Yog-Viyog - 45 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 45

યોગ-વિયોગ - 45

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૫

અભય અને અજય ટેબલ પર બેઠા હતા.જાનકી અલયના ખભે માથું મૂકીને રડી રહી હતી.

‘‘શું થયું ?’’ કોઈએ જવાબ ના આપ્યો, ‘‘શું થયું જાનકીને?’’

‘‘પોતાના નસીબને રડે છે.’’ અજયના અવાજમાં કડવાશ હતી, ‘‘રડવા દો.’’

‘‘જે થવાનું હતું એ થઈ ચૂક્યું જાનકી, હવે તમારી ભૂલ છુપાવવા માટે રડવાનો કોઈ અર્થ નથી.’’ અભયે કહ્યું અને અજય તરફ જોઈને કહ્યું, ‘‘તું કહે છે કે મારે કહેવાનું છે ?’’

‘‘શું?’’ વસુમાએ પૂછ્‌યું અને ખુરશી ખેંચીને ટેબલ પર ગોઠવાયાં, ‘‘જાનકી બેટા, સવારના પહોરમાં શા માટે રડીને દિવસ શરૂ કરો છો ? શું થયું છે ?’’

જાનકી એક પણ અક્ષર બોલ્યા વિના અલયથી છૂટી પડી અને રસોડામાં ચાલી ગઈ.

‘‘હું કહું શું થયું તે.’’ વૈભવી કોઈ મોડેલની અદાથી પગથિયા ઊતરી રહી હતી, ‘‘પોતાની ભૂલ પકડાઈ જાય ત્યારે માણસ રડવા સિવાય બીજું શું કરી શકે ?’’

‘‘ભૂલ ? જાનકીની ?’’ વસુમાને નવાઈ લાગી, ‘‘શું થયું છે ?’’ એમણે અભય સામે જોઈને પૂછ્‌યું.

‘‘હું રડતી હોઉં છું ત્યારે આટલી ઇન્કવાયરી નથી કરતાં સાસુમા.’’ વૈભવીએ મનોમન સરખામણી કરી, ‘‘અને આ ગૃહલક્ષ્મી રડે છે એમાં તો આખું ઘર ઊંચું-નીચું થઈ ગયું છે.’’

‘‘મા...’’ અજયે વસુમા તરફ જે રીતે જોયું એનાથી વસુમાને નવાઈ લાગી, ‘‘મેં અમેરિકા જવાનું નક્કી કર્યું છે. બાપુ સાથે વાત થઈ ગઈ છે.એ ત્યાં જઈને કાગળિયા કરશે. ’’

‘‘અજયભાઈ, આ તમે પૂછો છો કે જણાવો છો ?’’ અલયનો ચહેરો લાલ થઈ ગયો હતો. જાનકી જે રીતે રડી, અને વૈભવી જે રીતે વર્તી એ પછી આ સમાચાર એને માટે ખરેખર અકળાવનારા હતા, ‘‘હું નીકળું ?’’ અલય ઊભો થઈ ગયો.

‘‘જણાવું છું.’’ સવાલ અલયે પૂછ્‌યો હતો છતાં અજયે વસુમાની સામે જોઈને જવાબ આપ્યો, ‘‘જિંદગીની ચાળીસી નજીક આવી છે ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી જોતો હું. મારી જિંદગી કેમ જીવવી એ મારા સિવાય કોણ નક્કી કરે ?’’

અલય અને અભય વસુમાના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા.

‘‘સરસ.’’ વસુમાએ ટી-કોઝી હટાવીને કેટલીમાંથી ચા પોતાના કપમાં કાઢી. એક ચમચી ખાંડ નાખીને ચમચીથી હલાવતા પૂછ્‌યું, ‘‘ક્યાં સુધીમાં જવાનું થશે ?’’

‘‘હજી તો હવે પેપર્સ કરશે. જોકે હમણાં અમેરિકન એમ્બેસીમાં વેઇટિંગ ચાલે છે એટલે બે-ત્રણ મહિના તો લાગી જ જશે.’’

‘‘સારું છે, જાનકીની નોકરી વિશે વિચાર્યું છે ?’’

‘‘મારી સાથે આવવું હોય તો છોડી દેવાની. બાકી એનો નિર્ણય કરવા માટે એ સ્વતંત્ર છે.’’ અજયની નજર કોણ જાણે કેમ પણ ઝૂકી ગઈ.

ગેસ્ટરૂમમાંથી નીચે ઊતરતાં રાજેશ અને અંજલિને ખ્યાલ આવ્યો કે કોઈ સિરિયસ ચર્ચા ચાલી રહી છે. એટલે એ રોજની જેમ જોક મારતાં સવાર શરૂ કરવાના બદલે રાજેશ ચૂપચાપ નીચે ઊતર્યો અને સૂર્યકાંત રોજ જ્યાં બેસતા એ ખાલી ખુરશી પર ગોઠવાઈ ગયો. અંજલિ એની બાજુમાં બેઠી અને પોતાનો ઢાંકેલો દૂધનો ગ્લાસ ખોલતાં એણે મોઢું બગાડ્યું, ‘‘આઈ હેઇટ મિલ્ક.’’

‘‘લોટ્‌સ ઓફ કેલ્શિયમ એન્ડ ગુડ ફોર યોર ચાઇલ્ડ.’’ વસુમાએ કહ્યું, ‘‘બેટા, કેલ્શિયમની ગોળીઓ ગળવા કરતાં કાચી કોબી, પનીર, કેળાં અને દૂધથી મળતું કેલ્શિયમ વધુ સારું.’’ પછી રસોડામાં જાનકીને સંભળાય એમ બૂમ પાડી, ‘‘બદામ પલાળેલી હશે, લેતાં આવજો.’’

રાજેશને અનુમાન થઈ ગયું હતું કે વાત કંઈક સિરિયસ છે. એટલે એણે ધીરેથી અજયની સામે જોઈને પૂછ્‌યું, ‘‘શું થયું છે ? બાપુ તો મજામાં છે ને ? પહોંચ્યાનો ફોન આવ્યો ?’’

‘‘હજી તો ફ્લાઇટ ચેન્જ કરીને ન્યૂયોર્કની ફ્લાઇટમાં બેઠા હશે.’’ વસુમાએ કહ્યું. પણ પહેલા સવાલનો જવાબ એમણે ન આપ્યો એ જોઈને વૈભવીએ હળવેથી કહ્યું,

‘‘એક ગુડ ન્યૂઝ છે, અજયભાઈ અમેરિકા જાય છે.’’

‘‘ક્યારે ?’’ રાજેશે અજયની સામે જોઈને પૂછ્‌યું.

દૂધનો ગ્લાસ મોઢા પાસેથી હટાવીને જમણા ખભાની બાંયથી મોઢું લૂછીને અંજલિએ અજય સામે જોયું, ‘‘અમને કોઈને કહ્યું પણ નહીં?’’

‘‘અમને પણ હજુ હમણાં જ ખબર પડી છે. માત્ર જાનકી જાણતી હતી.’’ વૈભવીએ લાગ જોઈને વાત રમતી મૂકી, ‘‘એણે પણ આપણને ના કહ્યું.’’

અજયની નજર હજુ ઝૂકેલી જ હતી, ‘‘જાનકીને પણ મેં ગઈ કાલે જ કહ્યું છે.’’

રસોડામાંથી ઉપમાનું બાઉલ લઈને આવતી જાનકી સાથે અભયની નજર મળી. જાનકીની નજરમાં નર્યું દુઃખ અને ફરિયાદ હતી.

‘‘એટલે જાનકીએ નક્કી નથી કર્યું ?’’

‘‘મેં એને ગઈ કાલે જ જણાવ્યું છે. પેપર્સ સૌના થશે. પછી સૌ પોતપોતાની નિર્ણય કરી શકે છે.’’

‘‘અને હૃદય ?’’

‘‘મારી સાથે જશે.’’

‘‘એવું કોણે નક્કી કર્યું ?’’ જાનકીનો અવાજ અનિચ્છાએ ઊંચો થઈ ગયો હતો.

‘‘મેં - એના બાપે.’’

‘‘પણ જાનકી મા છે એની. એની સાથે વાત કર્યા વિના તમે કેવી રીતે નક્કી કરી શકો અજયભાઈ ?’’ વૈભવીએ ધીમેથી વાતને ધક્કો મારી આપ્યો.

‘‘હું મારા બાળકને મૂકીને નહીં જાઉં. જાનકીને આવવું હોય તો મને આનંદ થશે અને નહીં આવવું હોય તો બાકીનાને...’’

હવે ઊભો થયેલો અલય વધુ રોકાઈ શકે એમ નહોતો. એને ડર લાગ્યો કે પોતે કશું એવું બોલી જશે જેનાથી આ ઘરની વર્ષોની શાંતિ તાર તાર થઈ જશે. એણે વસુમા સામે જોયું, એવા ભાવથી જાણે કહી રહ્યો હોય, ‘‘હવે તમારે કંઈ કરવું જોઈએ.’’

અને, સડસડાટ ઘરની બહાર એવી રીતે નીકળી ગયો જાણે આ બનેલી ઘટનાથી ભાગવા માગતો હોય.

‘‘આઈ એમ સોરી જાનકી, મેં સવારે કારણ વગર...’’ અભયના અવાજમાં સાચા અર્થમાં પસ્તાવો હતો. વૈભવીના વર્તનને કારણે ઉશ્કેરાઈને પોતે જાનકીને જે કંઈ કહ્યું તે જાણે અભયને ફરી એક વાર સંભળાઈ રહ્યું હતું. એ સાંભળ્યા પછી જાનકીની આંખોમાં જે પીડા અને અવિશ્વાસ હતા એ અભયને અત્યારે પણ તકલીફ આપી રહ્યા હતા.

‘‘ઇટ્‌સ ઓ.કે. અભયભાઈ, પણ જ્યારે વાત નીકળી જ છે ત્યારે મારે પણ કહી દેવું છે કે હું અજયના આ નિર્ણય સાથે સંમત નથી. મને તમારાથી થોડા કલાક વહેલા સમાચાર મળ્યા છે એટલું જ...’’ અને પછી વસુમા સામે જોઈને ઉમેર્યું, ‘‘હૃદયને મારી મરજી વિના કોઈ ક્યાંય નહીં લઈ જઈ શકે અને હું માનું છું કે આ ઘરની પુત્રવધૂ તરીકે એ નિર્ણયમાં મારો મત પૂછાશે.’’

‘‘જરૂર પૂછાશે બેટા !’’

‘‘આ નિર્ણય કરવાનો અધિકાર મારા સિવાય કોઈનો નથી. જેને કારણ વગર પ્રગતિ રૂંધીને અહીં પડ્યા રહેવું હોય એમને ઘસડવામાં મને કોઈ રસ નથી, પણ મારા દીકરાના ભવિષ્ય વિશે હું ખૂબ સ્પષ્ટ છું...’’

‘‘ભવિષ્ય અમેરિકામાં જ છે ? તો પછી આ દેશમાં રહેતા કરોડો લોકોનું કોઈ ભવિષ્ય જ નથી, એમ ને ?’’ જાનકીએ અવાજમાં ધાર કાઢીને પૂછ્‌યું.

‘‘આ દેશની લાંબી લાંબી લાઇનો અને દરેક વાતમાં કરપ્શન સિવાય આગળ ન વધતી ફાઇલો... દરેક વાતમાં સંસ્કૃતિના નામે થતા ભવાડા અને છાપામાં રોજ છપાતા ગોટાળાના સમાચારોની સાથે સાથે આતંકવાદીઓના સમાચાર એવી રીતે ચગાવવામાં આવે છે જાણે એ નેશનલ હીરો હોય. કયા ભવિષ્યની ચર્ચા કરીએ છીએ આપણે ?’’

‘‘વાહ ! ગઈ કાલ સુધી આ જ તમારો પોતાનો દેશ હતો, આજે પણ તમારો પાસપોર્ટ ભારતીય છે... અને જો સૂર્યકાંત મહેતા ના આવ્યા હોત તો અમેરિકામાં ભવિષ્ય છે એવું કદાચ તમને રિયલાઇઝ પણ થયું ના હોત, અજય મહેતા !’’ વાત વણસતી જતી હતી.

‘‘ એક વાર કાગળો આવે પછી આપણે એ વિશે વાત કરીએ તો?’’ વસુમાએ કડવી થતી જતી ચર્ચા અટકાવી.

‘‘અજયભાઈની વાત ખોટી નથી મા. હું પણ મારાં સંતાનોને પરદેશ મોકલવા માગું છું. ગમે તેટલું કમાયા છતાં અહીં ટ્રાફિક અને ઇલેક્ટ્રિસિટીની સમસ્યા હલ થઈ શકે છે ? સરકારની નીતિઓ અને જિંદગી જીવવાની સ્ટાઇલ બદલી શકાય છે ? પૈસા હોય તો પ્લેનની ટિકિટ ખરીદી શકાય, પણ એ ટાઇમસર ઊપડે એવું કોઈ વચન છે અહીં? સારામાં સારા ડોક્ટર પાસે જઈ શકાય, પણ એ કોઈ ભૂલ કરે તો કોર્ટ આપણા વારસદારોને પણ કોમ્પેસેશન અપાવે તો ઘણું કહેવાય.’’ વૈભવીએ જાણે ભાષણ પૂરું થયું હોય એમ સ્મિત કર્યું.

અજયથી વૈભવીની સામે આભારવશ નજરે જોવાઈ ગયું, જે વસુમા, જાનકી કે અભય કોઈની નજર બહાર ના રહ્યું.

‘‘બેટા, કબીરે કહ્યું છે કે- કબીરા ચલ અબ દુજો દેશ કે અબ યે દેશ ભયા બેગાના... જ્યાંથી મન ઊઠી જાય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી દીકરા, તને ખરેખર એમ જ લાગતું હોય કે આ દેશ તારા માટે નથી રહ્યો હવે... તો તને જ્યાં સુખ મળતું હોય ત્યાં તારે જવું જ જોઈએ.’’

પછી જાનકી અને વૈભવી બંને તરફ વારાફરતી જોઈને ઉમેર્યું, ‘‘પતિ-પત્ની બંનેનું સુખ એજ વાતમાં, એક જ સ્થળે હોય તો એ ઉત્તમ છે, પણ જો ન જ હોય તો એ વિશે હઠાગ્રહ કે દુરાગ્રહનો કોઈ અર્થ નથી રહેતો.’’

વૈભવી અને અભય આશ્ચર્યચકિત થઈને વસુમા સામે જોઈ રહ્યાં. જ્યારે જાનકીને જરાય નવાઈ ના લાગી. એને વસુમા પાસેથી કદાચ આવી જ આશા હતી.

અજયમાં વસુમા સાથે નજર મિલાવવાની શક્તિ નહોતી રહી. એ પછી વીસેક મિનિટ સુધી નાસ્તાના ટેબલ પર સૌ પોતપોતાના બ્રેકફાસ્ટમાં ગૂંથાયેલા રહ્યા, પણ કોઈ એકેય શબ્દ બોલ્યું નહીં. ઊભા થતાં વસુમાએ માત્ર એક જ વાક્ય પૂર્ણવિરામની જેમ કહ્યું, ‘‘હવે જ્યાં સુધી કાન્ત કાગળિયના ના મોકલે ત્યાં સુધી આ વિશે આ ઘરમાં ચર્ચા નહીં થાય.’’ પછી જાનકી સામે જોઈને ધીમેથી કહ્યું, ‘‘ઘરમાં એટલે હું અંગત શયનખંડની પણ વાત કરું છું.’’

અને પોતાના ઓરડા તરફ ચાલી ગયાં.

હિથ્રો એરપોર્ટ પરથી ફ્લાઇટ ચેન્જ કરીને ન્યૂયોર્કની ફ્લાઇટમાં બેઠા પછી સૂર્યકાંત જાણે શ્રીજી વિલાને પાછળ મૂકીને પોતાના લોગ આયલેન્ડના ઘરમાં પહોંચી ગયા હતા. એ પોતાનો ઓરડો, સ્મિતાનો હસતો ફોટોગ્રાફ... પોતાના બેડરૂમની એ નાનકડી બેઠક, પોતાની ફેવરિટ બિનબેગ... અને જેલમાં કલાકો ગણી રહેલો રોહિત.

એમની આંખો બંધ હતી. જે-ક્લાસની સીટ પાછળની તરફ ઢાળેલી હતી. કાન પર પહેરેલા હેડફોન્સમાં ધીમું ક્લાસિકલ સંગીત વાગી રહ્યું હતું, પણ એમનું મન કંઈ કેટલાયે ઉચાટમાં અને કંઈ કેટલીયે ગણતરીઓમાં ગૂંચવાઈ રહ્યું હતું.

‘‘શું કર્યું હશે રોહિતે? પોલીસે કઈ રીતે વર્તન કર્યું હશે એની સાથે? કેવી કેવી જાતના ક્રિમિનલ્સની જોડે રાખ્યો હશે?’’ સૂર્યકાંત જેમ જેમ રોહિત વિશે વિચારતા ગયા તેમ તેમ એનું મન વધુ ને વધુ ઉદ્વિનગ્ન થતું ગયું. એમને વિમાન કરતાંયે વધુ ઝડપથી ઘેર પહોંચી જવાની ઇચ્છા થઈ ગઈ.

રોહિતને જ્યારે સ્મિતાએ એમના હાથમાં સોંપ્યો ત્યારે એ નાનકડો હતો, પણ સાવ અણસમજુ નહોતો. કોણ જાણે કેમ, પણ રોહિતે શરૂઆતથી જ સૂર્યકાંતને પિતા તરીકે સ્વીકાર્યા જ નહીં. સૂર્યકાંતે રોહિત સુધી પહોંચવાના જેટલા પ્રયત્નો કર્યા એ બધામાં રોહિતને એમના સ્વાર્થની ગંધ આવતી રહી.

સ્કૂલ સુધી ભણવામાં ખૂબ જ હોશિયાર રોહિતે અચાનક જ ગ્રેજ્યુએશન કરવાની ના પાડી. બોસ્ટન યુનિવર્સિટી, શિકાગો અને કોલમ્બિયા યુનિવર્સિટી જેવા વિકલ્પો સૂર્યકાંતે એની સામે મૂક્યા, પરંતુ રોહિતે આગળ ભણવાની ધરાર ના પાડી. એ દિવસે પહેલી વાર ક્રોધમાં ગણો, કે પિતા તરીકેની જવાબદારીમાં નાપાસ થયેલા સૂર્યકાંતે હતાશામાં રોહિતને એક તમાચો રસીદ કરી દીધો. રોહિતે સૂર્યકાંતની સામે હાથ ઉગામ્યો. પછી કોણ જાણે કેમ, વાતને ત્યાં જ છોડીને ઘરમાંથી નીકળી ગયો.

ત્યારે રોહિત સાડા સત્તર વર્ષનો હતો.

સૂર્યકાંતે એના બધા મિત્રોને ત્યાં તપાસ કરાવી. રોહિત ક્યાંય નહોતો... એ પછી આઠ મહિના સુધી રોહિતનો કોઈ પત્તો ના લાગ્યો. એક દિવસ અચાનક યુ.એસ. પોલીસમાંથી ફોન આવ્યો, રોહિત કોકેનના નશામાં ચૂર રસ્તા ઉપર પડેલો મળ્યો હતો. એના ખિસ્સામાંના ડ્રાઇવિંગ લાઇસન્સ પરથી મળેલા સરનામાથી સૂર્યકાંતને સંપર્ક કરાયો હતો.

એ દિવસથી આજ સુધી સૂર્યકાંત અને રોહિત વચ્ચે ડોલર્સની લેવડ-દેવડ સિવાય કોઈ સંવાદ કે સંબંધ રહી શક્યો નહોતો.

રોહિત માટે સૂર્યકાંત એની ‘‘માના હસબન્ડ’’ સિવાય કંઈ ન હતા. સૂર્યકાંતના તમામ પ્રયત્નો છતાં રોહિતે એમને ક્યારેય પિતા તરીકે ન જ સ્વીકાર્યા.

જોકે એમાં સૂર્યકાંત જાણે-અજાણેપોતાનો જ વાંક જોતા હતા. એમને આંખી જિંદગી લાગ્યું કેપોતે મુંબઈમાં જે ચાર સંતાનોને મૂકીને વ્યા એમને માટે કે અમેરિકામાં ઊછરતાં બે સંતાનો માટે એ ક્યારેય આદર્શ પિતા બની શક્યા નહીં. લક્ષ્મી એમને ખૂબ ચાહતી, પરંતુ લક્ષ્મીને જે સમય કે સ્નેહ આપવો જોઈતો હતો એમાં પોતે ઊણા ઊતર્યા છે એમ સૂર્યકાંત માનતા રહ્યા.

આજે જ્યારે રોહિતને જેલમાં જવું પડ્યું ત્યારે પણ આ પરિસ્થિતિ માટે પોતાનો ઉછેર જ જવાબદાર છે એમ વિચારતા સૂર્યકાંત વિમાનમાં આંખો બંધ કરીને બેઠા હતા.

‘‘ડેડી.’’ લક્ષ્મીએ સૂર્યકાંત તરફ જોયું. એમની આંખોના ખૂણે આંસુનું ટીપું આવીને અટકી ગયું હતું.

‘‘હા બેટા...’’ સૂર્યકાંતે આંખો ઉઘાડ્યા વિના કહ્યું.

‘‘શું વિચારો છો ?’’

‘‘અત્યારે તો રોહિત સિવાય બીજો કોઈ વિચાર આવે એમ જ નથી દીકરા.’’

‘‘મને પણ એના વિચારો આવે છે ડેડી.’’ લક્ષ્મીના ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાઈ ગયાં હતાં.

‘‘શું કરીશું ?’’

‘‘બેટા, જે થાય તે કરવાનું...’’ સૂર્યકાંતે આંખો ખોલી. એમની આંખોમાં નર્યું દુઃખ અને અફસોસ હતા, ‘‘ને બાકીનું ઉપરવાળા પર છોડી દેવાનું.’’

‘‘યાહ ડેડી, પણ મા આપણી સાથે આવ્યાં હોત તો સારું થાત, નહીં ?’’

‘‘બેટા, આમ તો શું થાત તો સારું થાતું લિસ્ટ ઘણું લાંબું છે. હું વસુંધરાને સમયસર સમજી શક્યો હોત તો સારું થાત... હું મુંબઈ છોડીને ભાગી ન ગયો હોત તો સારું થાત... હું તારી માને ન મળ્યો હોત તો સારું થાત... તારી મા જીવી હોત તો સારું થાત અને હું અમેરિકાથી ફરી એક વાર મુંબઈ ન ગયો હોત તોય સારું જ થાત...’’

‘‘આવું શું કામ વિચારો છો ડેડી ?’’ લક્ષ્મીએ ખૂબ વહાલથી સૂર્યકાંતના ચહેરા પર હાથ ફેરવ્યો, ‘‘તમે જ કહેતા હતા ને, જે થાય તે સારા માટે...’’

‘‘હા બેટા, પણ દરેક વખતે એવું માનીને સુખી નથી થઈ શકાતું...’’ સૂર્યકાંતની આંખો ભરાઈ આવી હતી. તમે સૌ મારાં સંતાનો છો અને તમારા સુખની જવાબદારી મારી છે.

‘‘ડેડી, કોઈ કોઈના સુખની જવાબદારી કેવી રીતે લે? તમે જે આપો તે સુખ અને સામેના માણસને જોઈતું હોય તે સુખ હંમેશાં જુદા જ પડવાના...’’ સૂર્યકાંતને અચાનક જાણે લક્ષ્મીના ચહેરા પર વસુંધરાનો ચહેરો સુપર ઇમ્પોસ થતો લાગે છે, ‘‘ડેડી, કોઈને દુઃખ આપવાનું સુખ તમે લઈ શકતા નથી અને કોઈને સુખ ન આપ્યાનું દુઃખ અર્થહીન છે... સુખ અને દુઃખ આ બે પોતીકા શબ્દો છે અને એની જવાબદારી માણસે જાતે જ લેવી ઘટે.’’

‘‘તું બિલકુલ વસુંધરાની જેમ બોલે છે.’’ સૂર્યકાંતથી કહ્યા વિના ના રહેવાયું.

લક્ષ્મી હસી પડી, ‘‘મને હતું જ કે તમે આવું કહેશો, પણ ડેડી, હું તમને એક વાત કહું ? મા છે જ એવા, જે એની સાથે રહે, એમને સમજે અને એમને ઓળખે એના ઉપર એમની અસર થયા વિના રહે જ નહીં.’’

સૂર્યકાંતે કંઈ જવાબ આપ્યો નહીં, પણ એમના મનમાં લક્ષ્મીની વાત ઊંડી ઊતરી ગઈ. એમને ફરી એક વાર વિચાર આવ્યો કે મા વગરનાં સંતાનોનેપોતે ઉછેરવામાં નિષ્ફળ ગયા હતા, જ્યારે પિતાની હાજરી વગર વસુંધરાએ સંતાનોનો સફળ ઉછેર કરીને બતાવી દીધું હતું.

એમની નજર સામે એ ઘરમાં બનેલા પ્રસંગો તરવરી ઊઠ્યા, પોતાની માફી માગવા અલયને આદેશ કરતી વસુંધરા પ્રિયા સાથેના સંબંધોનો સ્વીકાર કરતો અભય અને આપઘાત કરવાના પ્રયાસ પછી પણ તદ્દન સ્વસ્થતાથી વૈભવી સાથે વર્તતી વસુંધરા...

સૂર્યકાંત મનોમન જાતને નાની અને અધૂરી અનુભવી રહ્યા !

વૈભવીએ ઘડિયાળમાં જોયું. પોણા દસ થયા હતા. અભય હજી આવ્યો નહોતો.

જોકે એણે સાંજે જ ફોન કરીને જાનકીને કહી દીધું હતું કે એ પનવેલ જવાનો છે...

પહેલાં મોડું થવાનું હોય કે બહાર જવાનું હોય તો અભય હંમેશાં વૈભવીના સેલફોન પર ફોન કરતો. છેલ્લા થોડા સમયથી એ લેન્ડ લાઇન પર ઘેર ફોન કરતો, જે ભાગ્યે જ વૈભવી ઉપાડશે એવી એને જાણ હતી. જે ફોન ઉપાડે એને સંદેશો આપીને અભય ફોન મૂકી દેતો.

અચાનક જ અભયે વૈભવી સાથેનું કમ્યુનિકેશન ઓછામાં ઓછું કરી નાખ્યું હતું. સવાલ-જવાબો, કે ચર્ચા-દલીલો ન જ કરવી પડે એવી સ્થિતિ અભય જાણીજોઈને ગોઠવતો...

આજે સવારે જાનકી અને અજય સાથે જે થયું એ પછી અભય કશું બોલ્યો નહીં, પણ વૈભવી એટલું સમજી હતી કે પોતે અભયને જે રીતે ચડાવ્યો અને એ પછી જે બન્યું એનાથી અભયને સાચા અર્થમાં દુઃખ પહોંચ્યું હતું. પહેલાં આવા પ્રસંગે અભય વૈભવીને બે શબ્દ કહેતો. આવું ન કરવા સમજાવતો, પણ આ વખતે એ કશું જ ના બોલ્યો.

દરવાજો ખોલીને પ્રિયા અભયના ગળે વળગી પડી. એણે દરવાજામાં જ ઊભેલા અભયને ચુંબનોથી નવડાવી દીધો.

‘‘વિઝા અને ટિકિટની વ્યવસ્થા થઈ ગઈ.’’ અને પછી એણે અભયની છાતીમાં માથું ઘસ્યું.

અભયે એક હાથ એની કમ્મર પર વીંટાળીને બીજા હાથે એના વાળમાં હાથ ફેરવ્યો, ‘‘હેપ્પી ?’’

‘‘વેરી !’’ પ્રિયા હજીયે અભયથી છૂટી પડવા નથી માગતી.

‘‘ઘરમાં આવું ? કે અહીં જ ઊભા ઊભા...’’ અભયનો હાથ પ્રિયાના ટી-શર્ટમાં થઈને એની પીઠની ત્વચા પર સરકતો એની ગરદન સુધી પહોંચ્યો હતો.

‘‘ધત !’’ પ્રિયાએ કહ્યું અને બંને હાથે અભયને કોલરમાંથી પકડીને ઘરમાં ખેંચી બારણું બંધ કરી દીધું.પછી અભયને બારણા તરફ ધક્કો મારી બારણા સરસો જડી દીધો અને એક પ્રગાઢ ચુંબન શરૂ થયું...

પ્રિયાએ પોતાના શરીર પર ચાદર ખેંચી. અભયે ઘડિયાળ જોઈ.

‘‘શીટ ! એક વાગ્યો ?’’ પ્રિયાના અવાજમાં ઉચાટ હતો, ‘‘આજે ઘરેથી ફોન ના આવ્યો ?’’

‘‘નહીં આવે.’’ અભયે ચાદર ફગાવીને ફરી પ્રિયાને વહાલ કરવા માંડ્યું, ‘‘હું પનવેલ ગયો છું.’’ પછી પ્રિયાની ગરદન પર એક ભૂરું ચાઠું પાડીને કહ્યું, ‘‘ત્રણ ફોરેન કોલોબરેટર સાથે !’’

‘‘તમને પણ ખરેખર દાદ દેવી જોઈએ.’’ પ્રિયા હસી.

‘‘તો શું કરું ? સાચું ત્યાં જ બોલાય, જ્યાં સહન થઈ શકે. વૈભવીને સવાલો પૂછવા છે પણ એના જવાબમાં મળતું સત્ય એણે નથી સ્વીકાર્યું, એને તો એ જવાબ જોઈએ છે જે એણે ધાર્યો છે...’’

‘‘પછી સિંગાપોરની ટ્રીપ માટે પ્રોબ્લેમ નહીં થાય ?’’

‘‘મારી માને કહેવાનો છું, તદ્દન સાચું અને સ્પષ્ટ !’’

‘‘અને વૈભવી ?’’

‘‘હું સિંગાપોર જઈશ એમાં તો જુઠ્ઠું બોલાય એવું નથી, પણ પ્રયત્ન એવો કરીશ કે આગળ સવાલ-જવાબ ન થાય.’’

‘‘એટલે ?’’

‘‘એટલે માને કાલે સવારે કહીશ અને વૈભવીને પરમ દિવસે રાત્રે દસ વાગ્યે.’’

‘‘વેલ...’’

અભય પ્રિયાના બિલ્ડિંગના પગથિયા ઊતર્યો ત્યારે દૂધવાળો અને છાપાવાળો બંને એને સામે મળ્યા !

અભય શ્રીજી વિલાનો ગેટ ખોલીને દાખલ થયો ત્યારે વસુમા બગીચામાં કામ કરતાં હતાં. એમની પીઠ ગેટ તરફ હતી અને નવા આવેલા લાલ મહેંદીના ત્રણ છોડમાંથી એ સૂકાં પાંદડાં કાઢીને એને આકાર આપી રહ્યાં હતાં.

‘‘કેમ, આજે કંઈ ગાતી નથી ?’’ અભયે આવીને માના ખભે હાથ મૂક્યો. વસુમાએ પાછળ જોયું, ‘‘મા, આખી રાત સૂતી નથી કે શું ?’’

‘‘કેવું છે નહીં અભય ?! જે માણસનું અસ્તિત્વ માત્ર તસવીરમાં હતું આટલાં વરસ એની ચિંતા નહીં કોઈ દિવસ, પણ આજે જ્યારે એ સદેહે આવીને પાછા ગયા છે ત્યારે મન એમની ચિંતામાં અટવાયા કરે છે.’’

‘‘મા, એક વાત પૂછવાનું મન થયા કરે છે, પૂછું ?’’

વસુમાએ એકદમ મમતાભર્યા સ્મિત સાથે અભયના ચહેરા પર હાથ ફેરવ્યો.

‘‘મા, હું ક્યારેક જોઉં છું કે તું બાપુ માટે ચિંતા કરે છે, એમના સન્માન માટે અલયને પણ વઢી નાખે છે. એમના સુખ માટે કંઈ પણ કરવા તૈયાર છે અને છતાં એમની સાથે અમેરિકા જવા તૈયાર નથી... એમને તારા ઓરડામાં પણ ન રાખ્યા...’’ અભયની આંખોમાં સાચે જ કુતૂહલ હતું, ‘‘હું તને સમજી નથી શકતો મા...’’

વસુમાના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘પુરુષ છે ને તું ! એટલે સ્ત્રીની લાગણી ન સમજાય એ સ્વાભાવિક છે, ગમે તેટલી સ્વતંત્ર કે સ્વાભિમાની સ્ત્રીને પણ પોતાના પુરુષ પાસે પરાસ્ત થવું ગમે જ છે.’’

‘‘તો પછી ?’’ અભયના ચહેરા પર અસમંજસ હતી.

‘‘પણ આટલાં વર્ષો દૂર રહ્યા પછી મને તારા પિતા પાસેથી એક જ વાતની અપેક્ષા હતી... મારા માટેની તરસ, મારા માટેનો તરફડાટ એવો જ હોય, જેવો મેં આટલાં વર્ષો અનુભવ્યો.’’

‘‘મા, એવું તો તું ન કહી શકે કે એમણે તને ફરી જીતવાનો પ્રયાસ ના કર્યો...’’

‘‘બરાબર બોલ્યો તું. એમણે મને ફરી જીતવાનો પ્રયાસ કર્યો, પામવાનો નહીં.’’ અભય વસુમાની સામે જોઈ રહ્યો, કેવી સ્ત્રી હતી આ! અકળ અને છતાં કેટલી સરળ, ‘‘મેં તારા બાપુને છાપામાં જાહેરાત આપીને બોલાવ્યા... એમની પાસે મારા સ્ત્રીત્વનો, મારા પત્નીત્વનો સ્વીકાર કર્યો... પણ અભય, એક વાત કહું ? સ્ત્રીને પામવા માટે એને સર્વસ્વ સમર્પી દેવું પડે - એક વાર ! એ પછી સ્ત્રી તમને દસ ગણું કરીને પાછું આપતી હોય છે. એ બધું જ, જે તમે એને આપો !’’

‘‘મા, આવું તે એમને કહ્યું હોત તો ?’’

‘‘એક ત્યાં જ ઊણી ઊતરી હું બેટા, માગીને મેળવવું મારો સ્વભાવ નથી અને વગર માગ્યે આપવું તારા પિતાની પ્રકૃતિ નથી.’’

મા-દીકરો ક્યાંય સુધી ચૂપચાપ એકબીજાને સમજતા બેસી રહ્યા!

પછી અભયે હળવેથી કહ્યું, ‘‘હું પરમ દિવસે રાત્રે સિંગાપોર જાઉં છું. રાત્રે સાડા બારની ફ્લાઇટ છે.’’ પછી ક્ષણેક અટકીને એનાથી પણ ધીમેથી ઉમેર્યું, ‘‘હું અને પ્રિયા જઈએ છીએ, છ દિવસ માટે.’’

‘‘વૈભવી...’’

‘‘નથી જાણતી.’’ અભયે માથી નજર હટાવીને દૂર શૂન્યમાં તાકતા ઉમેર્યું, ‘‘હું કહેવાનો પણ નથી.’’

‘‘જો બેટા, સલાહ નથી આપતી... અને તારી જરૂરિયાત પણ સમજી શકું છું. છતાં એક વાત કહેવાનું મન થાય છે.’’ વસુમાએ બીજી તરફ જોઈ રહેલા અભયનો ચહેરો ચિબુકથી પકડીને પોતાની તરફ ફેરવ્યો, ‘‘જે કરે છે એ કહેવાની હિંમત રાખ. જો તું એમ માને છે કે આમાં કંઈ ખોટું છે, તો ન કર અને જો એમ માને છે કે આમાં કંઈ ખોટું નથી તો એનો સાચા હૃદયથી સ્વીકાર કર !’’

‘‘પણ મા, એ સહી નહીં શકે.’’

‘‘સ્વાભાવિક છે !’’ વસુમાએ અભયની આંખમાં આંખ નાખી, ‘‘એ સ્વીકાર ન કરે એવું બને, પણ તારા સત્ય માટે એ હંમેશાં તારા તરફ માનની દૃષ્ટિએ જોશે, આવું તને તારી મા નહીં, એક સ્ત્રી કહે છે !’’ અભય માની સામે એવી રીતે જોઈ રહ્યો જાણે આજે માનું એક નવું ડાઇમેન્શન, નવું પરિમાણ એની સામે ઊઘડી રહ્યું હોય.

વસુમાના ચહેરા પર એક અજબ જેવો રંગ આવી ગયો હતો, ‘‘બેટા, વફાદારી એટલે એક પત્નીત્વ કે માત્ર બીજી સ્ત્રી સાથેનો સંબંધ નહીં- એવી વ્યાખ્યા નથી... વફાદારી એટલે તમે જે કરો એનો બોજ ઉપાડવાની શક્તિ...’’

‘‘હું સમજું છું મા, પણ વૈભવીને કહીશ તો કકળાટ થશે અને હું શાંતિ ઇચ્છું છું, કોઈ પણ કિંમતે.’’ પછી ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘‘એની કિંમત જુઠ્ઠાણું હોય તો હોય...’’

‘‘બેટા, હું અને તું બંને વૈભવીને વર્ષોથી જાણીએ છીએ. તને શું લાગે છે, તું એને કહીશ નહીં એટલે એ શોધી નહીં શકે ? એ શોધી કાઢે અને તને નાનો સાબિત કરીને પકડી પાડ્યાની લાગણીથી તારી સાથે સવાલ-જવાબ કરે એને બદલે હિંમતથી એની આંખમાં આંખ નાખીને એને સત્ય કહીને જાય તો મને ગમે.’’ પછી તરત જ ઉમેર્યું, ‘‘તું પ્રિયાને લઈને જાય છે એમાં મારી સંમતિ છે એમ ના માનતો, પણ તેં જવાનું નક્કી કર્યું જ હોય તો શું કરવું એટલા પૂરતી જ આ ચર્ચા છે.’’

‘‘એટલે મારો પ્રિયા સાથેનો સંબંધ તને નથી ગમતો ?’’

વસુમા ક્ષણેક અભયની સામે જોઈ રહ્યાં. પછી એક સ્મિત કયુર્ં,‘‘બેટા, હું તારી મા છું એ સાચું, તું મને ખૂબ વહાલો છે એ પણ સાચું, પણ હું એક સ્ત્રી છું. અને નાના-મોટા અંશે વૈભવીને જે થાય છે એ પીડામાંથી પસાર થઈ ચૂકી છું.’’ પછી મા-દીકરા વચ્ચેથી ખાસ્સી એવી મૌન અને વજનદાર ક્ષણો પસાર થઈ ગઈ, ‘‘તું હવે એટલો નાનો નથી કે મારા ગમા-અણગમા પર આધારિત જિંદગી જીવવા તને મજબૂર કરી શકું, પણ બેટા, તું જે કરે છે એનો હું વિરોધ નથી કરતી એટલે મારી સંમતિ છે એમ નહીં માનતો.’’

‘‘ચોખ્ખી વાત કર. દરેક વાતમાં ફિલોસોફી અને દરેક વાતમાં ગોળ ગોળ જવાબ નથી જોઈતા મારે. હા અથવા ના... બ્લેક ઓર વ્હાઇટ...’’

‘‘બેટા, જિંદગી ખરેખર હા અથવા ના કે બ્લેક અથવા વ્હાઇટ હોત તો આટલી બધી ગૂંચવણો હોત ?’’ એમણે અભયના માથે હાથ ફેરવ્યો, ‘‘હું તારી જરૂરિયાત સમજું છું. તારી લાગણી સમજું છું અને છતાં એવું પણ સમજું છું કે પરિસ્થિતિનો જે ઉકેલ તેં શોધ્યો છે એ એકમાત્ર ઉકેલ નથી જ...’’

‘‘મા, આ કોઈ ઉકેલ નથી. વૈભવી સાથે નથી બનતું માટે પ્રિયા છે એવું શા માટે ધારે છે તું ?’’ પછી અભયે અત્યંત કોમળ અને લાગણીભર્યા અવાજે ઉમેર્યું, ‘‘પ્રિયા છે, કારણ કે પ્રિયા - પ્રિયા છે. એ મને આ ઉંમરે અને આવી રીતે મળી એટલો જ અફસોસ છે...’’

‘‘જો બેટા, આ એટલી બધી અંગત બાબત છે કે એનો નિર્ણય કોઈ ત્રીજી વ્યક્તિ પોતાની જગ્યાએ બેસીને કરી શકે જ નહીં. તારી પરિસ્થિતિમાં તારાથી વધુ સારો નિર્ણાયક કોણ હોઈ શકે ?’’

‘‘એટલે જ કહું મા, કે વૈભવી આવી છે એટલે પ્રિયા નથી, પણ પ્રિયા આવી છે એટલે એ છે ! હું એને ચાહું છું મા, સાચા હૃદયથી, અને એ પણ મને ખૂબ પ્રેમ કરે છે. હું ઘર છોડીને નથી જવાનો...પણ એની સાથે થોડોક સમય ગાળવાની મારી ફરજ અને ઇચ્છા બંને છે...’’

‘‘આટલી જ સ્પષ્ટતા હોય તો વૈભવી સાથે વાત કરજે એવું હજીય મારું માનવું છે...’’ પછી હાથ પર બાંધેલી ઘડિયાળમાં સમય જોઈને કહ્યું, ‘‘ચાલો, નાસ્તાનો સમય થઈ ગયો છે.’’

અભય વસુમાની ટટ્ટાર ચાલ અને જિંદગી તરફની એમની ઇમાનદારી જોઈને મનોમન જાણે વંદન કરી રહ્યો.

સૂર્યકાન્ત મહેતા જ્યારે જે.એફ.કે. એરપોર્ટ પર ઊતર્યા ત્યારે મધુભાઈ લેવા આવ્યા હતા. મધુભાઈને ચહેરો જોઈને સૂર્યકાન્તને કોણ જાણે કેમ પણ ઊંડી ફાળ પડી.

‘‘મધુભાઈ, બધું બરાબર છે ને ?’’

‘‘કશુંયે બરાબર નથી ભાઈ... રોહિતબાબા...’’ મધુભાઈ સૂર્યકાન્તના ખભે માથું ઢાળીને રડી પડ્યા.

(ક્રમશઃ)