Dear Paankhar - 4 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ -૪

" સારું તો‌ હું પણ નીકળું . તારે પણ ક્લિનિક પર જવાનું હશે. " નીનાએ પર્સ ઉઠાવતા શિવાલીને કહ્યું.
" હા ! આજે ફૂલ ડે બિઝી છે. હું પણ તૈયાર થઈને નીકળું. તું રિલેકસ રહેજે. હું આજે જ પ્રથમેશને ફોન કરીને વાત કરીશ. રિયા અને રિતેશ મજા માં છે ને? " શિવાલીએ પૂછ્યું.
" હા ! બન્ને મજામાં ! ઓકે તો ! બાય ! " કહી નીના શિવાલીને ભેટી પડી. શિવાલીએ એના પીઠ પર હાથ ફેરવતા એને શાંત રહેવા કહ્યું.

શિવાલી ક્લિનિક પર પહોંચીને પોતાના કામ‌માં પરોવાઈ ગયી. સહેજ વચ્ચે સમય મળ્યો કે પ્રથમેશ ને ફોન લગાવ્યો.
" હલો ! બોલ શિવાલી ! કેમ છે ? " પ્રથમેશે કહ્યું.
" હું મજામાં છું. તુ કેમ છે ? કયારે પાછો‌ આવે છે મુંબઈ ? " શિવાલી એ‌ પૂછયુ.
" કાલે વહેલી સવારની ફ્લાઈટ છે. બધું બરાબર છે ને ? " પ્રથમેશે આશંકાથી પૂછ્યું.
" હા ! બધુ બરાબર છે. આ તો બહુ દિવસ વાત નહોતી થઈ એટલે . કાલે મળીએ તો પછી ?" શિવાલી એ કહ્યું.
" ચોક્કસ કંઈક વાત છે નહીં તો તું આવું ના પૂછું. અત્યારે કહીશ કે કાલે સવારે પાંચ વાગ્યે સીધો તારા ઘરે જ આવુ ? " પ્રથમેશે ભારપૂર્વક પૂછ્યું.
" એવુ કાંઈ ખાસ નથી. પણ‌ જો‌ આવી શકુ તો આવી જા ડાયરેક્ટ પાંચ વાગ્યે! ચા - નાસ્તો કરીને જજે પછી. " શિવાલીએ‌ કહ્યું.

" લાગે છે એવું જ કરવું પડશે. તો મળીએ કાલે . બાય " કહી પ્રથમેશે ફોન મૂક્યો.

શિવાલી પણ‌ પોતાના કામમાં પરોવાયી ગયી અને સાંજ ક્યાં પડી ગઈ એની ખબર જ ના રહી. ઘરે પહોંચી . સૌમ્યા ની ડિમાન્ડ પ્રમાણે પાસ્તા બનાવ્યા. કિચન સાફ કર્યુ . આકાંક્ષાને મેસેજ કરી મહિલા દિવસ ની ઉજવણી વિશે વધુ વિગતે માહિતી લીધી. સૌમ્યાને ગુડનાઈટ કહી સૂઈ ગઈ.

વહેલી સવારે અલાર્મ વાગ્યું અને શિવાલી નિત્યક્રમ મુજબ તૈયાર થઈ ગઈ. એક વખત મોબાઈલ ચેક કર્યો. પ્રથમેશ નો‌ મેસેજ હતો. ' Got taxi. Coming to your house directly. Please make tea for me ' .

શિવાલી નાં ચહેરા પર સ્મિત આવી ને અટકી ગયું. ' પહેલા પણ આમ જ મેસેજ કરતો. ચા બનાવી રાખજે. લન્ચ ત્યાં કરીશ. ડિનર કરવા આવુ છુ. પણ ત્યારની વાત અલગ હતી. ત્યારે તો… ? ' એટલા માં બૅલ વાગ્યો. દરવાજા પર પ્રથમેશ હતો.

" આવ ! તારી જ રાહ‌ જોતી હતી. ચાલ તું ફ્રેશ થઈ જા. સાથે ચા પીએ . " કહી શિવાલી રસોડામાં ગઈ.
પ્રથમેશ ફ્રેશ થઈને આવી ગયો અને ત્યાં સુધીમાં શિવાલી ચા બનાવીને સાથે બિસ્કીટ લઈને આવી ગઈ હતી.
" વાહ ! આજે બહુ વખતે સવારમાં તારા હાથની ચા પીવાની મળી. સારું થયું તે સીધો અહીં જ બોલાવી લીધો. પણ વાત શું હતી ? " પ્રથમેશ ને મનમાં હજી એજ સવાલ ઘૂંટાતો હતો.

" પહેલા એ કહે ચા કેવી બની છે ?" શિવાલીએ ચાનો ઘૂંટ લેતા પૂછ્યું.
" અરે ! એકદમ મસ્ત. ! વહેલી સવાર ની જે નીંદર ખરાબ થઈને ; એ આ ચા એ સુધારી દીધી. સાચું કહું તો મને પહેલાનાં દિવસો યાદ આવી ગયા. જો‌ કોઈ મને પૂછે ને કે તને શું પાછું જોઈએ તો‌ મારો જવાબ એક જ હોય. કૉલેજનાં દિવસો ... ! પ્રથમેશ ચા પીતાં પીતાં જાણે‌ ભૂતકાળમાં ખોવાઈ ગયો.

" મને‌ પણ " શિવાલીનાં અવાજ‌માં ભીનાશ હતી.

પ્રથમેશને ખ્યાલ આવ્યો કે એણે અજાણપણે ખોટી વાત ઉખેડી દીધી. અને તેથી એણે વાત ફેરવવા શિવાલીને પૂછ્યું , " અરે ! પણ‌ તેં તો હજીસુધી મને કહ્યું જ નહીં કે‌ મને‌ અહીં કેમ‌ બોલાવ્યો છે ? "

" નીના આવી હતી ." શિવાલી એ કહ્યું.

" ઓહ ! મતલબ મારી ફરિયાદ નો પિટારો ખોલ્યો લાગે છે. નીનાએ ! " પ્રથમેશે હસી ને કહ્યું.
" એનો મતલબ એ કે તને પણ અંદાજો તો છે જ કે શું ફરિયાદ કરી હશે ! " શિવાલીએ પણ હસતાં હસતાં વળતો જવાબ આપ્યો.

" એની એ જ ફરિયાદ કે ટાઈમ નથી આપતો. બીજુ શું હોય ? " પ્રથમેશે કહ્યું.
" એના થી પણ વધારે ! એને એવુ લાગે છે કે તારા લગ્નબાહ્યેતર સંબંધ છે. " શિવાલી એ કહ્યું.
" એવું તો એને વર્ષોથી લાગે છે. શંકાશીલ સ્વભાવ આજનો નથી એનો " પ્રથમેશે કહ્યું.
" તારે કશું વાત કહેવુ હોય તો મને કહી શકુ છું . કોઈ એવી વાત જે તું નીનાને ના કહી શકતો હોય. " શિવાલી એ કહ્યું.

" સ્વીકારું છું કે થોડું અંતર આવી ગયુ છે અમારા વચ્ચે. પણ એ ઘણી વાર થોડું વધારે જ રિએકટ કરી દે છે. અને એ વાત મને નથી ગમતી. એને લાખ વિશ્વાસ અપાવ્યા બાદ પણ એ‌ હજી એજ ભ્રાંતિ પાળી ને બેઠી છે‌ તો‌ હું શું કરું? તુ જ કહે ? " પ્રથમેશે દિલ ની વાત કહેવા ની કોશિશ કરી.
" અંતર આવી ગયુ છે તો એને મિટાવી પણ શકાય છે. એક પ્રયત્ન તારા તરફથી કરી લે. મારુ એવુ માનવુ છે કે તમે કોઈ જગ્યાએ ફરવા જાવ . એકબીજા ની સાથે સમય વિતાવો . બાળકોને હું સંભાળી લઈશ એમની ચિંતા ના કરીશ. પણ વધારે ખેંચતાણ થાય એ પહેલાં આ સંબંધ ને સંવારી લો. " શિવાલી એ સમજાવતાં કહ્યું.

" હું તારી વાત સાથે સહમત છું. હું ચોક્કસ પ્રયત્ન કરીશ. પણ તું એકવખત નીના ને પણ સમજાવી જો. પછી એ સુધરી જશે એની શું ખાતરી ? " પ્રથમેશે કહ્યું.

" અરે ! પ્રથમેશ અંકલ તમે ?" કહી સૌમ્યા દોડી ને આવી અને પ્રથમેશ ને ભેટી પડી.
" મારી દીકરી ! કેમ છે બેટા !" કહી પ્રથમેશે પ્રેમ‌થી પૂછ્યું.
પ્રથમેશ સૌમ્યાને દિકરી જ માનતો. કદાચ પોતાના મિત્ર નું ઋણ ચૂકવતો. જયારે પણ સૌમ્યાને મળતો ભાવુક થઈ જતો.
" જો આ ચોકલેટ ખાસ તારા માટે લાવ્યો છું સિંગાપોર થી. " બૅગ માં થી ચૉકલેટ કાઢીને આપતા કહ્યું.
" અરે ! વાહ ! તમે હંમેશા યાદ રાખી ને કંઈક ને કંઈક લઈ આવો છો !" કહી સૌમ્યા એ ત્યારે ને ત્યારે જ ચૉકલેટ નું પેકેટ ‌ ખોલ્યું.
" હા ! એ તો લાવવું જ પડે ને !" પ્રથમેશે સૌમ્યાનાં માથા પર હાથ મૂકતાં કહ્યું.
" અરે ! આટલી સવારમાં ચૉકલેટ ?" શિવાલી એ કહ્યું.
" પૅકેટ પર ચૉકલેટ ખાવા નો ટાઈમ નથી લખ્યો, મમ્મા ! " કહી હસતાં હસતાં ચૉકલેટ ખાવા લાગી.
શિવાલી પણ ત્યારે વિરોધ ના દર્શાવતી જ્યારે પ્રથમેશ આગળ સૌમ્યા લાડ કરતી . જાણે અજાણે એક પિતા ની કમી પ્રથમેશ દ્ધારા પૂરી થતી હતી.

" સારું તો‌ હું નીકળું છું. મળીએ પછી. કાંઈ કામકાજ હોય તો‌ કહેજે. " કહી પ્રથમેશ બુટ પહેરવા લાગ્યો.

" નાસ્તો કરી ને જા!" શિવાલી એ કહ્યું.

"ના !ફરી કોઈ વાર ચોક્કસ.ડિનર માટે મળીએ આપણે બધાં. " પ્રથમેશે કહ્યું.

"સારું ! ચોક્કસ મળીએ ! " કહી શિવાલીએ સ્મિત આપ્યું.

" તને વાત કરવાની રહી ગઈ . તને યાદ છે આપણા કલાસ માં સોનાલિકા હતી ? એ મળી હતી. એનાં હસબન્ડને બ્લડ કૅન્સર હતું. થોડા મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો. પરંતુ આપણો એની સાથે કોઈ સંપર્ક નહોતો.તો ક્યાંથી ખબર પડે ? બહુ દુઃખી લાગતી હતી. પૈસૈટકે પણ વધારે તકલીફ હોય એવું એની વાતો પરથી લાગતું હતું. " પ્રથમેશે કહ્યું અને બૅગ રૉલ કરતાં કરતાં દરવાજો ખોલ્યો.

" બહુ ખરાબ થયું એની સાથે . આટલા વર્ષે મળી તો પણ આવી રીતે ! પછી એનો નંબર આપજે , હું પણ વાત કરીશ એની સાથે. ઓકે ! બાય ! ધ્યાન થી જજે. " કહી શિવાલી એ દરવાજો બંધ કર્યો અને સૌમ્યા નાં રુમ‌ તરફ જતી જ હતી કે જોયું સૌમ્યા રસોડામાં હતી.
" શું કરું છું ? " શિવાલી એ પૂછ્યું.
" કૉફી ! આજે રવિવાર છે. આપણે સાથે બેસી ને કૉફી પીએ છીએ ને !" સૌમ્યા એ મગ માં કૉફી કાઢતાં કહ્યું.
અને બન્ને એકબીજા સાથે વાતો કરતા કરતા કૉફી પીવા લાગ્યા. શિવાલી અને સૌમ્યા મા અને દિકરીનાં અટૂટ બંધનની મિશાલ હતા .પતિ ની કમી મહેસુસ થતી , સૌમ્યા નાની હતી ત્યારથી જ, પરંતુ સૌમ્યાનાં પ્રેમનાં કારણે જ શિવાલીને જીવનનું બળ મળતું. કેટલીયે સ્ત્રીઓને શિવાલી તરફથી જીવન માં પ્રેરણા મળતી અને શિવાલી ને સૌમ્યા તરફ થી !
આજ જ જીવન નું પરમ સત્ય છે. આપણાં જીવન ની સાર્થકતા આપણને સમજાય કે નહીં પરંતુ કેટલાય લોકો આપણા જીવનથી પ્રેરણા લઈને જીવતા હોય છે !!! જાણે અજાણે આપણે કોઈ ને કોઈ વ્યક્તિ ને જીવનમાં પ્રેરણા આપતા જ હોઈએ છીએ.

(ક્રમશઃ)