Kashi books and stories free download online pdf in Gujarati

કાશી

કાશી.....?
ક્યાં મરી છે..!
કાશી.....???
ગગુમાં જોર જોરથી એમની વહુ કાશીને બુમ મારી રહ્યાં હતાં..

કાશી ગગુમાંના એકના એક દીકરા કેશવની વહુ હતી. કેશવ અને કાશીના લગ્ન આઠેક વર્ષ પહેલાં થયા હતા. બંને એકબીજાને ઓળખતા પણ નહોતા છતાં એમના જીવ જાણે જન્મોથી સંગાથી હતા.! કેશવ એક આર્મી ઓફિસર હતો જ્યારે કાશી અભણ હતી. આખા ગામમાં એક કેશવ જ આર્મીમાં હતો એટલે ગગુમાં ગામમાં કેફથી રહેતા.

"હા, માડી બોલો." કાશી એની મેલી, ફાટેલી સાડી માથે ઓઢતા બોલી.

"ઓલી ગીતા તને બોલાવે છે જા, કદાચ રઘલો આવ્યો હશે."

રઘુનું નામ સાંભળતા જ કાશીની આંખો ચમકી. એ તરત જ બધુ કામ પડતુ મુકી ગીતાના ઘર તરફ જવા નીકળી.


"ઊભી રે, ઓરૂ ઓઢજે જરા, અને રઘલાની લાજ કાઢજે, ને બજારે ધીરી હાલજે નહીં તો ટાંટિયા તોડી નાંખીશ..!" ગગુમાં લાલ આંખ કરતા બોલ્યા..

"હા, માડી." કહી કાશી નિકળી. બજારે આજુબાજુ જોયુ કોઈ હતુ નહીં એટલે એણે તો દોટ મૂકી ગીતાના ઘર તરફ..!

ગીતા એની ડેલીએ જ ઊભેલી..
"ભાભી, ક્યારની રાહ જોવું છું. તમે અંદર જાવ હું અહીં ઊભી છું, કોઈ આવશે તો હું ખબર આપીશ..!"

કાશી ગીતાને હરખમાં માથુ હલાવી હા પાડી અંદર પ્રવેશી. ડેલીમાં પ્રવેશતાં જ કાશીના માથેથી સાડી સરી પડેલી પણ એને પરવા ન કરી..

"લાવો અમારા સંપેતરા આપો." કાશીએ હરખભેર રઘુને કીધું..

"સંપેતરૂ તો કંઈ નથી આજે, બસ તને મળવા બોલાવી છે..!"

"રઘુભાઈ, આમ મજાક ન કરો. તમને ય ખબર છે હું અહીં કેમ આવી છું.."

હા. રઘુ કાશીનો માનેલો ભાઇ હતો. અને કેશવનો દોસ્ત. એ બાજુના ગામમાં રહેતો હતો. કેશવ એને ચીઠ્ઠી લખતો અને એ કાશીને વાંચી સંભળાવતો. પણ ગામની નજરમાં તો એ કાશી માટે એક પરપુરુષ હતો એટલે કોઈ જોવે નહીં એમ કાશી એને મળતી. ગગુમાંને એ વાતની ખબર એટલે કાશીને લાજ કાઢવાનું કહેતાં.

કાશીની અધીરાઇ જોઇને રઘુએ ચીઠ્ઠી કાઢી, હજુ વાંચે એ પહેલા તો કાશીએ ઝુંટવી લીધી.. એ ચીઠ્ઠીને છાતી સરસી ચાંપી, બચીઓ ભરવા લાગી., જાણે એ કેશવની ચીઠ્ઠી નહી સ્વયં કેશવ હોય..! પછી રઘુને આપી.

"વાંચી પણ લે ને તું જ.. " રઘુએ મજાકમાં કહ્યું.

"મારે તો કાળા અક્ષર ભેંસ બરાબર.! જલ્દી સંભળાવો ને શું લખ્યું છે." કાશી ઉતાવળી બની.

રઘુએ ચીઠ્ઠી વાંચવાનું ચાલુ કર્યું..
"પ્રિય કાશી, આશા હતી કે આ ચીઠ્ઠી તું વાંચે, પણ મને ખબર છે કે તું હજુ માસ્તર પાસે ભણવા નહિ જતી હોય.. આ વખતે આવુ એટલે માડીને મારા સમ ખવરાવીને મનાવી લેવા છે કે તને ભણવા મોકલે.. માડી મજામા હશે. કાશી મારી બે માડી છે, એક આ ધરતીમાં જેની સુરક્ષા માટે મેં મારો આ દેહ આપ્યો છે, અને બીજી મારી જન્મદાત્રી માં મારી માડી, જેને સાચવવા મેં મારો જીવ રાખ્યો છે.. તું છે એ, મારો જીવ કાશી..! અને તું છે ત્યાં સુધી મને માડીની કોઈ ચિંતા નથી..
બીજી ઘણી વાતો છે પણ હવે એ રૂબરૂ મળીને થવાની છે..! હા, મારી રજાઓ મંજુર થઈ છે, હું 1લી તારીખે આવી જઈશ..."

આટલુ સાંભળતા જ કાશી હરખાઈ ગઈ.. પુરા ત્રણ વર્ષે કેશવ આવવાનો હતો.. કાશી રાજીની રેડ થઇ ગઇ.. આંખમાં ખુશીના આંસુ આવી ગયા..

"ગીતાબેન....., ગીતાબેન તમારા ભાઇ આવાના છે.." કાશી ગીતાને હાથ ઝાલી ફદુરડી ફરતા બોલી..

"ક્યારે આવે છે..?" ગીતા પણ ખુશ થઈ ગઈ..

"પેલી તારીખે.. તમારા ઘરે તારીખીયું ક્યાં છે..?" કાશી ગીતાના ઘરનું તારીખીયું ગોતીને આજની તારીખ જોવા લાગી.. " આજ થઈ બાવીસ, અને કેટલા દી બાકી.. અમમમમ.. નવ દી બાકી રહ્યા છે.." કાશી આંગળીના વેઢા ગણી એકલી એકલી બોલી રહી હતી..

"કેશવભાઇ તો ખુબ જ સારા છે, આ ગગુડોશી જરા મીઠુ બોલે ને તો કાશીભાભીને વાંધો ન આવે કંઇ.." ગીતા રઘુને કહી રહી..

ગગુમાંની કડવી વાણી આખા ગામમાં કુખ્યાત હતી.

"એ તો માડીની ગાળુ ને ઘીની નાળુ, નસીબ હોય તો જ ખાવા મળે..!" કાશી હસતા હસતા બોલી..
"હું આ ખબર માડીને આપુ ચલો આવજો. " કહી કાશી નિકળી..

"માડી... આજની ખબર તો તમે વિચારી ય ન શકો એવી છે.." કાશી ગગુમાંને બથ ભરતા બોલી..

"આમ આઘી મરને, બથોડા શું ભરે છે..? " ગગુમાં છણકો કરતા બોલ્યા.

"માડી એ આવાના છે.. નવ દી પછી, પેલી તારીખે.." કાશીનો હરખ હજુ યથાવત્ હતો.

"કેશવ આવે છે...?! " ગગુમાં પણ હરખમાં આવી ગયા..

"કાશી, ઓલા ઘઉં જોઇને ભરડી રાખજે, મારા કેશલાને લાડવા બવ ભાવે છે, લચપચતા કરી દઈશ..!" ગગુમાં હરખના આંસુ લુછતા બોલ્યા.

"હા માડી"

કેશવના ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો..

બીજા દિવસે ગગુમાં મંદિર જવા નીકળ્યા.. કાશીએ ફટાફટ કામ પતાવીને જૂનો કાટ લાગી ગયેલો ટંક ખોલ્યો..

"આ.. ના આ તો ઓલી ફેર પેરી હતી, આ લાલ કેવી લાગશે... ના ના આનો તો કલર ય ઉડી ગયો છે...! આ પેરીશ." કાશી ટંકમાં એની સાડીઓ ઉઠલાવતા એકલી એકલી બોલી રહી હતી..
ઘણી સાડી હતી કાશી પાસે પણ એ ફાટેલી જ પે'રતી..

સુહાગણના શણગારને નામે ખાલી ચાંદલો, નાકની વાળી, અને બે બે બંગડી બસ..!
એને સજવાનો તો ઘણો શોખ હતો પણ એનો પ્રિયતમ જ દૂર હતો એટલે કોઈ પરપુરુષની નજર એના પર ન પડે તેથી એ ઓછી જ સજતી..
એક પતિવ્રતા નારીના બધા ગુણ કાશી ધરાવતી હતી..

કાશીને હવે એક એક દિવસ એક એક વર્ષ જેવો લાગી રહ્યો હતો..

એક દિવસ ગીતા હાંફતી હાંફતી કાશીના ઘરે આવી.

"ભાભી, ગામમાં મિલિટરી વાળાની ગાડી આવી છે. કેટલા બધા પોલીસ અને મિલિટરી વાળા આવ્યાં છે." ગીતા બોલતા બોલતા હાંફી રહી હતી.

"ગીતાબેન, તમને ય આભાસ થ્યો કે શું? મને તો રોજ એમ લાગે એ ઘરે આવ્યા... હજુ એમને આવાને ત્રણ દી બાકી છે." કાશી કામ કરતા બોલી.

"ગગુમાં ક્યાં છે? "

"માડી તો મંદિર ગયા છે."

"ભાભી, તમે ઝટ ગામને ચોરે પહોંચો, હું ગગુમાં ને લઇ આવુ છું. કંઇક તો થ્યુ છે. " ગીતા ડરેલા અવાજે બોલી.

સાંભળીને કાશીને ધ્રાસકો પડ્યો. એ બધું કામ મુકીને ચોરા તરફ ગઈ.

ચોરે આખુ ગામ ભેગુ થયેલું. આર્મીના જવાનો, પોલીસ વચ્ચે એક મોટી પેટી રાખેલી, બાજુમાં ગગુમાં છાજિયાં કૂટી રહ્યાં હતાં..! કાશીને સમજતા વાર ન લાગી કે શું થયું છે. ટોળાએ એને અંદર જવા જગ્યા કરી આપી.

"રે અભાગણી....." ગગુમાં કાશીને બોલવા જતા હતા.
એમને વચ્ચે અટકાવી કાશી બોલી, " કોણ અભાગણ માડી..? તમારા દીકરાએ તો મને સદા સુહાગણ કરી દીધી..!"

"તને રંડાપો આવ્યો કાશી... " ટોળામાંથી કોઈ બાઈ બોલી.

"શેનો રંડાપો? વિધવા એ થાય જેનો ધણી મરી જાય. મારો ધણી તો અમર થઈ ગયો છે.! મારે તો કાયમનો રંડાપો ટળી ગયો છે..!" કાશી આંખમાં ઝળઝળિયાં લુછતા બોલી.
"એ હંમેશાં કહેતા કે જો કોઈ જવાન એની ફરજ બજાવી ઘરે એકલો પરત ફરે તો એના નસીબ કહેવાય પણ જો કોઈ જવાન તિરંગામાં લપેટાઈને પરત ફરે તો એનું સદનસીબ કહેવાય. માડી, એ જ સદનસીબ આપણા ઘરે આજ આવ્યું છે..!"

આખુ ગામ સ્તબ્ધ બનેલું. જે ખુમારી કેશવના મુખ પર હતી એ જ ખુમારી કાશીના ચહેરા પર પણ હતી.. !

સમાપ્ત 🙏


હ્રદયથી : કાશીની વાત તો કલ્પના હતી, પરંતુ કેશવ જેવા હજારો જવાનો આ દેશ માટે કુરબાન થયા છે એ બધા જ જવાનોને શત્ શત્ નમન તો ખરા જ પણ એમના પરિવારજનો, ખાસ કરીને પત્નિઓ ને પણ દિલથી નમન..🙏🙏