LAKSHMI books and stories free download online pdf in Gujarati

લક્ષ્મી

લક્ષ્મી, આમ તો નામ મુજબ જ ગુણો થી ભરપુર હતી. પણ, બાળપણ માં જ પિતા ને ગુમાવી ચૂકેલી, ફોટા માં જ પિતા ને જોઈ ઉછરેલી. વિધવા માતા એ એકલા સંઘર્ષ કરી ભાઈ બહેન ને ઉછેર્યા, ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર ને ખુમારી, માતા એ ભાઈ બહેન ને બધું આપ્યું. બાપ વગર ની દિકરી ને સારું શિક્ષણ આપી માતા એ પહેલું કામ એને પરણાવવા નું કર્યું.
દિકરી પણ, મા ની સ્થિતિ સમજતી હોય, કોઈ વિરોધ વગર લગ્ન કરી સાસરી માં આવી પોતાની જવાબદારી નિભાવવા લાગી. લક્ષ્મી એ સારું શિક્ષણ મેળવ્યું હોવાથી એ સરકારી જોબ મળવાની આશાએ જીવતી હતી. સાસરી પક્ષ માં આર્થિક તકલીફ હતી નહિ એટલે ઘરનું જ કામ કરવાનું હતું, બાકી સમયમાં નોકરી મેળવવા માટે ના પ્રયત્નો ચાલુ રહ્યા.
લક્ષ્મી ના દિયર ના પણ લગ્ન થયા. દેરાણી ઘરમાં આવી અને એના જીવનમાં નાની મોટી સમસ્યાઓની શરૂઆત થઈ. મોટા શહેરો માં નાના નાના રૂમ વાળા મકાન માં લક્ષ્મી અને એના પતિ માટે એકાંત જેવું કશું રહ્યું જ નહીં. સાસુ, સસરા, દિયર, દેરાણી, લક્ષ્મી અને એનો પતિ બધા સાથે રહેતા. પતિ પત્ની ના રાત્રે મિલન નું સ્થળ એટલે એમનું રસોડું જ્યાં એક પથારી કરી બન્ને સુતા. સમય પસાર થતો રહ્યો, નોકરી મળી નહિ, પતિ ખાનગી કંપની માં નોકરી કરે ઘરનું પૂરું કરે.
લગ્ન ને ઘણા વર્ષ બાદ પણ લક્ષ્મી ને સારા દિવસો રહ્યા નહિ. લક્ષ્મી અને એનો પતિ બાળક ના સુખ માટે વલખાં મારતા રહ્યા. હવે, તો દેરાણી ને ખોળે દિકરો રમતો થયો હતો. દેરાણી એ પરિવારને કુળદીપક આપ્યો એટલે સાસુ સસરા ની લાડકી વહુ બની ગઈ હતી, જ્યારે લક્ષ્મી સહુની અળખામણી. લક્ષ્મી ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી, ખૂબ કામ કરતી, છતાંય એની કોઈ વેલ્યુ ઘરના લોકો માટે ન્હોતી.
લક્ષ્મી બધું મૂંગા મોંઢે સહન કરતી. બધો બળાપો રાત પડે ને રસોડા ના એકાંત માં પતિ આગળ કાઢતી. આખા દિવસનો થાકેલો, કંટાળેલો પતિ લક્ષ્મી ની વાતો થી વધુ કંટાળી એના પર ગુસ્સે થતો. આવું રોજ થતું, અને પરિણામે લક્ષ્મી પતિ માટેય અળખામણી બની ને રહી ગઈ.
લક્ષ્મી એ કેટલાય ડોકટરો ને બતાવ્યું, કેટલાય દોરા, ધાગા કરાવ્યા, દવાઓ ઉપર જીવતી થઈ ગઈ, પણ લક્ષ્મી ને બાળક નું સુખ પ્રાપ્ત જ ના થયું.
એક દિવસ લક્ષ્મી એમના નજીકના પડોશી મનુકાકા જે એના પિયર પક્ષના સગા હતા એમને ત્યાં બેસવા ગઈ હતી. લક્ષ્મી એ મનુકાકા ને બધી વાત કરી, ખૂબ રડી, મનુકાકા અને એમના પત્નિ એ લક્ષ્મી ને શાંત કરી અને એક જાણીતા ડોકટર ને બતાવવા સાથે આવવા કહ્યું. બીજા જ દિવસે લક્ષ્મી એમની સાથે ડોકટર ને બતાવવા ગઈ. બધા ચેક અપ કરી, ડોકટરે લક્ષ્મી ને સ્પષ્ટ જ કહ્યું, બેન તમારા રિપોર્ટ માં બધું નોર્મલ જ છે. તમને કોઈ તકલીફ છે જ નહીં, જો બાળક ના રહેતું હોય તો, સો ટકા તમારા પતિ માં જ કોઈ ખામી હોય શકે, એટલે તમે હવે તમારા પતિ ને લઈ આવજો, એમના ચેક અપ કર્યા પછી જ ખબર પડશે, તકલીફ શું છે??
લક્ષ્મી એક તરફ ખુશ હતી, કે પોતાના માં કોઈ ખામી નથી. લગ્ન ને સાત વર્ષ જેવું થયું હતું, સતત મેણાં ખાઈ મરવાના વાંકે જીવી રહી હતી. ડોકટરો પણ અત્યાર સુધી લક્ષ્મી ને જાતજાતની દવાઓ આપી, ઇન્જેક્શન આપી ને શારીરિક પરેશાન જ કરી હતી. હવે, એ બધા માથી મુક્તિ મળી ગઈ, હવે કોઈ નહિ કહી શકે કે લક્ષ્મી એક બાળક પેદા કરવા સક્ષમ નથી.
લક્ષ્મી ની મુંઝવણ એ હતી કે, પતિ ને કહેવું કેવી રીતે? આમ પણ સતત નારાજ રહે છે, નારાજ પતિ ને એવું કેમ કરી કહેવું કે, તમારા માં ખામી છે?? લક્ષ્મી કહી શકતી ન્હોતી, અને બીજી તરફ સતત એવું વિચાર્યા કરતી કે કોઈ ઈલાજ થઈ જાય તો બંને ના જીવનમાં બાળક રૂપી ફૂલ ખીલી જાય અને જીવન સુવાસિત બની જાય. ત્રણ ચાર દિવસ આમ જ, ગડમથલ માં રહી ને એક રાતે લક્ષ્મી એ હિંમત કરી પતિ આગળ માંડીને વાત કરી.
લક્ષ્મી ની વાત સાંભળી, પહેલા તો પતિ બહુ ગુસ્સે થયો, પુરુષ સહજ ઇગો એવો ઘવાયો કે, એ સ્વીકારવા જ તૈયાર નહોતા કે પોતાના માં કોઈ ખામી પણ હોય શકે છે. પણ, લક્ષ્મી ના ઘણા સમજાવ્યા બાદ, પતિ સહમત થયા અને ડોકટર ને મળવાનું નકકી કર્યું, પણ શરત એટલી કે, આ વાત કોઈને કહેવી નહિ.
મોડું કરવું હવે બન્ને ને યોગ્ય લાગતું નહોતું, બીજા જ દિવસે બન્ને ડોકટર પાસે પહોંચી ગયા. થોડા ચેક અપ, ટેસ્ટ કરવામાં આવ્યા. આખો દિવસ એમ જ પસાર થઈ ગયો. બધા રિપોર્ટ બધું જોયા બાદ, લક્ષ્મી ના પતિ ને ડોકટરે થોડા સવાલો કર્યા, અને લક્ષ્મી ના આશ્ચર્ય વચ્ચે એના પતિ એ ડોકટર પાસે પોતાના બાળપણ ની એક ઘટના કહી સંભળાવી, જે એક પતિ એ પોતાની પત્નિ થી છુપાવી રાખી હતી. બાળપણ માં રમતા રમતા શિશ્ન પર અકસ્માતે લાકડું વાગવાની ઘટના સાંભળી લક્ષ્મી થોડી વાર માટે શૂન્યમનસ્ક થઈ ગઈ. આટલા વર્ષો સુધી આ વાત છૂપાવી રાખી, આ વિચારે લક્ષ્મી ને પતિ પોતાને સાવ પારકી સમજતો હોય એવું પ્રતીત થયું.
ડોકટરે ઘણી ચર્ચાઓ કરી, અને રિપોર્ટ વગેરે ચેક કરી એટલું જ કહ્યું, જુવો તમારા કેસમાં બાળક ની આશા એક ટકા જેવી જ છે, ખર્ચ પણ બહુ થશે, વિચારી જુવો તો ટ્રીટમેન્ટ શરૂ કરીએ. લક્ષ્મી નો પતિ તો આ સ્વીકારવા તૈયાર જ નહોતો, એ તો હજુય એવું જ સાબિત કરવા માંગતા હતા કે, લક્ષ્મી ને જ દવાની જરૂર છે.
ભારે હૈયે બન્ને ઘરે આવ્યા. કોઈ એક શબ્દ પણ બોલ્યા નહિ. જાણે એમના જીવનમાં નિરાશા સિવાય કશું બચ્યું ના હોય! ઘરમાં કોઈને કશું કહેવા જેવું હતું નહિ. પતિ તો, પોતાના કામે લાગી ગયા, પણ લક્ષ્મી નું મન ક્યાય લાગતું નહોતું. ઉપરથી ઘરમાં સાસુ સસરા દેરાણી બધાના મ્હેણાં સાંભળવાના. આમ બે ત્રણ દિવસ પસાર થયા. લક્ષ્મી ફરી એક દિવસ મનુકાકા ને ત્યાં બેસવા ગઈ. ખૂબ રડી અને બધી વાત કહી, મનુકાકા અને કાકી એ લક્ષ્મી ને આશ્વાસન આપ્યું, સાથે સાથે પોતાના પગ પર ઊભા રહેવા સલાહ પણ આપી. લક્ષ્મી ને નાની મોટી નોકરી કરવા સમજાવી, જેથી એનો સમય પસાર સારી રીતે થાય, ઘરની ચાર દિવાલ માથી બહાર નીકળે અને આવક પણ થાય, જે એને જ ભવિષ્ય માં કામ આવી શકે. લક્ષ્મી ને આ સલાહ ગમી, મનુ કાકા એ નજીક માં વિસ્તારમાં જોબ મળે એવી ગોઠવણ કરવા દિલાસો આપ્યો.
લક્ષ્મી ને ઘણા દિવસો બાદ થોડી હળવાશ મહેસૂસ થઇ, હવે તો નોકરી કરી પોતાના પગ પર ઊભા રહેવાનું પોતે નકકી કરી લીધું. એ જ રાત્રે પતિ ને તેને બધી વાત કરી. પતિ પણ લક્ષ્મી ની માનસિક સ્થિતિ હવે સમજતો હતો, એને અહેસાસ હતો જ કે, સમસ્યાનું મૂળ પોતે જ છે, એટલે એણે લક્ષ્મી ને નોકરી કરવાની પરવાનગી આપી, સાથે સાથે પોતે પોતાનો ઈલાજ કરાવશે એ માટે પણ તૈયારી દર્શાવી. લક્ષ્મી ના ચહેરા પર ઘણા દિવસો બાદ સ્મિત રેલાયું. લક્ષ્મી જાણે ઘણા વર્ષો બાદ પ્રેમથી પતિ ને મળી રહી હોય એવું અનુભવી રહી હતી. રાત એમ જ પસાર થઈ ગઈ.
બે દિવસ બાદ મનુકાકા નો ફોન આવ્યો, લક્ષ્મી ને એક સ્કુલ માં ઇન્ટરવ્યૂ આપવા બોલાવી હતી. પોતાના વિસ્તારની સાવ નજીક સ્કુલ હોવાથી લક્ષ્મી ઓછા પગાર છતાંય નોકરી માટે તૈયાર થઈ ગઈ.
લક્ષ્મી ની નોકરી શરૂ થઈ, ઘરનું કામ ફટાફટ પતાવી, સવાર માં જ સ્કુલ જવા નીકળી જતી. કામ માં લક્ષ્મી ખૂબ ચપળ હતી, એટલે બધું ખૂબ ઝડપથી પતાવી દેતી. છતાંય લક્ષ્મી ની દેરાણી ને આ ગમ્યું નહિ. આખો દિવસ લક્ષ્મી ઘરે જ હોય એટલે મોટાભાગે કામ લક્ષ્મી કરી દેતી, હવે, એ બધું દેરાણી ને કરવું પડતું. સીધા ના પાડી ના શકે, એટલે દેરાણી એ લક્ષ્મી સાથે નાની નાની વાતો માં ઝગડા કરવાનું શરૂ કર્યું, વારંવાર બાળક ના હોવાની વાતે મેણાં મારવા લાગી. સાસુ સસરા ને પણ, લક્ષ્મી નું બહાર જવું ગમતું નહોતું, એટલે એમને પણ લક્ષ્મી ને ટોકવા લાગ્યા. માત્ર પતિ એની સાથે હતો, એ પણ એ શરતે કે લક્ષ્મી કોઈને જાહેર નહિ કરે કે, ખામી પોતાના માં છે.
એક દિવસ આ નાની નાની વાતો ના ઝગડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, લક્ષ્મીનો પતિ બે દિવસ માટે બહાર ગયો હતો. દેરાણી અને સાસુ એ લક્ષ્મી સાથે બહુ ઝગડો કર્યો. લક્ષ્મી ને બાળક ન થવું, નાનપણ માં બાપ ને ભરખી ગઈ, પતિ ઉપર કાળા જાદૂ કર્યા, એવા આક્ષેપો ના મારા કર્યા, અને લક્ષ્મી એ દિવસે તૂટી ગઈ, આવું જીવન જીવવાનો શો અર્થ? લક્ષ્મી ને એવા વિચારો આવવા લાગ્યા. કારણ કે, લક્ષ્મી લાચાર હતી, બાળક પેદા કરવા પોતે તો સક્ષમ હતી, પણ પતિ ને આપેલ પ્રોમિસ એ તોડી શકે એમ નહોતી, એ ને ચીસો પાડી ને દેરાણી અને સાસુ ને કહેવું હતું કે, એમને તકલીફ છે, મને કોઈ તકલીફ નથી, જોઈ લ્યો રિપોર્ટ...
એ રાતે મોડે સુધી લક્ષ્મી ખાધા પીધા વગર બેસી રહી, કોઈએ એને ના પાણી પીવા આપ્યું ના કોઈ એ જમવાનો ભાવ પૂછ્યો.
આવી માનસિક સ્થિતિ માં, લક્ષ્મી ઘરની બહાર નીકળી ગઈ, ચાલતા ચાલતા કેટલુંય દૂર નીકળી ગઈ. લક્ષ્મી એ નકકી કરી લીધું, આજે આ જીવનનો અંત આણી દેવો, બાળક તો મળવાનું નથી, સાચું કોઈ જાણવાનું નથી, તો ક્યાં સુધી પરિવાર અને સમાજ સામે આ રીતે વગોવાતા જીવવાનું??? ચાલતા ચાલતા લક્ષ્મી સાબરમતી નદીના પુલ પર પહોંચી ગઈ. લોકો બ્રિજ પર આનંદ થી ફરી રહ્યા હતા, એક લક્ષ્મી જ ચૂપચાપ મોકો શોધી રહી હતી, કોઈનું ધ્યાન ના પડે એમ કૂદી પડે પાણીમાં અને આ સાંસારિક જીવન માંથી મુક્ત બની જાય.
પણ, એવો મોકો મળી નહોતો રહ્યો, ધીમે ધીમે લોકો ની અવર જવર ઘટવા લાગી. લક્ષ્મી એક ખૂણે બેસી ગઈ. અને વિચારો માં સરી પડી. લક્ષ્મી ને વિધવા માતા, ભાઈ, યાદ આવ્યા. જો પોતે મરી જશે તો વિધવા માતા પર શું વિતશે? એ વિચાર આવતા જ લક્ષ્મી રડી પડી, પતિ જે હવે, એને સમજતો હતો, સાચવતો હતો, એમના વિશે વિચારતા લક્ષ્મી વધુ ને વધુ રડવા લાગી. લક્ષ્મી ના મનો જગત માં આખી રાત ગડમથલ ચાલતી રહી. વહેતી નદીમાં કૂદી જીવ આપી દેવા વિચારો કરતી રહી, અને દરેક વખતે એની નજર સામે વિધવા માતા, ભાઈ અને પતિ નો ચહેરો આવી જતો અને એ અટકી જતી. રાત આમ, જ વીતતી ગઈ. લક્ષ્મી મોત ના કિનારે આવીને ઊભી હતી, પણ મરી ન શકી. જે થવું હોય એ થશે પણ, આમ, તો નથી જ મરવું એમ વિચારી લક્ષ્મી ઘરે પાછી ફરી. વહેલી સવાર ના પાંચ વાગ્યા હતા, સૂરજ ઊગવાની શરૂઆત હજુ થઈ નહોતી, પણ લક્ષ્મી પોતાના જીવનમાં નવા સૂરજ ઊગવાની આશાએ ઘર તરફ પાછી ફરી રહી હતી. હજુ તો, ઘરે બધા નીંદર માં હતા, કોઈ જાણતું નહોતું લક્ષ્મી આખી રાત બહાર હતી, અને મોત ની નજીક જઈને પાછી આવી હતી.
સવારે લક્ષ્મી નોકરી એ જતી રહી, ત્યાં પણ મન ના લાગ્યું, લક્ષ્મી અડધી રજા મૂકી ઘરે પાછી ફરી, રસ્તા માં મનુકાકા નું ઘર આવતા લક્ષ્મી ના પગ એમના ઘર તરફ વળ્યા. કાકા કાકી પાસે લક્ષ્મી બહુ રડી, રાત્રે જે કંઈ બન્યું હતું એ વાત કરી. મનુકાકા એ લક્ષ્મી ની પરિસ્થિતિ સમજી લક્ષ્મી ને અલગ રહેવા જવા માટે સલાહ આપી. પણ, લક્ષ્મી ને ખબર હતી, પતિ આ બાબતે ક્યારેય સહમત નહિ થાય. આ દરમિયાન મનુકાકા ના ઘરે એમનો મિત્ર આવી ચડયો, જેને પોતે બાજુના શહેરમાં રહી નોકરી કરે છે, અને ત્યાં રહેવા જમવા ની તમામ સગવડતા હોવાથી કોઈ પ્રશ્નો ના હોવાની વાત કરી, સાથે સાથે લક્ષ્મી ને ત્યાં નોકરી માટે જવું હોય તો ત્યાં પોતે વાત કરશે અને લક્ષ્મી ને સાચવવાની, મદદ કરવાની, તૈયારી દર્શાવી. મનુકાકા ના ખૂબ અંગત મિત્ર તો હતા, પણ એ ખૂબ સારા માણસ પણ હતા, મનુકાકા એ લક્ષ્મી ને કહ્યું, મારા ઉપર જેટલો વિશ્વાસ મૂકે છે, એટલા જ વિશ્વાસપાત્ર આ મારા મિત્ર છે, જો તારે ત્યાં નોકરી માટે જવું હોય તો, વાત કરીએ, અમે બન્ને રૂબરૂ તારી સાથે આવીશું, બધી તપાસ કરીશું, અને યોગ્ય લાગે તો ત્યાં નોકરી કરવા જવાનું વિચારીશું. કદાચ એમ કરવાથી તારી તકલીફો માં થોડી રાહત મળી જાય. લક્ષ્મી એ પણ નક્કી કરી લીધું કે, જો પતિ અલગ રહેવા તૈયાર ના થાય તો, આ રસ્તો વધુ સારો રહેશે.
લક્ષ્મી ઘરે આવી, ઘરનું વાતાવણર તો એવું જ હતું, એ સાંજે લક્ષ્મી નો પતિ ઘરે આવી ગયો. ઘરના વાતાવરણ થી એને અંદાજ આવી જ ગયો હતો કે, વાતાવરણ તંગ છે. બન્ને એ મોડી રાત સુધી વાતો કરી, લક્ષ્મી એ પોતે જે પણ થયું એ બધું જ કહી દીધું, લક્ષ્મી ના પતિ ને, એ રાતે ઊંઘ ના આવી, જો લક્ષ્મી એ નદી માં કૂદી જીવ આપી દીધો હોત તો, એ વિચારે જ એ રડી પડ્યો. લક્ષ્મી ના પતિ ને અહેસાસ થઈ રહ્યો હતો કે, આ બધા માટે પોતે જ જવાબદાર છે. લક્ષ્મી એ બીજા શહેરમાં નોકરી જવા બાબત થયેલી ચર્ચા માટે પહેલા જ ના પાડી દીધી હતી, પણ હવે એને એવું થઈ રહ્યું હતું, કે લક્ષ્મી ને આ વાતાવરણ થી થોડો સમય દૂર મોકલવી વધુ સારી રહેશે. કદાચ એમ કરવાથી એનું મન શાંત થઈ જાય, અને ઘરના સભ્યો પણ એને વારંવાર પરેશાન ના કરે.
ત્રીજા દિવસે લક્ષ્મી એ પતિ ને અલગ રહેવા જવા માટે વિનંતી કરી, પરંતુ પતિ એ માટે સહમત ન થયા, પણ બીજા વિકલ્પ સ્વરૂપે સામેથી લક્ષ્મી ને બીજા શહેર માં નોકરી માટે જવા છૂટ આપી. લક્ષ્મી પાસે બીજો વિકલ્પ હતો નહિ, એટલે લક્ષ્મી મનુકાકા, કાકી અને પતિ સાથે એ બીજા શહેર માં નોકરી ના સ્થળ ની મુલાકાત માટે ગયા. એક નાનકડી સંસ્થા હતી, જ્યાં બીજા દસેક વ્યક્તિઓ નો સ્ટાફ હળીમળી ને રહેતો હતો. સતત મહિલાઓ, બાળકોની આવક જાવક રહેતી. લક્ષ્મી ને ઓફિસ વર્ક સાંભળવાનું હતું, જો એની ઈચ્છા થાય તો, બીજા કાર્યો શીખી સંસ્થા ની અન્ય જવાબદારી લઈ શકે એવી પણ છૂટ આપવામાં આવી. લક્ષ્મી ને તો, જાણે મનગમતું કામ મળી ગયું, સતત મહિલાઓ અને બાળકો વચ્ચે રહેવાનું હોવાથી લક્ષ્મી ને આ નોકરીનું સ્થળ ગમી ગયું. અને લક્ષ્મી આ શહેર ની નોકરી માટે તૈયાર થઈ ગઈ. દર વિક એન્ડ માં પતિ પાસે જશે એવી સંસ્થા પાસે બોલી પણ કરી લીધી, લક્ષ્મી નો પતિ પણ આ સાથે સહમત થયો.
લક્ષ્મી એ રાજીનામું આપી, નવી જોબ માટે બીજા શહેરમાં જવાની તૈયારી કરી, સાસુ સસરા કે દેરાણી એની આ વાત સાથે સહમત ન થયા, પણ લક્ષ્મી ના પતિ એ એમને સમજાવી દીધા, અને એ રાતે જે બન્યું હતું એ પણ સંભળાવી દીધું. લક્ષ્મી ના સાસુ, સસરા કે દેરાણી આ વાત સાંભળી આઘાત પામી ગયા. લક્ષ્મી ના પતિ બીજા દિવસે લક્ષ્મી ને નોકરી ના સ્થળે મૂકી આવ્યા.
લક્ષ્મી નવી જોબ થી બહુ ખુશ રહેવા લાગી. બધું એને ગમતું થઈ રહ્યું હતું. સતત મહિલાઓ, બાળકો વચ્ચે રહેતી, એમની વાતો સાંભળતી, નવું નવું શીખતી રહેતી અને શીખવાડતી રહેતી હતી. આમ, તો સંસ્થા માં રસોઈ, અને સફાઈ કામ માટે બેન રાખેલા હતા, પણ સાંજની રસોઇ સંસ્થા માં રહેતા દસ લોકો મળીને બનાવતા હતા, અહીં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ ન્હોતો, જેને જે કામ અનુકૂળ લાગે એ કરી શકતા. કોઈ શાકભાજી સમારી આપે, કોઈ લોટ બાંધે, કોઈ રોટલી વણે તો કોઈ શેકે, જેને એકેય ના ગમે એ વાસણ સફાઈ કરી દે. પણ કામ બધા હસી ખુશી થી સાથે મળી કરતા, સાથે જમતાં અને એક બીજાના કુટુંબની ચર્ચાઓ કરતા. લક્ષ્મી ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી, એટલે લક્ષ્મી કંઇક નવું નવું બનાવી બધાને પ્રેમથી ખવડાવતી. લક્ષ્મી ના હાથ ની સ્વાદિષ્ટ વાનગીઓ ખાઇ બધા બહુ વખાણ કરતા, લક્ષ્મી વધુ ખુશ રહેવા લાગી. લક્ષ્મી ના નાના નાના કામની નોંધ લેવાતી, લક્ષ્મી ફરી નાનપણ ની હસમુખી લક્ષ્મી બની ગઈ, હવે એને ઘરની યાદ ન્હોતી આવતી. પણ, પતિ ને આપેલ પ્રોમિસ મુજબ દર વિક એન્ડ માં ઘરે દોડી જતી, જ્યાં કોઈ ને એની કદર નહોતી, કોઈના વર્તન માં કોઈ બદલાવ નહોતો, પતિ એની રાહ જોતો પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરવા. લક્ષ્મી નું મન હવે અહીં, લાગતું નહિ, એ બસ બે દિવસ આવી તરત પાછી નોકરીના સ્થળે જતી રહેતી, રજા માં આવતી ત્યારે પતિ સાથે ડોકટર ને મળતી એક આશાએ કે એક ટકા આશા એમની ફળીભૂત થાય અને એક બાળક ની ઈચ્છા પૂર્ણ થાય, લોકોના મ્હેણાં સાંભળવાથી મુક્તિ મળે.
એકાદ વર્ષ જેવો સમય પસાર થયો, લક્ષ્મી નોકરીના સ્થળે ખુશી થી રહેતી હતી, દરમિયાન નવા બે કર્મચારી એની સાથે સ્ટાફના જોડાયા. એક સ્ત્રી અને એક પુરુષ. બન્ને ખૂબ હસમુખા હતા. લક્ષ્મી ને બે નવા સારા મિત્રો મળી ગયા. માહી ખૂબ યંગ હતી, એ નોકરી શોખ માટે કરતી હતી, પોતાની મસ્તી માં રહેતી, દુનિયા સાથે એને કોઈ લેવા દેવા હતું નહિ. જ્યારે, મહેશ ખૂબ સંવેદનશીલ ઉત્સાહી અને સહુને મદદ કરતો યુવાન હતો. એને પણ રસોઈ નો ખૂબ શોખ, નવું નવું બનાવવાનું સહુને જમાડવાનું એને ખૂબ ગમતું, એ પણ આ શોખ ને કારણ લક્ષ્મી ને વધુ મદદ કરતો, બન્ને ની મુલાકાત મોટાભાગે રસોઈઘર માં જ થતી હતી. નવી નવી વાનગીઓ બનતી, સાથી સ્ટાફ મિત્રો ની ફરમાઈશ વધતી ગઈ, બધા કોઈને કોઈ મોકો શોધી લાવતા, જન્મ દિવસ હોય કે એનીવર્સરી બહાનું કાઢીને સહુ કઈક નવું બનાવવા લક્ષ્મી અને મહેશ ને કહેતા, અને બન્ને ખૂબ પ્રેમથી સ્વાદિષ્ટ ડિશ બનાવતા.
લક્ષ્મી મહેશ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. સંસ્થા ના વાતાવરણ માં સ્ત્રી પુરુષ કોઈ ભેદ નહોતો, કોઈ રોકટોક પણ નહોતી, બન્ને મોડે સુધી એકલા બેસી ઘર પરિવાર ની વાતો કરતા, જીવન ના ઉતાર ચઢાવ ની વાતો કરતા સમય પસાર કરતા. લક્ષ્મી એ મહેશને પોતાના જીવનની એક એક કહાની કહી દીધી હતી, એક બાળક માટે કેટલા વર્ષો થી તે વલખાં મારી રહી હતી તેની વાતો કરતા તે રડી પડતી. મહેશ લક્ષ્મી ને સમજાવતો, દિલાસો આપતો. ઘણીવાર રજાઓ માં બન્ને સાથે જ અમદાવાદ જતા, મહેશ ને અમદાવાદનું કોઈ કામ હોય તો લક્ષ્મી ના ઘરે જ રોકાતો. મહેશ ના સ્વભાવ ને કારણે લક્ષ્મીનો પતિ પણ એનાથી પ્રભાવિત થઈ ગયો હતો, એ પણ એનો મિત્ર બની ગયો હતો. ઘણીવાર લક્ષ્મી ના હોય તો પણ, મહેશ લક્ષ્મી ના ઘરે જતો હતો.
લક્ષ્મી સંસ્થા ના વાતાવરણ માં ખુશ રહેતી, પણ રજા માં ઘરે જઈને આવે ત્યારે દુઃખી જ હોય, આવે એ રાત્રે એ મહેશ સાથે મોડી રાત સુધી બેસી રહેતી, બે દિવસ માં ઘરે જે પણ બન્યું હોય એની બધી જ વાતો મહેશને કહેતી, મહેશ એને સાંભળતો, સમજાવતો રહેતો. રોજની રસોડાની મુલાકાત અને રાત્રે મોડે સુધી એક બીજા સાથે બેસી રહેતા, બન્ને એકબીજા ની ખુબ નજીક ક્યારે આવી ગયા એની એમને પોતાને ખબર જ ના રહી. લક્ષ્મી પ્રેમ ઝંખતી, એવી સ્ત્રી હતી જેને માત્ર બીજા દ્વારા તિરસ્કાર જ મળ્યો હતો, મહેશ ઉત્સાહી લાગણીશીલ યુવાન હતો, જે હમેશા બીજા ના સુખ દુઃખની પરવાહ કરતો, આ સ્વભાવે જ બેયને એકબીજાની ખૂબ નજીક લાવી દીધા હતા. બન્ને એકબીજાની નજીક ને નજીક આવતા રહ્યા, મનથી તો નજીક હતા, શરીર થી પણ નજીક આવી ગયા. લક્ષ્મી સતત મહેશ સાથે જ રહેતી, મોડે સુધી બંને ને એકબીજા સાથે વાતો કરવાની આદત ને કારણે સ્ટાફ ને તો આવી કોઈ શંકા પણ ન્હોતી થતી. લક્ષ્મી ને હવે, વિક એન્ડ માં ઘરે જવું ગમતું નહિ, પણ ના જાય તો પતિ નારાજ થાય, એટલે મહેશ લક્ષ્મી ને પરાણે ઘરે જવા કહેતો.
થોડા મહિના બાદ લક્ષ્મી ને માસિક ના આવતા મહેશ સાથે ડોકટર ને મળવા ગઈ. ડોકટરે લક્ષ્મી નું ચેક અપ કરી લક્ષ્મી ને ખુશ ખબર આપ્યા. લક્ષ્મી અને મહેશ નિશબ્દ બની ગયા. હવે, શું કરવું? લક્ષ્મી ને ખબર હતી, આ બાળક પતિ નું ના જ હોય શકે! બંને ડોકટર પાસે થી દવા લઈ સંસ્થા પર આવ્યા. બન્ને ને સમજાતું ન્હોતું હવે શું કરવું? લક્ષ્મી અને મહેશ એ રાત્રે મોડે સુધી મૂંગા બેસી રહ્યા, કોઈ કશું બોલ્યા નહિ. લક્ષ્મી ગુમ સુમ રહેવા લાગી. મહેશ સતત વિચારતો કે લક્ષ્મી ને કેમ ખુશ રાખવી. ત્રણ ચાર દિવસ બાદ બન્ને રાત્રે મોડે સુધી બેઠા, ચર્ચા કરી, મહેશ લક્ષ્મી ને સમજાવી, આ બાળક મારું છે એ આપણા બે સિવાય કોઈ ત્રીજા વ્યક્તિ ને ખબર નથી, એટલે ચિંતા છોડી આ ખુશી નાં સમાચાર જાહેર કરી દે. આમ, પણ લક્ષ્મી ના પતિની દવા ચાલુ હતી, દર વિકેન્ડ માં બન્ને મળતા જ હતા એટલે કોઈ શક કરવાનું નહોતું.
મહેશ લક્ષ્મી ને પ્રોમિસ આપ્યું કે, એ આ વાત ક્યારેય કોઈ ને પણ નહિ કહે, અને સાથે રહેશે ત્યાં સુધી એની કાળજી પણ રાખશે.
લક્ષ્મી રજા માં ઘરે ગઈ. પતિ સાથે ડોકટર ને મળવા ગઈ, ચેક અપ બધું કર્યા બાદ જ્યારે ડોકટર લક્ષ્મી અને એના પતિ ને ખુશ ખબર આપ્યા તો લક્ષ્મી નો પતિ બહુ ખુશ થઈ ગયો. ડોકટર પોતે સમજી નહોતા શકતા કે આ આટલું ઝડપથી શક્ય કેમ બની ગયું. પરંતુ, ડોકટર માટે તો આ કેસ બહુ લાભદાયી હતો, લોકો સમક્ષ ઉદાહરણ મૂકવા માટે, પોતાની પ્રેક્ટિસ વધુ સારી દેખાડવા માટે.
લક્ષ્મી અને એનો પતિ ઘરે આવ્યા, બધા ને ખુશ ખબર આપ્યા. જે સાસુ સસરા લક્ષ્મી ને સતત માનસિક ત્રાસ આપતા એ ખુશ ખબર જાણી બહુ આનંદિત થઇ ગયા. ઘરનું વાતાવરણ જ પ્રફુલ્લિત થઇ ગયું. બધા લક્ષ્મી ની સંભાળ રાખવા લાગ્યા. લક્ષ્મી બે દિવસ પછી નોકરી ના સ્થળે જવા તૈયાર થઈ ત્યારે સહુ એ હવે ઘરે જ રહેવા સલાહ આપી. પણ લક્ષ્મી નું મન અહી લાગતું નહોતું. લક્ષ્મી એ પોતાની કાળજી લેશે, ચિંતા ના કરવા સહુને કહ્યું અને નોકરીના સ્થળે આવી ગઈ. અહી, મહેશ ની સાથે સંસ્થા નો સ્ટાફ પણ લક્ષ્મી નું ખૂબ ધ્યાન રાખવા લાગ્યા. હવે, લક્ષ્મી મહિના માં એકાદ વાર ડોકટર ને બતાવવા માટે જ જતી, એની સાથે દરેક વખતે મહેશ અવશ્ય જતો જેથી એને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ના પડે. ક્યારેક લક્ષ્મી ના પતિ ને આ વાત ખટકતી પણ, એ પોતે પણ કશું કરી શકે એમ નહોતો, વર્ષો બાદ એક ખુશી એને આંગણે આવીને ઊભી હતી.
લક્ષ્મી ના શ્રીમંત બાદ લક્ષ્મી ને નોકરી છોડાવી દેવામાં આવી. પિયર ના લક્ષ્મી ને ડિલીવરી સુધી રહેવાનું હતું. લક્ષ્મી અને મહેશ ફોન પર વાતો કર્યા કરતા. મહેશ ને ખબર હતી, લક્ષ્મી એને હવે મળવાની નથી, છતાંય એ એની સાથે જોડાયેલ રહેવા માંગતો હતો.
નવમા મહિને લક્ષ્મી એ બીજી લક્ષ્મી ને જન્મ આપ્યો. લક્ષ્મીના પરિવાર માટે તો એક બાળક નો જન્મ થયો એ જ મહત્વનું હતું, લક્ષ્મી નો પતિ દિકરી ને જોઈ જ રહ્યો, એને સમજાતું નહોતું એના નાક નકશા કોના જેવા થયા છે, પણ એ ખુશ હતો, એટલા માટે કે, બન્ને ને હવે કોઈ કહી નહિ શકે કે એક બાળક પેદા કરી નથી શકતા....
બે મહિના બાદ લક્ષ્મી સાસરી મા દીકરી લઈને આવી, એ જ સમયે મહેશ પણ લક્ષ્મી ના ખબર પૂછવા અને દિકરી ને જોવા આવી ચડયો. દિકરી અને મહેશ ના ચહેરા લક્ષ્મી ના પતિ ને જાણે સરખા લાગી રહ્યા હતા. લક્ષ્મી મહેશ અને એના પતિ ત્રણેય ના મગજ માં વિચારો નું ઘોડાપૂર ઉછળી રહ્યું હતું. પણ, ત્રણેય ચૂપ હતા, અને કાયમ માટે ચૂપ જ રહ્યા......