Dear Paankhar - 10 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ -૧૦

" કાલે નીકળીએ છીએ ઊંટી માટે ! સવારની પાંચ વાગ્યાની ફ્લાઈટ છે. મારા મમ્મી-પપ્પા થોડા દિવસ અહીં જ રહેશેે. તારા માટે શું લાવું ? કોઈ ખાસ ડિમાન્ડ ?" નીના એ શિવાલીનાં ખભે હાથ મૂકતાં પૂછ્યું.
" ત્યાં ચા અને મરી - મસાલા બહુ સરસ‌ મળે છે. પણ‌ મારા‌ માટે લાવવા ની કોઈ જ જરૂર નથી. બસ તમે જે ઉદ્દેશ્યથી જાવ છો. એ પૂરો થાય. તમારા વચ્ચેનો કલેહ કાવેરીમાં પધરાવીને જ આવજો . " કહી શિવાલી હસતાં હસતાં રસોડામાં પ્રવેશી.
" હું પણ એજ ઈચ્છું છું. શું બનાવું છું ડિનરમાં ? " નીના એ સિંગદાણાનો ડબ્બો ખોલીને ખાતાં ખાતાં પૂછ્યું.
" ફ્રેન્કી ! બાળકો માટે પણ પૅક કરી દઉં છું. " શિવાલીએ ફ્રેન્કી બનાવતા બનાવતા કહ્યું.
" બન્ને બહુ‌ ખુશ થઈ જશે.સાચુ કહુને તો એમને છોડીને જવાનું જરા પણ મન નથી . પરંતુ …. " કહી નીના અટકી ગઈ.
" પરંતુ.. તમારા વચ્ચેથી મતભેદ દૂર થઈ જાય તો એમના માટે જ સારું છે ને ! અને લાંબા ફાયદા માટે ટૂંકો ગેરફાયદો જવા દેવો પડે છે.
ખુશમાં રહેજે. આવો સમય વારે વારે નથી મળતો. બધી જૂની વાતો જે તને તકલીફ આપે છે, થોડા દિવસ બાજુમાં ‌મૂકી દેજે. અને જો તારી જિંદગી ફરી પહેલાં જેવી જ થઈ જશે. અને સમયાંતરે ફોન કરવા નું ના ભૂલીશ. " શિવાલી એ હસતાં હસતાં કહ્યું.

" જરુર ! તો‌ હું રજા લઉ. મળીએ જલ્દીથી ! " નીના એ કહ્યું.
" હા ! મળીએ ચોક્કસ ! આ બાળકો માટે પાર્સલ ! Happy journey ! Enjoy your fullest ! " શિવાલીએ શુભેચ્છા પાઠવતા કહ્યું.

સૌમ્યા રુમ માં થી બહાર આવી . " માસી " કહી દોડીને નીના ને ભેટી પડી. " મારી દીકરી !" તારા માટે ઊંટીથી શુ લાવુ, બેટા !" નીના એ સૌમ્યાને વ્હાલ કરતાં પૂછ્યું.
" ચોકલેટ્સ !" સૌમ્યા એ કહ્યું.
" હા ! અહીં તો‌ ચોકલેટ મળતી જ નથી ! નહીં !" શિવાલી એ કટાક્ષ માં કહ્યું.
" શિવાલી ! આ અમારી માસી - ભાણીની વાત છે. તું વચ્ચે નાં બોલ . " નીનાએ શિવાલીને રોકતાં કહ્યું.
" મોટું બોકસ લાવીશ ! તું મોજ કરજે . " નીનાએ સૌમ્યાને કહ્યું.
" હું નીકળું ! બાય ! થોડા નાસ્તાનું પેકિંગ બાકી છે હજી . " કહી નીના ત્યાં થી નીકળી.

*. . *. *

ગૌતમ અને ઝરણાં પૂનાથી મુંબઈ પરત થયાં. મુંબઈ આવ્યા પછી ઝરણાંને આકાશને મળવાનું મન હતું પરંતુ આકાશ તો પરિક્ષા ના કારણે રજા ઉપર હતો. ઝરણાં પાસે એનો ફોન નંબર પણ‌ નહોતો. ખુદ પર ગુસ્સો પણ આવ્યો કે એક નંબર લેવાની સુઝ ના પડી? અસમંજસમાં હતી, નંબર માગવો તો કોની પાસે? પ્રશ્ન તો પૂછાશે કેમ નંબર જોઈએ છે? તો શું જવાબ આપવો. એટલી હિંમત નહોતી કે સીધો એનો નંબર આકાંક્ષા પાસે માંગી શકે.

" આકાંક્ષા બહેન ! આકાશ ક્યાં રહે છે ?" ઝરણાં એ હિંમત કરી ને પૂછ્યું.
" કેમ તને આકાશનું શું કામ‌ પડ્યું ? " આકાંક્ષા એ પૂછ્યું.
" કંઈ ખાસ નહીં? આ તો પેલા પ્રોગ્રામ વખતે એ ઈકોનોમિક સબજેક્ટ માટે મદદ માંગતો હતો. પરંતુ અમારે તો પૂના જવાનું હતું. અને જલ્દી માં હું નંબર લેવાનું ભૂલી ગઈ. બીજુ કંઈ નહીં !" ઝરણાંએ ખચકાટ હોવા છતાં હિંમત કરી આકાંક્ષા સાથે વાત કરી .
આકાંક્ષાએ આકાશનો નંબર અને એડ્રેસ આપ્યું. ઝરણાં રિક્ષા કરી સીધી એના ઘરે પહોંચી ગઈ. બૅલ વગાડ્યો. આકાશે જ દરવાજો ખોલ્યો. ઝરણાં ને જોઈ ને એની આંખો પહોળી ની પહોળી જ રહી ગઈ. " અંદર આવું ?" ઝરણાં એ પૂછ્યું.
આકાશ દરવાજો પૂરો ખોલી, સાઈડ પર ખસી ગયો. પરંતુ એનુ ગળું તદ્દન સુકાઈ ગયું હતું. એક શબ્દ પણ‌ નહોતો નીકળી રહ્યો.
" તમારા ઘરમાં પાણી આપવાનો રિવાજ નથી ?" ઝરણાંએ આકાશને પૂછ્યું.
આકાશ રસોડામાં પાણી લેવા ગયો. ઝરણાંએ જોયું ફકત એક રુમ‌નુ ઘર હતું અને ઘરમાં કોઈ જ નહોતું. આકાશે આવીને ઝરણાંને પાણી આપ્યું. ઝરણાં પાણીનો ગ્લાસ લેતા પૂછ્યું , " ઘર માં કોઈ નથી?"
" ના ! મા બાપુ કામે ગયા છે. બહેન સ્કૂલ ગઈ છે. " આકાશનાં અવાજમાં થોડું કંપન હતું. સહેજ હિંમત એકઠી કરીને એણે ઝરણાંને પૂછી જ લીધું , " તમે અહીં કેમ આવ્યા છો? "
" તને મળવા. તમે કહેવાની જરૂર નથી. તું કહીને બોલાવીશ તો ગમશે. " ઝરણાં એ કહ્યું.
" તમે મારા થી મોટા છો ને ?" આકાશે કહ્યું.
" તો શું થયું ? મિત્રતામાં વળી ઉંમર ક્યાંથી વચ્ચે આવે ?" ઝરણાં એ હસીને કહ્યું.
" આપણા વચ્ચે મિત્રતા ?" આકાશે થોડા ગંભીર અવાજથી કહ્યું.
" કેમ ? ના થાય ?" ઝરણાં એ આશ્ચર્યથી પૂછ્યું.
" આ ઘર જૂઓ છો , એક રુમ‌નું ? મારા મા-બાપ મજુરી કરે છે ત્યારે સાજનું ટાણું થાય છે. અમને આવુ બધું ના પોષાય. ખોટા સ્વપ્ન જોઈ ને મારે દુઃખી નથી થવું , જયારે હકીકત આંખોની સામે હોય. " આકાશ એકીશ્વાસે બોલી ગયો.
" મેં તારા જેવો મૂર્ખ છોકરો મારી જિંદગીમાં નથી જોયો. સામેથી કોઈ છોકરી ફ્રેન્ડશીપ કરવા માગે છે અને તું ના પાડે છે ? નકારે છે ?" ઝરણાં ને ગુસ્સો આવી રહ્યો હતો.
" ના ! એટલી અમારી હેસિયત નથી . પરંતુ તમે‌ જુઓ છો ને મારી આર્થિક સ્થિતિ ? પછી પણ તમે મારી સાથે દોસ્તી કરવા‌ માગો છો ?" આકાશે સ્પષ્ટતા કરી.
" કયા જુનવાણી જમાનાનો છે તું ? હું જ પાગલ હતી કે તારામાં ઇન્ટરેસ્ટ આવ્યો. કેટલાંય છોકરાઓની ઑફર આવે છે ખબર છે ? " કહી ઝરણાં ઉઠી અને દરવાજા તરફ જવા લાગી.
" સોરી ! પ્લીઝ ખરાબ ના લગાડશો. જો શકય હોય તો માફ કરશો. " આકાશે કહ્યું.
ઝરણાં કશું પણ‌ બોલ્યા વગર ત્યાં થી ચાલી ગઈ ,આકાશની ઉપેક્ષાથી વિચલીત થઈ ને. આકાશ પણ જાણે સૂન થઈને બેસી ગયો . એક વાવાઝોડું જાણે આવીને ગયું. એટલામાં અટકાવેલો દરવાજો ખુલ્યો, જોયું તો ઝરણાં ત્યાં ઉભી હતી . ચહેરા પર અપમાન ભરી લાગણી દેખાઈ રહી હતી.
" મોબાઈલ રહી ગયો એ લેવા આવી છું.‌ " ઝરણાંના અવાજમાં હજી ગુસ્સા ની તરી દેખાઈ રહી હતી.
આકાશે મોબાઈલ લીધો અને ઝરણાંને આપવા એની નજીક ગયો. મોબાઈલ લેતા લેતા ઝરણાંનો હાથ આકાશને અડી ગયો. બન્નેનાં શરીરમાં કંપન અને ચહેરા પર લજ્જા છવાઈ ગઈ. એકબીજાની આંખોમાં જોતાં જ હોશ ખોઈ બેઠા અને એકબીજાને આલિંગનમાં જકડી લીધા.

(ક્રમશઃ )