Nakshano bhed - 10 books and stories free download online pdf in Gujarati

નકશાનો ભેદ - 10

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૧૦ : એ હસ્તાક્ષર કોના ?

મનોજ... સોરી, ડિટેક્ટિવ મનોજના સ્વભાવની એક ખાસિયત છે. દરેક કામ એને સમુંસૂતર જોઈએ. પોતાની ધારણા મુજબ થવું જોઈએ. તેમાં જો જરાક આઘુંપાછું થાય, કશુંક વિઘ્ન આવે, તો એ ઢીલોઢસ થઈ જાય.

ગઈ કાલ સાંજે એ શ્વાસભેર દોડ્યો હતો. રતનજી ભીમજી ઝવેરીની દુકાન સુધી દોડ્યો હતો. ગાંધી રોડના ઊંચા ઢાળ ઉપર એ દુકાન આવેલી હતી છતાં હાંફતો હાંફતો દોડ્યો હતો. અને જઈને જોયું તો દુકાન બંધ હતી !

નિરાશ તો એ જ વેળા એ થઈ ગયો હતો. પરંતુ હજુ આશાનું એક કિરણ બાકી હતું. સવારમાં જઈને રતનજી ભીમજીના વાણોતરના અક્ષર મેળવી શકાય એમ હતું. વાણોતર તરીકે એક છોકરી કામ કરતી જણાઈ ત્યારે હૈયું જરાક બેસી ગયેલું. છતાં એણે માન્યું કે છોકરીના કોઈ સાગરીતનું કાવતરું હશે અને છોકરી એમાં ભળી હશે. વળી, છોકરીને એના શેઠ તરફ જરાય માન નહોતું. ગુસ્સો હતો. એટલે એ શેઠને લુંટાવવા તૈયાર થઈ હોય એમ બને. એટલે એના હસ્તાક્ષર મેળવ્યા. રસીદને બહાને હસ્તાક્ષર ન મળ્યા તો ઓટોગ્રાફ આલ્બમને બહાને મેળવ્યા.

પણ હવે એ બધી જ મહેનત બરબાદ થઈ ગઈ હતી. પેલો વૈજ્ઞાનિકનો બચ્ચો મિહિર કહેતો હતો કે લૂંટના નકશાવાળી ચિઠ્ઠીમાં જે હસ્તાક્ષર હતા તે કરુણા મહેતાના નહોતા. સોએ સો ટકા નહોતા. મિહિર તો એ બાબત ઉપર શરત લગાવવા પણ તૈયાર હતો.

શરતની વાત યાદ આવી એટલે મનોજને પૈસા યાદ આવ્યા. મિહિરના પલંગ ઉપર લાંબો થઈને, ઢીલો થઈને એ પડ્યો હતો. પણ જીભ એની કુહાડીની જેમ ચાલતી હતી. એ બબડ્યો : “બધી મહેનત બેકાર ગઈ ! બધી જ ! અને વીસ રૂપિયા જેવી રકમ પાણીમાં ગઈ !”

આમ કહીને એણે ગજવામાં હાથ નાખ્યો. પોતે ખરીદેલો ઘડિયાળનો પટ્ટો કાઢ્યો. બધાંને લાગ્યું કે મનોજ હમણાં જ આ પટ્ટો બારીની બહાર ફેંકી દેશે.

એનો બબડાટ સાંભળીને બેલાનો મિજાજ ગયો. એ બોલી, “અલ્યા મનોજ ! તમને છોકરાઓને ચોકસાઈથી બોલતાં કદી નહિ જ આવડે કે શું ? મારા પપ્પાએ સાડા ચાર હજારનો ટીવી ખરીદ્યો હતો અને આખા ગામને કહેતા ફરતા હતા કે પાંચ હજારનો ટીવી ખરીદ્યો, પાંચ હજારનો ટીવી ખરીદ્યો ! તેં ક્યાં ઘડિયાળનો પટ્ટો વીસ રૂપિયાનો લીધો છે ? ખાલી નવ રૂપિયા ત્રીસ પૈસાનો પટ્ટો છે.”

મનોજે રોતલ અવાજે કહ્યું, “ઉપર ટેક્સ ખરો કે નહિ ? તું કહેવા શું માગે છે ? શું હું એજન્સીના નાણાં ઉચાપત કરવા માગું છું, એમ ?”

બેલા કહે, “મેં એવું તો નથી કહ્યું. હું તો –“

પણ મનોજ એને પૂરું બોલવા દે તો મનોજ શાનો ! એણે બેલાની વાતને અધવચ્ચે જ કાપતાં કહ્યું, “જો, એ રસીદ જ તને બતાવું. ટેક્સ સાથે કેટલા થયા, જ્ઞાન ? ...એ રદ્દી રસીદ પણ મારા ગજવામાં જ છે ક્યાંક... લે, આ રહી !”

આમ કહીને મનોજે ડૂચો વાળીને ગજવામાં ઘાલેલો રતનજી ભીમજીવાળો કાગળ કાઢ્યો અને બેલા તરફ ફેંક્યો.

બેલા હવે વધુ બગડી બેઠી. એણે બંને હાથ જીન્સનાં ગજવામાં નાખીને તીખા અવાજે કહ્યું, “મિસ્ટર મનોજકુમાર ! તમે હવે આવી બાલિશ હરકતો બંધ કરો તો સારું. મેં કાંઈ તારે માથે કશો આક્ષેપ નથી કર્યો. હું ફક્ત એટલું જ કહું છું કે ઘડિયાળના પટ્ટાની કિંમત વીસ રૂપિયા નથી થઈ. મારે કાંઈ તારી રસીદ જોવી નથી કે હિસાબ તપાસવો નથી.”

બેલાએ કાગળ લીધો નહિ, અને કાગળ મિહિરનાં છાપાં-ચોપડીઓની વચ્ચે અથડાતો જઈને ફર્શ ઉપર પડ્યો.

એટલે મિહિર બોલી ઊઠ્યો, “તમે આમ કચરા ને ડૂચાની ફેંકાફેંક ન કરો. મારી મમ્મીને એ જરાય ગમતું નથી. હજુ આજે સવારે જ મેં અહીં કચરો વાળ્યો છે.”

આમ કહીને મિહિર વાંકો વળ્યો. એણે ડૂચો વળી ગયેલી પેલી રસીદ ઉપાડી અને એનો કાગળ સીધો કરવાં માંડ્યો. એનો ઓરડો એટલો તો અસ્તવ્યસ્ત રહેતો કે એક કાગળ માટે એ આટલી કાળજી રાખે એ જ નવાઈની વાત હતી. કદાચ મિત્રો આગળ ચોખ્ખાઈનું ગાણું ગાવા જ એ આમ બોલતો હતો. હમેશાં ઓરડો લઘરવઘર રાખનાર મિહિર આવું બોલે ત્યારે હસવું જ આવે ને !

એટલે જ્ઞાન અને વિજય મલકાવા લાગ્યા. પરંતુ મિહિરના ચહેરા ઉપર જે ફેરફાર થવા લાગ્યા એ જોઈને એમનો મલકાત સુકાઈ ગયો.

મિહિરે પેલી રસીદ સીધી કરી હતી અને એ અંદરનું લખાણ વાંચી રહ્યો હતો અને જાણે ભૂત જોયું હોય એમ એની આંખો ફાટી ગઈ હતી.

જાણે સપનામાં હોય એમ એ બબડ્યો, “અલ્યાં છોકરાંઓ ! તમે આ જોયું ? આ ?”

પછી એણે દોડીને ટેબલ ઉપાઈ પડેલી મૂળ નકશાવાળી ચિઠ્ઠી ઉપાડી. એ ચિઠ્ઠી અને પેલી રસીદ નજીક્નજીક રાખીને એણે એકથી બીજી ઉપર નજર ફેરવવા માંડી. એનો બબડાટ ચાલુ જ હતો : “....હં....બરાબર....એક જ વળાંક....મ અને જ અને ર.....બધાં વળાંક એકસરખા જ છે....”

એનો બબડાટ સાંભળીને મનોજ કૂદ્યો. મિહિરના પલંગ ઉપર પડેલી ટેસ્ટ-ટ્યૂબો ખણખણાત કરી ઊઠી. મનોજ ચાલ્યો એટલે ‘સાયન્સ ટૂડે’ ના અંકોની ઊંચી થપ્પી હડફેટે આવી. અંકો ઊડી પડ્યા. આટલું બધું થયું છતાં મિહિરે ન તો કશી ફરિયાદ કરી કે ન ઓરડો સ્વચ્છ રાખવા વિષે કશું ભાષણ કર્યું. એનું તમામ ધ્યાન પેલી ચિઠ્ઠી અને રસીદના અક્ષરોની સરખામણી કરવામાં જ હતું.

આખરે એક ઊંડો શ્વાસ લઈને એને કહ્યું, “ડિટેક્ટિવ ઓફિસરો ! આપણે અચાનક જ એક અતિ મહત્વની શોધ કરી છે. આ રસીદના અને ચિઠ્ઠીના હસ્તાક્ષર સોએ સો ટકા સરખા જ છે.... જરાક જુદી રીતે લખીને અક્ષરનો મરોડ છુપાવવાની કોશિશ પણ કરવામાં નથી આવી. જુઓ !”

ચારેય જણ નીચાં નમ્યાં. ચારેય માથાં જાણે કોઈ કાળા ફૂલની પાંદડીઓ હોય એમ એક થયાં, અને ચારેય ગળાંમાંથી એકસાથે એક નિશ્વાસ નીકળી પડ્યો.

કારણ કે મિહિરની વાત સોએ સો ટકા સાચી હતી ! કશા જ સૂક્ષ્મદર્શક કે બૃહદર્શક કાચ કે રસાયણો કે નિષ્ણાતની સહાય વગર જ એ સમજી શકાય એવું હતું કે રતનજી ભીમજી ઝવેરીના અક્ષર અને લૂંટની યોજનાની ચિઠ્ઠીના અક્ષર સો ટકા, હજાર ટકા, લાખ ટકા એક જ હતા !!

એટલે પછી સૌથી અગત્યનો સવાલ આવી પડ્યો. એ સવાલ મનોજે પૂછ્યો, ‘શું રતનજી ભીમજીએ પોતાની જ દુકાન લૂંટવાનું કોઈને આમંત્રણ આપ્યું છે ? આ તો ન માની શકાય એવી વાત છે !”

જો કે જ્ઞાનને બહુ નવાઈ લાગી હોય એવું જણાયું નહિ. એણે ભેદી રીતે કહ્યું, “એમાં ન માની શકાય એવી વાત શી છે, મનોજ ?”

મનોજ કહે, ”નવાઈ લાગે એવી વાત કેમ નહિ ? દુનિયામાં કોઈ માણસ એવો તો ન જ હોય ને જે પોતાને લૂંટવા માટે લોકોને આમંત્રણ આપતો ફરે ? સિવાય કે એ પાગલ હોય ! આ રતનજી ભીમજી માળો પાગલ તો નહિ હોય ને ?”

જ્ઞાનનું જ્ઞાન હવે બરાબર ઝળકી ઊઠ્યું. કોઈ શાણા માનવીની ઠાવકાઈથી એ બોલ્યો, “આપણે ત્રણ દિવસ પહેલાં અહીં મિહિરને મળવા આવ્યા ત્યારે અહીં જે માણસ હતો એના પરથી મને ખ્યાલ આવ્યો છે. યાદ છે, અહીં મિહિર સાથે વાત કરવા કોણ આવ્યું હતું ?”

મિહિરના વૈજ્ઞાનિક ભેજામાં વાત તરત જ ઊતરી ગઈ. “જ્ઞાન ! તું વીમાની વાત કરે છે ને ?”

જ્ઞાન કહે, “બરાબર, એ જ ! મને લાગે છે કે રતનજી ભીમજી ઝવેરીએ વીમા કંપનીને મૂર્ખ બનાવવાનું કાવતરું ઘડ્યું છે. તમે જાણો છો કે ઘણા શેતાન વેપારીઓ વીમા કંપનીને છેતરે છે. એ લોકો દુકાનમાં લાખનો માલ રાખે અને દસ લાખનો વીમો ઉતરાવે. એ પછી કાં તો જાતે જ દુકાનને આગ લગાડે અને કાં તો જાતે જ ચોરી કરાવે. એ રીતે નવ લાખનો ચોખ્ખો લાભ મેળવી લે ! ચોરી કરનારને તો વિશેષ લાભ હોય છે. એ તો ચોરેલો માલ પણ પોતાની પાસે રાખી લે છે. આવાં કામો માટે ઘણી વાર સાગરીતોની મદદ લેવાતી હોય છે. એને થોડો ભાગ આપી દેવાનો હોય છે.”

જ્ઞાનની વાત સૌને ગળે શીરાની જેમ ઊતરી ગઈ. મનોજનો ચહેરો ચળકવા લાગ્યો. એ જોરજોરથી માથું ધુણાવતો હતો.

એ બોલ્યો, “બરાબર ! એવું જ લાગે છે ! પેલા રતનજીને મેં જોયો ત્યારે જ મને સમજાઈ ગયેલું કે આ માણસ ગઠિયો છે.’

બેલાએ ટાપશી પૂરી, ”અને કરુણાને જોતાં જ સમજાઈ ગયેલું કે એ દુષ્ટ નથી.”

જ્ઞાને પૂછ્યું, “તો હવે આપણે શું કરીશું ? પોલીસને વાત કરવી છે ?”

*#*#*