padchhayo -11 books and stories free download online pdf in Gujarati

પડછાયો - ૧૧

અમનના અમેરિકા ગયા પછી કાવ્યા દુઃખી હતી અને ડરેલી પણ. તેના ડરનું કારણ નયનતારાએ કરેલી ભવિષ્યવાણી હતી. ભવિષ્યવાણી અનુસાર શનિવારે પડછાયો ફરી પાછા દર્શન આપવાનો હતો અને તે શનિવાર કયામત લાવવાનો હતો. કાવ્યા ખૂબ જ ડરી ગઈ હતી પણ અમનને એ વાતનો અણસાર સુધ્ધાં આવવાં દીધો નહોતો. તે નહોતી ઈચ્છતી કે અમન અમેરિકા જવાનું માંડી વાળે આથી તેણે અમનને હસતાં મુખે વિદાય આપી રવાના કર્યો હતો. પણ તેના મનમાંથી ડર હટવાનું નામ નહોતો લેતો.

અમનના અમેરિકા ગયા નાં બીજા દિવસે કાવ્યા પોતાના મમ્મી કવિતાબેન તથા સાસુ રસીલાબેન સાથે હસી ખુશીથી સમય પસાર કરવા લાગી. આખો દિવસ બધા મજા મસ્તી કરતાં રહ્યાં. રાત્રે અમનનો કોલ પણ આવી ગયો કે પોતે સુખરૂપ ન્યુયોર્ક પહોંચી ગયો છે આથી બધા ખુશ જણાઈ રહ્યાં હતાં. કાવ્યા પણ બધાંની હાજરીમાં પોતાનો ડર ભૂલી ગઈ હતી.

શુક્રવારે રાત્રે બધા જમીને બેઠા હતા ત્યાં અમનનો કોલ આવ્યો. કાવ્યા એ રીસીવ કર્યો અને અમને વિડિયો કોલ કરવા કહ્યું તો કાવ્યા એ વિડિયો કોલ જોડ્યો ત્યાં તો અમન સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ની સામે ઊભો હતો અને કાવ્યાને તે દેખાડ્યું. કાવ્યા તો એકદમ ખુશ થઈ ગઈ. રસીલાબેન અને કવિતાબેન પણ કાવ્યા પાસે આવીને તેના ફોનમાં જોવા લાગ્યા.

અમને બંને મમ્મીઓને જય શ્રી કૃષ્ણ કહ્યું અને તેમને પણ ત્યાંનો ખુબસુરત નજારો દેખાડવા લાગ્યો. રસીલાબેન તો એમનાં દિકરાની આવી કામિયાબી જોઈ ગદગદ થઈ ગયા અને એમની છાતી ગર્વથી ફૂલાવા લાગી. કવિતાબેન પણ ખુશ થઈ ગયા.

થોડી વાર બધા સાથે વાત કર્યા બાદ કાવ્યા ફોન લઇ પોતાના રૂમમાં આવી ગઈ અને અમન પર ગુસ્સો કરતા બોલી,

"રાજા સાહેબ તો જો બધે ફરવા લાગ્યા એ પણ એકલા એકલા.. કંપનીનું કામ પતાવ્યું કે પછી પોતાના શોખ પૂરા કરવા જ ગયા છો?"

"અરે ચિબાવલી, ડીલ ફાઈનલ થઈ ગઈ છે હવે બસ એ લોકો પેપર્સ તૈયાર કરી દે એટલે હું ફ્રી અને બધું કામ પતાવ્યા બાદ જ અહીં આવ્યો છું એ પણ ખાસ તને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાડવા માટે. બાકી હું તો સીધો મારી હોટેલ પર જ જતો હતો." અમને હસતાં હસતાં કહ્યું.

"કામ પતાવી પણ દીધું.. શું વાત છે તું તો સુપર ફાસ્ટ છો હો.. પણ અમન, મારે આવી રીતે નથી જોવું કાંઈ, તારી સાથે તારો હાથ પકડીને બધું નજરોનજર જોવું છે."

"હા તો હવે હું તને પણ લાવીશ અહીં પછી જોઈ લેજે બસ.."

"તું ખાલી વાતો જ કરે છે હકીકતમાં લઈ જા ત્યારે બોલજે."

"અરે આઈ પ્રોમિસ ડિયર, તને હું બહુ જલદી અહીં ફરવા લઈ આવીશ ખુશ હવે..!"

"હા ખુશ.." કાવ્યા હસીને બોલી પછી તરત જ તેના મોં પર ઉદાસી છવાઈ ગઈ.

અમન કાવ્યાની ઉદાસી પારખી ગયો અને બોલ્યો, "બસ થોડાક જ દિવસ પછી હું તારી સાથે હોઈશ. ચાલ ખુશ થઈ જા હવે."

કાવ્યા જરાક સ્માઈલ આપી અને પછી બોલી, "અમન, તારા વિના મને જરા પણ નથી ગમતું. એમ થાય છે કે જાણે હું જીવતી છું પણ મારા પ્રાણ છે જ નહીં એ તો બસ તારી પાસે આવવા મને દબાણ કરી રહ્યા છે. ખબર નહીં હજુ ચાર દિવસ કેમ કરીને નીકળશે.."

"ચપટી વગાડતાંમાં જ નીકળી જશે ડિયર અને હું પણ જલદી તારી પાસે આવવા માંગું છું પણ મજબુર છું. પણ હું કોશિશ કરીશ કે જલ્દી આવી શકું." અમન બોલ્યો.

"કંઈ વાંધો નહીં અમન તું તારે નિરાંતે તારું કામ પતાવ. મારી ચિંતા ના કરતો. હું અહીં મમ્મી સાથે ખુશ છું અને આ વિરહની પળોને પણ ક્યારેક માણવી જોઈએ ને.." કાવ્યા હસીને બોલી. તેને હસતી જોઈ અમન પણ હસવા લાગ્યો અને પછી ફોન મૂકી દીધો.

વાત કરી કાવ્યા સૂઈ ગઈ. અમન સાથે વાત કરીને એ રિલેક્ષ મહેસુસ કરી રહી હતી આથી તેને તરત જ નિંદર આવી ગઈ. રસીલાબેન અને કવિતાબેનને અલગ અલગ રૂમ આપ્યો હતો. તેઓ ત્યાં જ સૂતાં કેમકે કવિતાબેન કાવ્યાના ઘરે થી જ સ્કૂલ જતા તો ક્યારેક તેમને સ્કૂલનું કોઈ કામ હોય તો તેઓ રાત્રે કરતા અને લાઈટ ચાલુ રહેતી. તો બીજાને સૂવામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે અલગ રૂમમાં સૂવાનું નક્કી કર્યું હતું.

બીજા દિવસે સવારે એટલે કે શનિવારે સવારે કાવ્યા ઊઠીને નાહી ધોઈને પૂજાઘરમાં જઈ માતાજીની પૂજા કરવા લાગી. ભલે નયનતારાએ કહ્યું હોય કે માતાજી પડછાયા સામે રક્ષણ નહીં કરે પણ કાવ્યાને પોતાના કૂળદેવી શક્તિ માતાજી પર પૂરો વિશ્વાસ હતો આથી જ તે વહેલી સવારમાં પૂજા કરી આરતી ગાઈ રહી હતી. તેનાં અવાજથી રસીલાબેન અને કવિતાબેન જાગી ગયા અને આરતીમાં જોડાઈ ગયા. તેઓ માનતાં કે ભગવાનની પૂજા કરવા માટે શરીર સ્વચ્છ નહીં હોય તો ચાલશે પણ મન ચોખ્ખું જ હોવું જોઈએ.

પૂજા આરતી કરી કાવ્યા એ પ્રસાદ બંને મમ્મીઓને આપ્યો અને પછી બધા ન્હાઈ ધોઈ નાસ્તો કરવા બેઠા. કાવ્યા એ હવે એકલું રહી ડરવું નહોતું આથી તેણે બંને મમ્મીઓને આ બધી વાત કહી દેવાનું નક્કી કર્યું. આથી તેણે નાસ્તો કરતા કરતા જ પોતાની સાથે થઈ રહેલ ઘટનાઓ વિશે જણાવ્યું ત્યારે રસીલાબેન અને કવિતાબેન બંનેના મોં પર કોઈ જાતનું વિસ્મય ના દેખાયું. આ જોઈ કાવ્યાને નવાઈ લાગી.

કવિતાબેન બોલ્યા, "બેટા, અમને ખબર છે એના વિશે.. અમન જતાં પહેલાં અમને બધું જ કહીને ગયો છે. તું ડર નહીં દિકરા અમે તારી સાથે છીએ."

"હા બેટા, તું નિશ્ચિંત બની જા. અમે તારી સાથે જ છીએ." રસીલાબેને કહ્યું.

"થેંક્યું મમ્મી, તમે મારી સાથે છો નહીંતર હું ડરની મારી જ મરી જાત." કાવ્યા સહેજ મુસ્કુરાઈને બોલી. પછી નયનતારા અને તેની ભવિષ્યવાણી વિશે જણાવ્યું. કાવ્યા આ વાત બોલતાં બોલતાં પણ ડરી રહી હતી. આ જોઈ કવિતાબેને તેમની લાડલી દિકરીના માથે હાથ ફેરવ્યો અને તેને શાંત કરી.

"જો બેટા, આ બધાં ધુતારા હોય એમની વાતોમાં નહીં આવવાનું. એ લોકો ડરાવીને બસ પૈસા પડાવે બીજું કંઈ નહીં. અને આપણે જેટલા ડરીએ એટલો એમને વધુ ફાયદો થાય." કવિતાબેન કાવ્યાને સમજાવતા બોલ્યા. રસીલાબેન એ પણ તેમાં હામી ભરી.

"પણ મમ્મી, એ મહિલાને કેવી રીતે ખબર કે મને પડછાયો દેખાય છે. આ વાત બસ આપણે જ જાણીએ છીએ." કાવ્યા દલીલ કરતાં બોલી.

"બેટા, એવા લોકો તારી અને અમનની આસપાસ ક્યાંક ઊભા હોય અને તમારી વાત સાંભળી લીધી હોય એવું પણ બને." રસીલાબેન બોલ્યા.

"હા એવું બની શકે મમ્મી.." કાવ્યા શાંત સ્વરે બોલી. પછી ઉમેર્યું, "પણ શનિવારનું જ કેમ કહ્યું એ નયનતારા એ?"

"હા આ વાત વિચારવા જેવી છે. બેટા આ પહેલાં તને એ પડછાયો ક્યારે ક્યારે દેખાયો છે એ જણાવ." કવિતાબેન બોલ્યા.

"આગલા સાપ્તાહ માં અને એ પહેલાંનાં સપ્તાહમાં.." કાવ્યા વિચારીને બોલી.

"મતલબ એક્ઝેક્ટ આગલા વીકમાં?" રસીલાબેન એ પૂછ્યું

"હા મમ્મી, ગયા શનિવારે અને એ પહેલાંનાં શનિવારે.." કાવ્યા આટલું બોલીને હેબતાઈ ગઈ.

"મતલબ એ મહિલાની શનિવાર વાળી વાત સાચી હોઈ શકે." કવિતાબેન બોલ્યા. રસીલાબેન એ હોંકારો ભણ્યો.

કાવ્યા આ સાંભળી ડરી ગઈ અને બોલી, "જોયું.. એ નયનતારા સાચું જ કહી રહી હતી. એ પડછાયો આજે આવશે કયામત લઇને આવશે.." આટલું બોલી એ રડવા લાગી.

રસીલાબેન કાવ્યાને ગળે લગાવી શાંત કરવા લાગ્યા. કવિતાબેન હજુ વિચારમાં જ હતાં. ક્યાંય સુધી તેઓ વિચારતા રહ્યા આખરે તેઓ બોલ્યા, "એ પડછાયો શનિવારે જ કાવ્યાને દેખાય છે પણ શનિવારે જ શા માટે? બીજા કોઈ વારે કેમ નહીં? અચ્છા કાવ્યા, કોલેજમાં કોઈ છોકરો તારાં એકતરફી પ્રેમમાં હતો કે પછી બીજે ક્યાંય? એવું બની શકે કે તે એનો પ્રેમ ઠુકરાવી દીધો હોય અને એને એ ગમમાં હોય. એ ગમમાં જ એણે આપઘાત કરી લીધો હોય અને હવે તને પરેશાન કરતો હોય."

"ના મમ્મી.. એવો તો કોઈ છોકરો હતો નહીં અને હું તો એ પડછાયાને ઓળખતી પણ નથી. મેં ક્યારેય એના જેવો કોઈ છોકરો પણ નથી જોયો. હવે એ શનિવારે જ શા માટે દેખાય છે એની મને કેવી રીતે ખબર હોય અને મમ્મી તમે મને ડરાવી રહ્યા છો." કાવ્યા રડવા જેવી થઈ ગઈ.

"સારું ચાલ કાંઈ વાંધો નહીં. તું ચિંતા ના કર અમે તારી સાથે જ છીએ અને રડ નહીં, હિંમત રાખ દિકરા. મેં તો તને કેટલી હિંમતવાન બનાવી હતી તો હવે કેમ હિંમત હારી રહી છે!" કવિતાબેન પોતાની દીકરીને હિંમત આપતા બોલ્યા.

"હા બેટા, હિંમત રાખ. અમે તારી સાથે જ છીએ." રસીલાબેન પણ કાવ્યાને માથે હાથ ફેરવતાં બોલ્યાં.

"હા મમ્મી, બીજો કોઈ ઉપાય જ નથી. હિંમતથી જ કામ લેવું પડશે." કાવ્યા થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરી બોલી.

કવિતાબેને દિકરીની સાથે રહેવા આજે રજા રાખી લીધી હતી. બધા સાથે જ રહેતા જેથી કાવ્યા ડરે નહીં. આમ ને આમ રાત પડી ગઈ. આકાશમાંથી કાળાં રંગનો ધુમાડો કાવ્યાના ઘરની અગાશી પર આવી વિખેરાઈ ગયો અને એમાંથી ધીમે ધીમે એક માનવાકૃતિ જેવું રચાયું અને પડછાયા સ્વરૂપમાં દ્રશ્યમાન થયું.

***********

વધુ આવતા અંકે

કોનો છે આ પડછાયો? તે ફક્ત કાવ્યાને જ કેમ દેખાય છે? શું તે કાવ્યાનો કોઈ એકતરફી પ્રેમી છે જે કાવ્યાને પરેશાન કરવા માંગે છે અથવા કાવ્યાને પોતાની સાથે લઈ જવા આવ્યો છે? અને તે શનિવારે જ શા માટે દેખાય છે? આ બધા રહસ્યો જાણવા માટે વાંચતા રહો આ દિલધડક સસ્પેન્સ હોરર નોવેલનો આગલો ભાગ.