First Milan - 3 books and stories free download online pdf in Gujarati

પ્રથમ મિલન - 3

આઠમને તો હજુ ત્રણ ચાર દિવસ બાકી હતા પણ મને એ દિવસો સદીઓ જેવા લાગેલા..!
દિવસ નજીક આવતા આવતા મેં બધી તૈયારીઓ કરી લીધી હતી, ચણીયાચોળી બરાબર ચેક કરી હતી, ઓર્નામેન્ટસ્ વગેરે તૈયાર હતું...

આઠમને દિવસે હું માસીના ઘરે સાંજે પાંચ વાગતા હાજર થઇ ગયેલી..! મને આરતીની થાળી ડેકોરેટ કરવાનો શોખ, અને આજે માસીની આરતીનો વારો હતો એટલે એમની થાળી સરસ શણગારેલી...

આરતી બાદ બધાએ થાળીના વખાણ કરેલા, પણ મને સૌથી વધુ ત્યારે ગમ્યું જ્યારે રમાઆન્ટીએ મારા વખાણ કર્યાં..!
આ વર્ષે તો એમનો આરતીનો વારો જતો રહ્યો હતો, પણ આવતે વર્ષે એમની થાળી હું જ શણગારુ એવુ એમનુ મન હતું.. હજુ આવતા વર્ષની તો વાર તોય મેં મનોમન ડિઝાઇન નક્કી કરી લીધેલી..!

આરતી બાદ હવે વારો હતો ગરબાનો.. જો તમે ગરબાના શોખીન હોવ અને તમારી મનગમતી વ્યક્તિ સાથે ગરબા રમવા મળે તો એ એક અલગ જ મજા હોય છે.. મારુ પણ આજે કંઇક એવુ જ હતુ.. બીજા નોરતાથી લઇને આજ સુધી મનોમન રોજ જેની સાથે ગરબા રમ્યા હતા એ આજે સામે હતો..! અલબત્ત આ કોઈ પાર્ટીપ્લોટ નહોતો, અહિં મારા મમ્મી અને માસી સાથે ધારાની આખી સોસાયટી હતી..
એટલે મારી નજરુને કાબુમાં રાખવુ જરૂરી બન્યું હતું..! એમ છતાં હરખ તો હતો જ..

હજુ ગરબાની રમત જામી નહોતી એટલી વારમાં તો મમ્મી ઘરે જવા તૈયાર થયા.! પણ ધારા અને માસી બંનેએ જિદ કરી કે મને આજની રાત અહીં જ રોકાવા મળે, જો કે ધારાને હજુ ખબર નહોતી કે હું દેવને પસંદ કરુ છું, એ તો રમવા માટે મમ્મીને મનાવી રહી.. અને મને પરવાનગી મળી..

મમ્મી તો ઘરે ગયા.. થોડી વાર પછી નાસ્તાનો બ્રેક પડ્યો..

"આરતી, મારી એક ચા લેતી આવને. "
માસી મારી પાસે ચા મંગાવી રહ્યા હતા..
હું ગઈ તો ખરા પણ ત્યાં થોડી ભીડ હતી એટલે હું બાજુમાં ઉભી રહી..

"ચા લેવી છે? " અવાજ તો ઓળખી લીધો. દેવ મારી પાછળ જ ઉભો બોલ્યો.

"હા, માસી માટે. " એને જોઇને માંડ માંડ આટલું બોલી શકી..
એ જઈને બે કપ લઇ આવ્યો.

"એક જ જોઇએ છે."

"તું ચા નથી પીતી? "

હું પહેલાથી ચા નહોતી પીતી એટલે દેવને મેં ના પાડી છતાં એણે બે કપ લાવી આપી..
એમાંથી એક કપમાંથી એણે એક ઘૂંટડો લીધો અને મને આપી કહ્યું આજે એકવાર પી જો. એ ચાનો કપ જાણે એના પ્રેમનો પ્રસ્તાવ હોય, મેં એની સામે જ ચા પીધી જાણે એ પ્રસ્તાવ સ્વીકાર કર્યો..! એ પછી તો ચાની આદત પણ પડી છતાં એ દિવસની ચાનો સ્વાદ આજ સુધી કોઇ ચામાં મળ્યો નથી..

કંઇ પણ બોલ્યા વગર પ્રેમ રજુ થયો..
એ પછી જે ગરબા લીધા હતા.! પીધી તો ખાલી ચા જ હતી પણ નશો પ્રેમનો ચડેલો હતો..!

એ દિવસે દેવે મને પુછેલુ કે હું ફેસબુક પર છું કે નથી, અફસોસ મારી પાસે ત્યારે ફોન જ નહોતો.. પણ 12th પછી ફોન મળવાનો હતો..

એ પછી તો ખાલી ભણવામાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું..
જો કે દેવ દિલમાં યથાવત્ હતો.! પણ એ આઠમ પછી અમે મળ્યા નહોતા..

બારમાંની પરિક્ષા પાસ કરી પછી કૉલેજ શરૂ થઈ.. કૉલેજમાં હું અને ધારા છૂટા પડ્યા. એની અને મારી કૉલેજ અલગ અલગ હતી.. પણ દોસ્તી હજુ એમની એમ જ હતી..
કૉલેજમાં મારા ખુબ ઓછા દોસ્ત બનેલા..
ત્યાર બાદ મને મળ્યો ફોન..! એ અમારા ઘરમાં પહેલો સ્માર્ટફોન હતો..!
ફોન આવતાં જ મેં પહેલું કામ ફેસબુક એકાઉન્ટ બનાવવાનું કરેલુ.. ધારાના ફ્રેન્ડ લિસ્ટમાં દેવને જોઇ એને રિક્વેસ્ટ મોકલેલી.. અને મારો સારો એવો ફોટો અપલોડ કર્યો..

તે જ દિવસે સાંજે મને અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો.. હા, દેવ જ હોય ને.. બીજા કોઈને તો મેં રિક્વેસ્ટ મોકલી નહોતી..અને મેસેજ દ્વારા વાત શરૂ થઈ..

એ દરેક મેસેજમાં મારી તારીફ કરતો, મને ગમતુ પણ ખરું..
પણ ક્યારેક મોડી રાત્રે ફોન કરે, તો ક્યારેક કંઇક અલગ જ વાતો કરે.. મને ઓછુ ગમતુ એટલે હું જવાબ જ ઓછા આપતી..

મારી કૉલેજ દૂર હોવાથી હું બસમાં કૉલેજ જતી., કૉલેજના શરૂઆતના દિવસોથી જ એક છોકરો હંમેશાં મારો પીછો કરતો.. થોડા દિવસ મેં ઈગ્નોર કર્યું, પણ હદ ત્યારે થઇ જ્યારે એ મારા ઘર સુધી પહોંચી આવેલો..!
ધારા બીજી કોલેજમાં હોવાથી આ વાત હું એને કરી ન શકી, અને દેવ સાથે તો વાત જ ઓછી કરી દીધી હતી એટલે હું અંદરોઅંદર ડરી ગઈ હતી..

પણ વધુ ડર લાગ્યો એટલે મેં મારા ઘરે વાત કરી..
બીજા દિવસે પપ્પા મારી સાથે આવવા તૈયાર થયા.. પપ્પા પહેલાથી ગુસ્સામાં હતા, મેં જેવો પેલો છોકરો બતાવ્યો તરત જ પપ્પા એ તો એનો કોલર પકડ્યો..

"કેમ પીછો કરે છે મારી છોકરીનો? "

"અંકલ, તમે સમજો છો એવું નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ...!!!"

આ સાંભળતા જ મારી તો જાણે પગ નીચેથી ધરતી સરી પડી.. હું તો એને ઓળખતી પણ નહોતી અને એ તો...

"ના પપ્પા એ ખોટો છે.." હું રડુ રડુ થઇ રહેલી..

"અંકલ, તાળી બે હાથે જ પડે. તમને વિશ્વાસ ન આવે તો એનો ફોન તપાસી જુઓ..!"

એણે ફોનની કેમ વાત કરી? હું જેને દેવ સમજી વાત કરૂ છું એ આ તો..? આવા કેટલાય સવાલો મનને ઘેરી વળ્યા..

"તારી હિંમત કેમ થઈ મારી દીકરી ઉપર આળ લગાવવાની?" પપ્પા વધુ ગુસ્સો કરતા એને ઘણુ સંભળાવી રવાનો કર્યો..

"કૉલેજ પુરી થાય એટલે ફોન કરજે હું લઇ જઇશ. "

"હા"
પપ્પા તો ગયા. પણ મારા મગજમાં અસંખ્ય સવાલો સળવળી રહ્યા.. એટલામાં ઓલા નંબરથી મેસેજ આવ્યો..

"પપ્પા સામે કેમ મારો સાથ ન આપ્યો..?! "

મને એ વાંચીને આંચકો લાગ્યો.. જે શક હતો એ સાચું હતું...!

મેં એક પણ ક્ષણ બગાડ્યા વગર ધારાને ફોન લગાવ્યો..
ધારા આવી. મેં એને બધી વાત જણાવી. ધારાએ મને એ છોકરાને મળવા બોલાવા કહ્યું..! હું તો ના પાડતી હતી છતાં એ પેલા છોકરાને મળી..

એની સાથે વાત કરી તો જાણ્યું કે એને મારો નંબર ફેસબુક પરથી મળ્યો હતો.! મારો ફોટો એને ગમ્યો એટલે એણે મને મેસેજ કર્યો.. અને મેં રિપ્લાઇ આપ્યો એટલે એને એવું લાગ્યું કે હું પણ એને પસંદ કરુ છું..!

પણ હવે બધી ગૂંચવણ ઉકેલાઈ ગઈ હતી.. મેં એની માફી માંગી.. મારો નંબર ડિલિટ કરાવ્યો.. પછી થોડી હાશ થઈ..
એના પછી ધારાએ મારા ફેસબુક એકાઉન્ટ પર બધી પ્રાઈવસી કરી આપેલી..

"હા હા હા, ભોળા અને મૂરખ માણસો વચ્ચે તફાવત હોય.. હું તને ભોળી સમજતી પણ તું તો મૂરખની સરદાર નીકળી..! પુછવુ તો હતું કોણ છે સામે..? " ધારા મારા પર હસી રહેલી..

"હસી લે તું.. મને લાગ્યું એ દેવ હશે.. "

"દેવ તને કેમ મેસેજ કરે..? "

મેં ધારાને નવરાત્રિની આખી વાત કરી.. એ તો ખુશ થઈ..

" આપુ દેવભાઇનો નંબર?? " એ મારી મજાક કરી રહી હતી..

" ના, હવે દેવનું નામ જ નથી લેવું.. "

" તને સાચે પ્રેમ હોય તો એકવાર વાત કરી તો જો. " ધારા સમજાવી રહી હતી.

પણ જે હમણાં બન્યું એ ઘટનાએ મારા મન પર ઊંડી છાપ પાડી હતી.. હવે પ્રેમ વહેમ કંઇ જ નહીં.. દેવના નામ પર ચોકડી..
મેં મન મક્કમ કરેલું.. ધારા પણ સહમત હતી.. અને અમે ઘરે આવ્યા..