Pratishodh - 2 - 5 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ દ્વિતીય અંક: - 5

Featured Books
Categories
Share

પ્રતિશોધ દ્વિતીય અંક: - 5

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-5

ડિસેમ્બર 2002, મયાંગ, અસમ

આંખોમાં મોજુદ તેજ અને ચહેરા પરની અડગતા જોઈને હેલેથન સમજી ગયો કે પોતાની સામે ઊભેલી વ્યક્તિ પંડિત શંકરનાથ છે.

"તો તું છે એ વ્યક્તિ, જેને ઇલ્યુમિનાટી સામે બાંયો ચડાવવાનું દુઃસાહસ કર્યું છે?" હેલેથનનો કકર્ષ અવાજ વાતાવરણમાં વીજળીની માફક પડઘાયો.

"તને શક હોય તો અજમાવી જો.." બેફિકરાઈ સાથે પંડિતે જવાબ આપ્યો. "થોડી જ વારમાં તમે સમજી જશો કે અહીં આવવાનું પગલું તમારા લોકો માટે દુઃસાહસથી વધુ કંઈ જ નથી.!"

"લાગે છે તું અબુનામાં ઇલ્યુમિનાટીના સામાન્ય કક્ષાનાં સદસ્યોને મારીને પોતાની જાતને મોટી તીસમારખા સમજે છે?" હેલેથન ક્રુદ્ધ સ્વરે બોલ્યો.

"એ લોકોની સાથે ત્યાં લેવીએથન પણ હતો." પંડિતે મજાકિયા સ્વરમાં કહ્યું. "એક ડિમન જેને તમે લોકો ગોડનો દરજ્જો આપો છો."

"તારી હિંમત કઈ રીતે થઈ અમારા દેવતાઓને ડિમન કહેવાની." હેલેથનના સખત થઈ ચૂકેલા જડબા સાફ જણાવતા હતાં કે હવે એ બરાબરનો ખિજાયો છે.

એક રીતે દુશ્મનને યુદ્ધ પહેલા ગુસ્સે કરીને યુદ્ધ પૂર્વે જ અડધી જીત મેળવી લેવાની આ માનસિક રમત પંડિત સારી રીતે રમી રહ્યા હતાં.

"ડિમનને ડિમન ના કહું તો શું કહું.?" પંડિતે વ્યંગમાં કહ્યું.

"હું તને જીવિત નહીં છોડું..!" આટલું બોલતા જ હેલેથને ગુસ્સા સાથે પંડિત તરફ હુમલો કરવા દોટ મૂકી.

હજુ હેલેથન પંડિતથી વીસેક ડગલાં દૂર હતો ત્યાં તો પંડિતે પોતાની દિવ્ય શક્તિઓનો પરિચય આપતા હાથ વડે એક પવનપુંજ બનાવીને એનો હેલેથન તરફ બળપૂર્વક ઘા કર્યો. પવનપુંજ અને હેલેથનની ટક્કર એ હદે જોરદાર હતી કે હેલેથન ઉછળીને પચાસ ફૂટ દૂર ફેંકાઈ ગયો.

પંડિતનું આ પરાક્રમ જોઈ હેલેથન સહિત ત્યાં આવેલા ઇલ્યુમિનાટીના અન્ય સદસ્યો આભા બની ગયાં, જ્યારે ગામલોકોમાં હર્ષનો માહોલ પ્રસરી ગયો.

હેલથન ઊભો થાય એ પહેલા તો પંડિત શંકરનાથે પોતાની તરફ આગળ વધી રહેલા ઇલ્યુમિનાટીનાં સાત યોદ્ધાઓ પર આગનાં ગોળા વરસાવી એમને મોતને ઘાટ ઉતારી દીધાં. પંડિતનું આ અપાર પરાક્રમ જોઈ અચંબિત હેલેથન સમજી ગયો કે હવે પંડિતનો મુકાબલો કરવા વધુ શક્તિ લગાવવી પડશે.

હેલેથન પંડિતની સામે આવીને ઊભો રહે ત્યાં સુધી તો પંડિતે ઇલ્યુમિનાટીનાં અન્ય છ યોદ્ધાઓને ધૂળ ચાટતા કરી દીધા હતાં.

"પંડિત, હું તને જીવતો નહીં છોડું." પોતાના સાથીઓની અવદશા જોઈ ગુસ્સાથી લાલચોળ બનેલાં હેલેથને પંડિતની ઉપર એક દિવ્ય શક્તિનો પ્રહાર કરતા કહ્યું.

હેલેથને કરેલો પ્રહાર દસ લોકોનો જીવ એકસાથે લેવા સક્ષમ હતો પણ પંડિતની ફરતે મોજુદ રક્ષાકવચના લીધે એનો આ પ્રહાર પંડિતનો વાળ પણ વાંકો ના કરી શક્યો. આમ થતાં હેલેથનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

"હવે બહુ થઈ ગયું..!" આટલું કહી હેલેથને જીવિત બચેલા ઇલ્યુમિનાટીના સદસ્યોને હુંકાર આપતા કહ્યું. "ડેવિલ ફોર્સ માટે તૈયાર થાઓ."

આખરે આ ડેવિલ ફોર્સ શું છે? મનોમન આ અંગે મંથન કરતા પંડિતને અણસાર આવી ગયો હતો કે નક્કી એ જે કંઈપણ હશે એનો સામનો પોતે બનાવેલું રક્ષાકવચ નહીં કરી શકે એ નક્કી છે. આવી ઘડીએ શું કરવું એ વિચારતા પંડિતને એક પ્રખ્યાત અંગેજી કહેવત યાદ આવી. 'અટેક ઈઝ બેસ્ટ ડિફેન્સ'!

જો આ ડેવિલ ફોર્સથી બચવું હશે તો એની સામે એટલી જ શક્તિશાળી વસ્તુનો ઉપયોગ કરવો પડશે એ સમજતા પંડિતે પોતાની બંને આંખો મીંચીને મનોમન મંત્રોચ્ચાર કરવાનું આરંભ્યું.

એકતરફ જ્યાં પંડિત પોતાની સઘળી ઇન્દ્રિયોને અને સપ્તચક્રને જીવંત કરી એક સંહારક શક્તિનું સર્જન કરી રહ્યા હતાં તો બીજીતરફ હેલેથન અને ઇલ્યુમિનાટીના બાકીનાં લોકો પંડિતનો ખાત્મો કરવાની ગડમથલ સ્વરૂપે એકસાથે કોઈ ડેમોનિક સ્પેલનું રટણ કરી રહ્યા હતાં.

બંને તરફથી હવે વિનાશક શક્તિઓનો ઉપયોગ થવા જઈ રહ્યો હતો એનો અણસાર આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને વિજળીઓનાં ચમકારા પરથી આવી રહ્યો હતો. આ ભયંકર મુકાબલો જોઈ રહેલા મયાંગનાં બાકીનાં ગામવાસીઓ મનોમન પોતાના ઈષ્ટદેવને આરાધના કરી રહ્યાં હતા કે પંડિત આ મુકાબલાનાં અંતે વિજયી બને.

"બસ હવે બહુ થઈ ગયું..!" પોતાની સમક્ષ ઉભરી આવેલા નિલા રંગના પ્રકાશપુંજને જોઈ હેલેથન મનોમન બોલ્યો.

હેલેથને પોતાના સાથીઓ તરફ અપલક નજરે જોયું અને એમનાં દ્વારા બનાવાયેલા શક્તિશાળી પ્રકાશપુંજનો પંડિત પર પ્રહાર કરવા આદેશ આપ્યો.

હેલેથનનો આદેશ માની એનાં સાથીઓએ એ પ્રકાશપુંજનો પંડિત તરફ ઘા કરવાની તૈયારી આરંભી. હેલેથને એ માટે પોતાની જાતને પૂર્ણ પણે તૈયાર કરી.

જેવો એ ડેવિલ ફોર્સનો પંડિત તરફ પ્રહાર થયો એ જ સમયે પંડિતે પણ એક કેસરી રંગનો પ્રકાશપુંજ હેલેથન અને ઇલ્યુમિનાટીનાં સદસ્યો દ્વારા નિર્મિત ડેવિલ ફોર્સનો મુકાબલો કરવા માટે એની તરફ ફેંક્યો.

મધ્ય રસ્તે બંને પ્રકાશપુંજ એકબીજા સાથે અફડાયા..આ અથડામણ એટલી તીવ્ર હતી કે આસપાસની ઘરતી ધ્રુજી ઉઠી, વીજળીના કડાકા તીવ્ર થઈ ગયાં અને પવન જોરજોરથી ફૂંકાવા લાગ્યો. આ અથડામણ જોઈ રહેલાં દરેક વ્યક્તિના શ્વાસ તાળવે ચોંટી ગયાં હતાં.

પોતાના દ્વારા નિર્મિત ડેવિલ ફોર્સનો મુકાબલો કરવાની ક્ષમતા આ વૃદ્ધ ગમાર પંડિત નહીં ધરાવતો હોય એવા અભિમાનમાં રાચતા હેલેથનનું અભિમાન એ જોઈ ચકનાચૂર થઈ રહ્યું હતું કે પંડિતે જે દિવ્ય પ્રકાશપુંજ ડેવિલ ફોર્સનો મુકાબલો કરવા નિર્મિત કર્યો હતો એ ડેવિલ ફોર્સની શક્તિઓનો વામણી સાબિત કરી રહ્યો હતો.

પાંચ-સાત મિનિટની આ તીવ્ર અથડામણ પછી ડેવિલ ફોર્સને નેસ્તનાબૂદ કરી પંડિતની દિવ્ય શક્તિ હેલેથન અને ઇલ્યુમિનાટીના અન્ય સદસ્યોનો ખાત્મો કરવા એમની તરફ અગ્રેસર થઈ. પોતાની તરફ આગળ વધતી મોતને જોઈ હેલેથને પોતાની જોડે ઊભેલાં ઇલ્યુમિનાટી સદસ્યોને પોતાની અને દિવ્ય શક્તિની વચ્ચે આવીને ઊભા રહેવાનો આદેશ આપ્યો.

આમ કરવામાં પોતાનો જીવ ગુમાવવાનો છે એ જાણતા હોવાં છતાં ગુલામની માફક કામ કરવા ટેવાયેલા એ સદસ્યો હેલેથનનો બચાવ કરવા એની અને દિવ્યશક્તિની વચ્ચે આવી ગયાં.

દિવ્યશક્તિની ટક્કર થતાં જ બચેલા એ બારેય ઇલ્યુમિનાટીના સદસ્યો ક્ષણમાં રાખ થઈ ગયાં. પંડિતનો આ વિજય જોઈ ગામલોકોએ હર્ષની ચિચિયારીઓથી વાતાવરણને ગજવી મૂક્યું.

પોતે પંડિતની શક્તિઓનો મુલાબલો કરવામાં અસમર્થ છે એ સમજી ચૂકેલા હેલેથને હવે બળની જગ્યાએ કળથી કામ લેવાનું વિચાર્યું.

"વાહ પંડિત વાહ.." પોતાના સાથીઓની રાખ પર પગ મૂકીને પંડિત તરફ આગળ વધતા હેલેથન બોલ્યો. "માની ગયાં તારી શક્તિઓને."

"આ જગતમાં તારા જેવી અલૌકિક શક્તિઓ કોઈ અન્ય કોઈ વ્યક્ત નહીં ધરાવતું હોય એ નક્કી છે. હું હેલેથન, ડેવિલ પ્રિસ્ટ તને નતમસ્તક થઈને પ્રણામ કરું છું."

અચાનક હેલેથનમાં આવેલા આ પરિવર્તનને ધ્યાનથી મૂલવી રહેલા પંડિતે એની દરેક હરકતનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું.

"હવે તું પણ તારા સાથીઓ જોડે પહોંચવા તૈયાર થઈ જા." પંડિતે સીધા શબ્દોમાં હેલથનને ધમકાવતા કહ્યું.

"તમારા હાથે મૃત્યુ મળશે તો મને અતિઆનંદ થશે." ચહેરા પર બનાવટી સ્મિત લાવી હેલેથન બોલી રહ્યો હતો. "પણ, એ પહેલા તમારા માટે હું જે પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છું એતો જરા સાંભળી લો."

પંડિત કંઈ બોલે એ પહેલા તો પોતાની જોડે પંડિત માટે જે પ્રસ્તાવ હતો એ બોલવાનું હેલેથને શરૂ કર્યું.

"જો તમે અમારી સાથે જોડાઈ જશો તો તમને સમગ્ર ભારતમાં ઇલ્યુમિનાટી સંસ્થાનાં સર્વોપરી બનાવવામાં આવશે. તમારી સત્તા દેશના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ કરતા પણ વધુ હશે.. ટૂંકમાં તમે આ દેશ પર રાજ કરશો."

હેલેથનની વાત પૂરેપૂરી સાંભળી લીધા બાદ શંકરનાથ પંડિત બે ઘડી મૌન રહ્યાં અને જોરજોરથી હસવા લાગ્યાં. એમનું આ અટ્ટહાસ્ય સાંભળી હેલેથનને ભારે આશ્ચર્ય થયું કે પંડિતે આવું કેમ કર્યું?

"તમે લોકો શૈતાનની પૂજા કરો છો અને મને કહો છો હું તમારી સાથે જોડાઈ જાઉં.." જાણે હેલેથનના પ્રસ્તાવનો ઉપહાસ કરતા હોય એમ પંડિતે કહ્યું. "હું તારો આ પ્રસ્તાવનો અસ્વીકાર કરું છું."

"પંડિત તે આ સારું નથી કર્યું." ક્રોધિત હેલેથન પોતાની રિવોલ્વરને હાથમાં લેવાની કોશિશ કરતા બોલ્યો.

એની આ હરકતને જોઈ પંડિતે તુરંત પોતાના પહેરણમાં છુપાવેલું ઝેરમાં ડૂબાવેલું ખંજર નીકાળી એનો ઘા હેલેથન પર કરી દીધો. હેલેથન કંઈ સમજે એ પહેલાં એ ખંજર એનાં હૃદયના ભાગે ઉતરી ચૂક્યું હતું.

એક કારમી ચીસ સાથે હેલેથન જમીન પર પછડાયો અને એના હાથમાં રહેલી રિવોલ્વર પણ છટકીને નીચે પડી ગઈ. પોતે હવે બે ઘડીનો મહેમાન માત્ર છે એ સમજી ચૂકેલાં હેલેથને પોતાના પેન્ટના ખિસ્સામાંથી એક કાચની શીશી નીકાળી એમાં રહેલું સફેદ દ્રવ્ય હાથમાં લઈ જમીન પર ઢોળીને મનોમન કંઈક મંત્રોચ્ચાર કર્યો.

હેલેથને જેવાં જ મંત્રોચ્ચાર અટકાવ્યા એ સાથે જ એને એક આંચકી આવી અને એનું પ્રાણપંખેરૂ ઉડી ગયું.

મયાંગવાસીઓ આ દ્રશ્ય જોઈ ગેલમાં આવી હર્ષોનાદ કરતા હતાં ત્યાં એક એવી ઘટના ઘટી જેને આખી બાજી પલટી નાંખી.!

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)