Ghuvad ni paankh books and stories free download online pdf in Gujarati

ઘુવડની પાંખ

એક સાવ નિર્જન ગામ હતું. એવું ગામ કે તેની ઉપરથી ન કાગડા ઉડે ન બતક ઉડે, ન કાબર કે ચકલી. મસમોટું જંગલ પણ જંગલમાં તો કોઈ જાનવર જ નહીં. જે પણ એ ગામમાંથી પસાર થાય તે ત્યાંથી જીવતો બહાર ન નીકળે. પવનનાં સૂસવાટા વાયા રાખે અને એક ભયંકર અવાજ આવ્યા રાખે. સાંભળો તો બીકના માર્યા થથરી જાઓ.

એક દિવસ આ ગામમાંથી દિસપુરના રાજા માનસિંહ પસાર થયા. તેમની સાથે તેમનો કાફલો હતો. કાફલો પણ કંઈ નાનો નહીં, મોટો બધો. કાફલામાં વચ્ચે સમ્રાટ, આગળ સૈનિકો, પાછળ સૈનિકો અને રાજાની સાથે તેનો સેનાપતિ. રાજાના સૈનિકો તો બહુ બળીયા. ગમે એવા રાક્ષસને મારીને કાપી નાખે. રાજાને પરાક્રમ બતાવવાનો તો વારો જ ન આવવા દે. હવે જેના સૈનિકો આવા હોય તેનો રાજા કેવો હોય ? સૈનિકો પણ કેવા ?

સૈનિકો પણ મુછો મરડતા
આજુબાજુ જોતા
ધબધબ કરતા
ધરતી હલબલાવતા
શૂરાતન બતાવતા

રાજાને તો આ અપશુકનિયાળ ગામની કંઈ ખબર નહોતી. તે તો તેની સેના સાથે ગામની નજીક આવેલા જંગલમાં શિકાર કરવા જઈ રહ્યો હતો.

રાજાનું તો પાછળ ધ્યાન જ નહીં. એટલામાં સૈનિકો પાછળથી ગાયબ થવા લાગ્યા. રાજાની પાછળથી પંદર સૈનિકો ગાયબ. થોડીવાર થઈ તો રાજાની આગળ ચાલતા સૈનિકો પણ ગાયબ થઈ ગયા. રાજાને તો આ જોઈ અચરજ થયું. તેણે સેનાપતિ સાથે વાત કરવા મોં ફેરવ્યું તો સેનાપતિ પણ નહીં અને ઘોડો પણ નહીં. રાજા તો મૂંઝાઈ ગયા, પણ ડર્યા નહીં. ડરે ક્યાંથી ? આ તો ચક્રવર્તી સમ્રાટ હતા.

રાજાને થયું કે હવે મારે એકલાને જ આગળ વધવું પડશે. પાછળ જોયું તો માર્ગ ભટકી ગયા હતા. રાજાએ બુમ પાડી, જેથી કોઈ આજુબાજુ હોય તો તેની વાત સાંભળે. પણ આ તો નિર્જન વગડો. આજુબાજુ કોઈ વાત સાંભળનારું જ નહોતું. રાજા મૂંઝાયા અને ચાલવા લાગ્યા.

ચાલતા હતા ત્યાં રસ્તામાં તેમને અવાજ સંભળાયો. કોઈના પગ સૂકા પાંદડા પર પછાડાય અને ખડખડ અવાજ આવે તેવો અવાજ. રાજાએ તલવાર કાઢી. અડધી તલવાર નીકળી હશે ત્યાં એક વૃદ્ધ ડોશો આવી ચડ્યો. લાંબી સફેદ એની દાઢી હતી. વાળ પણ લાંબા. સફેદ કલરનાં તેણે કપડાં પહેર્યા હતા. અદ્દલ જાદુગર જેવો લાગતો હતો. અને હાથમાં લાકડી પકડીને રાખી હતી. રાજાએ વૃદ્ધને જોઈ તલવાર મ્યાનમાં ખોંસી દીધી. તેણે વૃદ્ધને કહ્યું, ‘હું દિસપુરનો રાજા માનસિંહ છું. મારા સૈનિકો સાથે શિકારની શોધમાં નીકળ્યો હતો, પણ સૈનિકો એકાએક ગાયબ થઈ ગયા.’

ડોસાએ ખોંખારો ખાતા કહ્યું, ‘રાજા હું પણ તારી જેમ ભૂલો જ પડી ગયો હતો. પણ હું બચી ગયો.’

રાજાને કંઈ સમજાયું નહીં એટલે તેણે ફરી પૂછ્યું.

ડોસાએ આખી વાત કહી, ‘આ ગામ પહેલા આવું નહોતું. અહીંયા પણ ઘણાં જાનવરો હતા. ગામના લોકો સુખેથી રહેતા હતા, પણ એક દિવસ એક ઘુવડની પાંખ કપાઈ ગઈ.’

રાજા પણ વિચારવા લાગ્યો કે ઘુવડની પાંખ કપાઈ એમાં આવું....

‘હા, ઘુવડની પાંખ. એ ઘુવડ હિમાલયમાંથી આવ્યું હતું. તેને શ્રાપ હતો કે જે તેની પાંખ કાપશે અને તે જે વિસ્તારમાં પડશે, એ જગ્યા કાયમ માટે સૂમસામ બની જશે. ત્યાંથી જે કોઈ નીકળશે એ ગાયબ થઈ જશે. પછી તે મનુષ્ય હોય કે જાનવર.’

‘તો આનો કંઈ ઉપાય ?’

‘ઉપાય છે ઘુવડની પાંખ તેને જઈ પાછી આપી દેવી. એ ઘુવડ એક પાંખે ઉડી નથી શકતું. એટલે નજીકના જ અંબર પર્વતની ગુફામાં ભરાઈને બેઠું છે. જો તેને તેની પાંખ મળી જાય, તો આ ગામ અને તારા સૈનિકો પણ તને પાછા મળી જશે. પણ આ માટે તારે ઘુવડને પાંખ આપી અહીં લાવવું પડશે.’

રાજા તો ખુશ ખુશ થતા બોલ્યો, ‘તો ક્યાં છે એ ઘુવડની પાંખ?’

‘મારી પાસે છે !!’

‘તો તમે કેમ અત્યાર સુધી પર્વત પર ન ગયા ?’ રાજા ડોસા પર ખીજાયો.

ડોસાએ હળવેકથી જવાબ આપ્યો, ‘હું હવે યુવાન નથી રહ્યો. એ પર્વત પર ત્રણ આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પર્વત પાસે તું અડધે પહોંચીશ એટલે તને એક પત્થર ઉખાણું પૂછશે, જો તું જવાબ ન આપી શક્યો, તો તું પાછો આ જંગલમાં આવી પહોંચીશ. તેની આગળ જઈશ એટલે રાક્ષસ સાથે તારે લડવું પડશે. જો તું ભાગ્યો કે હારી ગયો, તો તું ફરી અહીંયા આવી પહોંચીશ. એમ ત્રીજી કસોટીમાં તારે ઉડતા ઘોડાને કાબુમાં કરવો પડશે. જો તે ઉડતા ઘોડાને કાબુમાં કરી લીધો તો તું તે ઘોડાની મદદથી ઘુવડ પાસે પહોંચી શકીશ અને બચી જઈશ, પણ હા, ઘુવડ તને ભોળવશે. તું તેની કોઈ વાત માનતો નહીં અને બસ મારી પાસે જ લાવજે. એટલે તારા સૈનિકો તને પાછા મળી જશે અને આ ગામ હતું એવું ને એવું થઈ જશે.’

ડોસાની વાત માની રાજા અંબર પર્વત પર નીકળ્યો. ચાલતા ચાલતા પગ દુખવા લાગ્યા. પણ આ તો ચક્રવર્તી રાજા. ચાલ્યો જાય છે, ચાલ્યો જાય છે, ચાલ્યો જાય છે. એમ કરતાં ઉનાળામાંથી ચોમાસું બેઠું. ચોમાસામાંથી શિયાળો આવી ગયો. રાજા તો કડકડતી ઠંડીમાં ચાલ્યો જ જાય છે.

ત્યાં દૂર તેની નજર પડી પર્વત પર. ઉંચો ઉંચો પર્વત. રાજાને થયું આ જ તો છે અંબર પર્વત. એ તો જોશમાં આવી ગયો. પર્વત પર ચડતા તેને મળ્યાં મીઠા મીઠા સફરજન. તેણે પેટ ભરીને ખાઈ લીધું અને ચાલવા લાગ્યો. ચઢાણ થોડું કપરું હતું. પણ આ તો ચક્રવર્તી રાજા. ચાલતો જાય... ચાલતો જાય... એટલામાં એક પત્થર આડો આવ્યો. અને મૂર્તિ બની ગયો.

રાજાને ખબર પડી ગઈ કે આ ઉખાણું પૂછશે. રાજા સતર્ક થઈ ગયો.

મૂર્તિએ તેને પૂછ્યું, ‘બોલ રાજા દુનિયામાં કઈ વસ્તુ અમર છે ?’

રાજા તો મૂંઝાઈ ગયો. તેને ખબર નહોતી કે આટલું બધું મુશ્કેલ ઉખાણું આવી જશે. તેણે વિચાર્યું અને કહ્યું, ‘પ્રેમ.’ મૂર્તિ તુરંત તેના રસ્તામાંથી હટી ગઈ. રાજા ચાલવા લાગ્યો. આમ અડધે પહોંચ્યો હશે ત્યાં એક રાક્ષસ આવી ગયો.

વિકરાળ રાક્ષસ. લાંબી લાંબી મુછ અને એનાથી લાંબા દાંત. મોટું પેટ, કાળો કાળો. રાજા તેનાથી ડર્યો નહીં. તે તો સામે ગયો અને પકડી લીધો રાક્ષસને. રાક્ષસ પણ ખૂબ તાકતવર હતો. એણે રાજાની પકડ છોડાવી અને બંન્ને લડવા લાગ્યા. ખૂબ લડ્યા પછી રાજાએ રાક્ષસને ઉઠાવી ખીણમાં ફેંકી દીધો. રાજા જીતી ગયો.

રાજા આગળ ચાલવા લાગ્યો. થોડું ચાલ્યો હશે કે તેની નજર એક સફેદ કલરનાં ઘોડા પર પડી. ઘોડાને લાંબી પાંખો હતી. માથામાં વચ્ચે શિંગડુ હતું. ઘોડા જેવું દેખાતું એ જાનવર યુનિકોર્ન હતું. રાજા નજીક આવ્યો અને યુનિકોર્ન ભડક્યો. પણ રાજાના હાથ અડાવતા જ યુનિકોર્નની આંખો મોટી થઈ ગઈ. તેને રાજા પર વિશ્વાસ બેસી ગયો. તેણે રાજાની કમરમાં મોં મારી તેને ઉંચો કરી પોતાની પીઠ પર બેસાડી લીધો. વાયુવેગે ઘોડો ઉડ્યો અને પહોંચ્યો અંબર પર્વતની એક ગુફા પાસે. રાજા યુનિકોર્ન પરથી નીચે ઉતરી ગયો. ગુફામાં પ્રવેશ્યો. તેની કમરમાં ઘુવડની એક પાંખ લટકતી હતી. ગુફાની અંદર પ્રવેશતા જ ઘુવડની પાંખ ચમકવા લાગી. રાજાને એ જોઈ ભારે અચરજ થયું. ત્યાં ગુફાની અંદરથી ઘુવડ પણ બહાર નીકળ્યું. તેની બીજી પાંખ પણ ચમકતી હતી.

ઘુવડ રાજાને જોઈ બોલ્યું, ‘હે રાજાધિરાજ…’ ઘુવડ બોલતું હતું, ‘તું પેલા ડોસાનાં કહ્યાં પર આવ્યો છે ને ?’

રાજાને થયું કે ઘુવડને કેમ ખબર પડી ? તેણે હા પાડી.

ઘુવડે બોલવાનું શરૂ કર્યું, ‘રાજા એ લુચ્ચો છે. એને માત્ર મારી પાંખ નહીં, પણ હું જોતો છું. જો હું તેને મળી જાઉં તો તે અમર બની જાય. તેનું શરીર ડોસામાંથી યુવાન બની જાય. જેમ તેણે તારી સેનાને ગાયબ કરી તેમ તને પણ એ ગાયબ કરી દે. એ ગામનાં ઉજ્જડ થવા પાછળ મારો કોઈ હાથ નથી.’

રાજા તો વિચારમાં ડૂબી ગયો. માનવું તો કોનું માનવું ? ડોસાનું કે ઘુવડનું ? આખરે તેણે વિવેકબુદ્ધિ વાપરી અને ઘુવડની વાત માની લીધી, તેને પાંખ સોંપી દીધી. પાંખ શરીરમાં લાગતા જ ઘુવડ ચમકવા લાગ્યું. તેના માથા પર મુગટ આવી ગયો. જાણે કોઈ રાજા હોય. અંબર પર્વત પણ ડગમગવા લાગ્યો. રાજા દોડીને બહાર ઉભેલા યુનિકોર્ન પર બેસી ગયો. યુનિકોર્ન ઉડવા લાગ્યો. રાજાએ જોયું તો રાજા સાથે ઘુવડ પણ ઉડી રહ્યું હતું.

થોડીવારમાં તો એ જંગલમાં પહોંચી ગયા. ઘુવડ રાજાની પીઠ પર આવી બેઠું. ડોસો તુરંત સામે આવી ગયો. એણે રાજા પાસેથી ઘુવડ માગ્યું. ઘુવડે રાજાના કાનમાં ધીમેથી કહ્યું, ‘તેની લાકડી ભાંગી નાખ.’

ડોસો નજીક આવ્યો ત્યાં રાજાએ તેની લાકડી લઈ ભાંગી નાખી, હવે ડોસો પણ ગાયબ થવા લાગ્યો. રાડો પાડવા લાગ્યો. ડોસો ગાયબ થતા જ ઘુવડે પોતાનો ચમત્કાર બતાવ્યો અને ગામ હતું એવું ને એવું કરી દીધું. રાજાને પણ તેના સેનાપતિ અને સૈનિકો મળી ગયા. ઘુવડ ઉડી ફરી અંબર પર્વત પર બેસી ગયું.

લખ્યાં તારીખ 20-2-2019
મયૂર ખાવડુ