SPANDAN books and stories free download online pdf in Gujarati

સ્પંદન

અનોખો ઈશ્વર
=================================
"આજ કાલ કામ ધંધો પણ ઠપ્પ થઈ ગયો છે; કરવું તો શું કરવું?"
"ઘરમાં હવે રાશને ય હાવ તળિયે આવી ગ્યુંછ! "
પત્ની હિરા અને સદાચારી પતિ માધવ હજી માંડ સમજણા થયેલા બે નાદાન ભાઈ - બહેન સાંભળી ન જાય તે રીતે ચિંતા વ્યક્ત કરતાં હતાં.
" આ તે કંઈ કોરોના કે કાળનો કોપ !? કે પછી કાળા માથાવાળા મનેખનાં કુકર્મ પોકાર્યા?"
માધવનાં બોલ હજી મોઢામાં જ હતાં ત્યાં તો અચાનક કમાડની સાંકળ ખખડી; જોયું તો બાળપણનો ભેરુ જમીનદાર ધનસુખ તેનાં બે માણસો સાથે ભરેલા કોથળા લઇને ઊભો હતો.
"અલા ધના... કોઈ દિવસ નંઈ ને આજે...!!"
માધવે આશ્ચર્ય સાથે આવકારતાં કહ્યું.
"હાસ્તો ! આજે જ તો એકબીજાની જરુર છે, લે હેંડ મેં સદાવ્રત રાખ્યાં છે... ને શરુઆત તા'રથી, ગભરાતો નંઈ !" - અને માધવે કાદવિયા ઘરની દિવાલ પર ભગવાનનાં લગાવેલાં ફોટાઓની હારમાળા સામે જોઇને મંદ હાસ્ય સાથે બબડી ઉઠ્યો -
" તા'રા ય રુપો નિરાલા છેને..."
###

મિલન
==================================
આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતાં. પોતાના ઘરની બાલ્કની પર ખુરશીમાં બેઠેલા અંબરે એ પણ જોયું કે બહાર દેખાતાં ઝાડપાન પણ સ્થિર થઈ ગયા છે. જાણે એ ય ઊંચી ડોક કરી અનરાધાર વરસાદની મીટ માંડીને ઊભા ન હોય!! પવનની લહેરખી સુધ્ધા નથી; પણ શીતળતા પ્રસરી ચૂકી છે. અંબરે ફરી આકાશ તરફ જોયું અને એને ય જાણે મનમાં થયું કે -

"વરસ ને હવે..., બહું થયું...!"

ત્યાં પાછળથી અચાનક ભીના કોમળ હાથ ગળે વીંટળાયા, ને એક ચહેરો અંબરની મુખદિશામાં જ તેનાં ખભા પર બરાબર અડોઅડ ગોઠવાયો.

"શું વાત છે ? આજે કંઈ બહું વ્હાલ ઉમટી પડ્યું છે!"

હમણાં જ કપડાં ધોઇને આવેલી પત્ની અવનિના ભીના સ્પર્શે ભીતરમાં એક હૂંફાળી લહેર પ્રસરાવી દીધી.

દૂર દેખાતી વાડીમાંથી મોરનાં ટહુકા સંભળાતા હતાં, ને વરસાદી વાતાવરણ જોઈ અવનિએ ફક્ત એટલું જ કહ્યું. -

"કેટલું સરસ વાતાવરણ લાગે છે નંઈ!"

થોડીવાર પછી પેલાં કાળાડીબાંગ વાદળો હવે ઝરમર ઝરમર વરસી રહ્યા હતાં.દૂર પેલી વાડીમાં મોરનાં ટહૂકા વધુ રેલાવા માંડ્યા. એકાદ સૂર કોયલે પણ રેલાવ્યો ત્યાં તો ધોધમાર અમીબિંદુઓ વરસી પડ્યાં. પ્રકૃતિએ માંડેલી મીટનો અંત આવ્યો ને તેઓ જાણે અવનિ અને અંબર એક થયાની ખુશીમાં મંદ મંદ વાતા પવનમાં ડોલવા લાગ્યાં...
###

કર્મફળ
=================================
અમદાવાદ જેવા વૈભવી શહેરમાં સૌરભ, પત્ની રીના અને પાંચ વર્ષના દીકરા શુભમ સાથે અહીં ઠરીઠામ થયે પણ લગભગ પાંચ વર્ષ પૂરાં થયાં હતાં.આજથી બપોરના બે વાગ્યા પછીનું જડબેસલાક અને ચૂસ્ત લોકડાઉનને કારણે સૌરભ હજી હમણાં જ ઑફિસેથી આવ્યો હતો.

"બહાર તો ચકલુ ય ફરકતું નથી"-
ચોથા માળેથી પોતાનાં વૈભવી ફ્લેટની બારી બહાર જોઈને સૌરભે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

"તે ક્યાંથી હોય!! એ ય અનલોકની રાહ જુએ છે"
- સાહિત્યરસિક શિક્ષિકા રીનાએ ખૂબ જ વૈચારિક ઉત્તર વાળ્યો.

"એવું નંઈ..., આ શાંત શહેર હવે ભયાનક લાગવા માંડ્યું છે; લોકો ને જીવવું કઈ રીતે તે ય હવે તો એક પ્રશ્ન છે."

"એટલે જ તો અનલોક આવ્યું." રીનાએ ફરી વક્રોક્તિ કરી.

"...પણ તોય આ પ્રજા ક્યાં સુધરે છે? મન ફાવે તેમ કરવાની તેની ટેવનું પરિણામ આખી સૃષ્ટિ ભોગવી રહી છે."

સીવીલ કંસ્ટ્રક્શનનું કામ કરતા પતિદેવ આટલું ઊંડું વિચારશે તેવું રીનાએ ધાર્યું નહોતું. રીનાએ પાણીનો ગ્લાસ હાથમાં આપવાને બદલે ટીપોઇ પર મૂક્યો અને પોતાનાં બંને હાથ સૌરભના ખભે ટેકવી, આંખોમાં આંખ પરોવીને એટલું જ કહ્યું...,

"શું કરે !? માણસ ઘરથી બહું દૂર નીકળી ગયો છે! ખબર નંઈ ક્યાં અટકશે..."
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.