nari tu na haari - 4 books and stories free download online pdf in Gujarati

નારી 'તું' ના હારી... - 4

( સવિતાબેન પાછળ એકવાર પેટ જોયા વિના ઘર તરફ નીકળી ગયા અને મોહનભાઇ ત્યાં જ ટેકો દઈને બેસી ગયા...)

પછી મોહનભાઇ એક ઊંડો નિશ્વાસ નાખીને ત્યાંથી ઉભા થઇ ગયા. ધીમે ધીમે ચાલીને એ ઘરે પહોંચ્યા. અંદર જઈને જોયું તો સવિતાબેન શેટી પર બેસીને રડતા હતા. બન્ને ગોઠણને છાતી સરસા ચાંપીને ગોઠણ પર માથું નાખીને સવિતાબેન ડુસકા ભરતા હતા. બાજુમાં ઘોડિયામાં માનસી હજી પણ એટલી જ નિર્દોષતાથી સૂતી હતી.

મોહનભાઇ ઉંબરા પાસે ઉભા ઉભા થોડીવાર બધું જોઈ રહ્યા. મોહનાભાઈને પણ હવે પરિસ્થિતિ વધારે વણસી હોઈ એમ લાગ્યું. જો કે એમની નજર સામે જે જોયું એ પરથી તો સવિતાબેન માફીને પાત્ર હતા નહિ પણ મોહનભાઇના મનની દીવાલો એટલી પણ મજબૂત નહોતી કે સવિતાબેનની આંખોના આંસુઓના વહેણ સામે ટકી શકે. જેટલો જલ્દી એમને ગુસ્સો આવી જતો એટલી જ જલ્દી એ ઉતરી પણ જતો.

ધીરેથી મોહનભાઇ સવિતાબેનની પાસે ગયા અને એના માથા પર હળવેથી હાથ મુક્યો. માથા પર મોહનભાઇનો જ સ્પર્શ થયો હોવા છતાં સવિતાબેને ઊંચું માથું કરવાની તસ્દી પણ ના લીધી જાણે બધા દોષનો ટોપલો એ મોહનભાઇ પર ઢોળી દેવા માગતા હોય. જ્યારે એમને લાગ્યું કે મોહનભાઇ એમની નજીક આવ્યા એટલે એ વધારે હિબકે ચડ્યા.

" સવિતા.." મોહનભાઇએ હળવેથી માથા પર હાથ મુકતા કહ્યું.

સવિતાબેન કશું બોલ્યા વિના એમ જ બેઠા રહ્યા. મોહનભાઇના ભોળપણનો પૂરેપૂરો લુપ્ત ઉઠાવી લેવા ઇચ્છતા હોય એમ જેમ મોહનભાઇ એને બોલાવે એમ વધુને વધુ હિબકે ચડતા હતા.

" આપડી દીકરી આમ ભૂખી હુઈ જાય અને તું બાર આમ રખડતી હો..ખબર નો પડે તને?" એકદમ નમ્રતાપૂર્વક મોહનભાઇએ કહ્યું.

સવિતાબેને ઊંચું માથું કરીને મોહનભાઇ સામે જોયું પણ શબ્દોની કોઈ આપ-લે ના થઈ. બંનેની આખો જાણે એકબીજાને સમજવા કાફી હતી. બન્નેની આંખોમાં આંસુ હતા. મોહનભાઇની આખોમાં દીકરીના ભવિષ્યને લઈને અને સવિતાબેનની આંખોમાં પોતાની ભૂલને લઈને. શબ્દો હવે આંસુઓ રૂપે બહાર નીકળતા હતા અને બન્ને જાણે આંખો માત્રથી એકબીજાને સમજી રહ્યા હતા. સવિતાબેન ઉભા થયા અને તરત જ મોહનભાઇને ભેટી પડ્યા અને જોરજોરથી રડવા લાગ્યા જાણે આજે એની બધી જ ભૂલોને આંખના આંસુ સાથે વહાવી દેવી હોય, બાથ ભીડીને જાણે મન હળવું ફુલ જેવું કરી નાખવું હોય. મોહનભાઇની છાતીમાં માથું નાખીને એની ભૂલ સ્વિકારવાનો મોકો આજે મોહનભાઈએ સામેથી જ આપ્યો હતો.

મોહનભાઇ શાંત ઉભા હતા અને એ પણ સવિતાબેનના માથામાં હાથ ફેરવીને જાણે છાના રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં કેમ કે હવે શબ્દોની કોઈ અસર થાય એમ નહોતી.

મોહનભાઇએ સવિતાબેનની આંખોમાંથી આંસુ લૂછયા અને પછી હળવેથી એની ચિબુક પકડીને એના કપાળ પર ચુંબન કરીને મોહનભાઇ થોડા અળગા થયા અને પછી માનસી પાસે ગયા. એના માથા પર પણ હાથ ફેરવીને એ બહાર ફળિયામાં પાવડો અને કોદાળી લેવા નીકળી ગયા. જ્યારે એ લઈને ફરી બહાર નીકળવા જતા હતા ત્યારે એણે અંદર નજર કરી કે સવિતાબેન માનસીને ખોળામાં લઈને ખવડાવી રહ્યા હતા. એક હળવું સ્મિત વેરતા મોહનભાઇ ફરી વાડીના રસ્તે નીકળી ગયા.

વાડીએ પહોંચતા ઘણું મોડું થઈ ગયું હતું એટલે એમના બાએ સ્વાભાવિક રીતે પૂછ્યું કે આટલી વાર કેમ લાગી. પણ એના પ્રત્યુત્તરમાં મોહનભાઇએ કહ્યું કે, " ઘડીક લાંબો થયો તો.." આજે બની ગયેલી વાતને જાણે એ ચાર દીવાલ વચ્ચે જ ગોંધી રાખવા માંગતા હતા.

ધીમે ધીમે માનસી મોટી થઈ રહી હતી. સમય કેમ જતો હતો એની ખબર જ નહોતી પડતી. માનસી દોઢ વર્ષની થવા આવી હતી. અને હવે તો સવિતાબેન પણ માનસીને લઈને વાડીએ આવી જતા. માનસીને એ લોકો જ્યાં કામ કરતા હોય ત્યાં જ બાજુમાં બેસાડતા અને એ વાડીમાં ઉગેલા ખડની સાથે રમ્યા કરતી.

નાનપણથી જ માનસીની જીંદગીમાં સંઘર્ષનો પાર નહોતો. એક મુસીબત જાય ત્યાં બીજી આવીને જ ઉભી રહેતી. ક્યાં ચોઘડિયામાં એનો જન્મ થયો હતો કે કંઈક ને કંઈક મુશ્કેલીના વાદળ એની ઉપર ઘેરાયેલા જ રહેતા.

જ્યારથી માનસી ચાલતા શીખી ત્યારથી ફળિયામાં અને ઘરમાં આમતેમ દોડાદોડ જ કરતી રહેતી. મોહનભાઇના બા અને આજુબાજુના બધા લોકો ઘણીવાર કહેતા, " સોડી બોવ જીવરી હો.."

મોહનભાઇને લાગતું કે માનસી હંમેશા એનું ધાર્યું જ કરતી. જ્યારે એ જીદ પર ચડતી તો બસ એ વસ્તુ મેળવીને જ રહેવી એ પ્રકારનું જાણે એનું વર્તન થઈ ગયું હતું અને એમાં મહદઅંશે સવિતાબેનનો જ ફાળો હતો કારણ કે આખો દિવસ તો માનસી એની પાસે જ રહેતી.

એક દિવસ સવિતાબેન ઘરનું કોઈ કામ કરવા માટે ઘરે રહ્યા હતા. મોહનભાઇએ માનસીને પોતાની સાથે વાડીએ લઇ જવાનું કહ્યું પણ સવિતાબેને ધરાર એને ઘરે જ રહેવા દેવાની જીદ કરી. મોહનભાઇને એ દિવસની બની ગયેલી ઘટના પરથી હજી પણ એવું જ લાગતું કે માનસી પોતાની સાથે રહે તો વધુ સારું પણ અંતે મોહનભાઇને ઝુકવું પડ્યું.

પણ કહેવાય છે ને કે નસીબની કઠણાઈ માંડેલી હોય ને એટલે ગમે એટલું ધ્યાન રાખોને તો પણ એ થઈને જ રહે. એક તો સવિતાબેન પર બેદરકારીની લાલ ચાદર પહેલેથી હતી જ એમાં પણ આજે જાણે અજાણતા જ માનસીને ઘરે રાખવાની જીદ કરીને એ નવી મુસીબતની ચાદર ઓઢવા જઇ રહ્યા હતા.

સાંજનો સુરજ આથમવા આવ્યો હતો. સૂર્યની લાલાશ હવે જાણે ધરતી પર હળદર ને મરચાનું મિશ્રણ પાથર્યું હોય એમ વર્તાતી હતી. આખો દિવસ કાળી મજૂરી કરીને આ ધરતીના ધણી એવા કૃષિપુત્રો હવે ઘર તરફ જવાના મંડાણ કરી રહ્યાં હતાં. કોઈ પોતાના ગાડામાં તો કોઈ માથા પર તગારા મૂકીને ઘર તરફ દોટ મૂકી રહ્યા હતા. મોહનભાઇ અને એમના બા પણ કામ અહીંયા જ આટોપી કાલ સવારે ફરીથી આરંભ કરવાનું નક્કી કરી ઘર તરફ નીકળ્યા.

એ દિવસે સાંજે જ્યારે મોહનભાઇ અને એમના બા વાડીએથી ઘરે આવ્યા ત્યારે જોયું કે માનસી ફળિયામાં ચોકડી પાસે ઉબકા કરતી હતી. મોહનભાઇએ આવીને તરત જ બધી જ વસ્તુ પડતી મૂકીને એને તેડી લીધી. મોહનભાઇના બા પણ આમથી દોડતા આવ્યા. સવિતાબેન અંદર ઘરમાં કઈ વસ્તુ લેવા ગયા હતા.

" હું થયું સે બટા તને?" હાંફળા ફાફળા થતા મોહનભાઇએ કહ્યું.

" સવિતા..આ ઉબકા કરે સે ને તું ક્યાં ગુડાણી સો?" મોહનભાઇએ જોરથી સવિતાબેનને સાદ કર્યો.

સવિતાબેન પણ જાણે કોઈ ફાળ પડી હોય એમ તરત જ દોડતા બહાર આવ્યા. માનસી હાંફી રહી હતી અને કદાચ એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોય એવું લાગતું હતુ.

" ક્યારનું આમ થાય સે આને?" તરત જ મોહનભાઇએ સવિતાબેનને પૂછ્યું.

" હજી તો આય રમતી તી.. હું શાક લેવા અંદર ગઈ હજી ત્યાં ખબર નઇ આમ કેમ કરે સે.." સવિતાબેનના કપાળ પર પણ ચિંતાની રેખાઓ સ્પષ્ટ વર્તાતી હતી.

માનસીને તેડીને મોહનભાઇ ઉભા હતા ત્યાં એમને કંઈક અજીબ દુર્ગંધ આવી. એમણે આજુ બાજુ જોયું પણ કઈ દેખાયુ નહીં. ક્યાંક નજીકથી જ આવતી એકદમ તીવ્ર આ દુર્ગંધ કેરોસીનની હતી અને એ માનસીના મોઢામાંથી જ આવે છે એ એમને ખબર પડી જ્યારે માનસીનું મોઢું એમણે સૂંઘયું.

" આના મોઢામાંથી તો ઘાસલેટની(કેરોસીન) વાસ આવે સે.." એકદમ ગુસ્સાભરી નજરે મોહનભાઇએ સવિતાબેનની સામે જોયું.

આજે ફરિવાર માનસીને ઘરે રાખવાની જીદ કરીને એને સાચવવામાં અને એક માતા તરીકેની ફરજ બજાવવામાં સવિતાબેન નિષ્ફળ સાબિત થયા હતા. આજે ફરીવાર આટલા સમયમાં પોતાની દીકરીને લઈને સવિતાબેન પ્રત્યે બંધાયેલો થોડોઘણો વિશ્વાસ ફરી પડી ભાંગ્યો હતો.

" આ ઘાસલેટની શીશી જ મોઢે માંડી સે એણે.." મોહનભાઇના બા ચૂલા પાસેથી બોલ્યા.

ચૂલો સળગાવવા માટે બે ટીપાં કેરોસીન લાકડા પર નાખવા માટે રાખેલી કેરોસીનની બોટલ માનસીએ મોઢે માંડી હતી એ એમણે ચેક કર્યું.

મોહનભાઇની આંખોમાં ગુસ્સો બહુ હતો પણ આ સમય કઇ કહેવાનો નહોતો. માનસીનો શ્વાસ હવે રૂંધાવા લાગ્યો હતો એ બોલવાની કોશિશ કરવા છતાં બોલી પણ નહોતી શકતી અને રડી પણ નહોતી શકતી.

( વધુ આગળના ભાગમાં...આપના અમૂલ્ય પ્રતિભાવની આશા સહ જય શ્રીકૃષ્ણ...)