Samyochit books and stories free download online pdf in Gujarati

સમયોચિત

વાર્તા

---- સમયોચિત --

અચાનક મારી આંખ ખૂલી ગઈ.દરવાજો કોઈ ખખડાવી રહ્યું હતું.મને વહેમ હતો.કદાચ હવા દરવાજો ખખડાવતી હશે. ફરી એ જ ટકોરા.. હું ઊભો થયો.લાઈટ ઓન કરવા સ્વિચ બોર્ડ તરફ હાથ ગયો. પણ લાઈટ ના થઈ. પંખાની સ્વિચ ઑન હતી.પણ પંખો બંધ હતો.બારી તરફ નજર ગઈ.પાણીની ધારા વહેતી હતી.કશું વિચારું એ પહેલાં બારણું જોર જોરથી ખખડી રહ્યું હતું. ઘડિયાળ માં જોયું.રાત્રીનાનાં ત્રણ થયાં હતાં.દરવાજા તરફ ગયો.અંગઅંગ માં ધ્રૂજાવી પ્રસરી ગઈ હતી.એક મોટી ગર્જનાં વાદળો વચ્ચે વીજળીનો ચમકારો અને હૈયું બેસી જાય એવાં વાદળોનાં ગડગડાટનાં પડધા.. આ વચ્ચે મેં ધ્રૂજતા હાથે દરવાજો ખોલ્યો.ચારેબાજુ અંધકાર વચ્ચે પાણીથી નીતરતી, પાણીથી લથબથ એક યુવતી ઊભી હતી. મોબાઈલની બેટરીનાં પ્રકાશમાં જોયું તો તે ડરથી, તથા તોફાની લહેરની ઠંડકથી ધ્રૂજી રહી હતી.માથા પર નીતરતો દુપ્ટો. તેણે ધીમેથી પૂછ્યું , “ મૈં અંદર આ શકતી હું..” હું બાજુ પર હટી ગયો, શબ્દો આપોઆપ સરી પડ્યાં ,“ જરૂર જરૂર.” હું બોલવાનું પુરૂં કરું એ પહેલાં ઝડપથી તે રૂમમાં પ્રવેશી માથા પરનો દુપ્ટો ઊતારી પલંગની કિનારે બેસી ગઈ.દરવાજો બંધ કરું કે ના કરું એ ઉલઝન વચ્ચે એક જોરદાર વાદળોનો ગડગડાટ થયો અને તોફાની વાયરા વચ્ચે ધડામ્ કરતો દરવાજો બંધ થયો. તે યુવતીથી એક ચીસ નંખાઈ ગઈ અને મારી નજર તેનાં પર પડી.તેને જોતાં જ મારાથી ચીસ નંખાઈ ગઈ , “ અરે રેશ્મા તું !” “ તમે કોણ? તું રમેશ તો નહીં ને?” અમે બંને એક બીજાને જોતાં રહ્યાં.હું હોશમાં આવ્યો.કબાટ ખોલીને રૂમાલ તથા મારો ઝભ્ભો અને લેંધો આપી કહ્યું , “ બાથરૂમમાં જઈ કપડાં બદલી લે.અંધારું છે તો દરવાજો ખૂલ્લો રાખજે. ડર કાઢી સ્વસ્થ મન રાખી બહાર આવ ત્યાં સુધી ચાય બનાવું.તે ગઈ બાથરૂમ તરફ અને મેં બારી ખોલી બહાર જોવા પ્રયત્ન કર્યો,પણ કશું દેખાતું ન હતું.ના આભ, ના ધરા,કેવળ અંધકાર વચ્ચે વરસી રહી હતી ધારા વરસાદની... જોરદાર પવન સાથે વાછોટમાં હું ભીંજાયો અને બારી બંધ કરી બેટરીના ઝાંખા ઉજાસ વચ્ચે ગેસ સળગાવી પાણી તપેલીમાં નાખી ચાય બનાવતાં બનાવતાં વિચારોમાં અટવાઈ ગયો.
વિચારોની પવન પાંખ પર બેસી હું ઉડવા લાગ્યો. અહીંતહીં ભટકવાની જરૂર ન હતી.એક લક્ષ હતું.એક દિશા હતી.ના કોઇ અવરોધ હતો ના કોઈ તોફાન.મારી આસપાસ રેશ્મા હતી.નાનું સરખું શહેર. શહેરમાં રામ રહીમ કંપાઉન્ડમાં અમે રહેતાં હતાં.અહીં સૌ નાતજાતને ભૂલી સાથે રહેતાં હતાં.કારણ રાજકારણની ઉધઈ રાજ્યોની રાજધાનીમાંથી અહીં સુધી પ્રસરી ન હતી.તેથી લોહીનો રંગ કેવો હોય તેનો વિચાર કોઈ કોમમાં આવ્યો ન હતો. દરેક તહેવારો ઉજવાતા અમી ભરી નજરે.ના ઈર્ષ્યા, ના દ્રેષ! રેશ્મા અને મારું કુટુંબ ઉપર નીચે રહેતું હતું.અમારા બંને કુટુંબો વચ્ચે મનમેળ પણ સારોએવો હતો.ધણી વાર અમે શાળાએથી ઘર સાથે આવતાં અને આમ અમારી વચ્ચે આત્મીયતા નાં અંકુર ફૂટવા લાગ્યાં હતાં.
એક સાંજે રેશ્મા એનાં અબ્બાજાન સાથે મારા ઘરે આવી.અમને આશ્ચર્ય થયું.આડીઅવળી વાતો પત્યાપછી રેશ્માનાં અબ્બાજાને વિનંતી કરતા કહ્યું કે હું રેશ્માને સાયન્સ તથા મેથ્સમાં ટ્યુશન આપું.મારા મમ્મીપપ્પા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં.
“ રહિમ ચાચા ,તમે શું કહો છો તેનો ખ્યાલ તો છે ને?”
“ ગંગાધર ભાઈ, તમારી બેચેની હું સમજું છું.પણ આ તો નાદાન બચ્ચાંઓ છે.તમારી ચિંતા અસ્થાને છે.”
“ જેવી તમારી મરજી.પણ આપણે સમાજમાં રહીએ છીએ એટલે ..”
“ ગંગાધર ભાઈ,અલ્લાહ માલિક. શહેરમાં અજાણ્યા પાસે જવા કરતાં ..”
“ ઠીક છે.” કહી મને રહીમચાચાની વાત કરી મારી મરજી પૂછી.મને નિરુત્તર જોઈ રહીમ ચાચાએ રેશ્માનાં ટ્યુશન માટે ભલામણ કરી.મેં સામો પ્રશ્ન પૂછ્યો કે રેશ્માની હા છે કે નહીં.રહીમ ચાચાએ મને હસતાં હસતાં કહ્યું , “ રેશ્મા કી ઈચ્છા હૈ કી તુમ ઈસકો ટ્યુશન દો.”
હું રેશ્માને જોઈ રહ્યો અને તે પાંપણો ઢાળી મલકાઈ રહી હતી
હું ઊભો હતો.પાણી ઊકળી રહ્યું હતું.બીલ્લી પગે આવીને મારા ખભા પર હાથ મૂકીને પૂછયું, “ ક્યાં ખોવાઈ ગયો છે તું? પાણી ઉકળી રહ્યું છે?” હું હસ્યો.દૂધની થેલીમાંથી દૂધ ગ્લાસમાં રેડી તપેલીમાં નાખ્યું.પાણીનો ઊભરો બેસી ગયો.ચમચો લઈ ચાયને હલાવતો રહ્યો.બે ત્રણ ઊભરા લઈ ગેસ બંધ કરી તપેલી પર રકાબી મૂકી.અમે બંને એકબીજાને નિરુત્તર જોતાં રહ્યાં.
એક ઈચ્છા હતી.મુંબઈ જઈ કેરિયર બનાવવી. નેરુલ નામનાં પરામાં પ્રોફેસરની નોકરી મળી.ઘરનાં ભાડા પોસાય તેવા ન હતાં.આખરે નેરુલથી તીસ મિનિટ નાં અંતરે પેઈંગગેસ્ટ તરીકે એક માળી મકાનમાં જગ્યા મળી. આજુબાજુ છૂટાછવાયા એક માળી મકાનો હતાં. શાંત જગ્યા હતી.ગ્રાઉન્ડ ફ્લોરમાં બે રૂમો હતાં.એક રૂમમાં ઘરધણી રહેતો હતો. સોમશથી શુક્ર રહે.શુક્ર વારે સાંજે લોનાવાલા જાય અને સોમવારે આવે.તેનું ફેમિલી લોનાવાલા રહેતું હતું.અને તે વાશી નોકરી કરતો હતો.બીજો રૂમ ભાડે આપેલો હતો. તેથી ઉપલા માળે જગા મળી .ભાડું પ્રમાણમાં સસ્તું હોવાથી મને ગમી ગઈ હતી.બે મહિના થયા પણ ક્યારે રેશ્માને જતાંઆવતાં જોઈ ન હતી અને આજે આ સંજોગોમાં મારી સામે ઊભી તે મારા માટે, કદાચ તેનાં માટે આશ્ચર્ય હતું.
ટીપોય પર બે પ્લાસ્ટિકની પ્લેટ મૂકી.મારા હાથમાંથી બિસ્કિટ અને ચેવડાની બરણી લઈ લીધી અને પ્લેટમાં મૂક્યાં.ચાયને ગળીને કપરકાબી કાઢી ટીપોય પર મૂકી પલંગ પર બેઠો. તે પણ મારી નજીક બેઠી. “ ધણાં વરસે આમ અચાનક મળ્યાં માનવામાં પણ ન આવે .”
“ હા.આખી રાતથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મારાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે.મારું કબાટ,પલંગ, સ્ટોર રુમ પાણી પાણી થઈ ગયો છે.અધૂરામાં પૂરું લાઈટ પણ ગાયબ છે.આસપાસ ક્યાં ય જવાય એવું નથી.”
“ઑહ!”
“ હું તો એવી મૂંઝાઈ ગઈ હતી કે ના પૂછો વાત.અધૂરામાં મોબાઈલની બેટરી ખતમ!.વીજળીનાં ચમકારા,વાદળોનાં ગડગડાટ,ઘરમાં પાણીની ઘૂસણખોરી, ચારેબાજુ અંધકારનું જંગલ, વહેતા પવનનો ડરામણો અવાજ, ગળા સુધી આવતા પાણીથી બચવા દાદર સુધી ચઢી આવી.ક્યાં ય સુધી પાણીથી લથબથ, ઠંડીથી ધ્રૂજતી બેસી રહી એક ખૂણામાં.એક ભયંકર ધડાકાનો અવાજ સંભળાયો જાણે કોઈ મકાન પડી ગયું હોય, અરે હું એટલી બધી ગભરાઈ ગઈ કે મોઢાંમાંથી ચીસ પણ ના નીકળે. અચાનક આ દરવાજો જોયો. હાથ ફેરવતાં ખબર પડી કે દરવાજો બહારથી લૉક નથી.અને દરવાજો ખટખટાવતી રહી,ખટખટાવતી રહી ક્યાં ય લગી.. આખરે દરવાજો ખૂલ્યો અને હું ડરી રહી હતી આવી ભયાનક રાતમાં કોણ હશે... કોણ હશે, મારું શું થશે એ વાતે...”
“ હું પણ ગભરાઈ ગયો હતો. રાત્રીના ત્રણ વાગે દરવાજો કોણ ખટખટાવતું હશે? ના લાઈટ, કદાચ કોઈ લુંટારા તો નહીં હોય ને! દરવાજો ખોલ્યો ડરતા ડરતા અને માં માંડ મારી જાત સંભાળી તને જોતાં..” કહી હું માંડ માંડ હસ્યો.
“ અહીં મારો જીવ જાય છે અને તને હસવું આવે છે?” કહી રેશ્માએ મારો ગાલ ખેંચી લીધો.
“ અરે ગાંડી છોકરી, હું હસી રહ્યો છું કારણ મારો ડર ઓછો કરવા.”
“ નેક ઈન્સાનને ખુદા મદદ કરે છે” કહી રેશ્મા કોઈ ઊંડા વિચારોમાં ડૂબી ગઈ.
“ ક્યાં ખોવાઈ ગઈ ?” મેં તેને ઢંઢોળીને પૂછયું. તે કશું બોલી નહીં. હું ઊભો થયો.ટીપોય પરનાં વાસણો વોશ બેઝીનમાં મૂકી , ટીપોય પલંગની નીચે સરકાવી તેને જોઈ રહ્યો. તેની આંખો મીંચાઈ જતી હતી. મેં કહ્યું, “ રેશ્મા, તું સૂઈ જા.”
“ અને તું ક્યાં સૂઈ જઈશ?”
“ હું નીચે સૂઈ જઈશ.”
“ ના, તું મારી બાજુમાં સૂઈ જા. મને ડર લાગે છે.”
“ ડર? કોનો ડર?”
“ આ તોફાની રાતનો..”
“ મને એમ કે તને મારો ડર લાગે છે”.તે મને જોઈ રહી.
તે કશું બોલી નહીં. પલંગ પર સૂઈ ગઈ અને મને તેની બાજુમાં ખેંચી લીધો.હું ચૂપચાપ આંખો બંધ કરી નીંદરદેવીને શરણે થઈ ગયો.તેનાં હાથ મારી કમ્મર પર લટકી રહ્યાં હતાં નિશ્વેત થઈને.
આંખો ખૂલી.સવારના સાત વાગ્યા હતાં.મારા પગ જમીનને અડ્યા.હું ચોંક્યો. પગની પાની ભીની થઈ ગઈ હતી. નજર નીચે કરી.પલંગનાં પાયા પાણીમાં ડૂબ્યાં હતાં.આસપાસ નજર કરી.બાથરૂમનાં ખારમાંથી પાણી આવી રહ્યું હતું. મેં પગ લૂછીને પલંગ પર લીધા.હું સંકોચાઈને પલંગની કિનારીએ બેઠાં બેઠાં જોઈ રહ્યો રેશ્માને.એનું ગોરું ગોરું બદન, પારદર્શિત મારાં લેંધાઝભ્ભા જે તેને પહેર્યાં હતાં તેમાંથી ઉભરાતું તેનું યૌવન, નિર્દોષ ભયમુક્ત તેનો ચહેરો, અર્ધ ખૂલ્લી બારીમાંથી લહેરાતી લહેરમાં તેનાં વાંકળિયા વાળની ફરફર ફરકતી લટ આકર્ષક લાગતી હતી.
આવો નઝારો મેં જોયો હતો મારા ઘરે તે આડી પડી નોટબુકમાં મેથ્સનાં દાખલા સોલ્વ કરીતી હતી ત્યારે. હું તેને જોઈ રહ્યો હતો એકીટશે.આંખોમાં યૌવનનું ઘોડાપુર ઉછળી રહયું હતું.મારા કાનમાં ગીત ગૂંજી રહ્યું હતું,
ચંદન શા બદન,ચંચલ ચીતવન ધીરેસે તેરા ય મુસ્કાના અચાનક તેની નજર મારા પર પડી. ગુલાબી ફૂલ જેવા હાસ્ય સાથે બોલી, “ માસ્તરજી મારાંમાં શું જોઈ રહ્યાં છો?” હું છોભીલો પડી ગયો. ચોરી પકડાઈ ગઈ હતી. લૂલો બચાવ કરવાને બદલે કહ્યું, “ રેશ્મા તારું સૌંદર્ય માણી રહ્યો હતો.”
તે હસી પડી.મારી ધારણાથી વિપરીત તેણે કહ્યું,
“ માસ્તરજી, છૂપ છૂપ કર પ્રેમ કરનેમેં એક અનોખી મજા આતી હૈં.આપકા ક્યા ખયાલ હૈ?” કહી તે મારી લગોલગ આવીને બેઠી.
“ ક્યા બાત હૈ રેશ્મા! કભી કિસીસે મહોબ્બત કી હૈ?”
“ રોજ કરતી હું.મગર વો ઉલ્લુકા પઠ્ઠા સમજે તો ને?”
“કૌન હૈ વો ખુશકિસ્મત બંદા?”
“ બતાઉં?”
“જરૂર”
જલન હોને લગેગી તુમ્હે .”
“ બતાના હૈ તો બતાદે વરના.”
“ બતાના હી પડેગા. વો ખુશકિસ્મત બંદા તુમ હી હો. મગર મૈં બદ્ નશીબ હું.” કહી મારા હોઠો પર તે ઝૂકી.
ત્યાં જ દરવાજે ટકોરા પડ્યાં ઝડપથી હું ઊભો થયો, દરવાજો ખોલ્યો. સામે મારી મા ઊભી હતી.
“ દરવાજો બંધ કરી શું કરતાં હતાં?”
“ શું કરતાં હતાં એટલે? તેને ભણાવું છું.દરવાજો અર્ધ ખૂલ્લો હતો. હવાથી બંધ થઈ ગયો હશે.”
“ ધ્યાન રાખવું જોઈએ.પારકી છોડી સાથે આ રીતે “
“ મમ્મી, વાતનું વતેસર ના કર.બીજી વાર આવું નહીં થાય.”
રેશ્મા મને જોઈ રહી. મંદ મંદ હસી રહી હતી.
“ કેમ હસવું આવે છે?”
“ માસ્તરજી, તમે ગુસ્સામાં લાલ ટામેટાં જેવાં લાગો છો.મન થાય છે આખેઆખું ખાઈ જાઉં.”
“ શું?”
“ ટામેટું! બીજું શું? તમને થોડા ખવાય? જોઈ લીધું પરિણામ જરા શા સ્પર્શનો..”
“ રેશ્મા પ્લીઝ, મજાક મશ્કરી બંધ કરી ભણવામાં ધ્યાન દે. પરીક્ષા નજીક છે.એકાદ કલાક વધારે ભણવા આવવું પડશે.”
“ મારી ક્યાં ના છે.તમે કહેતાં હો તો રાતદિ અહીં પડી રહીશ.” કહી તે ઊભી થઈ અને કહ્યું, “ ટાઈમ ઈઝ ઓવર.”
સતત મહેનત વચ્ચે પરીક્ષા આજે પૂરી થવાની હતી.મને ચિંતા હતી ગણિતમાં તે કેવું ઉકાળે છે. મન મારું બેચેન હતું. હું તેની શાળા તરફ ગયો. મને તાલાવેલી જાગી હતી તેનું ગણિતનું પેપર કેવું જાય છે.સમય પૂરો થયો હતો. સૌ વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ ઘર તરફ જઈ રહ્યાં હતાં.ખાસ્સી વાર થઈ પણ રેશ્મા ન દેખાઈ.કદાચ મારી નજર નહીં પડી હોય એમ વિચારી હું પાછો જઈ રહ્યો હતો. અચાનક મારી આંખો આંગળીઓથી ઢંકાઈ ગઈ.અને પૂછવા લાગી, “ બોલો બોલો હું કોણ છું?”
મેં ગુસ્સાથી કહ્યું, “ રેશ્મા આ શું તોફાન માંડ્યું છે. કોઈ જોઈ જશે તો મારી સાથે તારું આવી બનશે.”
તે મારી સામે ખભા ઉલાળતીઊભી રહી.હું કશું પૂછું એ પહેલાં બોલી ઊઠી, “ આજનું પેપર સરસ ગયું છે. સોમાંથી એંસી માર્ક પાકાં કહી તેનું પ્રશ્નપત્ર આપ્યું.હું ખુશ હતો.મારી મહેનત ઊગી નીકળી.અચાનક દોડી તેય વડલાનાં ઝાડ તરફ ગઈ. લટકતી ડાળીઓ પકડી હિંચકે ઊડવા લાગી અને ગીત ગાવા લાગી, “ પંખી બનું..” હું ત્યાં જઈ તેને જોઈ રહ્યો. પ્રણયનાં રંગે રંગાઈ જાઉં એ પહેલાં રેશ્માએ ધડાકો કર્યો. મારી આસપાસ ધૂળનાં ગોટેગોટા ઊડી રહ્યાનો અહેસાસ થવા લાગ્યો.
“ માસ્તરજી, આજ સાંજે મારા ઘરે મહેમાન આવવાના છે. કારણ કહું..”
“ ના. તમારા ઘરની વાતો મને ના કર.”
“ માસ્તરજી, અંગત નથી. મારી મંગની ની વાત થવાની છે. અને...”
“ અને... “
અને મહિના પછી રેશ્માનાં અબ્બાજાન મારા ઘરે લગ્નની દાવત આપવા આવેલાં ત્યારે રેશ્મા સાથે હતી. અમેબંને એકબીજાને જોતાં રહ્યાં અલવિદાની મુદ્રામાં..
રાત ગઈ વાત ગઈ અને હું મારા સંધર્ષમાં દોડતો રહ્યો.ના નિરાંતની પાળી મળી કે ફુરસદની ઘડી કે વિચારોમાં અટવાઈ જવાય એવી પળ.રેશ્મા નામની ગુલાબની ગુલાબી વાડી ભૂતકાળનાં અંધકારમાં એવી દટાઈ ગઈ કે મારી અડફેટમાં ક્યારે ય આવી નહીં. વરસાદનું જોર નરમ પડ્યું હતું.મારી રૂમનું પાણી બાથરૂમ તરફ વહી રહ્યું હતું જાણે હારબંધ વહી જતી કીડીની કતાર! હું ઊભો થયો.રૂમ લૂછી નાખી. બાથરૂમમાં જઈ ઠંડે પાણીએ ફ્રેશ થયો. ચાયની તલબ એટલે ગેસ સળગાવી ચાયની તૈયારી કરવા લાગ્યો. મારા નશીબ સારાં કે ઘરમાં અઠવાડિયા સુધી ચાલે એટલું અનાજ, પાણી હતું. ચાયની સાથે સાથે બપોરનાં ભોજન માટે વધારેલો ભાત બનાવવાની પણ તૈયારી કરવા લાગ્યો. વધારની સુવાસથી મને ઉધરસ આવી અને એ સાથે રેશ્મા પડી પડી મને જોઈ રહી હતી. ગૂડ મોર્નીંગ શબ્દોની આપ લે સાથે સવાર પડી . તેને બારી ખોલી જોયું. સૂરજનાં દર્શન ના થયાં.સવારના અગિયાર થયા હતા. ચારેબાજુ પાણી પથરાયેલું હતું. કોઈ સરકારી મદદ આવી હોય તેવું જણાતું ન હતું.રેશ્મા ઊભી થઈ બારણાં તરફ ગઈ. ધીરેથી બારણું ખોલ્યું.જેવી બહાર ગઈ તેવી પાછી આવી.કંટાળભર્યા સ્વરે બોલી, “ હજી પાણી ઉતર્યું નથી.અને વરસાદ જંપતો નથી.”
“ અઠવાડિયા સુધીનું રાશન ઘરમાં છે. ચિંતા કરવાની જરૂર નથી.”
“ મને તારી નહીં મારા ઘરવાળાની ચિંતા થાય છે.તારી સાથે આમ એકલાં રહેવું એટલે મારાં માટે તો આફતનો પહાડ..”
“ સંજોગો એવાં છે કે કોઈ બીજો ઉપાય નથી.”
“ તું જે સમજે છે તે આ લોકો ન સમજે માસ્તરજી.”
“ આ લોકો એટલે?”
“ આ લોકો એટલે આ લોકો એટલે મારાં ઘરવાળા.”
“ એટલે તારા સાસરિયા..”
“ હા.તેમને સમજાવતાં મારે નાકે દમ આવી જશે.” કહી વિચારોમાં ખોવાઈ ગઈ.
“ હવે ગરમગરમ લીલા મસાલાવાળી ચાય પી લે.પછી બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ જા. પેટપૂજા માટે વધારેલો ભાત અને છાશ તૈયાર કર્યા છે. આ બધું પતી જાય પછી શાંતિથી વિચારીએ..” કહી ચાયનો ગ્લાસ અને બિસ્કિટ ની પ્લેટ મૂકી.અમારા વચ્ચે એક પ્લેટ હતી. જમી કરી પલંગ પર બેઠાં.ધીમેથી બારી ખોલી.વરસાદે પોરો ખાધો હતો.બપોરનાં બે વાગે પણ સમી સાંજ પથરાઈ હોય એવું લાગતું હતું.આભ ધરા આલિંગનમાં વીંટળાયેલી દશામાં જોવાં મળ્યાં.શું જોઈ રહ્યો છે કહી મારા ખભા પર તેનાં હાથ સર્પાકારે ફરી વળ્યાં. મેં બારી બહારનું દ્રશ્ય બતાવી કહ્યું , “ કેવું રોમાન્ટીક દ્રશ્ય છે.આભ ધરતી એકબીજામાં ખોવાઈ ગયાંછે. તને શું લાગે છે?”
“ રોમાંચ,રોમાંટિક શબ્દોથી મને નફરત છે.”
“ સમજ્યો નહીં”.
“ તું ક્યારેય ક્યાં કશું સમજ્યો છે.” કહી મને જોઈ રહી.
“ સાચું કહું તો હું કટી પતંગ જેવી પ્યાસી છું.”
“ ઓહ!”
“ પ્યાસો માણસ ક્યાં જાય?”
“ નદી પાસે.”
“ નદી થોડું પાણી પવરાવે?”
“ જરા ઝૂકવું પડે અને...”
“ અને તું આભ થઈ મારાં પર ઝૂકે તો?”
“ તો..”
“ તો મારી પ્યાસ બુઝાય.તૃપ્તિનો અહેસાસ થાય. પણ તું ઝૂકે તો.”
“ તો!” હું જોઈ રહ્યો તેનાં નીચા ઢળેલાં પાપણોને.અચાનક વીજળીનાં ચમકારા વચ્ચે વાદળોનાં ગડગડાટમાં તેરમણનો તો ફંગોળાઈ રહ્યો હતો.
મારી આંખો ખૂલી.લાઈટ આવી ગઈ હતી.પલંગ પર હું એકલો હતો. ઘર સફાચટ ચોખ્ખું હતું.વાસણોની સાફસફાઈ થઈ ગઈ હતી. બાથરૂમનાં તાર પર મેં તેને આપેલો ઝભ્ભો લેંધો ધોઈને લટકાવેલો હતો. ઘડિયાળમાં રાત્રીના આઠ થયાં હતાં.બારી ખોલી જોયું તો દૂરદૂર સડક પરની લાઈટ ઝગમગી રહી હતી. મારી નીચેની સડક પર ક્યાંક ક્યાંક ખાબોચિયાં નજરે પડતાં હતાં.સડકની કિનારીએ કાદવ બાઝ્યો હતો.તે સિવાય સડક ચોખ્ખી હતી. રીક્ષાઓ છૂટી છવાઈ ચાલતી હતી.તે સિવાય ખામોશીનો ડર સૌને સતાવી રહ્યો હતો. માન્યામાં ન આવે એવું વાતાવરણ મને અકળાવી રહ્યું હતું.
હું ઊભો થયો.દરવાજો ખોલી નીચે નજર નાંખી. ઝાંખા ઝાંખા લાઈટના ઉજાસ વચ્ચે ત્રુટક ત્રુટક શબ્દો અફળાઈ રહ્યાં હતાં.ઘરમાં આવી વ્યવસ્થિત કપડાં પહેર્યાં.એક થેલી દૂધની અને એક પેકેટ બ્રેડનું લઈ સાચવીને નીચે ઊતર્યો. દરવાજા પાસે ઊભેલી વ્યક્તિ મને જોઈ રહી..
“ આપકો પહેલી બાર દેખ રહા હું.”
“ સહી ફરમા રહે હો.કભી કભી આતા હું.વાશીમેં રહતા હું.”
“ વહાં કા માહોલ કૈસા થા?”
“ ઈધર સે અચ્છા થા.”
“ સોચા , દૂધ બ્રેડ થા તો..”
“ અરે મૈં લેકર આયા હું.”
સલવાર કમીઝમાં રેશ્મા ખભે,પાકીટ લટકાવી અને હાથમાં એક બેગ લઈ દરવાજા પાસે ઊભી રહી.ઘરમાં નજર નાખી. પલંગ,કબાટ,ટીપોય પાણીથી રંગાઈ ગયાં હતાં. મારી તરફ જોયા વગર કહ્યું, “ હવે જરૂર નથી.હું વાશી જઈ રહી છું.શુક્રિયા.” કહી અંદરનાં રૂમમાં ગઈ. “ ભાઈજાન, મૈં રેડી હું.”
“ ઉબર ગાડી કી હૈ.પાંચ મિનિટમેં આ જાયેગી.”
તે બુરખો પહેરી આવી.લાઈટની મેઈન સ્વીચ બંધ કરી દરવાજો લોક કરી નીચે ઊતરવા લાગી.
“ ભાભી, વહાં હી ઠહરિયે...”

. ....................
. ...................
ના શબ્દો....ના.. સંવેદના..
હું આભો બની જોતો રહ્યો સડસડાટ દોડ્યે જતી ઉબર ગાડી અને તેમાં બઠેલ પેસેન્જરને!

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.