mitho virah books and stories free download online pdf in Gujarati

મીઠો વિરહ

" અરે ક્યાં ખોવાઈ ગઈ , મહેક?" - ચાહતે મહેકને જરાક ઢંઢોળીને કહ્યું.
" હા....કઈ નહિ!" મહેકે જબકીને કહ્યું જાણે એને કોઈ સૂઝ જ ના હોય.
" અરે તને કહું છું."
" કઈ નહિ, બોલ શું કહેતી હતી?" મહેકે વાતમાં રસ પડ્યો એમ કહીને પૂછ્યું.
" ચાલને આવવું નથી નીચે બ્રેક છે તો?"
" ના તું જા મારો આજે મૂડ નથી."
ઓફીસમાં રોજનો નિયમ એમનો જમીને નીચે ચાલવા જાય અને મગજ હળવું કરી આવે. કામની વ્યસ્તતા માં પણ ટાઈમ કાઢીને રોજ જ નીચે જવાનો એમનો નિયમ આજે તૂટી જશે એવું લાગી રહ્યું હતું.મહેકનું ના પાડવાનું કારણ ચાહતને હજમ થયું નહી.
" કેમ શું થયું છે? ચાલ મારી જોડે શું છે?" મહેકને હાથ ખેંચીને લઈ જતી હોય એમ ચાહત આગળ વધી.
" ના યાર! તું જઈ આવ."
"નખરા ના કર, ચાલ મારા સમ!
બન્ને ખાસ બહેનપણીઓ હોઇ એટલો હક તો હતો જ, ચાહત એને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને લઈ ગઈ. મૂડ ના હોવા છતાંય મહેક એની જોડે ગઈ, પણ એના મનની વિડંબના જાણવા ચાહત બેબાકડી બની ગઈ.લિફ્ટમાં કઈ વાત ના થઇ, પણ જેવા એ પાર્કિંગમાં આવ્યા અને ચાહતે સવાલોના વરસાદ ચાલુ કરી દીધા, જાણે મહેકનું દુઃખ એ પોતે જ ના લઈ લેવાની હોય!
" સવારની જોઉં છું તને, કામમાં ધ્યાન નથી તારું.શું વાત છે?" સબંધ એવા હતા કે વિશ્વાસ સાથે કહી દેશે એટલો ભરોસો હતો.
"તને ખબર તો છે હવે"
" શું? હું કઈ સમજી નહી!"
" અરે કઈ નહિ, આજે જોયું ઓફીસમાં કોણ નથી આવ્યું?" એને જરા નિસાસો નાખતા કહ્યું.
ચાહત જરા વિચારમાં પડી, કોણ નથી આવ્યું એનું ધ્યાન એને જરાય નહોતું, એ માર્ક કરવા માંડી અને તરત જ એને મગજમાં યાદ આવ્યું.
" ઓહ હા આજે તો મિશ્વેત નથી આવ્યો!"
" હમમ!"
" તો શું? તને શું ફરક પાડવાનો છે? એના વગર ક્યાં તારું કામ અટકી જવાનું છે?" જાણે એ કશું જાણતી જ ના હોય એમ કહેવાનો ડોળ કર્યો, વાસ્તવમાં એ બધું જાણતી હતી, બસ માત્ર મહેકના મોઢે થી સાંભળવા માંગતી હતી.
" એવું કઈ નહિ, પણ...."
" રહેવા દે પણ અને બન....બધું ખબર પડે છે મને!"
" શું ખબર પડે છે તને?" મહેકની આંખમાં એક ચમકશી આવી ગઈ મિશ્વેતનું નામ આવતાની સાથે જ.અજીબ શી રોનક આવી ગઈ એને ચહેરા પર, શરમના શેરડા પડવા માંડ્યાં.
" તું સાચું કહેજે હ મને તો કહું."
" શું?"
" મિશ્વેત જ તને પસંદ કરે એ વાત તો હું જાણું છું, પણ તું પણ?"
" ના એવું તો કઈ નહિ."
" રહેવા દે રહેવા દે... એ તો મેં જોઈ લીધું તારા આજનાં મૂડ પર થી! મહેકની ઠેકડી ઉડાડતા કહ્યું.મહેક શરમાઈ ગઈ. માથું ધુણાવીને એને નીચી નજરોથી હા ભણી દીધી.જાણે આખું આકાશ એની એ ચુપકીદી હા માં સાક્ષી બની રહ્યું હોય એમ વરસી રહ્યું.
" તો મેડમ, આજ સુધી કીધું કેમ નહિ?"
" કહું અને વાત બધે વહેતી થઈ જાય એ વાતનો ડર હતો, એ મને ગમે છે એ વાતનો ખ્યાલ એને પણ છે જ, પણ અમે સામસામે કોઈ દિવસ વાત નથી કરી.પણ આજે એ નથી આવ્યો અને એક વીક સુધી એ બેંગલોર ગયો છે એ વાત થી મને બહુ બેચેની થાય છે.રોજ નજરની સામે જ હોય છે એટલે મનમાં ટાઢક હોય પણ આજે નથી તો નહિ સહેવાતું."
" ઓહ... આટલું બધું છે તારા મનમાં?"
" હા પણ કહું તો બધા શું વિચારશે એ વાતને લઈને કોઈ દિવસ કીધું નહિ."
" તો મને તો કહેવાય ને એક વાર! તને ખબર છે મિશ્ચેત તારા માટે શું વિચારે છે?"
"શું?"
" એ તને બહુ પ્રેમ કરે છે, પણ તને કહેતાં અચકાય છે, કે તું એને ના પાડી દઈશ તો એના સપના ચૂર ચૂર થઇ જશે!"
" સપનાં?"
" હા એને તારી સાથે પૂરી જિંદગી જીવવાના સપના જોયા છે, એ તારી સાથે લગ્ન કરવા માંગે છે."
" તને એટલું બધું ખબર હતી તો કહ્યું કેમ નહિ?"
" મને એને ના પાડી હતી, એ તને પ્રેમનો અહેસાસ કરવવા માંગે છે, તું સમજે પછી તને કહીને ઈઝહાર કરવા માંગે છે." મહેક મનમાં હરખાઈ ગઈ, એની ખુશીનો પાર ન રહ્યો, એનું દિલ પ્રેમથી તરબતર થઈ થનગન થવા માંડ્યું.
" સાચે?"
" હા સાચે, આવે એટલે તું જ જાતે પૂછી લેજે." ચાહતે આમ કહેતાની સાથે વિડિયો કૉલ કરી દિધો મિશ્વેતને! ચારેક રીંગ વાગી અને એને કૉલ રીસિવ કરી લીધો.મહેક ના પાડતી હતી છતાંય,
" હાઈ મિશ્વેત."
" હાઈ, બોલ શું કામ હતું?"
" મજામાં?"
" હા, મજામાં, કેમ અચાનક કોલ કરીને હાલચાલ પૂછવા માંડી?"
" કેમ ના પૂછાય?"
" પૂછાય ને!બ્રેક છે હમણાં?"
"હા, અને મહેક મારી જોડે જ છે!" એને જરા ધીમેથી ઈશારામાં એને કહ્યું.
" ઓહ... મજામાં છે એ?"
" મને તો પૂછતો નથી અને આખા ગામની પડી છે તને!"
" ઓય...આખા ગામની નહિ!"
" હા ખબર છે મને. એક વાત કહું? તારે મને બિગ પાર્ટી આપવી પડશે એના માટે!"
" હા બોલ ને. ગમશે તો પાક્કી તારી પાર્ટી!"
" તારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે, પેલું જે તું રોજ જોવે છે મહેકતું!" એ સાનમાં સમજી ગયો, ખુશ થઈ ગયો.ખુશીનો પાર ન રહ્યો, ઘેલો બનીને "શું? સાચે?"
"હા, પૂછી લે જાતે જ!" કહેતાં ની સાથે જ મોબાઈલ મહેકના હાથમાં થંભાવીને એ ત્યાંથી ચાલી ગઈ.
બન્ને એ એક બીજા સાથે આવી રીતે વાત નહોતી કરી તો બન્ને માટે આવી રીતે વાત કરવી અસહજ હતું, પણ હવે સામસામે હતા તો વાત કર્યે છૂટકો જ નહોતો,અને એમાંય પાછી બન્ને સચ્ચાઈ જાણતા હોય મનોમન ઈઝહાર તો!
મિશ્ચેત એ વાતની શરૂઆત કરી, "હાઈ"
"હાઈ!" મહેક એ શરમાતા શરમાતા જવાબ આપ્યો.
" ચાહત એ જે કીધું એ સાચું છે?" એ બેબાકળો બનીને એના મોઢે હા સાંભળવાના મૂડમાં હતો. મહેક એ માથું હલાવી હકારી દીધું. બન્ને ને એક બીજાની સામે જોતા જ રહ્યા, કોઈ વાત નહિ, કોઈ જ શબ્દ નહિ છતાંય લાખો વાતો મુક વાચા એ બોલતી આંખોમાં થઈ રહી હતી. બ્રેકની ટાઈમ ઓવર થવાનો હતો એ અણસાર આવતા મહેક એ માત્ર એક સવાલ પૂછ્યો,"ક્યારે આવશો પાછા?"
" આમ તો આવવાનું એક વીક પછી હતું, પણ હવે સાંજની ફલાઇટ માં બુકિંગ જોઈ લઉં છું!"
મનોમન ના ઈઝહાર નો સામસામે ઇકરાર થયો,એની સાથે જ એક વિરહનો અંત આવશે એવું લાગી રહ્યું હતું, બસ હવે ઘડી ઓછી રહી હતી, કલાકોમાં જ! પણ જાણે પલ પલ વર્ષ સમાન હશે બન્ને માટે! વિરહનો આ ઘડી કેમેય નીકળશે એ તો માત્ર એ બે દિલ જ અનુભવી શકશે!