VEDH BHARAM - 14 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 14

રિષભ અને હેમલે મહાલક્ષ્મી ફાસ્ટફૂડ એન્ડ જ્યુસ સેન્ટરમાં દાખલ થઇને જોયુ તો લગભગ બધા જ ટેબલ ભરેલા હતા. તે લોકો હજુ કંઇ વિચારે ત્યાં છેલ્લા ટેબલ પરથી એક છોકરીએ તે લોકો સામે હાથ ઊંચો કર્યો. આ જોઇ બંને તે ટેબલ તરફ આગળ વધ્યા. ટેબલ પાસે પહોંચી તે છોકરીનો ચહેરો જોતા જ બંને ચોકી ગયા. આ એજ છોકરી હતી જેના ન્યુડ ફોટા દર્શનના મોબાઇલમાં હતા. હેમલ અને રિષભ બંનેએ એકબીજા સામે જોયુ અને પછી છોકરીની સામેની બેઠક પર બેઠા. તે લોકો બેઠા એટલે પેલી છોકરીએ કહ્યું “હુ જ શ્રેયા દેસાઇ છું. પહેલા બોલો શું લેશો?”

આ સાંભળી રિષભે કહ્યું “હું સુરત શહેરનો એસ.પી રિષભ ત્રિવેદી છું અને આ મારી સાથે હેમલ છે.” આ સાંભળી શ્રેયાએ બંને સાથે હાથ મિલાવ્યા. શ્રેયાને રિલેક્ષ જોઇ રિષભે કહ્યું “જો અમે તમને મળવા માટે બોલાવ્યા છે એટલે હોસ્ટ અમે છીએ. હવે તમે જ કહો કે તમે શું લેશો?” આ સાંભળી શ્રેયાએ હસતા હસતા કહ્યું “અહીની સેન્ડવીચ બહુ સરસ છે. હું તો ગ્રીલ સેન્ડવીચ વીથ કોફી લઇશ.” આ સાંભળી રિષભે હેમલને ઇશારો કર્યો એટલે હેમલે વેઇટરને બોલાવી ઓર્ડર આપી દીધો. વેઇટર જતા જ રિષભે વાતની શરુઆત કરતા કહ્યુ “અમે તમારી સાથે થોડી વાત કરવા માંગીએ છીએ. તમને અહીં વાત કરવામા કોઇ પ્રોબ્લેમ તો નથી ને?” રિષભ જાણતો હતો કે શ્રેયાએ જ આ જગ્યા પસંદ કરી હતી પણ છતા રિષભની આ એક સ્ટ્રેટેજી હતી કે કોઇ પણ સાથે અને ખાસ કરીને લેડીઝ સાથે વાત કરતી વખતે હંમેશા સાલીનતાથી જ વાતની શરુઆત કરવી. જેથી તે વિશ્વાસ કરી શકે. સ્ત્રીઓ પાસેથી થોડી લાગણી અને વિશ્વાસથી વધુ માહિતી મેળવી શકાય છે. આવુ વાતાવરણ બનાવવા માટે જ રિષભ શ્રેયાને પુછ્યુ હતુ. આ સાંભળી શ્રેયાએ કહ્યું “હા, તમે જે પણ વાત કરવી હોય તે કરી શકો છો.”

“તમને ખબર હશે કે તમે જ્યાં પહેલા નોકરી કરતા હતા તે કંપનીના બોસ દર્શન જરીવાલનું તેના ફાર્મ હાઉસમાં ખૂન થઇ ગયુ છે. અમારે તેના વિશે જ તમારી સાથે થોડી વાતચિત કરવી છે.” રિષભે દર્શનનુ નામ લીધુ ત્યારે શ્રેયાના ચહેરા પર થોડીવાર માટે ચિંતાના ભાવ આવી ગયા હતા પણ તરત જ તે પાછી નોર્મલ થઇ ગઇ અને બોલી “હા, એ મે ન્યુઝપેપરમાં વાંચ્યુ હતુ. પણ તેના વિશે તમારે મારુ શું કામ છે?”

“તમે તેના રિસેપ્શનિસ્ટ કમ આસીસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એટલે કદાચ તમારી પાસેથી કોઇ માહિતી મળે એ આશાએ જ અમે તમને મળવા માટે આવ્યા છીએ.” રિષભે કહ્યું. હજુ શ્રેયા જવાબ આપવા જતી હતી ત્યાં વેઇટર ઓર્ડર લઇને આવ્યો એટલે તે ચૂપ થઇ ગઇ. વેઇટર ઓર્ડર સર્વ કરીને જતો રહ્યો એટલે શ્રેયાએ કહ્યું “મે તેની નોકરી છોડી દીધી તેને લગભગ ત્રણેક વર્ષ થઇ ગયા છે. મને હવે તેના વિશે શું માહીતી હોય.”

આ સાંભળી રિષભે કહ્યું “પહેલા તમે એ કહો કે તમારા મતે દર્શન કેવો માણસ હતો.”

આ સાંભળી શ્રેયાએ રિષભ સામે જોયુ. કહેવુ કે નહી તે નક્કી કરી પછી તે બોલી “જો બધા કહે છે કે મરેલ માણસ વિશે ખરાબ ન બોલાય પણ અમુક માણસ એટલી હદે ખરાબ હોય છે કે તેના મર્યા પછી પણ તેના વિશે સારુ બોલવાનુ મન થતુ નથી. દર્શન પણ આવો જ માણસ હતો. મારા મતે તો જેણે પણ દર્શનનુ ખૂન કર્યુ છે તેણે એક સારુ કામ કર્યુ છે.” આ બોલતી વખતે શ્રેયાની આંખોમા જે ગુસ્સો હતો તે જોઇ રિષભને સમજાઇ ગયુ હતુ કે શ્રેયા દર્શનને ધીક્કારતી હતી.

“તમને અંદાજ છે કે આ ખૂન કોણ કરી શકે છે?” રિષભે ધીમેથી મમરો મુકતા કહ્યુ.

આ સાંભળી શ્રેયા નવાઇ પામતા બોલી “અરે મને કેમ ખબર હોય કે ખૂન કોણે કર્યુ?” અને પછી એક મિનિટ રોકાઇને બોલી “એક મિનિટ, તમે ક્યાંક એવુ તો નથી માનતાને કે આ ખૂન મે કર્યુ છે?”

આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ. તે જે વાત કહેવા માંગતો હતો, તે સામેથી કહેવાઇ ગઇ હતી એટલે તેણે મોકાનો ઉપયોગ કરતા કહ્યું “અમે તો જ્યા સુધી સાચો ગુનેગાર ન પક્ડાઇ જાય ત્યાં સુધી બધાને જ શકની નજરથી જોઇએ છીએ.”

આ સાંભળી શ્રેયા થોડી કન્ફ્યુઝ થઇ ગઇ અને બોલી “પણ મે તો દર્શનની ઓફિસ ત્રણ વર્ષથી છોડી દીધી છે. હવે હું શુ કામ તેનુ ખૂન કરુ?”

“કારણ કે તમે જ્યારે દર્શનની નોકરી છોડી ત્યારે તમારા વચ્ચે જોરદાર ઝગડો થયો હતો. અને કદાચ તેના લીધે જ તમે આ પગલુ ઉઠાવ્યુ હોય.” રિષભે મોકો જોઇને ચોકો મારી દીધો.

આ સાંભળી શ્રેયાના ચહેરા પર હવે થોડો ડર દેખાઇ રહ્યો હતો. અને આમ પણ આટલો મોટો ઓફિસર આ વાત કરે તો સામાન્ય રીતે છોકરી ડરી જ જાય. કોફીનો ઘુટ પીવાના બહાને શ્રેયાએ થોડો સમય વિચાર્યુ અને પછી બોલી “શુ તમને હું એટલી બુધ્ધી વગરની લાગુ છું કે એટલા નાના ઝગડાને લીધે હું તેનુ ખૂન કરી નાખુ.”

“ના, અમે તમને ચાલાક માનીએ છીએ કે તમે માત્ર આ ઝગડાને જ બહાર આવવા દીધો છે પણ દર્શન તમને બ્લેક મેઇલ કરતો હતો તે બહાર આવવા દીધુ નથી.” રિષભે કહ્યું.

આ સાંભળીને શ્રેયાની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હતી અને સાથે હેમલ પણ ચોકી ગયો હતો. આ તેના માટે પણ નવી વાત હતી. આ બાજુ શ્રેયા તો આ સાંભળી સ્તબ્ધ થઇ ગઇ હતી. હવે શુ કહેવુ તે જ તેની સમજમાં આવતુ નહોતુ. તે જાણે કોઇ ભુત જોઇ ગઇ હોય એમ રિષભ સામે જોઇ રહી હતી. તેની હાલત જોઇને રિષભે કહ્યું “મિસ શ્રેયા અમારી પાસે બધી જ માહિતી છે. જો તમે અમને બધી વાત નહીં કરો તો તમારા માટે જ મુશ્કેલી ઊભી થશે.”

રિષભની વાત સાંભળી શ્રેયા એકદમ ડરતા ડરતા બોલી “હું સાચુ કહુ છું દર્શનના ખૂન સાથે મારે કોઇ સંબંધ નથી. મારે એક વર્ષથી દર્શન સાથે કોઇ સંબંધ નથી.”

“હા, અમે તમારી વાત માનશુ પણ, એ માટે તમારે અમને તમારી આખી વાત કહેવી પડશે.” રિષભે સહાનુભુતી દર્શાવતા કહ્યુ. આ સાંભળી શ્રેયાએ કહ્યું “હું દર્શનની ઓફિસમાં નોકરી કરતી હતી ત્યારે અમારી વચ્ચે અફૈર ચાલતુ હતુ. તેણે મને એવુ કહ્યુ હતુ કે મારી પત્ની સાથે ડીવોર્સ લઇ હું તારી સાથે મેરેજ કરીશ. હું પણ તેને ખરા દિલથી ચાહતી હતી. પણ પછી જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ મને સમજાતુ ગયુ કે તે મારો ઉપયોગ કરે છે. મે તેની સાથે સંબંધ ઓછો કરી નાખ્યો. એક દિવસ મને ખબર પડી કે તેણે મારી જગ્યાએ બીજી આસીસ્ટન્ટ રાખી લીધી છે અને મને તેની બીજી બ્રાન્ચમા મોકલી દેવાનો છે. આ સાંભળી મને ખૂબ ગુસ્સો આવ્યો અને મે તેની સાથે ઝગડો કર્યો અને તેની નોકરી છોડી દીધી. ત્યારબાદ મે આ ઓફિસમાં જોબ મેળવી લીધી. ત્યા એક દિવસ દર્શને મને મારા કેટલાક ન્યુડ ફોટા મોકલ્યા. જે તેણે અમારા વચ્ચે સંબંધ હતા ત્યારે છુપી રીતે પાડ્યા હતા. આ જોઇ હું ગુસ્સે થઇ ગઇ અને મે તેને ફોન કર્યો તો તેણે મને બ્લેકમેઇલ કરતા કહ્યુ કે જો આ ફોટો વાઇરલ ન થાય એવુ ઇચ્છતી હોય તો આજે સાંજે મારા ફાર્મ હાઉસ પર આવી જજે. હું આ સાંભળી ગભરાઇ ગઇ અને સાંજે તેને મળવા ફાર્મ હાઉસ ગઇ. ત્યા તેણે મારી સાથે મારી મરજી વિરુધ સબંધ બાંધ્યો. આવુ એક બે વાર થયુ પણ લગભગ એકાદ વર્ષથી તેના ફોન આવવાના બંધ થઇ ગયા. મને એ નથી ખબર કે શુ થયુ પણ છેલ્લા એક વર્ષથી મારો તેની સાથે કોઇ કોંટેક્ટ નથી.” આટલુ બોલી શ્રેયા રોકાઇ અને તેની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. રિષભે ટેબલ પરથી ટીસ્યુ પેપર લઇ શ્રેયાને આપ્યુ. શ્રેયાએ સ્વસ્થ થતા કહ્યું “બસ સાહેબ જે પણ હતુ તે મે બધુ જ કહી દીધુ છે. પણ મારી તમને વિનંતી છે કે આ વાત બહાર ન જાય તે જોજો નહીતર મારે આત્મહત્યા કરવી પડશે.”

આ સાંભળી રિષભે કહ્યું “મિસ શ્રેયા, તમારી વાત અમારા બે સિવાય કોઇને ખબર નહી પડે એ મારુ તમને પ્રોમિશ છે.” અને પછી રોકાઇને બોલ્યો “તમે અઢાર તારીખે રાત્રે ક્યાં હતા?”

આ સાંભળી શ્રેયા વિચારમાં પડી ગઇ. થોડીવાર વિચારી પછી બોલી “અઢાર તારીખે રાત્રે તો હું મારા ઘરે જ હતી.” આ સાંભળી રિષભે વેઇટરને બોલાવી બીલ ચુકવી દીધુ અને પછી ઊભા થતા બોલ્યો “ઓકે, મિસ તમને બીજુ કંઇ જાણવા મળે તો તમે અમારો કોન્ટેક્ટ કરજો.”એમ કહી રિષભે તેનુ કાર્ડ શ્રેયાને આપ્યુ. આ કાર્ડ હાથમાં લઇ શ્રેયાએ કહ્યું “સર, દર્શનના મોબાઇલમાં મારા ફોટા છે બની શકે તો તે કોઇના હાથમાં ન આવે તે જોજો.”

આ સાંભળી રિષભે કહ્યું “તમે હવે તેની ચિંતા છોડી દો. તે પ્રકરણ પૂરુ થઇ ગયુ છે. હવે તે બાબતે તમારે હેરાન નહીં થવુ પડે.”

આ સાંભળી શ્રેયા ખુશ થઇ ગઇ અને બોલી “થેક્યુ સાહેબ.”

“મિસ, શ્રેયા એકવાત હંમેશા યાદ રાખજો. પ્રગતિ હંમેશા આપણી આવડત પર થવી જોઇએ બીજા શોર્ટકટથી થતી પ્રગતિ લાંબો સમય ટકતી નથી. ઓકે બાય.” આટલુ બોલી રિષભ ત્યાંથી નીકળી ગયો અને શ્રેયા આદરથી તેને જતા જોઇ રહી.

જીપમાં બેસતા જ રિષભે કહ્યું “સ્ટેશન પર જવા દો.”. આ સાંભળી ડ્રાઇવરે જીપને સરદાર બ્રીજ પર જવા દીધી. જીપ થોડી આગળ ચાલી એટલે હેમલે પૂછ્યું “સર, તમને કેમ ખબર પડી કે દર્શન શ્રેયાને બ્લેક મેઇલ કરતો હતો?” આ સાંભળી રિષભે કહ્યું “જો બે પ્રકારના અનુમાન હોય છે એક એમ જ કોઇ પણ જાતના તર્ક વિનાનુ અનુમાન હોય છે. જેને આપણે તુક્કો કહીએ છીએ. જ્યારે બીજુ હોય છે તર્ક અને ગણતરી સાથેનુ અનુમાન. આ ગણતરી સાથેનુ અનુમાન ખૂબ કામની વસ્તુ છે. તેના લીધે જ આપણે કેસ તરફ આગળ વધી શકીએ છીએ. આ પણ એક ગણતરી સાથેનુ અનુમાન હતુ. તને ખબર છે કે આપણને દર્શનના મોબાઇલમાંથી શ્રેયાના ન્યુડ ફોટા મળ્યા હતા. બીજુ જ્યારે શ્રેયાએ દર્શનની નોકરી છોડી ત્યારે તેની સાથે ઝગડો થયો હતો. અને ત્રીજુ જ્યારે શ્રેયાએ દર્શન વિશે કહ્યુ ત્યારે તેની આંખોમા દર્શન માટે ધીક્કાર હતો. ત્રણ વર્ષ પહેલા મળેલી વ્યક્તિ પ્રત્યે આટલો ધિક્કાર ન હોઇ શકે કદાચ તેના પછી પણ દર્શન શ્રેયાને હેરાન કરતો હશે. શ્રેયાએ નોકરી છોડી દીધા પછી દર્શન તેને કઇ રીતે હેરાન કરી શકે. આ બધા મુદાને મે જોડ્યા અને તેના પરથી જે અનુમાન મને મળ્યુ તે મે શ્રેયાને કહી દીધુ.” આ સાંભળી હેમલ બોલ્યો “સર, હું નસીબદાર છુ કે મને આ કેસમાં તમારા અંડરમાં કામ કરવા મળ્યુ છે. મને તો એવુ લાગે છે કે હું તમારા અંડરમાં ટ્રેઇનીંગ લઇ રહ્યો છું.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “જો કોઇનાથી પણ બહુ પ્રભાવિત નહી થઇ જવાનું. શિખવાનુ બધા પાસેથી પણ પોતાની સીક્થ સેન્સને જ અનુસરવાનું.” રિષભ હજુ આગળ બોલવા જતો હતો ત્યાં રિષભના ફોનમાં રિંગ વાગી. રિષભે ફોન રિસિવ કર્યો અને વાત કરવા લાગ્યો. સામેથી જે કહેવાયુ તે સાંભળી રિષભના ચહેરા પર ખુશીના ભાવ આવી ગયા અને તે બોલ્યો “ઓકે, હું તમને સાંજે પાંચ વાગે મળવા આવુ છું.”

----------*****************--------------************-------------------******----------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM