Nakshano bhed - 4 books and stories free download online pdf in Gujarati

નકશાનો ભેદ - 4

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૪ : કાચવાલાનો કચકચાટ

લાયબ્રેરી તરફ તો ચાલ્યા, પણ એમાંય એક મુસીબત હતી. લાયબ્રેરિયનને બધી વાત કહેવામાં માલ નહોતો. અમને એક ચિઠ્ઠી મળી છે, એમાં લૂંટની યોજના છે, અમે એ ચિઠ્ઠી લખનારને શોધીએ છીએ, એવું બધું લાયબ્રેરિયનને કહેવાય નહિ. લાયબ્રેરિયનનું નામ હતું માણેકલાલ શાહ અને એ ખૂબ જ સોગિયા સ્વભાવનો માણસ હતો. મૂળે એને છોકરાં જ ગમતાં નહિ. છોકરાંઓ બધાં પુસ્તકો આડાંઅવળાં કરી નાખે છે અને ફાડી નાખે છે એવી એની કાયમની ફરિયાદ હતી.

એટલે પછી જ્ઞાને એક તુક્કો લડાવ્યો. એને ઘેર સરસ રેશમનો મોતી ભરેલો એક નાનકડો પટ્ટો હતો. મૂળે એ પટ્ટો એની મોટી બહેન માથે બાંધતી, પણ પછી મોટી બહેને વાળ વધાર્યાં એટલે એને પટ્ટાની જરૂર ન રહી, એથી એના બાપુજી એ પટ્ટાને પુસ્તકમાં મૂકવાનો ઉપયોગ કરતા. પોતે વાંચતાવાંચતાં જે પાને આવ્યા હોય ત્યાં એ પટ્ટો રાખતા.

એ પટ્ટો લઈને પાંચેય ડિટેક્ટિવો લાયબ્રેરીમાં ગયાં અને માણેકલાલ સામે એ પટ્ટો ધર્યો. પછી જ્ઞાને કહ્યું, “છેલ્લે મારા પિતાજી જે પુસ્તક લઈ ગયેલા એની અંદરથી આ પટ્ટો જડ્યો છે. પટ્ટો કિંમતી છે. જેનો હશે એને ઘણો વહાલો હશે. અમે એ પટ્ટો એના મૂળ માલિકને પાછો સોંપવા માગીએ છીએ.”

મનોજે ઉમેર્યું, “એટલે જો તમે અગાઉ પેલું પુસ્તક લઈ જનારનું નામ અને સરનામું આપો તો અમે એ સાહેબને પટ્ટો પહોચાડી દઈએ.”

છોકરાંઓની વાત સાંભળીને કોઈ બીજું માણસ હોત તો રાજી થાત. છોકરાંઓ કેવા પ્રામાણિક છે, જે વસ્તુ જેની હોય એને પહોંચાડવા કેટલાં આતુર છે, એ જોઈને શાબાશી આપત.

પણ આ તો મિસ્ટર માણેકલાલ હતા. એમની સોગિયલ સૂરત જેવી ને તેવી જ એરંડિયા-છાપ રહી. એ કહે, “તમે શું એમ માનો છો કે હું અહીંના હજારો સભ્યો કઈ ચોપડી ક્યારે લઈ જાય એ યાદ રાખું છું ?”

મનોજ બોલ્યો, “તમને બધા લોકો કઈ ચોપડી લઈ જાય છે એ યાદ ન રહે, એ તો અમેય સમજીએ છીએ. પણ તમે ચોપડીઓની લેવડ-દેવડનો હિસાબ તો નોંધો છો ને !”

માણેકલાલ લાયબ્રેરિયને પોતે પ્રકાશ્યું : “એ માટે તો કેટલાય દિવસના હિસાબ જોવા પડે. મોટા ચોપડા ઉથામવા પડે. અને એ પછી પણ પત્તો ન લાગે.

હા, જો કબાટમાં અમુક પુસ્તક ન હોય અને એનું નામ તમને યાદ હોય તો એ પુસ્તક કોણ લઈ ગયું છે એ હું કહી શકું. બાકી એક પુસ્તક આવી ગયા પછી કશી ખબર ન પડે. પણ તમારે તો આ પટ્ટો જ એના માલિક સુધી પહોચાડવો છે ને ? એ હું કરી શકીશ. લાવો એ પટ્ટો . હું એને લાયબ્રેરીના કાઉન્ટર ઉપર સૌ જોઈ શકે એ રીતે રાખીશ. જેનો હશે એ જોશે અને માગી લેશે.”

બિચારાં છોકરાંઓ ! એમની એક યોજના પાણીમાં ગઈ !

અને જ્ઞાનની સૂરત તો જોવા જેવી થઈ ગઈ. પટ્ટો હવે અહીં જ રહેશે અને આજકાલમાં પિતાજી આવશે અને એ જોશે ત્યારે શું થશે ? એ પટ્ટો કોઈકનો છે એવું પોતે કહ્યું છે એ જાણશે એટલે તો ખૂબ ખાટા થશે.

પણ હવે પગલું ભર્યું હતું એ પાછું ભરવાનો પણ કોઈ ઉપાય નહોતો.

એટલે પટ્ટો માણેકલાલને કબજે રહેવા દીધો. સૌ રોતલ ચહેરે લાયબ્રેરીમાંથી બહાર નીકળવા લાગ્યાં. મનોજને બેલા ઉપર ખૂબ ગુસ્સો આવ્યો હતો. એને ધીમા છતાં ખિજાયેલા અવાજે કહેવા માંડ્યું, “ડિટેક્ટિવ ઓફિસર બેલા ! મારા મૂરખ આઈડિયાનું પરિણામ જોઈ લીધું ? હવે જરાક અક્કલવાળી રીત અજમાવીએ. મેં કીધું હતું એમ જ કરીએ. મિહિર, તું આખા શહેરમાં ઘૂમી વળ અને તું કહેતો હતો એવી સરકસવાળી ગોઠવણી....”

મિહિરે ટપકું મૂક્યું, “સરકસ નહિં, સરકીટ !”

મનોજે માથું ધુણાવ્યું. “હા, બાબા, હા ! સરકીટ ! તો તું કહેતો હતો એવા સરકીટવાળી ગોઠવણ ક્યાંક્યાં છે એની નોંધ કર. પછી આપણે એ દરેક જગાએ બહોળી તપાસ કરીશું અને.....”

એ હજુ આટલું બોલી રહ્યો હતો અને એ લોકો લાયબ્રેરીના બારણા સુધી પહોંચ્યાં હતાં ત્યાં જ એક જાણીતો અવાજ સંભળાયો :

“વાહ, વાહ, વાહ ! હું તમને જે નાનકડા વૈજ્ઞાનિકની વાત કરતો હતો ને એ જ આ ! “

એ લોકો બારણે પહોંચ્યાં ત્યારે જ બે માણસો બહારથી બારણે આવ્યા. એ લોકો સામસામે આવી ગયા. જે માણસ બોલ્યો તે આ બહારથી આવનારામાંનો જ એક હતો. અને પાંચે ડિટેક્ટિવોએ જોયું કે એ પેલો વીમા કંપનીનો ઇન્સ્પેક્ટર હતો.એના મુખ ઉપર મલકાટ હતો અને એ પ્રશંસાભરી નજરે મિહિર તરફ આંગળી ચીંધી રહ્યો હતો.

પરંતુ પાંચેય ડિટેક્ટિવો નવાઈથી, ભયથી અને અણગમાથી જોઈ રહ્યા હતાં એની સાથેના માણસને.

એ માણસ એમનો જાણીતો હતો. એનો પથ્થરિયો ચહેરો અને એની પોલાદી આંખો એમનાં જાણીતાં હતા. એની ફગફગતી મૂછો અને એની અણિયાળી હડપચી એમની જાણીતી હતી.

એ હતા પોલીસ ઇન્સ્પેક્ટર કાચવાલા.

અને એમની નજર એકલા મનોજ ઉપર ઠરેલી હતી ! એ બોલ્યા, “મિસ્ટર ! તમે નાનકડા વૈજ્ઞાનિકની વાત કરતા હતા ત્યારે મને આ નાનકડો ડિટેક્ટિવ યાદ આવતો હતો. અને લ્યો, એ સામે જ ભટકાઈ ગયો ! આ તો ભૂંડા શુકન થયા !”

વીમા ઇન્સ્પેક્ટર કહે, “ભૂંડા શુકન કેમ ? “

ઇન્સ્પેક્ટર કાચવાલા કહે, “હરેક કામમાં ટાંગ અડાડવાની કુટેવવાળો આવો છોકરો મેં જિંદગીમાં જોયો નથી. તમારો વૈજ્ઞાનિક પણ જો આને ચાળે ચડશે તો બગડી જશે. “

હવે, ઇન્સ્પેક્ટર કાચવાલાને આવું બોલવાનું ખરેખર કશું કારણ નહોતું. મનોજ એન્ડ કંપની એજન્સી ખરેખર તો એમને પુષ્કળ મદદ કરતી હતી. એક વાર એક વિદ્યાર્થી ગુમ થઈ ગયેલો અને પોલીસ આકાશપાતાળમાંથીય એને શોધી શકતી નહોતી. ત્યારે આ નાનકડા ડિટેક્ટિવોએ તેને શોધી આપેલો. પરંતુ બનેલું એવું કે કમિશનરે કહેલું કે આવડાં ટાબરિયાં જે શોધી શકયાં તે તમે ન શોધી શક્યા, મિસ્ટર કાચવાલા ?

.....આ તે દિવસથી કાચવાલા આ મંડળી અને ખાસ તો મનોજ દીઠાય ના ગમે.

પણ મનોજને આ પારસી બાવા તરફ ગજબની મમતા હતી. માન હતું. એ તો અત્યારે કાચવાલાને જોઈને રાજી થઈ ગયો. એ બોલ્યો, “ઇન્સ્પેક્ટર સાહેબ, અમે અત્યારે એક મોટા કામમાં પડ્યા છીએ. “

કાચવાલા કહે, “તારાં ગાંડાગાંડાં કામ છોડીને જરા ભણવા માંડ, દીકરા ! અને હવે બારણાંમાંથી આઘો ખસ. અમારે અહીં કામ છે. “

આમ છતાં મનોજ આઘો ન ખસ્યો. એ બોલ્યો, “અમે એક લૂંટની તપાસ કરીએ છીએ.”

કાચવાલાએ ડોળા ફાડ્યા. “લૂંટની તપાસ ? મને તો કોઈ જ લૂંટની ખબર નથી.”

મનોજ કહે, “તમને ક્યાંથી ખબર હોય ? આ લૂંટ હજુ થઈ નથી, થવાની છે ! અમને જાણવા મળ્યું છે કે આવતે શનિવારે રાતે એક લૂંટ....”

કાચવાલા બોલી ઉઠ્યા, “તમને જાણવા મળ્યું છે ? લૂંટની વાત તમે ટાબરિયાં જાણો છો, એમ ? શાની લૂંટ ? કેવી લૂંટ ?”

મનોજ કહે, “હજુ અમને વધારે ખબર નથી, પણ અમને લાયબ્રેરીના એક પુસ્તકમાંથી એક પગેરું મળ્યું છે. જ્ઞાન, જરા ઇન્સ્પેક્ટર સાહેબને પેલી ચબરખી બતાવ.”

પરંતુ આટલી વાત થયા પછી ઇન્સ્પેક્ટર કાચવાલાનો રસ ઊડી ગયો હતો. એમણે કડક અવાજે કહ્યું, “જુઓ, છોકરાંઓ ! આવી રમતો તમે એકલાં એકલાં રમો એ જ સારું ! એમાં પોલીસને સંડોવવાની જરૂર નહિ. ચલો, હતો રસ્તામાંથી !”

મનોજે વિનંતી કરી, “પણ, સાહેબ.... આ એક ગંભીર કેસ છે અને....”

પણ ઇન્સ્પેક્ટર કાચવાલાનેય એક ગંભીર કામ હતું. આ લાયબ્રેરીમાં બેચાર દિવસમાં જ એક પુસ્તક-પ્રદર્શન ભરાવાનું હતું. એમાં કેટલાંક જૂનાં અને કિંમતી પુસ્તકો પણ મુકાવાનાં હતાં. એમને માટેની સલામતીની જોગવાઈઓ તપાસવા જ એ વીમા ઇન્સ્પેક્ટર સાથે આવ્યા હતા. મનોજને પોતાના મારગમાંથી ખસતો નહિ જોઈને એમનો પારો ચડી ગયો. મનોજની છાતી ઉપર આંગળી મૂકીને એમણે ઘોઘરે ઘાંટે કહ્યું, “તું ડિટેક્ટિવ એજન્સી ચલાવે છે ને, દીકરા ! તો તને ખબર હશે કે લૂંટ ઉપરાંત બીજા પણ કેટલાક ગુના હોય છે. “

મનોજ કહે, “ખબર છે.”

કાચવાલા કહે, “તો તને એ પણ ખબર હશે કે પોલીસવાળાઓના કામમાં અડચણ કરવી એ પણ એક ગુનો છે !”

મનોજ બોલ્યો, “હાસ્તો, પણ....”

કાચવાલા કહે, “પણ એ જ ગુનો તું અત્યારે કરી રહ્યો છે ! તું એકલો નહિ, તારાં આ ટાબરિયાં પણ એ ગુનામાં સંડોવાયાં છે. હવે તમે આઘાં ખાસો છો કે તમને સૌને હવાલાતમાં બંધ કરી દઉં ?”

બિચારો મનોજ ! કાચવાલા આવું કરશે એવી તો એને સપનેય કલ્પના નહોતી. એ તો બીકણ ગલુડિયાની જેમ બાજુએ જ લપાઈ ગયો. બીજાં સૌ પણ પાણીના રેલાની જેમ લાયબ્રેરીના બારણાની બહાર નીકળી ગયા. ઇન્સ્પેક્ટર કાચવાલા અને વીમા ઇન્સ્પેક્ટર અક્કડપણે ચાલતા લાયબ્રેરીની અંદર જતા રહ્યા.

ચારે દોસ્તોની પાછળ મનોજ પણ લાયબ્રેરીના આંગણામાં આવ્યો. એનો ચહેરો શરમથી અને ગુસ્સાથી લાલચોળ બની ગયો હતો.

એ બબડ્યો, “તમે સાંભળ્યું ને ? ઇન્સ્પેક્ટર કાચવાલાએ ભાંગરો વાટ્યો એ તમે સાંભળ્યું ને ! આ પોલીસવાળાઓ કેવા જડ હોય છે એ પણ જોયું ને ? આપણે તો આપણી ફરજ બજાવી. લૂંટ થવાની છે, એ જણાવ્યું. પણ એમને કશી ગતાગમ જ નથી ! એટલે હવે બધો મદાર આપણા પર છે.”

મનોજ એકલો ગુસ્સે નહોતો થયો. બીજાં ચારેય સાહસિકો પણ ગુસ્સામાં હતાં. સૌથી વધુ મિહિર.

એ બોલ્યો, “તું ચિંતા ન કર, મનોજ ! હું હવે ઘેર જાઉં છું અને આ સરકીટનો બરાબર અભ્યાસ કરું છું. એવી સરકીટો ક્યાં ગોઠવી છે એ પણ આપણે શોધી કાઢીશું. અને પેલા કાચવાલાને ચાટવાલા બનાવી દઈશું. જે માણસ ઇલેક્ટ્રિક સરકીટને અને લૂંટની ચિઠ્ઠીને બચ્ચાંઓના ખેલ સમજે એને તો બરાબર ચાટ પાડવો જોઈએ.”

*#*#*