Yog-Viyog - 42 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 42

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૨

નવ વાગવા આવ્યા હતા.

ઘરના બધા સભ્યો જાણે એક નાનકડા ઉચાટમાં શ્વાસ લઈ રહ્યા હતા. મોટી મોટી બેગ્સ પેક થઈને ડ્રોઇંગરૂમમાં મુકાઈ ગઈ હતી.

લક્ષ્મી નીરવની સાથે બહાર ગઈ હતી. બહાર જમીને આવવાની હતી.

બાકીના સૌ જમીને હવે જાણે આવનારી પળની રાહ જોતાં છૂટાછવાયા વીખેરાયેલા આમથી તેમ પોતાની જાતને ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અભય ઉપર પોતાના ઓરડામાં કોઈ કારણ વગર લેપટોપ ખોલીને હિસાબો તપાસી રહ્યો હતો.

વૈભવી ગેલેરીમાં બેઠી હતી. બહાર દેખાતાં વાહનોની અવરજવર સાથે એના મનમાં પણ છેલ્લા થોડાક સમયની ઘટનાઓ અને પોતાના વર્તન અંગે વિચારોની અવરજવર ચાલતી હતી. એ ચૂપચાપ બેઠી હતી. પણ એના મનમાં વિચારનો ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું. આજે લજ્જા અને આદિત્ય પણ ક્યાંય નહોતા ગયાં.

‘‘આજે દાદાજી જાય છે’’ના માહોલે સૌના મનને થોડું ઘણું ભીનું કરી નાખ્યું હતું.

અંજલિ સૂર્યકાંતની સાથે બહાર પથ્થરની બેઠક પર બેસીને વાતો કરી રહી હતી. સૂર્યકાંત વારે વારે અંજલિના માથા પર હાથ ફેરવતા હતા. એના ચહેરાને, એના ગાલને સ્પર્શી લેતા હતા.

પોતાના ઓરડાનો બગીચા તરફ ખૂલતો આખો જ ફ્રેન્ચ ડોર કોલેપ્સ કરીને વસુમાએ ઓરડો ઉઘાડી નાખ્યો હતો. એ બેઠાં હતાં તો પોતાના રૂમમાં, પોતાની બેઠક ઉપર, પણ એમનું મનેય વિચારોના વમળમાંથી બહાર નહોતું રહી શક્યું.

અજય પોતાના રૂમમાં સૂતો સૂતો રેડિયો સાંભળતો હતો. જાનકી પેપર તપાસી રહી હતી, પરંતુ એનું સમગ્ર ધ્યાન સૂર્યકાંત જવાના હતા એ વાતમાંથી હટીને બીજે ક્યાંય જઈ શકે એમ નહોતું.

‘‘છોડ યાર,’’ એણે પેપર બંધ કર્યું અને પેનનું ઢાંકણું પણ.

‘‘મારે નથી તપાસવા પેપર. મને એમ હતું કે પ્રોફેસરની નોકરી સૌથી મજાનીને સૌથી આરામદાયક નોકરી છે, પણ તને ખરેખર કહું અજય, હું બોર થઈ ગઈ છું આ નોકરી કરતાં કરતાં.’’

‘‘છોડી દે.’’ અજયે ખૂબ કેયુઅલી અને છતાં આદેશાત્મક અવાજે કહ્યું.

‘‘છોડી જ દેત...’’ જાનકીએ વાક્ય શરૂ તો કર્યું, પણ એને તરત જ સમજાયું કે આ વાક્ય શરૂ કરવું એ એની ભૂલ હતી. એટલે એણે વાક્ય અધૂરું જ છોડી દીધું.

‘‘ખરી વાત છે. હું નથી કમાતો એટલે તારે તો નોકરી કરવી જ પડે ને ?’’

જ્યારે જ્યારે જાનકીની નોકરીની વાત આવતી ત્યારે ત્યારે અજય અને જાનકી વચ્ચે આ વાત થતી ત્યારે ત્યારે અજય આટલી જ કડવાશ અને અણગમા સાથે આ વાત કરતો.

એ જાણતો હતો કે એની વકીલાત સારી નથી ચાલતી અને સ્વમાની જાનકી કોઈ પણ સંજોગોમાં અભય કે વૈભવીના ઉપકાર હેઠળ નહીં જીવે. ખરેખર તો એ પણ ઇચ્છતો હતો કે જાનકી નોકરી છોડીને આરામથી ઘેર બેસે. પરંતુ એ માટે એણે કરેલા તમામ પ્રયત્નો વ્યર્થ ગયા હતા.

‘‘જેનો ધણી કમાતો ના હોય એની બૈરીને બિચારીને નોકરી કર્યા વિના છૂટકો જ ના હોય ને...’’ જાનકી ખુરશીને ધક્કો મારીને ઊભી થઈ. એણે વાત ફેરવવાનો પ્રયત્ન કર્યો. ખૂબ વહાલથી અજય પાસે આવી. એના ખભે હાથ મૂક્યો. એના ગાલ ઉપર એક હળવું ચુંબન કર્યું અને કહ્યું, ‘‘માર્ચમાં ખરેખર વિચારીશ. અત્યારે તો વર્ષ ચાલુ છે, વિચારીને પણ શું કરું ?’’

‘‘માર્ચમાં આપણે અહીંયા હોઈશું કે નહીં તેની જ મને ખબર નથી.’’

જાનકીએ ચોંકીને અજય સામે જોયું, ‘‘શું ?’’

‘‘મેં બાપુ સાથે વાત કરી લીધી છે. એ ત્યાં જઈને મારા પેપર્સ કરશે.’’

‘‘તમે માને પૂછ્‌યું છે ?’’

‘‘એમાં માને શું પૂછવાનું હોય ? એ કંઈ ના થોડી પાડે ? બાપુનો આવડો મોટો ધંધો છે, સંભાળનાર કોઈ નથી. એમને મારી જરૂર છે. ’’ અજય જાણે જાતને જ કહેતો હતો. પછી સહેજ અટકીને ઉમેર્યું, ‘‘અહીંથી તો છૂટીશું.’’

‘‘પણ માને કદાચ...’’

‘‘હવે કોને શું ગમે છે અને કોને શું નથી ગમતું એવું વિચારી વિચારીને મારાથી નહીં જીવાય.’’

‘‘મારી જિંદગી મારી પોતાની છે. મને જે ગમે તેમ જીવું. બહુ વખત સુધી બીજાઓને માટે જીવતો રહ્યો હું ! હવે નહીં...’’

જાનકી આશ્ચર્યથી જોઈ રહી અજય સામે, ‘‘માણસ આટલો બદલાઈ શકે ?’’ આ એ અજય હતો જેણે પોતાનાં સત્યોને, મૂલ્યોને. નિષ્ઠાને જિંદગીના દરેક તબક્કે વધુ મહત્ત્વ આપ્યું હતું.

આ એ અજય હતો જેને જાનકી પોતાના જીવથીયે વધુ ચાહતી હતી અને ફક્ત એટલા માટે, કારણ કે અજયમાં સચ્ચાઈ હતી, ત્રણમાંથી જો કોઈ એક જણે વસુમા પાસેથી વધુમાં વધુ ગુણો ગ્રહણક કર્યા હોય તો એ અજય જ હતો. એવું જાનકી એક પણ પહેલાં સુધી દૃઢપણે માનતી હતી.

‘‘અજય ! આ ઉંમરે અમેરિકા જઈને...’’

‘‘પ્રગતિની કોઈ ઉંમર નથી હોતી. મારે હૃદયના ભવિષ્યનો વિચાર કરવાનો છે. મેં બાપુને જરૂરી બધા જ પેપર્સ આપી દીધા છે. એ એમની કંપનીમાંથી મારા વિઝા ફાઇલ કરશે. એટલે તરત જ થઈ જશે... મેં બેએક મહિનાની અંદર દેશ છોડી દેવાનું નક્કી કર્યું છે. હું થાક્યો છું આ લાઈનોથી, આ નિષ્ફળતાઓથી અને નાની નાની વસ્તુઓ માટે કરવી પડતી સ્ટ્રગલથી...’’ જાનકી અવાક થઈને અજયને બોલતો સાંભળી રહી હતી, ‘‘મને હવે બેટર લાઇફ જોઈએ છે અને એ આ દેશમાં તો નહીં જ મળે.’’

‘‘ગઈ કાલ સુધી જે માએ લોહી સિંચીને તમને મોટા કર્યા, જિંદગીનો આટલો મહત્ત્વનો નિણર્ય કરતાં પહેલાં એ માને પૂછવાની પણ જરૂર ના લાગી તમને ?’’

‘‘એણે પૂછ્‌યું હતું ? બાપુને અહીં બોલાવતા પહેલાં ?’’

‘‘અજય ?!’’ જાનકી જાણે ઘવાઈ ગઈ.

‘‘બૂમો પાડવાની જરૂર નથી. દરેક માણસને જિંદગીમાં આગળ વધવાનો, પ્રગતિ કરવાનો અધિકાર છે. બધાએ પોતાના ભવિષ્ય વિશે વિચારી લીધું, હું ક્યાં સુધી માના પાલવમાં બંધાઈને જીવ્યા કરીશ ?’’

‘‘આ તમારી ભાષા નથી અજય.’’ જાનકીએ આંખો ઝીણી કરી અને અજયની નજીક ગઈ. બે હાથે એના ગાલ પકડ્યા, ‘‘તમારી ફિતરત, તમારી પ્રકૃતિ નથી આ.’’

‘‘એકધારી નિષ્ફળતાનાં વર્ષો ભલભલાની ભાષા અને પ્રકૃતિ બદલી નાખે છે જાનકી. હવે મારે પણ જીવવું છે... કંટાળ્યો છું હું આ મારા કપાળ પર ચોંટેલા નિષ્ફળતાના લેબલથી.’’ એની આંખો જાણે દૂર શૂન્યમાં તાકતી હતી, ‘‘મારે પણ અરમાનીનો શૂટ પહેરીને જે-ક્લાસમાં ફ્લાય કરીને આ ઘરના દરવાજે આવીને ઊભા રહેવું છે.’’

‘‘અજય ! તમારાં સપનાં આટલાં નાનાં ક્યારથી થઈ ગયાં?’’

‘‘જાનકી !’’ અજયનો અવાજ બરછટ થઈ ગયો હતો, ‘‘આ સપનાં નથી, સત્ય છે, હકીકત છે. કાલે સવારે સાચી પડી શકે એવી સાવ મામૂલી હકીકત.’’

‘‘મને કેમ આ સોદો લાગે છે ? તમારાં મૂલ્યોનો, તમારા સિદ્ધાંતોનો, તમારી માન્યતાઓનો...’’

‘‘કારણ કે તું બેવકૂફ છે.’’ આંખો ફાટી ગઈ જાનકીની. આટલાં વર્ષોમાં અજયે ક્યારેય આવી ભાષામાં વાત નહોતી કરી.

‘‘શું બોલો છો એ તો સમજો છો ને અજય ? કે પછી તમારી ભાષા ઉપર ડોલરે રંગ ચડાવી દીધો છે ?’’

‘‘મને એ નથી સમજાતું કે તારા પોતાના પતિની પ્રગતિમાં તને કેમ રસ નથી ? દુનિયાની કોઈ પણ સ્ત્રી પોતાના પતિને આગળ વધતો જોઈને ખુશ થાય, ગર્વ અનુભવે...’’ જાનકીના હાથ હજીયે અજયના ગાલ પર હતા, જે ખસેડી નાખ્યા અજયે, ‘‘પણ કેટલીક સ્ત્રીઓ એવી હોય કે જેમને એનો પતિ મુઠ્ઠીમાં બંધ રહે ત્યાં સુધી જ વહાલો લાગે.’’

‘‘અજય !’’ જાનકી વાક્યે વાક્યે વધુ ને વધુ ઉઝરડાતી જતી હતી. સંપત્તિ અને સમૃદ્ધિના આકર્ષણે એની પસંદગીને, એના આટલાં વર્ષના લગ્નજીવનને એક પળમાં જાણે ખોટા સાબિત કરી દીધા હતા. એ સમજી નહોતી શકતી કે આ પરિસ્થિતિમાં એણે કઈ રીતે વર્તવું જોઈએ.

‘‘ભલભલાને જીવનભર તરસતા રહેવા છતાં જે તક ક્યારેય ના મળે એવી તક આવીને મારે દરવાજે ઊભી છે. રોહિત જેલમાં છે, લક્ષ્મી નીરવને પરણીને એની સાથે સેટલ થવાની છે... બાપુ એકલા છે. એમને કોઈની જરૂર છે અને એ કોઈ, એમનો પોતાનો દીકરો જ હોય ને ?’’ એણે જાનકીની સામે જોયું. જાનકીને આ નજર સાવ અજાણી, જાણે બીજા જ કોઈ પુરુષની હોય એવી લાગી, ‘‘તને ખબર છે, કેટલા બિલિયન ડોલરનું ટર્નઓવર છે, સ્મિતા ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનું ? પચાસે ગુણી નાખ... ગણિત ભૂલી જઈશ !’’

‘‘હું તો બધું જ ભૂલી જઈશ કદાચ અજય, હું... હું સમજી નથી શકતી કે તમે આ...’’

‘‘નહીં સમજાય !’’ અજય રૂમની બહાર નીકળવા લાગ્યો, ‘‘મને ખાતરી જ હતી કે નહીં સમજાય.’’ એ સડસડાટ ઓરડાની બહાર નીકળી ગયો અને જાનકી હતપ્રભ જેવી ત્યાં જ ઊભી રહીને અજયને એવી રીતે જોઈ રહી જાણે એ ઓરડામાંથી નહીં, એની જિંદગીમાંથી નીકળી ગયો હોય.

‘‘પણ કેમ ?’’ નીરવ લક્ષ્મીનો હાથ પકડીને બેઠો હતો. પામગ્રોવની કોફી શોપમાંથી ઊછળતો દરિયો દેખાતો હતો. આકાશ ઘેરાઈ આવ્યું હતું. સામે જૂહુનો દરિયો અંધારો થઈ ગયો હતો. પાણી-પૂરી અને ભેળ-પૂરીવાળાના સ્ટોલ્સમાં લાઇટો ઝગમગી રહી હતી. આવતાં-જતાં વાહનોની હેડલાઇટ્‌સ જાણે અંધારાને ચીરતી લિસોટા મૂકી મૂકીને જૂહુ રોડ ઉપર વળી જતી હતી.

લક્ષ્મીનો હાથ પોતાના હાથમાં પકડીને ક્યારના બેઠેલા નીરવે એનો હાથ દબાવ્યો, ‘‘પણ એવું કેમ ?’’ એણે ફરી પૂછ્‌યું, ‘‘ડેડીને જવા દે, તું તો રોકાઈ જ શકે.’’

‘‘ના નીરવ, મારા ડેડી આવી પરિસ્થિતિમાં ત્યાં એકલા જઈને શું કરે ?’’

‘‘તો તુંય શું કરવાની છે જઈને ? તને અમેરિકાના કાયદા ખબર છે ? કે યુ.એસ. પોલીસમાં ઓળખાણ છે તારી ?’’

‘‘કશું જ નથી, પણ મારા પિતાને એની દીકરીની જરૂર છે અને એવા સમયે હું મારા પ્રેમને મહત્ત્વ આપીને અહીં રોકાઈ જાઉં તો મારો આત્મા મને ક્યારેય માફ ના કરે.’’

‘‘પણ લક્ષ્મી આજે ને આજે નિર્ણય કરવો મારા માટે...’’

‘‘મેં ક્યાં કહ્યું કે તું નિર્ણય કર. હું સમજી જ શકું છું કે તારા સ્વભાવ સાથે થોડા કલાકોમાં આવી વાતનો નિર્ણય કરવો અશક્ય છે.’’

‘‘નિર્ણય તો હમણાં કરી લઉં લક્ષ્મી, આ પળે, આ ક્ષણે હું તને એટલું બધું ચાહું છું કે તારા વિના હું જીવી નહીં શકું એમ કહેવું સાવ સરળ છે... પણ સાથે જ મને એવી ખબર છે કે હું મારી જિંદગી સાથે તો જુગાર રમી જ રહ્યો છું, પણ કોઈ બીજાની જિંદગી સાથે પણ જુગાર જ છે આ.’’

‘‘તારી નિખાલસતા ગમે છે મને, પણ નીરવ, આમ તો દરેક લગ્ન જુગાર નથી ?’’

‘‘હા, રમનારા બેય હારી જાય એવો જુગાર.’’ નીરવના અવાજમાં કડવાશ ભળી ગઈ, ‘‘વિષ્ણુપ્રસાદ ચોકસી રોજ સાંજે એમની પત્ની રિયાને યાદ કરીને જીવ બાળે છે. પેલી ત્યાં એમની તબિયતની ચિંતા કરે છે... અને છતાંય બંને જણા એકબીજાનું નામ પડે કે તરત રિએક્ટ થઈ જાય છે.’’ સામે પડેલો બિયરનો ગ્લાસ ઊંચકીને નીરવે લગભગ અડધો ગ્લાસ બિયર એક જ ઘૂંટડામાં ગળા નીચે ઉતારી દીધો. પછી હોઠ પર જીભ ફેરવી, ‘‘બેયની જિંદગીમાં અધૂરપ છે. ખાલીપો છે. બીજું કોઈ પાત્ર નથી અને છતાં...’’

‘‘નીરવ, લગ્નસંસ્થાની વિરુદ્ધમાં બોલવાનું કહેવામાં આવે તો તું અને અલયભાઈ કલાકો સુધી બોલી શકો, ખબર છે મને. પણ સામે મારા ડેડી છે, રાજેશભાઈ છે અને... અજયભાઈ પણ છે.’’

‘‘જો લક્ષ્મી, આ કોઈ વકતૃત્વ સ્પર્ધા નથી કે જેમાં તું લગ્નસંસ્થાના પક્ષમાં અને હું વિરુદ્ધમાં બોલતો હોઉં. આ તારી અને મારી જિંદગીનો સવાલ છે. આજે જે પ્રેમ તારી આંખોમાં ઘૂઘવતો જોઈ શકું છું એ જ આંખોમાં થોડાં વર્ષો પછી કદાચ મારા માટેની ફરિયાદ કે નફરત હોય તો હું જીવી નહીં શકું.’’

‘‘નીરવ, તારી વાત સમજી શકું છું ને સ્વીકારું પણ છું. એટલે જ તને કોઈ બંધનમાં નાખ્યા વિના અહીંથી જવા માગું છું.’’ લક્ષ્મીની આંખો ભીની થઈ ગઈ. નીરવે એનો એક જે હાથે પકડીરાખ્યો હતો એ હાથ ઉપર એણે બીજો હાથ મૂક્યો, ‘‘અહીં રહેત તો કદાચ પીગળી જવાની શક્યતાઓ વધારે હતી. તારો સ્પર્શ મને ઝણઝણાવી મૂકે છે. મારું અમેરિકન માનસ મને મારું સર્વસ્વ સોંપવા લલચાવે છે નીરવ... ’’ એણે માંડ માંડ ડૂમો ખાળ્યો, ‘‘હું જાઉં એમાં આપણા બંનેની ભલાઈ છે.’’

‘‘તું જ્ેમ ઠીક સમજે તેમ.’’ નીરવ આઠ ફૂટની ગ્લાસ વિન્ડોમાંથી બહાર જોવા લાગ્યો. એને લાગ્યું કે એનું રડવું એની આંખોમાંથી નહીં, એની છાતી ફાડીને બહાર નીકળી જશે.

જિંદગીનાં આટલાં વર્ષો પછી એક છોકરી એવી મળી હતી જેણે એના મનોમસ્તિષ્કનો કબજો લઈ લીધો હતો. એની સરળતા, એની સાદગી, એની સમજદારી, એનો સ્નેહ... બધું જ ભીંજવતું હતું નીરવને અને છતાં એને ભય લાગતો હતો કમિટમેન્ટનો. કોઈ પણ જગ્યાએ બંધાયા પછી છૂટી ન શકવાનો...

માતા-પિતાના લગ્નજીવનનાં વર્ષો એની સામે ભૂતાવળ થઈને નાચતાં હતાં, વસુમાની એકલતા, એમની આંખોમાં ડોકાતી ઉદાસી અને સૂર્યકાંતનું વર્તન એને રોકતા હતા. કોઈ પણ બંધનમાં બંધાતા પહેલાં એ જાતને સો વાર ચકાસવા માગતો હતો અને હવે, એ ચકાસણીનો સમય અચાનક જ પૂરો થઈ ગયો.

લક્ષ્મી થોડા કલાકોમાં દેશ છોડી જવાની હતી. એ અમેરિકા જઈને લગ્ન કરી લેશે એવો ભય નહોતો નીરવને, કે પોતાને બીજી કોઈ છોકરી ગમી જશે એવો ડર પણ નહોતો...

લક્ષ્મી સાથે જાણે એની જિંદગીનો એક મહત્ત્વનો હિસ્સો જઈ રહ્યો હતો, પણ એ હિસ્સાને જતો રોકવા વચન અને જવાબદારીનું જે બંધન બાંધવું પડે એ બાંધવાની એની માનસિક તૈયારી પણ નહોતી જ.

ભયાનક દ્વંદ્વ હતું આ.

નીરવ માટે નક્કી કરવું અશક્ય હતું.

અને એ જ વાત એણે ઇમાનદારી અને નિખાલસતા સાથે લક્ષ્મીને કહી દીધી હતી.

બંને જણા લગભગ અડધો કલાક સાવ મૌન, ચૂપચાપ બેસી રહ્યા. પછી લક્ષ્મીએ હળવેકથી કહ્યું, ‘‘જઈશું ?’’

નીરવને જાણે કોઈકે એનું હૃદય છાતીમાંથી બહાર કાઢીને નીચોવી નાખ્યું હોય એવી લાગણી થઈ.

શૂટિંગ પેક-અપ થઈ ગયું હતું.

અનુપમાએ ઘડિયાળ જોઈ. હજી માત્ર નવ ને વીસ થઈ હતી. અલય ખુરશી નાખીને બંગલાની લોનમાં બેસી રહ્યો હતો. અન્યમનસ્ક જેવો દૂર, અંધારા સમુદ્રને ઊછળતો જોઈ રહેલા અલયને જોઈને જ અનુપમાને સમજાઈ ગયું કે એ ઘરે જવામાં બને એટલું મોડું કરવા માગે છે.

‘‘સર ! પેક-અપ તો થઈ ગયું છે.’’ અનુપમાના ચહેરા પર એક તોફાની સ્મિત હતું.

‘‘હમ.’’

‘‘ઘરે નથી જવું ?’’

‘‘જાઉં છું.’’

‘‘અગિયાર પાંત્રીસે પહોંચવું છે ?’’ અનુપમાના અવાજમાં છરીથીયે વધારે તેજ ધાર હતી.

‘‘જો અનુ...’’

‘‘જોઈ રહી છું.’’ યુનિટના ગણ્યાગાંઠ્યા લોકો હાજર હતા. હજી લાઇટો અને બીજી વસ્તુઓ બંગલામાં ગોઠવાઈ રહી હતી. શૂટ કાલે અહીં જ હતું. એટલે સામાન લઈ નહોતો જવાનો, પણ સ્પોટબોયઝ અને બીજા ભેગા થઈને પેક-અપ કરી રહ્યા હતા.

અનુપમા બે બાજુ બે પગ નાખીને અલયના પગ ઉપર ઘોડાની જેમ બેસી ગઈ. એણે એના ગળામાં હાથ નાખ્યા અને માથા સાથે માથું ટકરાવ્યું, ‘‘માય ઇગોઇસ્ટિક બેબી !’’

‘‘અનુપમા, બધા જુએ છે.’’

‘‘તો ?’’ અનુપમાએ અલયની આંખમાં આંખ નાખી, ‘‘મને કોઈનો ડર નથી લાગતો.’’ એણે અલયના વાળમાં હાથ ફેરવ્યો, ‘‘ડાર્લિંગ, કેમ ડરે છે તારી પોતાની લાગણીઓથી આટલો બધો ? તારી જાત પ્રત્યે તો ઇમાનદાર થા. જા, જઈને કહી દે તારા બાપુને કે તેં આખી જિંદગી એમની રાહ જોઈ છે. ઝંખ્યા છે એમને... જિંદગીના પ્રત્યેક પગલે તને એમની ખોટ સાલી છે.’’ અલયની પીડા વિશે બોલતા પણ અનુપમાની આંખો ભરાઈ આવી હતી, ‘‘તારી તમામ ફરિયાદો, તારો આક્રોશ, તારો ગુસ્સો ઠાલવી દે એમની સામે, ભેટીને રડી નાખ, આવી તક કદાચ પાછી નાયે આવે.’’

‘‘મને સલાહ આપવાની જરૂર નથી.’’

‘‘સલાહ નથી આપતી, લલચાવું છું... જિંદગીની એક એવી બાજુ જોવા માટે, જેના તરફ આંખ બંધ કરીને જીવ્યો છે તું. આંસુ બહુ અગત્યની વસ્તુ છે અલય... એના વિના માણસ અધૂરો છે.’’

‘‘એક પુરુષ માટે આંસુ જેટલી નબળી બીજી કોઈ વસ્તુ નથી.’’

‘‘આહ !’’ અનુપમાનો અવાજ ઊંચો થઈ ગયો, ‘‘રડવા માટે બહુ હિંમત જોઈએ ! આંસુ એમ ને એમ નથી આવતાં. માણસના લોહીનાં સો ટીપાં બળે ત્યારે આંસુનું એક ટીપું બને છે.’’

‘‘સ્ત્રીઓનું હથિયાર છે આંસુ.’’ અલયનો અવાજ ઘેરાવા માંડ્યો હતો. એ ડરી ગયો હતો, ‘‘આ છોકરી ક્યાંક મને રડાવી ના નાખે.’’

‘‘હશે !’’ અનુપમાએ ખભા ઉલાળ્યા અને અલયના પગ પરથી ઊભી થઈ ગઈ. એ એટલા ફોર્સથી ઊભી થઈ કે અલયની ખુરશી સહેજ પાછળ ધકેલાઈ ગઈ, ‘‘હું એવી સ્ત્રીઓમાંની નથી. મને લાગે છે કે રડવું એ બહાદુર સ્ત્રીનું ઘરેણું અને મર્દનું મહામૂલું સમર્પણ હોય છે.’’ એ અલયથી ઊંધી ફરીને ઊભી હતી. દરિયા તરફ જોઈને બોલી રહી હતી, ‘‘રડતો પુરુષ મને આ દરિયા જેવો લાગે છે. જેને ખબર છે કે મર્યાદા છોડે તો પૃથ્વીને રસાતાળ કરી મૂકે ને સુકાવા માંડે તો મીઠું ધરતી આખીને ખારી કરી નાખે...’’

‘‘અનુપમા, આ બધું કહેવા માટે સારું લાગે છે. મારી જિંદગીનાં આટલાં બધાં વર્ષો જે માણસે મારા અસ્તિત્વની નોંધ પણ નથી લીધી એની સામે જઈને હું રડું ? એને ભેટીને ?’’

‘‘હા !’’

‘‘તને શું લાગે છે, હું ભિખારી છું ? બાપની પ્રેમની ભીખ માગીશ એની સામે ? આંસુની ઝોળી ફેલાવીને ? ગઈ કાલ સુધી આ જ એનો પરિવાર હતો. આજે એનો દીકરો જેલમાં છે એટલે અમારું શું થશે એનો વિચાર કર્યા વિના ભાગી નીકળ્યો છે... એવા માણસની સામે જઈને રડું ?’’

‘‘અલય, હું એમને બરાબર ઓળખતી નથી. બે જ વાર મળી છું, અને બંને તારી જિંદગીના ખૂબ અગત્યના પ્રસંગો હતા. એક વાર એ શ્રીજી વિલામાં આવ્યા ત્યારે અને બીજી વાર તારી ફિલ્મના મુહૂર્ત પ્રસંગે ! ’’ અનુપમાએ અલયની સામે જોયું. એ વિચારમાં પડ્યો હતો એટલે એણે ચાલુ રાખ્યું, ‘‘પણ એમની આંખોમાં જોયું છે અલય, જો એ રોકાઈ શકતા હોત તો શ્રીજી વિલા છોડીને ક્યારેય ન જાત. તું આટલી સાદી વાત કેમ નથી સમજી શકતો એની નવાઈ લાગે છે મને.’’

‘‘તું એમની આટલી વકીલાત કેમ કરે છે એની મને પણ નવાઈ જ લાગે છે.’’

‘‘કારણ કે મેં એમની આંખોમાં ઇચ્છા અને ફરજ વચ્ચેનું ઘર્ષણ જોયું છે અને હું જાણું છું કે ઘર્ષણ કેટલું ભયાનક હોય છે. એના તણખા કેટલું દઝાડતા હોય છે...’’ હવે અનુપમાની આંખો વરસવા લાગી હતી.

‘‘સારું. રડીશ નહીં.’’ અલય ઊભો થયો, ‘‘જાઉં છું, ઘરે જ જાઉં છું બસ ?’’ એણે ખુરશી વાળી, સાથે લઈને બંગલાના દરવાજા તરફ ચાલવા લાગ્યો. સ્પોટબોયના હાથમાં ખુરશી આપી અને અનુપમાને સાચવીને એની મેક-અપ વેનમાં ચડાવી. અનુપમા પગથિયા ઉપર બંને તરફના હેન્ડલ પકડીને ઊભી રહી. એની આંખોમાં સવાલ હતો.

‘‘કોઈ વચન નથી આપતો, પ્લીઝ.’’ અલયે મોઢું ફેરવી લીધું, ‘‘મારાથી બનશે એટલી સારી રીતે આવજો કહીશ.’’ પછી પોતાને જ સંભળાય એવી રીતે ઉમેર્યું, ‘‘આવે તો સારું, ના આવે તો વધારે સારું.’’

વસુમાએ પોતાના ઓરડાનો બગીચામાં પડતો કોલેપ્સેબલ દરવાજો ખોલી નાખ્યો હતો. એમની ખુરશીમાં બેઠા બેઠા એમને સીધો બહાર બગીચો, પથ્થરની બેઠક અને એના ઉપર બેઠેલાં બાપ-દીકરી દેખાતાં હતાં. એમણે ઘડિયાળ જોઈ.

હજી સમય હતો.

લક્ષ્મી આવવી જ જોઈએ.

અલય કદાચ ન પણ આવે એવી માનસિક તૈયારી હતી એમની. એમણે સામે જોયું તો અંજલિ સૂર્યકાંતની છાતીએ વળગીને રડતી હતી. સૂર્યકાંત એમના માથે હાથ ફેરવતા હતા.

‘‘બેટા, હવે શું કામ રડે છે ? હવે તો હું એક ટેલિફોન કરવા જેટલો દૂર છું. તારી ડિલિવરી પર આવીશ ને ?!’’

‘‘બાપુ, હું આજે સવારે તો રહેવા આવી, મને એમ કે તમારી સાથે...’’ અંજલિ લગભગ હીબકે ચડી ગઈ હતી, ‘‘મારા નસીબમાં જ નથી તમારી સાથે રહેવાનું.’’

‘‘એવું શું કામ વિચારે છે બેટા ? મારા દોહિત્રને લઈને ડિઝનીલેન્ડની રાઇડ્‌સ માણવાનું સપનું છે મારું.’’

અંજલિ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. સૂર્યકાંત ખૂબ શાંતિથી, હળવાશથી એને સમજાવી રહ્યા હતા.

પણ આ બધામાં એમનું મન પણ ઉચાટમાં તો હતું જ. અચાનક જવાનું નક્કી થયું એ પછી વસુમા સાથે આજે સવારે જે વાત થઈ તે થઈ...

પેકિંગની ધમાલ, ટિકિટની માથાઝીંક અને છોકરાંઓ સાથેની વાતચીતમાં એમને વસુંધરા સાથે થોડીક પળો પણ નહોતી મળી, જેમાં એ શાંતિથી વાત કરી શકે.

એમને પણ પોતાના ઓરડામાં બેસીને આવતી કાલનું શાક સમારી રહેલાં વસુમા દેખાતાં હતાં. અંજલિ જો સહેજ સ્વસ્થ થાય તો એ છેલ્લો કલાક વસુંધરાની સાથે ગાળવા માગતા હતા.

વારે વારે વસુમાના ઓરડા તરફ વળતી એમની નજર ખૂબ અજંપ અને અસ્વસ્થ હતી.

આ વાતનો ખ્યાલ આવી ગયો હોય એમ અંજલિને આંસુ લૂછ્‌યાં, ફરી એક વાર સૂર્યકાંતને ભેટી અને એવી રીતે ઊભી થઈ, જાણે એમને એકલા છોડી દેવા માગતી હોય.

‘‘હું મોઢું ધોઈ લઉં. તમે માને મળી લો...’’ અંજલિએ સાવ સ્પષ્ટ શબ્દોમાં સૂર્યકાંતના મનની વાત વાંચી લીધી.

સૂર્યકાંત ઊભા થઈને સીધા વસુમાના ઓરડા તરફ ગયા. બગીચામાં પડતાં દરવાજાથી સીધા દાખલ થઈને એમણે પૂછ્‌યું, ‘‘આવું ?’’

‘‘આવો કાન્ત.’’ વસુમાએ છેલ્લો ભીંડો સમારીને છરી પરની ચીકાશ કપડાથી લૂછી નાખી. પછી બાજુમાં પડેલું સફેદ મલમલનું કોરું કપડું થાળી પર ઢાંક્યું અને ઉમેયુર્ં, ‘‘સ્લિપર ત્યાં જ કાઢી નાખજો. ભીની લોનમાંથી કાદવ ઘરમાં આવશે.’’

સૂર્યકાંત થોડા વધુ અસ્વસ્થ થઈ ગયા, ‘‘આ બાઈને કોઈ અસર જ નથી.’’ એમને વિચાર આવી ગયો. પચીસ વર્ષે મળ્યા પછી હું આજે પાછો જવાનો છું, પણ નથી એને ભીંડા પરનું કપડું ભુલાતું કે નથી બગીચામાંની લોનનો કાદવ એના મગજમાંથી ખસતો.

‘‘વસુ, મારા જવાનું કોઈ દુઃખ નથી તને ?’’ એમનાથી પૂછ્‌યા વિના ના રહેવાયું.

‘‘એવું બને કાન્ત ? મને તો મારા બગીચામાં ઊગેલું ફૂલ ખરી જાયને તોય જીવ બળે છે.’’ એમણે ખુરશીમાંથી ઊભા થઈને થાળી ટેબલ પર મૂકી, ‘‘પણ ફૂલનું ખરવું તો નક્કી હોય છે કાન્ત, ઊગે ત્યારથી. તમે આવ્યા ત્યારે તમારું જવાનું નક્કી જ હતું... માત્ર ક્યારે એટલું જ નક્કી નહોતું. જે આજે થઈ ગયું.’’

‘‘વસુ, આ એક મહિનો તારી સાથે જીવ્યાનો... હું ક્યારેય નહીં ભૂલું.’’ સૂર્યકાંતને સમજાયું નહીં, આગળ શું કહેવું, એટલે એમણે અમસ્તુ જ કહી નાખ્યું.

‘‘કાન્ત ! શું કામ ભૂલવો જોઈએ ? સુખની એક પણ પળ ભૂલવી જ શું કામ જોઈએ ? એ તો સંઘરી રાખવા માટે... પુસ્તકની અંદર મૂકેલા ફૂલની જેમ સાચવી રાખવા માટે હોય છે.’’

‘‘વસુ, તારાથી છૂટા પડવાનું મન નથી થતું.’’ સૂર્યકાંત જાણે લાગણીમાં વહી રહ્યા હતા. એમણે આજ સવારની વાતચીત પછી મનોમન નક્કી કર્યું હતું કે પોતે હવે વસુની આગળ લાગણીનું કોઈ પ્રદર્શન નહીં કરે, ‘‘ જો એને મારા આમંત્રણની કિંમત નથી, તો હું શું કામ વેવલો થઈને ઊભરાઈ જાઉં ?’’ એમણે સવારે જ ગાંઠ વાળી હતી અને છતાં અત્યારે એમનાથી બોલાઈ જ ગયું.

‘‘છૂટા ક્યાં પડીએ છીએ કાન્ત, માત્ર જુદા જુદા દેશમાં રહેવાના છીએ હવે, આજપછી. મેં તમને બોલાવ્યા, તમે આવ્યા એટલે ભેગા તો થઈ જ ગયા આપણે. હવે શરીરથી ક્યાંય પણ રહીએ કાન્ત, મનથી તો જોડાયેલા... મારા સુખ-દુઃખના પ્રસંગે હું તમને સંભારીશ ને તમારા સુખ-દુઃખમાં તમને સાંભરીશ હું.’’

‘‘એવું તો પહેલાંય હતું વસુ, મારા આવ્યાથી ફેર શું પડ્યો ?’’ સૂર્યકાંતના અવાજમાં સહેજ કડવાશ અનિચ્છાએ પણ ધસી આવી.

‘‘ફેર એ પડ્યો કાન્ત કે મને મારા પત્નીત્વનું સુખ પાછું મળ્યું, મારાં સંતાનોના પિતાના નામ પર એક ચહેરો આવીને ગોઠવાઈ ગયો... અને તમે જોઈ શક્યા આટલા વર્ષે પણ, મારામાં રહેલી એ વસુંધરાને, જેને તમારા સુધી પહોંચાડવા મેં અથાગ પ્રયત્નો કર્યા હતા આજથી પચીસ વર્ષ પહેલાં... અને આ પચીસ વર્ષો દરમિયાન પણ...’’

‘‘વસુ, હવે જ્યારે જઈ જ રહ્યો છું ત્યારે ફરી મળીશું કે નહીં એની ખબર નથી મને.’’

‘‘કાન્ત !’’ વસુમાના અવાજમાં એક હળવો કંપ આવી ગયો.

‘‘પણ એક વાત કહી દઉં તને, આ વખતના આ પચીસ દિવસ જે મેં તારી સાથે ગાળ્યા એ પચીસ દિવસોએ પચીસ વરસ તારાથી દૂર રહ્યાની તકલીફને, તડપને બમણી કરી નાખી છે.’’ વસુમાએ જવાબમાં માત્ર સ્મિત કર્યું, ‘‘વસુ, તું અમેરિકા નહીં આવે, મારે માટે બાકીનાં વર્ષો ભારતમાં ગાળવા અસંભવ છે એવા સમયે આપણે ક્યારેય સાથે નહીં જીવી શકીએ ?’’ સૂર્યકાંતની આંખોમાં જ નહીં, એમના આખા અસ્તિત્વમાં આ સવાલ આ પડઘાતો હતો. એ વસુમાની સામે જોઈ રહ્યા, જવાબની આશાએ.

‘‘કાન્ત, આપણે છૂટા પડવાનું નક્કી કરીને છૂટા નહોતા પડ્યા કે નથી ફરી મળવાનું આપણે નક્કી કર્યું... બધું નિશ્ચિત, નિર્ધારિત, એના સમયે થતું રહ્યું. આગળ ઉપર પણ એમ જ થશે.’’

‘‘વસુ, મને સમજાતું નથી કે આ જવાબને તારી નિસ્પૃહતા ગણું કે...’’ સૂર્યકાંતે થૂંક ગળે ઉતાર્યું. વસુમાની સામે જોઈ રહ્યા, ‘‘તારે કંઈ જ કહેવાનું નથી ?’’

‘‘કાન્ત, શું સાંભળવું છે તમારે ? ’’ વસુમાએ સ્થિર નજરે સૂર્યકાંત તરફ જોયું, ‘‘હું તમને યાદ કરીશ ? હું તમને મિસ કરીશ? તમારા વિના હવે પળેપળ આ ઘરમાં મારા માટે જિંદગી બોજ બની જશે ? ’’ વસુમાએ ઊંડો શ્વાસ લીધો, ‘‘આ સત્ય હતું કાન્ત, આ એકેએક શબ્દ સાચો હતો. આજથી પચીસ વર્ષ પહેલાં ! જે મારે તમને કહેવો હતો, પણ તમે સાંભળ્યો નહીં અને આજે તમે સાંભળવા માગો છો, પણ હું કહી નથી શકતી.’’

સૂર્યકાંતને લાગ્યું કે જાણે પોતે જ જમીન પર ઊભા છે, જમીનનો એ ટુકડો આપોઆપ પાછળની તરફ ખસી રહ્યો છે. વસુમા ત્યાં જ સ્થિર ઊભાં છે અને પોતે જમીનના એ ટુકડા પર ઊભેલા અસહાય બનીને પાછળની તરફ સરકતા એમનાથી દૂર... વધુ દૂર... ઘણે દૂર જઈ રહ્યા છે.

(ક્રમશઃ)