punahmilan books and stories free download online pdf in Gujarati

પુનઃમિલન

આંખ સામે એ દિવસ ફરી રમવા માંડ્યો, એ પલ ફરી જળહળવા માંડી, જ્યારે શ્રુતિ એ શ્રવણ ને જોયો, બન્નેની આંખ સામસામે અથડાતાં એક ચીનગારી લયબદ્ધ લહેરાવા માંડી! સાવ અજાણ જ હતા હવે તો, પરિસ્થિતિ એવી ઘડાઈ ગઈ એમના જીવનમાં કે હવે એકબીજાના શ્વાસ સમ હતા જે અજનબી આલેખાઈ ગયા!
છેલ્લે મળ્યા એ સાંજને આજે આશરે વિશેક વર્ષ વિતી ગયા હશે, હજીય એ દિવસની હૈયાવરાળ બન્નેના દિલમાં ક્યાંક સ્પંદન કરે જ છે, ભલે એ કોઈને કહે કે ના કહે.!વર્ષો પહેલાં બન્ને એ સાવ નાની અમથી નારાજગીના નેજા હેઠળ નાદાન નિર્ણય લઈ લીધો હતો, એકબીજાની જિંદગીમાં આગળ વધી ગયા, કારણ કશું નહોતું છતાં અમથા ગુસ્સાને લઈને પારંગત થયેલા પ્રેમથી છેડો ફાડી નાખ્યો. દુઃખ થયું છતાંય અહંકાર ના ઓથમાં સામસામે આવ્યા જ નહી.
નાની એક ગેરસમજ એમના પ્રણયસેતુ ખાણમાં સપડાઈ ગયો. શ્રુતિની નારાજગી એકદમ નિખાલસ હતી કે શ્રવણ આખો દિવસ ગામના ચોરે બેસી રહે છે અને કશું કામ કરતો નથી. એમના પ્રેમની વાત એ ક્યાંક ને ક્યાંક બેસીને ગોસ્ટીમાં કહી દે છે એના લીધે સૃષ્ટિના ઘરમાં બધાને ખબર પડવા માંડી હતી. એ વખતે દીકરી એ ઘરની આબરૂ સમાન હતી, એનું નામ ક્યાંક આવા પ્રકરણમાં આવે એટલે એણે ઝટ કંકુના કરીને પરાઈ કરવાની વિચારણાઓ થવા માંડે, શ્રવણ ની આવી નાદાની ભરી આદત આજે શ્રુતિ અને શ્રવણને ક્યાંય દૂર હડસેલી દીધા એકબીજાથી.
બીજી બાજુ શ્રવણ શ્રુતિ ને મનોમન એની પત્ની માની બેઠો હતો, એને મન દુનિયાની પરવા કર્યા વગર બસ એની જોડે જ સપ્તપદી ભણવાની હતી પણ એને ખેતી કરીને જીવન પૂરું નાતું કરી દેવું, કંઇક ધંધો કરીને શહેરમાં વસીને શ્રુતિ જોડે સંસાર માંડવાના સપના હતા, એના માટે એ ગામની ભાગોળે જઈને એના માટે જુગાડ કરતો હતો, રોજ કઈ ના કઈ તક મળી જાય એ આશાએ એ ગામમાં વેપારી ટોળકી સાથે ગોસ્ટી કરતો, પણ ગામમાં લોકો એનો કંઇક ઊંધો મતલબ. કરીને શ્રુતિ ને ભંભેરતા રહેતા, બન્નેની આમ તો ઉંમર કાચી હતી, કોઈના કહેવામાં આવી જાય એ સહજ પણ હતી.
દુનિયા વર્ષોથી પ્રેમની દુશ્મન બનીને રહે છે જે પ્રેમીઓના જીવનમાં બધા ના નાખે તો પ્રેમની કસોટી ના થાય. શ્રવણ અને શ્રુતિ બન્નેની વાતો કરવી, એમની વાતોને એમના પરિવાર સામે રજૂ કરીને બન્નેને સંબધમાં ભંગાણ કરવું એ જાણે ગામજનો એ ધારી લીધું હતું, બન્ને વચ્ચે ફૂટ પડી જાય તો એમના જીવન શાતા પહોંચે!
એ ઢળતી સાંજે જ્યારે બન્ને મળ્યા ત્યારે બન્નેની પ્રેમ પાકટ જ હતો, પણ નાની અમથી ગેરસમજ બન્ને વચ્ચે તિરાળ બની ગઈ, ઉચ્ચ અવાજે થોડી બોલાચાલી અને અહમે જુદાઈનું બીડું વાળી લીધું.શ્રુતિ ના પરિવારે એને ક્યાંક બીજે વળાવી દીધી કઈ પણ જાણ્યા વગર કે શ્રુતિ શું વિચારે છે? એની શું ઈચ્છા છે? અને શ્રુતિ પણ કઈ પણ વિરોધ કર્યો વગર બધી ઈચ્છાઓને મન વાળીને દોરાઈ ગઈ. શ્રવણ પણ એના ધાંધર્થે શહેરમાં જઈને મન લગાવીને રચાઈ ગયો. એના એ સંઘર્ષમાં પ્રેમનો પ્રવાહ સુકાઈ ગયો. એને શ્રુતિ તરફથી એને તરછોડ્યા નું દુઃખ એ વ્યવસાયના વ્યસનમાં ભૂલવાનો પ્રયત્ન કરતો.વ્યવસાયના વ્યસનમાં એટલો બધો એ રચ્યો પચ્યો રહેતો કે એને લગ્નની ઈચ્છાઓ મરી ગઈ, એને આજીવન એકલા રહેવાનો નિર્ણય કરી લીધો.
આજે અનાયાસે બંનેનું ભાગ્ય એમને સામસામે ખેંચી લાવ્યું, શ્રુતિ નોકરીની તલાશમાં આવી હતી શહેરમાં, એના પતિનું અનાયાસે નિધન થઈ ગયું હતું, ઘરની જવાબદારી એના માથે હતી હવે, એના પુત્રને ભણાવીને ડોક્ટર બનવાનું સપનું એને પૂરું કરવું હતું, એના માટે એ અથાગ મહેનત કરવા સજ્જ હતી, અને નોકરી કરવા માટે તૈયાર થઈ હતી.એક કંપની માં ઇન્ટવ્યૂ આપવા આવી હતી, અને ઇન્ટરવ્યૂ લેવા માટે સામે બેસનાર બીજું કોઈ નહિ શ્રવણ હતો, એ કંપનીનો માલિક!
ઘડીક વાર માટે તો બન્ને માટે શબ્દ જ નાસીપાસ થઈ ગયા હતા, પણ પોતાની જાતને સંભાળી શ્રવણ એ મૌન તોડ્યું.- "તું??? સોરી તમે?? ઇન્ટરવ્યુ માટે આવ્યા છો?"
શ્રુતિ - "હા!" નીરસ વદને નીચું જોઈને એ બોલી.
" હું જાણું છું ત્યાં સુધી તમે નોકરી કરો એમ નથી, શું મજબૂરી? કોઈ તકલીફ?"
" હા એવું જ કંઇક! મારા દીકરાને ડોક્ટર બનાવવો છે એના પિતા બનીને!"
" તો એના પિતા?"
" એ હમણાં બે મહિના પહેલાં સ્વર્ગે સિધાવ્યા છે, અને એમની ગેરહાજરીમાં મારે મારા દીકરાના સપનાને ચૂર થતા નથી જોવા!"
"ઓહ, ઈશ્વર એમની આત્માને શાંતિ અર્પે!"- આગળ ચાલતી વાતોમાં હવે ઇન્ટરવ્યુ ની બદલે સહાનુભૂતિ ભરેલી ભેટ બની ગઈ.
" તો શું કરશો? શું આવડે છે તમને?"
" મારી આવડત મારા કરતાં તમે વધારે જાણતા હશો, બાકી કંપનીમાં કઈ પણ મારા લાયક કામ જે હું કરી શકું."
" શ્રુતિ, પ્લીઝ આમ ના કહે, દુઃખ થાય છે, હવે આવી ભાવુક વાતો થી!"
" હા સોરી." શ્રુતિની આંખમાં ઝળહળીઆ આવી ગયા! એ એની ભાવના ઓ રોકી ના શકી. એની આંખોમાં આંસુ જોઈને શ્રવણ પણ ઢીલો પડી ગયો, એણે પાણીનો ગ્લાસ ધર્યો.
" નોકરી તો તને હું આપી દઈશ, પણ તારે મને એક વાર બેસીને જીવનની બધી સચ્ચાઈ કહેવી પડશે!"
" કેવી સચ્ચાઈ?"
" સાચું કહેજે, તારે મન મને મૂકીને જીવન જીવવાની હા કઈ રીતે થઈ?".
" તને શું લાગે છે? મે શોખથી વધી છું? એ તો તું મને મૂકીને જતો રહ્યો હતો, કશું કીધા વગર રાતોરાત!"
" તો ગુસ્સો હતો મને, પણ તું રાહ ના જોઈ શકે?"
" રાહ શું જોવું? તારા ગયા પછી મને કોઈએ પૂછ્યું પણ નહિ અને મારું નક્કી કરીને પંદર દિવસમાં લગ્ન કરવી દીધા."
" અને હું આવ્યો તો તારા ના હોવાના સમાચાર મળ્યા મને, હું ફરી પાછો એવી ને મારા કામે લાગી ગયો, જીવન આખું બસ મારા વ્યવસાય સાથે વિતાવી દીધું?"
" તો લગ્ન?"
" નથી કર્યા, તું ભલે કોઈ સાથે સંસાર વસાવી લે, પણ મે તો તારી સાથે સપ્તપદી ભણી લીધી હતી ક્યારનીય, જ્યારે આપણા પ્રેમનો ઈઝહાર થયો હતો.!"
" મારી પણ મજબૂરી હતી, મને ક્યાં કોઈ હક હતો જીવન જીવવાનો?"
"સાચે, હજીય તું મારા પ્રેમમાં વિશ્વાસ રાખે છે?"
" વિશ્વાસ તો છે, પણ હવે સમય નથી! મારા દીકરાનું સપનું એ જ હવે મારું સપનું છે!"
" શું એ સપનાને હું મારું સપનું બનાવી શકું?"
એક વિશ્વાસની સાંકળ ખખડી રહી હતી, એ પણ વર્ષો બાદ! શ્રુતિ અને શ્રવણના સપનાઓ સાકાર થતા જણાયા, એક નવા સપના સાથે!