Bulbul - Complex storytelling but camera and art is wonder books and stories free download online pdf in Gujarati

બુલબુલ: કોમ્પ્લેક્ષ કથાનક તોય કેમેરા, કળા ને કમાલ

"ઠાકુરો કે યહાં રિશ્તા હુઆ હૈ, કૈસા રોના ધોના..? ચૂપ રહેના. થોડા પાગલ હૈ. પર શાદી કે બાદ ઠીક હો જાયેગા. થોડા પાગલ હૈ. પર.... ઠાકુર હૈ. ચૂપ રહેના. થોડા પાગલ હૈ. પર... ગહેને મિલેંગે. થોડા પાગલ હૈ. પર... રેશમ મિલેગા. યહ સબ મિલેંગે. ચૂપ રહેના. થોડા પાગલ હૈ. પર... ઉસસે નહીં તો ઉસકે ભાઈ સે, સબ મિલેગા. બડી હવેલીઓંમેં બડે રાઝ હોતે હૈ. ચૂપ રહેના." તાજેતરમાં નેટફ્લિક્સ પર રજુ થયેલ ફિલ્મ 'બુલબુલ'નો આ સંવાદ દર્શકોને અંદર સુધી હચમચાવી મૂકે છે. વારંવાર સંભળાતો 'થોડા પાગલ હૈ. પર.... ' નો સંવાદ સંવાદ ન રહેતાં સ્ત્રીની મનોવ્યથા અને મોટી હવેલીઓની શાન બનતો ભાસે છે. જરાક વિચારો કો અત્યંત બિમાર અને ઘાયલતાને કારણે લગભગ અપંગ જેવી સ્થિતિ સાથે પથારીએ પડેલ સ્ત્રી સાથે બળાત્કાર કરાય..! પછી બીજી સ્ત્રી તેનો સહારો કે સમર્થક બનવાના બદલે મોટા ઘરોમાં આવું તો થાય..! ચૂપ રહેના..! જેવા સંવાદો કહી/બોલી પીડિતાને બહેલાવે/ફોસલાવે ત્યારે..?

બુલબુલ (2020), 24 જૂન 2020એ નેટફ્લિક્સ પર રજુ થયેલ હિન્દી ફિલ્મ. અન્વિતા દત્ત લિખિત-નિર્દેશિત આ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેણીના ભાઇ કર્ણેશ શર્માના નિર્માણમાં બની છે. મુખ્ય ભૂમિકામાં તૃપ્તિ ડીમરી, અવિનાશ તિવારી, પાઓલી ડેમ, રાહુલ બોઝ અને પરમ્બ્રાત ચટ્ટોપાધ્યાય છે. 1880 ના બંગાળની પૃષ્ઠભૂમિમાં ગોઠવાયેલા બુલબુલ, બાળ-કન્યા અને તેણીની નિર્દોષતાથી તાકાત સુધીના ચક્ર મધ્યે ફરે છે. માત્ર પાંચ વર્ષની ઉંમરે બુલબુલ બડે ઠાકુર ઈન્દ્રનીલની પત્ની બને. તેણીને તો એમ જ ખબર છે કે તેના લગ્ન લગભગ તેની જ ઉંમરના સત્ય ઠાકુર સાથે થયા છે. સત્ય ઠાકુર ઈન્દ્રનીલનો નાનો ભાઈ છે. તો બીજી તરફ ઈન્દ્રનીલનો જોડિયો ભાઈ મહેન્દ્ર થોડો પાગલ છે. મહેન્દ્રનું બુલબુલ તરફ વિચિત્ર વર્તન છે. બુલબુલ અને સત્યની ગોઠડી ઇન્દ્રનીલને પસંદ નથી. તે સત્યને ભણવાના બહાને વીસ વર્ષ માટે લંડન મોકલી દે. વીસ વર્ષ પછી, સત્ય લંડનથી પરત ફરે ત્યારે ખબર પડે કે મહેન્દ્રને ચૂડેલ ભરખી ગઈ. મહેન્દ્રની વિધવા બિનોદિની આઉટહાઉસમાં રહે છે, ઇન્દ્રનીલે ગામ છોડી દીધું છે અને બુલબુલે હવેલી અને પરિવારની જવાબદારીઓ સંભાળી છે.

ફિલ્મની શરૂઆત બહુ ધીમી છે, જો કે સશક્ત માંડણી કરવી હોય તો આવી શરૂઆત જ કરવી પડે. ઉતાવળા દર્શકો આ ફિલ્મની શરૂઆતની વીસ-પચીસ મિનિટ જોયા પછી ઉભા પણ થઇ જાય કે ગયા હશે..! એવું બન્યું પણ હોય. આમ તો ફિલ્મ તમને નવરસની અનુભૂતિ કે દર્શન કરાવે છે, પણ જો તમે થોડી ધીરજ ધારો તો પછીથી આ ફિલ્મ તમને રહસ્ય, ડર અને શૃંગાર રસમાં ઝબકોળશે. સત્ય લંડન ગયો તે દરમ્યાન મહેન્દ્ર ઠાકુર અને વીસ વર્ષે પરત ફરે પછી એક પછી એક એમ ત્રણ ખૂન થાય. અને આ ખૂન માટે ચૂડેલ જવાબદાર હોવાનું મનાય.

તમે શું ઈચ્છો છો..? અહીં હું તમને ફિલ્મની આખી વાર્તા કહેવાનો છો..? ના ભાઈ-બહેન ના. મારો એવો કોઈ ઈરાદો નથી. કારણ રહસ્ય અને ડરનો જે ડોઝ ફિલ્મ જોતી વખતે મળે છે તે વાર્તા સાંભળવાથી થોડો મળશે..? ને વળી મારે તો તમને એક well made ફિલ્મ જોવા પ્રેરવા છે. 19મી સદીનું થીમ આજના સમયમાં અને આજની ફિલ્મ નિર્માણકળા થાકી કેવી રીતે વ્યક્ત થાય છે તે કહેવું છે. એટલે હવે ફિલ્મની વાર્તા વિષે કોઈ વાત નહીં કરીયે. હા, ફિલ્મની કથનકળા (storytelling) વિષે જરૂર વાત કરીશું.

કોઈપણ વાત સીધી કે આડકતરી રીતે કહી શકાય. 'બુલબુલ'માં પરોક્ષ કથાનકળાનો સવિશેષ ઉપયોગ કરાયો છે. તો વળી ઘણાં દ્રશ્યોની પ્રસ્તુતિ પણ અપ્રત્યક્ષપણે કરાઈ છે. આ પ્રસ્તુતિ દિગ્દર્શક, ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી અને સંકલનકારને ત્રિવેણી સંગમ અને ત્રણેયની પોતપોતાના કામ અને ફિલ્મના મધુસૂર પરત્વેની આગવી સૂઝના કારણે પ્રભાવશાળી બને છે. આ વાતને વધારે સારી રીતે સ્પષ્ટ કરવા આપણે ફિલ્મના બે-ચાર દ્રશ્યો વિષે વાર કરીશું. જેમા આપણે જે દ્રશ્યોની અપ્રત્યક્ષ પ્રસ્તુતિની વાત કરી તેની વાત કરીશુ.

સત્યના ગયાને વર્ષો વીત્યા પછી પણ બુલબુલ તેને ભૂલી નથી એ વાતથી ઇન્દ્રનીલ ઠાકુર આહત છે. ઈર્ષ્યા અને ક્રોધની આગમાં બળી રહ્યા છે. જ્યારે બુલબુલ સત્ય સાથે મળી લખેલ વાર્તા-લખાણ ડાયરીમાંથી ફાડી બાળી નાંખે પછી બિનોદીની તેના કાનમાં આ વાત નાખે. આગ સંકોરવાના સળીયાથી બળેલા પાના પૈકીય એક પાર સત્ય બુલબુલ લખેલું ભાળી ઇન્દ્રનીલ ઠાકુર બુલબુલ પર અમાનવીય અત્યાચાર ગુજારે. એ હદે કે તેણીને આગ સંકોરવાના વિશેષ સળીયાથી મરણતોલ માર મારે. તેણીના બંને પગ તૂટી જાય ત્યાં સુધી..!

આ દ્રશ્યનું ફિલ્માંકન અદભુત છે. બુલબુલ બાથટબમાં સૂતી છે. ઇન્દ્રનીલ આવી વાળ પકડી તેણીને ઉપાડી ટબની બહાર કાઢે. પછી slow motionમાં થતો પાશવી અત્યાચાર. તે પણ પ્રત્યક્ષ નહીં પણ અરીસામાં પ્રતિછાયા સ્વરૂપે દેખાય. તેની સમાન્તરે તલવારથી જટાયુ પાર પ્રહાર કરતા રાવણનું પેઇન્ટિંગ. ને પછી પીડાની પ્રસ્તુતિ કરતો બુલબુલનો ચહેરો. અત્યન્ત ક્રૂરતા અને પાશવીપણું પણ એવું કળાત્મક રીતે રજુ થયું છે કે બુલબુલની વેધક પીડાનો હિસ્સો દર્શક તરીકે આપણે પણ બનીયે છીએ. બુલબુલ ઉપર થતાં બળાત્કારના દ્રશ્યનું ફિલ્માંકન પણ જુગુપ્સા કે બિભત્સતાસભર લાગવાના બદલે બુલબુલની વેદનાને વાચા આપતું ભાસે છે. આરંભમાં ધીમું ને લચર ભાસતું કથાનક ક્રમશ: એટલું પ્રબળ બને છે કે દર્શક પાંપણ ઝબકાવવાનું પણ ભૂલી જાય. વળી કથાનકના વળાંકો, ઉતાર-ચઢાવ અને રહસ્યને રોચક બનાવતી કથાનકળા દર્શકને એવા જકડે છે કે પછી અંત સુધી સાથે લઇ જાય છે. લંડનથી આવ્યા પછી સત્ય એવું મને છે કે બુલબુલ તેના ચિકિત્સક ડો. સુદીપ તરફ આકર્ષાઈ છે. પરિણામે તે બે વચ્ચે પણ સંઘર્ષ જન્મે છે. ને અંતે..?

બંગાળી દંતકથા, સ્ત્રીઓની દુર્દશા, હવેલીના અંતરમનનો બિહામણો અને અસામાજિક ચહેરો અને તેની સામે આકાર લેતી સ્ત્રીની કથા. તેણીનો બળવો, વિપ્લવ, વિદ્રોહ કે પ્રતિકાર. આગળથી પાછળ અને પાછળથી આગળ વધતું કથાનક એક રીતે થોડાં confuse પણ કરે છે તો બીજી રીતે કંથાગર્ભની પ્રસ્તુત કરવામાં સહાયાક પણ બને છે. અંતે થતું રહસ્યોદ્ઘાટન ચોંકાવે છે. થથરાવે છે. ને પુલકિત પણ કરે છે. અભિનયની વાત કરીએ તો બુલબુલના પાત્રમાં તૃપ્તિ ડીમરી બાજી મારી જાય છે. ખુબસુરત દેહ ને ચહેરો અભિનેત્રી તરીકે તેણીનું હથિયાર બન્યું છે. અદાકારી, ભાવ-પ્રતિભાવ અને પ્રસ્તુતિ બુલબુલના પાત્રને પ્રભાવી અને પબળ બનાવે છે. આ ઉપરાંત ઇન્દ્રનીલ અને મહેન્દ્ર (રાહુલ બોસ), સત્ય (અવિનાશ તિવારી), ડો. સીદીપ (પરમબ્રત ચટ્ટોપાધ્યાય) અને બિનોદીની (પલોમી દામ) પોતાના પાત્રોને ચરિતાર્થ કરે છે. ફિલ્માંકન, પ્રસ્તુતિ અને તેમાં ભળતો સ્વર(સંગીત, સંવાદ અને નીરવતા) ફિલ્મને દર્શનીય છતાંય અવર્ણનીય બનાવે છે.

અંતે એટલું કહીશ કે લેખક-દિગ્દર્શક અન્વિતા દત્ત, નિર્માતા અનુષ્કા અને કર્ણેશ શર્મા, સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ દીવાન, એડિટર રામેશ્વર ભગત અને સંગીતકાર અમિત ત્રિવેદીના પંચામૃત સાથે બુલબુલના પાત્રમાં તૃપ્તિ ડીમરીનો જાનદાર અભિનય ભળે ત્યારે આવી ફિલ્મ બને છે. આ ફિલ્મના કથાનકના પૂર્વાર્ધમાં રવીન્દ્રનાથ ટાગોર અને તેમની ભાભી વચ્ચેના પ્રેમસંબંધનો તંતુ પણ ભલે છે. તો બીજી સ્ત્રીનું સ્વરૂપ મહાકાળી અને બંગાળનું સાયુજ્ય પણ કથાને બાંધે છે. કથાની પ્રસ્તુતિ માટે કરાયેલ પ્રકાશ આયોજનનો ઉપયોગ અને આચ્છાદિત થતાં રંગો તેને ઘેરું તો બનાવે જ છે, જે કથાનકની મૂળ માંગ પણ છે, પણ તેને કારણે સર્જાતો દ્રશ્યપટ કથાનુસાર ભાવાલય પણ સર્જે છે.

ડો. તરુણ બેંકર (9228208619) tarunkbanker@gmail.com