Pratishodh - 2 - 7 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ દ્વિતીય અંક: - 7

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-7

ડિસેમ્બર 2002, મયાંગ, અસમ

હેલીથને જે સફેદ દ્રવ્ય જમીન પર ઢોળ્યું હતું એ સ્થાને એક ધૂળની ડમરી જેવું પેદા થયું. આ ડમરી એક નાના ચક્રવાત સમી જણાઈ રહી હતી, જેના લીધે આસપાસના વિસ્તારમાં જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો.

ત્યાં મોજુદ પંડિત શંકરનાથ અને અન્ય મયાંગવાસીઓનાં ભારે આશ્ચર્ય વચ્ચે એ ડમરીની અંદરથી એક આઠ હાથ ઊંચો દૈત્ય બહાર આવ્યો. આ દૈત્યનો ચહેરો શ્વાનનો હતો જેનાં અણીદાર દાંત મોંની બંને બાજુએથી બહાર નીકળી આવ્યા હતાં. સાથે પાંખો ધરાવતા આ દૈત્યને જોઈ પંડિત શંકરનાથનો ચહેરો આતંકિત થઈ ગયો અને એમના મુખેથી સરી પડ્યું.

"પઝુઝુ."

(પઝુઝુ એક શક્તિશાળી ડિમન છે જેનો ચહેરો શ્વાનનો અને શરીરનો બાકીનો દેખાવ એન્જલ જેવો હોય છે. પઝુઝુ ચક્રવાત, પૂર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ લાવી શકે છે. પઝુઝુ દ્વારા પજેસ્ટ કરવામાં આવેલી વ્યક્તિનું બચવું લગભગ અશક્ય છે. મેસોપોટેમિયાની ઘણી દંતકથાઓમાં પઝુઝુનો ઉલ્લેખ જોવા મળે છે.

પઝુઝુની એક સ્ત્રી સાથી વિશે પણ ઉલ્લેખ છે જેનું નામ છે નમસ્તુ. મિસકરેજ માટે જવાબદાર આ ફિમેલ ડિમન નાના બાળકોનું માતાનાં ગર્ભમાંજ ભક્ષણ કરે છે એવી માન્યતા છે.)

હેલીથને જતાં-જતાં પઝુઝુને આહવાન કર્યું હતું એ સમજી ચૂકેલા પંડિત શંકરનાથ આજના આ દ્વંદ્વમાં પ્રથમ વખત થોડા ભયભીત જણાયા.

"તો તું જ છે એ વ્યક્તિ જે અમારી પૂજા કરતા લોકો માટે નડતરરૂપ છે?" પંડિત તરફ જોઈ ક્રુદ્ધ સ્વરે પઝુઝુએ ઉચ્ચાર્યું..એના અવાજની સાથે એવો વિચિત્ર ધ્વનિ આવી રહ્યો હતો, જેવો રેડિયો કે ટીવી પર સિગ્નલ જાય ત્યારે આવતો હોય.

"એ લોકો મનુષ્યજાતી અને માનવતા માટે નડતરરૂપ છે એટલે હું એમના માટે નડતરરૂપ છું." મનમાં વ્યાપ્ત ડરને ત્યજી પઝુઝુને જવાબ આપતા પંડિતે કહ્યું.

"તો હું એ નડતરને દૂર કરી દઉં, બીજું તો શું?" પઝુઝુનું અટ્ટહાસ્ય આખા મયાંગમાં ગુંજી ઉઠ્યું. આ અટ્ટહાસ્ય એટલું બિહામણું હતું કે બાળકોની સાથે પુરુષો અને મહિલાઓનું હૃદય પર ધબકારો ચૂકી ગયું.

"હું તૈયાર છું તારો મુકાબલો કરવા..!" પંડિતે મક્કમ સ્વરે કહ્યું. "પણ એ પહેલાં મારી એક શરત છે."

"બોલ..!" પઝુઝુ બોલ્યો.

"તું ગામલોકોને કંઈ નહીં કરે..કેમકે, તારો મુકાબલો ફક્ત મારી સાથે છે." પંડિતે કહ્યું.

"મંજુર છે." પઝુઝુના આમ બોલતા જ હવાનું જોર મંદ થઈ ગયું અને વાતાવરણ પૂર્વવત શાંતિ પ્રસરી ગઈ.

"બધાં પોતપોતાના ઘરમાં જતા રહો." પંડિતે આસપાસ એકત્રિત થયેલા ગામલોકોને ઉદ્દેશીને કહ્યું. " જ્યાં સુધી આ મુકાબલો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ બહાર નહીં આવે."

પંડિતની વાત સાંભળી મને-કમને બધા ગામલોકો પોતપોતાના ઘરમાં ભરાઈ ગયાં. જેનાં ઘર નજીક હતાં એ લોકો પોતાના ઘરની બારીમાંથી પંડિત અને ડિમન પુઝુઝુ વચ્ચેનો દ્વંદ્વ જોઈ રહ્યાં હતાં, આ લોકોમાં દાસકાકા પણ હતાં.

પંડિતે અબુનામાં લેવીએથન જેવા શક્તિશાળી ડિમનને માત જરૂર આપી હતી પણ પઝુઝુની શક્તિ લેવીએથન કરતા ઘણી વધુ હતી. આ ઉપરાંત પંડિત પોતાની ઘણીખરી શક્તિ અને ઊર્જા થોડાં સમય પહેલા હેલીથન સાથે થયેલા મુકાબલામાં ખર્ચી ચૂક્યાં હતાં. પોતે પઝુઝુ આગળ વામણા પુરવાર થશે આ વાતથી માહિતગાર પંડિત શંકરનાથે ગામલોકોની સલામતી માટે પઝુઝુ સામે લડવાનું સ્વીકારી લીધું હતું.

શંકરનાથ પંડિતે પુનઃ પોતાની તમામ ઇન્દ્રિયોની મદદથી હકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનું શરૂ કર્યું..પણ, હેલીથન અને ઇલ્યુમિનાટીનાં અન્ય યોદ્ધાઓ સામેની લડાઈમાં પોતાની ઉર્જા ખર્ચી ચૂકેલાં પંડિત માટે આ કાર્ય હવે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું.

"તું મારા સેવકોને હરાવી શકવાની શક્તિ ભલે ધરાવતો હોય પણ તું મને હરાવવા જેટલો સમર્થ ક્યારેય નહીં બની શકે.!" તિરસ્કાર સાથે આમ બોલતા જ પઝુઝુએ પોતાના બંને હાથની હથેળીઓમાંથી આગની જ્વાળાઓ પંડિત પર વરસાવવાનું પ્રારંભ કરી દીધું.

પંડિતે પોતાની તમામ ઉર્જા અને શક્તિનો ઉપયોગ કરી પોતાની ફરતે એક રક્ષકવચ બનાવી લીધું. આ રક્ષાકવચ હોવા છતાં પઝુઝુએ ઉપયોગમાં લીધેલી શક્તિશાળી જ્વાળાઓ પંડિતનું શરીર દઝાડવા લાગી. પાંચેક મિનિટ સુધી અગન જ્વાળાઓની દાહક ગરમી સામે ઝઝૂમ્યા બાદ પંડિતે પોતાના બંને હાથની હથેળીઓને પઝુઝુની તરફ કરી હવાનું દબાણ સર્જીને, એક હવાનો ગુબારનો પઝુઝુ તરફ ઘા કર્યો. એક નાનું ઘર ઉડાવી મૂકવા સક્ષમ આ ઘા પઝુઝુના શરીરને એનાં સ્થાનેથી હલાવી પણ ના શક્યો.

"તું મને મારીશ.."અટ્ટહાસ્ય કરતા પઝુઝુએ કહ્યું. "લે હવે આની સામે લડીને બતાવ."

આ સાથે જ પઝુઝુને લીલા રંગનું એક દ્રવ્ય પોતાના મોંમાંથી પંડિત તરફ ફેંક્યું..આ દ્રવ્ય રક્ષાકવચની ફરતે પરપોટાની માફક પ્રસરી ગયું. પંડિતને હતું કે પોતે બનાવેલું આ રક્ષાકવચ પઝુઝુના આ હુમલાને પણ વિફળ બનાવશે પણ એમના આશ્ચર્ય વચ્ચે દ્રવ્યની ગરમીનાં લીધે પંડિતે પોતાની ફરતે બનાવેલું રક્ષાકવચ તૂટી ગયું.

રક્ષાકવચ તૂટતાં જ પંડિત શંકરનાથ એ વાત સમજી ગયાં કે હવે એમનો અંત સમય નજીક આવી ગયો છે. પઝુઝુ જેવા શક્તિશાળી અને હિંસક ડિમનથી બચવાના આખરી ઉપાય સમા રક્ષાકવચના તૂટતાં જ પંડિતની બચવાની છેલ્લી આશા પણ ચકનાચૂર થઈ ગઈ.

નજીકમાં શું બનવાનું હતું એનો અંદેશો આ દ્વંદ્વ પોતાના ઘરની બારીમાંથી નિહાળી રહેલા દરેક મયાંગવાસીને ખબર હતી. પંડિત હવે થોડી જ વારમાં મોતને ભેટવાના છે એ વાત જાણતા હોવા છતાં ગામમાંથી કોઈ એમની મદદે ના આવ્યું. આનો અર્થ એવો નહોતો કે મયાંગવાસીઓ મતલબી અને ડરપોક હતાં પણ જાણીજોઈને મોતને ગળે લગાવવું કોઈકાળે ઉચિત નહોતું એ વાત સમજતા હોવાથી ગામલોકો પોતપોતાના ઘરમાં જ ભરાઈ રહ્યાં, પંડિતની પણ આ જ ઈચ્છા હતી એવું એ જાણતા હતાં.

"ચલ હવે તને તારા કર્યાંની સજા આપીને હિસાબ ચૂકતો કરું." કકર્ષ સ્વરે પઝુઝુ પંડિતને ઉદ્દેશીને બોલ્યો.

પોતે થોડી ક્ષણોના મહેમાન છે એ જાણી ગયેલા પંડિતે મરણીયા બનીને બાકીનો મુકાબલો કરવાનું મન બનાવી લીધું.

પઝુઝુએ પોતાની તરફ છોડેલી શૈતાનીક શક્તિનો સામનો કરવા પંડિત શંકરનાથે એની સામે પોતાની દૈહિક અને આત્મીય ઉર્જાના મિલનથી બનેલી શક્તિને લડાવી. પઝુઝુની ડિમોનિક શક્તિનો પીળો રંગ ધીરે-ધીરે પંડિતની નિલા રંગની આંતરિક શક્તિને પાછળ હડસેલી રહ્યો હતો. પંડિત પૂરી તાકાત લગાવી પઝુઝુની શક્તિઓનો મુકાબલો કરવાની કોશિશમાં હતાં પણ વીતતી દરેક ક્ષણ જોરજોરથી જાણે ચિલ્લાઈને કહી રહી હતી કે આ દ્વંદ્વ હવે નજીકમાં ખતમ થઈ જશે.

આખરે એવું જ થયું જેનું અનુમાન હતું. પઝુઝુની શૈતાનીક શક્તિઓએ થાકેલા, વૃદ્ધ પંડિતની શક્તિઓનો ખાતમો કરી દીધો..આમ થતાં જ શૈતાનીક શક્તિઓ પંડિતના શરીરની અંદર સુધી પ્રવેશી ગઈ, એની અસર સ્વરૂપે પંડિત મરણતોલ ચીસ નાંખીને સૂકાયેલાં વૃક્ષની માફક જમીનદોસ્ત થઈ ગયાં.

પોતે પંડિતને મોતના મુખ સુધી પહોંચાડી દીધા હતાં એ વાતથી વાકેફ પઝુઝુએ પુનઃ પોતાના અટ્ટહાસ્યથી વાતાવરણ ગુંજવી દીધું.

"આવ્યો હતો મારા સેવકોને રંઝાડવા.." અંતિમ શ્વાસ લઈ રહેલા લોહીલુહાણ હાલતમાં પડેલા પંડિત તરફ જોઈ પઝુઝુ બોલ્યો. "અને અત્યારે ખુદ..કેવી હાલતમાં પહોંચી ગયો."

"આવનારો સમય અમારો હશે. લોકો અમારી પૂજા કરશે. જે લોકો આમ નહીં કરે એની હાલત પણ આ પંડિત જેવી કરવામાં આવશે."

આ સાથે જ પઝુઝુ એક સફેદ ધુમાડામાં પરિવર્તિત થઈને ત્યાંથી ગાયબ થઈ ગયો. પઝુઝુના ત્યાંથી ગયાંની દસેક મિનિટ સુધી ઘરમાં જઈને છૂપાયેલા લોકોમાંથી કોઈ વ્યક્તિ બહાર આવવાની હિંમત ના કરી શક્યો. આખરે દસ મિનિટ બાદ દાસ પોતાના ઘરમાંથી બહાર આવ્યો અને સાવધાની સાથે અંતિમ શ્વાસ લઈ રહેલા પંડિત તરફ અગ્રેસર થયો.

"પંડિતજી..આ શું થઈ ગયું." શંકરનાથ પંડિતનો લોહીલુહાણ ચહેરો જોઈ રડમસ સ્વરે દાસ બોલ્યો. પંડિતે દાસને ભૂતકાળમાં ઘણી બધી વસ્તુઓ શીખવી હતી, જેના પ્રતાપે દાસ પણ સારી એવી આજીવિકા મેળવી લેતો થયો હતો. પોતાના ગુરુ એવાં પંડિત શંકરનાથને આવી હાલતમાં જોઈ દાસનું હૃદય દ્રવી ઉઠ્યું.

"કોણ દાસ..?" પોતાની આંખોને મહાપરાણે ખોલી પંડિત માંડ આટલું જ બોલી શક્યા.

"હા હું જ છું. તમે ચિંતા ના કરો, હું તમને વૈદ્ય જોડે લઈ જાઉં." દાસે કહ્યું. "તમને કંઈ નહીં થાય."

"દાસ..મારો અંતિમ સમય આવી ગયો છે." પંડિત બોલ્યા. "તું નાહકની કોઈ તકલીફ ના લઈશ..બસ મારુ એક કામ કરવાનું વચન આપ એટલું બસ છે."

"બોલો..શું કરવાનું છે મારે."

"મારા ઘરની બહાર તુલસીનો જે છોડ છે એની નીચે એક ચાવી દાટેલી છે..એ ચાવી નીકાળી તું તારી જોડે રાખી લેજે."

"હા હું રાખી લઈશ, પણ પછી?"

"ઘરમાં મહાકાળીની મૂર્તિની પાછળ એક છૂપી જગ્યા છે, જ્યાં એક લોકર છે..એની આ ચાવી છે." આટલું કહી પંડિત અટકી ગયાં.

"હમ્મ..આગળ.." પંડિતજીના ચહેરાને સ્પર્શી દાસે કહ્યું.

"આ ચાવી સૂર્યાને આપી દેજે..એ અત્યારે ગામ છોડીને જતો રહ્યો છે પણ વર્ષો બાદ એ જરૂર પાછો આવશે. એ આવે ત્યારે તું એને એ ચાવી.." પંડિત પોતાની વાત પૂરી કરે એ પહેલા તો એમનો ચહેરો એક તરફ ઢળી ગયો.

પંડિતજીની મોતની ખબર મળતા દાની મોહને પણ એમની આજ્ઞા મુજબ પંડિત શંકરનાથ દ્વારા આપવામાં આવેલા બધાં પુસ્તકો સળગાવી દીધા.

પંડિત શંકરનાથના અંતિમ સંસ્કાર બાદ દાસ સીધો એમના ઘરે ગયો અને ઘરની બહાર જે તુલસીનો છોડ હતો એની નીચે છૂપાવેલી ચાવી નીકાળી પોતાની સાથે લેતો આવ્યો.

આજે જ્યારે સૂર્યા આવી ગયો હતો ત્યારે પંડિત શંકરનાથની અમાનત એને સોંપી બોજમુક્ત થવાની આશાએ દાસ ઘરમાં આવેલા મંદિર સમક્ષ આવ્યો. સૂર્યા પણ એની સાથે હતો.

"સૂર્યા આ મહાકાળીની મૂર્તિ પાછળ એક છૂપી જગ્યા છે..જેમાં એક લોકર છે." સૂર્યાને પંડિતે છૂપાવેલી ચાવી સોંપતા દાસે કહ્યું. "એ લોકરને આ ચાવીથી ખોલીને જાતે જ જોઈલે કે તારા દાદા તારી માટે કઈ કિંમતી અમાનત મૂકી ગયાં છે.

દાસકાકાની વાત માની સૂર્યાએ મહાકાળીની મૂર્તિને એક તરફ ખસેડી અને એની પાછળ આવેલા લાકડાનાં ભાગને એક તરફ હડસેલ્યો. આમ કરતા ત્યાં એક નાની અલમારી નજરે ચડી, જેની અંદર એક નાનું અમથું લોખંડનું લોકર હતું.

આખરે આ લોકરની અંદર શું હશે એ જાણવાની તાલાવેલી સાથે સૂર્યાએ કી-હોલમાં ચાવી ભરાવી.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)