Samarpan - 20 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 20

આગળના ભાગમાં આપણે જોયું કે દિશા રુચિને એકાંત વિશેની હકીકત જણાવે છે, જે સાંભળીને રુચિ થોડી વિચારમાં પડી જાય છે. દિશા રુચિને એમ પણ જણાવે છે કે રુચિ જ હમેશા તેની પ્રયોરિટી રહી છે અને રહેશે. અને રુચિને નહીં ગમે તો એકાંત સાથે વાત તે નહિ કરે એમ પણ દિશા જણાવી દે છે. બીજા દિવસે રુચિ કૉલેજ જાય છે અને દિશા એકાંત સાથે થોડી વાત કરી અને કેટલીક પંક્તિઓ પણ ''અભિવ્યક્તિ''માં ટાંકે છે. રુચિ કોલેજમાં નિખિલને લેક્ચર પછી જરૂરી વાત કરવા માટે એકલા બેસવાનું જણાવે છે. કોલેજમાં નિખિલના મિત્રો સાથે હોવાથી બંને એક બગીચામાં દૂર જઈને બેસે છે. પહેલા નિખિલ થોડા મઝાકના મૂડમાં વાત કરે છે. પણ રુચિની ગંભીરતા સમજતા એ શાંતિથી વાત સાંભળે છે. રુચિ તેની મમ્મી સાથે થયેલી બધી વાત નિખિલને જણાવે છે. હવે જોઈએ આગળ શું થાય છે...

સમર્પણ - ભાગ-20


રુચિ અને નિખિલની વાતો હજુ ચાલુ જ હતી. નિખિલનો જવાબ સાંભળીને રુચિ બોલવા જતી હતી.. "પણ..."
રુચિને વચ્ચે જ અટકાવીને નિખિલે કહ્યું :
"હવે છોડ આ પણને બણ... જો સીધી જ વાત છે. દરેક વ્યક્તિને આજે સમય પસાર કરવા માટે કોઈકનો તો સહારો જોઈતો જ હોય, આ પહેલાના જેવો જમાનો નથી રહ્યો હવે. અને આ ઓનલાઈન દુનિયામાં કોણ કોને ક્યારે મળી જાય એ પણ કઈ કહેવાય નહીં. છતાં તારા મમ્મી ખૂબ સમજદાર છે, જે તારી સાથે આ રીતે બધી જ વાત શેર કરે છે અને એ પણ એક friendની જેમ. જોકે એમને આ બધું નોર્મલ ના લાગતું હોય એ સ્વાભાવિક છે. તારા પપ્પાને આ દુનિયામાંથી ગયે કેટલા બધા વર્ષો વીતી ગયા ? છતાં પણ એમને પોતાના માટે કંઈજ વિચાર્યું નહિ, જો એમને પણ એવી ઈચ્છા કરી હોત તો એમને પણ અપનાવનારા ઘણાં મળી જતા. પરંતુ તારું જીવન સાવ બદલાઈ જાત. એ દરેક બાબતમાં તને સાથે રાખવા માંગે છે, તને સાથે લઈને ચાલવા માંગે છે, આજસુધીની તારી દરેક જરૂરિયાત એમણે પુરી કરી છે. એક રીતે કહું તો તારા કારણે એમણે એમની ખુશીઓને પણ છોડી દીધી છે. પણ હવે આ સમય તારે એમને સમજવાનો છે. મમ્મી કોઈ સાથે વાત રહ્યા છે એ મને તો ખોટું નથી જ લાગતું."
"તારી વાત સાચી છે નિખિલ. આ સમયે મારે મારી મમ્મીને સમજવી જોઈએ. હું મમ્મીને પુરેપુરો સાથ આપીશ, અને સમજાવીશ કે કોઈ guilty ના રાખે મનમાં. તે જે કહ્યું એ મને ગમ્યું. થેન્ક યુ નિખિલ." રુચિએ હસતા મોઢે નિખિલને જવાબ આપ્યો.
નિખિલે પણ મસ્તી ભર્યા અંદાઝમાં કહ્યું : "તારું થેન્ક યુ તારી પાસે રાખ, મને તો થેન્ક યુ ના બદલામાં બીજું કંઈક જોઈએ."
"શું જોઈએ છે ?" રુચિએ પણ ગેલમાં આવીને જવાબ આપ્યો.
"સમજી જવાનું હોય, શું જોઈએ છે ?" રુચિની આંખોમાં આંખો નાખીને એને થોડી નજીક ખેંચીને નિખિલે જવાબ આપ્યો.
રુચિ થોડી શરમાઈ ગઈ અને કહ્યું : "હમણાં કઈ નહીં, બધું જ મેરેજ પછી."
"અરે હું તો કિસ માગું છું એક, બીજું મારે પણ હમણાં કઈ નથી જોઈતું." નિખિલે મીઠો ગુસ્સો કરતા જવાબ આપ્યો.
"ના, એ બધું જ મેરેજ પછી, હમણાં કઈ નહિ એટલે કઈ નહિ." રુચિ જાણી જોઈને નિખલને ચીડવવા લાગી.
નિખલે થોડો ખોટો ગુસ્સો બતાવતા કહ્યું. : "આખા રોમાન્ટિક મૂડની પથારી ફેરવી નાખી. "
" રુચિએ પણ નિખિલને વધુ ચીડવવા જવાબ આપ્યો. "હજુ પણ વિચારી લે... હજુ મેરેજ નથી થયા..... આવી જ છું હું.. પછી પાછળથી પસ્તાવો ના થાય...."
રુચિના બંને હાથને નિખિલે પોતાના હાથમાં પકડી લીધા, અને કહ્યું : "અરે ગાંડી હું તો મઝાક કરું છું, તારા જેવું મને આખી દુનિયામાં કોઈ નહિ મળે !"
બંને જણા એકબીજાની આંખોમાં આંખો પરોવીને એકમેકને જોતા રહ્યા. થોડીવાર ત્યાં બેસી અને બન્ને આઈસ્ક્રીમ ખાવા માટે ગયા. નિખિલ રુચિને એના ઘરે મૂકવા માટે આવ્યો. રુચિએ તેને ઘરે આવવા માટેનું કહ્યું, પણ નિખિલે ના કહેતા કહ્યું : "આજે તું મમ્મી સાથે સમય વિતાવી લે, અને મમ્મીને ખુશ કરી દે. હું ફરી ક્યારેક આવીશ."
દિશા ઘરનું બધું કામ પૂરું કરું રુચિની રાહ જોઇને જ બેઠી હતી. રુચિએ ઘરમાં આવીને પહેલા જ એની મમ્મી ઉપર Hug કરીને વહાલ વરસાવ્યું. અને પછી ફ્રેશ થવા માટે ચાલી ગઈ. દિશા તેની રાહ જોતી હોલમાં જ બેઠી હતી. રુચિ પણ ફટાફટ કપડાં બદલી, ફ્રેશ થઈ અને હોલમાં જ આવી ગઈ.
રુચિના આવતા જ દિશાએ કહ્યું : "તારે કઈ ખાવું છે ? કઈ નાસ્તો બનાવી આપું ?"
"ના મમ્મી, હું અને નિખિલ બહાર આઈસ્ક્રીમ ખાવા ગયા હતા, અને હમણાં જ એ મને ઘરે મૂકીને ગયો. તું બેસ શાંતિથી."
"ઓહઃ.. નિખિલ આવ્યો હતો તો એને અંદર ના બોલાવ્યો ?" દિશાએ તરત જ સવાલ કર્યો.
જવાબમાં રુચિએ કહ્યું "ના, એ ફરી ક્યારેક આવશે એમ કહીને ચાલ્યો ગયો."
દિશા "સારું" એમ બોલી અને નીચી નજર કરીને બેસી રહી.
રુચિ દિશાની નજીક આવી અને બેઠી. વાત પણ તેને જ શરૂ કરતાં કહ્યું :
"મમ્મી, તું જે વ્યક્તિ સાથે વાત કરે છે, એની સાથે વાત કરતી રહેજે. મને એમાં મને કાંઈ ખરાબ લાગવાનું નથી. હું પણ સમજુ છું કે તે મારી પાછળ ક્યારેય પોતાને સમય નથી આપ્યો, અને હવે તો હું પણ થોડા સમયમાં આ ઘર છોડીને ચાલી જઈશ. પછી તો તું સાવ એકલી થઈ જઈશ. અને અત્યારે પણ હું તને સમય નથી આપી શકતી. માટે હું સમજી શકું છું કે એકલા-એકલા કેટલો કંટાળો આવે."
રુચિની વાત સાંભળીને દિશાને અંદરથી જ જાણે એક અલગ ખુશીનો અનુભુવ થયો હોય એમ હૈયે ઠંડક પ્રસરાવવા લાગી. તે કઈ ખાસ બોલી શકી નહિ. પણ બસ રુચિને "thank you" કહીને માથે હાથ ફેરવ્યો. થોડીવાર સુધી બંને એમ જ બેઠા રહયા. સાંજે જમીને રુચિ નિખિલ સાથે વાતોમાં લાગી ગઈ અને દિશા અભિવ્યક્તિ અને એકાંતના મેસેજના જરૂર પૂરતા જવાબ આપવામાં.
દિવસો પાણીની વેગે પસાર થવા લાગ્યા. રુચિ પણ દિશાની ખુશીમાં ખુશ હતી. દિશા પણ પોતાની પ્રાયોરિટીમાં રુચિને જ રાખતી. સમય મળે ત્યારે જ તે એકાંત સાથે વાતો કરતી.
એકાંત અને દિશા હજુ એકબીજાના નામ સિવાય એકબીજા વિશે કશું જ જાણતા નહોતા. એકબીજાના ફોન નંબરની આપ-લે કરી હતી, એટલે કયારેક કયારેક તેઓ ફોન ઉપર પણ વાત કરી લેતા. દિશા જીવનના દરેક પગલાં સમજી વિચારીને ભરનાર સ્ત્રીમાંની એક હતી. તેથી online મુલાકાતમાં થોડું અંતર સચવાય એની કાળજી લેતી. બંનેની online મુલાકાતને ચાર મહિના વીતી ગયા હતા. બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી. સવારથી ઉઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી સહેજ પણ સમય મળે એટલે એકબીજા સાથે સમય વિતાવી લેતા. છતાં બંનેમાંથી કોઈએ શાબ્દિક મર્યાદા ઓળંગવાનો પણ પ્રયત્ન સુદ્ધા કર્યો નહોતો.
અચાનક આજે દિશાને શું સુજ્યું? કે એણે એકાંતને સીધે-સીધું પૂછી લેવાનો નિર્ણય કર્યો, ''તમે મને કઈ દૃષ્ટિમાં વિચારી રહ્યાં છો ?''
એકાંત : ''એટલે ? હું કાંઈ સમજ્યો નહીં, અજાણતાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે શું ?''
દિશા : ''ના, પણ આટલા મહિનાઓની વાતચીતના પરિણામ સ્વરૂપ તમે મારા વિશે કોઈ અનુમાન તો ધરાવતા જ હશો.''
એકાંત : ''હા એક બાહોશ વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી સાથે સળંગ ચાર મહિના હું contectમાં રહી શક્યો છું તો મારા મનમાં ખરેખર એક વિચાર તો છે જ.''
દિશા : ''શુ હું જાણી શકું ?''
એકાંત : ''જી હા, આપણે રૂબરૂમાં ક્યારેય મળ્યાં નથી છતાં આટલા દિવસની ઓળખાણ ઉપરથી મને એવું લાગે છે કે મારા જીવનમાં એક વ્યક્તિની જગ્યા ખાલી છે તે ખોટ તમે જ પુરી શકો એમ છો.''
દિશા વિચારમાં પડી ગઈ, ''ક્યાંક મોટી ભૂલ તો નથી થઈ ગઈને ? આ માણસ પોતાને જીવનમાં લાવવાં માટે તૈયાર થયો છે પરંતુ મારી વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અજાણ જ છે. જયારે એણે મને reletionship status વિશે પૂછ્યું ત્યારે મારો આપેલો જવાબ જ આનું કારણ હોઈ શકે છે. શુ મેં મારી વાસ્તવિકતાનો ચિતાર નહીં આપીને એને છેતર્યો ગણાશે ? ના, ના.. અત્યાર સુધીમાં આવી કોઈ વાતનો અણસાર જ નથી મળ્યો કે મારે એને કહેવું પડે, અને શું ખબર એ વાસ્તવિકતા જાણ્યા પછી વાત કરવા જેટલો પણ સંબંધ રાખશે કે કેમ ? આખરે છે તો એ એક online contect જ ને ! હશે, પણ હવે મારે એને બધું જ કહી દેવું જોઈએ જેથી એ આગળ સપના જોવાના બંધ કરે, અને હું પણ એને છેતરવાના guilt થી દુર રહી શકું.''
દિશા : ''હું તમને મારી એક વાસ્તવિકતા કહેવા માગું છું.''
એકાંત : ''મારા પ્રસ્તાવને અનુરૂપ તમારે કાંઈ કહેવું પડે એમ હોય, અને સ્વીકાર કરી શકો એમ ના હોય તો બેશક તમે કોઈ રીતે બંધાયેલા નથી, અથવા મને કોઈ પણ પ્રકારે ખરાબ લાગવાનું નથી.''
દિશા : ''છતાં, મારે મારા satisfaction માટે પણ કહેવું જોઈએ એમ મને લાગે છે.''
(પોતાનો રુચિ સાથેનો letest ફોટો સેન્ડ કરે છે.)
એકાંત : ''વાહ, સુંદર લાગો છો, સાથે sister છે ? ''
દિશા : ''મારી દીકરી છે.''
થોડીવાર એકાંતના કોઈ મેસેજ આવતા નથી, એટલે દિશા માની લે છે કે...''એકાંતની expectation હતી એ ખોટી પડી હોવાથી હવે એ કદાચ વાત નહીં કરે, અને સાચું જ છે, દરેક લોકો એકબીજાથી કોઈક ને કોઈક સ્વાર્થના લીધે જોડાયેલા હોય છે. અહીં એ સ્વાર્થનો મતલબ પૂરો થઈ જતો હોવાથી હવે કદાચ વાત ના પણ કરે તો એનો કોઈ વાંક નથી.'' થોડી વાર વિચારીને..''પણ મારું શું ? મેં તો જાણી જોઈને છુપાવ્યું તો નહોતું જ. મને એમ હતું કે online relation થોડા દિવસના જ રહેતા હોય છે, જેમાં personal વાતો ને મહત્વ ના આપવું જોઈએ. હશે, જે કાલે થવાનું હતું એ આજે થઈ જશે, બાકી મારો પણ કોઈ વાંક તો નથી જ.''
ઘણીવાર સુધી એકાંતનો કોઈ મેસેજ ના આવતા તે ફોન મૂકી અને કામે વળગી ગઈ...

વધુ આવતા અંકે...!!!