Yog-Viyog - 31 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 31

યોગ-વિયોગ - 31

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૧

‘‘ના રાજેશ, હું આજે રાત્રે તો નહીં જ આવું.’’

‘‘કાલે ? કાલે લઈ જાઉં તને ?’’

‘‘હું ફોન કરીશ...’’ અને આગળ વાત કર્યા વિના અંજલિએ ફોન કાપી નાખ્યો.

રાજેશે ફરી ટ્રાય કર્યો પણ અંજલિનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. થોડી વાર પહેલાં જ્યારે રાજેશે ફોન કર્યો ત્યારે અંજલિએ ફોન ઉપાડીને કહેલું વાક્ય રાજેશના મગજમાં ઘૂમરાઈ ગયું.

‘‘નીકળી ગઈ છું, પહોંચું છું.’’

‘‘ક્યાં જતી હશે એ ? પેલાને મળવા ? એને છૂટથી મળી શકાય એટલા માટે શ્રીજી વિલા ચાલી ગઈ હશે ?’’ રાજેશના મનનો પુરુષ પછડાટ ખાવા લાગ્યો. એના મનની અંદર સેંકડો જાતના વિચારો ઊભરાવા લાગ્યા.

‘‘ક્યાં સુધીનો પ્રેમ હશે બે જણાનો ? બંને સાથે સંગીત શીખતાં હતાં એ તો હું જાણું છું. એક વાર ઇન્ડિયા ટુડેના કવર પેજ પર એને જોઈને અંજલિએ જ કહેલું... પણ આ બંને પાછાં ક્યાં મળ્યાં હશે ? ક્યારે મળ્યા હશે ? પ્રેમ ત્યારથી જ હશે કે હમણાં જ થયો હશે ?’’

રાજેશ વિચારમાં ને વિચારમાં ઊભો હતો. એનું મન જાણે ધુમાડો ભરેલા ઓરડામાં શ્વાસ લેવા તરફડતા માણસની જેમ તરફડવા લાગ્યું હતું. કોઈક આધાર, કોઈક નાનકડા અવલંબનની શોધમાં ક્યાં જઈ શકાય એવું એનું મન વિચારવા લાગ્યું. એણે ખૂબ વિચાર કર્યો, પણ એને કંઈ જ સૂઝતું નહોતું. ક્યાંક જઈને એને ધ્રૂસકે ધ્રૂસકે રડવું હતું. એની અંજલિ એના હાથમાંથી સરકી રહી હતી અને એ ઊભો ઊભો જોવા સિવાય કંઈ જ કરી શકતો નહોતો. એણે મનોમન ઈશ્વરને યાદ કર્યા અને અચાનક એને ઝબકારો થયો, ‘‘ઈશ્વર ! ઈશ્વરને ત્યાં જઈ શકાય. ઈશ્વરથી મોટો આધાર આમેય બીજો કયો હોઈ શકે ?’’ એણે ગાડી જૂહુ તરફ વાળી...

ઇસ્કોન મંદિરની બહાર ગાડી પાર્ક કરીને રાજેશ અંદર દાખલ થયો. વિશાળ આરસપહાણના મંદિરમાં ક્રિશ્ન-રાધા અને ક્રિશ્ન રુકમિણીની સુંદર મૂર્તિઓ હતી. રાજેશ બરાબર મુખ્ય ખંડની વચોવચ બેસી ગયો. પલાંઠી વાળીને, આંખો મીચીને એણે ઈશ્વરનું સ્મરણ કર્યું. પછી એણે ભીની આંખો ખોલીને ભગવાનની મૂર્તિની સામે જોયું. એનાથી મનોમન બોલાઈ ગયું, ‘‘મેં શું બગાડ્યું છે તારું ? કદી કોઈનીયે સાથે છલ નથી કર્યું મેં, ને છતાંય આજે તેં મને એવા દોરાહા પર લાવીને મૂક્યો છે કે મને કંઈ જ સૂઝતું નથી... હે ઈશ્વર, કંઈક એવું કર કે જેનાથી આ ગૂંચવાતી વાત અહીં જ અટકી જાય... મને આ ગૂંગળામણમાંથી, આ અકળામણમાંથી, આ અસમંજસમાંથી બહાર કાઢ મારા નાથ !’’

રાજેશ ક્યાંય સુધી મંદિરમાં બેસી રહ્યો. પછી ચૂપચાપ ઊઠીને ગાડીમાં બેઠો અને ઘર તરફ જવા લાગ્યો. એનું મન શાંત થઈ ગયું હતું. મનમાં ઊઠતા કેટલાય સવાલો એ જાણે ક્રિશ્નચરણમાં મૂકીને આવી ગયો હતો. હવે એના સવાલોના જવાબો ઈશ્વરે આપવાના હતા...

અંજલિને શફી સાથે જોઈને જાનકીનું મગજ ચકરાવે ચડી ગયું. એક વાર તો એણે ઊભા થઈને ત્યાં જવાનું લગભગ નક્કી કરી લીધું. પછી મન પર કાબૂ મેળવીને ચૂપચાપ ત્યાં બેસી રહી, પણ એણે ઘરેથી નીકળતા વાળેલી ગાંઠ મજબૂત કરી નાખી, ‘‘આજે અંજલિબેન સાથે વાત કરવી જ પડે... આ તો બરબાદ કરી નાખશે !’’

જાનકીની બહેનપણીઓ આવી, કોફી પીવાઈ... પરંતુ જાનકીનું કોઈ વાતમાં ધ્યાન નહોતું. એનું ધ્યાન ફક્ત અંજલિ અને શફીમાં હતું. જાનકીની બાકીની ત્રણ બહેનપણીઓ ઊંધી બેઠી હતી, પરંતુ જાનકીની બાજુમાં બેઠેલી દુર્ગાએ હળવેથી જાનકીને પૂછ્‌યું, ‘‘પેલી છોકરીને શું જોયા કરે છે ?’’

‘‘એ છોકરી મારી નણંદ છે.’’

‘‘તો... પેલો છોકરો...?’’

‘‘એ શફ્ફાક અખ્તર છે, ગઝલ સિંગર.’’

‘‘ખરેખર ?’’ દુર્ગાના અવાજમાં જોરદાર એક્સાઇટમેન્ટ આવી ગયું, એ લગભગ ઉશ્કેરાટમાં ઊભી થવા જતી હતી કે જાનકીએ એનો હાથ પકડીને બેસાડી દીધી,

‘‘ક્યાં જાય છે ?’’

‘‘ઓટોગ્રાફ લેવા. મને એવું લાગ્યું તો ખરું, પણ પછી થયું એ આવા નાના કોફીશોપમાં શું કરે ?’’ નણંદની આખી સ્ટોરી ભુલાઈ જ ગઈ. દુર્ગાના ચહેરા પર, એની આંખોમાં શફ્ફાક અખ્તર માટેનો અહોભાવ લીંપાઈ ગયો હતો.

‘‘કોઈ જરૂર નથી.’’ જાનકીએ હજી દુર્ગાનો હાથ છોડ્યો નહોતો.

‘‘અરે પણ, એ મારો ફેવરિટ સિંગર છે. મારા પતિ તો એના દીવાના છે. જવા દે ને !’’ દુર્ગાએ હાથ છોડાવવાની કોશિશ કરી.

‘‘પણ ત્યાં મારી નણંદ છે.’’ આ કહ્યા પછી તરત જ જાનકીને ખ્યાલ આવ્યો કે દુર્ગા શું કામ ન જાય ? બીજા કોઈ પણ સામાન્ય ફેનની જેમ દુર્ગા જઈને ઓટોગ્રાફ લઈ જ શકે. એની સાથે જ એને બીજો વિચાર પણ આવ્યો...

એણે દુર્ગાનો હાથ છોડી દીધો અને દુર્ગાએ આખા કોફીશોપમાં સંભળાય એવા અવાજે સામે બેઠેલી ત્રણ બહેનપણીઓને કહ્યું, ‘‘એય... પેલો હેન્ડસમ ગઝલ સિંગર શફ્ફાક અખ્તર અહીંયા છે.’’ અને સોળ વર્ષની મુગ્ધાની જેમ રાજી થતી પોતાની પર્સમાંથી ડાયરી અને પેન લઈને દોડી. બીજી ત્રણ બહેનપણીઓ પણ પાછળ ફરી. એમણે શફ્ફાકને જોયો. એ ત્રણ જણા પણ પોતપોતાની ડાયરીઓ અને પેન લઈને ત્યાં પહોંચી ગયા.

શફ્ફાક એક પછી એક સૌને ઓટોગ્રાફ કરી આપવા લાગ્યો. ટોળું થઈ જતાં અંજલિએ મેનુકાર્ડ ઉપાડીને વાંચવા માંડ્યું. એને અમસ્તીયે શફ્ફાકની આસપાસ થતી આ ટોળાબાજીથી ભારે સંકોચ થતો હતો. હજી હમણાં જ જે. ડબલ્યું. મેરિયટની લોબીમાં ભેગા થઈ ગયેલા ટોળાને સિક્યોરિટીની મદદથી વિખેરવું પડ્યું એ એણે જોયું હતું.

શફ્ફાક માટે આવો ફેનવર્ગ કોઈ નવી વાત નહોતી. એની કારર્કિદી આમ જુઓ તો હજુ ટૂંકી ગણાય, પરંતુ એણે જે ફેન્સ ઊભા કર્યા હતા એ સંગીતની દુનિયામાં નવાઈ અને ઈર્ષ્યા બંને જન્માવતા હતા. શફ્ફાક ક્યારેય પોતાના ફેન્સને નારાજ નહોતો કરતો. એણે જોયું કે અંજલિને બહુ ન ગમ્યું, છતાં એણે ઓટોગ્રાફ કરવા માંડ્યા.

એણે સૌથી પહેલી દુર્ગાનું નામ પૂછ્‌યું, પછી અંબિકા, વૈદેહી અને વંદના... પાંચમી ડાયરી મુકાતા એણે ઉપર જોયા વિના પૂછ્‌યું, ‘‘શું નામ લખું?’’

‘‘જાનકી...’’ શફ્ફાક ઓટોગ્રાફ કરવામાં બિઝી હતો, પરંતુ નામ અને અવાજ સાંભળીને અંજલિએ ચોંકીને ઊંચું જોયું અને પછી અંજલિનો ચહેરો ફિક્કો પડી ગયો. જાનકીએ એની આંખોમાં આંખો નાખી અને શફ્ફાક સાંભળી શકે એ રીતે ધારદાર અવાજે પૂછ્‌યું, ‘‘તો આ તમારી ફ્રેન્ડ છે જેને હું નથી ઓળખતી ? જે અમેરિકાથી આવી છે?’’

‘‘ભાભી, આ મારી પર્સનલ લાઇફ છે. દખલ ના કરો તો સારું.’’

‘‘જ્યારે આ જ પર્સનલ લાઈફને ખાતર તમે મરવા તૈયાર થઈ ગયા હતા ત્યારે આ જ ભાભીની દખલ તમને જરૂરી લાગી હતી અંજલિબહેન.’’

‘‘ત્યારની વાત જુદી હતી. હવે...’’

જાનકીએ વાત કાપી નાખી, ‘‘...હવે તમને ભાભીની જરૂર નથી, ખરું ?’’

‘‘જુઓ ભાભી, ગેરસમજ કરવાની...’’ જાનકીની ચારેય બહેનપણીઓ ત્યાં ઊભી ઊભી આ બે જણા વચ્ચેની દલીલો સાંભળી રહી હતી. શફ્ફાક વચ્ચે બોલવું કે નહીં એનો વિચાર કરતો ઊભો તો થઈ ગયો હતો, પણ શું કરવું કે શું કહેવું એ એને સમજાતું નહોતું.

‘‘હું ગેરસમજ નથી કરતી. બરાબર સમજીને બોલુંં છું અંજલિબહેન, તમે ઘરે જે કહ્યું એવું જુઠ્ઠું બોલવાની શી જરૂર હતી?’’ જાનકીએ સીધો ભાલાની અણી જેવો સવાલ પૂછ્‌યો.

‘‘નહીં તો તમે મને આવવા દેત ?’’

‘‘એટલે તમને ખબર છે અંજલિબહેન કે તમે જે કરો છો એ અમને ગમશે નહીં ને છતાં તમારે...’’

‘‘તમને ગમે એવી રીતે જીવવાનું મારે કોઈ કારણ નથી.’’ જાનકીનો ચહેરો તદ્દન બદલાઈ ગયો. અત્યાર સુધી માદર્વ અને મમતાથી વાત કરતી જાનકી અચાનક જ ગુસ્સે થઈ ગઈ.

‘‘અંજલિબહેન, ઘરે ચાલો.’’ એણે અંજલિનો હાથ પકડ્યો.

‘‘અંજલિ નહીં આવે.’’ શફ્ફાકે અંજલિનો બીજો હાથ પકડ્યો.

‘‘તમે આમાં ન પડો તો સારું. તમારી સાથે હું પછી વા ત કરીશ.’’ જાનકીએ અંજલિનો હાથ સહેજ ખેંચ્યો. અંજલિએ હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ કશું બોલી નહીં.

‘‘પછી વાત કરવા જેવું કશું જ નથી. અંજલિ અત્યારે મને મળવા આવી છે અને એની ઇચ્છા વિરુદ્ધ એને કોઈથી અહીં લઈ ન જ જઈ શકે.’’

‘‘મને લાગે છે વાત વધી રહી છે, પ્લીઝ અંજલિબહેન, ઘરે ચાલો. આપણે ઘરે જઈને વાત કરીએ.’’ જાનકીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ અંજલિ જાણે કશું જ સાંભળવા તૈયાર નહોતી. એને એમ લાગતું હતું કે એ પકડાઈ ગઈ છે અને ગુનો કર્યા પછી હવે કોનાથી ડરવાનું ?

જાનકીએ આખીયે પરિસ્થિતિને મનોમન માપી તો લીધી જ હતી. તેમ છતાં એ ઇચ્છતી હતી કે અહીંયા જાહેરમાં કોઈ તાયફો ના થાય. એણે શફ્ફાકની સામે જોયું અને હળવેથી કહ્યું, ‘‘જુઓ, તમે સમજો છો કે જે થઈ રહ્યું છે તે ખોટું છે. સવાલ અમારી પ્રસિદ્ધિનો જરા ઓછો છે. કાલે સવારે છાપામાં તમારા વિશે કંઈ આડુંઅવળું છપાય એ તમને નહીં જ પોષાય એમ હું માનું છું. માંડ માંડ સેટલ થયેલી કરિયર દાવ પર લાગે એવું શું કામ કરો છો શફ્ફાક ?’’ જાનકીની વાત સાંભળીને શફ્ફાકથી જાણે રિફલેક્સમાં અંજલિનો હાથ છૂટી ગયો. અંજલિએ એક સેકન્ડ માટે શફ્ફાક સામે જોયું. પછી જાનકીએ એ નજરને પકડીને વાત આગળ વધારી, ‘‘અંજલિબેન, તમે પણ જાણો છો હવે મોડું થઈ ગયું છે. તમારે તમારી નહીં, આવનારા બાળકની ચિંતા કરવાની છે.’’

‘‘વ્હોટ ? આર યુ પ્રેગનન્ટ અંજલિ ?’’ શફ્ફાકે પૂછ્‌યું.

અંજલિ જવાબ આપે એ પહેલાં જાનકીએ સ્મિત સાથે પત્તું ફેંક્યું, ‘‘અફકોર્સ ! ત્રણ મહિના પૂરા થવા આવ્યા. એણે તમને કહ્યું નથી ?’’ શફ્ફાક એક પણ અક્ષર ના બોલ્યો. માત્ર એક વાર અંજલિ સામે જોયું અને પછી ટેબલ ઉપર પાંચસો રૂપિયાની એક નોટ મૂકીને ત્યાંથી નીકળી ગયો. અંજલિ શફ્ફાકની પાછળ દોડી, જાનકીએ પણ એનો હાથ છોડીને એને જવા દીધી. એ જાણતી હતી કે હવે કંઈ બહુ મોટો ફેર નહીં પડી શકે.

અંજલિ કોફી શોપના દરવાજે ઊભી રહી ગઈ અને શફ્ફાક સડસડાટ બહાર નીકળીને પોતાની ગાડીમાં બેસી ગયો. ડ્રાઈવરે એક ક્ષણ માટે શફ્ફાકની સામે જોયું, ‘‘મેમસાબ ?’’

‘‘ચલો, બોલાના...’’ શફ્ફાકે કહ્યું અને ગાડી સડસડાટ જૂહુના રસ્તા વીંધીને આગળ નીકળી ગઈ. કોફી શોપના દરવાજે ઊભેલી અંજલિની આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં, એ ઉપલા દાંત નીચે નીચલો હોઠ દબાવીને ઊભી હતી. એને આખી દુનિયા ગોળગોળ ફરતી દેખાતી હતી... એને એ નહોતું સમજાતું કે જે થયું એ સારું થયું કે ખરાબ ?

શફ્ફાકને પોતાની પ્રેગનન્સી વિશે કહેવાનું તો હતું જ. વળી બે વખત એ જ્યારે શફ્ફાકની નજીક આવી ત્યારે એને પોતાના બાળકના વિચારો આવ્યા જ હતા... રાજેશ સાથે જે કંઈ, જે રીતે થયું એનાથી એ ખુશ તો નહોતી જ, પરંતુ એનો મોહ એને ખેંચી રહ્યો હતો.

‘‘જાનામિ ધર્મસ્ય, ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મસ્ય, ન ચ મે નિવૃત્તિ’’ જેવી પરિસ્થિતિ હતી, ને તેમ છતાંય જાનકીએ જે રીતે ફુગ્ગો ફોડી નાખ્યો એનાથી અંજલિ ધુંઆપુંઆ થઈ ગઈ હતી. શફ્ફાક જે રીતે ચાલ્યો ગયો એનાથી એનો અહં ઘવાયો હતો !

એણે શફ્ફાકને મળવાની ના પાડી હોત એને બદલે પોતે નાની અને ખોટી ઠરી અને શફ્ફાક આવી રીતે ચાલ્યો ગયો એ બદલ ફક્ત અને ફક્ત જાનકી એને જવાબદાર લાગતી હતી.

જાનકીએ પાછળથી આવીને અંજલિના ખભે હાથ મૂક્યો, ‘‘જઈશું ?’’ જાનકીએ પૂછ્‌યું, ખૂબ મમતાથી. એ સમજતી હતી- અંજલિ સાથે જે થયું એ બરોબર નહોતું જ થયું, પણ જેમ મા પોતાના બાળકની ભલાઈ માટે એને રડાવીને પણ આઈસક્રીમ ન ખાવા દે કે એક થપ્પડ મારીને પણ કડવી દવા પીવડાવી દે એવી જ રીતે જાનકીએ આજે અંજલિને એક મુશ્કેલીના વમળમાં ફસાતી બચાવી હતી.

‘‘મારે નથી આવવું, તમે જાવ.’’

‘‘અંજલિબેન, સોરી જો તમને કદાચ...’’

અંજલિએ વાત વચ્ચેથી જ કાપી નાખી, ‘‘તમારે જે કહેવાનું હતું એ તમે કહી દીધું ને ? તો પ્લીઝ, જાવ અહીંથી. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી.’’

‘‘તમારે ન કરવી હોય તો પણ મારે તમારી સાથે વાત કરવી છે અંજલિબેન, અને વાત એ છે કે મને તમારા માટે ખૂબ લાગણી છે. હું તમારું કંઈ પણ ખરાબ થતું જોઈ નહીં શકું. પછી ભલે એ માટે મારે ખરાબ થવું પડે. ’’ જાનકીએ અંજલિનો પકડેલો ખભો એક વાર ખૂબ જ લાગણીથી દબાવ્યો અને પછી સડસડાટ પગથિયા ઊતરીને મુખ્ય રસ્તા તરફ ચાલી ગઈ. પાછળ ઊભેલી ચાર સ્ત્રીએ આ દૃશ્ય જોયા પછી બેસવું કે જવું એનો નિર્ણય કરી શકે એ પહેલાં અંજલિ પણ બે-ચાર ક્ષણ ઊભી રહીને પગથિયા ઊતરી ગઈ, પણ એણે જાનકીથી વિરુદ્ધ દિશા લીધી.

રવિવારની સવારે અભયને આવેલો જોઈને પ્રિયાનું મોઢું ખુલ્લું રહી ગયું, ‘‘ત...!!!’’

‘‘હા, હું ! કેમ ? હું નહીં આવું એમ માનીને તારા કોઈ બોયફ્રેન્ડને બોલાવ્યો છે કે શું ?’’

‘‘શટ અપ અભય, શું ગમે તેમ બોલતા હશો ?’’ પ્રિયાના ચહેરા પર અચાનક મળેલી આ બોનસ ખુશીનો આનંદ છલકાઈ છલકાઈ પડતો હતો.

અભય સોફા પર બેઠો. એણે પગ લંબાવ્યા અને ટેબલ પર મૂક્યા. શર્ટના પહેલા બે બટન ખોલી નાખ્યાં અને બંને હાથ સોફાની પીઠ પર પહોળા કરીને ટેકવ્યા.

‘‘તો ડાર્લિંગ... શું જમાડશો લંચમાં ?’’

‘‘યુ મીન, તમે લંચ અહીં લેવાના છો ?’’ પ્રિયાનો ચહેરો વહેલી સવારના ઝાંકળથી ધોયેલા ફૂલ જેવો તાજો થઈ ગયો. અભયે નજીક આવેલી પ્રિયાને હાથ પકડીને ખેંચી અને પોતાના લંબાવેલા પગ ઉપર બે બાજુ પગ મૂકીને ઘોડેસવારની જેમ બેસાડી. પછી એનો ચહેરો બે હાથમાં પકડીને નજીક લીધો, ‘‘બહુ આગ્રહ નહીં કરતી, નહીં તો ડીનર પણ અહીં જ કરીશ.’’ અભયે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને સ્વીચઓફ કરી દીધો.

‘‘અભય !’’ પ્રિયાના હજીયે માન્યામાં જ નહોતું આવતું.

સામાન્ય રીતે અભય રવિવારની સવારે ક્યારેય પ્રિયાના ઘરે ન આવી શકતો. વૈભવીના ઢગલાબંધ સવાલોના જવાબો આપવા કરતાં ચૂપચાપ ઘરે બેસવું સારું એવું અભયને હંમેશાં લાગતું. ક્યારેક સલૂનમાં જવા માટે, કે એવા બીજા નાના-મોટા બહાના હેઠળ એ ઘરેથી નીકળે તો પણ પંદર-વીસ મિનિટ માંડ પ્રિયાનું મોઢું જોવા આવી પહોંચતો અને એ દરમિયાન પણ એનું મન સતત ઉચાટમાં રહેતું. મોબાઇલ વાગે તો જાણે કંઠે પ્રાણ આવી જતા.

એને બદલે આજે અભય રવિવારે સવારે આવી ગયો હતો અને લંચ કરીને જવાની વાત કરતો હતો...

આટલાં વર્ષોના સંબંધમાં આજે કદાચ આ પહેલો રવિવાર હતો અને પ્રિયા માટે તો જાણે ઉત્સવ થઈ ગયો હતો.એણે અભયના હોઠ ઉપર એક ચુંબન લઈ લીધું. પછી એના ગળામાં હાથ નાખીને એને ઢગલાબંધ વહાલ કરતી રહી...

બંને જણા ખાસ્સો સમય એમ જ થોડું વહાલ અને થોડી વાતો કરતા રહ્યા. પછી અચાનક પ્રિયાએ ક્યારનો એના મનમાં ધોળાયા કરતો સવાલ અભયને પૂછી લીધો, ‘‘એટલે અત્યારે તમે છો ક્યાં ?’’

અભય હસી પડ્યો, ‘‘બહાર...’’

‘‘એટલે તમે કશું કહ્યું જ નથી ?’’

‘‘ના.’’ અભયની છાતી પર માથું મૂકીને હજીયે આ પળને સાચી માનવાનો પ્રયાસ કરી રહેલી પ્રિયાનો અવાજ આશ્ચર્યમાં ઝબોળાઈને આવ્યો,

‘‘ને તમને કોઈએ કશું પૂછ્‌યું યે નહીં ?’’

‘‘હવે કહેવા અને પૂછવાના સંબંધોમાંથી હું બહાર નીકળી ગયો છું...’’ ઊંડો નિઃશ્વાસ નાખી, સહેજ અટકીને એણે કહ્યું, ‘‘અથવા એમ કહે કે નીકળી રહ્યો છું.’’

‘‘ચલો, હું રસોઈ બનાવું.’’ પ્રિયાએ ઊભા થવાનો સાવ હલકો પ્રયાસ કર્યો. એને જ્યારે જ્યારે તક મળે ત્યારે એક પત્નીની જેમ વર્તવું ગમતું. અભયના માથામાં તેલ નાખવું, એને જમાડવો, ક્યારેક એની પીઠ દબાવી આપવી તો ક્યારેક એને કશુંક વાંચી સંભળાવવું...

એની સાથે સારું સંગીત સાંભળવુંં... ચાલવા જવું... પ્રિયાને આ બધું જ કરવું ખૂબ ગમતું, પણ એ બંનેને સમય જ એટલો ઓછો મળતો કે બંને ભાગ્યે જ ફ્લેટની બહાર નીકળી શકતા.

મોટે ભાગે તો બંનેને ઓફિસ સિવાય મળવાનો સમય જ નહોતો મળતો. ક્યારેક મોડી રાતે પાટર્ીના બહાને ઘરેથી નીકળેલો અભય અહીં અડધી રાત સુધી રોકાતો... એટલું જ !

‘‘છોડ !’’ અભયે પ્રિયાને નજીક ખેંચી, ‘‘આપણે લંચ માટે બહાર જઈશું.’’

‘‘ના પણ હું...’’

‘‘ચૂપ ! આપણે બહાર જઈશું. પછી કદાચ એકાદ ફિલ્મ જોઈશું...’’ પ્રિયાને આજે સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ મળી રહી હતી.

‘‘અને... વૈભવી ?’’

‘‘એનું શું છે ?’’ અભયના અવાજમાં આટલી બેફિકરાઈ અને આટલો આત્મવિશ્વાસ પ્રિયાએ પહેલા ક્યારેય નહોતો સાંભળ્યો.

‘‘પછી તમારે ઝઘડો થશે.’’

‘‘થશે તો થશે. હું રવિવાર ઘરે ગાળીશ તો પણ ઝઘડો તો થવાનો જ છે. એના કરતા થોડા કલાક સુખના ગાળી લઉં...’’ અભયે પ્રિયાને થોડી વધારે નજીક ખેંચી અને એની પીઠમાં માર્દવથી હાથ ફેરવવા માંડ્યો, ‘‘પ્રિયા, આજ સુધી હું શાંત માટે જે કંઈ કરતો રહ્યોને એ સોદો હતો... વૈભવી કહે તેમ કરવાથી પણ અંતે તો શાંતિ નથી જ રહેતી. મેં બહુ મોટાં સમાધાનો કર્યાં છે... મનથી લઈને શરીર સુધીનાં, પણ હવે કશાયના બદલામાં મળેલી શાંતિ મારે નથી જોઈતી... એને બદલે હું થોડા કલાક અશાંતિમાં ગાળી લઈશ.’’ પ્રિયાની આંખો ભીની થઈ આવી હતી. અભયની છાતી પર એની આંખમાંથી આંસુનાં બે-ચાર ટીપાં પડી ગયાં.

‘‘તમે બહુ બદલાઈ ગયા છો અભય.’’

‘‘હા, મેં નક્કી કર્યું છે બદલાવાનું. મારે મારી જાતને મળવું છે હવે. બહુ ભાગતો ફર્યો હું ! મારે વર્ષોના થર ખસેડીને થોડીક પળ મારા પોતાના માટે જુદી કાઢવી છે પ્રિયા...’’

‘‘અભય !’’

‘‘હું બહુ જ થોડા સમયમાં આપણી આ રિલેશનશિપ વિશે માને કહેવાનો છું.’’

‘‘વ્હોટ ?’’ પ્રિયા બેઠી થઈ ગઈ.

‘‘મને લાગે છે મારી મા મારા વિશે કંઈક શોધી કાઢે એ પહેલાં મારે એને હકીકત કહી દેવી જોઈએ. મેં આજ સુધી એનાથી કંઈ નથી છુપાવ્યું તો હવે આ પણ શું કામ...’’ અભયનો હાથ પ્રિયાની પીઠ પર ફરતો રહ્યો. પ્રિયા પણ હળવે હળવે ફરી પાછી અભયની છાતી પર માથું મૂકીને સૂઈ ગઈ...

બહાર લંચ, પછી ખાસ્સી વાર સુધી આમથી તેમ રખડતાં રહ્યાં અભય અને પ્રિયા. બપોરે લગભગ અઢી વાગ્યે પ્રિયાના ફ્લેટ પર આવીને અભય આડો પડ્યો. પડતાં વેંત જ જાણે સુખની નિદ્રા આવી હોય એમ એનાં નસકોરાં બોલવા લાગ્યાં. પ્રિયા કોણી વાળીને માથા નીચે હાથ ટેકવી એક પડખે સૂઈને ઘસઘસાટ ઊંઘતા અભયને વહાલથી જોઈ રહી હતી, ત્યાં અચાનક પ્રિયાનો મોબાઈલ રણકી ઊઠ્યો.

‘‘જી... જી વૈભવીબેન !’’ પ્રિયાએ થથરતા અવાજે ફોન ઉપાડ્યો.

‘‘અભય... અભય ક્યાં ગયા છે ખબર છે ?’’

‘‘અ...બ... મને કેવી રીતે ખબર હોય ? આજે તો રવિવાર છે ને?’’સામાન્ય રીતે અભયની બધી જ મિટિંગ્સ, બહારગામનાં બધાં જ શિડ્યુઅલ્સ કે ક્લાયન્ટની વિગતો પ્રિયાને ખબર હોય. મિટિંગમાં બેઠેલા અભયનો ફોન સ્વીચઓફ હોય કે કકળાટ કરતી વૈભવીને અટકાવવા એણે ફોન સ્વીચઓફ કર્યો હોય ત્યારે વૈભવીનો ફોન પ્રિયા પર ઘણી વાર આવ્યો હતો.

પણ રવિવારે બપોરે, આટલાં વર્ષોમાં પહેલી વાર આવ્યો હતો.

‘‘કોઈ મિટિંગ હતી ?’’

‘‘જી... મને ખ્યાલ નથી.’’

‘‘કદાચ એમનો ફોન તો ઘરે ફોન કરવાનું કહેજે ને... અમે જમવાની રાહ જોઈએ છીએ. સવારના ગયા છે. એટલી ચિંતા થાય છે.’’ વૈભવીએ એક સફળ દાંપત્ય અને એક ઉત્તમ ગૃહિણીનો અભિનય કર્યો.

‘‘ચોક્કસ કહીશ.’’ પ્રિયાએ કહ્યું અને ફોન મૂકવા જ માગતી હતી ત્યાં તદ્દન નવરી વૈભવીએ વાત આગળ ચલાવી, ‘‘તું શું કરતી હતી ?’’

‘‘હું ? હું વાંચતી હતી.’’

‘‘હાસ્તો, તારે નથી બોયફ્રેન્ડ કે નથી હસબન્ડ... રવિવારની બપોરનો રોમાન્સ તારે તો ચોપડીઓમાં જ ગોતવો પડે.’’ વૈભવી હસી.

‘‘સાચી વાત છે.’’ પ્રિયાએ કહ્યું અને વાત ટૂંકાવી, ‘‘મને ફોન આવશે તો હુંં કહીશ.’’

‘‘ઓ.કે. બાય...’’ પ્રિયાએ ફોન કાપીને નિરાંતનો શ્વાસ લીધો, પણ અભયની આંખો ઊઘડી ગઈ હતી, ‘‘વૈભવી ?’’

‘‘હં.’’

‘‘તેં કહ્યું નહીં કે હું અહીં છું ?’’ અભયે ઊંઘરેટી આંખે પ્રિયાને નજીક ખેંચી.

આ સાવ બદલાયેલા જુદા અભય પર પ્રિયાને વારી વારી જવાનું મન થતું હતું. એને અભય પોતાના કુટુંબથી દૂર થાય એવી કોઈ ઈર્ષ્યા કે ખરાબ ભાવના નહોતી, પણ અભયે છેલ્લા થોડા દિવસથી ઓફિસમાં અને જાહેરમાં એણે જે રીતે સ્વીકાર અને અધિકારો આપવા માંડ્યા હતા એનાથી પ્રિયાનું આત્મસન્માન વધ્યું હતું. એમાંયે આજે, ‘‘તેં કહ્યું નહીં કે હું અહીં છું ?’’ કહીને તો અભયે પ્રિયાને જીતી જ લીધી.

‘‘અ...ભ...ય.’’ અને પ્રિયા પોતાના સમગ્ર અસ્તિત્વથી અભયમાં ઓગળી રહી !

અલયના ખોળામાં સૂતેલી અનુપમાએ કોન્ફિડન્સથી કહ્યું, ‘‘શૈલેશ સાવલિયા...’’

અને એટલામાં બારણું ખૂલ્યું, દાખલ થયેલી વ્યક્તિને જોઈને અનુપમા ફટાક કરતી બેઠી થઈ ગઈ. અલયે દાખલ થયેલી શ્રેયાને જોઈને બહુ જ સ્વાભાવિક અવાજમાં કહ્યું, ‘‘આવ !’’

‘‘તો એટલે ફોન નથી ઉપાડાતો તારાથી ?’’ શ્રેયાનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. એનું મગજ ફાટીને ધુમાડે ગયું હતું. છેલ્લા કેટલાય સમયથી, લગભગ સવારથી અલયને એ ફોન કરી રહી હતી, પણ અલય ફોન ઉપાડતો જ નહોતો. શ્રેયાનો છેલ્લો મેસેજ વાંચ્યા પછી અલયે મનોમન નક્કી કર્યું હતું કે જ્યાં સુધી એના મનમાં આ ફાલતું શંકા દૂર ન થાય ત્યાં સુધી એ શ્રેયાની કોઈ વાત પર ધ્યાન નહીં આપે. આમ પણ અલય ખાસ્સો જિદ્દી હતો. એના મનમાં જે આવે અને જે ધાર્યું હોય એમ જ કરતો. ખાસ કરીને એના વર્તન કે એની સ્વતંત્રતા બાબતે એને કોઈ પણ કંઈ કહે એ એને પસંદ નહોતું. બાળપણથી અલયને ઓળખતી શ્રેયાને આ વાત ખબર હતી. એ સામાન્ય રીતે ક્યારેય અલય સાથે અમુક બાબતે વિવાદમાં ન ઊતરતી, પણ આ ત્રણ દિવસથી ચાલી રહેલી પરિસ્થિતિમાં શ્રેયા પોતાના કન્ટ્રોલની બહાર નીકળી ગઈ હતી. અનુપમાનું સૌંદર્ય, અલયનું એના માટેનું વર્ષોનું આકર્ષણ અને અહોભાવ... હવે, અનુપમાનું અલય માટેનું આકર્ષણ શ્રેયાને ધરમૂળથી હચમચાવી ગયું હતું. એ તો ખરેખર અનુપમા સાથે તડફડ કરવા આવી હતી. અલય એને આમ અહીં મળી જશે એવી તો એને કલ્પના જ નહોતી.

એમાંય અલયના અવાજની સ્વસ્થતા અને ત્યાં જોયેલા દૃશ્યએ એને સાવ પાગલ કરી મૂકી.

‘‘તો એટલે ફોન નહોતો ઉપાડાતો તારાથી ? મને કલ્પના નહોતી કે તારી ફિલ્મ બનાવવા માટે તું આ કક્ષાએ જઈ શકે.’’

‘‘બેસ...’’ અલય પોતાની જગ્યાએથી હાલ્યો ય નહોતો. એ એમ જ એક ઘૂંટણ વાળીને એના પર પોતાનો એક લંબાવેલો હાથ ટેકવીને બીજો પગ લાંબો કરીને બેઠો હતો. નિર્લેપ ! નિર્વિકાર !

‘‘નથી બેસવું મારે. જે જોયું એ ઇનફ છે. તારી રાસલીલાઓ જોવાનો કોઈ શોખ નથી મને. મેં શું માન્યો હતો તને ? ને શું નીકળ્યો તું? દીકરો તો તારા બાપનો ને ? પત્નીની કિંમત ન જ હોય તમને...’’ શ્રેયા બહાર જવા ઊંધી ફરી કે ‘પત્ની’ શબ્દ સાંભળીને ચોંકી ઊઠેલી અનુપમાએ વીજળીની ઝડપે ઊઠીને એનો હાથ પકડી લીધો.

‘‘તમે... તમે અલયનાં પત્ની છો ? પણ એણે તો ક્યારેય...’’

‘‘પત્ની નહીં, પત્નીથી વધારે છું. સાત સાત વર્ષથી રાહ જોઉં છું એની ફિલ્મની, એની સફળતાની... પણ મને ખબર નહોતી કે સફળતા આવે એ પહેલાં તોે મારાં પત્ની બનવાનાં સપનાં ઉપર કાતર ફેરવશે આ માણસ.’’

‘‘પણ...’’ અનુપમા કંઈ કહે એ પહેલા અલય ઊભો થયો. શ્રેયાની નજીક આવ્યો. એની આંખમાં આંખ નાખી અને વિદ્રોહનો એક તણખો શ્રેયાને નખશિખ દઝાડી ગયો, ‘‘સારું થયું શ્રેયા, કે તું પત્ની બને એ પહેલાં જ આપણે એકબીજાને ઓળખી ગયા. ખાસ કરીને તને મારી સફળતાની િંકંમત સમજાઈ ગઈ એ બહુ સારું થયું. હવે નિર્ણય તારા હાથમાં છે. હું તો આ જ છું ને આ જ રહેવાનો...’’ અલયે અનુપમાના ભયાનક આશ્ચર્ય વચ્ચે એના ખભે હાથ વીંટાળ્યો.

‘‘અલય, તને ખબર છે ને તું શું કરે છે ?’’

‘‘અત્યાર સુધી ખબર નહોતી, હવે સમજાયું છે. દરેક સફળતાની એક કિંમત હોય છે... અને વહેલી કે મોડી એ ચૂકવવી જ પડતી હોય છે.’’

‘‘અલય !?’’

‘‘તું જાણે છે હું ક્યારેય હારતો નથી. મને છોડી દેવાની કે ભૂલી જવાની ટેવ નથી. હું મોટે ભાગે સપનાં જોતો જ નથી ને જોઉં તો એને પૂરાં કરવાની પૂરેપૂરી તૈયારી સાથે જોઉં છું.જરૂરિયાતોને સમજી શકે, લેવડ-દેવડનો હિસાબ બરાબર કરી શકે એ બધા ઢગલો સવાલો સાથે માથાં ફોડતાં ફોડતાં જીવી જ જાય છે. હું લોકલ ટ્રેનમાં દિવસના ચાર કલાક બગાડીને નહીં જીવી શકું અને જિંદગીને વાપરી કાઢવી, ખર્ચી નાખવી કે વેડફી નાખવી મારા માટે શક્ય નથી. હું પુનજર્ન્મમાં નથી માનતો શ્રેયા.’’ અનુપમા આશ્ચર્યચકિત થઈને અલય સામે જોઈ રહી હતી.

‘‘હું હજી સમજી નથી, તું શું કહેવા માગે છે.’’

‘‘હવે આનાથી સ્પષ્ટ કહું ?’’

‘‘કંઈ બાકી હોય તો કહી જ નાખ. આમ પણ આની હાજરીમાં તને જરા શૂર ચડ્યું છે, ખરું ને ?’’

‘‘એને વચ્ચે લાવવાની જરૂર નથી.’’

‘‘એ વચ્ચે જ છે... અને એમાંથી જ બધા પ્રશ્નો સર્જાયા છે અલય.’’ ડૂમો ભરાયેલા, રૂંધાયેલા કંઠે શ્રેયા અનુપમા તરફ ફરી અને કહ્યું, ‘‘શું મળ્યું તને ? કે પછી આ શોખ છે તારો... રોજ નવા રમકડે રમવાનો.’’

‘‘શ્રેયાઆઆઆ....’’ અલયનો અવાજ આખી ચર્ચામાં પહેલી વાર ઊંચો થયો.

‘‘એને તો ફરક નહીં પડે અલય, તારી પહેલાંય કેટલા હશે અને તારા પછી કેટલા આવશે કોને ખબર...’’ આજે શ્રેયાએ જાણે હિસાબ કરી લેવાનું નક્કી કર્યું હતું, ‘‘પણ તું તારી ફિલમના, તારી સફળતાના નશામાં આંધળો થઈને એ સુખને લાત મારી રહ્યો છે જે તારી મુઠ્ઠીમાં, તારી હસ્તરેખા બનીને ધબકતું રહ્યું છે આજ સુધી.’’

અલયનો ચહેરો બદલાઈ ગયો હતો. એક અજબ પથ્થર જેવો ચહેરો થઈ ગયો હતો એનો. ભાવવિહિન ! એણે એકદમ ઠંડા અને છતાં આરપાર નીકળી જાય એવા ધારદાર અવાજે જાણે છેલ્લું વાક્ય બોલતો હોય એમ કહ્યું, ‘‘તો સાંભળ શ્રેયા, મેં તને તે દિવસે રાત્રે પણ કહેલું કે મારી અને મારા સપનાની વચ્ચે આવનાર ગમે તેને હું લાત મારીને ફેંકી દઈશ... મેં હજી લાત મારી નથી, પણ મને લાત મારવાની ફરજ ના પાડીશ.’’

શ્રેયાએ અલયને કોલરમાંથી પકડી લીધો અને હચમચાવી નાખ્યો. એનું શર્ટ ચિરાઈ ગયું, ‘‘એવી જરૂર નહીં પડે. તું મને શું લાત મારે અલય, હું લાત મારું છું તને...’’ શ્રેયા સડસડાટ ઓરડાની બહાર જવા લાગી. પછી એક ક્ષણ રોકાઈ, પાછી ફરી, અલયની નજીક આવી અને ઓકી શકાય એટલું ઝેર અવાજમાં ઉમેરીને કહ્યું, ‘‘પણ આ તને રમીને ફેંકી દે ત્યારે મારી પાસે પાછો નહીં આવતો... વપરાયેલા પેપર નેપકિન્સ ડસ્ટબિનમાં જ જાય અલય, એને ફરી ના વપરાય...’’

શ્રેયા તો રૂમની બહાર ચાલી ગઈ.

ડઘાયેલી અનુપમા સ્તબ્ધ ઊભી હતી.

અલયે પોતાની બેગ ઉપાડી, અને અનુપમા સામે જોઈને કહ્યું, ‘‘કાલે સવારે, છ વાગ્યે ૧૩૨ના મરીન લાઇન્સ બસ સ્ટોપની સામે... વીથ મેક-અપ, ઓન ડોટ !’’

(ક્રમશઃ)

Rate & Review

Sweta Patel

Sweta Patel 1 month ago

Hemant Sanghvi

Hemant Sanghvi 2 months ago

Dhaval Patel

Dhaval Patel 2 months ago

Hetal Ghodasara

Hetal Ghodasara 5 months ago

Komal Joisher

Komal Joisher 6 months ago