Yog-Viyog - 34 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 34

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૪

અભય એની સામે ઝેર ઓકતી નજરે જોઈને ઉપર ચડી ગયો.

જાનકી જવાબ આપ્યા વિના પોતાના ઓરડા તરફ આગળ વધી ગઈ. ડ્રોઇંગરૂમની વચ્ચોવચ ઊભેલી વૈભવી ફસ્ટ્રેશનમાં બરાડી, ‘‘હું આજે આ વાત કરવાની છું, ઘરના બધા લોકોની હાજરીમાં...’’ અને પછી પોક મૂકીને રડી પડી.

જાનકી આગળ વધી. એણે વૈભવીના ખભે હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો, ‘‘ભાભી ! ’’

પણ વૈભવીએ એનો હાથ ઝાટકી નાખ્યો, ‘‘મને કોઈની સિમ્પથીની જરૂર નથી. હું મારા પ્રશ્નો જાતો જ સોલ્વ કરી લઈશ.’’ એ સોફા પર બેસી ગઈ. ગુસ્સામાં ને અપમાનમાં અકળાયેલી વૈભવીને કંઈ જ સૂઝતું નહોતું. એને એટલું સમજાતું હતું કે અભય જેને એ પોતાની મુઠ્ઠીમાં બંધ કરીને ઇતરાતી હતી એ અભય હવે એના હાથમાંથી નીકળી ગયો છે અને હવે પોતે સાવ એકલી, અધૂરી અને તાજ વગરની રાણી જેવી જંગલોમાં ભટકી રહી છે.

જાનકી એની સામે જોતી રહી. એ ખરેખર તો એને સમજાવવા માગતી હતી. એને ખબર નહોતી કે બે જણા વચ્ચે શું થયું છે? અભય અને વૈભવી વચ્ચેનું આ અંતર બધા જ જોઈ શકતા હતા, છેલ્લાં ઘણા વર્ષોથી વૈભવીના વર્તન અંગે ઘરના સૌને નાની-મોટી નારાજગી હતી. એનાં પોતાનાં સંતાનો સહિત ! અભયનો વિચાર કરીને ઘરમાં કોઈ એને કશું કહેતું નહીં, પરંતુ વૈભવીની જીભ ઘરના સૌને ઉઝરડતા પાડતી... એ સત્ય હતું.

ઉપરના બેડરૂમમાં થતી બૂમાબૂમ ઘણી વાર સાઉન્ડ પ્રૂફ ઓરડાને વીંધીને નીચે સુધી પહોંચતી ત્યારે અજય શરૂઆતમાં ઉપર જતો. બંનેને, ખાસ કરીને વૈભવીને શાંત કરવાનો પ્રયત્ન કરતો... પરંતુ સમય સાથે એણે એ બંધ કરી દીધું હતું. હવે ઉપર ચાલતા ઝઘડા ક્યારેક નીચે સુધી સંભળાય તો પણ સૌ આંખ આડા કાન કરતા. ડાઇનિંગ ટેબલ ઉપર વૈભવીનું વર્તન સૌ માટે ચીડનું કારણ બનતું ઘણી વાર, પણ એક અલય સિવાય ઘરનો કોઈ સભ્ય એની સાથે સીધી ચર્ચામાં ઉતરવાનું ટાળતો.

આટલાં વર્ષોથી બેડરૂમમાં ચાલતા રહેલા એ ઝઘડા આજે શ્રીજી વિલાના ડ્રોઇંગરૂમ સુધી આવી ગયા હતા... આમાં કોઈ નવી વાત નહોતી. એટલે કંઈ ખાસ ઊહાપોહ કરવા જેવું નહોતું ને, જાનકીને પણ બીજી કોઈ ચિંતા નહોતી, એને તો એક જ વાતની ચિંતા હતી કે થોડા દિવસ માટે આવેલા સૂર્યકાંતની સામે આવા તાયફા ન થાય એમાં વસુમાનું ગૌરવ અકબંધ રહી શકે.

વૈભવીએ પોતાનો સેલફોન ઉપાડ્યો, ‘‘પપ્પા, વૈભવી બોલું છું...’’ જાનકીની આંખો ફરી ગઈ. વૈભવી ફોન પર વાત કરતી રહી અને રડતી રહી. કોઈ દિવસ નહીં ને આજે પહેલી વાર જાનકી ત્યાં જ ઊભી રહીને વૈભવીની વાત સાંભળતી રહી. વૈભવીએ ચાલુ ફોનમાં એક-બે વાર કહ્યુંયે ખરું, ‘‘તું પ્લીઝ, અંદર જા, આ મારી ને મારા પપ્પાની વાત છે...’’ પણ જાનકી ઢીટની જેમ ત્યાં જ ઊભી રહી. વૈભવીની બધી સાચી-ખોટી ફરિયાદો સાંભળતી રહી.

વૈભવીએ આખરે ફોન મૂક્યો. એણે એને પપ્પાને અહીં આવીને વસુમા સાથે વાત કરવા દુરાગ્રહ-હઠાગ્રહ કર્યો, પણ કદાચ વૈભવીના પપ્પા પણ વૈભવીને અને અભયને બંને હવે સારી રીતે ઓળખી ગયા હશે એટલે એમણે પણ વૈભવીને પટાવીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.

અને એની એમની વાત ખોટીયે નહોતી જ . અભય જેવો જમાઈ ભાગ્યે જ કોઈને મળી શકે. એના સંસ્કાર, એની સમજદારી, એનું સદવર્તન અને વૈભવીને સહન કરતા રહેવાની એની સહિષ્ણુતા. એમણે આટલાં વર્ષો દરમિયાન અવારનવાર જોઈ જ હતી...

વૈભવીનો ઉશ્કેરાટ વધતો જતો હતો. આજે જાણે એનું એક પણ પત્તું સીધું પડતું નહોતું.

‘‘ભાભી, શું કામ ઉશ્કેરાવ છો આટલાં બધાં ?’’ જાનકીએ એક છેલ્લી વાર એને સમજાવવાનો પ્રયાસ કર્યો.

‘‘માઇન્ડ યોર ઓન બિઝનેસ, મારી વાતમાં તારે પડવાની કોઈ જરૂર નથી. વસુમા આવે એટલે હું એમને કહેવાની છું આ બધું જ.’’

‘‘આ બધું ? શું બધું ?’’ જાનકીએ પૂછ્‌યું.

‘‘અચ્છા ! તો એમ કરીને તારે જાણવું છે... સ્વભાવ નહીં છૂટે પંચાતનો...’’ વૈભવી ઊભી થઈ, ‘‘એક વાત યાદ રાખજે, હું સાસુમાને પણ એવી સ્થિતિમાં મૂકી દઈશ કે એમનો મારો પક્ષ લીધા વિના છૂટકો ના રહે. સૂર્યકાંત મહેતાની હાજરીમાં પોતાનાં છોકરાંઓનાં પ્રકરણો ખુલ્લાં પડે એવું સાસુમા પણ નહીં જ ઇચ્છે.’’ પછી હસીને ઉમેર્યું, ‘‘છેક અમેરિકાથી પોતાની જીત જોવા બોલાવ્યા છે... એમની સામે હારવું તો નહીં જ ગમે સાસુમાને !’’

‘‘હાર-જીત-પ્રકરણો-હિસાબ-કિતાબ, આ કઈ ભાષા વાપરો છો ભાભી ? મા આ બધાથી પર છે. એમને કંઈ ફરક નહીં પડે.’’

‘‘એ તો પડશે ખબર, એ આવે એટલી વાર છે.’’

વૈભવી સામે ઝેર ઓકતી નજરે જોઈને સડસડાટ ઉપર ચડી ગયેલો અભય સીધો બાથરૂમમાં જતો રહ્યો. એણે કપડાં ઉતારીને ડ્રેસિંગરૂમમાં ફેંક્યા અને શાવર ચાલુ કરીને ખાસ્સી વાર એમ જ ઊભો રહ્યો. શરીર પર પડતું પાણી એના મનમાંથી નીચે બનેલી ઘટનાના ઝેરને ધોઈ રહ્યું હતું.

એણે મનોમન ગાંઠ વાળી, ‘‘વૈભવી શું મારી ફરિયાદ કરે ? આજે મા આવે એટલે હું જ ફેંસલો કરી નાખીશ. બધાને બેસાડીને પ્રિયા સાથેના મારા સંબંધોની વાત કહી દઈશ.’’ શાવર બંધ કરીને એણે ટોવેલ હાથમાં લીધો, ‘‘સારું છે, આદિત્ય એના દોસ્તને ત્યાં રોકાવાનો છે ને લજ્જા પાટર્ીમાંથી મોડી આવવાની છે. છોકરાંઓની ગેરહાજરીમાં આજે જ આ વાત થઈ જાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી...’’

સફેદ લખનવી ઝભ્ભો અને લેંઘો પહેરીને અભયે વાળ ઓળતા પોતાની જાતને અરીસામાં જોઈ. બેતાળીસ પૂરાં થવા છતાં વાળની સફેદી સિવાય અભય ખાસ્સો યુવાન દેખાતો હતો. રિમલેશ ચશ્મા એને એક આભા આપતા હતા. એની ઉંમરના બધા જ સહકાર્યકરો કે મિત્રોને પેટ બહાર નીકળી આવ્યું હતું. શરીરનો આકાર જોવો ગમે એવો નહોતો રહ્યો એ બધાનો, પણ અભય હજુયે ચુસ્ત દેખાતો હતો. એના પહોળા ખભા અને કમરની વચ્ચે આજે પણ વી-શેઇપ ચોખ્ખો દેખાતો હતો. એની છાતીના વાળ, મજબૂત બાવડાં એના પુરુષત્વની પ્રતિભામાં ઉમેરો કરતા હતા. હા, સહેજ ભીને વાન હતો અભય, પણ એનાથી તો એ વધુ હેન્ડસમ દેખાતો હતો !

‘‘મને આજ સુધી મારા પોતાના વિશે કેટલી બધી વાતો નથી સમજાઈ. આ છોકરી પ્રિયા, જેણે મારી જિંદગીમાં આવીને મારી જાત સાથે મારી ઓળખાણ કરાવી. મારા પોતાના તરફ ઉઘડતી મારા મનની બારીને મેં સમય અને સંજોગોની થપાટો સામે બંધ કરી દીધી હતી. પ્રિયાના આવવાથી ખુલ્લી હવાની લહેરખી આવી છે મારી જિંદગીમાં. હું એ છોકરીને ખોવા નથી માગતો. બીજું કંઈ નહીં તો માત્ર સ્વીકાર તો આપી જ શકું એને.... એને સન્માન આપવું એ મારી ફરજ છે અને હું એને એ સન્માન આપીશ.’’ અભયે નક્કી કર્યું, પછી નિરાંતે પલંગમાં આડો પડીને એ પુસ્તક ખોલીને વાંચવા લાગ્યો. હજી તો માંડ બે પાનાં વાંચ્યાં હશે કે ધડામ કરીને રૂમનો દરવાજો ખૂલ્યો.

‘‘હું નીચે રડું છું અને તમે અહીંયા નાહી-ધોઈને આરામથી વાંચો છો ?’’

‘‘મેં તને રડવાનું કહ્યું નથી.’’ અભયે ચોપડીમાંથી નજર ખસેડ્યા વિના કહ્યું.

‘‘તમે પેલી પ્રિયાને ત્યાં હતા કે નહીં ?’’ વૈભવીએ એવી રીતે પૂછ્‌યું જાણે એને ખાતરી હોય કે અભય ના જ પાડવાનો છે, ‘‘જુઠ્ઠું નહીં બોલતા, બાકી તમે મને ઓળખતા નથી.’’

‘‘હા, ત્યાં જ હતો.’’ અને અભયે વૈભવી સામે એવી રીતે જોયું જાણે કહેતો હોય કે, ‘‘તને મારાથી વધારે કોણ ઓળખે છે ?’’

‘‘મારી બહેનપણીએ તમને ત્યાં ગાડી પાર્ક કરતા જોયા હતા. એનો ફોન આવ્યો એટલે મને થયું જ કે તમે ત્યાં ગયા હશો. પહેલાં મને લાગ્યું કે કોઈ કામે ગયા હશો... પછી મેં બે વાર તપાસ કરાવી. તમારી ગાડી ત્યાં જ હતી...’’ વૈભવીએ શેરલોક હોમ્સની અદાથી કહ્યું.

‘‘તો શું ?’’ આ આખીયે વાત જાણે નિરર્થક બકવાસ હોય એમ અભયે હજીયે નજર પુસ્તકમાંથી હટાવી નહોતી. વૈભવીએ પુસ્તક ખેંચી લીધું, ‘‘કેમ ગયા હતા ત્યાં ?’’

‘‘એક પરણેલો પુરુષ એક કુંવારી સ્ત્રીને ત્યાં કેમ જાય વૈભવી ? અને એ પણ આખો રવિવાર ત્યાં જ ગાળવાનું પસંદ કરે.’’ અભયની આંખોમાં આરપાર ઊતરી જાય એવી ધાર હતી, ‘‘સેલફોન પણ બંધ કરીને...’’

‘‘હું... હું... ખૂન કરી નાખીશ.’’

‘‘મારું ?’’

‘‘ના, એ... એ... નીચ છોકરીનું. મારા પતિને મારી પાસેથી છીનવી જનારને હું નહીં છોડું.’’

‘‘એથી તને હું નહીં મળી જાઉં.’’ અભયે કહ્યું, ‘‘હું ઘણે દૂર નીકળી ગયો છું વૈભવી.’’

‘‘હજી... હજી હમણાં તો તમે મારી સાથે...’’ વૈભવીના અવાજમાં અચાનક જ એક ખાલીપો, એક નરમાશ ભળી હતી, જે અભયથી છાનું ના રહ્યું, ‘‘ભૂલી ગયા અભય, કેટલો પ્રેમ કર્યો હતો તમે મને... હજી ગયા અઠવાડિયાની વાત છે.’’

‘‘એને પ્રેમ ના કહેવાય વૈભવી, શરીરસુખ કહેવાય. ફરજના ભાગરૂપે એ થઈ ગયું મારાથી. પણ હવે વાત નીકળી જ છે તો સાંભળી લે કે મારી ફરજોમાં એ નથી આવતું આજ પછી.’’ વૈભવી ઝપટી પડી અભય ઉપર. એનો ઝભ્ભો પકડીને એને ઊભો કરવાનો પ્રયાસ કર્યો. પાતળો લખનવી ઝભ્ભો ચીરાઈ ગયો.

‘‘તમે કહેવા શું માગો છો ?’’

‘‘હું પ્રિયાને ચાહું છું.’’

ડઘાયેલી વૈભવી ખાસ્સી વાર સુધી અભયની સામે જોતી રહી. કશું બોલી ના શકી, પણ એના ચહેરા પર કેટલાય ચડાવ-ઉતાર આવી ગયા. અભયને લાગ્યું કે એ વાત સ્વીકારવાનો પ્રયાસ કરે છે. પણ અચાનક વૈભવીએ અભયના ચીરાયેલા ઝભ્ભાને કારણે ખૂલી ગયેલી છાતી ઉપર માથું મૂકીને એને લપેટી લીધો. અભયની છાતી ઉપર, ગળા ઉપર, હોઠ ઉપર, કાનની બૂટ ઉપર એણે અંધાધૂંધ ચુંબનો કરવા માંડ્યાં.

‘‘શું કરે છે ?’’ અભયે વૈભવીને રોકવાનો પ્રયાસ કર્યો. ચીરાયેલો ઝભ્ભો વૈભવીએ આખો જ ફાડી નાખ્યો.

‘‘તમે મારા છો, મારા સિવાય કોઈના નહીં.’’ અભયે વૈભવીના બંને હાથ પકડી લીધા. એને સહેજ ધક્કો મારીને પોતાનાથી દોઢેક ફૂટ દૂર પકડી રાખી... એના પર ઝૂકવા માટે ઘણું બળ વાપર્યું વૈભવીએ, પણ અભયના વિરોધ સામે એ લાચાર થઈ ગઈ.

‘‘તમે... તમે પ્રિયાને નથી ચાહતા.’’

‘‘વૈભવી, હું પ્રિયાને ચાહું છું એ જ સત્ય છે અને એ સત્ય હું હમણાં નીચે જઈને બધાની વચ્ચે કહેવાનો છું.’’

‘‘શા માટે ? તમે એની સાથે લગ્ન કરવાના છો ?’’

‘‘લગ્ન ?’’ અભયના ચહેરા પર કડવું સ્મિત આવી ગયું. વૈભવીના હાથ છોડીને એ ઊભો થયો. એણે ચીરાયેલો ઝભ્ભો કાઢીને ખૂણામાં ફેંકી દીધો. માત્ર પાયજામાભેર ઊભેલો અભય ખરેખર પૌરુષત્વથી સભર લાગતો હતો. વૈભવી દોડીને એને પાછળથી વળગી પડી. એણે પોતાના હાથ અભયની છાતી પર મૂક્યા અને પીઠ પર ચુંબન કર્યું. બહુ જ હળવેથી પણ અભયે એનો હાથ કાઢી નાખ્યો. અદબ વાળી અને વૈભવીની સામે ફર્યો, ‘‘વૈભવી, આપણાં લગ્નએ શું સુખ આપ્યું આપણને ? મારો તો લગ્નમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે અને હવે આ ઉંમરે મારે લજ્જાનાં લગ્નનો વિચાર કરવાનો હોય, મારા નહીં.’’

‘‘હું જાણું છું... તમે અત્યારે ગુસ્સામાં છો.’’ વૈભવી આગળ વધી. એ અભયને ભેટવા જતી હતી, પણ અભય બે ડગલાં પાછળ ખસી ગયો, ‘‘પણ તમે શાંત થશો એટલે...’’

‘‘હું આજે અને હમણાં જેટલો શાંત છું એટલો પહેલાં ક્યારેય નહોતો વૈભવી.’’ અભયે ડ્રેસિંગરૂમ તરફ જતાં હળવેથી કહ્યું. કબાટ ખોલીને બીજો ઝભ્ભો કાઢી પહેરતાં, અભયે વૈભવી સામે જોયું, ‘‘અને તું પણ હવે શાંત થઈ જા, કારણ કે પ્રિયા આપણી જિંદગીનું સત્ય છે અને એ પોતે જવા ઇચ્છે તો પણ મારી જિંદગીના અંતિમ શ્વાસ સુધી હવે હું એને નહીં ભૂલી શકું.’’

અભય બોલતો હતો ત્યારે વૈભવી એક એક ડગલું પાછળ ખસતી હતી. દીવાલનો આધાર લઈને ઊભેલી વૈભવી આખરે જમીન પર ફસડાઈ પડી. દીવાલને અઢેલીને બેઠી બેઠી એ નિઃશબ્દ રડવા લાગી.

અભયને તદ્દન હેલ્પલેસ હોવાની લાગણી થઈ આવી. એ ઇચ્છતો હતો કે એના આટલાં વર્ષના લગ્નજીવનમાં એ ક્યારેય નથી વર્ત્યો એ રીતે એણે વૈભવી સાથે ન જ વર્તવું પડે, પરંતુ આજે રૂપગર્વિતા, અભિમાન અને અહમનો સાક્ષાત અવતાર, ચેસની માહિર ખેલાડી વૈભવી એની સામે જમીન પર બેસીને રડતી હતી... અને એ કંઈ જ કરી શકતો નહોતો !

વૈભવી ક્યાંય સુધી બેસીને રડતી રહી. અભય ગેલેરીમાં ગયો. અને સિગરેટ પીધી. પાછા આવીને નાના રેફ્રીજરેટરમાંથી વૈભવીને પાણી આપ્યું. એણે પીધું નહીં, પરંતુ અભય ત્યાં જ ઊભો રહ્યો. ખાસ્સી વાર સુધી રડ્યા પછી વૈભવી ઊભી થઈ. બાથરૂમમાં ગઈ. મોઢું ધોયું, વાળ સરખા કર્યા અને અભયની સામે જોયા વગર ઓરડાની બહાર નીકળી ગઈ.

થોડીક ક્ષણો ઓરડાની વચ્ચે એમ જ ઊભા રહ્યા પછી અભયે પલંગમાં પડતું નાખ્યું. આંખો બંધ કરીને ક્ષણેક પડી રહ્યો. પછી બાજુમાં પડેલું પુસ્તક ઉપાડીને અધૂરા પાનેથી શરૂ કર્યું.

વસુમા અને સૂર્યકાંત અંજલિ અને રાજેશને ડિસ્ટર્બ કર્યા વિના ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી આવ્યાં.

વસુમાની આંખો ભીની થઈ ગઈ હતી એ સૂર્યકાંતે જોયું.

આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યાં હતાં. સૂર્યકાંતે એક પસાર થતી ખાલી ટેક્સીને હાથ બતાવ્યો, ‘‘ટેક્સી...’’

‘‘ચાલીને જવાય એટલે તો ઘર છે...’’

‘‘પણ મારે ટેક્સીમાં જવું હોય તો ?’’ સૂર્યકાંતના ચહેરા પર તોફાની સ્મિત હતું. વસુમા હળવું સ્મિત કરીને ઊભી રહેલી ટેક્સીમાં બેસી ગયાં.

‘‘જૂહુ હોકર વિલે પાર્લે સ્ટેશન.’’ ટેક્સીવાળાએ પાછળ ફરીને સૂર્યકાંત સામે જોયું. જુવાન હૈયાંઓ મુંબઈની ભીડમાં એકાંત શોધવા આવી રીતે ટેક્સી કરે એની કદાચ ટેક્સીવાળાને નવાઈ ના લાગે, પણ આ બંનેની ઉંમર જોતાં એને ખરેખર નવાઈ લાગી. કંઈ બોલ્યા વિના એણે મીટર ડાઉન કર્યું અને ટેકસી મુંબઈના રસ્તાઓ ઉપરથી સડસડાટ પસાર થવા લાગી.

સૂર્યકાંત હળવા અવાજમાં કંઈક ગણગણી રહ્યા હતા.

વસુમા જરા નવાઈથી એમની સામે જોઈ રહ્યાં.

‘‘સુહાના સફર ઔર યે મૌસમ હસીં...’’ સૂર્યકાંતે કહ્યું અને હસી પડ્યા. બહાર વાદળો ઘેરાયાં હતાં. વરસાદ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં હતો. એટલે ટેક્સી કરવાની વાતનો વસુમાએ વિરોધ નહોતો કર્યો, પણ આ ફરીને જવાની વાત આવી ત્યારે વસુમાને જરાક આશ્ચર્ય થયું. જોકે એમણે એનો પણ વિરોધ ના જ કર્યો.

અંજલિ હવે આરામમાં હતી. જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. રાજેશ અને અંજલિની એકબીજા સાથેની વાત સાંભળ્યા પછી વસુમાને થોડી શાંતિ પણ થઈ હતી.

જિંદગીનાં કેટલાંય વર્ષો એમણે ઘડિયાળના બે કાંટાની વચ્ચે બંધાઈને કાઢી નાખ્યા હતા. હવે એક એવો સમય હતો એમના જીવનમાં કે કોઈ જવાબદારી એમને ક્યાંય ખેંચતી નહોતી. એમને સમય આજ સુધી ફક્ત બીજાઓનો હતો, બીજાઓ માટે હતો.

હરિદ્વારથી શ્રાદ્ધ કરીને આવ્યા પછી પહેલી જ વાર એમને લાગતું હતું કે જાણે સમય થંભી ગયો છે. એ નિરાંતે પગ વાળીને થંભી ગયેલા સમય સાથે ઘડી ભર ગોષ્ટી કરી શકે એવી સ્થિતિ આવી પહોંચી હતી.

રોજેરોજ સૂરજની સાથે ઊગીને આથમવાનો એમનો નિત્યક્રમ હવે જાણે એમની મરજી પ્રમાણે ચાલવા લાગ્યો હતો.

નાણાવટી હોસ્પિટલથી ઘરે આવતાં ટેક્સીમાં આખા રસ્તે સૂર્યકાંત એક પણ અક્ષર બોલ્યા વિના વસુમાનો હાથ પકડીને બેસી રહ્યા હતા..

એમના હાથમાંથી વહી રહેલા લાખો-કરોડો શબ્દો વસુમાની હથેળી ઉપર એ બધું જ લખી રહ્યા હતા, જે પચીસ વર્ષો દરમિયાન એમણે પોતાની ભીતર સંઘરી રાખ્યું હતું. કોણ જાણે કેમ વસુમાનેય જાણે આજે ઘણાં વર્ષો પછી પોતાના હાથનો એટલો ટુકડો સજીવ-ધબકતો થઈ ગયો હોય એવું લાગ્યું હતું.

પોતે લગ્ન કરીને આવ્યા ત્યારથી શરૂ કરીને ચાર ચાર સંતાનોની મા બન્યા ત્યાં સુધી એમના સહવાસ દરમિયાન કોઈ દિવસ સૂર્યકાંતના સ્પર્શમાં એમણે આવી ઉષ્મા, આવી લાગણી નહોતી અનુભવી.

પતિ-પત્નીના સંબંધોથી આગળ જઈને કશું ખૂબ ભીનું, કશું ખૂબ મમતામય અને ખૂબ પોતીકું હતું એ સ્પર્શમાં.

‘‘આને જ પ્રેમ કહેતા હશે ?’’ વસુમાના મનમાં વિચાર આવ્યો. વિચારની સાથે જ એમના ચહેરા પર એક હળવું શરમાળ સ્મિત ધસી આવ્યું. એમના શરીરમાંથી એક થરથર્રાટ પસાર થઈ ગયો. કદાચ એ ધ્રુજારી એમના હાથમાંથી ૂર્યકાંતના હાથ સુધી પહોંચી હશે. એટલે અન્યમનસ્કની જેમ બેઠેલા સૂર્યકાંતે એમના ચહેરા સામે જોયું.

‘‘શું વિચારે છે ?’’ વસુંધરના ચહેરા પર એક અજબ સોળ વર્ષની કન્યા જેવું શરમાળ સ્મિત જોઈને સૂર્યકાંતને નવાઈ લાગી.

‘‘કંઈ નહીં.’’ વસુમાએ કહ્યું અને મુક્ત મને હસી પડ્યાં.

‘‘હું કેટલો બદલાયો છું એમ વિચારે છે ને ?’’ સૂર્યકાંતનો સવાલ સાંભળીને વસુમાની આંખો રમતિયાળ થઈ ગઈ.

‘‘આપણે બંને બદલાયા છીએ.’’

‘‘કોઈ નથી બદલાયું, આપણો સમય બદલાયો છે વસુ, નહીં તો એ જ તું, એ જ હું, પણ આજે લાગણીનું જે ઝરણું આપણી વચ્ચે વહી રહ્યું એવું પહેલાં ક્યારેય કેમ નથી થયું ? આજે આ સ્પર્શમાં જે સુખ, જે શાતા છે એ આજથી પહેલાં કેમ...’’

વસુમાની આંખોમાં એક જ પળમાં કંઈ કેટલાય રંગ આવીને ચાલી ગયા. એમનું ગૌરવ, એમની ગરિમા, એમની ઠાવકાઈ- બધાને પાછળ હડસેલીને એક નખશિખ નરીનીતરી સ્ત્રી એમની આંખોમાં ઊતરી આવી, ‘‘કાન્ત, ત્યારે સ્પર્શ એ તરસ હતી. તરફડાટ હતો. ત્યારે સ્પર્શ એ શરીરની ભાષા હતી.’’

‘‘અને હવે ?’’

‘‘હવે સ્પર્શ આત્માની ભાષા છે કાન્ત, જે વાત આપણે એકબીજાને શબ્દોથી નથી કહી શકતા એ વાત હવે સ્પર્શ કહે છે.’’

‘‘એમ ?’’ સૂર્યકાંતે વસુંધરાની આંખોમાં જોયું. વસુમાની આંખો ઢળી ગઈ, ‘‘કઈ છે એ વાત ?’’ સૂર્યકાંતની આંખોમાં સહેજ તોફાન, સહેજ વહાલ, સહેજ લાગણી અને કંઈક એવું હતું જેનાથી વસુંધરાની આંખોમાં સુરૂર છવાઈ ગયો.

‘‘શબ્દોમાં નથી કહી શકતા એટલે તો સ્પર્શનો...’’ વસુમાએ વાત ટાળવાનો શરમાળ પ્રયાસ કર્યો.

‘‘વસુંધરા, આટલાં વર્ષોમાં આપણે આટલા નિકટ ક્યારેય ના આવી શક્યા. હું આજે જે અનુભવું છું તારા માટે એ પહેલાં ક્યારેય કેમ ન જન્મ્યું આપણી વચ્ચે?’’ સૂર્યકાંતના અવાજમાં એક ભોળા શિશુનું કુતૂહલ હતું.

‘‘સાચું કહી દઉં કાન્ત ?’’ઘડીભર પહેલાંની શરમાળ, લજામણીના છોડ જેવી વસુ ફરી એક વાર ઠાવકાઈનો આંચળો ઓઢીને બેસી ગઈ, ‘‘ ત્યારે હું તમારી પત્ની હતી. ત્યારે તમે મને તમારાથી જુદી...’’ એક ઊંડો નિઃશ્વાસ નાખીને ઉમેર્યું, ‘‘તમારાથી નીચી સાબિત કરવાનો પ્રયાસ કરતા હતા. હું ફક્ત એક સ્ત્રી હતી તમારા માટે. મનથી અને શરીરથી પણ...’’

સૂર્યકાંત એકીટશે જોઈ રહ્યા હતા. વસુમા અટક્યા વિના એમની આંખોમાં જોઈને બોલતાં હતાં, ‘‘આજે તમે મને તમારી સમકક્ષ, તમારી સમોવડી ગણવા તૈયાર થયા છો કદાચ. આજે તમારો સ્નેહ તમારા સન્માનમાં ઝબોળાઈને આવે છે. કદાચ એટલે જ મારે માટે એનો સ્વીકાર સહજ બન્યો છે.’’

‘‘વસુ, તને લાગે છે કે હવે આવનારાં વર્ષો આપણે સાથે ગાળી શકીશું ?’’

‘‘કાન્ત, સન્માન સ્નેહની પહેલી સીડી છે. આપણે આવનારાં વર્ષો સાથે ગાળીશું કે નહીં એ તો સમય નક્કી કરશે, પણ આપણે જેટલો સમય સાથે ગાળીશું એટલો સમય શ્વાસ જેટલો સાચો અને સુખથી સભર હશે એની મને ખાતરી છે.’’

ટેક્સી જૂહુના દરિયાકિનારાની સામે ઊભી હતી. જૂહુની ચોપાટી રવિવારની સાંજના સહેલાણીઓથી ઊભરાતી હતી. સૂર્યકાંત ઘડીભર એ તરફ જોઈ રહ્યા. પછી એમણે વસુમાનો હાથ છોડ્યા વિના પૂછ્‌યું, ‘‘બેસીએ થોડી વાર ?’’

જવાબ આપ્યા વિના વસુમાએ ટેક્સીવાળાને પૂછ્‌યું, ‘‘કિતના હુઆ ?’’

બંને જણા ચાલતાં ચાલતાં એક આડા પડેલા નાળિયેરીના ઝાડના થડ પર ગોઠવાયા. આ વિસ્તારમાં પ્રમાણમાં ઓછી ભીડ હતી. પાછળનાં મકાનોના પડછાયાના અંધકારમાં થોડે થોડે દૂર યુગલો એકબીજામાં લપાઈને બેઠાં હતાં. નાળિયેરીના ઝાડનું આડું પડેલું આ થડ કદાચ થોડા વધુ પ્રકાશમાં હતું એટલે અહીં કોઈ બેઠું નહોતું.

બંને ખાસ્સી વાર મૌન બેસી રહ્યા. વસુમાએ કહેલી વાત ઉપર સૂર્યકાંતના મનમાં ગડમથલ ચાલતી હતી. ખાસ્સી વાર જાત સાથે સારા એવા સવાલ જવાબ કર્યા પછી સૂર્યકાંતે ધીમેથી પૂછ્‌યું, ‘‘અમેરિકા આવીશ મારી સાથે ?’’

ચૂપચાપ દૂર દરિયાને તાકી રહેલાં વસુમાએ નજર ફેરવ્યા વિના ક્ષિતિજ તરફ જોતાં ધીમા અવાજે સૂર્યકાંતને કહ્યું, ‘‘આપણી દિશાઓ ફંટાઈ ગઈ છે ક્યારનીયે... તમે મને એકલી મૂકીને જે દિવસે ગયા એ દિવસથી આપણી દુનિયા અલગ થઈ ગઈ.’’

‘‘પણ હું તો આવ્યોને ? તારી દુનિયામાં, તારી પાસે.’’

‘‘એની ક્યાં ના છે, પણ કાન્ત, આ દુનિયા મારી એકલીની નથી. તમે તમારી પોતાની દુનિયામાં પાછા ફર્યા છો... ને એ પણ તમારા માટે.’’

‘‘એમ તો એમ, હવે તું ચાલ, મારી દુનિયામાં, મારી સાથે...’’

‘‘કાન્ત, ગુસ્સે નહીં થતાં... અને માઠુંયે નહીં લગાડતા, પણ આપણી દુનિયા ખરેખર જુદી છે. મારી દુનિયામાં તો તમારા માટે એક જગ્યા સતત ખાલી રહી,રહી શકી. કારણ કે તમારાં સંતાનો- તમારો અંશ મારી પાસે, મારી સાથે ઊછરતો રહ્યો. તમે ભલે ચાલી ગયા,પરંતુ સ્મૃતિ બનીને, પ્રતીક્ષા બનીને, આલબમઅને ભીંત પરની તસવીર બનીને તમે સતત અમારી સાથે રહ્યા.’’

સૂર્યકાંત ધીરજથી સાંભળતા રહ્યા વસુમાને. આમ જુઓ તો એ સાચું જ કહેતાં હતાં. વસુમાએ આગળ કહ્યું, ‘‘તમારી દુનિયામાં હું ક્યારેય નહોતી. કોઈ પણ સ્વરૂપે, નહોતી જ.’’ સૂર્યકાંત કંઈક બોલવા ગયા, પણ વસુમાએ રોક્યા એમને, ‘‘મારી વાત સાંભળી લો કાન્ત, આજે આ ક્ષણે આ વાત કહેવાની મારી હિંમત છે, કાલે કદાચ ન યે હોય.’’

‘‘વસુ, ખરું પૂછે તો આપણી દુનિયા અલગ ક્યારેય નહોતી.’’ સૂર્યકાંતે જરાક ઇમોશનલ-ગળગળા થઈને કહ્યું, ‘‘હું ક્યાંય પણ ગયો, તારા સુધી પહોંચ્યો કે નહીં, તું સતત પહોંચતી રહી મારા સુધી.’’ પછી થૂૂંક ગળે ઉતારીને કહ્યું, ‘‘તું માને કે ન માને.’’

‘‘ન શું કામ માનું ?’’ વસુમાએ સૂર્યકાંતના ખભે હાથ મૂક્યો, ‘‘કદાચ એટલે જ અમારી દુનિયામાં તમારી જગ્યા સતત ખાલી રહી. મારા અસ્તિત્વમાં એક અગત્યનો ભાગ તમારી સાથે ચાલી ગયો અને એટલે જ મને ક્યારેય મારા અસ્તિત્વના એ ભાગ વિશે વિચાર જ ન આવ્યો.’’

‘‘કયો ભાગ વસુ ?’’ સૂર્યકાંતે પૂછ્‌યું.

‘‘સ્ત્રી હોવાની, પત્ની હોવાની મારી આખીયે લાગણી તમે તમારી સાથે લઈ ગયા કાન્ત... અહીં તો એક મા જ રહી ગઈ હતી.જેને માટે એનાં સંતાનોના ભવિષ્યની આગળ બીજી કોઈ જરૂરિયાતો ટકી શકી નહીં.’’ વસુમાનું ગળું ભરાઈ આવ્યું હતું, ‘‘તમે તે દિવસે પૂછ્‌યું હતું ને મને કે કોઈ પુરુષે મારામાં રસ કેમ નહીંલીધો હોય ? પણ કાન્ત, અત્યારે તમને કહેતા કહેતા મને પણ સમજાય છે કે મને મળનાર દરેક પુુરુષને મારામાં એક મા જ ધબકતી દેખાઈ હશે. એક સ્ત્રી એમને શોધવા છતાંય નહીં જડી હોય કદાચ.’’

બંને ફરી એક વાર મૌન થઈ ગયા. આવતા-જતા લોકો, ફુગ્ગા લઈને દોડી જતાં બાળકો, પસાર થઈ જતાં ઘોડા અને ઊંટ, નારિયેળ પાણીવાળા, ખારી શિંગવાળા, કોફી અને સમોસા વેચનારા ફેરિયાઓ એમની પાસે આવતા, ઘડીભર ઊભા રહેતા અને જાણે એમના મૌનને ખલેલ ન પહોંચાડવા માગતા હોય એમ ત્યાંથી ચૂપચાપ પસાર થઈ જતા.

ખાસ્સી વાર એમ જ ચૂપચાપ બેસી રહ્યા પછી હળવેથી સૂર્યકાંતે વસુમા તરફ જોઈને પૂછ્‌યું, ‘‘વસુ, હવે તારી જિંદગીમાં મારી કોઈ જગ્યા નથી ? આ ઘડીભર પહેલાં ટેક્સીમાં અનુભવેલો સ્પર્શ ખોટો તો નહોતો જ...’’

‘‘નહોતો જ કાન્ત, ફરી કહું છું કે મારી જિંદગીમાં તો તમારી જગ્યા સતત ખાલી જ રહી. હવે તમારી જિંદગીમાં મારી જગ્યા થતી જાય છે, કદાચ.’’ વસુમાનો અવાજ ફરી સંયત થઈ આવ્યો હતો. સમુદ્રકાંઠાની ફરફરતી હવામાં વરસાદનાં ઝીણાં ઝીણાં ફોરાં અનુભવાવા લાગ્યાં હતાં. વસુમા ઊભાં થયાં, ‘‘જઈશું ?’’

સૂર્યકાંત કશું જ બોલ્યા વિના ઊભા થયા. એમણે ફરી વાર વસુંધરાનો હાથ પકડી લીધો. બંને એકબીજાનો હાથ પકડીને રેતીની ચાદરની બહાર નીકળી આવ્યાં. ફરી ટેક્સી ઊભી રાખીને એમાં ગોઠવાયા. ઘર સુધી કોઈ કશું જ ના બોલ્યું.

શ્રીજી વિલાની બહાર ટેક્સી ઊભી રહી ત્યારે સૂર્યકાંતના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યા વિના કહ્યું, ‘‘ગેરસમજ નહીં કરતાં, હું સમજી શકું છું કે તમને વિચાર આવતો હશે કે તમે અહીં સુધી શા માટે આવ્યા ?’’

‘‘એવું તો નહીં વસુ, પણ...’’

‘‘પણ શું કાન્ત ? તમે અહીં મારી જિંદગીમાંથી ખોવાયેલો- ભુલાયેલો એક ભાગ પાછો લઈને આવ્યા છો. મારે મારું સ્ત્રીત્વ અનુભવવું હતું કાન્ત ! મારી આંખો મીંચાય અને શ્વાસ અટકી જાય એ પહેલાં સ્પર્શની આ ભાષા ઉકેલવી હતી મારે...આટલાં વર્ષો એક સાચો સ્નેહાળ સ્પર્શ પામવા ઝંખતી રહી હું.’’ ઊંડો શ્વાસ લઈ, થૂંક ઉતારી, ંઆંખો મીંચીને એમણે કહ્યું, ‘‘પુરુષત્વનો સાચો સ્પર્શ !’’

‘‘હવે તો સમજાવા લાગી છે આ ભાષા આપણને બંનેને, હું પ્રયત્ન કરીશ વસુ કે તને વીતેલાં વર્ષો સરભર કરી આપું...’’

‘‘કોઈ હિસાબ કરવાનો સમય નથી આ. ચાલો, ઘર આવી ગયું.’’ કહીને ઊતરી ગયાં વસુમા. સૂર્યકાંતને વાત અધૂરી રહી ગયાનો અફસોસ અકળાવી ગયો.

‘‘આટલાં વર્ષો આ સ્ત્રી સાથે જીવતા મેં ક્યારેય વાતચીતનો પુલ બાંધવાનો આવો પ્રયાસ નહોતો કર્યો, અને આજે જ્યારે હું સાગર પર સેતુ બાંધવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું ત્યારે મારા તમામ પથ્થરો ડૂબી કેમ જાય છે ?’’ એમને વિચાર આવ્યો. ટેક્સીના પૈસા ચૂકવીને એ વસુમાની પાછળ પાછળ ઘરમાં દાખલ થયા ત્યારે ડ્રોઇંગરૂમમાં બેઠેલી વૈભવીને જોતાં જ એમને બનનારી ઘટનાનો અંદાજ આવી ગયો. વૈભવીની આંખો રડેલી હતી. ચહેરો ઊતરેલો અને લાલ લાલ થઈ ગયો હતો. એ જે રીતે બેઠી હતી એ જોતાં જ કશું અસામાન્ય બન્યું હોવાનો અણસાર આવતો હતો.

સામાન્ય રીતે વૈભવી આમ જાહેરમાં ઊતરેલું મોઢું લઈને બેસે જ નહીં. આટલાં વર્ષોમાં એનો આવો ચહેરો વસુમાએ ક્યારેય નહોતો જોયો.

વસુમાને જોતાં જ એ સોફામાંથી ઊઠીને એમના તરફ દોડી. વસુમા કંઈ સમજે એ પહેલાં એમને ભેટીને એણે મોટી પોક મૂકી, ‘‘માઆઆઆઆ....’’

‘‘જાનકી, વૈભવીને પાણી આપજો.’’ વસુમાનો અવાજ આશ્ચર્યજનક રીતે સ્વસ્થ અને સંયત હતો, ‘‘રડવાથી વાતનો ઉકેલ નહીં આવે. બેસો વૈભવી, આપણે વાત કરીએ.’’

(ક્રમશઃ)