pratham milan books and stories free download online pdf in Gujarati

પ્રથમ મિલન

ટ્રીન ટ્રીન..,
ટ્રીન ટ્રીન....
"આરુ બેટા.., જો તો કોણ છે? કદાચ ધારા હશે, તું સુતી હતી ત્યારે એનો ફોન આવ્યો હતો.." મમ્મી મને બૂમ પાડી રહી હતી.
"હા, ઉઠાવુ છું.." હું ફોન પાસે જતા જતા બોલી.

વાત છે આજથી અંદાજે સાતેક વર્ષ પહેલાંની, મારી 12th ની પરિક્ષા આવી રહી હતી. હું અને ધારા પહેલા ધોરણથી સાથે જ.., મારી પાક્કી સહેલી. આમ તો એ દિવસોમાં નવરાત્રિ ચાલી રહી હતી, પણ પરિક્ષા ને લીધે જોઈએ એટલો ઉત્સાહ ન હતો. મેં નકકી કરેલું કે ખાલી સાતમે અને આઠમે નોરતે જ રમવા જઈશ. અને આજે બીજુ નોરતુ હતું.

"ઓ કુંભકર્ણનું female version! કેટલું ઊંઘે છે હેં? એક વાત કહેવી છે, તું સાત વાગ્યાની આસપાસ તૈયાર રહેજે, મારી પાસે એક પાર્ટીપ્લોટના પાસ આવ્યા છે, આપણે જવાના છીએ." ધારા એકી શ્વાસે બોલી.

"પણ, હમણાં આટલું જલ્દી કેમની તૈયાર થાવ હું? અને કોણ આવે છે સાથે આપણી? ઘરે વાત કરી??" હું ઘડિયાળ સામે નજર કરતાં બોલી.. પાંચ વાગેલા.

"તું સવાલ બંધ કર પહેલાં, મારા પપ્પા છે સાથે.. કોઇ ટેન્શન ન કર ઘરે કઇ દે જે. અને આમ પણ ત્યાં દસ વાગતાં બધુ પુરૂ થઇ જશે.. "

"ભલે, તું શું પહેરે?" મેં પુછ્યું.

"ચણીયાચોળી" એ એક જ શબ્દમાં બોલી.

"સારૂ ચલ."

"તું તૈયાર થઈને સર્કલ પાસેના પેટ્રોલપંપે મળજે.. bye"
કહી એણે ફોન કાપ્યો.

આમ તો મારા ઘરેથી એટલી પણ છૂટછાટ ન હતી, પણ ધારાના નામથી બધે જઈ શકાતું.. અને એને મારા નામથી રજા મળતી.

હું ફટાફટ તૈયાર થઈ પેટ્રોલપંપ પાસે પહોંચી એ મારી રાહ જોઈ રહી હતી..

" કોણ કોણ આવે છે?" મેં એને પુછ્યું.

"વિધી અને કોમલ, કીધું હતુ બંનેને જલ્દી કરજો પણ ફટાકડીઓ તૈયાર થવામાં કલાકો કરે.." ધારા થોડી ગુસ્સે હતી.

"મુકને હવે આવશે હમણાં, પણ તારા પપ્પા ક્યાં છે?" મેં એમને જોયા નહીં એટલે પુછ્યું.
અને એ મારી સામે મલકાઇ રહી..

"તું ખોટું બોલી??" મને ગુસ્સો પણ આવ્યો અને ક્યાંક ડર પણ..

"સાચું કીધું હોત તો તું આવેત? અને ટેન્શન ન લે મારી સોસાયટીના એક ભાઇ છે એ ત્યાં આવાના છે. હમણાં આપણે રિક્ષા કરીએ પછી એ બધાને ઘરે મુકી જશે...
આ વાળ કેમ બાંધ્યા છે તે ખુલ્લા કર" એ વાત બદલીને મારા માથાનું બકલ ખોલતાં બોલી..

" ધારા વાળની મસ્તી ન કર પ્લીઝ હં, મને નથી પસંદ ખુલ્લા વાળ.."

"રાખ ને યાર મસ્ત હિરોઇન જેવી લાગે છે, ક્યાંક મનના માણીગર ભટકાઈ જાય તો પાગલ થઈ જાય.." ધારા વધુ મસ્તી કરતા બોલી..

"મારા મનના માણીગર બવ મોંઘા છે, આમ આટલા જલ્દી ન મલે.." એના હાથમાંથી બકલ ઝૂંટવી વાળ બાંધતા મેં કહ્યું..

ત્યાં વિધી અને કોમલ પણ આવ્યા., અમે નિકળ્યા..

પાર્ટી પ્લોટની બહાર અમે પાસની રાહ જોઈ રહ્યા હતાં..
"હજું મોડુ નથી થયું ચાલને રિક્ષા કરી ઘરે.. આ તારો કહેવાતો ભાઇ આવશે નહીં ને મોડુ થશે તો પછી રિક્ષા ય નહીં મળે." હું રાહ જોઈને કંટાળીને બોલી..

"એ આવી ગયા જો.. " કહી ધારાએ હાથ ઊંચો કરી કોઈને સંકેત આપ્યો..

મેં એ દિશામાં નજર કરી..
"દેવભાઇ..... આ બાજું..... " ધારા જોરથી બૂમો પાડી રહી હતી..

મને સામેથી કોઈનો હાથ દેખાયો..
એ એક હાથે ખિસ્સામાં ચાવી નાંખી, પછી પાસ હાથમાં લઈને આ બાજુ આવી રહ્યો હતો..
પિળો કુરતો, સફેદ ચોરણી, અને મરુન બાંધણી દુપટ્ટો બાંધેલ એ ભીડમાં અલગ તરી આવતો હતો..
કામદેવ પણ શરમાય એવું મોહક સ્મિત, પુરી છ ફૂટની કાયા... સાચે જ કોઈ દેવ લાગી રહ્યો હતો..

હું ઇચ્છવા છતાં નજર હટાવી શકી નહોતી.
એ અમારી પાસે આવ્યો, ધારાને પાસ આપ્યા..
જસ્ટ ફોર્મલીટીનું અમને હાઇ કર્યું, અને અથડાઇ આંખ જરાં વાર...
એક અજુગતું સ્મિત વેરાય રહ્યું..

"તમે અંદર જાઓ, મારા દોસ્તો આવે છે તો હું આવું પછી.."
એ ધારાને સંબોધતા બોલ્યો..