VEDH BHARAM - 12 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 12

ડૉ.રાયની વાત સાંભળી રિષભે પૂછ્યુ “શુ તમે કહી શકશો કે દર્શનનો શ્વાસ કઇ રીતે રુંધવામાં આવ્યો છે?”

આ સાંભળી ડૉ.રાયના ચહેરા પર ખંધુ સ્મિત આવી ગયુ, જેનો મતલબ હતો કે હું અહીં સુધી એમજ નથી પહોંચ્યો. રિષભ પણ તેનો મતલબ સમજી ગયો હતો પણ તે કંઇ બોલ્યો નહી એટલે ડૉ.રાયે કહ્યું “જો આમ તો શ્વાસ ઘણી રીતે રુંધી શકાય, જેમ કે ગળુ દબાવીને,અથવા પાણીમાં ડુબાડીને. જો ગળુ દબાવીને મારી નાખવામાં આવેલ હોય તો ગળાની આસપાસ તેના નિશાન મળે પણ, એવા કોઇ નિશાન મળ્યા નથી.” એમ કહી ડૉ.રાયે ફોટામા દર્શનનું ગળુ બતાવ્યુ અને આગળ બોલ્યા “જો પાણીમાં ડુબાડીને મારી નાખવામાં આવ્યો હોત તો તેના ફેફસામા ઘણુ બધુ પાણી ભરેલુ હોય જે પણ આ કિસ્સામાં મળ્યુ નથી.” આટલુ બોલી ડૉ.રાય રોકાયા એટલે રિષભે ઉત્સુકતાથી પૂછ્યુ “તો પછી કઇ રીતે ખૂન કરવામાં આવ્યુ છે?”

“તેના મો પર ઓશિકુ અથવા એવી કોઇ ચીજ દબાવીને તેનુ ખૂન કરવામાં આવ્યુ છે.” ડો.રાયે રહસ્ય પરથી પરદો ઉઠાવતા હોય તે રીતે કહ્યું.

આ સાંભળીને હેમલ અને રિષભ બંનેને નવાઇ લાગી કેમકે તો તો આ ખૂન બેડ પર જ થયુ હોવુ જોઇએ પણ તે લોકોએ ક્રાઇમ સીન પર જોયુ હતુ કે બેડ પર એવા કોઇ નિશાન નહોતા. તેનો મતલબ એવો થતો હતો કે ખૂનીએ ખૂન કર્યા પછી બધુ વ્યવસ્થિત કર્યુ હતુ. આ વિચાર આવતા જ રિષભે કહ્યું “વિક્ટીમનું મૃત્યુ એક્ઝેટ કેટલા વાગે થયુ હશે?”

“લગભગ રાત્રે સાડાદશથી બાર વચ્ચેના ગાળામાં જ તેનુ મૃત્યુ થયુ હોવુ જોઇએ.” ડો.રાયે કહ્યું.

ત્યારબાદ થોડી ઔપચારીક વાતો કરી રિષભે ડૉક્ટરને કહ્યું કે કાલે તમને થોડા ડી.એન.એ સેમ્પ્લ અને ફિંગરપ્રીન્ટ સેમ્પલ પહોંચાડશુ તે સેમ્પલ સ્થળ પરથી મળેલ વાળ અને ફીન્ગર પ્રીન્ટ સાથે મેચ કરી અમને જણાવજો. ત્યારબાદ બંને ત્યાંથી નીકળી ગયાં. બહાર નીકળી રિષભે કહ્યું “ઓકે, આજે ઘણી બધી ઘટના બની છે તેના વિશે વિચારવુ પડશે. આજે હવે કામ નથી કરવુ મને ક્વાર્ટર પર જ ઉતારી દો.”

-----------------****---------****-----------*****----------------------------

બીજા દિવસે સવારે રિષભ સ્ટેશન પર પહોંચ્યો ત્યારે હેમલ, અભય અને વસાવા ત્રણેય તેની રાહ જોઇ રહ્યા હતા. રિષભ ઓફિસમાં જઇને બેઠો એટલે ત્રણેય સાથે જ ઓફિસમાં આવ્યા. રિષભે ત્રણેયને બેસવા કહ્યું. વસાવાએ વાતની શરુઆત કરતા કહ્યું “સર, કાલે બધુ જ કામ પતી ગયું છે. બધાના ફીંગર પ્રિન્ટ્સ અને લેડીઝના ડીએનએ સેમ્પલ્સ લઇ લીધા છે અને દર્શનની ઘરે પણ આજ રીતે કામ પતાવી દીધુ છે.” આટલુ બોલી વસાવા રોકાયો એટલે રિષભે પૂછ્યું “મે તમને પૂછપરછ કરવા કહ્યુ હતુ તેનું શું થયું?” આ સાંભળી અભયે કહ્યું “મે લગભગ બધી જ લેડીઝની પૂછપરછ કરી હતી તેના પરથી એ તો ફાઇનલ જ છે કે આ દર્શન કેરેક્ટરલેસ માણસ હતો, પણ સાથે સાથે એ પણ માહિતી મળી કે દર્શન દીલદાર માણસ હતો.” અને પછી થોડુ રોકાઇને અભયે ટેબલ પર રહેલી તેની ડાયરી ખોલી અને બોલ્યો “તેની પેલી બે સેક્રેટરીમાં શ્રેયા વિશે એકદમ સારા અભિપ્રાય મળ્યા છે. દર્શને તેને ફસાવી હતી. છેલ્લે દર્શન સાથે કોઇ બાબતમાં ઝગડો થતા તેણે નોકરી છોડી દીધી હતી. મે ઘણુ પૂછ્યુ પણ કોઇને તેના નોકરી છોડવાના કારણની ખબર નથી.” ત્યારબાદ થોડુ રોકાઇને અભયે કહ્યું “નવ્યા વિશે કોઇનો પણ રિપોર્ટ સારો નથી તે એકદમ જ ચાલાક હતી. તેને પણ દર્શન સાથે સંબંધ હતા પણ તે દર્શનના સંબંધનો ઉપયોગ કરતી હતી. તેણે દર્શનના સંબંધની પૂરી કિંમત વસૂલ કરી છે એમ જાણવા મળ્યુ છે. અને એક ખૂબ જ કામની માહિતી એક લેડીઝ કર્મચારી પાસેથી મળી છે પણ તે બિચારીએ તેનુ નામ ના આપવાની શરતે આ વાત કહી છે.” આટલુ કહી અભય આગળ બોલવા જતો હતો ત્યાં રિષભે કહ્યું “તું એ જ કહેવા માગે છે ને કે નવ્યાનું ચક્કર નિખિલ સાથે પણ ચાલતુ હતું.” આ સાંભળી અભય ચોકી ગયો અને બોલ્યો “અરે હા સર. હું આજ કહેવાનો હતો પણ, તમને કેવી રીતે ખબર પડી?” અને હવે ચોકવાનો વારો હેમલનો હતો. તેને પણ સમજાતુ નહોતુ કે રિષભને કેવી રીતે ખબર પડી કે નિખિલનું લફડુ નવ્યા સાથે ચાલતુ હતુ. બધાના હાવભાવ જોઇને રિષભ હસી પડ્યો અને બોલ્યો “અરે નવ્યા અને નિખિલ બંને દર્શનને છોડીને થોડા સમયના અંતરે અશ્વિનની ઓફિસમાં જોડાઇ ગયા, આ વાત જાણી ત્યારથી જ મને થોડી શંકા હતી કે જરુર આ બંનેની નોકરી છોડવામાં કોઇ રહસ્ય છે. પણ જ્યારે કાલે હેમલ બહાર નીકળ્યો અને મે આ સી.સી.ટીવી રેકોર્ડીંગ જોયુ ત્યારે મને આખો મામલો સમજાઇ ગયો.” આમ બોલી રિષભે તે રેકોર્ડીંગ લેપટોપમાં ચાલુ કરી બધાને બતાવ્યુ. રેકોર્ડીંગ પૂરુ થતા રિષભે વસાવાને કહ્યુ “તમે અને અભય હવે નિખિલને શોધવા પર ધ્યાન આપો. જો એકવાર તે મળી જશે તો ચિત્ર ઘણુબધુ સ્પષ્ટ થઇ જશે. અને બીજુ અભય પેલી છોકરી શ્રેયાને શોધો મારે તેને મળવુ છે.” આ સાંભળી તે બંને બહાર ગયા. રિષભે હેમલને કહ્યું “ચાલ હવે આપણે અશ્વિનની ઓફિસ પર જવુ પડશે. જોઇએ તો ખરા કે અશ્વિન કેટલુ જાણે છે આ વિશે.”

રિષભ અને હેમલ જીપમાં બેઠા એટલે ડ્રાઇવરે જીપને અશ્વિનની ઓફિસ તરફ જવા દીધી. જીપ આગળ ચાલી એટલે હેમલે કહ્યું “સર, હજુ સુધી મને એ વાત નથી સમજાઇ કે નિખિલ શુ કામ ગાયબ થઇ ગયો? આ નોકરી છોડવી કે નવ્યા સાથે લફડુ હોવુ એમા કંઇ તેને ગાયબ ન થવુ પડે. મને લાગે છે કે તે ચોક્કસ ખૂન સાથે જોડાયેલો છે.”

આ સાંભળી રિષભે કહ્યું “હા, તે ગાયબ થઇ ગયો એટલે મારો શક પણ તેના પર જ છે. પણ હજુ જ્યાં સુધી તે મળે નહી ત્યાં સુધી કંઇ કહી શકાય નહી.” આ સાંભળી હેમલને થોડી નવાઇ લાગી પણ તે કંઇ બોલ્યો નહીં.

દશેક મિનિટ બાદ તે લોકો અશ્વિનની ઓફિસમાં દાખલ થયા. આ વખતે તે લોકો અચાનક ગયા હતા. કેમકે રિષભ અશ્વિનને વિચારવાનો સમય આપવા નહોતો માંગતો. અચાનક રિષભ અને હેમલને આવેલા જોઇને અશ્વિન ચોંકી ગયો પણ, તરતજ તેણે તેના હાવભાવ છુપાવી બંનેને આવકાર્યા. રિષભ અને હેમલ બેઠા એટલે અશ્વિને ચા મંગાવી. રિષભે ચા પીતા પીતા વાતની શરુઆત કરતા કહ્યું “તમારો પેલો માણસ નિખિલ તો ક્યાંક ગાયબ થઇ ગયો છે. અમે તેને શોધીએ છીએ.” આ સાંભળી અશ્વિને હેમલ તરફ ઇશારો કરતા કહ્યું “હા, એ મને આ સાહેબે કહ્યું હતુ. મે તેને બધી માહિતી આપી હતી.”

“હા પણ તમે મને એ કહો કે નિખિલને તમે છેલ્લે ક્યારે મળ્યો હતો? રિષભે હવે સીધૂ જ પૂછી લીધુ.

“ હમણા તો હું નિખિલને લગભગ એકાદ અઠવાડીયાથી નથી મળ્યો. આ વાત મે તમને આ પહેલા પણ જણાવી હતી.” અશ્વિને થોડા ગુસ્સાથી કહ્યું.

“હા, કહ્યું હતુ પણ તમે ખોટુ બોલતા હતા અને આજે પણ ખોટુ બોલો છો.” રિષભે કહ્યું.

આ સાંભળી અશ્વિને કહ્યું “જુઓ સર હું જે પણ કહું છુ, તે સાચુ જ કહુ છું. તમે કઇ રીતે કહી શકો કે હું ખોટુ બોલુ છું” આ સાંભળી રિષભે હેમલને ઇશારો કર્યો એટલે હેમલે તેની પાસે રહેલી પેન ડ્રાઇવ બહાર કાઢી અશ્વિનના લેપટોપમાં જોડી અને રેકોર્ડીંગ ચાલુ કર્યુ અને એક જગ્યાએ આવી રોકી દીધુ. અને પછી લેપટોપ અશ્વિનને બતાવતા કહ્યું “આ તમારા કોપ્લેક્ષના ગેટ પર રહેલા સી.સી.ટીવી કેમેરાનું ફૂટેજ છે. જુઓ વિસ તારીખે રાત્રે લગભગ આઠ વાગે નિખિલ તમારા કોમ્પ્લેક્ષમાં દાખલ થાય છે.” આ જોઇ અશ્વિન ચોંકી ગયો અને એકદમ ઢીલો થઇ બોલ્યો “સર, હું કસમ ખાઇને કહું છું કે નિખિલ મને તે રાત્રે મળ્યો જ નથી.”

આ સાંભળી હેમલે કહ્યું “તો પછી અશ્વિન આ કોમ્પ્લેક્ષમાં કોને મળવા આવ્યો હશે?”

હેમલનો પ્રશ્ન સાંભળી અશ્વિન બોલ્યો “સર, મને કેમ ખબર કે તે કોને મળવા આવ્યો હશે? મને તો એ જ નથી સમજાતુ કે તે અંદર આવ્યો તો મને મળ્યો કેમ નહીં? તમે મારો વિશ્વાસ કરો તે રાત્રે તે મને મળ્યો જ નથી.”

આ સાંભળી રિષભે કહ્યું “ચાલો માની લઇએ કે તે તમને નહોતો મળ્યો પણ તમે એ તો જાણતા જ હશો કે તે કોને મળવા આવ્યો હતો?”

આ સાંભળી અશ્વિને કહ્યું “સર, તે મને મળ્યો જ નથી તો પછી મને કેમ ખબર પડે કે તે કોને મળવા આવ્યો હતો.?”

આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, તમને ભલે ખબર નથી પણ મને ખબર છે કે તે કોને મળવા આવ્યો હતો.” એટલુ બોલી રિષભ થોડુ રોકાયો અને પછી બોલ્યો “ એક કામ કરો તમે તમારી સેક્રેટરી નવ્યાને બોલાવો.” આ સાંભળી અશ્વિને બેલ મારી નવ્યાને બોલાવી. નવ્યા આવી અને બેઠી એટલે રિષભે કહ્યું “મિસ. નવ્યા તમે નિખિલને છેલ્લે ક્યારે મળ્યા હતા?”

આ સાંભળીને નવ્યાએ કહ્યું “સર, મને એક્ઝેટ યાદ નથી પણ એને તો ઘણો સમય થઇ ગયો. લગભગ દશેક દિવસ પહેલા તે અહીં કંઇક કામે આવ્યા હતા ત્યારે મળી હતી.”

આ સાંભળી અશ્વિને કહ્યું “હા, સર એટલે જ તો હું કહું છુ કે..” હજુ અશ્વિન આગળ બોલવા જતો હતો ત્યાં રિષભે તેના તરફ જોયુ. રિષભની આંખમાં રહેલો ગુસ્સો જોઇને જ અશ્વિન બોલતો બંધ થઇ ગયો એટલે રિષભે ફરીથી નવ્યા તરફ જોયુ અને બોલ્યો “ હા તો મિસ નવ્યા તમારી યાદદાસ્તને થોડી સતેજ કરો અને બતાવો કે તમે નિખિલને છેલ્લે ક્યારે જોયો હતો?”

રિષભનો ટોન સાંભળી નવ્યા ડરી ગઇ પણ તેણે ફરીથી એજ વાત કરતા કહ્યું “સર, મે તમને કહ્યું તો ખરુ કે લગભગ દશેક દિવસ પહેલા જોયા હતા.”

આ સાંભળી રિષભે લેપટોપ પાસે લઇ રેકોર્ડીંગ ચાલુ કરી એક સીન આગળ રેકોર્ડીંગ પાઉઝ કરી નવ્યાને બતાવતા કહ્યું “તો પછી વિસ તારીખે રાત્રે અહીં કોમ્પ્લેક્ષમાંથી નિખિલ સાથે તારુ ભૂત જતુ હતુ.”

સ્ક્રીન પરનુ દ્ર્શ્ય જોઇને નવ્યાની હાલત ખરાબ થઇ ગઇ હતી. અશ્વિનને તો સમજાતુ જ નહોતુ કે આ બધુ શું થઇ રહ્યુ છે. તે તો નવ્યા અને રિષભના ચહેરા સામે જોઇ રહ્યો હતો.

નવ્યા હવે કંઇ પણ કહેવાની સ્થિતિમાં નહોતી. એકાદ મિનિટ તો તે સ્તબ્ધ થઇ ગઇ પણ પછી તે રડવા લાગી. રિષભે પણ કોઇ પણ જાતની ખલેલ વિના તેને રડવા દીધી. બે મિનિટ પછી નવ્યાને સમજાઇ ગયુ કે રડવાથી આ પરિસ્થિતિમાંથી બચી શકાશે નહી એટલે તે શાંત થઇ ગઇ. હેમલે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ લઇ નવ્યાને આપ્યો. નવ્યાએ પાણી પીધુ એટલે રિષભે સીધુ જ પુછ્યુ “ચાલ હવે ફટાફટ બોલવા માંડ કે નિખિલ તને શું કામ મળવા આવેલો અને અત્યારે નિખિલ ક્યાં છે?” આ સાંભળી નવ્યા થોડીવાર તો ચૂપ બેઠી રહી પણ પછી તેણે જે કહયું તે સાંભળી બધાજ ચોંકી ગયા.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રિજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM