saykopeth books and stories free download online pdf in Gujarati

સાયકોપેથ


સાયકોપેથ

આહ કેટલો સુંદર અહેસાસ..નિયતિ સપનામાં પણ પોતાનાં પેટ પર હાથ મૂકતી પોતાનાં સ્વપ્નનો આનંદ લઇ રહી હતી. નિયતિની આંખો ખુલી ગઈ. એક મીઠાં સ્વપ્ન બાદ તેનાં ચહેરાં પર સ્વપ્નની દુનિયાનો પોતાનાં વાસ્તવિક જીવન સાથેનો મેળ જોઈને તે ખૂબજ પ્રસન્ન થઇ ઉઠી હતી. તે ઉભી થઇ અને બાથરૂમમાં ગઈ. બહાર આવીને તેણે જોયું તો પરોઢનાં ચાર વાગી ચૂક્યા હતાં. તે ફરી ચહેરાં પર એક મીઠાં હાસ્ય સાથે સુવા માટે લાંબી થઇ.

સવારની મીઠી નિંદર નિયતિને પણ ખૂબ મીઠી લાગતી એથી જ તે આરામથી નવ દસ વાગતાં ઉઠતી. નિયતિનો હસબન્ડ સુજય જાતે જ ચા નાસ્તો પતાવી નીકળી જતો. નિયતિની આંખો ખુલી તો સવારનાં નવ વાગી રહ્યા હતાં. તડકાનાં કિરણો બારીમાંથી આવીને તેને ઉઠવા માટે રિઝવી રહ્યા હતાં.

"ગુડમોર્નિંગ બાબુ!" કહેતી નિયતિ પોતાનાં અંદર ઉછરી રહેલાં અંશને સંબોધતા બોલી. ઉભી થઈને તે રોજની માફક અરીસાની સામે પોતાનાં શરીરમાં થતાં બદલાવને જોઈ રહી. તેનાં પેટનો ભાગ હવે ખાસ્સો ઉપસ્યો હતો. નિયતિ બહાર આવીને નાસ્તો બનાવવા લાગી. મસાલા ઓટ્સ તેનાં આ સમયમાં ફેવરેટ હતાં. ઘરનાં બાકીનાં કામ આટોપી નિયતિ બપોરે પુસ્તકનું વાંચન કરતી હતી. વાંચતા વાંચતા તેની આંખો ઘેરાઈ અને તે સુઈ ગઈ.

ફરી રાતે આવ્યું હતું એવું જ સપનું. સપનામાં આવેલ વ્યક્તિ જાણે પોતે જ હોય એવો અનુભવ તેને થવાં લાગ્યો. તે સ્ત્રી પણ અરીસામાં પોતાની જેમજ પોતાનાં પેટ પર હાથ રાખતી જોઈ રહી હતી. નિયતિને તે ચહેરો વ્યવસ્થિત નહોતો દેખાઈ રહ્યો. તેને તે સ્ત્રીનો પાછળનો સાઈડવાળો ભાગ જ દેખાતો હતો જેમાં તેનાં વાળ સિવાય બીજું કાંઈ નહોતું દેખાતું. ત્યાંજ કોઈકનો હાથ નિયતિનાં ખભે પડ્યો અને નિયતિ ગભરાઈને બેઠી થઇ ગઈ.

"શું થયું? આટલી બધી કેમ ડરી ગઈ?" સુજયનો અવાજ તેના કાને અથડાયો પણ તે આસપાસ નજર કરવા લાગી. તેને હાંફ વળી હોવાથી સુજય દોડતો નિયતિ માટે પાણીનો ગ્લાસ લઇ આવ્યો. નિયતિએ પેટ પર હાથ મૂક્યો અને થોડીક હળવી થઈને પાણી પીધું.

"કેમ તમે આટલાં વહેલા આવી ગયાં? " નિયતિએ સુજય તરફ જોતાં પૂછ્યું.

"મેડમ સાંજનાં છ વાગી ગયાં છે. જો ધ્યાનથી; આટલી બધી ઊંઘ ક્યાંથી લાવે છે તું હમ્મ?!" સુજયે નિયતિની મજાક કરતાં પૂછ્યું.

"હવે આવે છે તો શું કરું! "

"બાયધવે શેનું સપનું જોઈ લીધું તે આટલી ગભરાઈ ગઈ?"

"સપનું તો સુંદર હતું સુજય પણ ખબર નહીં એમાં આટલો બધો ડર કેમ લાગી ગયો!" નિયતિએ નવાઈ પામતાં કહ્યું.

"ચલ છોડ જવાં દે એ તો સપનું જ હતું પણ વાસ્તવિકતા અત્યારે એ છે કે આજે ટિફિન નહોતું આવ્યું એટલે મને ખૂબજ ભૂખ લાગી છે. તું બનાઈશ કે હું બનાવી દઉં? "

"રહો હવે, હું જ બનાઉં છું." કહીને નિયતિ સુજયનાં નખરાં જોઈને હસતી હસતી ઉભી થઇ.

ઘરનાં રોજિંદા કામ પૂરા કરી રાત્રે નિયતિ મોબાઈલમાં ગર્ભવિકાસનાં વિડીયો જોતી હતી. સુજયને થાકનાં લીધે વહેલી ઊંઘ આવી જતી પણ નિયતિ ચાહીને પણ વહેલી ન સુઈ શકતી. નિયતિ ફરી મોબાઈલ બંધ કરીને પોતાને સ્વપ્નમાં આવેલ તે સ્ત્રી વિશે વિચારવા લાગી. તેણે આંખો બંધ કરીને ફરી એ દ્રશ્ય યાદ કર્યું જેમાં તે સ્ત્રી અરીસાની સામે ઉભી રહીને પોતાનાં લાંબા કેશ ઓળી રહી હતી. પહેલાં તો નિયતિને એમ હતું કે તે સ્ત્રી પોતે જ છે પણ નિયતિનાં વાળ ખભા જેટલી પોની ધરાવતા હતાં અને તે સ્ત્રીનાં વાળ તો કમરથી નીચે સુધીનાં હતાં. તે દ્રશ્યો યાદ કરતાં તે ફરી સુઈ ગઈ.

ફરી તે જ સ્ત્રી, ઉઠીને પોતાનાં રોજિંદા કામ કરતી અને પોતાનાં પેટ પર હાથ ફેરવીને તેનાં બાળક સાથે વાત કરતી. નિયતિને ફરી તે ચહેરો સ્પષ્ટ ના થયો પણ નિયતિને લાગવા લાગ્યું કે ભલે કદાચ વાળની સરખામણી કરીએ તો એ અલગ હશે પણ રોજિંદી ક્રિયાઓથી તો તે પોતે જ હતી એવું અનુમાન લગાવી દીધું. ત્યાંજ કંઈક અવાજ થયો અને નિયતિની આંખો ઝીણી ઝીણી ખુલી. તેણે જોયું તો સુજય ઓફિસે જવાની તૈયારી કરતો હતો. નિયતિને ઊંઘ ન આવી. તે ઉઠીને સુજય માટે નાસ્તો બનાવવા લાગી. સુજયના ગયાં બાદ નિયતિ ફરી તે સ્વપ્ન વિશે વિચારવા લાગી. ત્યાં જ તેનાં ઘરમાં કામ કરતી જસ્સી આવી.

"શું વાત છે મેડમ જી! આજ તો વેલા પરવારી ગયાં ને કાંઈ!" જસ્સીએ નિયતિને વહેલી જમતા જોઈને પૂછ્યું.

"આવ જસ્સી. બેસી જા જમવા." નિયતિએ તેને આવકારતા કહ્યું.

"ના ના મેડમ જી. મને તો ભૂખ જ નથી લાગતી. તમને બી એઉ થતું તું? "

"મતલબ? ખબર ના પડી. શેના વિશે વાત કરે છે? "

"અરે હા હું તો તમને કેવાનું જ ભૂલી ગઈ. મારે પણ સારા દિવસો રહ્યા છે; મને કાંઈ ભાવતું જ નથી." જસ્સીએ ઉદાસ ચહેરે કહ્યું.

"અરે વાહ જસ્સી! જો શરૂઆતના દિવસોમાં આ પ્રોબ્લેમ બધાને રહે જ પણ સમય જતાં સરખું થઇ જાય સો એ બધું ભૂલીને તારા માતૃત્વનો આનંદ લે. " નિયતિએ જસ્સીને સમજાવતાં કહ્યું.

જસ્સી હસતી હસતી ઉભી થઈને પોતાનાં કામમાં વળગી ગઈ. નિયતિ તેને એકધારું જોઈ રહી.

"શું થયું મેડમ જી? આમ કેમ જોવો છો? "

"અરે જસ્સી હું એમ કહું છું કે તું કાલથી કામ પર ના આવીશ."

"કેમ મેડમ જી? મારાથી કોઈ ભૂલ થઇ ગઈ? " જસ્સીએ નવાઈ પામતાં પૂછ્યું.

"ના ના, આ તો તારે પણ સારા દિવસો રહ્યા છે ને તો આરામ કર એમ કહેવા માંગુ છું."

"મેડમ જી આરામ કરશું તો આવનારને કેમનું સાચવશું!" જસ્સી વાતને હસી કાઢીને પાછી કામ કરવા લાગી.

જસ્સી જતી હતી ત્યાં જ નિયતિએ આવીને તેનાં હાથમાં વીસ હજાર આપ્યાં.

"એક ઘર પણ ઓછું કરીશ તો આને તકલીફ ઓછી પડશે." નિયતિએ જસ્સીનાં પેટ પર હાથ રાખતાં કહ્યું. જસ્સીની આંખોમાં આંસુ આવી ગયાં. તે નિયતિને પગે લાગીને નીકળી ગઈ. નિયતિનાં ચહેરાં પર કંઈક સારું કર્યાનો સંતોષ છલકતો હતો.

બપોરનાં બે વાગી ચૂક્યા હતાં. નિયતિ ફરી પુસ્તક ખોલીને વાંચવા લાગી. આની કરતાં તો હું વધારે સરસ લખું છું! પોતે વાંચેલ પુસ્તકની નિંદા કરતી નિયતિ પોતાનાં લેખનક્ષેત્રની કારકિર્દીને વાગોળતી રહી પણ પોતે ક્રાઇમ થ્રિલર નોવેલો લખતી હોવાથી એ પ્રકારનાં વાંચનની સાથે લેખનમાં પણ બ્રેક લઇ લીધો હતો. પોતાની લેખક બનવાના સંઘર્ષોને યાદ કરીને નિયતિની આંખ લાગી ગઈ.

ફરી તે જ સ્ત્રી હાથમાં ચપ્પુ પકડીને ક્યાંક આગળ વધી રહી હતી. ત્યાંજ ફરી ધૂંધળા દ્રશ્યો સર્જાતા નિયતિ તે દ્રશ્યોને સ્પષ્ટ કરવાના હેતુથી ઉંઘમાં જ હલી રહી હતી. એક લેબ જેવું નિયતિને દેખાયું. તેની અંદર નિયતિ પણ જાણે જઈ રહી હોય એવું અનુભવાયું. ત્યાં તો સામે રહેલાં દ્રશ્યને જોઈને નિયતિનાં ગળામાંથી ચીસો પડવા લાગી. તેને ત્યાંનું ચિત્રણ જોઈને ઉબકા આવવા લાગ્યાં. લેબની અંદર જતાં જ મોટો હોલ પડતો હતો જ્યાં નાની નાની બરણીઓમાં અર્ધવિકસિત ગર્ભ તરલ પ્રવાહીમાં તરી રહ્યા હતાં. ત્યાં આવતી દુર્ગંધથી નિયતિનું માથું દુખવા લાગ્યું. નિયતિ દોડીને તે લેબની બહાર આવી ગઈ. તેનો શ્વાસ ખૂબજ ચઢી રહ્યો હતો. હજુ પણ પેલી વાસની તીવ્રતા તેનાં નાકમાંથી ખસવાનું નામ નહોતી લેતી. ત્યાંજ કોઈકે તેનાં ખભે હાથ મૂક્યો. નિયતિએ પાછળ વળીને જોયું તો કોઈક કાળો કોટ પહેરેલ વ્યક્તિ હાથમાં ચાકું લઈને પોતાને મારવાં માટે હાથ ઉગામતો હતો કે ત્યાં જ નિયતિ ડરીને ચીસ પાડીને બેઠી થઇ ગઈ. તેનું શરીર પરસેવાથી રેબઝેબ હતું. તેણે ડરીને પોતાનાં પેટ પર નજર ફેરવી તો ત્યાં બધું બરાબર હતું. સમય જોયો તો સાંજનાં સાત વાગી રહ્યા હતાં. પોતે આટલી ઊંઘ ખેંચવા છતાં તેને અકળામણ થતી હતી.

ફ્રીઝ ખોલીને તેણે થોડો જ્યુસ પીધો. તેનું ધ્યાન ફરી દર્પણ તરફ સ્થિર થયું. પોતાનાં ઉપસેલાં પેટને જોઈને તેનાં ચહેરાં પર ડરની રેખાઓ છવાઈ ગઈ. તેની આંખોમાં તે દ્રશ્ય ફરી તરવરવા લાગ્યું ને નિયતિ વોમિટ કરવા દોડી પડી. વોમિટ કર્યા બાદ પોતે થોડી હળવાશ અનુભવતી હતી. બહાર આવીને તેણે જમવાનું બનાવવા માંડ્યું. સુજયની રાહ જોઈ જોઈને તેણે કંટાળીને જમી લીધું. સુજયનો ફોન બંધ આવતો હતો. ઓફિસનો નંબર તેણે કયારેય લેવાનું વિચાર્યું જ નહોતું જેનો તેને અફસોસ થઇ રહ્યો હતો. નિયતિ બેડ પાસે આવી અને પોતાની ગોળીઓ ગળીને ફોન મચડવા લાગી. નિયતિની આંખો ફરી ઘેરાવા લાગી. ફરી તેનાં અળવીતરા સપના શરુ થવાં લાગ્યાં.

લેબની અંદર જઈને તેણે હોલમાંથી આગળ વધવાનું નક્કી કર્યું. અંદર એક રૂમ પડતો હતો. જેમાંથી કોઈક સ્ત્રીની ચીસો સંભળાતી હતી. પોતે તે તરફ ધીરે ધીરે ડગ માંડતી જવાં લાગી. તે એ રૂમ પાસે તો આવી પણ તેનો દરવાજો અંદરથી બંધ હતો. પોતે નીચા વળીને કાણામાંથી અંદરનું દ્રશ્ય જોયું તો બેડ પર એક સગર્ભા સ્ત્રી સાંકળ વડે બંધાયેલ હતી. કોટ પહેરેલ વ્યક્તિ તેનું મોઢું દબાવતી હતી. બીજી એક સગર્ભા ડોકટરનાં પોશાકમાં સજ્જ થઈને ઉભી હતી. તેનાં કમરથી નીચેના વાળ જોઈને પોતે સમજી ગઈ હતી કે આ તે જ સ્ત્રી હતી. તેનાં પેટનો ભાગ પણ બહાર ઉપસેલો હતો. તે હાથમાં કંઈક લઈને એ બંધાયેલ સગર્ભા પાસે જ જતી હતી. ત્યાંજ બહારથી કોઈ બીજી સ્ત્રીનો અવાજ આવવા લાગ્યો. તે અવાજ પોતાને કંઈક જાણીતો લાગ્યો. બે લોકો સ્ટ્રેચર પર તે સ્ત્રીને ક્યાંક લઇ જઈ રહ્યા હતાં. પોતે આગળ વધી ત્યાં તો તેને તેની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો. સામે સ્ટ્રેચર પર જસ્સી અર્ધબેભાન અવસ્થામાં ચીસો પાડીને મદદની બૂમો લગાવતી હતી. ધીરે ધીરે તેનાં અવાજની તીવ્રતા પણ ઓછી થતી હતી. પોતે તેની પાસે જઈને તેને તે ડોક્ટરનું નામ પૂછવા લાગી પણ જસ્સી સંપૂર્ણ બેભાન થઇ ચૂકી હતી. પોતે ત્યાં આસપાસ નજર દોડાવવા લાગી. ત્યાંજ એક પ્રિસ્ક્રિપશનનો કાગળ એનાં હાથમાં આવ્યો. તેમાં નામ વાંચ્યું ડોક્ટર અવની અવસ્થી!
ડિંગ ડિંગ ડોરબેલનાં અવાજથી નિયતિનું સ્વપ્ન તૂટ્યું. તે ઉભી થઈને દરવાજો ખોલવા ગઈ.

"તમે? કેમ આટલું મોડું થયું? " નિયતિએ સુજય તરફ જોતાં પૂછ્યું.

"આજે નાઈટ શિફ્ટ પણ કરવી પડી એટલે. તારો ફોન નહોતો લાગતો નહીં તો કહી જ દેત તને. " સુજયે અંદર પ્રવેશીને બુટ ઉતારતાં કહ્યું.

નિયતિ રૂમમાં આવી. સવારનાં પાંચ વાગી રહ્યા હતાં. સુજય પાણી પી ને તેની બાજુમાં જ આડો પડ્યો.

"શું થયું? સુઈ જા ને હવે. " સુજયે નિયતિ તરફ પડખું ફેરવતાં કહ્યું.

"ઊંઘ નથી આવતી. આવશે એટલે સુઈ જઈશ. "

"ખરેખર આપણાં બેબીનું નામ કુમ્ભકર્ણ જ પાડવું પડશે. એનાં રહ્યા બાદ તું સાચે ખૂબ ઊંઘે છે. " સુજય ફરી હસતાં હસતાં બોલી ગયો.

"બસ હવે સુઈ જાઓ ને. મોડા આવીને પણ માથું ખાવા લાગ્યાં. " નિયતિ ચહેરાં પર પરાણે સ્માઈલ લાવતાં બોલી.

થોડીવારમાં તો સુજયનાં નસકોરા સંભળાવા લાગ્યાં. નિયતિને હજુ પણ ઊંઘ નહોતી આવી રહી. તે પોતાની કલ્પનાને વાસ્તવિકતાનું રૂપ ખરેખર આપે એ તેને સમજમાં નહોતું આવતું. તેણે કંટાળીને ફોન ચાલુ કર્યો. અવની અવસ્થી નામ તેના મગજમાં ઘૂમરાવા લાગ્યું. તેણે તે નામ સર્ચ કરવાનું વિચાર્યું. ફેસબુક એકાઉન્ટ બંધ કરવાથી લોડિંગ થવામાં ખૂબજ વાર લાગતી હતી. સર્ચ ઓપ્શન આવતાં તેણે તરત 'અવની અવસ્થી' નામ લખ્યું. તેની સામે દસેક નામ ઉપસ્થિત થયાં. નિયતિએ પ્રોફેશનમાં જઈને ડોક્ટર લખ્યું તો હવે ચાર અવની અવસ્થીની પ્રોફાઈલ તેને દેખાતી હતી. નિયતિએ તે અવનીને ગર્ભવસ્થા છે કે નહીં તે જોવાનો પ્રયત્ન કર્યો પણ તેમાંથી કોઈ જ સગર્ભા નહોતી. ત્યાંજ ભૂલથી તેનાથી એક અવની અવસ્થીનાં ક્લિનિક ફોટો પર ક્લિક થઇ ગયું. નિયતિને તે જગ્યા કંઈક જાણીતી લાગી. તેણે બધા ફોટા ધારી ધારીને જોયા. તેનાં સ્વપ્નમાં આવતાં દ્રશ્યો જ તે ફોટા સાથે અનુરૂપ હતાં. નિયતિએ સવારે ઉઠીને સુજય સાથે આ બાબતે ચર્ચા કરવાનું વિચાર્યું ને આડી પડી. એ જ દ્રશ્યો ફરી ફરીને તેનાં સ્વપ્નમાં રાચતા હતાં.

સવારની સૂરજની કિરણો નિયતીનાં ચહેરે પડીને તેને ઉઠવાની ફરજ જાણે પાડતી હતી. નિયતિ તરત બેઠી થઇ ગઈ. તેણે સમય જોયો તો સવારનાં દસ વાગતાં હતાં. સુજય બાથરૂમમાં હોય એવો અવાજ આવ્યો. નિયતિ ઉભી થઈને દર્પણમાં પોતાનાં શરીરને જોતી રહી.

"ગુડમોર્નિંગ બેબી એન્ડ ડાર્લિંગ!" સુજયે બહાર આવતાં નિયતિને કહ્યું.

"ગુડમોર્નિંગ ડેડી એન્ડ હબી. " નિયતિએ હસતાં હસતાં જવાબ આપ્યો.

"સારું મસ્ત ચા બનાઈ દે તો ઊંઘ ઉડે. "સુજયે નિયતિને વળગતા કહ્યું.

"મારી જોડે એવી ખબર છે જેનાથી સાચેમાં તમારી ઊંઘ ઉડી જશે. "નિયતિએ સુજયની સામું જોતાં હળવાશથી કહ્યું.

"અચ્છા સંભળાઓ. "

"એમ નહીં. ચા પીતાં પીતાં વાત કરીએ. " નિયતિએ સુજયને દૂર કર્યો અને ચા બનાવવા નીકળી ગઈ.

************-

".......તો સુજય હવે આપણે એ અવની અવસ્થીનો પર્દાફાશ કરીશું. " નિયતિએ પોતાની સ્વપ્નની પૂરી વાત કરીને ખુશ થતાં કહ્યું.

"નિયતિ આ માત્ર તારું એક સ્વપ્ન છે. આપણે માત્ર એનાથી કોઈનો પર્દાફાશ ના કરી શકીએ. " સુજય નિયતિને સમજાવતો હતો. ત્યાંજ કાળીબેન( જસ્સીનાં સાસુમાં ) નો અવાજ નિયતીનાં કાને અથડાયો.

"તું જો શું છે? હું નહાઈને આવું. " કહીને સુજય ત્યાંથી નીકળી ગયો.

"બોલો માસી, શું થયું? "

"બટા, જસ્સી આવી સે તમારા ઘેર? "

"ના તો માસી. શું થયું પણ? કેમ આટલાં ગભરાયેલા છો? " નિયતિએ કાળીબેનની નજીક જતાં પૂછ્યું.

"કાલની બાઈ ઘરે નથી આવી. મારો સોકરો રોઈ રહ્યો સે. પાસી પેટથી સે ઈટલે ઝાઝી ચિંતા થાય સે. "

"તમે પોલીસમાં ના ગયાં? "

"ગઈ તી પણ ઈમને કયું કે ચોબીસ કલાક થાય પસી નોંધે. "

"નિયતિ મારે ઓફિસમાં અર્જન્ટ જવું પડશે. ઓક્કે સાંજે આવી જઈશ. " સુજય ઉતાવળમાં વધુ કાંઈ કહ્યા વગર ગાડી લઈને ત્યાંથી નીકળી ગયો.

"માસી એક જ મિનિટ ઉભા રહો. મને ખબર છે જસ્સી ક્યાં હશે?!" નિયતિ આટલું કહીને અંદર ગઈ અને કપડાં બદલીને બહાર આવી.

નિયતિએ પોલીસ અને કાળીબેન સાથે ડોક્ટર અવની અવસ્થીના ભોંયરામાં તપાસ્યું પણ ત્યાં નિયતિએ કહ્યા મુજબ કંઈજ નહોતું.

"તો પોલીસ સાહેબ હવે તમને તસલ્લી થઇ ગઈ." અવનીએ પોલીસ સામું જોતાં પૂછ્યું.

પોલીસ લોકો ત્યાંથી નીકળી ગયાં. નિયતિ આશ્ચર્યથી બધું જોઈ રહી હતી. એ જ જગ્યા, એ જ વ્યક્તિ પણ બધું ગાયબ! આવું કેવી રીતે બની શકે? " ત્યાંજ તેની નજર એક વસ્તુ પર પડી. તે નીચે નમીને લેવા ગઈ કે એક જોરદાર પ્રહાર સાથે નિયતીનાં માથે સળિયો વાગ્યો ને તે પાછળ વળીને ચહેરો જોવે એ પહેલાં તો ઢળી પડી.

************

"આ કામ તું જ કર. એને મરતાં પહેલાં અફસોસ થવો જોઈએ કે પોતે શાંતિથી પોતાનાં બાળક અને પોતાની જાતને બચાવી શકતી હતી. " એક જાણીતો અવાજ નિયતીનાં કાને અથડાયો.

નિયતિએ આંખો ખોલીને જોયું તો સામે કોટમાં સુજય હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે પોતાનો જ પતિ પોતાની સાથે આવું વર્તન કરે!

"શું કામ સુજય? " નિયતિએ સુજય તરફ જોતાં પૂછ્યું.

"હું આપું જવાબ મિસિસ મહેરા. " નિયતિએ જોયું તો અવનીનાં પેટનો ભાગ બહાર ઉપસેલો હતો. "આ જોયું મિસિસ મહેરા! આ ગર્ભ નવ મહિના સુધી સ્ત્રીનાં ગર્ભાશયમાં વિકાસ પામે પણ નામ કોનું મળે એને? એક પુરુષનું! મને નફરત છે એવા પુરુષોથી જે સ્ત્રીનાં એ બાળકને પોતાનું માનવા લાગે. એટલે જ એવા ગર્ભનાં ભૃણોને હું તેવા પુરુષ પાસે જતાં જ રોકી દઉં છું. મારો સાથ આપનાર ખુદ તારો પતિ અને મારો પ્રેમ છે. તારી પાસે મજાની લાઈફ હોત કેમકે સુજય તારા બાળક પણ હક નહોતો કરતો પણ ખબર નહીં તને ક્યાંથી આ બધી જાણ થઇ ગઈ પણ હવે તારો અને તારા આ બાળકનો અંત તો લાવવો જ રહ્યો.

"સાયકો અવની. તને શરમ નથી આવતી આવાં માસુમ બાળકોનો ભોગ લેવાની? " નિયતિ ગુસ્સે થઈને બોલી રહી.

"નો મિસિસ મહેરા. હું પણ એ જ દર્દ અનુભવું છું જયારે તે સ્ત્રીનો ગર્ભ બહાર આવીને તરફડે. એ માંની પીડા હું દર વખતે અનુભવું છું માટે જ તો આ પહેરું છું." આટલું કહીને અવનીએ પોતાનાં પેટ પરથી નકલી ટમીફિલર હટાવીને બાજુમાં ઘા કરી દીધો, "તારામાં આ દર્દ આજે તારો જ પતિ સુજય અનુભવશે. રાઈટ સુજુ ડાર્લિંગ!"

સુજય આંખમાં આંસુ સાથે નિયતીનાં પેટ પર ઘા કરવા જતો જ હતો કે ત્યાંજ અવનીની ચીસ તેનાં કાને પડી. તેણે જોયું તો જસ્સીએ તેનાં હાથમાં રહેલ હથોડી વડે અવનીનાં ખોપરો ફોડી નાખ્યો. સુજય ચિડાઈને જસ્સી તરફ સળિયો ઉગામે એ પહેલાં તો જસ્સીએ જોરથી તેનાં હાથમાં રહેલ સળિયા વડે તેનાં જ પેટ પર હથોડીનાં સતત દસબાર ઘા કર્યા કર્યા. સુજયનાં લોહીથી નીતરતી જસ્સી નિયતિને છોડી રહી હતી.

નિયતિનાં ચહેરાં પર પણ લોહીનાં છાંટા ઉડ્યા હતાં.
જસ્સીએ નિયતીનાં ચહેરાં પરથી એ છાંટા હાથ વડે લુછ્યા અને નિયતિની આંખોમાં જોતી રહી.

"આનું ખૂન જીવિત રહેવાને લાયક નથી. " કહીને જસ્સીએ હથોડી લઈને નિયતીનાં પેટ પર ઘા કરી દીધો.