હાજરી તને આટલી ડિસ્ટર્બ કેમ કરે છે ?’’

‘‘મને તો એનું નામ પણ ડિસ્ટર્બ કરે છે, એનો અવાજ પણ ડિસ્ટર્બ કરે છે. રોજ સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર એનું ડાચું જોવું પડે છે.’’ એણે પેપર નેપકીન પછાડ્યો.

‘‘તું અનુપમાનો વિચાર કર, તને કોઈનો વિચાર નહીં આવે.’’ નીરવ આંખ મારીને હસ્યો.

‘‘રહેવા દે ભઈસાબ, એનું નામ પણ ના લઈશ.’’

‘‘કેમ શું થયું ?’’

‘‘અનુપમાનું નામ લેતાની સાથે શ્રેયા પ્રગટ થાય છે. છેલ્લા બે દિવસથી એણે જિંદગી હરામ કરી નાખી છે મારી.’’

‘‘પહેલા મારી ફિલ્મ બને એ માટે રાત-દિવસ મહેનત કરતી હતી. હવે આ ફિલ્મની વાત કાઢું ને ચીડાય છે. અનુપમા પણ કારણ વગરનો રસ લે છે મારામાં...’’

‘‘શૈલેષ સાવલિયાનું શું થયું એમ થયું એમ કહે ને ?’’

‘‘એ વળી ત્રીજો નમૂનો છે. કરોડ રૂપિયા બેગમાં લઈને આવેલો. મને કહે છે, અનુપમાએ કહ્યું છે તમને કરોડ રૂપિયા આપવાનું... મારી તો ફાટી ગઈ, આંખો.’’

‘‘તો હવે ? અટક્યું છે ક્યાં ?’’

‘‘ક્યાંય નહીં, પેલી ચક્રમ તો ડેટ ખાલી કરીને બેઠી છે. દિવસમાં ત્રણ ત્રણ ફોન કરે છે. એના જ્યોતિષ પાસે મુહૂર્ત કઢાવ્યું છે.’’

‘‘લગ્નનું ?’’

‘‘ચૂપ મર... ચૂપ મર... પેલી પ્રગટ થશે. ગઈ કાલે આખી રાત ઝઘડી છે મારી સાથે...’’

‘‘ટૂંકમાં મુહૂર્ત ક્યારનું છે ?’’ નીરવે કોફીનો સિપ લીધો.

‘‘સોમવારનું.’’

‘‘સ...સ...’’ નીરવને અંતરસ જતી રહી, ‘‘તું પરમ દિવસે પિક્ચર ચાલુ કરે છે ? અને કોઈને કહ્યું જ નથી ? મુહૂર્ત ક્યાં અને ક્યારે કરવાનો છે ? કાસ્ટ નક્કી થઈ ગઈ ?’’

‘‘આજે અભિષેકનો જવાબ આવશે. અનુપમાએ જાતે વાત કરી છે. હા પાડશે એટલે શૈલેષ જઈને પચાસ લાખ એડવાન્સ આપી આવશે...’’

‘‘તારી તો ચાલી નીકળી ભાઆઆઈઈઈ...!’’

‘‘પણ વાટ લાગી છે.’’

‘‘કેમ ?’’

‘‘અનુપમાએ મુહૂર્ત ક્લેપ આપવા માટે દિલીપસાબ સાથે વાત કરી છે અને કેમેરા માટે અશોક મહેતાની તારીખો ખાલી કરાવી છે.’’

‘‘આ બાઈ તને રસ્તા પર લઈ આવશે.’’

‘‘તે અમથોય ક્યાં મહેલમાં રહું છું.’’

‘‘બોસ ! તારા બાપનાં પગલાં શુકનિયાળ તો માન જ. એ આવ્યો ને બીજા દિવસે તારી ફિલમનું ઠેકાણું પડી ગયું...’’ નીરવે કહ્યું અને અલયના ચહેરા પર એક ન સમજાય તેવો તિરસ્કાર ધસી આવ્યો. એ સણસણતો જવાબ વાળે એ પહેલાં એના મોબાઇલની િંરગ વાગી. એણે નંબર જોયા વિના જ ફોન ઉપાડી લીધો.

‘‘અનુપમા !’’

‘‘બોલો.’’ એના ચહેરા પર ક્ષણવાર પહેલાં ધસી આવેલા તિરસ્કાર પછી એના અવાજની કડવાશ કદાચ અનુપમા સુધી પહોંચી ગઈ.

‘‘મૂડ સારો નથી ?’’

‘‘બોલો.’’

‘‘ઓ.કે. મેં શૈલેષ સાવલિયા સાથે વાત કરી લીધી છે. અભિષેકની ડેટ્‌સ આ અઠવાડિયામાં ખબર પડી જશે. એણે સ્ક્રિપ્ટ માગી છે, આપણે આપી શકીશું ? બાઉન્ડ સ્ક્રિપ્ટ ?’’

‘‘મારી પાસે રેડી જ છે.’’

‘‘તો એક મને અને એક એને મોકલવી પડશે. બાકીનું હું સંભાળી લઈશ. મુહૂર્તના કાર્ડનો પ્રૂફ આવી ગયો છે. તમે જોશો કે હું ઓ.કે. કરી દઉં ?’’

ક્ષણવાર અટકીને અલયે કહ્યું, ‘‘હું જોઈશ.’’

‘‘તો તરત જ આવવું પડશે, કારણ કે હમણાં પ્રૂફ ઓ.કે. કરશો તો જ સાંજે કાડર્ હાથમાં આવશે. કાલે બપોર સુધી બધાને મળે તો જ પરમ દિવસે સોમવાર સાંજના બધા આવી શકે.’’

‘‘હું આવું છું.’’ અલયે ફોન કાપી નાખ્યો, ‘‘તને ટાઇમ છે ?’’

‘‘શાના માટે ?’’

‘‘મુહૂર્તના કાર્ડ જોવાના છે અને સ્ક્રિપ્ટ આપવાની છે, અનુપમાને.’’

‘‘ચાલ, મને કંઈ વાંધો નથી.’’

બંને ઊભા થયા અને બંને બરિસ્તાની બહાર નીકળી ગયા.

અભય આવીને ઓફિસમાં બેઠો.

ત્રણ દિવસથી એ ઓફિસ આવી શક્યો નહોતો. પહેલાં દિલ્હી અને પછી સૂર્યકાંત મહેતાના અણધાર્યા આગમનને કારણે અભય જરા અટવાઈ ગયો હતો. એ જેવો ઓફિસમાં આવીને બેઠો કે તરત એની નજર પ્રિયાની ખુરશી પર પડી. પ્રિયા એના ટેબલ પર બેસીને કંઈ કામ કરી રહી હતી. ડોક્ટરે એની મનઃસ્થિતિ જોતાં એને આરામ કરવાનું કહ્યું હતું.

અભય ઊભો થઈને પ્રિયાના ટેબલ પાસે ગયો.

‘‘તને આરામ કરવાનું કહ્યું છે ને ?’’

‘‘તે અહીં ક્યાં મારે ઘઉંની ગુણ ઊંચકવાની છે ? બહુ કામ પેન્ડિંગ છે અભય, બહુ બધું પતાવવાનું છે. મને રજા પોસાય એમ નથી.’’

‘‘પ્રિયા, તને કેમ સમજાતું નથી કે તું હજુ...’’

‘‘અભય, મને શરીરના નહીં, મનના આરામની જરૂર છે અને મનનો આરામ મને તમારી સાથે જ મળે છે. નજર સામે તમને જોઉં એટલી વાર મન જાણે શાંત થઈ જાય છે.’’ એની આંખોમાં હલકી ભીનાશ હતી, ‘‘ ઘેર પડી પડી આડાઅવળા વિચાર કરું એના કરતાં અહીં આવીને કામ પતાવું એ જ સારું.’’

અભય ક્ષણ વાર એની સામે જોઈ રહ્યો. પછી કાચની કેબિનમાંથી આખી ઓફિસ જોતી હશે એવો ખ્યાલ હોવા છતાં એણે પ્રિયાના ગાલ પર હાથ ફેરવ્યો- અત્યંત માર્દવથી, અત્યંત કુમાશથી અને કહ્યું, ‘‘જિદ્દી છે તું.’’ અને પછી પોતાની સીટ તરફ ચાલી ગયો. પ્રિયા એને જતો જોઈ રહી અને મનોમન બબડી, ‘‘તમારી સાથે એક ઘરમાં તો જીવી શકતી નથી, એટલિસ્ટ અહીં ઓફિસના કલાકો તો તમારી આસપાસ ગાળી લઉં. તમને ક્યારેય નહીં સમજાય અભય કે હું તમને કેટલો પ્રેમ કરું છું.’’ પ્રિયાની વાત જાણે વગર કહ્યે સંભળાઈ ગઈ હોય એમ પ્રિયાનો ઇન્ટરકોમ રણકી ઊઠ્યો,

‘‘આઈ લવ યુ સ્વીટ હાર્ટ.’’ ને પ્રિયા શરમાઈ ગઈ.

અનુપમા ટેબલ પર આખો સંસાર પાથરીને બેઠી હતી. ફિલ્મના અનાઉન્સમેન્ટની એડ, મુહૂર્તનાં કાર્ડનો નમૂનો અને બેનર્સ... સંજીવ અને શૈલેષ બંને ધ્યાનથી જોઈ રહ્યા હતા. બીજા પણ કોઈ બે જણા હતા, જેની સાથે અનુપમા મુહૂર્તના સેટ વિશે ચર્ચા કરી રહી હતી.

‘‘થેન્ક ગોડ ! મને લાગ્યું કે આ ફિલ્મ તો જાણે મારી જ જવાબદારી છે.’’

‘‘તમે માથે લઈ લીધી છે, મેં કહ્યું નથી.’’

‘‘એટલે જ. હવે તમે આ બધા સાથે ડાયરેક્ટ ડિલ કરો. આ અમારા સેટ ડિઝાઈનર છે. મોટી મોટી ફિલ્મોના સેટ એમણે કર્યા છે. જિનિયસ છે, તપનદા, આ અલય છે. એની પિક્ચરના સેટ કરવાના છે અને પહેલી ટેરિટરી વેચાય નહીં ત્યાં સુધી પૈસાની વાત નથી કરવાની. મટીરિયલના પૈસા પણ નહીં મળે.’’

‘‘મેં માગ્યા બેટા ?’’

નીરવ ડઘાઈને જોઈ રહ્યો હતો. સામે ‘‘સ્ક્રિન’’ ન્યૂઝ પેપર માટેની ડબલ સ્પ્રેડની એડ હતી. જેમાં લખ્યું હતું કે દસકાની શ્રેષ્ઠ ફિલ્મ સેટ પર જઈ રહી છે.

‘‘આ એડ પણ જોઈ લેજો.’’ અનુપમાએ કહ્યું, ‘‘બુધવારના પેપર માટે આજે ડેડલાઇન છે.’’

‘‘એક મિનિટ.’’ અલયે કહ્યું, ‘‘આ બધું નકામું છે.’’

‘‘શું ?’’ અનુપમાના અવાજમાંથી આશ્ચર્ય છલકાઈ ગયું.

‘‘યેસ, મારે આ કંઈ નથી કરવું. કોઈ ઔપચારિક મુહૂર્ત નહીં, કોઈ જાહેરખબર નહીં, કોઈ ધામધૂમ નહીં, એક સાદું-સીધું મુહૂર્ત થશે- સોમવારે. જેમાં મુહૂર્તનો ફ્લેપ મારી મા આપશે અને પાંચ-સાત જણાની હાજરીમાં પહેલો શોટ લઈને હું મુહૂર્ત કરીશ. બસ.’’ પછી તપનદા સામે ફરીને કહ્યું, ‘‘તમારી જરૂર પડશે મને, પણ હજી હમણાં નહીં. સોમવારનો સિકવન્સ તો હું મરિન ડ્રાઈવના દરિયા કિનારે શૂટ કરીશ.’’

‘‘પણ સર... આ ઇન્ડસ્ટ્રીમાં તો ધામધૂમ કરવી જ પડશે. શોમેનશિપની ઇન્ડસ્ટ્રી છે આ. બોલે એના બોર વેચાય.’’

‘‘પણ મારી પાસે તો બોર જ નથી ને હોય તોય મારે વેચવા નથી.’’ શૈલેષ સાવલિયા અલયના જવાબથી જરા ડઘાઈ ગયા. એમણે અનુપમા સામે જોયું.

‘‘તમારે હજીયે આ ફિલ્મ પ્રોડ્યૂસ ન કરવી હોય તો છૂટ છે. બાકી, આ ફિલ્મ બનશે તો મારા હિસાબે અને મારી ઇચ્છા મુજબ.’’ અને પછી અનુપમા સામે ફરીને જાણે આખીયે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતો હોય એમ અલયે આંખમાં આંખ નાખીને કહ્યું, ‘‘યુ આર માય ફેવરિટ એક્ટર... એની ના નહીં, પણ તમે આ ફિલ્મની હિરોઇન જ રહો તો સારું.’’ પોતાની સાથે લાવેલી સેમસોનાઇટની સ્લિક બેગમાંથી સ્ક્રિપ્ટની બે કોપી કાઢીને એને ટેબલ પર મૂકી.

‘‘આ જોઈ લેજો, હું આવતી કાલે સવારે તમારા ફોનની રાહ જોઈશ. જો ફોન આવે તો હું માનીશ કે આપણે સોમવારે મુહૂર્ત કરીએ છીએ અને જો આજની આ મુલાકાત પછી તમારો મૂડ બદલાઈ ગયો હોય તો મને ફોન નહીં કરતાં, હું સમજી જઈશ.’’ પછી ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘‘મારી પાસે એક મા છે, મને કોઈ દત્તક લે એ મને નથી પોસાતું... આ ફિલ્મ મારી છે અને જો બનશે તો મારી જ રીતે બનશે. બાકી એની સ્ક્રિપ્ટ થેલામાં લઈને હજી બે વરસ ફરવામાં મને વાંધો નહીં આવે.’’

આટલું કહીને એ સડસડાટ બંગલાના પગથિયા ઊતરી ગયો. અનુપમા એને જતો જોઈ રહી. એની સાથે આવેલો અને અત્યાર સુધી મૂક પ્રેક્ષકની જેમ વર્તતો રહેલો નીરવ અનુપમાને કંઈ કહે એ પહેલાં એણે અનુપમાના હોઠમાંથી સરી પડેલા શબ્દો સાંભળ્યા, ‘‘વોટ અ મેન ! જિંદગીની ફિલમનો હીરો છે આ. સાચા અર્થમાં હીરો. આટલાં વર્ષ ક્યાં હતો તું, અલય ?’’

વસુમા પોતાના ઓરડામાં બેસીને કંઈક વાંચી રહ્યાં હતાં. સૂર્યકાંત એમના ઓરડાના દરવાજા સુધી આવીને ઊભા રહ્યા. વસુમા વાંચવામાં મશગુલ હતાં. સૂર્યકાંતે ખોંખારો ખાધો.

‘‘અરે કાન્ત ! આવો, આવો...’’

સૂર્યકાંત એમના ઓરડામાં દાખલ થયા, ‘‘શું વાંચે છે ?’’

‘‘મહર્ષિ અરવિંદનું પુસ્તક છે સાવિત્રી ઉપર... વેરી ઇન્ટ્રેસ્ટિંગ.’’

‘‘શનિવારની સાંજે ઘરે બેસીને વાંચવાનું શું ?’’

‘‘એટલે ?’’

‘‘ચાલ, ક્યાંક બહાર જઈએ.’’ વસુમા આશ્ચર્યથી જોઈ રહ્યાં, ‘‘જુએ છે શું ? આંટો મારવા બહાર ન જવાય ? હું કંટાળ્યો છું ઘરમાં.’’ પછી સહેજ અટકીને એમણે પૂછ્‌યું, ‘‘કે પછી મારી સાથે બહાર જવામાં કંઈ વાંધો છે તને ?’’

‘‘ચાલો.’’ વસુમાએ પુસ્તકમાં વડનું સુકાયેલું પાન બુકમાર્ક તરીકે મૂક્યું અને ઊભાં થયાં, ‘‘હું જરા સાડી બદલી લઉં.’’

ઓક્સફર્ડ બ્લૂ રંગની ફૂલવેલની બોર્ડરવાળી ઓફ વ્હાઇટ સિલ્કની સાડી અને ઓક્સફર્ડ બ્લૂ બ્લાઉઝ પહેરીને વસુમા ઓરડાની બહાર નીકળ્યાં ત્યારે સૂર્યકાંત સોફામાં બેસીને એમની રાહ જોઈ રહ્યા હતા. એ ઘડીભર વસુમાની સામે જોઈ રહ્યા, ‘‘વસુ, તું ખરેખર સુંદર લાગે છે, આજે પણ.’’

‘‘આમ તો આજે જ.’’ વસુમાએ હસીને કહ્યું, ‘‘બાકી આજ સુધી મારી સામે તમે આટલા ધ્યાનથી જોયું છે ક્યારેય ?’’

‘‘એટલે નથી જોયું એનો અફસોસ તો છે...’’

‘‘એના કરતાં એમ કહીએ કે આજે જોયું એનો આનંદ છે, તો ? જે નથી કર્યું એનો અફસોસ કરવા કરતાં જે થઈ રહ્યું છે એનું સુખ માણીએ ને, કાન્ત ?’’ પછી ઉપરની તરફ જોઈને સહેજ બૂમ પાડી, ‘‘વૈભવી...’’

વૈભવી પેસેજમાં આવી.

‘‘અમે બહાર જઈએ છીએ. થોડી વારમાં આવી જઈશું. જાનકી હમણાં શાકભાજી લઈને આવશે. પછી, જો તમે ખાસ કાંઈ ના કરતાં હો તો એને થોડી મદદ કરશો?’’ અને પછી સૂર્યકાંત તરફ ફરીને હળવેકથી કહ્યું, ‘‘જઈશું, કાન્ત?’’

બંનેને શ્રીજી વિલાનો મુખ્ય દરવાજો ખોલી પગથિયા ઊતરીને પગથી પસાર કરી ગેટ સુધી જતાં વૈભવી જોઈ રહી. પછી બબડી, ‘‘આમ તો ધણી દીઠો ગમતો નથી અને હવે લટક-મટક તૈયાર થઈને ફરવા ઉપડ્યાં છે સાસુમા ! ગમે તેટલાં નખરાં કરે, પણ એય સૂર્યકાંત મહેતાનો રૂઆબ જોઈને પીગળી તો ગયાં જ છે... ફિલોસોફી એના ઠેકાણે રહી જવાની છે અને મારાં સાસુમા અમેરિકાભેગાં થઈ જશે, આખરે. ખાધું-પીધું ને રાજ કર્યું.’’ પછી લૂચ્ચું હસીને પોતાના ઓરડામાં પાછી ચાલી ગઈ.

શનિવારની સાંજે સામાન્ય રીતે પતિ-પત્ની અલગ અલગ બહાર નહોતાં જતાં. બાકી આખું અઠવાડિયું અંજલિ પોતાના કાર્યક્રમો ઘડતી. એને જેમ ફાવે એમ, જેમ ગમે એમ કરવાની છૂટ જ હતી. પણ શનિવારની સાંજે રાજેશ જલદી ઘરે આવતો અને સામાન્ય રીતે બંને સાથે જ રહેતાં, ઘરમાં કે બહાર.

ગઈ કાલે આવેલાં ઇન્વીટેશન હજી ડ્રેસિંગ ટેબલ પર પડ્યાં હતાં.

અંજલિ અરીસામાં જોઈને તૈયાર થઈ રહી હતી. રાજેશ પાછળ જ બેડરૃમમાં જ બનેલા એક નાના સ્ટડી કોર્નર ઉપર લેપટોપ લઈને કંઈ કામ કરવાનો દેખાવ કરી રહ્યો હતો. એની નજર સતત તૈયાર થઈ રહેલી અંજલિ ઉપર હતી. સામાન્ય રીતે અંજલિ આવા કાર્યક્રમોમાં જાય ત્યારે સાડી પહેરી જતી... મોંઘા દાગીના અને ટેસ્ટફૂલી તૈયાર થઈને જતી. આજે એણે જીન્સ પહેર્યું હતું. સાથે સહેજ પેટ દેખાય એવું ટોપ. રાજેશ એને નવાઈથી જોઈ રહ્યો હતો. અંજલિ પરણી નહોતી ત્યાં સુધી એ આવાં જ કપડાં પહેરતી, જીન્સ - સ્માર્ટ સ્કર્ટ, ટૂંકાં ટોપ અને ચાંદીના કે રસ્તા પરથી ખરીદેલા ચિત્ર-વિચિત્ર દાગીના. રાજેશને અંજલિ એવાં જ વસ્ત્રોમાં ખૂબ ગઈ હતી, પરંતુ લગ્ન પછી સામાન્ય સંજોગોમાં રાજેશ એને આવાં વસ્ત્રો પહેરવાનું કહે તો પણ અંજલિ આનાકાની કરતી... જોકે રાજેશને અંજલિની સાડી કે સલવાર-કમીઝ પહેરવાની આ પરંપરાગત સજાવટ ગમતી...

એ જોઈ રહ્યો હતો કે અંજલિ આજે સાવ જુદી રીતે તૈયાર થતી હતી. એ કંઈ બોલ્યો નહીં.

અંજલિ બહાર નીકળતાં પહેલાં હંમેશાં રાજેશને વહાલ કરતી, ‘‘જાઉં છું...’’ અને કેટલા વાગે આવીશ એ બંને વાત કહીને જતી.

રાજેશ ગમે તેટલી ના પાડે પણ છેલ્લી ઘડી સુધી અંજલિ એને સાથે આવવાનો આગ્રહ કરતી. મોટા ભાગે આવા કાર્યક્રમોમાં રાજેશ અંજલિને ઉતારીને ક્લબમાં જતો અને કાર્યક્રમ પૂરો થવાની તૈયારીમાં હોય ત્યારે દરવાજે આવીને ઊભો રહેતો... પણ આજે અંજલિએ છેક બેડરૃમના દરવાજા પાસે આવી અને કહ્યું, ‘‘સી યુ...’’

‘‘યાહ... સી યુ’’ રાજેશે કોઈ રિએકશન ન આપ્યા, ‘‘મૂકી જાઉં?’’ રાજેશે બને એટલા નોર્મલ રહેવાનો પ્રયાસ કરતા પૂછ્‌યું.

‘‘ના. હું ગાડી લઈને જ જઈશ.’’

‘‘તું ગાડી ચલાવે નહીં તો સારું. યુ આર નોટ વેલ.’’

‘‘પ્રેગનન્સી કોઈ રોગ નથી રાજેશ.’’ અંજલિનો અવાજ આટલો ઊંચો છેલ્લાં પાંચ વર્ષમાં ક્યારેય નહોતો થયો. એ સડસડાટ બેડરૃમની બહાર નીકળી ગઈ. રાજેશ એને જતી જોઈ રહ્યો. પછી હળવેથી ઊભો થયો, બેડરૃમના જે ખૂણામાં બનેલો અખરોટના લાકડાનો બાર ખોલ્યો, એક ડ્રિન્ક બનાવ્યું અને બેડરૃમને જોડાયેલી લગભગ અગાશી જેવડી ગેલેરીમાં આવીને ઊભો રહ્યો.

‘‘એણે કેટલું બધું કહ્યું, મારી સાથે લગ્ન કરીને જિંદગી બરબાદ થઈ ગઈ ત્યાં સુધી... અને મારું કહેલું એક વાક્ય એટલું મોટું હતું કે મને એક વાર પૂછી પણ ના શકી ? હું જાત સાથે... આજે તો જરૃર જાત...’’ રાજેશ ગેલેરીમાં ઊભો ઊભો આવતા-જતા ટ્રાફિકને જોઈને મનોમન સંવાદ કરી રહ્યો હતો, ‘‘મારા પાંચ પાંચ વર્ષનો પ્રેમ એને દેખાયો નહીં? અને એક વાક્ય એટલું બધું અડી ગયું ?’’ રાજેશને આજે પહેલી જ વાર અંજલિ પર ચીડ ચડી આવી, ‘‘દીકરી તો એની માની ને... અભિમાની, ઇગોઇસ્ટ... પતિ ગમે તે કરે, આપણે આપણો કક્કો ખરો કરવાનો... અમથો જતો રહ્યો હશે આવો સૂર્યકાંત જેવો સારો માણસ!’’

એન.સી.પી.એ.ના કેમ્પસમાં દાખલ થતાં અંજલિના હૃદયની ધડકન વધી ગઈ.

બિલકુલ લેન્ડ્‌સ એન્ડ પર નરીમાન પોઇન્ટના સાવ ખૂણામાં એન.સી.પી.એ.નું થિયેટર આવેલું છે. નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસના નામે ઓળખાતા આ કેમ્પસમાં ત્રણ થિયેટર, એક લાઇબ્રેરી, ઓફિસ, આર્ટ ગેલેરી અને કેફે આવેલા છે.

અહીં દાખલ થતાં અંજલિને પાંચ વર્ષ પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો, જ્યારે એણે જિંદગીને એક નવી દિશા આપવાનો નિર્ણય કર્યો હતો. એણે અહીંથી થોડાં જ ડગલાં દૂર આ જ ઊછળતા સમુદ્રના કિનારે શફ્ફાકને પોતાનો રસ્તો માપવાનું કહી દીધું હતું અને પાંચ વર્ષ પછી જિંદગી ૧૮૦ ડિગ્રી બદલાઈને સાવ સામેના છેડે જઈને ઊભી હતી. એને એ નહોતું સમજાતું કે એ જઈને શફ્ફાકને કઈ રીતે મળશે ? વર્ષોએ ઘણું બદલ્યું હતું, અંદર પણ ને બહાર પણ...

‘‘રાજેશને લઈને આવી હોત તો સારું થાત. એટલિસ્ટ કોઈ ઓળખીતુંં તો હોત સાથે !’’ કાર્યક્રમ સાંભળવા આવનારાઓ છૂટાછવાયા નાનાં-નાનાં ટોળાંમાં ઊભા હતા. સૌ કોઈની ને કોઈની સાથે આવ્યા હતા. સુંદર સાડીઓ, રેશમી ઝભ્ભા-લેઘાં અને ડાયમંડ્‌સ... વિદેશી પરફ્યુમ્સનો જાણે મેળો ભરાયો હતો.

‘‘કોઈ જોશે તો શું વિચારશે ?’’ અંજલિ ગૂંચવાઈ ગઈ હતી. ‘‘આવા કાર્યક્રમમાં આ શું પહેરીને આવી ગઈ હું ? મગજ ખરાબ થઈ ગયું છે મારું. જૂના દિવસો તાજા કરવા માટે પહેલાં પહેરતી હતી એવા કપડાં પહેરવા જરૂરી છે?’’ અંજલિના મનમાં ગજબની ઉથલપાથલ ચાલતી હતી, ‘‘હવે હું કેવી દેખાઉં છું એનાથી શું ફેર પડશે શફ્ફાકને... ને મનેે પણ! આજનો એક જ કાર્યક્રમ છે, જે મારે સાંભળી લેવાનો છે અને પછી ભૂલી જવાનું છે કે હું શફ્ફાક અખ્તર નામના કોઈ માણસને ઓળખું પણ છું... હજી પણ બોલાવી લઉં રાજેશને, મને ખાતરી છે એ ક્લબ નહીં ગયા હોય...’’ અંજલિને વિચાર આવ્યો. પછી એના જ મને દલીલ કરી, ‘‘મૂકી જાઉં કહ્યું એને બદલે સાથે આવું કહ્યું હોત તો ? કારણ વગરનો ઇશ્યૂ એમણે ઊભો કર્યો છે. હું શું કામ સામેથી ફોન કરું?’’ એ ચૂપચાપ આવનારા કાર્યક્રમોનાં પોસ્ટર્સ જોતી ઊભી રહી હતી. કાચના કબાટમાં લગાડેલાં પોસ્ટર્સ ઉપર અંજલિનું પ્રતિબિંબ પડતું હતું. એણે અરીસાની જેમ પોતાના વાળ સરખા કર્યા અને જાતને જોઈ, અને એ ચોંકી,

‘‘એક તો નૈના કજરારે, ઔર ઉસપે ડૂબે કાજલમેં

બીજલી બઢ જાયે ચમક, કુછ ઔર ભી ભીગે બાદલ મેં...

જાં’નિસારનો શેર છે. મેં જેટલી વાર સાંભળ્યો, મને દરેક વખતે એવું જ લાગ્યું કે તારે જ માટે કહ્યું છે.’’ પહાડની ગુફાઓમાંથી આવતો હોય એવો ઘેરો ઘૂંટાયેલો અવાજ હતો. આ અવાજને વિશ્વભરના સંગીતપ્રેમીઓ એક અલાપથી ઓળખી જતા !

‘‘શફ્ફી !’’

‘‘આગળ સાંભળ...

સુબહા નહાને ઝૂડા ખોલે, નાગ બદન સે આ લીપટે,

ઉસકી રંગત, ઉસકી ખૂશબૂ મિલતી ઝૂલતી સંદલ સે...

સુંદર લાગે છે, સહેજ પણ બદલાઈ નથી. ’’

‘‘તું હજી અહીં છે ? મને તો એમ કે...’’

હસી પડ્યો શફ્ફાક, ‘‘આમ તો ના હોવું જોઈએ, અંદર બધા મને શોધતા હશે ને હું તને બહાર શોધતો હતો... મને એમ કે સાડી પહેરેલી, ચાંદલો કરેલી એક ગુજરાતી ગૃહિણી જોવા મળશે... હું હજી હમણાં જ અહીંથી પસાર થયો, પણ મને થયું કોઈ કોલેજની સ્ટુડન્ટ ઊભી છે.’’

‘‘જા જા હવે !’’ અંજલિ શરમાઈ.

‘‘અંજુ, મને બહુ જ આનંદ થયો કે તું આવી અને એથીય વધુ આનંદ થયો કે તું એકલી આવી.’’ અંજલિના ચહેરા પર મિશ્ર ભાવ તરવરી ઊઠ્યા.

‘‘એટલે એમાં એવું થયું કે એમને.... અજર્ન્ટ....’’

ફરી હસી પડ્યો શફ્ફાક, ‘‘જે થયું તે સારું થયું એવું નથી લાગતું?’’

‘‘આઈ ડોન્ટ નો.’’ અંજલિના મનની વાત હોઠે એવી ગઈ.

‘‘અંજુ, પ્રોગ્રામ પછી થોડી વાર તારી સાથે કોફી પીવાની ઇચ્છા છે, આવીશ ને ?’’

‘‘અ...બ... પછી ? મોડું નહીં થઈ જાય ?’’

‘‘મોડું તો થઈ જ ગયું છે અંજુ. મને ખબર છે, હું તને ખોઈ બેઠો છું. જેટલી વાર એક સફળતા મળે છે એટલી વાર પરવીન શાકિરનો શેર યાદ આવી જાય છે.

તું નહીં તો બુલંદી કા સફર કિતના કઠીન

સીડિયાં ચડતે હુએ ઉસને હર બાર યહી સોચા હોગા.’’ એણે અંજલિનો હાથ પકડી લીધો. ‘‘થોડીક વાર અંજલિ, પંદર મિનિટ ! મારે મારી સફળતા તારી આંખોમાં જોવી છે અંજલિ. મારા કાર્યક્રમ પછી પંદર મિનિટ મારે તારો અવાજ સાંભળવો છે.’’ અંજલિ જરા સહેમી ગઈ. આસપાસ જોઈને એણે હાથ છોડાવી દીધો.

‘‘જોઈશું. કેટલા વાગે છે એના પર આધાર છે.’’

‘‘તું કહે તો જલદી પૂરું કરી નાખું. તું મને કહે, તારે કેટલા વાગે જવાનું છે ? હું એ પ્રમાણે કાર્યક્રમ પૂરો કરીશ.’’

‘‘શફ્ફી !!’’

‘‘આઇ મીન ઇટ. મારે માટે આટલા વર્ષે તારું આવવું અગત્યનું છે.

હમને કાંટી હૈ તેરી યાદ મેં રાતે અકસર,

દિલ સે ગુઝરી હૈ સિતારોં કી બારાતે અકસર,

ઔર તો કૌન હૈ જો મુજકો તસલ્લી દેતા ?

હાથ રખ દેતી હૈ દિલપે તેરી બાતે અકસર.’’

‘‘સારું, પણ પંદર જ મિનિટ હોં...પ્લીઝ !’’

‘‘પ્રોમિસ.’’ શફ્ફાકે એના ગાલ ઉપર હાથ અડાડવાનો પ્રયત્ન કર્યો પણ અંજલિએ ચહેરો ખસેડી લીધો, ‘‘થેન્ક યુ ! તારી આ પંદર મિનિટના તરફડાટમાં તું જોજે, મારા અવાજમાંથી કેવું દર્દ વહી નીકળે છે તે.’’ એ અંજલિની આંખમાં આંખ નાખીને જોઈ રહ્યો હતો, ‘‘તું તો જાણે છે સંગીત... સમજી શકીશ...’’ અને સડસડાટ અંદર ચાલી ગયો.

અંજલિ એને જતો જોઈ રહી. પહોળા ખભા, પાતળી કમર, સામાન્ય પુરુષો કરતાં સહેજ લાંબા વાળ, ચાલમાં પ્રવેશેલી સફળતાની ખુમારી અને આસપાસ ઊભેલા લોકોની નજર તરફ એક બેફિકરી... ટોળે વળેલા લોકોને ઓટોેગ્રાફ આપતા શફ્ફાકને જોઈને અંજલિ વિચારી રહી, ‘‘ખૂબ બદલાઈ ગયો છે. ક્યાં એ આત્મવિશ્વાસ વગરનો ગૂંચવાતો-ગૂંચવતો શફ્ફી અને ક્યાં આ... સફળતા માણસને શુંથી શું બનાવી દે છે ! કાશ...હું પણ...’’

એ જ વખતે અંજલિને એક પ્રેમાળ હાથનો સ્પર્શ થયો. અંજલિએ ફરીને પાછળ જોયું. પ્રયાગરાજજી એના માથે હાથ ફેરવીરહ્યા હતા, ‘‘અંજુ, બેટા કૈસી હો ? કિતને સાલોં બાદ દેખા તુમકો...’’ એમની આંખોમાંથી જાણે અમી વરસી રહ્યા હતા.

ભગવા રંગનો લાંબો ઝભ્ભો, નીચે ધોતિયું, લગભગ છાતી સુધી આવે એવી સફેદ દાઢી અને માથામાં વિશાળ કપાળ સાથે એકાકાર થઈ જતી ઝગારા મારતી ટાલ. તદ્દન સફેદ દૂધ જેવી ભાવવાહી આંખો અને સતત સ્મિત કરતા હોઠ. ગળામાં લગભગ નાભી સુધી આવે એવડી રુદ્રાક્ષની માળા...

અંજલિ નમી પડી. પ્રયાગરાજે અંજલિ ઝૂકે એ પહેલાં એને ખભેથી પકડીને છાતી સરસી ચાંપી દીધી, ‘‘મેરી બચ્ચી... મારી સૌથી વહાલી વિદ્યાર્થિની, તું નહીં માને, પણ મેં આટલાં બધાં વર્ષોમાં કેટલાયને સંગીત શીખવાડ્યું હશે, તું જાણે મારા કાળજા પર અંકાઈ ગઈ. તને હું એક પળ માટે પણ ભુલાવી શક્યો નથી. બેટા, સંગીત ચાલુ છે કે છોડી દીધું ?’’

‘‘કયુ સંગીત ? બધું જ બંધ છે. માત્ર એક રોજિંદુ રુટિન ચાલે છે... દિવસ ઊગે છે ને રાથ આથમે છે. બાકી કશુંયે બનતું જ નથી.’’ અંજલિનું ગળું ભરાઈ આવ્યું.

પ્રયાગરાજ હજીયે એના માથે હાથ ફેરવી રહ્યા હતા, ‘‘ક્યું ઇતની દુઃખી હૈ બચ્ચા ? ઉપરવાળાએ કંઈ સારું જ વિચાર્યું હશે. બેટા, તેલીબિયાંને કચર્યાં વિના તેલ નીકળે છે ? ફળને કચર્યા વિના રસ નીકળે છે ? ફૂલને કચડી નાખ્યા વિના અત્તર બની શકે છે દીકરા ? ભગવાને એમ વિચાર્યું હશે કે...’’

‘‘મારામાં ન રસ છે, ન તેલ, ન સુગંધ...’’ અંજલિના અવાજમાં એક આક્રોશ, એક પીડા, એક ખાલીપાની ફરિયાદ હતી.

‘‘બેટા, તું સંગીતથી રિસાઈ શકે છે, સંગીત તને નહીં છોડે. તારી નસનસમાં જે લોહી વહે છે, એ લયમાં એક સંગીત છે. તારા શ્વાસની આવન-જાવન પોતે જ સંગીતમય છે. તારા પ્રાણ, તારો આત્મા સંગીતમાં તરબોળ છે બેટા. તું સંગીતથી બહુ વખત દૂર નહીં રહી શકે. હું કહું છું તને, તારો ગુરુ !’’

‘‘ગુરુજી, મને હવે આ ફિલોસોફીમાં પણ રસ નથી પડતો. હું ટી.વી. પર શેરબજારના ન્યૂઝ સાંભળું છું, હીરા પહેરીને પાટર્ીઓમાં જાઉં છું...’’

‘‘આજે તો હીરાય નથી ને અહીં કોઈ પાટર્ી પણ નથી દીકરા, તું મને એવી ને એવી દેખાય છે. જેવી છેલ્લી વાર મને મળવા આવી હતી.’’

‘‘ખરેખર તો સમય ત્યાં જ થંભી ગયો છે કદાચ. તમને મળવા આવી ત્યારે મારા ગળાના સૂર પણ તમારા ચરણમાં મૂકીને ચાલી ગઈ હતી ગુરુજી. હું નથી ગાઈ શકતી હવે. ક્યારેય નહીં ગાઈ શકુંં.’’

‘‘ઈશ્વરની મરજી તું શું કામ નક્કી કરે છે બેટા ? એની મરજી વિના કંઈ થયું નથી, અને એની મરજી હશે તો અટકાવ્યું કંઈ અટકશે નહીં.’’

‘‘હું નહીં ગાઉં... મારા ગળામાંથી સૂર ભુસાઈ ગયા છે.’’ અંજલિની આંખો ડબડબી ગઈ.

માત્ર હસ્યા પ્રયાગરાજ. ફરી એના માથા પર વહાલસોયો હાથ ફેરવ્યો અને ઇશારો કરીને શફ્ફીને મળવા અંદર ચાલી ગયા. એકલી ઊભેલી અંજલિ વધતી જતી ભીડમાં વધુ એકલી થઈ ગઈ.

(ક્રમશઃ)

Rate & Review

Dilip Pethani

Dilip Pethani 2 weeks ago

Hemant Sanghvi

Hemant Sanghvi 2 months ago

Nirav Desai

Nirav Desai 2 months ago

Dhaval Patel

Dhaval Patel 2 months ago

Kunal Bhatt

Kunal Bhatt 3 months ago