Pishachini - 9 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 9

(9)

‘‘હું તને એક ખૂની તરીકે ઓળખું છું ! એ ખૂબસૂરત યુવતીના ખૂની તરીકે, જેની લાશ હજુ પણ મુંબઈ-પૂના હાઈવે પરની એ જગ્યા પર પડી છે, જે જગ્યા પર તું એને થોડીક વાર પહેલાં જ છોડીને આવ્યો છે !’’ એ અજાણ્યા માણસે કહ્યું, એટલે જિગરને લાગ્યું કે, તે હમણાં બેહોશ થઈને જમીન પર ઢળી પડશે. અને એટલે તેણે દરવાજાનો ટેકો લીધો.

‘મને પહેલાં તો થયું કે, હું સીધો જ પોલીસ ચોકીએ પહોંચી જાઉં અને પોલીસ સામે તારું કારસ્તાન બયાન કરી દઉં. પણ પછી મને થયું કે, એ પહેલાં મારે તારી સાથે વાત કરવી જોઈએ.’

જિગર એ માણસને તાકી રહ્યો. ‘અણધારી આવી ચઢેલી આ આફતનો હિંમતભેર સામનો કરવો પડશે.’ વિચારતાં જિગરે એક ઊંડો શ્વાસ લીધો. ‘અંદર આવીને વાત કર.’ કહેતાં જિગર બાજુ પર હટયો.

અજાણ્યો માણસ પોતાના જાડા-ભદ્દા હોઠને મરકાવતો અંદર દાખલ થયો.

જિગરે દરવાજો બંધ કર્યો અને અંદરની તરફ ફર્યો.

અજાણ્યો માણસ સોફા પર બેઠો.

જિગર એ માણસને જોતો સોફા તરફ આગળ વધ્યો. એ માણસ કાળો-જાડો અને ઠીંગણો હતો. એના ગોળ ચહેરા પરના વાળ નાના અને ઘુઘરાળા હતા. એણે કાળું પેન્ટ અને પીળું ટી-શર્ટ પહેર્યું હતું. ટી-શર્ટ પર ‘જીવો અને મરવા દો !’ પ્રિન્ટ થયેલું હતું. એ માણસ દેખાવ અને વેશ-પહેરવેશ પરથી શયતાનનો સાથી લાગતો હતો.

જિગર એની સામે સોફા પર બેઠો, ત્યાં જ જિગરના માથા પરથી જાણે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને એ સાથે જ તેના માથા પર અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. બીજી જ પળે તેનું માથું ભારે થઈ ગયું. તે સમજી ગયો. અદૃશ્ય શક્તિ શીના આવી ગઈ હતી. ‘જો, શીના ! તારે કારણે અત્યારે હું કેવી મોટી મુસીબતમાં મુકાઈ ગયો છું.’ જિગરના મનમાં શબ્દો ગૂંજી ઊઠયા, પણ તે બોલ્યો નહિ. ‘શીના સાથે પછી વાત,

પહેલાં આ આફતના પડીકા સાથે વાત કરી લઉં.’ વિચારતાં જિગરે અજાણ્યા માણસને પૂછયું : ‘તો એ વખતે તું ત્યાં શું કરતો હતો ? !’

‘હું અડધી રાતના હાઈવે પર જોગિંગ કરવા નીકળ્યો હતો.’ એ માણસ હસ્યો અને પછી એકદમથી ગંભીર થઈ ગયો : ‘હું ત્યાં શું કરતો હતો, એનાથી તને કોઈ ફરક પડતો નથી. તને ફરક એ વાતથી પડે છે કે, ત્યાં હું તને એક યુવતીનું ખૂન કરતાં જોઈ ગયો છું.’

જિગર એ માણસને તાકી રહ્યો. એ માણસ મનમાં શું મુરાદ લઈને આવ્યો હતો ? એ સાંભળી રહ્યો.

‘દોસ્ત !’ એ માણસ હોઠના ખૂણે મલકતાં બોલ્યો : ‘હવે તારે એ નકકી કરવાનું છે કે, હું પોલીસ ચોકીએ જાઉં કે ન જાઉં !’

‘એમાં નકકી શું કરવાનું ? ! હું તો..., હું તો તને પોલીસ ચોકીએ જવાની ના જ પાડીશ ને !’

‘...તો નહિ જાઉં !’ એ માણસ હસ્યો : ‘પણ બદલામાં તારે મને ખુશ કરવો પડશે, મને રોકડા પાંચ લાખ રૂપિયા આપવા પડશે !’

‘પાં...ચ લાખ રૂપિયા !’ જિગર બોલી ઊઠયો : ‘તારું મગજ ફરી ગયું છે કે, શું ? ! આટલા રૂપિયા મારી પાસે કયાંથી હોય ? !’

‘તને, તારી કારને તેમજ તારા આ ફલેટને જોતાં સમજાઈ જાય છે, કે તું લખપતિ છે. પણ તેમ છતાંય તારી પાસે કેટલા રૂપિયા છે ? ! એ વાતની તને જ વધારે ખબર હોવાની.’ અને આટલું કહેતાં જ એ માણસ ઊભો થયો : ‘ચાલ ત્યારે, જાઉં છું.’

‘કયાં...? !’

‘...પોલીસ ચોકીએ !’ એ માણસ ગંભીરતા સાથે બોલ્યો : ‘તું મને પાંચ લાખ રૂપિયા આપી શકે એમ નથી, એટલે મારે પોલીસ ચોકીએ ગયા વિના છૂટકો નથી. મને એમ કે, તું પાંચ લાખ રૂપિયા આપી દેતો હોય તો તારો અપરાધ છુપાવવાનું પાપ કરી નાખું. પણ હવે મને લાગે છે કે, પોલીસને તારા ગુનાની ખબર આપીને મારે થોડુંક પુણ્ય કમાઈ લેવું જોઈએ.’

‘તું..., તું...!’ જિગર ધુંધવાઈ ઊઠયો : ‘શું તું તારી જાતને

હોંશિયાર સમજે છે ? !’

‘હા, અને તારી જાતને ડફોળ !’ એ માણસ જરાય ગુસ્સે થયા વિના એટલા જ ઠંડા કલેજે બોલ્યો : ‘તારી જગ્યાએ જો હું હોત ને, તો મારી જાતને ફાંસીના ફંદા પર લટકી જતી બચાવવા માટે મેં ચુપચાપ રૂપિયા ગણી આપ્યા હોત.’

‘પણ.., પણ...,’ જાણે જિગરે હથિયાર હેઠા મૂકયા : ‘...અત્યારે મારી પાસે એટલા રૂપિયા પણ હોવા જોઈએ ને ?’

‘....તો અત્યારે કેટલા રૂપિયા છે, તારી પાસે ? !’

‘એક લાખ રૂપિયા !’

‘નો પ્રોબ્લેમ !’ એ માણસ બોલ્યો : ‘અત્યારે મને એટલા રૂપિયા આપી દે. બાકીના ચાર લાખ રૂપિયા તારે કાલે કયાં પહોંચાડવાના છે ? ! એ હું તને મોબાઈલ પર કહી દઈશ.’

જિગરે એક નિશ્વાસ નાંખ્યો. તે બરાબરનો ફસાયો હતો. તેણે આ બ્લેકમેઈલરની વાત માન્યા વિના છૂટકો નહોતો. તે બેડરૂમમાં ગયો, તેણે કબાટમાંથી હજાર-હજારની નોટોનું એક લાખ રૂપિયાનું બંડલ કાઢયું અને પાછો ડ્રોઈંગરૂમમાં એ માણસ પાસે આવ્યો.

જિગરે એ માણસના હાથમાં બંડલ આપ્યું.

‘મને તારી પર વિશ્વાસ છે, એટલે હું રૂપિયા ગણતો નથી.’ અને એ માણસ હસી પડયો.

જિગરને થયું કે, તે એ માણસનો ટોટો પીસી નાંખે. પણ તેણે પરાણે પોતાની જાતને કાબૂમાં રાખી.

‘તારો મોબાઈલ નંબર બોલ.’ એ માણસે કહ્યું.

જિગર મોબાઈલ નંબર બોલ્યો.

એ માણસે મગજમાં નંબર નોંધી લઈને કહ્યું : ‘નિરાંતે ઊંઘી જજે. હું કાલે બપોરે બાર વાગ્યે ફોન કરીશ.’

‘ના ! બાર વાગ્યે નહિ..,’ જિગર બોલી ઊઠયો : ‘..બાર વાગ્યે મારા હાથમાં રૂપિયા નહિ આવે. એક તો વાગશે જ.’

‘ઠીક છે, તો હું બરાબર એક વાગ્યે મોબાઈલ કરીશ.’ અને આટલું કહેતાં જ એ માણસ મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો. એ માણસે દરવાજો ખોલ્યો અને ગુડનાઈટ કહીને બહાર નીકળી ગયો.

જિગર દરવાજા પાસે પહોંચ્યો અને તેણે બહાર નજર નાંખી. એ માણસે જીતભર્યું મુશકુરાતાં જિગર તરફ ‘આવજો’માં હાથ હલાવ્યો અને લિફટમાં દાખલ થઈ ગયો.

જિગરે ધૂંધવાટ સાથે દરવાજો બંધ કર્યો. તે સોફા પર બેઠો અને તેણે કલ્પનાની આંખે જોયું તો અદૃશ્ય શક્તિ શીના તેના માથા પર નિરાંતે બેઠી હતી.

‘શીના !’ તે ધૂંધવાટભેર બોલ્યો : ‘તેં જોયું ને, તારા કારણે હું કેવી મુસીબતમાં મુકાઈ ગયો. મને એ યુવતીનું ખૂન કરતાં જોઈ ગયેલો એ માણસ મને બ્લેકમેઈલ કરી ગયો-મારી પાસેથી એક લાખ રૂપિયા પડાવી ગયો !’

‘એમાં આટલો રોષે શું કામ ભરાય છે. તું એ લાખ રૂપિયા કમાવવા માટે કંઈ કાળી મજૂરી કરવા થોડો ગયો હતો ? !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો, ‘મેં જ તને એ રૂપિયા કમાવી આપ્યા હતા ને ? !’

‘મને.., મને રૂપિયાની ચિંતા નથી, શીના !’ જિગર ચિંતાભર્યા અવાજે બોલ્યો : ‘મને એ વાતનો ડર છે કે, કયાંક એ માણસ પોલીસમાં ખબર આપીને મને ફાંસીના ફંદા પર ન લટકાવડાવી દે.’

‘એમ કંઈ હું તને થોડો મરી જવા દઈશ.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને આ સાથે જ તેના માથા પરથી પાંખોનો ફડફડાટ સંભળાયો અને તેનું ભારે થઈ ગયેલું માથું હળવું થઈ ગયું. ‘શું શીના ચાલી ગઈ ?’ વિચારતાં જિગરે કહ્યું : ‘શીના !’

શીનાનો જવાબ સંભળાયો નહિ. ‘તો શીના ચાલી ગઈ.’ જિગરે એક બળબળતો નિસાસો નાંખ્યો. તે સોફા પર જ લેટયો અને આંખો મિંચી. પણ તેને ખબર હતી. તે નિરાંતે ઊંઘી શકે એમ નહોતો. તેણે કરેલા એ યુવતીના ખૂનની વાત તેમજ એ બ્લેકમેઈલરે લીધેલી તેની મુલાકાત તેને નિરાંતે ઊંઘમાં સરવા દેવાની નહોતી.

દૃ દૃ દૃ

વહેલી સવારે ચારેક વાગ્યે જિગરને ઊંઘ આવી હતી, એટલે જિગરની આંખ ખૂલી ત્યારે સવારના દસ વાગવા આવ્યા હતા. તેનું માથું દુઃખતું હતું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર અદૃશ્ય શક્તિ શીના નહોતી. રાતના તેના માથા પરથી ઉતાવળે ચાલી ગયેલી શીના પાછી આવી નહોતી.

તે ઊભો થયો અને બાથરૂમમાં ઘૂસ્યો.

તેણે પેલા બ્લેકમેઈલરને આપવા માટે બેન્કમાંથી ચાર લાખ રૂપિયા કઢાવવાના હતા. દોઢ વાગ્યે બ્લેકમેઈલરનો મોબાઈલ આવે એ પહેલાં તેણે આ કામ પતાવવાનું હતું. તે તૈયાર થઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યો, ત્યાં જ તેને થયું કે તેણે છાપું જોવું જોઈએ. કદાચ એમાં પેલી યુવતીના ખૂનના સમાચાર છપાયા હોય.

તેણે મેઈન દરવાજો ખોલીને બહારથી છાપું લીધું અને પાછો આવીને સોફા પર બેસતાં છાપામાં ઝડપભેર નજર ફેરવી.

છાપામાં એવા કોઈ સમાચાર છપાયા નહોતા. આનો મતલબ એ કે, હજુ સુધી એ યુવતીની લાશ કોઈની નજરે ચઢી નહિ હોય.

અને તેણે છાપું બાજુ પર મૂકયું, ત્યાં જ તેને થયું કે તેણે ટી. વી.ના ન્યૂઝમાં જોવું જોઈએ.

અને તેણે ટી. વી. ચાલુ કર્યું. તેણે રિમોટનું બટન દબાવીને ન્યૂઝ ચેનલ પડદા પર લીધી. પડદા પર ટ્રેન અકસ્માતના સમાચાર ચાલતા હતા. તે ચેનલ ફેરવવા ગયો, ત્યાં જ તેની નજર પડદાની નીચેના ભાગમાં સરતી સમાચારની પટ્ટી પર પડી.

‘મુંબઈ-પૂના હાઈવે પરથી મળી આવેલી બે લાશ !’

અને જિગર સોફાની કિનાર પર આવ્યો, ત્યાં જ ટી. વી. ના પડદા પરથી ટ્રેનના અકસ્માતના સમાચાર દૂર થયા અને મુંબઈ પૂના હાઈવે દેખાવા માંડયું.

જિગર એકીટશે ટી. વી.ના પડદા તરફ જોઈ રહ્યો.

‘આજે વહેલી સવારે અહીંથી એક યુવાન અને એક યુવતીની લાશ મળી આવી છે.’ ચેનલના રિપોર્ટરે કહેવા માંડયું : ‘વહેલી સવારના એક ટ્રકવાળાએ ટ્રક રોકી અને ટૉઇલેેટ માટે ઝાડીઓમાં ગયો તો તેને આ બે લાશ જોવા મળી હતી. ટ્રકવાળાએ પોલીસને ખબર કરી હતી અને અત્યારે પોલીસ અહીં આવી પહોંચી છે અને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.’

અને આ સાથે જ રિપોર્ટર ઝાડીઓ તરફ વળ્યો અને અંદરની તરફ આગળ વધ્યો. કેમેરા પણ તેની પાછળ-પાછળ ચાલવા માંડયો.

બીજી જ મિનિટે જિગરે ગઈકાલ રાતના તેણે જે જગ્યા પર પેલી યુવતીની લાશ મુકી હતી એ જગ્યા દેખાઈ. ત્યાં પોલીસ ટોળે વળેલી હતી.

કેમેરામેને સહેજ આઘાપાછા થઈને એ ટોળા વચ્ચે કેમેરાના લૅન્સને ડોકિયું કરાવ્યું, એ સાથે જ ટી. વી.ના પડદા પર પેલી યુવતીની લાશ પડેલી દેખાઈ. એ યુવતીની ગરદનમાં બે હોલ પડેલા હતા અને એના શરીરનું લોહી જાણે કોઈ ચૂસી ગયું હોય એમ એનું શરીર એકદમ જ ફીકકું પડી ગયું હતું.

જિગર સમજી ગયો, તે એ યુવતીને ખતમ કરીને આવ્યો એ પછી શીનાએ એ યુવતીનું બધું લોહી ચૂસી લીધું હતું.

‘....પોલીસ મૂંઝવણમાં છે.’ ટી. વી.ના પડદા પરથી યુવતીની લાશ દૂર થઈ અને રિપોર્ટર દેખાયો : ‘બન્ને લાશની ગરદન પર હોલ થયેલા છે અને એમાંથી લોહી બહાર વહી ગયું હોય એવું લાગે છે, પણ આશ્ચર્યની વાત એ છે કે, બન્ને લાશની આસપાસ લોહીનું એક ટીપું પણ નથી.’ અને આ સાથે જ ટી. વી.ના પડદા પરથી રિપોર્ટર દૂર થયો ને યુવતીની બાજુમાં પડેલા માણસની લાશ દેખાઈ.

અને એ માણસનો ચહેરો જોતાં જ જિગર સોફા પરથી ઊભો થઈ ગયો.

-એ માણસ એ જ હતો જે તેની પાસે ગઈકાલ રાતના, તેણે કરેલા આ યુવતીના ખૂન બદલ તેને બ્લેકમેઈલ કરવા આવ્યો હતો !

એ માણસની ગરદન પર પણ બે હોલ પડેલા હતા. એ માણસનું લોહી પણ કોઈએ ચૂસી લીધું હોય એમ એનું શરીર એકદમ જ ફીકકું પડી ગયેલું હતું.

‘તેની પાસે આજે બપોરના બાકીના ચાર લાખ રૂપિયા લેવા માટે મોબાઈલ કરવાનું કહીને ગયેલા આ માણસને શું શીનાએ મારી નાંખ્યો હશે ? ! એેની ગરદન પરના બે હોલ જોતાં તો એવું જ લાગે છે કે શીનાએ જ એ માણસનું લોહી પીધું છે !’ જિગરના મગજમાંથી આ વિચાર પસાર થયો, ત્યાં જ તેને તેના માથા પરથી જાણે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો ને પછી તેના માથે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું અને બીજી જ પળે તેનું માથું ભારે થઈ ગયું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર અદૃશ્ય શક્તિ શીના સવાર થઈ ચુકી હતી અને એ મરક-મરક હસી રહી હતી.

‘જોયું ને, જિગર !’ શીના બોલી : ‘તને બ્લેકમેઈલ કરવા આવેલો એ બદમાશ મોતના મોઢામાં ચાલ્યો ગયો. હવે એ કદી તારી પાસે રૂપિયા માંગવા નહિ આવે.’

‘...તોે..,’ જિગરે પૂછયું : ‘...તેં એ માણસને મારી નાંખ્યો ? !’

‘મેં તારા જેવા એક માણસ પાસે એને ખતમ કરાવ્યો.’

‘...એટલે..,’ જિગરે પૂછયું : ‘...તું મારી પાસે કરાવે છે એમ બીજા માણસો પાસે પણ નિર્દોષ માણસોના ખૂન કરાવે છે ?’

‘....એ માણસ નિર્દોષ નહોતો.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘તેં જે યુવતીને ખતમ કરી ને, એ યુવતીનો સાથી જ હતો, એ બદમાશ ! એ બદમાશના કહેવાથી એ યુવતી હાઈવે પર કારમાં લિફટ લેતી હતી અને પછી તારા જેવા યુવાનોને પોતાની રૂપજાળમાં લપેટીને ઝાડીઓમાં લઈ જતી હતી. અને એ જ પળે એ બદમાશ આવીને એ યુવાનને ડરાવતો-ધમકાવતો હતો અને બ્લેકમેઈલ કરતો હતો.

‘તેં એ બદમાશની નજર સામે જ એની સાથી યુવતીને ખતમ કરી, ત્યારે જો એ બદમાશ ધારત તો પોતાની સાથી યુવતીને તારા હાથમાંથી બચાવવા માટે ઝાડીઓ પાછળથી બહાર ધસી આવ્યો હોત અને તારી સાથે બાથડી પડયો હોત. પણ એણે એમ કર્યું નહિ. એણે તને યુવતીને ખતમ કરવા દીધો અને પછી તને બ્લેકમેઈલ કરવા માટે તારા ઘર સુધી આવ્યો. અને તું શું માનતો હતો ? આજે બપોરે તારી પાસેથી બાકીના ચાર લાખ રૂપિયા લીધા પછી એ તારો પીછો છોડી દેત ? !’ શીના બોલી : ‘ના, એ તારો પીછો છોડવાનો નહોતો. તું જીવે ત્યાં સુધી એ તને બ્લેકમેઈલ કરતો રહીને, તારી પાસેથી રૂપિયા ઓકાવતો રહીને બાકીની આખી જિંદગી મોજ-મસ્તીથી જીવવવા માંગતો હતો. પણ મેં તને પરેશાનીમાંથી બચાવવા માટે એની જિંદગી જ ટૂંકાવી નાંખી.’ અને શીનાનો હસવાનો અવાજ સંભળાયો : ‘જિગર ! હવે તું બધું ભૂલી જા, અને ચાર દિવસ પછીના તારા લગ્નજીવનના સપના, સૉરી પણ દિવસ છે, એટલે દિવાસ્વપ્ન જોવામાં પડી જા.’

જિગર ફીકકું હસ્યો. શીનાએ એ બ્લેકમેઈલરથી તેનો પીછો છોડાવ્યો હતો, એની તેણે રાહત અનુભવી.

દૃ દૃ દૃ

રાતના બાર વાગ્યા હતા. જિગરના લગ્ન થઈ ચૂકયા હતા. માહીના પિતા દેવરાજશેઠની સાથે જ બાકીના મહેમાનો પણ ચાલ્યા ગયા હતા. અત્યારે આખા ફલેટમાં એક જિગર અને બીજું એની દુલ્હન માહી એમ બે જ જણાં હતા.

માહી અત્યારે પલંગ પર લાલ રંગની, સોનેરી ભરતવાળી સાડીમાં-ચહેરા આગળ ઘૂંઘટ તાણીને બેઠી હતી.

જિગર બેડરુમનો દરવાજો બંધ કરીને માહી તરફ આગળ વધ્યો, ત્યાં જ તેને અદૃશ્ય શક્તિ શીનાનું ધ્યાન આવ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર મસ્તીભર્યું મલકતી બેઠી હતી.

‘શીના !’ જિગરે કહ્યું : ‘અત્યારે હવે તું જા અહીંથી!’

‘ના !’ શીના હસતાં બોલી : ‘હું નહિ જાઉં !’

‘કહું છું, તું જા !’

‘હું નહિ જાઉં, નહિ જાઉં, નહિ જાઉં !’

‘પ્લીઝ ! જા ને...!’ જિગર બોલ્યો, અને આ વખતે પલંગ પર બેઠેલી માહીએ એકદમથી જ પોતાના ચહેરા પરનો ઘૂંઘટ ઊઠાવી લીધો અને રૂમમાં એક ઝડપી નજર ફેરવીને જિગર સામે જોતાં પૂછયું : ‘જિગર તું.., તું કોની સાથે વાત કરી રહ્યો છે ? ! !’

‘ક...ક...કોઈની સાથે નહિ !’ જિગરે થોથવાતાં જવાબ આપ્યો.

‘મેં સાંભળ્યું ને કે, તું કોઈને અહીંથી ચાલ્યા જવાનું કહેતો હતો !’ માહીએ ફરી રૂમમાં નજર ફેરવતાં કહ્યુ : ‘મને કહે, તું કોની સાથે વાત કરી રહ્યો હતો, જિગર ? ! જો તું ન કહે તો તને મારા સોગંધ ! ! !’

( વધુ આવતા અંકે )