Pishachini - 8 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 8

(8)

જિગરે દરવાજો ખોલ્યો ને સામે ઊભેલી વ્યકિતને જોતાં તે ચોંકી ઊઠયો હતો. ‘તે.., તે જે જોઈ રહ્યો હતો એ શું હકીકત હતી ? ! શું આ શક્ય હતું ? !’

અને આવા વિચાર સાથે જિગર એ વ્યક્તિને જોઈ રહ્યો.

-એ વ્યક્તિ એ બીજું કોઈ નહિ, પણ માહીના પિતા દેવરાજશેઠ હતા !

‘જિગર !’ દેવરાજશેઠે કહ્યું : ‘મને અંદર આવવાનું નહિ કહે ? !’

‘હેં, હા ! આવો ને !’ જિગરે કહ્યું અને બાજુ પર હટયો.

જિગર માહીને જીવજાનથી ચાહતો હતો, પણ તે ગરીબ હતો એ કારણે આ દેવરાજશેઠે તેને એક ખતરનાક ગુંડા પાસે મારી નાંખવાની ધમકી અપાવીને તેને માહીથી દૂર કર્યો હતો. અને આજે એજ દેવરાજશેઠ સામેથી ચાલી આવીને તેના ઘરના દરવાજે ઊભા હતા, અને એટલે જ તે ચોંકી ઊઠયો હતો.

‘....ફલેટ સરસ છે.’ દેવરાજશેઠે ડ્રોઇંગરૂમમાં નજર ફેરવતાં-સોફા પર બેસતાં કહ્યું.

‘હું તમારા માટે પાણી લઈ આવું.’ કહેતાં જિગર રસોડા તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ દેવરાજશેઠે તેને રોકયો : ‘ના, બેસ. હું ઉતાવળમાં છું. મારે તારી સાથે થોડીક વાત કરવી છે.’

જિગર દેવરાજશેઠની સામેના સોફા પર બેઠો. દેવરાજશેઠ કેમ આવ્યા હતા, એનો કોઈ અંદાજ હજુ સુધી તેને આવ્યો નહોતો.

‘જિગર !’ દેવરાજશેઠ સીધું જ બોલી ગયા : ‘હું તારી માફી માંગવા આવ્યો છું !’

‘માફી...?’

‘હા !’ દેવરાજશેઠ બોલ્યા : ‘મને હવે ખ્યાલ આવ્યો કે, મારે તારી સાથે એટલી ખરાબ રીતના વર્તવાની જરૂર નહોતી. તું ગરીબ હતો અને હું રૂપિયાના ઢગલામાં ઊછરેલી મારી દીકરીને તારી સાથે પરણાવવા માંગતો નહોતો, એ વાત સાચી, પણ...’ દેવરાજશેઠના અવાજમાં પસ્તાવો હતો : ‘..મારે તને સમજાવીને-ફોલસલાવીને

માહીથી દૂર કરવાની જરૂર હતી. તને કોઈ ગુંડા પાસે ધાક-ધમકી અપાવીને માહીથી દૂર કરવાની જરૂર નહોતી.’

જિગર ચુપચાપ સાંભળી રહ્યો.

‘જોકે, હવે મને સમજાયું છે કે, મારે તને માહીથી દૂર કરવાની જ જરૂર નહોતી.’ કહેતાં દેવરાજશેઠ જિગર સામે જોઈ રહ્યા.

જિગર પણ ચુપચાપ તેમને જોઈ રહ્યો.

‘તું કંઈ બોલતો કેમ નથી ? !’ દેવરાજશેઠે પૂછયું.

‘શું બોલું ? !’ જિગરે કહ્યું.

દેવરાજશેઠ થોડીક વાર ચુપ રહ્યા, પછી બોલ્યા : ‘હું કબૂલું છું કે, મેં માહીથી તને દૂર કરીને મોટી ભૂલ કરી છે, અને હવે હું એ ભૂલ સુધારવા માંગું છું.’ અને દેવરાજશેઠે હળવેકથી કહ્યું : ‘હું માહીને તારી સાથે પરણાવવા માંગું છું, શું તું એને સ્વીકારીશ ? !’

જિગરને પોતાના કાન પર વિશ્વાસ બેઠો નહિ. તેે શું સાંભળી રહ્યો હતો ? !

‘હું તને બે હાથ જોડીને...’ અને દેવરાજશેઠ હાથ જોડવા ગયા, ત્યાં જ જિગરે એમને રોકી લીધા : ‘ના-ના, મને શરમમાં ન મૂકો. તમે મારા વડીલ છો. તમારે આમ મને હાથ જોડવાની કે, મારી માફી માંગવાની જરૂર નથી.’

‘તો...’ દેવરાજશેઠનો અવાજ ગળગળો થઈ ગયો : ‘તું મારી માહીને પરણવા તૈયાર છે ને ?’

‘હા !’ જિગર બોલ્યો : ‘હું માહીને પરણીને મારી જાતને ખૂબ જ નસીબદાર માનીશ.’

દેવરાજશેઠની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. ‘હું વહેલી તકે તમારા લગ્ન કરી દેવા માંગું છું.’ દેવરાજશેઠ બોલ્યા : ‘તમને કયારે ફાવશે ? !’

જિગરે માર્ક કર્યું. તેણે માહીને પરણવાની હા પાડી એ સાથે જ દેવરાજશેઠે તેને જમાઈ તરીકેનું માન આપવા માંડયું હતું, તેને ‘તું’ પરથી ‘તમે’ કહીને બોલાવવા માંડયો હતો.

‘શેઠ !’ જિગર બોલ્યો : ‘તમને ખબર જ છે, આ દુનિયામાં મારું કોઈ જ નથી. જે કોઈ છે એ તમે જ છો ! તમે નકકી કરશો એ દિવસે હું માહી સાથે લગ્ન કરી લઈશ.’

‘તો...!’ દેવરાજશેઠ બોલી ઊઠયા : ‘તમને વીસ દિવસ પછી ફાવશે ?’

‘તમે જેમ કહો એમ !’ જિગરે કહ્યું, અને

દેવરાજશેઠની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. જિગર ઊભો થયો અને દેવરાજશેઠના પગે લાગ્યો. દેવરાજશેઠે તેના માથે આશીર્વાદનો હાથ મૂકયો. ‘તમે અને માહી હંમેશાં-હંમેશાં સુખી રહો !’

જિગર સીધો થયો. ‘હવે હું તમારા માટે ચા-નાસ્તો લઈ આવું.’ કહેતાં જિગર રસોડા તરફ સરકયો.

હવે દેવરાજશેઠે તેને રોકયો નહિ.

થોડીક વારમાં જિગરે દેવરાજશેઠને ચા-નાસ્તો પીરસ્યો. દેવરાજશેઠે અહીં-તહીંની વાતો કરતાં દિલથી નાસ્તો કર્યો અને પછી જવા માટે ઊભા થયા. ‘હું નીકળું છું.’ કહીને દેવરાજશેઠે પૂછયું : ‘તમારી પાસે માહીનો મોબાઈલ નંબર છે ?’

‘ના !’ જિગરે જુઠ્ઠાણું ચલાવ્યું.

‘એનો નંબર તમારા મોબાઈલમાં સેવ કરી લો.’ દેવરાજશેઠે કહ્યું અને માહીનો મોબાઈલ નંબર બોલ્યા, એટલે જિગરે એ નંબર મોબાઈલમાં સેવ કરી લીધો.

‘હું તમારી ફરી એકવાર માફી...’ દેવરાજશેઠ આગળ બોલવા ગયા, ત્યાં જ જિગરે એમને બોલતા રોકયા : ‘ના, શેઠ ! તમારે માફી માગવાની જરૂર નથી.’

દેવરાજશેઠે જિગરના ખભે હાથ મૂકયો. ‘હવે તમે મને શેઠ કહીને ન બોલાવો.’ દેવરાજશેઠે કહ્યું : ‘તમે મને પપ્પાજી કહીને બોલાવશો તો મને વધુ ગમશે.’

‘જી, પપ્પાજી !’ જિગર બોલ્યો, એટલે દેવરાજશેઠની આંખોમાં આંસુ આવી ગયાં. એેમણે જિગરને છાતી સરસો ચાંપ્યો અને પછી તેના માથે વહાલભર્યો હાથ ફેરવીને બહાર નીકળી ગયા.

દેવરાજશેઠ લિફટમાં રવાના થયા, એટલે જિગરે દરવાજો બંધ કર્યો.

જિગરને નાચી ઊઠવાનું મન થયું. તેની કલ્પના બહારનું કામ થઈ ગયું હતું. જે દેવરાજશેઠ માહી સાથે સંબંધ રાખવા બદલ તેને મારી નાંખવા તૈયાર થયા હતા, એ જ દેવરાજશેઠ આજે સામે ચાલીને તેની સાથે માહીને પરણાવવા આવ્યા હતા !

‘જિગર !’ જિગરના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો આનંદભર્યો અવાજ સંભળાયો : ‘તને ઊછળી-કૂદીને નાચવાનું મન થાય છે ને ? !’

‘હા !’ જિગરે સોફા પર બેસતાં કહ્યું : ‘ખરેખર ચમત્કાર થઈ ગયો.’

‘હા, પણ આ ચમત્કાર કર્યો કોણે ?’ શીનાનો અવાજ સંભળાયો : ‘મેં તને પૈસાદાર થવામાં મદદ કરી, એટલે જ આજે સામે ચાલીને દેવરાજશેઠ માહીનો હાથ તને સોંપવા આવ્યા ને !’

‘હા, તારી વાત સાચી છે.’ જિગરે કબૂલ્યું : ‘હું તારો આભાર માનું એટલો ઓછો છે, શીના !’

અને શીનાનો હસવાનો અવાજ સંભળાયો : ‘ચાલ, હવે તું તારી માહી સાથેના લગ્નના વિચારોમાં પડ, હું થોડીકવાર બહાર જઈ આવું છું.’ અને આ સાથે જ જિગરનું માથું હળવું થઈ ગયું. તે સમજી ગયો, શીના તેના માથા પરથી ચાલી ગઈ હતી.

જિગરે સોફા પર લંબાવ્યું. તેણે આંખો મિંચી અને માહી સાથેના લગ્નજીવનના સોનેરી વિચારોમાં સર્યો.

દૃ દૃ દૃ

રાતના સવા બાર વાગ્યા હતા. જિગર મુંબઈ-પુના હાઈવે પર આવેલી ‘પ્લેઝર કલબ’માં બેઠો હતો. તે દસ વાગ્યે અહીં આવ્યો હતો. તેણે અહીં જ રાતનું ખાણું ખાધું હતું અને અત્યારે સૉફટ ડ્રીન્ક પીતાં-પીતાં માહી સાથેના લગ્નજીવનની ખુશીભરી પળો વિશે વિચારી રહ્યો હતો.

તેના માહી સાથેના લગ્નને ફકત ચાર દિવસ બાકી રહ્યા હતા. જિગરે તેના લગ્નની ખાસ કોઈ તૈયારી કરવાની નહોતી. સૂટ-બૂટ વગેરે જેવી જરૂરી વસ્તુઓ તેણે લઈ લીધી હતી. તેનું કોઈ સગું-વહાલું હતું નહિ, તેણે કોઈને લગ્નનું નિમંત્રણ પાઠવવાનું નહોતું એટલે તેણે વેડિંગ કાર્ડ છપાવ્યા નહોતા. તેણે પોતાની ફેકટરીના સ્ટાફને મોઢામોઢ પોતાના લગ્નનું આમંત્રણ આપી દીધું હતું. તે બિલકુલ ફ્રી જ હતો અને એટલે જ આજે તે હાલવે પરની આ કલબમાં આવ્યો હતો.

સૉફટ ડ્રીન્ક પૂરું કરીને તેણે ઘડિયાળમાં જોયું. રાતના સાડા બાર વાગ્યા હતા. તે ઘરે જવા માટે ઊભો થયો.

તે કલબની બહાર નીકળ્યો. તે કારમાં બેઠો. તેણે કારને હાઈવે પર લીધી અને ઘર તરફ હંકારી.

તે ગીત ગણગણવા લાગ્યો. તે ખુશ હતો, ખૂબ જ ખુશ હતો. અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર સવાર થઈ એ પછી તે શીનાની મદદથી ટૂંક સમયમાં જ લખપતિ બની ગયો હતો અને હવે ચાર દિવસ પછી જ તેના લગ્ન તેની પ્રાણપ્યારી પ્રેમિકા માહી સાથે થઈ જવાના હતા. શીનાના આવવાથી તેની જિંદગીએ કલ્પનામાં ન આવે-માનવામાં ન આવે એવો વળાંક લીધો હતો.

તેણે જમણી બાજુના વળાંક પર કાર વળાવી અને આગળ વધારી, ત્યાં જ તેને થોડેક આગળ એક યુવતી લિફટ માટે હાથ બતાવતી ઊભેલી દેખાઈ.

જિગર એ યુવતીને લિફટ આપવી કે નહિ ? એ કંઈ નકકી કરે, ત્યાં જ તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર ! તું કાર ઊભી રાખ. આ યુવતીને કારની અંદર લે અને એને મારી નાંખ. મારે એનું લોહી પીવું છે.’

‘ના !’ જિગર બોલી ઊઠયો : ‘હું..., હું આવું નહિ કરું. ચાર..., ચાર દિવસ પછી તો માહી સાથે મારા લગ્ન છે, અને અત્યારે તું મને આને મારી નાંખવાનું કહી રહી છે ?’

‘તારે આને ખતમ કરવી જ પડશે !’ શીનાનો અવાજ સંભળાયો અને આની સાથે જ કાર એકદમથી જ ધીમી પડી અને એક-બે આંચકા ખાઈને ઊભી રહી ગઈ.

જિગરે જોયું તો કાર એ યુવતીથી થોડાંક પગલાં પહેલાં ઊભી રહી ગઈ હતી. શીનાએ જ આ રીતના તેની કાર ઊભી રાખી દીધી હતી એ વાતમાં કોઈ શંકા નહોતી.

એક નિશ્વાસ નાંખતાં જિગર તેની કાર તરફ ધીમા પગલે આવી રહેલી એ યુવતીને જોઈ રહ્યો.

‘જિગર !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘મારે લોહી પીધા વગર ચાલે એમ નથી. મેં તને બે મહિનાથી કયાં કોઈ શિકાર કરવાનું કામ સોંપ્યું છે ? !’

‘...પણ....’

‘જિગર !’ શીનાનો રોષભર્યો અવાજ સંભળાયો : ‘તારા માટે હવે પણ અને બણ કરવાનો કોઈ સવાલ જ નથી. તેં મુંબઈ આવતી ટ્રેનમાં પેલા યુવાનને ધકકો મારવાની ના પાડી એ પછી મેં શું કરેલું એ તને યાદ છે ને ! અને હવે તારે વારે ઘડીએ હા-ના કરવાની જરૂર નથી. ટૂંકમાં મારે જીવતા રહેવા માટે માણસના લોહીની જરૂર પડે છે અને તારે જીવતા રહેવા માટે, મારા માટે શિકારની વ્યવસ્થા કરતા રહેવાનું છે, બસ !’ અને શીનાની આ વાત પૂરી થઈ, ત્યાં તો એ યુવતી જિગરની ડાબી બાજુની બારી પાસે આવીને ઊભી રહી. એ યુવતીએ વાંકી વળીને બારીમાંથી અંદર નજર નાંખતાં જિગરને કહ્યું : ‘...મારે મુંબઈ પહોંચવું છે, મને લિફટ આપશો, પ્લીઝ !’

જિગરથી વળી એક બળબળતો નિશ્વાસ નંખાઈ ગયો. તેણે જીવવું હોય તો શીનાની વાત માન્યા વિના છુટકો નહોતો, તેણે આ યુવતીને કારની અંદર લઈને, એને ખતમ કર્યા વિના ચાલે એમ નહોતું.

જિગરે મન-મગજના બારી બારણાં બંધ કર્યા. તેણે મનને મજબૂત કર્યું. તેણે હાથ લંબાવીને દરવાજાનું લૉક ખોલ્યું અને દરવાજાને ધકેલીને ખોલ્યો.

‘થૅન્કયૂ...!’ કહેતાં એ યુવતી જિગરની બાજુની સીટ પર બેઠી. યુવતીએ કારનો દરવાજો બંધ કર્યો. એણેે પોતાના લાંબા રેશમી વાળમાં હાથ ફેરવ્યો અને

નશીલી આંખે જિગર તરફ જાયું, અને બસ એ જ પળે જિગર એ યુવતી પર ત્રાટકયો. જિગરે પોતાના મજબૂત હાથોમાં એ યુવતીની ગરદન દબોચી લીધી અને જોશભેર ગરદન ભીંસવા માંડી.

અચાનક થયેલા આ હુમલાથી ડઘાયેલી યુવતીએ પોતાની જાતને જિગરના મજબૂત હાથોમાંથી છોડાવવા માટેના ધમપછાડા શરૂ કર્યા, પણ જિગરના જોર સામે એ કંઈ જ કરી શકી નહિ. એનો શ્વાસ રૂંધાવા માંડયો અને થોડીક પળોમાં જ એનો શ્વાસ બંધ થઈ ગયો. એનો જીવ નીકળી ગયો.

જિગરે એ યુવતીની ગરદન છોડી દીધી. તેના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો. તે થરથર કાંપી રહ્યો હતો.

‘જિગર !’ જિગરના માથે સવાર અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘આની લાશને કારની બહાર કાઢીને ઝાડીઓમાં ફેંકી દે.’

જિગરે એક ઊંડો શ્વાસ લીધો. તે કારની બહાર નીકળ્યો. તેણે આગળ-પાછળની સડક પર નજર દોડાવી. કોઈ વાહન આ તરફ આવતું દેખાતું નહોતું.

જિગર ઝડપી પગલે યુવતીની લાશ તરફના કારના દરવાજા પાસે પહોંચ્યો. તેણે કારનો દરવાજો ખોલ્યો અને યુવતીની લાશને ખભા પર ઉઠાવીને બાજુની ઝાડીઓની અંદરની તરફ દાખલ થઈ ગયો.

તે થોડાંક પગલાં ચાલ્યો, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર ! આને અહીં મૂકી દે.’

જિગરે લાશને ઝાડીઓથી ઘેરાયેલી, ધૂળ-પથ્થરવાળી એ જગ્યા પર મૂકી દીધી.

‘બસ, હવે તું જા. હું આનું લોહી પી ને પછી આવું છું.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જિગરનું માથું હલકું થઈ ગયું.

શીના જિગરના માથા પરથી ઊતરી ચૂકી હતી.

જિગર ઝડપી પગલે ઝાડીઓમાંથી બહાર નીકળ્યો અને કારમાં બેઠો. કંપતા હાથે તેણે કારનું ઍન્જિન ચાલુ કર્યું ને એક આંચકા સાથે કારને ઘર તરફ દોડાવી મૂકી.

દૃ દૃ દૃ

જિગર ઘરે પહોંચ્યો, ત્યારે રાતના બે વાગવા આવ્યા હતા. જિગરનું મન બેચેની અનુભવી રહ્યું હતું. તેની નજર સામે તેણે ખતમ કરેલી યુવતીનો ચહેરો તરવરી રહ્યો હતો.

તે સોફા પર ફસડાયો. તેણે શીનાના કહેવાથી, દિલ્હીથી મુંબઈ આવતાં રસ્તામાં, ચાલુ ટ્રેનમાંથી પેલા યુવાનને ફેંકી દીધો હતો એ વખતે તેને જે દુઃખ થયું હતું, એનાથી આજે તેણે એ યુવતીને ખતમ કરી ત્યારે થોડું ઓછું દુઃખ થયું હતું, પણ દુઃખ તો જરૂર થયું હતું. તે હત્યારો નહોતો, પણ તેણે શીનાના કહેવા પ્રમાણેની વ્યક્તિને ખતમ કર્યા વિના છુટકો નહોતો. તેણે જો જીવવું હોય તો શીનાના કહેવા પ્રમાણેની વ્યક્તિનો જીવ લીધા વિના છુટકો નહોતો.

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! !

અચાનક જ જિગરના કાનના પડદા સાથે ડૉરબેલનો અવાજ અફળાયો અને તે સોફા પરથી સફાળો ઊભો થઈ ગયો. ‘અત્યારે અડધી રાતના તે વળી કોણ આવ્યું હશે ? !’

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! !

ફરી ડૉરબેલ વાગી ઊઠી.

જિગર મેઈન દરવાજા નજીક પહોંચ્યો. તેણે ‘આઈ’માંથી બહાર નજર નાંખી.

-બહાર કોઈ અજાણ્યો આદમી ઊભો હતો.

‘કોણ છે ? !’ જિગરે પૂછયું.

‘....એક મિનિટ દરવાજો ખોલો !’

‘હા, પણ તમે કોણ છો ? !’ જિગરે ફરી સવાલ કર્યો.

‘...કહું છું, પણ પહેલાં તમે દરવાજો ખોલો !’ બહારથી એ અજાણ્યા આદમીનો અવાજ સંભળાયો.

જિગરે સ્ટોપર ખોલી અને સહેજ દરવાજો ખોલીને બહાર ઉભેલા માણસને પૂછયું : ‘બોલો.., શું હતું ?’

‘...કહું છું, પણ પહેલાં મને અંદર તો આવવા...’

‘...તમારે જે કંઈ કહેવું હોય એ બહાર ઊભા-ઊભા જ કહી નાંખો..,’ જિગર બોલ્યો : ‘...હું તમને ઓળખતો નથી.’

‘હા, પણ હું તમને બરાબર ઓળખું છું ને !’ એ અજાણ્યો માણસ બોલ્યો.

‘તમે..., તમે મને ઓળખો છો ? !’ જિગરે નવાઈ સાથે પૂછયું.

‘હા ! હું તમને ઓળખું છું..,’ એ માણસ બોલ્યો : ‘...હું તમને એક ખૂની તરીકે ઓળખું છું ! એ ખૂબસૂરત યુવતીના ખૂની તરીકે, જેની લાશ હજુ પણ મુંબઈ-પૂના હાઈવે પરની એ જગ્યા પર પડી છે, જે જગ્યા પર તમે એને થોડીક વાર પહેલાં જ છોડીને આવ્યા છો !’

અને આ સાંભળતાં જ જિગરને લાગ્યું કે, તે હમણાં જ બેહોશ થઈને જમીન પર ઢળી પડશે !

( વધુ આવતા અંકે )