Virah ni vedna in Gujarati Short Stories by Gor Dimpal Manish books and stories PDF | વિરહ ની વેદના

વિરહ ની વેદના

ભય પમાડે એવું અંધકાર અને લાંબી દીવાલો ના ટેકે ઘુટણ થી પગ વાળી ને મોઠું નીચે રાખી એ બેઠો હતો, એક નાનકડી બારી માંથી આછો અજવાસ ધીરે ધીરે આખો રૂમ માં પ્રસરવા લાગ્યો હતો. મહા મેહનતે એણે ડોક ઊંચી કરી તે બારી તરફ જોતો રહ્યો . રાતી આંખો ઉજાગરા ના ચાડા કરતી હતી, લાંબી દાઢી, સફેદ વાળ, મોઢા માં કરચલીઓ નો ભાર , હાથો ની ઉપસેલી નસો તેના ઉમર ની ચાડી કરતી હતી અને એના મોટા નખ ભય પમાડે ...
પણ આછા અજવાસ ને જોઈ તેના હોઠ મલક્યા હતાં , આંખો માં નવી આશા નું કિરણ પ્રસરી રહ્યુ હતુ. કેટલાય વર્ષો પછી બહાર ની રોશની જોવા મળશે તેવી લાલસા આપોઆપ મન માં પ્રગટી હતી.

એકાએક કોઈના પગરવ સંભળાયાં લાંબા સળિયા થી સજજ જેલ ના આ લોકઅપ માં ખબર નહિ કેટલાય વર્ષો સુધી રહ્યો હશે. હવાલદાર સામે ઊભો રહી જોરથી બૂમ પાડી, કેદી નંબર ૩૧૦ સાહેબ બોલાવે છે ચાલો મારા સાથે કહી લોકઅપ માં લાગેલો ટાળો ખોલવા લાગ્યો. તેણે બૂમ પાડીને જ કહ્યું, હું કેદી નંબર ૩૧૦ નથી મારું નામ રામ પ્રસાદ છે. અવાજ માં હજીયે મક્કમતા હતી. હવાલદારે લાંબો ડંડો બતાવી ને એટલુ જ રોફ થી કહ્યું , ચાલ હવે આવ્યો મોટો રામ પ્રસાદ....

સાહેબ આ... વ્યો આ રામ પ્રસાદ કેદી હવાલદારે કહ્યું . રામ પ્રસાદ સાહેબ ની સામે ઊભો રહ્યો. ચેહરા પર સોમ્યતા છલકાતી હતી, આંખો મોટી અને ઘેરી હતી શરીર સ્વસ્થ અને સંતુલિત હતું. એક ઈમાનદાર ઓફિસર ને શોભે એવા બધાજ ગુણો તે સાહેબ માં દેખાતું હતું તેમણે જોઈ રામ પ્રસાદ નો ગુસ્સો સાવ ઉતરી જતો હતો. સાહેબે તેના સામે જોઈ સ્મિત કરી બેસવા માટે કહ્યું. રામ પ્રસાદ ખુરશી પર બેસીને આતુરતા પૂર્વક સાહેબ સામે જોતો રહ્યો.

સાહેબે બોલવાનું શરૂ કર્યું, રામ પ્રસાદ છેલ્લા વીસ વર્ષ થી તું આ જેલ માં સજા ભોગવી રહ્યો છે તારા સારા વર્તન ના લીધે તને કાલે આ જેલ માંથી મુક્ત કરવા માં આવશે. આ સાંભળતા જ રામ પ્રસાદ ની આંખો માં કેટલાય ચહેરાઓ એક પછી એક આવવા લાગ્યા હતા. વીસ વીસ વર્ષ ના આ વિરહ ની વેદના જાણે એકસાથે આંખો માં અનરાધાર વરસતો રહ્યો એનાથી, તો સાહેબ હવે જાઉં એટલું જ બોલાયું. આજે આ લોકઅપ માં છેલ્લો દિવસ હતો , દિવસ! એના જીવન માં ક્યાં અજવાસ હતું અહી તો ફક્ત રાત નો અંધકાર હતું... વિચારી ને ફરી જરાક સ્મિત તેના ચહેરા પર આવી ગયું.

લગભગ બાર વર્ષ નો હતો. મોટી બહેન તેની પાછળ પાછળ મોટી લાકડી લઈ દોડી રહી હતી. ઇટો ને વ્યવસ્થિત ગોઠવી ને બનાવેલી મોટી દીવાલો , લાંબી ઓસરી, રસોડું, પાછળ ની બાજુ મોટા બે ઓરડા, આગળ મોટું આંગણું , આંગણા માં એક ચોકડી, એક બાજુ ગાયો નો વાડો. કાચું પણ સગવડ વાળું મોટું ઘર. તે એક પછી એક ઓરડા માં થી પસાર થતો ગયો.
દોડતાં દોડતાં તે આંગણા માં આવી પહોંચ્યો અને તેની બહેન તેના પાછળ પાછળ હજી દોડી રહી હતી ત્યાં તો રામ પ્રસાદ બારે થી પાણી ભરી ને આવતી તેની માં સાથે અથડાયો ને પાણી ની હેલ જમીન પર પડતાં જ મોટા અવાજ સાથે પાણી આંગણા માં વહી રહ્યું. માં ગુસ્સામાં આવીને બોલતી રહી, હે ભગવાન આ ભાઈ બહેન નાં રોજ ના ઝગડાઓથી ક્યારે છુટકારો મળશે! તરત જ રામ પ્રસાદ બોલ્યો , મા, બહેન નાં લગન કરી નાખ એટલે કાયમ નો છુટકારો. અને મોટી બહેન ચિડાઈ ને લાકડી ને જોર થી પછાડી અંદર ચાલી જતી.

રામ પ્રસાદ ઘર માં બધાનો લાડકવાયો , તેના પિતા એ તો કેટલાય સપનાઓ જોયા હશે તેના લાડકા દીકરા માટે. પણ રામ પ્રસાદ ને ભણવામાં તો જરાય રસ નહોતું, આખો દિવસ ગામ ના બીજા છોકરા ઓ સાથે રખડવું અને લોકો ને હેરાન કરવું એજ એની પ્રવુતિ.. ક્યારે તે અઢાર વર્ષ નો થયો તે ખબર જ ન પડી. પિતા ની ઈચ્છા હતી કે તે ભણી ને મોટો ઓફિસર બની ગામ માં મારું નામ ઊચું કરે પણ તેઓ પણ જાણતા હતા આ ધોળા દિવસે તારા જોવા જેવી વાત છે.

ગામ ના એક ગેરજ માં તેને માંડ કામે લગાડી શક્યા હતાં, પણ આ રામ સુધરે તો ને! તેની ટોળકી પણ હવે મોટા મોટા કારનામા કરવા માં માહિર થઈ ગઈ હતી . મોટા શહેર માં પણ હવે પગપેસારો કર્યો હતો એમની ટોળકી એ..

માતા પિતા તો જાણે પોતાના દીકરા થી હાથ ધોઈ બેઠા હતા ત્યાં તેમનાં જમાઈ આવી ને સમજાવ્યું કે રામ ના લગન કરાવી ધ્યો પરિવાર ની જવાબદારી ભલભલા ને સીધો કરી દે. વાત તો ગળે ઉતરે એવી હતી પણ આ નાલાયક ને કોણ પોતાની દીકરી આપે! પણ અંતે શોધ શરૂ થઈ પુત્રવધૂ ની.
માંડ એક ગરીબ ઘર ની દીકરી સાથે તેના લગન કરાવ્યા. લગન ના પ્રથમ રાત્રિ એ જ પોતાની પત્ની ને તેણે જોઈ હતી . એણે તો આ લગન ક્યાં પોતાની મરજી થી કર્યા હતા પણ પત્ની ને જોઈ એની આંખો માં એના શરીર માં
એક અલગ જ પ્રકાર ના તરંગો એક સાથે ઉમટી પડયા..

ચાર દીવાલો ની અંદર વીસ વર્ષ જેણે પ્રસાર કર્યો હતો તેને આ અંતિમ દિવસ ખૂબ જ મુશ્કેલી થી પસાર થઈ રહ્યું હતું. તેના સાથે રહેતા બીજા ત્રણ કેદી ઓ ક્યારથી આ રામ પ્રસાદ ના ચહેરા માં વિવિધ પ્રકારના ભાવો જોઈ કેટલાય અંદાજો લગાવી રહ્યા હતા. બહાર ઊભેલા હવાલદારે ક્યારે જમવાની થાળી મૂકી ગયો તેય ખબર ના પડી. ત્રણ માંથી એક કેદી એ હિંમત કરી રામ પ્રસાદ ને કહ્યું , જમી લો. પણ આજે તો રામ પ્રસાદ પોતાના વિચારો માં જ લીન હતો. રામપ્રસાદ જમી લો ફરી થી તેણે કહ્યું. રામ પ્રસાદ તેના સામે એકી ટસે જોતો રહ્યો પછી થાળી પર નજર કરી તેની આંખ ભરાઈ આવી, તેની પત્ની રોજ આમ થાળી તૈયાર કરી મુક્તિ અને આખી રાત મારી રાહ જોઈ પોતે પણ ભૂખી રહેતી, પણ મારું ક્યાં કોઈ સરનામું હતું બસ પોતાના મરજી ના માલિક હતા. તે ફિકુ હસ્યો અને તે કેદી ને કહ્યું મને નથી જમવું . કેદી અનિમેષ નયને જોતો રહ્યો.

એક રાતે રામ પ્રસાદ હાંફતો હાંફતો ભયભીત થઈ ઘરે આવ્યો હતો , તેના પાછળ પોલીસો હતા. તેની આવી દશા જોઈ તેની પત્ની રીતસર ની હેબતાઈ ગઈ હતી. પોલીસ ની મોટી વેન ઘર પાસે ઊભી રહી ગઈ. તે પોતાને સંતાવવા નો પ્રયત્ન કરી રહ્યો હતો પણ પોલીસ આવી તેને પકડી ને લઇ ગયા. રામ પ્રસાદ નો આખો પરિવાર આ અચાનક આવેલી આફત થી દુઃખી થઈ ગયા હતા અને પત્ની ની આંખો માં એને પહેલી વખત પોતા માટે ની લાગણી દેખાઈ આવી હતી, તેના છેલ્લા શબ્દો યાદ હતા , તમે ચિંતા ના કરો બધુંય સમુ થઈ રહેશે. આજ શબ્દો અને તેની તરલ આંખો ને રોજ યાદ કરી ને એણે આ વીસ વર્ષ પસાર કર્યા હતા.

રામ પ્રસાદ અને તેની ટોળકી એ શહેર ના મોટા વિસ્તાર માં આવેલ બેંક ને લુંટવાનો પ્રયાસ કર્યો હતો , પોલીસો ને આ જાણ થતા જ તે સ્થરે આવી પહોંચ્યા હતા પણ ત્યાં સુધીમાં તો આ આખી ટોળકી નાસી જવામાં સફળ થઈ હતી ,પણ આખરે તેઓ ઝડપાઈ ગયા હતા. અને અંતે કારાવાસ.......

બીજા દિવસ નો સૂર્યોદય આજે રામ પ્રસાદ માટે હતો. અંધકાર અને વિરહ ની વેદના નો અંત હવે નજીક હતો. સવારના સાડા દસ વાગ્યા હતા જેલ ના આ સળિયા માં થોડીક હલચલ થઈ બધાની નજર એક સાથે ત્યાં ફરી
રામ પ્રસાદના નામ ની બુમ પાડી હવાલદાર ઊભો રહ્યો . રામ પ્રસાદ અન્ય કેદીઓ તરફ નજર કરી સ્મિત સાથે આવજો કહી બહાર નીકળી ગયો.

બધી કાર્યવાહી પૂર્ણ કરી તે બહાર નીકળ્યો. વીસ વર્ષ માં તો કેટલુંય બદલાઈ ગયું હશે. મારું ઘર, ગામ અને ફરિયું. પત્ની યાદ આવતા તો તેના દિલ ની ધડકનો તેજ થઇ રહી હતી. તે ઝડપ થી પગલાં ભરવા લાગ્યો. પણ જેમ જેમ તે પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો , શહેરો માં અને પછી ધીરે ધીરે પોતાના ગામ તેને કંઇક ન સમજાય તેવું વાતાવરણ જોઈ રહ્યો હતો. બધાં ના મોઢા માસ્ક કે રૂમાલ થી બાંધેલા હતા કોઈ પણ એક્બીજા સાથે વાતો કર્યા વગર ઝડપ થી પોતાનું કામ કરી ઘરે જતા રહેતા હતા , ચારે બાજુ પોલીસોનો કાફલો જાણે ગામ ના પહેરેદાર હોય એમ ફરી રહ્યા હતા. ગામ આખું શાંત થઈ ગયું હતુ પોતે પોતાના વિચારો ને શાંત કરે તે પહેલાં એક પોલીસકર્મી તેને પકડી લીધો, ક્યાં જાવું છે ભાઈ ઘર ની બહાર નીકળી ને કેમ પોતાના જીવ જોખમમાં મૂકો છો? આ કોરના ભરખી જશે .. રામ પ્રસાદ એક તો આવું વાતાવરણ જોઈ પોતાની મુંઝવણ સમજી શકતો નહતો ત્યાં આ પોલીસકર્મી ના સવાલો....

તેને યાદ આવ્યું સાહેબે એક કાગળ માં કંઇક લખી ને આપ્યું હતું, અને કહ્યું હતું તમારા ગામ માં જે મોટા પોલીસકર્મી હોય તેને આ કાગળ આપજે અને સાથે તારો મેડિકલ રિપોર્ટ પણ. તેણે તરતજ બધા કાગળો તે પોલીસ કર્મી ને આપ્યાં . પોલીસકર્મી સારા લાગતા હતાં બધા કાગળો શાંતિ થી વાચી ને કહ્યું, ચાલો હું તમને તમારા ઘર સુધી મૂકી આવું. પોલીસકર્મીનું આવું વર્તન જોઈ રામ પ્રસાદ ને આશ્ચર્ય તો થયું પણ આ ગામ નું વાતાવરણ જોઈ ચૂપચાપ તેમનાં સાથે ચાલતો રહ્યો..


જેમ જેમ આગળ પગલાં માંડતો તેમ તેમ તેનાં દિલ ની ધડકનો ની ગતિ વધારે ને વધારે તેજ થઈ રહી હતી. ગામ ની શેરી એક પછી એક પસાર થતી ગઈ તેના ઘર પાસે ને પાસે આવતો હતો એવું આભાસ તેને થયા કરતો હતો
અને અંતે આતુરતા નો અંત આવ્યો. ઘર પાસે તે ઊભો રહ્યો તેના સાથે આવનાર પોલીસકર્મી તેને ત્યા જ છોડી પોતાની ફરજ પર જતાં રહ્યાં.

રામ પ્રસાદે ધીરેથી પોતાના ઘરનો દરવાજો ખોલવાનુ પ્રયાસ કર્યો, જેમ જેમ પોતાના ઘર ની અંદર પસાર થઈ રહ્યો હતો તેમ તેમ ભૂતકાળ તેની નજીક આવી રહ્યું હતું. આંગણું, રસોડું, ઓસરી બધે જ જઈ આવ્યો પણ કોઈ ઘરે નહોતુ. દરવાજો ખુલ્લો જોતા એક મોટી ઉંમર ના બા અંદર આવી ને બૂમ પાડીને કહે છે, કોણ, કોણ છે અહી? રામ પ્રસાદ અવાજ સાંભરી બહાર આવે છે , બા નો ચહેરો તે ઓળખી લે છે કહે છે , કાકી માં હું ....હું.. રામ પ્રસાદ. ઘર માં કોઈ નથી દેખાતું ક્યાં ગયા બધા ?

બા ના આંખો માં અપાર વેદના છલકાઈ રહી હતી, આટલાં વર્ષો બાદ તું આવ્યો બેટા, તારા માં- બાપુ તો ક્યારનાં દેવ થયા અને તારી બૈરી બિચારી પારકા કામ કરી પોતાનું ગુજરાન કરતી અને એની એક જ આશ હતી કે તું પાછો આવીશ. પણ આ ભાગ્ય ના કરમ....

તારી બૈરી ને કોરાના થઈ આવ્યું છે દવાખાને દાખલ છે બિચારી... રામ પ્રસાદ કઈ સમજે તે પેહલા જ બા એ કોરોના ની બીમરી કેવી રીતે થાય છે પછી લોકડાઉન અને પછી આ અનલૉક ની પરિસ્થિતિ બધું જ કહી બહાર નીકળતા કહે છે કોરોના ના દર્દી ને મળવા જવાય એમ નથી દાક્તરો તો કોઈ ને પણ આવવા દેતા નથી તોય તારે જાવું હોય તો જા મળી આવ તારી બૈરી ને.

રામ પ્રસાદ સીધો દવાખાને પહોંચે છે પણ અહી કોણ ડોક્ટર ને કોણ નર્સ બધાં વિચિત્ર પ્રકાર નાં કપડાં પહેરી ને દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. એક જણ પાસે જઈ ઊભો રહી રામ પ્રસાદ પોતાની પત્નીની માહિતી આપી રહ્યો હતો, ત્યાં તો એક ડોક્ટર આવી ને ખુબ જ નમ્ર અવાજે બોલી રહ્યો હતો . રામ પ્રસાદ ને કઈ પણ સમજણ ન પડે પણ હવે તેની ધીરજ ખૂટી ગઈ હતી . તેનાથી કેહવાઈ ગયું મારી પત્ની કયા છે.. ડોક્ટરે ઊંડો શ્વાસ લઈ રામ પ્રસાદ સામે જોઈ ને કહ્યું , તમારી પત્ની નું કાલે કોરાના ના દર્દ થી અવસાન થઈ ગયું છે. તેની અંતિમ વિધિ પણ કાલે જ થઈ ગઈ કોરાના ના દર્દી ના સગા સંબંધી ઓને ફક્ત જાણ કરવા માં આવે છે પણ આ બીમારી ના ફેલાય તે માટે આ બઘી ક્રિયા સરકાર ના આદેશ મુજબ થાય છે.

રામ પ્રસાદ ની આ વિરહ ની વેદના ક્યાં અહીં અટકવાની હતી હવે તો જીવન નાં અંત સુધી સાથે ચાલવાની હતી. બસ પોતાની પત્ની ની અંતિમ વખત જોયેલી તે આંખો વીસ વર્ષ બાદ પણ કાયમ એ જ સ્થાનેહતી.
હવે તો આ વીસ વર્ષ નો જેલ નો અંધકાર તેના ઘરે પણ કાયમ હતો...જય શ્રી કૃષ્ણ
આભાર

Rate & Review

Gor Dimpal Manish
Komal

Komal 1 year ago

અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi
S Aghera

S Aghera 2 years ago

Bhumika

Bhumika Matrubharti Verified 2 years ago

બહુ સરસ વાર્તા....વર્તમાન પરિસ્થિતિ પર આધારિત..👌👌