Pratham milan - 2 in Gujarati Love Stories by Aarti books and stories PDF | પ્રથમ મિલન - 2

The Author
Featured Books
Share

પ્રથમ મિલન - 2

અમે અંદર ગયા, પણ મે મારુ મન ત્યાં જ મુકી દીધેલું!

આમ તો હું અને ધારા આવી પ્રેમને લગતી વાતોથી કોસો દુર રહેતાં.. સ્કુલમાં અને ઘરમાં બસ ચોપડીઓ સાથે જ પ્રેમ!!
અમારી બંનેની ગણતરી સ્કૂલની હોશિયાર વિદ્યાર્થીનીઓમાં થતી.
પણ એવુ તો નથી જ કે હોશીયાર લોકો પ્રેમમાં ન પડી શકે!

એ વખતે મારી સાથે શું થઇ રહ્યું હતું એ ખબર જ ન પડી. પાર્ટીપ્લોટની અંદર હું વિચારોમાં સરકી ગઇ. મારી સોસાયટીમાં છોકરીઓ ઓછી એટલે મોટા ભાગની નવરાત્રિઓ મેં ધારાની સોસાયટીમાં કરેલી, વળી મારા માસી પણ ધારાના ઘરની સામે જ રહેતા એટલે અમુક પ્રસંગો અને બીજા તહેવારો પણ કરેલા.. પણ, આની પહેલાં મેં ક્યારેય દેવને ત્યાં જોયેલો જ નહોતો!
પેલુ કહે છે ને પ્રેમ થવાની તારીખ, સમય, સ્થળ બધુ નક્કી કરેલું હોય છે, બસ મારી સાથે કંઇક એવું જ બની રહ્યુ હતું..

વિચારોમાં હતી પણ મારી નજર એન્ટ્રી ગેટ પર જ હતી!

ત્યાં એ એના ફ્રેંન્ડસ સાથે આવ્યો.. અમે ગરબા શરૂ કર્યા.
એક બાજુ ગરબાની રમઝટ અને બીજી બાજુ આંખોની રમઝટ..!
દર વખતે મારી અને દેવની આંખ ટકરાતી અને હલકા સ્મિત સાથે એ ક્ષણ બદલાતી..
ગરબાની રમત હજુ બરાબર જામી હતી. ત્યાં જ એક ઘટના બની.. મારા બ્લાઉઝની એક પછી એક બધી દોરી તૂટી!! મને ખબર પડતા તરત જ મેં દુપટ્ટાથી પીઠ કવર કરી., પણ હવે?

હું ધારાને સાઇડમાં લઇ ગઇ અને એને વાત કરી..

"આરતી, આ તો સેફ્ટીપીનથી પણ સરખું નહીં થાય.." એ પાછળ જોતા બોલી.

"બધું તારા લીધે થયું છે, ના તું ઉતાવળ કરતી, ના હું આમ જોયા વગર તૈયાર થતી.. " હું ધારા પર ગુસ્સો કાઢતાં બોલી.

"એ બધું મુક, એક કામ કર હમણાં તો રિક્ષા નહીં મળે એટલે આપણે પાર્કિંગમાં બેસીએ, બસ હમણાં પુરા થઇ જશે ગરબા..." એ સાંત્વના આપતા બોલી..

દેવની નજર અમારા તરફ હતી.. એને અમે મુંઝવણમાં છીએ એવુ લાગ્યું એટલે એ અમારી પાસે આવ્યો.. ધારાએ એને બધી વાત જણાવી..

એ એનો દુપટ્ટો આપતા બોલ્યો, "અડધી કલાક જેટલો સમય બાકી છે, ધારા તમે બંને છોકરીઓ પાર્કિંગમાં એકલી જાઓ એ ઠીક નથી, હું જાઉ છું આરતી સાથે તું પછી આવ ગરબા પુરા થાય એટલે..."

આ સાંભળીને મારી અંદર એક અલગ લાગણી ફેલાઈ, ખુશ પણ હતી કે દેવની સાથે વિતાવવા સમય મળ્યો, અને ડર પણ હતો કે આમ એકલા એ અજાણ્યો છે હજુ..
પણ દેવે મને ખોટી પાડી. અમે લગભગ એકાદ કલાક સુધી બેઠા હતા, પણ એક વાર પણ કોઈ ફ્લર્ટ જેવી કોઈ જ વાત એણે કરી નહોતી.. બસ, નજર ઘણી વાર ટકરાતી હતી. એની આંખમાં મારા માટે મેં અલગ જ પ્રકારનું માન જોયેલું..

થોડા સમય બાદ ધારા ને એ બધા આવ્યા, અમે ઘરે જવા નીકળ્યા..

વિધી અને કોમલને ઉતાર્યા પછી મારો વારો હતો. ધારા મને ઘર સુધી મૂકવા આવેલી.. એણે જતા જતા દેવનો દુપટ્ટો માંગ્યો, પણ મેં એને કાલે આપીશ એવુ કહીને વાત ટાળી..

બીજા દિવસે એ દુપટ્ટાને સારી રીતે ઘડી વાળીને, એક સરસ થેલીમાં મુકી હું ધારાના ઘરે જવા તૈયાર થઈ..

હવે મુશ્કેલી એ હતી કે ધારા પાસે દેવના ઘરનું એડ્રેસ માગવુ કઈ રીતે, એતો તરત એમ કહે કે હું આપી દઈશ, અને મારે જાતે દેવને ત્યાં જવુ હતુ.
ધારાના ઘરે હજુ હું એને પુછતી જ હતી કે દેવ ક્યા રહે છે, આ દુપટ્ટો એને દેવો છે એ બધુ... કે ધારાએ મારા હાથમાંથી એ થેલી લઇને સામે કોઇ બે'ન સાથે વાત કરતા રમાઆન્ટીને પકડાવી દીધી અને કહ્યું કે આ દેવનો સામાન છે...

દેવ રમાઆન્ટીનો દીકરો હતો!!
એ જાણી હું ખુબ જ ખુશ હતી, રમાઆન્ટી સાથે તો મારી ઘણી વાર વાત થયેલી.. એ રમુજી મિજાજી હતા.. એમની લાઈનમાં હિન્દીભાષી લોકો વધુ એટલે એ ધારાની લાઈનમાં વધુ આવતા. એમા પણ એમને મારા માસી સાથે વધુ બનતુ..

"રમાઆન્ટી તો ગરબા જોવા આવે છે તો દેવ કેમ નથી આવતો? " મેં વાતમાં ને વાતમાં ધારાને પુછી લીધુ..

"એ એના દોસ્ત સાથે બાજુની સોસાયટીમાં જાય છે, અને 12 વાગ્યા પછી એ બધા અહીંયા આવે છે અને ત્યાં સુધી તો તમે ઘર ભેગા થઇ જાવ છો..!" ધારા કટાક્ષ કરતા બોલી..

એ સાચી પણ હતી, હું વધુ રોકાતી નહોતી..

તે દિવસે માસીએ મમ્મીને ફોન કરીને કહી દીધેલું કે હું એમના ત્યાં જ જમીશ અને ગરબા જોઇને પછી આવીશ, એટલે હું ત્યાં જ રોકાઇ..

ગરબા તો ગાયા પણ દેવ હતો નહી એટલે મજા આવી નહી..

લગભગ 12ની આસપાસ માસીને મમ્મીનો ફોન આવ્યો કે આરતીને એના પપ્પા લેવા આવે છે તો ગેટ સુધી આવી જાજો.

ભલે બાર વાગેલા પણ નવરાત્રિને લીધે અવરજવર ચાલુ હતી એટલે મેં માસીને ખોટો ધક્કો ખાવાની ના પાડી. હું એકલી જ ગેટ સુધી જવા નીકળેલી..

હજુ ગ્રાઉન્ડની બહાર નીકળી ત્યાં જ દેવ દેખાયો!
આ વખતે થોડીક વાત થયેલી..

"કંઇ જોઇએ છે?" હું બહાર તરફ જઈ રહી હતી એટલે એણે પુછ્યું..

"ના, હું ઘરે જાઉ છું. પપ્પા ગેટ પર છે."

"વિશાલ, કાલે આપણે પહેલા અહીં ગરબા રમીશું." એ નામ વિશાલનું (એનો ખાસ દોસ્ત) લઇ રહ્યો હતો અને વાત મને કહી દીધી.

"કાલે નહીં, હવે આઠમે નોરતે."
મને ખબર હતી કે હવે પપ્પા પરિક્ષા છે એટલે રોજ નહીં આવવા દે..
પણ આઠમે નોરતે માસીની આરતીનો વારો હોય એટલે હું અને મમ્મી આવવાના હતા.
આઠમે નોરતે મળવાના કોલ સાથે એ ટચુકડી મીટિંગ પૂરી કરી હું ગેટ તરફ આગળ વધી..