smart boy books and stories free download online pdf in Gujarati

સ્માર્ટ બોય

મમ્મી બિસ્કીટ આપ ને દસ વર્ષ નો રાજ બોલ્યો અને અવનિ એના પર વર્ષી પડી આખો દિવસ ખા ખા કરવું છે શું ખબર ક્યારે સમજણ આવશે.
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતી અવનિ ના મોઢા પર ગુસ્સો હતો કેમકે એના હસબન્ડ રવિ ની દિલ્હી ટ્રાન્સફર થઈ હતી એ બન્ને ને લેવા મુંબઈ આવવાનો હતો પણ સંજોગોવસાત એ આવી ન શક્યો અને રાજધાની એક્સપ્રેસ ની ટીકીટ મોકલી એમને દિલ્હી આવવા કહ્યુ.
અવનિ એ ક્યારેય આવી રીતે એકલી મુસાફરી કરી ન્હોતી એટલે એનો ડર અને રવિ ન આવ્યા નો ગુસ્સો એને બેચેન બનાવતા હતાં.
નાનકડું ઈન મીન તીન જણાનું સુખી કુટુંબ, અવનિ ભલે રાજ ને વઢે પણ રાજ જેને લાડથી બધા ચીંટુ કહેતા એ ઉંમર પ્રમાણે ધણો હોશિયાર.
ટ્રેન આવી એટલે બડબડ કરતી અવનિ ચીંટુ ને લઈ પોતાની સીટ પર ગોઠવાઈ, ટ્રેન ઉપડવાને વાર હતી બધો સામાન સીટ નીચે એડજસ્ટ કરી ચીંટુ ને બિસ્કીટ આપી ગાલ પર એક કીસ કરી ખુશ કરી દીધો. વીન્ડો સીટ અને ચોકલેટ મળતા ચીંટુ ને મજા પડી ગઈ.
થોડીવારે વ્હીસલ મારી હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી, ત્યારે જ હાંફળો ફાફળો થતો એક યુવક ચાલતી ટ્રેને ચડી અવનિ નાં કમ્પાર્ટમેન્ટ માં આવ્યો અને હાંફતો હાંફતો સામેની વીન્ડો સીટ પર બેઠો.
કર્લી હેર,જીન્સ, ટીશર્ટ, ગોગલ્સ માં એની પર્સનાલિટી હીરો જેવી દેખાતી હતી.
જરા શ્વાસ ખાઈ સાથે લાવેલ બેકપેક ગોઠવી અવનિ તરફ સ્માઈલ આપી ચીંટુ ને હાય કર્યુ, ચીંટુ તરત બોલ્યો અંકલ આવી રીતે ચાલતી ટ્રેન માં ન ચડાય મારા પપ્પા હમેંશા કહે છે કે ટ્રેન ભલે છુટી જાય પણ આવું રિસ્ક નહીં લેવાનું.અવિ ચીંટુ સામે આંખો કાઢી બોલી બહુ દોઢડાહ્યો ન થા.
યુવક બોલ્યો એને શું કામ વઢો છો એ બિલકુલ સાચું જ કહે છે મારે આવી રિતે ટ્રેન માં ન ચડવું જોઈએ પણ મારે અરજન્ટ કામ આવી જતા જવુ પડે એવુ છે ને ટ્રાફિક માં ફસાઈ ગયો એટલે લેટ થઈ ગયું એટલે રિસ્ક લઈ ટ્રેન પકડી કહી પોતાની ઓળખ આપી હું રાહુલ, તમે ?
અવનિ રાહુલ ની વાકછટા થી એના પ્રભાવ માં આવી ગઈ અને બોલી હું અવનિ અને આ રાજ. સાંભળી રાજ તરત બોલ્યો અંકલ નામ ભલે રાજ પણ બધા મને ચીંટુ કહી બોલાવે છે, અવની પાછી આંખો કાઢી બોલી જોયુ આનું દોઢ ડહાપણ અને હસી પડી સાથે રાહુલ પણ હસી પડ્યો અને દસ મિનિટ માં જ જાણે જુની ઓળખાણ હોય એમ ફ્રેન્ડ બની ગયા.
રાહુલ અલક મલક ની વાતો કરવા લાગ્યો અવનિ વધુ ને વધુ રાહુલ ના પ્રભાવ માં આવવા લાગી પણ ચીંટુ ને કંઈક અજુગતુ લાગતુ હતુ પણ મમ્મી વઢે એટલે ચૂપ રહ્યો.
સાંજના છ વાગ્યા હતા જમવાને વાર હતી એટલે રાહુલે બેગમાંથી બિસ્કીટ નું પેકેટ કાઢી ચીંટુ ને આપ્યુ, ના પાડતા ચીંટુ બોલ્યો મારા પપ્પા હમેંશા મને શીખવાડે છે કે ટ્રેન માં કોઈ અજાણ્યા પાસેથી કાંઈપણ લેવાનું નહીં એટલે હું નહી લઉં.
રાહુલ બોલ્યો આ તો પેક છે ખુલ્લા બિસ્કીટ ન લેવાય પણ ચીંટુ પોતાની વાત પર અડગ હતો, અવનિ બોલી લે બેટા અંકલ એવા નથી લે હું ખોલીને આપું.
પણ શું ખબર ચીંટુ ને વિશ્વાસ પડતો ન્હોતો એણે બિસ્કીટ લીધુ પણ પછી ખાઈશ કહી સાઈડ માં રાખ્યું, અવનિ અને રાહુલે બિસ્કીટ ખાધા અને વાતો માં પરોવાયા. એટલા માં ચીંટુ બોલ્યો મમ્મી મારી સ્ટોરીબુક આપ, ચીંટુ ની બેકપેક અલગ હતી એ કાઢી અવનિ એ આપી અને પાછી રાહુલ સાથે વાતો કરવા લાગી.
ચીંટુ એ સ્ટોરી બુક વાંચવા લીધી એટલે રાહુલ પાછો બોલ્યો બેટા બિસ્કીટ ખાઈ લે, ચીંટુ દલીલ કરવાના મૂડ માં ન્હોતો એટલે બુક વાંચતા વાંચતા બિસ્કીટ ખાવા લાગ્યો એ જોઈ રાહુલ ની આંખમાં ચમક આવી પણ કોઈને દેખાઈ નહીં.
થોડીવાર માં જ અવનિ ને બગાસા આવવા લાગ્યા અને બોલી જમવાનું આવે ત્યાં સુધી એક ઝપકી લઈ લઉં, ચીંટુ ની પણ એજ હાલત હતી એટલે વચ્ચે ની સીટ ખોલી એ સુઈ ગયો અને અવનિ નીચે સીટ પર સુઈ ગઈ.
નવ વાગે રાહુલે અવનિ ને જગાડી બોલ્યો જમવાનું આવી ગયું છે જમી લો, અવનિ ને માથું ભારે લાગતું હતુ પણ ઊઠી ચીંટુને ઉઠાડી સીટ નીચે કરી જમવા બેઠા, જમી પાછા બધા સુઈ ગયા.
અવનિ સવારનાં ઉઠી ફ્રેશ થઈ ચીંટુ ને પણ જગાડયો રાહુલ તો જાગતો જ હતો બધા બ્રેકફાસ્ટ કરી પરવાર્યા એટલામાં તો દિલ્હી આવી ગયું બધા નીચે ઊતર્યા, રાહુલ મદદ કરતા બોલ્યો તમારી બેગ હું લઈ લઉં છું તમે આગળ નીકળો અવનિ બોલી ના વ્હીલ વાળી બેગ છે હું લઈ લઈશ, એટલા માં ચીંટુ બોલ્યો અંકલ મારી બેગ લઈ લો ને મારો હાથ દુખે છે.
સાંભળી રાહુલ ને તો પરસેવો આવી ગયો બોલ્યો બેટા તને બેગ શોલ્ડર પર ભરાવી દઉં તો ફાવશે અને ચીંટુ ના ખભે બેગ લટકાવી દઉં તમે આગળ નીકળો હું વોશરુમ જઈ આવું બહાર નીકળી મારી રાહ જોજો.
અવનિ આગળ નીકળી એની પાછળ ચીંટુ અને છેલ્લે રાહુલ થોડું અંતર રાખીને એક્ઝિટ ગેટ તરફ આગળ વધ્યા, આજે સ્પેશિયલ ચેકીંગ હતી આગળ ચાલત બે હમાલ વાત કરતા હતા આજે ટીપ મળી છે કોઈના સામાન માં ડ્રગ છે.
અવનિ ચેકીંગ કાઉન્ટર પર પહોંચી લગેજ ચેક કરાવ્યો ચીંટુ એ પણ બેગ ખોલી પાછળ ઊભેલા રાહુલ નાં દિલની ધડકન વધી ગઈ, બેગ ચેક કરી ચીંટુ ને જવા દીધો, રાહુલ અચરજ થી જોતો રહ્યો કે આમ કેમ થયું? ચીંટુ પાછળ વળી રાહુલ સામે આંખ મારી હસતો હતો.
રાહુલે જલ્દી પોતાની બેગ ચેકીંગ માટે આપી, બેગ ની અંદર હાથ નાખી ચેક કરતા ઓફિસર નાં હાથ માં એક સફેદ પેકેટ મળ્યું અને આખી ટીમ રાહુલ ને ઘેરી વળી, રાહુલ ની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ સમજ ન્હોતી પડતી આ પેકેટ એણે અવનિ અને ચીંટુ ને ઘેનવાળા બિસ્કીટ ખવડાવી બન્ને સુતા હતા ત્યારે ચીંટુ ની બેગ માં રાખ્યું હતું એ મારી બેગમાં ક્યાંથી આવ્યું ?
હો હા સાંભળી અવની પણ પાછળ જોવા લાગી રાહુલ ને રંગે હાથે પોલીસે પકડ્યા જોઈ એ પણ હેરાન થઈ ગઈ, ચીંટુ અવનિ નો હાથ ખેંચી બોલ્યો મમ્મી અહીંથી જલ્દી નીકળી જવા માં જ મજા છે, અવની બોલી પણ વાત શું છે ? ચીંટુ બોલ્યો ઘરે બધી વાત કરૂં.
રવિ કાર લઈને રિસીવ કરવા આવ્યો હતો એને જોતાં જ બન્ને ઝડપથી કારમાં ગોઠવાઈ ઘરે પહોંચ્યા.
અવનિ થી રહેવાતું ન્હોતુ એણે ફટાફટ બધાને પાણી આપી ચીંટુ ને કીધું હવે બોલ આ બધું શું હતું ? રવિ પણ સાભળવા ઉત્સુક હતો એટલે ચીંટુ એ વાત માંડી.
ચીંટુ બોલ્યો રાહુલ અંકલ જે રીતે આવ્યા અને મોટી મોટી વાત કરતા હતા ત્યારે જ મને કંઈક બરોબર નહોંતુ લાગતુ અને એ જ્યારે બિસ્કીટ કાઢતા હતા ત્યારે એક પેકેટ નીચે પડ્યુ એ ફટાફટ પાછું બેગ માં નાખી દીધું એટલે મારો શક વધી ગયો, પછી અંકલ બિસ્કીટ માટે ફોર્સ કરવા લાગ્યા ત્યારે મને ખાત્રી થઈ ગઈ કે કંઈક રમત રમાઈ રહી છે.
આપણે નશા વાળા બિસ્કીટ ખાઈ સુઈ ગયા ત્યારે અંકલે એ પેકેટ મારી બેગ માં મુકી દીધો એમ વિચારી ને કે સ્ટેશન પર ચેકીંગ હશે તો કદાચ નાના છોકરાને ચેક ન કરે અને કરે તો પણ આપણે ફસાઈ જઈએ અને એ છુટી જાય.
અવનિ એ વચ્ચેથી અટકાવતા બોલી આપણે તો બિસ્કીટ ખાઈ બેહોશ જેવા થઈ ગયા હતા તો તને કેમ ખબર પડી રાહુલે આવું કર્યુ ?
ચીંટુ બોલ્યો મેં એ બિસ્કીટ ખાધું જ નહોતું, તારી પાસેથી સ્ટોરી બુક માટે થેલો લીધો એમા બિસ્કીટ પડ્યા હતા એ કાઢી તમે વાત કરતા હતા બદલી નાખ્યો અને અંકલ ને એમ કે મેં પણ એમનું આપેલું બિસ્કીટ ખાઉં છું.
પછી આપણે સુતા પણ મારી નજર ઊપર લગાડેલ અરીસા પર હતી જેમાં થી હું નીચે જોઈ શકતો હતો અને જેવી અંકલને ખાત્રી થઈ કે આપણે સુઈ ગયા છીએ એમણે એ પેકેટ મારી બેગ માં છુપાડી દીધું.
રવિ બોલ્યો પણ એ કામ તો જ્યારે તમે રાતે સુઈ જાવ ત્યારે પણ કરી શકત તો એણે બિસ્કીટ ખવડાવી આવું શું કામ કર્યુ હશે ?
ચીંટુ બોલ્યો કદાચ ટ્રેન માં રાતના પોલીસ ફરતા હોય અને એ આ કામ ન કરી શકે એટલે આમ કર્યુ હોઈ શકે.
પછી રાત્રે સુઈ ગયા, વહેલી સવારે થેલા નો અવાજ થતા મેં પાછુ અરીસા માં જોયું અંકલ મારો થેલો ચેક કરતા હતા પેકેટ જોઈ એમને શાંતિ થઈ અને જેવા એ વોશરુમ ગયા મેં ફટાફટ મારી બેગ માંથી પેકેટ કાઢી એમની બેગ માં નાખી દઈ સુઈ ગયો
હવે જ્યારે આપણે બહાર આવવા માટે નીકળ્યા ત્યારે મેં જાણીજોઈ ને મારી બેગ એમને ઉપાડવા કીધી અને એમને ડરેલા જોઈ મજા આવી આમ મેં એમની ચાલ એમના ઉપર જ અજમાવી ફસાવી દીધા.
સાંભળી અવનિ તો રડવા લાગી જો ચીંટુ એ હોશિયારી અને બહાદુરી ન બતાવી હોત તો આપણે અત્યારે જેલ માં હોત.
રવિ ની છાતી તો પોતાના પુત્ર નું પરાક્રમ સાંભળી ફૂલી ગઈ અને એને છાતી સરસો ચાંપી લીધો અને બોલ્યો જોયું અવનિ તું પેલા બદમાશ ના વાતો માં આવી ગઈ પણ આજની પેઢીનાં આપણાં છોકરા કેટલા સતર્ક છે આજે ચીંટુ એ પુરવાર કરી બતાવ્યું.

~ અતુલ ગાલા ( AT), કાંદિવલી,મુંબઈ.