Pattano Mahel - 3 books and stories free download online pdf in Gujarati

પત્તાનો મહેલ - 3

પ્રકરણ 3

 

શર્વરી મિસિસ બુચ બની હતી તે પહેલા મિસ મહેતા હતી. તે વખતે તેને ચાહનારાઓમાં આશુતોષ દલાલ, જય દેસાઈ અને મિહિર ચક્રવર્તી મુખ્ય હતા. શર્વરી અચાનક મિસિસ બુચ કેવી રીતે બની ગઈ તે નિલય બુચ પણ જાણતો નથી.

 

તે દિવસે આશુતોષ ઘરે આવ્યો હતો – ઘણા વરસે તે શર્વરીને મળતો હતો. અમેરિકાથી આવ્યો હતો.

 

શર્વરી એને  મળવા ઇચ્છતી નહોતી – પણ ઘરે આવેલ અતિથીનો અનાદર પણ ન કરાય ને ?

 

‘આવો – આવો’ હું બોલ્યો.

 

‘હું આશુતોષ દલાલ ’

 

‘આપની ઓળખાણ ન પડી.’

 

‘હું અને શર્વરી સાથે ભણતા હતા.’

 

‘અરે શર્વરી ! તમારા મહેમાન છે.’  અને હું મારા ગાર્ડનીંગમાં વ્યસ્ત બનું છું.

 

ગુલાબના છોડ ઉપર લાલ અને પીળા બન્ને ગુલાબ જોઇ આશુતોષ આશ્ચર્ય પામે છે અમેરિકન પધ્ધતિ વિશે કંઈક કહે છે હું મારા ભૂતકાળમાં ગરક થાઉં છું – શ્યામલીનો આ જ રીતે હું ચાહતો હતો ને… એને ઘરે જવાની તીવ્ર ઇચ્છાઓને હું ખૂબ કરતો હતો….  એનો પતિ કેવો હોય.. એના દામ્પત્યજીવનમાં ગરબડ ઊભી થાય … ખેર…

 

શર્વરી આશુતોષને ચા પણ ધરતી નથી. એને એકલા આવવાની ના પાડે છે. એની મિસિસ, એના બાળકોને લઈને આવવા માટે કહે છે. હાઈપોક્રેટ આવી કટોકટીની ક્ષણોમાં કેવા ખુલ્લા પડે છે.

 

અંદરથી સળગી ગયો હોવા છતાં હું હસતે મોંએ એમને આવજો કહું છું.

 

શર્વરી આશુતોષને કોસે છે. એણે આટલા વર્ષો પછી મારા ઘરે ન આવવું જોઇએ. એકલા તો નહીં જ … મેં કહ્યું એની બૈરી તારા નામથી સળગતી હશે… હોઠ કરડતી હશે કે પગ પછાડતી હશે… તેથી જ તો નહીં લાવતો હોય… અને કાં તો જોવા ઇચ્છતો હશે મિસિસ બુચ તરીકે તું સુખી છો કે…  મિસિસ દલાલ તરીકે સુખી હોત…

 

યુ શટઅપ… કહી એ એક ગુસ્સામય વાક્યને સુદર્શન ચક્રની જેમ મારી ઉપર છોડી જાય છે… હું મૂછમાં હસું છું. એની રિઝર્વ નીતિ ઉપર… એણે શા માટે આશુતોષ સાથે આવી રીતે વર્તવું પડે. તે જ નથી સમજાતું… સાથે સાથે ગર્ભિત આનંદ પણ થતો હતો… એની વફાદારીનું આ સીધું પરિમાણ હતું…

 

સેલ્સ રીપ્રિઝેન્ટટિવની નોકરીનું કોઈ ઠેકાણું જ નહીં. ઘડીકમાં ૨૦૦૦ પાડતો એસ. આર. નકામો બની ટર્મિનેટ થઈ જતો હોય અને જો ગરજ હોય તો …Yes Mr. Buch we will be glad to acceot you at your terms and conditions.. Our organization will be highly indebted by your joining   … જેવા ભારેખમ વાક્યોનો તાજ પહેરાવી ને… કામ કરાવાય. પેલા ઈદના બકરાને જેમ ખવડાવી પીવડાવીને તગડો કરાવીને… શણગારીને ઈદના દિવસે હલાલ કરવા વાજતે ગાજતે લઈ જવાય ને તે જ રીતે…

 

આશુતોષની જેમ જ શ્યામલીને ત્યાં જવાનું મન થયા કરે છે… શ્યામલી તેના સંસારમાં વ્યસ્ત હશે… સુખી હશે … કે શર્વરીની જેમ એના પતિને એના હાથમાં રાખવાની કોશિષો કરતી હશે… કે એક મીઠો ખ્યાલ… ધીમે ધીમે મનના તરંગોને જન્માવતો જન્માવતો આગળ વધવા માંડ્યો…

 

ત્યાં શર્વરી આવે છે… ‘નિલુ…, આ તમારી પુરુષોની જાત કેવી છે?’

 

‘તને ખબર ’

 

‘કોઈ પણ પરિણીતાના જીવનમાં એના પતિની પરવાનગી સિવાય પગ મૂકતા શરમ ન આવે… આશુતોષ અમેરિકા થઈને આવ્યો એટલે એની તોરીમાં ફરે છે કેમ ? ’ ‘હશે… શર્વુ. – હવે તો આપણે મેચ્યોર્ડ કહેવાઈએ ને? અને મિત્રો હોવાના નાતે આવે પણ ખરો…’

 

‘આવે છે મારી બલારાત… અરે મારી પાછળ પડ્યો હતો… શાનો મિત્ર? ’

 

‘તેં સારી રીતે ટ્રીટ નથી કર્યો તેથી… નેચરલી હવે નહીં આવે…’

 

‘હવે આવશે તો ટાંટિયો ભાંગી નાખીશ…’

 

એ ઝનૂની તો છે જ. એના મનમાં આવે એટલું જ કરે છે… સારાનરસાનું ભાન નહીં અને પકડ્યું તે મૂકે નહીં તેવી મનોવૃત્તિ. ખરેખર હવે આશુતોષ આવે તો ટાંટિયો પણ ભાંગી નાખે… એની ઑફિસમાં એક દિવસ હર્ષદ વાંકોચૂકો થયો હશે… સીધો કરી નાખ્યો… ઇસ્ત્રી ફેરવીને…

 

બન્યું હતું એવું કે કાંટાવાલાના ડેઈઝી સાથેના અનૈતિક સંબંધોના સંદર્ભમાં મિસિસ બુચનું નામ પણ હર્ષદ સાથે જોડાયેલું… હર્ષદ એટલે પેલા વાયડા મિનિસ્ટર જયંતિલાલનો નાનો ભાઈ, એમની ફર્મમાં જ જોબ એટલે વારે વારે પોલિટિકલ પ્રેશરથી મોટો ઑર્ડર મળે. એને એમ કે આ ઑફિસનું બીજું ગુલાબ મિસિસ બુચ …ચાલો મેળવી લઈએ… અને એ દિવસે ભરી ઑફિસમાંથી શર્વુને હોટલમાં લઈ ગયો. મિસ્ટર ભીમને લેવાની ના પાડી. શર્વરી હોટેલમાં ગઈ… અને ત્યાં જઈને જડી દીધી એક રસીદ એના ગાલ ઉપર તે દિવસથી એને કોઈ છંછેડતું નથી.

 

 તે દિવસે એને ખિસકોલી કહેનારા બધાની બોબડી બંધ થઈ ગઈ. ખિસકોલીમાંથી એનું નામ ક્વીન કોબ્રા પડ્યું… પણ મારી સાથે એ છંછેડાતી નથી. કદાચ… એ સમજે છે… મને એની જરૂર છે… અથવા એને મારી જરૂર છે. રોજ સવારે પેલું વિમાન ઉડતુ ઉડતું મારા આકાશની અટારીએ આવીને ઘુઘવે છે સાથે પેલું ઉડતું ચકલીનું બચ્ચું પણ એ જ આકાશની અટારીમાં એની કપાઈ ગયેલી મા નું ફરફરતું પીંછું શોધે છે… મારી આકાશની અટારીમાંનો એક ખૂણો એટલે અગાસીનો છેવાડો… જ્યાંથી હું રોજ ઉત્તર – પૂર્વ – પશ્ચિમ – દક્ષિણ દિશાઓમાં નજર મીંચીને શ્વાસ લઉં છું મારા શ્વાસમાં મુંબઈનો કલુષિત પવન… ટાઈગર બસનો ખડખડાટ… ટેક્ષી ને હોર્ન… લીફ્ટમેનની ઘંટડીઓ અને દરિયાનો ઘુઘવાટ મહેક્યા છે.

 

રોજ સાંજે સાત વાગે એટલે ચોપાટીની માદક હવાઓ અને ટીફીનવાળાનાં ખડખડાટને ભરતી ઈલેક્ટ્રીક ટ્રેનો બોરીવલી વિરાર તરફ ભાગતી હોય છે. હું પણ આ ટ્રેનોને લઈને માનસિક રીતે ભાગું છું. કદીક બોરીવલીના અમારા ફ્લેટમાં હું સૂતો હોઉં પણ મને ટ્રેનની ચીસો… ખડખડાટ… અને સીસ્ટમૅટિક રીતે હલતી લયબદ્ધ ગતિનો ભાસ થતો રહે છે.

 

મિસ્ટર ભીમ વિશે કશું કહેવું નથી. એ મારું દુખતું ગુમડું છે. અને સ્થૂળકાય સજ્જન શર્વરીના ગોડફાધર છે. શર્વરી અને મારા સંબંધો ૧૫ વર્ષથી ટક્યા છે – તેનો જશ એમને જાય છે. આમ તો એમના પત્ની – એમના સંતાનો … એમનું ઘર એ બધું જ છે. પણ પરંતુ એમને એક મન:સંતાન શર્વરી છે. એ કહે તો પંદર દિવસ સુધી પાણી ન પીએ – અને એ કહે તો મારા જેવા અડબંગ જોડે ૧૫ વર્ષ સુધી ટકી શકે…એ ગોડફાધરને કયા પ્રસંગથી શર્વરી જચી ગઈ હતી એ એક પ્રશ્ન છે?  એના ઘરનાં વિરોધને દબાવી દઈને શર્વરી એ ઘરની છોકરી બની શકી છે – કેવી રીતે ખબર નથી…

 

પરંતુ ત્યાર પછીની વાત કરવા જેવી નથી…મિસ્ટર ભીમ આમેય દરેક જગ્યાએ ભીમ સાબિત થાય છે. તેમણે મને શર્વરી આપી – કન્યાદાન કર્યું – ખૂબ થયું… પછી પણ અમારા દામ્પત્યજીવનમાં બાપ ન કરે તે હદ સુધી ડોકાયા કર્યા… નોકરી છૂટી… એમના કારણે. બીજી મળી એમના કારણે… ફરી છોડી મારી જાતે… ફરી મેળવી મારી જાતે જ … જે છોડાવવા ભયંકર પ્રયત્નો થયા… ના ફાવ્યા… એટલે બીજો એટેક આવ્યો… ફ્લૅટ અપાવ્યો… obediant  છોકરી ચાલી ગઈ રહેવા… અને સમજું હું… ક્યાં કેવી રીતે ભોળવાઈ ગયો… ખબર જ ન પડી… આમેય મુંબઈમાં ઓટલો મોટું આશ્વાસન છે… એ opprtunist બની ગયો… અને પછી બધું સાંભળવા મળ્યું કે…જવા દો ને… નથી કહેવું. પણ તે દિવસથી મને ખબર પડી ગઈ હતી કે શર્વરી સંતાનોની બાબતમાં કેમ  એબોર્શનનો વધારે આશરો લે છે. She is taking pills regularly..Can’t help..

 

 

 

જે દિવસે હું એ હકીકત જાણી ગયો તે દિવસથી શર્વરી મૌન બની ગઈ છે.એના ઝનૂનને આ નબળી કડી પાસે ઝટકાવી દઉં છું. પણ મને ખબર બહુ મોડી પડીને. અને જ્યારે ખબર પડી ત્યારે મને એની આદત પડી ગઈ હતી… એવી આદત કે ફાંસીએ ચડતો કેદી મુક્તિને ઝંખે તેવી તીવ્ર. આ આદતનો નશો કદીક મને ગરબડ કરાવી દેતો હતો. આમ મારી જાતને હું બહુ લાડ ન કરતો. પણ આદત બન્યા પછી હું ઑર્ડર કરતો થઈ ગયો. મહત્તમ રીતે હું રુઆબ જમાવવા જાઉં તો ખરો… પણ મને આદત પડી ગઈ એટલે – એ ક્યારેક અકડાઈ જાય – અને એ અકડાય એટલે મારામાંનો મગરમચ્છ નસકોરા ફુલાવી ફુલાવીને પૂંછડી જોર જોરથી પછાડે… ખેર જ્યારે  વાત ખતમ થાય ત્યારે મહદ્ અંશે – એણે મને પટાવી લીધો હોય – કાં – ગુસ્સામાં હું કલાકો સુધી અગાસી ઉપર એના મનામણાંની ખેવના કરતો કલાકો ના કલાકો મારા સુખ દુ:ખને ચાવતો હોઉં.

 

આખરે થાકીને સૂઈ જાઉં – મારી આંખ મીંચાઈ જાય… ત્યાં સુધીમાં તો સવાર પડી જાય … અને કશું જ ન બન્યું હોય તેમ એ  બેડ ટી લઈને આવી જાય… ખેર શું કહેવું – શું કરવું કશું જ બોલ્યા વિના મારામાંનો મગર ચા પી લે. ખાલી પૂંછડું ભોંય પર પટકે. અને એની ૮.૪૦ની લોકલનો ટાઈમ સાચવવા મને પીડતા એકાંતમાં છોડીને એ જતી રહે.

 

અને ત્યાર પછીની પીડાની વાત જ શું કરું? બેકારી… ગુમાન… લાચારી… નિષ્ફળતા… એક પછી એક દુઃખદ રંગોનું સપ્તધનુષ્ય જોર જોરથી ફરવા માંડે અને એ બધા રંગોનું મિશ્રણ … એટલે કે સફેદ રંગ જોર જોરથી મારા મનને થપેડા માર્યા કરે… અને એ સફેદ રંગ એટલે… હોય… નિલય આમ જ હોય… ચાલ્યા કરે સંસાર છે, ચાલ્યા કરે…  

 

નાનો હતો ત્યારથી સાત જાળી –  ચૌદ જાળી – નવ્વાણું જાળે … અને એવી કંઈ કેટલીય ભમરડાની રમતમાં હું  ‘ઢ‘  હતો. સાત જાળી એટલે એક જણ ભમરડો પોતાના હાથમાંથી છોડે અને બીજો સામેથી ઝીલી લે… આ રમતમાં છોડવાની મઝા આવતી…

 

પણ સામેનો માણસ કેવી રીતે ઝીલી લે છે એ જોવાની મજા તો કંઈ ઓર જ હતી કોઈક વાર કોઈક વખત ભમરડો છૂટી જાય અને કોઈક વખત જતો રહે… બંને તબક્કામાંય મઝા તો આવતી જ… પણ હવેની રમતમાં એ દર વખતે જાળી છોડી ભમરડો મારા હાથમાં મૂકીને જતી રહે છે. જોવા પણ નથી રોકાતી કે એના ‘ભીથ્થુ’એ ભમરડો મેળવ્યો કે છોડી દીધો… એની નોંધ સુદ્ધાં નથી લેતી…

 

ખેર, … હું રોજ એ ભમરડો ઝીલું છું… છોડું છું… જમીન પર મૂકું છું… અને એ ફરતો બંધ થાય ત્યાં સુધી તેને માણું છું… એની ૮.૪૦ની વ્હિસલ હું સાંભળું છું. ખડખડ… ખડખડ ટ્રેન જતી રહે છે. અને ભમરડો ફરી હાથમાં લઉં છું… ફેરવવાની ઇચ્છા થાય છે. ભમરડાને હાથમાં લઈ તો લીધો છે જાળ જમણેથી ફેરવવી કે ડાબેથીની દ્વિધા થાય છે. છાપું જોઉં છું… મૂકી દઉં છું. બંને રીતે જાળ વીંટી ભમરડો છોડવાની કોશિશ કરું છું. ભમરડો સહેજ ફરીને છૂટી જાય છે. જાળ ક્યારેક ટોપો બનીને હાથમાં આવી જાય છે.

 

છાપું ખોલીને વૉન્ટેડ કૉલમમાં આઘોપાછો થાઉં છું. અરજી કરું છું… મહદ્ અંશે નિષ્ફળ નીવડતા ભમરડાને ફેરવવાના પ્રયત્નોની જેમ જ. . apply..apply but no reply માં પાછો પડું છું.