Samarpan - 14 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 14

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાને આવેલા એ મેસેજ કરનાર વ્યક્તિની પ્રોફાઈલ દિશા જુએ છે. તેનું અસલ નામ અને બીજી કોઈ જાણવાજોગ માહિતી તેને મળતી નથી, બસ તેની પ્રોફાઇલમાં લખેલું "એકાંત"નામ દિશા જાણી શકે છે. દિશાના સાસુ સસરા લંડનથી આવવાના સમાચાર મળતા જ દિશા તેમની સાથે સમય પસાર કરી શકાય એ માટે ખરીદી કરવામાં લાગી જાય છે. દિશાને તેના સાસુ સસરા સગા માતા-પિતાની જેમ વહાલા હતા, તે જેટલી તેની મમ્મી સાથે ભળી નહોતી શકતી તેટલી તેની સાસુ સાથે નિખાલસ થઈ શકતી. તેમના ખોળામાં માથું ઢાળી રડી પણ શકતી, રીતેષના અવસાન બાદ એ બંને જ એકબીજાનો પૂરક સહારો બન્યા હતા. ખરીદીમાં વ્યસ્ત હોવાના કારણે દિશાએ ''અભિવ્યક્તિ'' જોવાનું અને પોસ્ટ કરવાનું ટાળ્યું હતું, પરંતુ થોડા દિવસ બાદ ''અભિવ્યક્તિ'' ખોલતા જ ''એકાંત''ના એક-બે દિવસના અંતરે આવેલા ચાર મેસેજ હતા. મેસેજ વાંચતા જ દિશા અંદરથી જ હચમચી ઉઠી પરંતુ પોતાની જાત ઉપર કાબુ મેળવતા દિશા અંગત મેસેજ ના કરવાનું જણાવી દે છે. દિશાના સાસુ સસરા પણ લંડનથી આવી જાય છે, રીતેષની યાદમાં દિશા અને તેના સાસુની આંખો પણ ઉભરાઈ આવે છે પરંતુ તેના સસરા તેમને એ ઘટનામાંથી બહાર લાવે છે. દિશાના સાસુ-સસરા આવતા ઘરમાં ચહેલ-પહેલ શરૂ થાય છે, ઘર પણ ભર્યું ભર્યું લાગે છે. દિશાના સાસુ-સસરા રુચિની લગ્નની વાત આરંભે છે ત્યારે દિશા અને રુચિ એકબીજા તરફ જોઈ રહેતા તેના સાસુ-સસરાને થોડી શંકા જાય છે. દિશા નિખિલ વિશેની બધી વાત જણાવે છે અને તેના સસરા નિખલને ઘરે બોલાવવાનું કહે છે. રુચિ કોલેજમાં નિખિલને ઘરે થયેલી બધી જ વાત જણાવે છે, નિખિલ પણ ખુશ થાય છે, તો રુચિ પણ તેને ચીડવાવાનો મોકો છોડતી નથી, રુચિ તેના દાદા-દાદીને મળવાની થોડી ટિપ્સ આપે છે. હવે જોઈએ આગળના ભાગમાં શું થાય છે !!!!

સમર્પણ - 14


નિખિલ રુચિના ઘરે પહોંચ્યો. રુચિ જાણી-જોઈને દરવાજો ખોલવા ઉભી ના થઇ. એટલે વિજયાબેને દરવાજો ખોલ્યો.
નિખિલ : ''તમે રુચિના બા, right ? I'm Nikhil'' ( કહેતાં જ હળવું hug કરી લીધું.)
વિજયાબેન ચમક્યા અને રુચિ અને વિનોદભાઈ સામે વારા-ફરતી જોઈ લીધું. રુચિ સોફાના એક ખૂણે જ બેઠી રહી. વિનોદભાઈ સામે બાજુના કાઉચ ઉપર બેઠાં હતાં, નિખિલના આવતાં જ એ ઉભા થયા, નિખિલે આવીને એમને પણ હળવું hug કરી લીધું.
નિખિલ : (હાથ લંબાવતાં) ''Hi, I'm Nikhil. Ruchi's friend''
Hug પછીની આ હરકતને લીધે વિનોદભાઈએ હાથ લંબાવ્યો નહીં, રુચિ સામે પ્રશ્નાર્થ નજરે જોતાં નિખિલને બેસવા માટે ઈશારો કર્યો.
નિખિલે પણ થોડું અચકાઈને રુચિ સામે આંખથી પોતાની ભૂલ બતાવા ઈશારો કર્યો પણ રુચિએ ચહેરો ફેરવી લીધો, એટલે નિખિલ વધુ મૂંઝાયો. ત્યાંજ દિશા રસોડામાંથી બહાર આવી એટલે નિખિલે ઉભા થઇ એને પગે લાગ્યું. દિશાએ માથે હાથ મૂકી ફરી બેસી જવા માટે જણાવ્યું. વિનોદભાઈ અને વિજયાબેન આ બધું ચૂપચાપ જોઈ રહ્યાં હતાં, રુચિ મનોમન મલકાઈ રહી હતી.
વિનોદભાઈ : ''હા, તો તમે નિખિલ, બરાબરને? શુ કરો છો હાલ ?
નિખિલ : ''I'm studend, and want to join our family business after that.''
વિનોદભાઈ : ''તમારા પપ્પા શુ કરે છે ? શું નામ છે એમનું ?
નિખિલ : ''Avdhesh Shah is my father, and he is owner of ''Shah & Shah co. ''
રુચિએ ટ્રે માંથી પાણીનો ગ્લાસ પહેલા નિખિલને અને પછી વારાફરતી બધાને આપ્યા. અને પરાણે હસવું રોકીને દિશાની બાજુમાં જઈને બેઠી.
વિનોદભાઈ : (નિખિલને) ''તમને ગુજરાતી નથી આવડતું ? ઘરમાં પણ અંગ્રેજીમાં વાત કરો છો ? ''
નિખિલે એકદમ રુચિ સામે જોયું, અને વગર કારણે પસીનો છૂટી રહ્યો હતો.
નિખિલ : ''I m pure gujrati... Sir.. but you don't prefer gujarati, so I thought......''
વિનોદભાઈ : ''અરે ભાઈ, અમે તો લંડનમાં પણ ગુજરાતી જ બોલીએ છે.''
હવે નિખિલે ગુસ્સામાં રુચિ સામે જોયું. રુચિ ઉભી થઈને ટ્રે માં પાણીના ગ્લાસ ભેગા કરીને રસોડા તરફ જતી રહી. પરંતુ એના કાન નિખિલ બાજુ જ હતા. નિખિલને થોડી વાત સમજાઈ ગઈ, કે રુચિ જાણી જોઈને આ બધું કરી રહી છે. એટલે હવે થોડા આત્મવિશ્વાસ સાથે એણે ગુજરાતીમાં વાત ચાલુ કરી.
નિખિલ : ''મને રુચિએ અંગ્રેજીમાં વાત કરવાનું કહ્યું હતું.''
રુચિ, દરેક વખતે નિખિલ તરફથી આવતા અચાનક વળતા પ્રહારથી સફાળી ચમકી. દિશા, વિજયાબેન અને વનોદભાઈ હસી પડ્યા.
વિજયાબેન : ''એ છે જ એવી નટખટ, પણ ભાઈ તમને એટલી તો એની ઓળખાણ હોવી જોઇતી'તી.''
નિખિલ : ''હા પણ બા, મને એમ કે એ આવી વાતમાં તો મજાક ના કરે, અને એ પણ ઘરના વડીલો સામે..''
દિશા સાસુ-સસરાની આમન્યામાં હમણાં નહીં બોલવામાં જ સારું છે એમ સમજી રહી હતી. રુચિ થોડી વાર રસોડામાંથી બહાર જ ના આવી.
વિનોદભાઈ : ''હા.. તો તમે કંઈક કહો તમારા ફેમિલી વિશે..''
નિખિલ : ''પપ્પા અવધેશભાઈ શાહ, શાહ એન્ડ શાહ કંપનીમાં પાર્ટનર છે. મમ્મી જયાબેન, હાઉસવાઈફ છે. મારે કોઈ સગા ભાઈ-બહેન નથી.''

વિનોદભાઈ : ''સરસ, શાહ એન્ડ શાહ કંપની એટલે ભાવેશભાઈ શાહની છે એજ ને ? એક સમયે અમે બહુ સારા મિત્ર હતા. મારા બાપુજીના નિધન પછી કામમાં વ્યસ્ત રહેવાને લીધે સમયના અભાવે touch માં રહી શક્યા નહી. એમના વિશે દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા હતા.
નિખિલ : ''ભાવેશભાઈ શાહ મારા દાદા થાય, તેઓ હમણાં ચાર વર્ષ પહેલાં જ ધામે સિધાવ્યા છે. મને તમારી મિત્રતાની જાણ છે.''
વિનોદભાઈ : ''અરે, ખરેખર ? શું ભાવેશ મને યાદ કરતો હતો ? હું તો સાચે જ એને ભૂલી જ ગયો હતો, પણ મિત્રતા જોરદાર હતી અમારી. પાંચ-છ વર્ષ અમે સાથે હતાં. બહુ મજા હતી.'' (વિનોદભાઈ પોતાના જુના મિત્રતાની વાતો યાદ આવતાં જ ખુલી ગયા હતા. ફરી પોતાની મિટિંગનો મુદ્દો યાદ આવતાં જ...)
હા.. તો બેટા, શું વિચાર છે આગળ હવે ?
નિખિલ : ''હજુ તો કોલેજમાં છું, પછી પપ્પા સાથે જ ઓફીસ જોઈન કરીશ.''
વિનોદભાઈ : ''એમ નહીં, રુચિ સાથેના સંબંધમાં શું વિચાર્યું છે ? જો, બેટા, એટલા નેરો માઇન્ડેડ નથી અમે કે તમારી ટૂંકી મુલાકાતમાં આ વિષય પર આવી જઈએ, પરંતુ કંઈક જાણવાની ઈચ્છા થઈ એટલે તમને બોલાવવા પડયા.''
નિખિલ : (થોડો ગભરાયો) એટલે ?
વિનોદભાઈ : ''રુચિએ તમારા ઘરની મુલાકાતની વાત કરી હતી. એ થોડું અજુગતું લાગ્યું હતું. હવે જાતે ને જાતે એના કારણો ધારી લેવા એના કરતાં તમને બોલાવી ને સીધું જ પૂછી લેવું ઠીક લાગ્યું.''
નિખિલ : ''દાદા, વાત એમ છે કે હું રુચિને પસંદ કરું છું. અને એ પણ મને.... એટલે મેં ઘરે મારી મમ્મીને વાત કરી હતી એ બહુ ફ્રેન્ડલી છે મારી સાથે એટલે... તો એમણે પપ્પાને વાત કરી. તો એમણે તપાસ કરાવી હતી. ( પોતાના જ સંબંધની વાત પોતેજ કરવી પડતી હોવાથી નિખિલને થોડો ખચકાટ થઈ રહ્યો હતો. અને એમ પણ આ વિષય અને આ પરિસ્થિતિ એના માટે નવી જ હતી.)
વિનોદભાઈ : ''શેની તપાસ.''
નિખિલ : ''એટલે પપ્પાએ પૂછયું હતું કે હું રુચિ માટે શું વિચારું છું એમ. તો મેં....'' (આગળ બોલતા ગભરામણ વધી રહી હતી. રુચિ પણ રસોડામાંથી ડોકિયું કરીને પરિસ્થિતિનો અણસાર મેળવી રહી હતી. દિશા અને વિજયાબેન પણ વાતચીતના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા.)
વિનોદભાઈ : ''બેટા, ગભરાઓ છો શુ કામ ? જે પણ વાત હોય, તમે ખુલીને કહી શકો છો.''
નિખિલ : ''એટલે મેં રુચિ સાથે marriage નું...''(હવે નિખિલને સરખી રીતે બેસી રહેવામાં પણ અનુકૂળ લાગી રહ્યું નહોતું. પણ વિનોદભાઈ એની આ વર્તણૂકને સમજી રહ્યા હતા. અને બીજા ત્રણ જણની આંખો એ બંને જણને વારાફરતી નિહાળી રહી હતી.
વિનોદભાઈ : ''રુચિ બેટા... પાણી લાવજો... (નિખિલ તરફ હાથ ચીંધીને) ભાઈ, આરામથી બેસો, લગ્ન વિશે વાત થઈ રહી છે હું જાણું છું, તો ગભરાવાની જરૂર નથી તમારે. '' (રુચિ ફરી પાણીના બે ગ્લાસ ભરેલી ટ્રે ત્રિપોઈ ઉપર મૂકીને ફરી પાછી રસોડામાં સરકી ગઈ.
વિનોદભાઈએ પાણી માટે ઈશારો કર્યો એટલે નિખિલે ગ્લાસમાંથી બે ઘૂંટડા પાણી પીધું.
નિખિલ : ''મેં કીધું કે મને એ બહુ ગમે છે અને મારે લગન કરવા છે.'' (શ્વાસ ભેગો કરીને એક સામટું બોલી નાખ્યું. અને વિનોદભાઈ સામે એકીટશે જોઈ રહ્યો.)
વિનોદભાઈ પણ કોઈ રિએક્શન આપ્યા વગર એની સામું જોઈ રહ્યા પછી સહેજ મલકાઈને વિજયાબેન સામે જોયુ.
વિનોદભાઈ : ''પછી ?''
નિખિલને હવે માથેથી પસીનો નીકળી રહ્યો હતો. જેને લુછવા માટે એ ધ્રુજતા હાથે વારે ઘડીએ પ્રયત્ન કરી રહ્યો હતો.
રુચિ ને તો એની આ હાલત જોઈને મજા પડી રહી હતી. દિશા પણ આ છોકરાને આમ જવાબો આપતા અને ગભરાતા જોઈ હસવું આવી રહ્યું હતું.
નિખિલ : ''પછી એમણે તપાસ કરાવી, તો મારા દાદા સાથેની તમારી ઓળખાણ નીકળી એટલે એને ઘરે બોલાવી હતી.''
વિનોદભાઈ : '' પણ બેટા તમને એમ ના લાગ્યું કે તમારે વડીલ સાથે વાત કરાવવી જોઈતી'તી ? છોકરીને આમ સીધે-સીધું બોલાવવું યોગ્ય છે ? ''
નિખિલ હવે કાઈ બોલી શકવાની હાલતમાં નહોતો. એ વારે ઘડીએ થુંક ગળે ઉતારી રહ્યો હતો.
વિનોદભાઈ : ''ચાલ્યા કરે બેટા અમે કાંઈ નેરો માઇન્ડેડ નથી, આ તો પૂછવા જોગ લાગ્યું એટલે પૂછી લીધું, બાકી ભાવેશના ઘરમાં મારી દીકરી જતી હોય તો એના થી રૂડું શુ ? ''
નિખિલ : ''એટલે'' (હવે એ મલકાયો એની આંખની ચમક પણ પાછી આવી ગઈ.)''
વિનોદભાઈ : ''એટલે એમ કે અમે વડીલો એકબીજાને મળીને વાત કરીશું, અને ભગવાન ની દયા હશે તો બધું સમુ-સુતરું પાર પડી જશે. ( થોડી વાર બધાની સામું જોઇ લીધું અને બધાએ આંખોથી આ વાતમાં સહમતી દર્શાવી. ) ચાલો, રુચિ બેટા આઈસ્ક્રીમ લાવજો નિખિલભાઈ માટે...
રુચિને અત્યારે હવામાં ઉડી રહ્યાની અનુભૂતિ થઇ રહી હતી. દિશા પણ જૂની ઓળખાણ વાળું ઘર મળ્યું હોવાથી મનોમન ભગવાનને પ્રાર્થી રહી કે આગળ પણ બધું સારું જ થાય.

વધુ આવતા અંકે...