Bhoyrano Bhed - 5 books and stories free download online pdf in Gujarati

ભોંયરાનો ભેદ - 5

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૫ : આલાને બદલે માલો !

દરિયાનાં પાણી અહીં ઠીકઠાક ઊંડાં હતાં. ઊંડાં પાણી હોય ત્યાં જ ધક્કો બંધાય છે, જેથી હોડીનું તળિયું ઘસાય નહિ. એટલે આ પાણીમાં જેને તરતાં આવડતું ન હોય તે ડૂબી જાય. ફાલ્ગુનીને તો બરાબર તરતાં આવડતું હતું, પણ મીના તરત જ ડૂબકાં ખાવા લાગી. એક તો શરીરે જરાક ભારે, અને તરતાં તો કદી શીખેલી નહિ. એણે આમતેમ હાથપગ વીંઝીને પાણી તો ઉડાડવા માંડ્યું. પણ એથી શું વળે ? એણે પાણી ગળતાં ગળતાં મરણચીસો પાડવા માંડી.

શીલા એકદમ તરતી તરતી એની નજીક પહોંચી ગઈ અને બૂમ પાડીને કહેવા લાગી, ‘મીના ! ગભરાઈશ નહિ, મીના ! આમ ઝાંવાં ન નાખ ! મારો ખભો પકડી લે ! ના, મારો હાથ નહિ, ખભો પકડ ! હાથ પકડીશ તો ઊલટાની હુંય ડૂબી મરીશ !’

એટલામાં ફાલ્ગુની પણ આવી પહોંચી. એણે મીનાનો એક હાથ બાવડેથી પકડી લીધો. બંનેએ મળીને તરફડિયાં મારતી મીનાને માંડ માંડ પાણીની ઉપર તરતી રાખી. મીના તો ભાન જ ગુમાવી બેઠી હતી. ઘણું બધું પાણી પી ગઈ હતી. થોડી જ વારમાં એ સાવ અવાચક બની ગઈ. એક રીતે એ ઠીક જ થયું. તરફડિયાં મારતા માણસ કરતાં બેહોશ માણસને પાણીની બહાર કાઢવાનું સહેલું પડે છે.

ફાલ્ગુની અને શીલાએ મળીને એને બહાર કાઢીને કાંઠા ઉપર સુવાડી. શીલાએ તેનું પેટ દાબી જોયું. શ્વાસ કેવો ચાલે છે એ તપાસ્યું. એનો ચહેરો નચિંત બની ગયો. એ બોલી, ‘ફાલ્ગુનીબેન ! ડરવા જેવું કશું નથી ! જરાક ડઘાઈ ગઈ છે એટલે બેસુધ બની ગઈ છે. હમણાં જાગશે.’

અને ખરેખર બેએક મિનિટમાં જ મીનાએ આંખો ઉઘાડી. પોતે સલામત છે એ જોયું. એ બેઠી થઈ ગઈ.

બરાબર એ જ વેળા કોઈનાં દોડતાં પગલાં એ બાજુ આવતાં સંભળાયાં. છોકરીઓએ જોયું. વિજય અને ટીકૂ દોડતા દોડતા આવી રહ્યા હતા.

નજીક આવીને હાંફતા હાંફતા વિજય બોલ્યો, ‘તમારી ચીસો છેક ખંડેર સુધી સંભળાતી હતી ! એટલે અમે કામ પડતું મૂકીને આવ્યા. શું થયું છે ? મીનાને શું થયું ? તમારા બધાંનાં કપડાં કેમ ભીનાં છે ?’

ફાલ્ગુનીએ અત્યાર સુધી જે બનેલું તેની ટૂંકમાં વાત કરી. છેલ્લે કહ્યું, ‘મને લાગે છે કે અમને આ હોડી તરફ આવતાં જોઈને કોઈએ જાણીબૂઝીને દાટો ઢીલો કરી રાખ્યો હતો. નહિતર બે છોકરીઓના ભારથી કાંઈ હોડીનો દાટો ખૂલી ન જાય. એ તો ઠીક, પણ બરાબર આ જ વખતે અહીં દરિયાકિનારે શીલા કેવી રીતે આવી પહોંચી એ પણ મને સમજાતું નથી ! બોલ શીલા, તું શી રીતે અહીં પહોંચી ગઈ ? તમારું ઘર તો અહીંથી ઘણું છેટું છે !’

શીલા થોડી ઘડી જાણે ડઘાઈ ગઈ હોય એમ અબોલ ઊભી રહી ગઈ. એની આંખોમાં કશીક વેદના તરવરતી લાગી. એનો ચહેરો સખત રીતે ખેંચાઈ ગયો. શું બોલવું ને શું નહિ, એની ઘડભાંગ એના મનમાં ચાલતી હોય એવું લાગ્યું.

આખરે એ ખૂબ જ ધીમે બોલી : મેં... મેં બીજલ અને સલીમને આ બાજુ આવતા દીઠા એટલે... એટલે હું પણ એમની પાછળ ચાલી આવી. છેલ્લા બે દિવસથી તમારો ને એમનો ભેટો થઈ જાય છે. એટલે મને લાગ્યું કે એ લોકો તમને... તમને કશુંક કરે...’

‘તું કહેવા શું માગે છે, શીલા ?’ ફાલ્ગુની બોલી ઊઠી.

‘હું અહીં આવી છું એ પણ જો મારા મામા જાણે તો...’

‘તો શું ?’

‘મને મારે.’

‘તને મારે ! શા માટે ?’

શીલા વળી ચૂપ થઈ ગઈ. ઊંડા વિચારમાં પડી ગઈ. ફાલ્ગુનીએ તેનું બાવડું પકડીને ઢંઢોળી. ‘બોલ શીલા ! ચૂપ કેમ થઈ ગઈ ? બીજલ અને સલીમ અમને કશુંક કરી નાખશે એવો ડર તને કેમ લાગ્યો ? તું અહીં આવી છે એવું જાણે તો તારા મામા તને મારે શા સારુ ? સાચી વાત કર !’

શીલાએ ઊંચી નજર કરી. ડરેલી ડરેલી હરણીની જેવી એ નજર હતી. એણે એ નજર ચારે ભાઈબેનો ઉપર વારાફરતી ફેરવી. એથી જાણે એને કશીક નવી હિંમત સાંપડતી લાગી. એના હોઠ મક્કમ બન્યા. હડપચી ઊંચી થઈ. એ બોલી : ‘વાત લાંબી છે. સાંભળો.’

અને શીલાએ પોતાની કહાણી શરૂ કરી :

શીલાનાં માતા-પિતા બાળપણમાં ગુજરી ગયાં હતાં. એને એક જ મોટો ભાઈ હતો. એનું નામ બકુલ. એ પણ કમાવા માટે શિક્ષકની નોકરી લઈને દુબઈ ગયો હતો. એકલી શીલાને એના મામા સોભાગચંદે આશરો આપ્યો હતો. સોભાગચંદ પણ એકલો હતો, કારણ કે મામી કશાક કારણસર એનું ઘર છોડીને જતી રહી હતી. મામી શાથી જતી રહી હતી એની શીલાને કદી ખબર પડી નહોતી, પણ ઘર સંભાળે અને રસોઈપાણી કરે એવા કોઈક માણસની સોભાગચંદને જરૂર હતી એટલે અનાથ શીલા એને ઘેર રહી ગઈ હતી.

સોભાગચંદ આયાત-નિકાસનો કે એવો કશોક ધંધો કરે છે એવો શીલાને ખ્યાલ હતો. પણ થોડાક મહિના અગાઉ મામાનો એક ભેદ અચાનક એના જાણવામાં આવી ગયો.

એક દહાડો એ રસોડામાંથી કશાક કામે બહારના ઓરડામાં આવી ત્યારે એના મામાના રૂમમાં કશીક વાતચીત ચાલતી સંભળાઈ. કોણ આવ્યું હશે એનું શીલાને કુતૂહલ થયું. એ બારણા નજીક ભીંતે લપાઈને વાતો સાંભળવા લાગી.

મામાની સામે બેઠેલા માણસો બીજા કોઈ નહિ પણ બીજલ અને સલીમ હતા અને સોભાગચંદ એમને કહેતો હતો : ‘સાંભળ, બીજલ ! નવો માલ કાલે ઊતરવાનો છે. એને લઈ જઈને આપણા છૂપા ઠેકાણે મૂકી આવવાનો છે. જરાય ગફલત ન કરતા, નહિતર સૌ જેલભેગા થઈ જઈશું.’

દાઢીવાળો બીજલ બોલ્યો, ‘તમે ચિંતા ન કરો, શેઠ. સવારના પહોરમાં અમે માછલી પકડવા જઈએ છીએ કે બીજા કશા કામે, એની કોઈને ખબર નથી ! દુબઈનો માલ અમે લાવીએ છીએ તેની તો કોઈને ગંધ સરખી પણ નથી.’

આવી વાતો સાંભળતાં જ શીલા ચોંકી ગઈ અને એક મોટો નિઃશ્વાસ એનાથી મુકાઈ ગયો. એ એની ભૂલ હતી. એને ખબર ન રહી કે ચોરને આંખો ચાર હોય છે અને કાન અઢાર ! એનો જરી સરખો નિઃશ્વાસ પણ અંદર બેઠેલા સોભાગચંદે સાંભળી લીધો અને એણે ઝપાટાભેર આવીને શીલાનું બાવડું પકડી લીધું. એની આંખોમાં એ વેળા અંગારા સળગતા હોય એવું શીલાને લાગ્યું. એ થથરી ગઈ.

સોભાગચંદ ભયંકર અવાજે બોલી ઊઠ્યો, ‘તો ભાણીબા હવે મામા ઉપર જાસૂસી કરવા લાગ્યાં, એમ ને ? અમારી બધી વાતો તેં સાંભળી છે ? દુબઈના માલની ને એવી બધી ?’

શીલાએ ગભરાટમાં ને ગભરાટમાં ડોકું હલાવીને હા પાડી.

સોભાગચંદ વરસાદી ગર્જના જેવા અવાજે બોલ્યો, ‘ખેર ! વાતો ભલે સાંભળી લીધી, પણ મોં કદી ખોલીશ નહિ. અને તું એમ ન માનતી કે પોલીસને કશું જણાવીશ તો હું એકલો જેલમાં જઈશ ! તારો ભાઈ પણ પકડાશે.’

‘ભાઈ ? બકુલભાઈ ? એ તો... એ તો દુબઈમાં શિક્ષક છે !’

‘શિક્ષકનું તો બહાનું છે, બાકી બધો માલ રવાના કરવાનું કામ જ એ કરે છે, સમજી ? દુબઈમાં એ મારો એજન્ટ છે. જો હું પકડાઈશ તો એય પકડાશે. માટે ચૂપ રહેજે અને હું કહું તેમ કરજે !’

એટલી વાત કરતાં કરતાં તો શીલાનો અવાજ ગળગળો થઈ ગયો.

સહેજ વાર અટકીને એ આગળ બોલી, ‘મામા કહે તેમ કર્યા વગર મારો છૂટકો જ નહોતો. મારા ભાઈની સલામતીને ખાતર પણ મારે અબોલ રહેવાનું હતું. પણ આજે પેલા દાણચોરો હદ બહાર ગયા. મીના મરી જાય એવું કારસ્તાન એમણે ગોઠવ્યું. ત્યારે મારાથી ચૂપ ન રહેવાયું. હું દોડી આવી !’

શીલાની વાત પૂરી થતાં સૌથી પહેલો ટીકૂ બોલ્યો, ‘મેં તમને નહોતું કીધું ? આ લોકો દાણચોરો જ નીકળ્યા ને !’

રેતીમાં પડેલી મીના બોલી : ‘આ નાલાયકોને એકદમ પોલીસને હવાલે કરી દેવા જોઈએ. નાનાં બાળકોનેય મારી નાખતાં જે ન અચકાય...’

‘તારી વાત સાચી છે, મીના.’ ફાલ્ગુની બોલી. ‘પણ કશી સાબિતી વગર પોલીસ આપણી વાત નહિ માને. એ લોકો આપણને છોકરાંમાં ગણી કાઢશે. હા, આપણે જો દાણચોરીનો થોડોક માલ પકડી પાડીએ તો કદાચ પોલીસ માને ખરી ! હું ધારું છું કે દાણચોરીનો માલ ઘરમાં જ હશે, શીલા !’

શીલાએ માથું ધુણાવ્યું. ‘ના. મેં ઘરનો એક એક ખૂણો જોઈતપાસી લીધો છે. હું ધારું છું કે આ લોકો માલ ઘેર નથી લાવતા. એ લોકો બધું આ ખાડીની આસપાસ કોઈક જગાએ છુપાવતા હોય એવી મને શંકા છે.’

વિજય કહે, ‘તારી વાત સાચી લાગે છે, શીલા ! ગઈ કાલે પરોઢિયામાં એ લોકોની હોડી અમારી ઉપર ધસી આવી ત્યારે એ લોકો ખાડીને સામે કાંઠેથી જ આવતા હતા.’

ફાલ્ગુની બોલી, ‘અરે ! આજની વાત અહીં જ પૂરી કરીએ. શીલા ! તું હવે ઘેર જા. જાણે કશું બન્યું જ ન હોય એવી રીતે વર્તન કરજે. તારા મામાને ખબર ન પડવી જોઈએ કે તેં બધી વાત અમને કહી દીધી છે. પણ હવે આંખ અને કાન બરાબર ખુલ્લાં રાખજે.’

શીલા ગઈ એટલે ચારે ભાઈબેન એકલાં પડ્યાં. મીના હવે બરાબર સ્વસ્થ થઈ ગઈ હતી. એ અને ટીકૂ રેતી અને ઝાડીમાં પકડદાવ રમવા લાગ્યાં. મોટાં ભાઈબહેન વિજય અને ફાલ્ગુની હજુ દાણચોરીવાળી વાતનો જ ગંભીર વિચાર કરી રહ્યાં હતાં.

એકાએક ફાલ્ગુનીને નવો વિચાર સૂઝ્યો. ‘વિજય, આ લોકો દાણચોરીનો માલ ક્યાં છુપાવે છે એ પહેલાં તો આપણે ખોળી કાઢવું જોઈએ. અને એને માટે ખાડી ઉપર આપણે વહેલી પરોઢે ચોકી માંડવી જોઈએ.’

‘વિચાર સારો છે.’ વિજયે ડોકું હલાવતાં હલાવતાં કહ્યું. ‘પણ એમાં જોખમ ઘણું છે. આપણે ખૂબ સાવધ રહેવું પડશે. જરાય ગફલત થઈ તો.. આ લોકો ઘણા ખૂંખાર લાગે છે. થોડીકેય દયા નહિ રાખે.’

***

એ પછીની સવારે ચારે ભાઈબેન પરોઢના ચાર વાગ્યામાં જાગી ગયાં. સખત ઠંડી હતી. શીતળ પવન ફૂંકાતો હતો. છતાં ગરમ કપડાં ઠસાવીને ચારે જણે સોમજીની ખાડી તરફ ચાલવા માંડ્યું. કાકાને એમણે હજુ કશી વાત કરી નહોતી. એમને ડર હતો કે કશાય આધાર વગરની વાત કહીશું તો કાકા કદાચ હસી કાઢશે. કદાચ આ તરખડમાં નહિ પડવાનો હુકમ પણ કરી દેશે.

અને આ તરખડમાં પડવાનો તો હવે ચારે જણે પાક્કો નિર્ણય કરી નાખ્યો હતો. બીજા કશાને ખાતર નહિ તો શીલાને ખાતર !

બે દિવસ અગાઉ જ્યાં બીજલ અને સલીમનો ભેટો થઈ ગયો હતો એ જગાની નજીક તેઓ પહોંચી ગયાં. ફાલ્ગુનીએ કહ્યું, ‘મીના, તું અને વિજયભાઈ આ છોડવાઓના ઝુંડ પાછળ છુપાઈ બેસો. હું અને ટીકૂ પાણીકાંઠાની નજીક ઊભાં રહીએ છીએ. આપણા ટીકૂ મહારાજની આંખો ઘણી સારી છે ને, એટલે દાણચોરોને બહુ જલદી જોઈ શકશે. એ લોકોની હોડી દેખાય એટલે અમે તમને ઇશારત કરીશું. પછી હોડી ક્યાં જાય છે એ આપણે સાથે મળીને તપાસીશું.’

ફાલ્ગુનીની ગોઠવણ મુજબ, વિજય અને મીના એક ઝુંડ પાછળ લપાઈ ગયાં. ફાલ્ગુની અને ટીકૂ પાણીની નજીક જઈને ઊભા રહ્યાં. ચારે બાજુ અંધારું છવાયેલું હતું. એમાં વળી શિયાળાની પરોઢનો ઝાકળ હવામાં ફેલાયેલો હતો. બધું સાવ ધૂંધળું ધૂંધળું લાગતું હતું.

આવી રીતે એમણે લાંબો સમય ઊભાં રહેવું ન પડ્યું. ફાલ્ગુનીએ મશ્કરીમાં કહ્યું હતું એ જ સાચું પડ્યું. એક હોડીને પાણી ઉપર તરતી તરતી એ લોકોની તરફ આવતી પહેલીવહેલી ટીકૂએ જ દીઠી. એ ધીમે અવાજે બોલી ઊઠ્યો, ‘બેન ! જુઓ, હોડી !’

ટીકૂએ ચીંધેલી દિશામાં ફાલ્ગુનીએ જોયું. ખરેખર એક હોડીનો ધૂંધળો આકાર એ લોકોની તરફ સરકી આવતો દેખાતો હતો. અને એની અંદર બેઠેલા બે માણસોના આછા ઓળા પણ કળાતા હતા.

ફાલ્ગુની કહે, ‘ચાલ, જલદી ! વિજયભાઈ અને મીના પાસે પહોંચી જઈએ.’

બંને જણાં દોડ્યાં. પણ ઉતાવળ અને અંધારામાં એમને દિશાનો બરાબર ખ્યાલ ન રહ્યો. ટીકૂ જ્યાં એક ઝુંડ કૂદીને એની પેલી પાર પડવા ગયો ત્યાં જ ત્યાં પેટભર પડેલા કોઈ માણસની સાથે એનો પગ અથડાયો. એ ઊંઘી કાંધે ગબડી પડ્યો. અને એ કશું સમજે કારવે એ પહેલાં તો પેલા માણસે સ્ફૂર્તિથી ઊભા થઈને એના બંને હાથ પકડી લીધા.

‘ઓય મા ! કોણ છે ? કોણ છે ?’ ટીકૂ બૂમ પાડી ઊઠ્યો.

‘શું થયું ?’ થોડેક દૂર કૂદી ગયેલી ફાલ્ગુનીએ પૂછ્યું.

‘બેન ! બચાવો ! બચાવો ! આ લોકોએ મને પકડી લીધો છે !’ ટીકૂએ વળી ચીસ પાડી.

પેલો માણસ એકદમ ધીમા અવાજે બોલ્યો, ‘છોકરા ! બૂમાબૂમ ન કર ! સાંભળ ! હું...આ...હ...!’

એ માણસની વાત પૂરી થાય તે પહેલાં જ ફાલ્ગુનીએ પાછળથી આવીને એનો ડાબો હાથ મરડી નાખ્યો. બંને હાથે એ હાથને ફાલ્ગુનીએ જકડી લીધો. એ બોલી, ‘ટીકૂ ! જલદી કર ! જમણા હાથે વળગી જા ! જોજે છટકે નહિ !’

આ ધમાચકડી આંખના પલકારામાં મચી ગઈ. એટલી વારમાં પેલી હોડી પણ કાંઠા નજીક આવી પહોંચી હતી. બીજલ એની આગળ ઊભો રહીને નજરો ખેંચી ખેંચીને જોઈ રહ્યો હતો. એ બોલી ઊઠ્યો, ‘સલીમ ! આ ટાબરિયાંઓએ કોઈ જુવાન આદમીને પકડ્યો લાગે છે. જરા નજીક લાવ... હજુ નજીક... હા, આ તો જાણીતો આદમી લાગે છે... ઓ દ્વારકાધીશ ! આ તો એ જ છે ! એ જ છે !

(ક્રમશ.)