adhikar books and stories free download online pdf in Gujarati

અધિકાર

અધિકાર

ત્રીજીવાર ડોરબેલ વગાડી મીરાં રાહ જોતી ઊભી . દરવાજો ન ખુલતા અંતે પર્સ ફંફોસી,ચાવી કાઢી બારણું ખોલ્યું. સંજીવ ઝાંખા પ્રકાશમાં લેપટોપ ચાલુ મૂકી સોફા પર સૂઈ ગયો'તો. આસપાસ બિયરની બોટલો અને નાસ્તાના ડબ્બા વેરવિખેર પડ્યા'તા . "સંજીવ !! પિંકી ક્યાં છે? સંજીવ, રૂમની હાલત જો...! શાંતાબાઈ નથી આવી??" મીરાંએ સંજીવને ઢંઢોળ્યો. "....હે ?! હા પિંકી સામે બર્થડે પાર્ટીમાં ગઈ છે, શાંતાબાઈ સાંજે નહીં આવેએમ કેહતી'તી." સંજીવે હોંશમાં આવીને કહ્યું. મુંબઈની લોકલમાં ધક્કા ખાઈ થાકેલી મીરાંએ, રસોડામાં જઈ, જે હાથ લાગ્યું તે બનાવ્યું. પતિપત્ની ચૂપચાપ જમ્યાં. " સંજીવ જોબનું કઈ નક્કી થયું ? " સંજીવે નીચે જોઈને જ જવાબ આપ્યો " ના..ટ્રાઇમાં છું."

પિંકીને ઘરે લાવી મીરાં વિચારે ચડી.. સંજીવ, લગ્નના પાંચ વર્ષ સારું કમાયા બાદ, છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં બેસી નવી નોકરી શોધ્યા કરતો. ક્યારેક બે મહિના કામ કરી મૂકી દે, ક્યારેક દિવસો સુધી ઘરમાં બેસે. પિંકીના જન્મ પછી મીરાંને બીજું પ્રમોશન મળ્યું. સંજીવ કમાતો ન હોઈ અંધેરીમાં લીધેલો ફ્લેટ ભાડે આપી, બીજે નાના ઘરમાં શિફ્ટ થવા ફરજ પડી. ક્યારેક સંજીવ ફરી કમાતો થશે, ને ફરી પોતાના ફ્લેટમાં જઈ શકાશે, એવી મીરાંની આશાને આજ બે વર્ષ થવા આવ્યા હતાં. સંજીવની બેફિકરાઈ અને આળસ વધતાં જતાં હતાં . કંઈ કહેવા જતાં એને ખરાબ લાગતું. male ego સળગી જતો.

સવારે સાડાચાર નો અલાર્મ વાગતા મીરાં ઉઠી. શાંતાબાઈ નહીં આવેતો વધુ દોડવું પડશે એમ વિચારી રસોડામાં ગઈ. "સંજીવ....! બે મહિનાનું ભાડું બાકી છે..ભરી દેજે..! "ઓફિસે જતા મીરાંએ કહ્યું.

સંજીવ બોલ્યો" મારી પાસે હવે કઈ ખાસ બચત નથી..તું ભરજે.."

નવાઈ પામી મીરા બોલી " આમ ક્યાં સુધી ચાલશે ?”

સંજીવનો અહં ઘવાયો.." ક્યાં સુધી એટલે..!! અરે મળી જશે મને કામ. કમ ઓન ડાર્લિંગ , મારો તારા પર કંઈ હક ખરો કે નહિ...હા ?? કાયમ ટોક્યા કરે છે...ડ્રોઈંગ રૂમ પચાવી પડ્યો છે,વગેરે...એતો રહેશે સ્વીટ હાર્ટ.. અને હા..આ શાન્તાબાઈ કેમ નથી આવતી? આ લોકોને નખરા બહુ. નોકરો નોકરની જગ્યાએજ સારા.. તડકાવો નહીં તો સરખા ચાલે નહીં....જરા કડકાઈથી કહી દે આમ નહીં ચાલે, બીજે કામ શોધી લે.....!"." નફ્ફટાઈથી હસીને સંજીવ સિગરેટ ફૂંકવા લાગ્યો.

બે દિવસ પછી ઉપરાઉપરી બેલ વાગતા સંજીવ ઉભો થયો. દરવાજો ખોલ્યો ત્યાં શાંતાબાઈ ઉભી હતી..." ક્યાં સાબ... દરવાજા નહિ ખોલ રહા..એ લો આપકી ચિઠ્ઠી..વોચમેન દિયા હૈ..." ઘડિયાળ માં સવારના આઠ વાગ્યા હતા. મીરાં અને પિંકી ક્યારે જતા રહ્યા એ ખ્યાલ ન આવ્યો એમ વિચારતા સંજીવ સોફા પર બેઠો.' નક્કી કવરમાં જતી વખત મીરાં ભાડાના પૈસા મૂકી ગઈ હશે..ઉતાવળમાં મને આપતા ભૂલી ગઈ.ગેઇટ પર કવર આપી દીધું હશે …...'

કવર ખોલી જોયુંતો એક કાગળ નીકળ્યો.. કાગળમાં લખ્યું હતું : મને ખાતરી છે તને પૈસાના બંડલની આશા હતી, સંજીવ મનેય સંસાર ચલાવવા તારા સાથની આશા હતી. હું અને પિંકી અંધેરીના ફ્લેટમાં શિફ્ટ થયા છીએ. અમે બંને હવે અહીં જ રહીશું. કાલ રાત્રે હું આવી પણ તું as usual સૂતો હતો. મને ફરી પ્રોમોશન મળ્યું છે. લોન મારા નામ પર છે તે હું ભરીશ..તું એ ઘરનું ભાડું ભરજે ……….’ સંજીવનો રહ્યોસહ્યો અહં દાઝયો.

શાંતાબાઈ રસોડામાંથી બોલી " સાબ તીન દિનકા છુટ્ટી હુઆ , દીદી ગુસ્સાતો નહીં હુઈ...?? મેરા મરદ કુછ કમાતા નહીં .બહોત દિનોસે ઘરમેં દારૂ પીકે સડ રહા થા..બહોત જગડા હુઆ ....કલ મૈને ઉસકો ઘર સે બહાર ફેંકા...., બેકાર કહીકા, દો દિન સડક પે સોયેગા ...દિમાગ ઠીકાને આ જાયેગા.. બેવડા સાલા…….."

મીરાંએ મારેલા ઘામાંથી કળ વળે એ પહેલાજ એક અભણ ગરીબ, સ્ત્રીના શબ્દોએ જાણે ચાબખો માર્યો હોય એવું સંજીવને લાગ્યું...એનો અહમ ત્યાંજ ગૂંચળું વળી બેસી ગયો.
આજે એક કેહવત ખોટી પડી હતી…." ઢોલ, ગંવાર ,શુદ્ર, પશુ, નારી, સકલ તાડનકે અધિકારી...”